પગરવ - 22 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગરવ - 22

પગરવ

પ્રકરણ – ૨૨

થોડીવાર પછી સુહાનીને કળ વળી એ ઝડપથી ઉભી થઈ ગઈ.... લેપટોપ એમ જ શરું છે હજું તો‌...એ એક ચીસ નાખતી બોલી, " જેણે પણ આ કર્યું છે હું એને છોડીશ નહીં..." ને એ ચીસ જાણે આખાં ઘરમાં પ્રસરીને ગુંજતી રહી...!!

સુહાનીએ બધું જ પોતાનાં લેપટોપમાં બેકઅપમાં લઈ લીધું. એ મનોમન બોલી, " કોણ હશે આ ષડયંત્ર રચનાર ?? એને સમર્થ સાથે શું દુશ્મની હશે એ જ મને સમજાતું નથી. સમર્થ એવું જીવનારો છે કે એનાં જીવનને જોઈને કોઈને પણ ઈર્ષ્યા જરૂર થાય પણ એની સાથે કોઈ દુશ્મની કરી શકે એવું તો વિચારી પણ ના શકાય....હવે તો મને ઉંડે ઉંડે એવું લાગી રહ્યું છે કે કદાચ એને અમેરિકા મોકલવો એ પણ ષડયંત્રનો કોઈ ભાગ નહીં હોય ને ?? "

એણે આશિષભાઈને ફરી ફોન લગાડ્યો તો ફોન ન લાગ્યો. એણે થોડીવાર પછી પણ પ્રયત્ન કર્યો તો નંબર સ્વીચ ઓફ બતાવવા લાગ્યો.

સુહાનીએ બીજાં એક બે જણાંને ફોન કરીને એમની પાસે એમનો કોઈ અલ્ટરનેટિવ નંબર હોય તો માંગ્યો. નંબર તો મળ્યો પણ એ નંબર પણ ન લાગ્યો...છેલ્લે સુહાનીને વિચાર આવ્યો કે એવું તો કંઈ નહીં હોય ને કે આશિષભાઈ કોઈ મુસીબતમાં આવી ગયાં હોય...એને એક વિચાર આવ્યો એણે પોતાનું એક જૂનું સીમકાર્ડ કાઢ્યું. એને પોતાનાં ફોનમાં શરું કર્યું. અને પછી એ નંબર પર ફોન કર્યો તો તરત જ ફોન લાગી ગયો. કદાચ અજાણ્યો નંબર જોઈને એ ફોન ઉપાડી લીધો. આશિષભાઈની પત્નીએ ફોન ઉપાડ્યો અને કહ્યું, " કોણ બોલો છો ?? "

સુહાની : " આશિષભાઈ મળશે ?? મારે એમનું બહું જરૂરી કામ છે... પ્લીઝ બે મિનિટ એમની સાથે વાત કરાવી શકશો ?? "

પહેલાં તો એણે કહ્યું, " એ તો નથી...પણ શું કામ છે ?? "

સુહાની : " પ્લીઝ, મારે એમની થોડી મદદ જોઈએ છે...આજ પછી હું તમને હેરાન નહીં કરું...કોઈની જિંદગીનો સવાલ છે.."

સામે ફોન સ્પીકર પર હોવાથી આશિષભાઈએ બધું સાંભળ્યું, એ બોલ્યાં, " સુહાનીબેન પ્લીઝ હવે તમે ફોન ન કરતાં..મારી અરજન્સીમાં મેનેજમેન્ટ દ્વારા રાતોરાત બદલી કરવામાં આવી છે...મને બેંગલોરની કંપનીમાં શિફ્ટ કરી દીધો છે...પ્લીઝ જો તમે મારી સાથે હવે વાત કરશો તો મારાં પરિવારનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે... પ્લીઝ તમે સમજી શકો છો...બાકી એક છેલ્લું વાક્ય કહીશ...કે સમર્થ પંડ્યાની ફાઈલ આખી મેનેજમેન્ટ દ્વારા એ વખતે લઈને કોઈ રીતે ક્લોઝ કરી દેવામાં આવી હતી બાકી મને કંઈ ખબર નથી...આજ પછી પ્લીઝ ફોન ના કરશો.‌‌..."

સુહાની : " મને માફ કરશો... મારાં કારણે તમને તફલીક થઈ. સોરી, હું આપને આજ પછી ક્યારેય ફોન નહીં કરું કે મળવાની કોશિષ નહીં કરું..." ને સુહાનીએ તરત ફોન મૂકી દીધો.

સુહાની વિચારવા લાગી કે આશિષભાઈની વાત પરથી સમજાય છે કે એ જે પણ છે એને મારી દરેક હિલચાલ પર સંપૂર્ણ નજર છે... કદાચ કાલની અમારી વાતચીત પણ એ જ કારણે અટકાવી દેવાઈ હશે....હવે મારે સંપૂર્ણ સજાગ રહીને કામ કરવું પડશે...!!

