નવો અભિગમ Harshad Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવો અભિગમ

હર્ષદ દવે

નવો અભિગમ

નાના અકુલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે આઠ વર્ષનો છે. તેની માતા તેને ખૂબ મોટે મોટેથી વઢી રહી હતી કારણ કે ગણિતના હોમવર્કનો એક દાખલો કલાક થવા આવ્યો તો પણ તેને નહોતો આવડતો. રિયા અને રોનક બંને નોકરી કરતા હતા. રિયાએ આદિત્યની સંભાળ રાખવા માટે પોતાની કારકિર્દીમાં પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. હવે તેણે ફરીવાર પોતાની નોકરી શરુ કરી હતી. તેની સાથેના મિત્રો સીનીયર લેવલ પર પહોંચી ગયા હતા અને પોતે હજુ જુનિયર લેવલ પર જ હતી.

રોનક ઘરે આવ્યો ત્યારે અકુલ રડતો હતો. રિયા તેના પર ગુસ્સે થઇ કહી રહી હતી, 'આઠ ગુણ્યા છ કેટલા થાય અકુલ, ચાલ કહે જોઉં, મેં તને ગઈકાલે બે ઘડિયા (ટેબલ્સ) પાકા કરાવ્યા હતા, છતાં તને યાદ નથી. મારે શું કરવું? તને કાર્ટૂન અને વાર્તાઓ યાદ રહે છે પણ આટલા સહેલા આંક નથી આવડતા.'

અકુલ યાદ રાખવા માટે ઘણી મહેનત કરતો હતો, પણ તે એવું કાંઈ યાદ રાખી શકતો ન હતો, તેને થતું કદાચ ૪૮ થતા હશે પણ તે મમ્મીને જવાબ આપતાં ડરતો હતો, મારો જવાબ ખોટો પડશે તો? તે નારાજ થઇ જશે. તે મનોમન વિચારતો, 'મમ્મી, હું સુધરી જઈશ.' પણ તેને એ ખબર નહોતી કે પોતે કેવી રીતે સુધરશે. તેની ઈચ્છા તો ઘણી હતી કે હું યાદ રાખું અને તેમ કરીને મમ્મીને ખુશ કરી દઉં.

જયારે તે નાનો હતો, ત્યારે તે જુદી જુદી હરીફાઈઓમાં જીતી જતો તેથી તેને ઘણા ઇનામો મળતા હતા. તે અને તેની મમ્મી બહુ જ ખુશ રહેતા હતા. અને જેવો તે મોટો થયો કે એકાએક તેને થયું કે તેને આ જટિલ વિશ્વમાં ધકેલી દેવામાં આવ્યો છે, તેને ઘણી વસ્તુ સમજાતી નહોતી અને તેની સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓને એ વાતો સમજાતી હતી. તેને ડોક્ટર અને કાઉન્સીલર પાસે લઇ જવામાં આવ્યો. તેની માતાને એમ લાગ્યું કે તે બીમાર છે. તેને એ સમજાતું નહોતું કે ખરેખર તે બીમાર છે કે નહીં. ટીચર્સ કહે છે તેમ કદાચ તેની યાદદાસ્ત મારી જેમ નબળી હશે. તે નિર્ણય લઇ શકતો ન હતો.

આજે રાત્રે તેના પિતાજી ઓફિસેથી વહેલા ઘરે આવ્યા. તેઓ ખુશ હતા. હવે તેઓ તેને અણગમતી પરિસ્થિતિમાંથી છોડાવશે

જેવા તેના પિતાજી ફ્રેશ થયા કે તેણે અકુલને પ્રેમથી આલિંગન આપ્યું. અકુલને રાહત થઇ કેમ કે તેમણે મોટેથી હસીને કહ્યું, 'જાવ રમો'. તે ખુશ થયો, પરંતુ તેણે ત્રાંસી નજરે મમ્મીની મોટી આંખો સામે જોયું, અને ધીમેથી કહ્યું, 'પપ્પા, મેં મારું હોમવર્ક પૂરું નથી કર્યું!' તેના પપ્પાએ કહ્યું, 'હું કરી દઈશ, તું ફિકર ન કરતો.' અકુલ ફરીવાર પપ્પાને વળગી પડ્યો અને પોતાના મિત્રો સાથે રમવા બહાર જતો રહ્યો. રિયાને આ ગમ્યું નહીં. તેણે ગુસ્સાથી કહ્યું, 'શું તેને બદલે પરીક્ષા આપવા તમે જશો?'

અકુલ ગયા પછી રોનક રિયા પાસે આવીને પ્રેમથી બોલ્યો, 'એટલી બધી ચિંતા શા માટે કરે છે રિયા? ધીરે ધીરે તે સહુની સાથે થઇ જશે, ફિકર ન કર,' રિયા રોનક પ્રત્યે નારાજ હતી, રોનકે કહ્યું, 'શું તને લાગે છે કે આમ બૂમો પાડવાથી તું ઈચ્છે છે એમ એ કરશે? તેં એવું વિચાર્યું કે તેનામાં કાંઈક ખામી છે, પરંતુ માનસશાસ્ત્રીઓએ એ સાબિત કર્યું છે કે એવું કાંઈ છે જ નહીં. બધા બાળકો એકસરખાં નથી હોતાં.' રિયાએ સામું પૂછ્યું, 'અરે...હું તેની પાછળ કેટલો બધો સમય ગાળું છું. હું કાયમ તેને ફરી ફરીને એકડે એકથી બધું શીખવું છું, આ સિવાય હું શું કરું તે તમે જ કહો.'

રોનકે આકર્ષક સ્મિત કર્યું અને કહ્યું, 'હું તો એ જ ઈચ્છું છું કે તું તેની પાસેથી કોઈ અપેક્ષા ન રાખ. તે બધું ઝડપથી શીખી જાય કે એ તારા જેવો બને એવી અપેક્ષા ન રાખ.' રિયાએ ગુસ્સામાં મોં મચકોડીને કહ્યું, 'હું કાંઈ તેને એમ નથી કહેતી કે તે મારી જેમ દરેક બાબતમાં પ્રથમ નંબર લાવે, પણ તે આટલો બધો નબળો તો ન જ રહેવો જોઈએ. તે હવે ત્રીજા ધોરણમાં આવ્યો છે અને તેને પાંચ ગુણ્યા પાંચ કેટલા થાય તેની પણ ખબર નથી, તેનું શું થશે? તેના બધા મિત્રો જયારે બહુ આગળ જતા રહ્યા હશે ત્યારે તેને કેવું લાગશે? મને તો બહુ ડર લાગે છે રોનક, હું તેની પાછળ એટલી બધી મહેનત કરું છું તેમ છતાં તે સારા ગુણ નથી મેળવતો.'

રોનક મૌન રહ્યો. રિયા તેને હંમેશાં સહુથી સારું આવડે તેમ જ ઈચ્છતી. પોતે અત્યાર સુધી જે કાંઈ કર્યું હતું તેમાં તે હંમેશાં સર્વોત્તમ રહેતી હતી. તેને એ જ નહોતું સમજાતું કે અકુલ સારામાં સારો છોકરો છે. અકુલ બધાની સાથે બહુ સારી રીતે વર્તતો હતો, તે હંમેશાં બીજાને મદદ કરવા માટે પણ ઉત્સુક રહેતો. તે એક આશાસ્પદ બાળક હતો. છતાં આમ કેમ?

અને 'હવે શું કરવું?' એ પ્રશ્નનો જવાબ રિયાને તરત મળી ગયો.

થોડા દિવસો પછી રિયાના કાકી, દયાકાકી, તેમના ઘરે આવ્યા. તેનો પુત્ર લંડનમાં સ્થાયી થયો હતો. તે પ્રસંગોપાત્ત ભારતની મુલાકાતે આવતા અને સગાસંબંધીઓને મળતા. ઘણા વર્ષો પછી તેઓ તેમને ઘરે આવ્યા હતા. રિયા દયાકાકીને ચાહતી હતી. તેમના કોમળ અને પ્રેમાળ સ્વભાવને લીધે સહુ તેમને ચાહતા હતા. તે અકુલ સાથે રમતાં. તેમણે રિયાને કહ્યું, 'અકુલ બહુ સારો છોકરો છે.' રિયાએ ઠંડો પ્રતિભાવ આપતાં ધીમા અવાજે કહ્યું, 'હમ.....'. કાકીને લાગ્યું કે કાંઈક ખોટું છે, પરંતુ તેણે આગળ કોઈ વાત ન કરી.

અકુલ બહાર ગયો હતો ત્યારે તેણે પૂછ્યું, 'શું થયું રિયા?' એટલે રિયાએ મન મૂકીને અકુલ અને તેને લગતી પોતાની ચિંતા વિષે કાકીને કહ્યું. કાકીએ ધીરજથી બધી વાત સાંભળી. પછી તેઓ રિયાને લઈને ઘરની બાલ્કનીવાળા નાના બાગ પાસે આવ્યા. રિયા તેની સંભાળ રાખતી હતી. કાકીએ કહ્યું, 'હું જોઉં છું કે તારો બાગ સુંદર છે. તું બાગની માવજત કેવી રીતે કરે છે?' રિયાએ આનંદથી કહ્યું, 'કાકી, હું પોતે જ તેનું ખાસ ધ્યાન રાખું છું.' કાકીએ પૂછ્યું, 'આ એલોવીરાનો છોડ બીજા છોડો કરતાં નાનો કેમ છે? શું તેં તેને હમણાં જ વાવ્યો છે કે પછી તું તેને બરોબર પાણી નથી પાતી.?' રિયાએ ધીમે રહીને કહ્યું, 'ના, કાકી, એ તો મેં એક વર્ષ પહેલાં વાવ્યો હતો. હું તેની પણ બહુ કાળજી રાખું છું, પણ કેટલાક છોડ ઝડપથી વધે છે અને કેટલાક છોડને વધતા વાર લાગે છે.'