એનાં મગજમાં કોણ આવું કરી શકે એ અંગે વિચારો આવવાં લાગ્યા...એકદમ જ એનાં મગજમાં ઝબકારો થયો...કે મારાં આવ્યાં પછી મારી સાથે દરેક જગ્યાએ અનુસરી રહી છે મર્સિડીઝ કાર... હમમમ...કાલે આશિષભાઈ સાથે વાત થઈ ત્યારે પણ એ ગાડી ત્યાં હતી...ને કંપનીમાંથી નીકળતાં એ ગાડીનાં વ્યક્તિનું મને હેલ્પ કરવાં કહેવું...હવે મને લાગે છે એ કોઈ અનાયાસે બનેલી ઘટના નહોતી પણ બધું ગોઠવાયેલું જ છે... કોઈનાં દ્વારા.. શું કરું એ મુંઝાઈ ગઈ...આટલી મોટી લડતમાં સાથ આપનાર પણ કોઈ નથી કે ન કોઈ પરિવારજનો પણ નજીકમાં... હવે શું કરવું એની ચિંતામાં આખા દિવસની થાકેલી એ બેડ પર આડી પડતાંવેંત જ સૂઈ ગઈ.

*************

રવિવારનો દિવસ છે એટલે જોબની રજા હોવાથી સુહાની થોડી શાંતિથી ઉઠી. એને વિચાર્યું કે આજે એ પોતાની જૂની રૂમમેટ્સને મળી પણ પછી ફોન કરતાં ખબર પડી કે એ બંને ઘરે ગયેલાં છે...હવે એની પાસે કોઈ વિકલ્પ નથી. વળી હવે તો બહાર નીકળવાની પણ એને ઈચ્છા નથી..

થોડીવાર પછી પછી એણે તૈયાર થઈને સવિતાબેનને ફોન કર્યો. સુહાની ફોન કરે તો એ ઘરે જવા માટે જીદ્દ કરતાં હોવાથી એ ફક્ત સમર્થનાં મામાને જ ફોન કરીને એમનાં સમાચાર પૂછી લે છે. પણ આજે તો એનાં મામાએ સામેથી સવિતાબેનને ફોન આપ્યો. સવિતાબેન તો બહું ખુશ થઈ ગયાં..એમની એક જ વાત છે, " બધાં મને મૂકીને ક્યાં જતાં રહ્યાં. હું શું કામ અહીં રહું છું મારાં પરિવારને છોડીને મને તો એ જ નથી ખબર પડતી...મારો સમર્થ ક્યાં છે સુહાની ?? એ તો જ્યાં સુહાની હોય ત્યાં જ હોય ને ?? હું ઘરે જવાં કહું છું પણ કોઈ મને જવાં જ નથી દેતાં..."

સુહાની પાસે કોઈ જવાબ નથી. એ બોલી, " હા મમ્મી તમારું ધ્યાન રાખો અમે બહું જલ્દીથી આવીશું બસ..."

આ સાંભળીને સવિતાબેન ખુશ થઈને નાનાં બાળકની જેમ તાળીઓ પાડીને કહેવા લાગ્યા, " હું તમારી રાહ જોઈશ... તમારાં લગ્ન પણ કરાવાના છે મારે અને સૌનકે...ચાલ બેટા હજું બહું તૈયારી કરવાની બાકી છે મારે...આવજે " કહીને ફોન મૂકી દીધો.

ફોન મુક્યા બાદ સુહાની રીતસરની રડી પડી. એને થયું કે આ બધું કરનાર જે પણ હશે એનો પરિવાર, એને કોઈ પ્રેમ કરનાર નહીં હોય ?? કે એ કોઈને પ્રેમ નહીં કરતો હોય ?? મને તો એ જ સમજાતું નથી કે ભગવાન આવાં લોકોને પણ કેમ બનાવતો હશે ??

એને જેમ તેમ કરીને આજનો દિવસ પતાવવાનું નક્કી કર્યું. પછી એને બધું જ આગળની યોજના બનાવી. એની પાસે બે વિકલ્પ છે કાંતો આગળ વધે કોઈ પણ રીતે અથવા પછી આ મિશન છોડીને ડભોઈ પાછી ફરી જાય....

સુહાનીને થયું કે પણ પાછાં ગયાં પછી શું ?? એ જ કે પરિવારજનો ફરી કોઈ છોકરાંઓને બતાવશે ને બીજાં કોઈ સાથે મારાં લગ્ન નક્કી કરાવશે...પણ સમર્થ વિના તો સુહાની હંમેશા અધુરી છે...અને એમાં પણ સમર્થ આ દુનિયામાં નથી એની કોઈ ખાતરી નથી વળી એક અવાજ કેવીરીતે ભૂલી શકે...?? વળી સમર્થનાં મમ્મીનું શું ??

સુહાની બરાડી ઉઠી, " નહીં... નહીં... હજું તો મારે અગ્રવાલની ચેમ્બર સુધી પહોંચવાનું છે...." ને એ પડઘાં ક્યાંય સુધી રૂમમાં ગુંજતા રહ્યા.