એટલે કાકીએ કહ્યું, 'તો એ વખતે તું શું કરે છે? શું તું ઓછા વધેલા છોડોને રોજ એમ કહે છે કે: 'ઝટ ઊગો, બીજા છોડવાઓને જુઓ, તમે ઝડપથી નહીં ઊગો તો તમારું જીવન નકામું થઇ જશે' કે પછી તું તેને હેતથી પંપાળીને રાખે છે અને તેને વધતા વાર લાગે છે તે છતાં તેને ચાહે છે?'

અને રિયાનાં મનમાં જાણે કે ઝબકારો થયો. તેણે પોતાની કાકી સામે જોયું, તેની આંખો છલકાઈ જવા આવી હતી.

દયાકાકીએ કહ્યું, 'બાળકોને શીખવવાની ઘણી રીત છે, કેટલાક બાળકો જોઇને શીખે, અમુક બાળકો સાંભળીને શીખે, કેટલાકને સમજાવીએ તો શીખે, થોડા બાળકો કામ કરીને શીખે. કોઈ ખરેખર એ જ કાર્ય ફરી ફરીને કરવાથી શીખે. માતા કે શિક્ષકે આ દરેક રીતે બાળકને શીખવી જોવું જોઈએ અને ત્યારબાદ બાળક જે રીતથી સહુથી વધારે સારી રીતે શીખી શકતો હોય તે મુજબ તેને શીખવવું જોઈએ. તું એવું ન માની લઇ શકે કે તારો બાળક મંદબુદ્ધિનો છે. દરેક બાળક બધાથી અલગ અને ખાસ હોય છે. તને એ નથી દેખાતું કે અકુલ તને ખુશ કરવા માટે કેટકેટલું કરે છે? તે તને બહુ ચાહે છે. જો તું અત્યારે તેને સ્નેહ અને પ્રેમથી સમજાવશે તો એ તમારા બંને માટે બહુ સારું રહેશે. જો તે એવું સ્વીકારી લેશે કે તે બીજા કરતાં મંદ છે અને હિંમત હારી જશે તો તું શું કરીશ?'

રિયા એ વિચારથી થરથરી ગઈ.

'તારા બાળકને બરાબર સમજ અને બધી બાબત સમજવામાં તેને મદદરૂપ થા. મને ખબર છે કે તું બહુ વ્યસ્ત રહે છે અને રોનક પણ તને ખાસ મદદ કરતો નથી. છતાં પણ મને ખાતરી છે કે જો એકવાર તું મનથી સ્પષ્ટ થઈને અકુલને સાથ આપશે તો રોનક પણ તને તેનાથી બનતી બધી મદદ કરી છૂટશે. બસ કોશિશ કર. કોઈપણ બાળક વિષે છેલ્લે પાટલે બેસીને નિર્ણય કરવો એ ઉતાવળિયું પગલું છે.'

રિયા ચૂપ રહી, તે પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. દયાકાકી જાણતા હતા કે હવે જયારે પોતે ફરીવાર અહીં આવશે ત્યારે તેને એક જુદો જ પરિવાર જોવા મળશે. તેણે બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ કે જેથી તેનો ઝડપથી વિકાસ થાય એ વિષે એક પુસ્તકમાં વાંચ્યું:

'શીખવાની અને શીખવાની મુખ્ય રીતો આ પ્રમાણે છે:

વિઝ્યુઅલ (જોઇને): ચિત્રો, તસ્વીરો અને દુન્યવી વસ્તુઓ જોઇને.

ઓરલ (સાંભળીને) : ધ્વનિ અને સંગીત.

શાબ્દિક (ભાષાકીય): શબ્દો, બોલેલા કે લખેલા.

શારીરિક: શરીર, હાથ અને સ્પર્શ.

તાર્કિક : તર્ક, કાર્યકારણ અને પદ્ધતિઓ.

સામાજિક : (વ્યક્તિ વ્યક્તિ વચ્ચે): સમૂહ, અન્ય લોકો.

એકાંત : (વ્યક્તિગત): એકલા. આંતરિક અભ્યાસ.

હવે રિયાના મનમાં ચિંતાને સ્થાને નવો અભિગમ વસી ગયો હતો!

===================================================

Contact:

8758746236

hdjkdave@gmail.com