રવિવારનો દિવસ પસાર કરીને સુહાની સોમવારે ઝડપથી ઓફિસ પહોંચી ગઈ. આજની બધાંની મીટીંગ શરું થવાની છે સીઈઓ સાથે‌...આજ સુધી ક્યારેય કોઈ મેનેજમેન્ટ અને મોટાં ઓફિસર સિવાય કોઈને પણ એ મળ્યાં નથી બધાંએ પણ કદાચ કહી શકાય કે ફક્ત એન્યુઅલ ફંક્શન સિવાય કદાચ એમને ખાસ જોયાં પણ નથી...આજે અચાનક સીધાં એમની કેબિનમાં જવાનું છે બધાંને મનમાં ફફડાટ થવાં લાગ્યો છે.

શું કરશે ?? શું પૂછશે ?? કારણ કે હવે કંપનીનું સમગ્ર સંચાલન એમનાં હાથમાં છે...એ ધારે એને રાખે ન ધારે એને કાઢી પણ શકે...!! વળી સવારમાં આવતાં જ કોઈનાં દ્વારા ખબર પડી કે આશિષભાઈની કોઈ કારણોસર રાતોરાત બેંગલોરની કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. એમને બે ઓપ્શન આપવામાં આવ્યાં કાંતો બેંગલોર સોમવારે પહોંચી જવું અથવા સોમવારે અહીં રાજીનામું આપવું.‌‌..

ઘણાં બધાં લોકો પરિવાર સાથે જવાબદારીવાળા છે જેમને જો અચાનક જોબ છૂટે તો બહું મોટો ફટકે પડે...!! પણ કોઈ વિકલ્પ નથી. બધાં વિચારે છે એકલામાં એમનો સામનો કરવો એનાં કરતાં તો બધાં સાથે જવું સારું... બધાં માનસિક રીતે તૈયાર થઈને ગભરાતાં પોતાનાં નંબર મુજબ જવાં લાગ્યાં...!!

નવ વાગ્યે બધાંની મીટીંગ શરું થઈ. બધાં એકપછી એક અંદર જઈને બહાર આવવાં લાગ્યાં. ઘણાં ખુશ છે તો ઘણાં ચિંતામાં... કોઈનું જાણે આજે કામમાં મન જ નથી લાગી રહ્યું.

ધારા એટલામાં આવીને બોલી, " સુહાની મને તો ટેન્શન થાય છે... કંઈ કહેશે તો નહીં ને ?? આપણે બંને સાથે હોત તો પણ સારું..."

સુહાની : " ડૉન્ટ વરી યાર...મારી સાથે તો બધાં બોયઝ્ છે શું કરવાનું ?? ખબર નહીં કઈ રીતે બધું સેટ કરેલું છે. કંઈ નહીં જઈને આવી જવાનું... બીજું તો શું ?? "

ધારા : " મારો તો ત્રણ વાગે વારો આવી પણ જશે...તારે તો લેટ છે ને ?? "

સુહાની : " લેટ થશે તો રોકાવું પણ પડશે... મીટીંગ માટે..."

ધારા : " હમમમ... બધાં એવું કહે જ કે એ કંઈ બે લીસ્ટમાં નામ લખી રહ્યાં છે અમૂકનાં એકમાં તો અમૂકનાં બીજામાં...વળી બહું ઓછાં નામ છે જે એક બીજાં કાગળમાં લખાયાં છે...વળી એમની પાસે સાઈન કર્યા પછી કેટલાં નથી આવ્યાં કે કેટલાં લોકો એ સહી નથી કરી બધી જ માહિતી છે ત્યાં..."

સુહાની : " હમમમ... જોઈએ હવે શું થાય છે ?? તું ચિંતા કર્યાં વિના જા જરાં પણ..."

ધારા ફરી પોતાના કામમાં પરોવાઈ ગઈ. સુહાની મનમાં હસવા લાગી , " આજે તો હું પણ જાણીને રહીશ કે કોણ છે આજે શતરંજનો મોટો ખિલાડી ?? "

થોડીવારમાં જ ધારા નંબર આવતાં એ ગઈ કે તરત જ સુહાનીએ એક મેઈલ કર્યો અને કોઈ સાથે ફોન પર વાત કરી. પછી એ એની ચેમ્બરમાંથી ક્યાંક બહાર નીકળી ગઈ !!

લગભગ સાડા પાંચ થતાં સુહાનીની સાથે જનારાં બે છોકરાઓ સુહાનીમેમ.. સુહાનીમેમ...ની બૂમો પાડવા લાગ્યાં...ચાલો મીટીંગમાં આપણો નંબર આવી ગયો છે. પણ સુહાનીનો ક્યાંય અતોપતો ન લાગ્યો.

ક્યાં ગઈ હશે સુહાની ?? સુહાનીનાં મીટીંગમાં ન જવાથી કોઈ ફેર પડશે ?? સુહાનીનો કોઈ પ્લાન હશે કે એ પોતે કોઈ જાળમાં ફસાઈ ગઈ હશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......