Antim yuddh books and stories free download online pdf in Gujarati

અંતિમ યુદ્ધ




અંતિમ યુદ્ધ

“નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યુઝ 13. સુત્રો દ્વારા મોટા સમાચાર મળી રહ્યા છે, મહેતા ગ્રુપ ઓફ કમ્પનીઝના ઓનર અને ગુજરાત કબડ્ડી લીગના જાણીતી ટીમ ‘અમદાવાદ લાયન્સ’ના ઓનર શ્રી ધનરાજ કે. મહેતાની હત્યા કરવામાં આવી છે, જી હાં દોસ્તો, આજ વહેલી સવારે અમદાવાદ પોલીસે જાણીતા બીઝનેસમેન ધનરાજ મહેતાની લાશ તેમની જ ફેકટરીના ટેરેસ પરથી હસ્તગત કરી છે અને લાશ પાસે બે બંદુક પણ મળી હોવાનું પોલીસ ખાતાએ જણાવ્યું છે. આ કેસમાં આગળની તમામ કાર્યવાહી અમદાવાદ પોલીસ અને ડોલ્ફિન ડિટેક્ટીવ એજન્સીઝના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે. આગળની જાણકારી અમે તમારા સુધી પહોંચાડતા રહેશું, જોડાયેલા રહેશો અમારી સાથે, કેમેરામેન અખિલની સાથે હું મયુર નાયક, ન્યુઝ 13, અમદાવાદ.”

ટીવીપર આવી રહેલા આ સમાચાર આખા અમદાવાદ શહેરમાં એક ભયજનક અને આશ્ચર્યજનક વાતાવરણ ઉભું કરી રહ્યા હતા. અમદાવાદમાં હાહાકાર મચાવી દેનાર આ સમાચારે અશાંતિનું વાતાવરણ ઉભું કર્યું હતું. ધનરાજ મહેતાની હત્યા પછી ટેક્ષટાઈલ ઉદ્યોગમાં એક ડર ઉભો થયો હતો. ‘ધનરાજ મહેતા મર્ડર કેસ’ સમગ્ર અમદાવાદ શહેર મારે કરંટ હોટ ટોપિક હતો.
_____________________________________
કેશવાણી ટેક્ષટાઈલની ઓફિસમાં આઈફોનની રીંગ વાગી રહી હતી.
“હેલ્લો કેશવાણી સાહેબ, આપણી બધી જ ડીલ શક્ય તેટલી વહેલી કરી લેવી જોઈએ. ધનરાજનું મર્ડર થયું છે, કદાચ હવે પછી આપણો પણ વારો હોઈ શકે.”
“અરે પ્રદીપભાઈ, તમારું પેમેન્ટ આ અઠવાડિયે જ ક્લીયર કરાવી આપીશ, હા પણ હવે બધું સંભાળીને કરવું પડશે. આ કેસ હવે DDA પાસે છે, DDA ના બધા જાસૂસની તપાસ ખુબ જ ખતરનાક હોય છે.
“મને પણ એવું જ લાગે છે કેશવાણી સાહેબ, આપણે ખુબ ધ્યાન રાખવું પડશે. DDA ની નજર હવે આપણા ખાતા પર પણ પડી શકે.”
“જોયું જશે, ચાલો સાહેબ, મળીએ પછી. ધ્યાન રાખજો.”

“નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યુઝ 13, ધનરાજ મહેતા મર્ડર કેસની ઘટનાને એકાદ માસ જેવો સમય વીતી ગયો છે. અમદાવાદ પોલીસ દ્વારા આ કેસ પર ઇન્સ્પેક્ટર જયદીપસિંહ જાડેજાની ખાસ નિમણુક કરવામાં આવી છે જ્યારે DDA દ્વારા આ કેસ હવે જાસૂસ ડી.કે. પાઠકને સોંપવામાં આવ્યો છે.”
આ સમાચાર સાંભળીને જીતેન્દ્રભાઈએ ટીવી બંધ કરીને એક ઊંડો શ્વાસ લીધો. થોડી વાર પછી તેઓએ એક ફોન લગાવ્યો.
______________________________________________
અમદાવદના ટેક્ષટાઈલ માર્કેટમાં એક જ વિષય ચર્ચાઈ રહ્યો હતો. સતત એક મહિના સુધી આ ટોપિક માર્કેટમાં ધમધમી રહ્યો હતો. વાતાવરણ હજુ ગંભીર હતું. અમદાવાદ પોલીસની તપાસ પણ ખુબ જ અસરકારક રીતે થઇ રહી હતી. એક તરફ અમદાવાદ પોલીસે આ કેસની કમાન હવે ઇન્સ્પેક્ટર જયદીપસિંહ જાડેજાને સોંપી અને બીજી તરફ DDA દ્વારા આ કેસની તપાસ ડિટેક્ટીવ ડી.કે. પાઠકને સોંપવામાં આવી. આ બંને વ્યક્તિઓ પોતાના ક્ષેત્રના પાક્કા ખેલાડીઓ. ક્રાઈમ વર્લ્ડના મોટા મોટા ગુનેગારોને સીધાદોર કરનાર ઇન્સ્પેક્ટર જાડેજા અને જાસૂસ વિશ્વના બાદશાહ તરીકે ઓળખાતા જાસૂસ ડી.કે. પાઠક હવે આખા અમદાવાદની આશાનું કિરણ બન્યા હતા. ટેક્ષટાઈલ માર્કેટ માટે પણ આ સમાચાર ખુશીના સમાચાર કહી શકાય.
_____________________________________________
“હેલ્લો, કહો અંકલ. શું કામ છે?” અંશે જીતેન્દ્ર અંકલને પૂછ્યું.
“જલ્દી ટીવી ચાલુ કર અને સમાચાર જો.”
“ઓહ! ઠીક છે. આપણે સવારે ઓફિસે મળીશું, અત્યારે થોડો કામમાં છું. જય મુરલીધર.” અંશે ફોન તો મુક્યો, પણ ટીવી પર આવી રહેલા સમાચાર સાંભળીને એ ચિંતામાં મુકાયો.
અમદાવાદ પોલીસ અને DDA ની તપાસ હવે જોરશોરથી ચાલી રહી હતી. થોડા સમય પછી ડી.કે. પાઠકના હાથે એક પેનડ્રાઈવ લાગી. આ પેનડ્રાઈવમાંથી એક ઓડિયો ફાઈલ મળી હતી. આ કેસમાં ચાલી રહેલી બધી જ તપાસને એક અલગ જ દિશા તરફ લઇ જનાર આ ઓડિયો ફાઈલ સફળતાનું પ્રથમ સોપાન હતું. જાડેજા અને પાઠક બંને બાળપણના મિત્રો હતા, આ કેસની ચર્ચા તેઓ એકબીજા સાથે ખુલીને કરતાં હતા, બંનેને એકબીજા પર પોતાનાથી પણ વધારે ભરોસો હતો.
જાડેજાને પણ અમુક કડીઓ ધીરે ધીરે સમજાવવા લાગી હતી. ઇન્સ્પેક્ટર જાડેજાને એક એવી વસ્તુ હાથ લાગી જે આ કેસને તરત જ ઉકેલી શકે.
“હેલ્લો, ઇન્સ્પેક્ટર જાડેજા વાત કરું છું. આપ કોણ?”
“એ જાડેજા, તું આ કેસનું ઇન્વેસ્ટીગેશન છોડી દઈશ તો તારા માટે સારું રહેશે.” અજાણ્યા નંબર પરથી આવેલ કોલમાં એક ભારે અવાજ સંભળાઈ રહ્યો હતો.
“કોણ બોલે છે?”
“હું તારો શુભચિંતક, મારી સામે દલીલ ના કરીશ. નહીં તો....”
“નહીં તો શું? શું કરી લઈશ તું? તારા જેવા તો ઘણાં આવ્યા. હું આ તપાસ નહીં છોડું.”
“તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહેજે.”
આગળની તપાસ માટે ઇન્સ્પેકટર જાડેજાને સુરત જવાનું થયું. ખરી મુસીબત તો હવે આવવાની હતી. જાડેજા સાહેબ અમદાવાદથી સુરત જવા રવાના થયા ત્યારે અમદાવાદ સ્ટેશન પર જ ડી.કે. પાઠકે તે પેનડ્રાઈવ પોતાના મિત્ર જાડેજાને આપી અને સાચવવાનું કહ્યું.
આ કેસની તપાસે હવે ઘોડાવેગી રફતાર પકડી હતી. આ કેસથી જોડાયેલા ઘણાં નાના પાસાઓ હવે ખુલી રહ્યા હતા. પોતાની ઓફિસમાં બેસીને પાઠક સાહેબ બધી કળીઓને જોડવાની કોશિશ કરી રહ્યા હતા. થોડી વાર પછી તેમનો ફોન રણક્યો.
“હેલ્લો,”
“ડી.કે. પાઠક ફ્રોમ ડોલ્ફિન......”
સામે વાળી વ્યક્તિએ તેમને અટકાવતા કહ્યું. “મારે તારો પરિચય નથી જોઈતો. સાંભળ, અમને ખબર છે કે તે જાડેજાને એક પેનડ્રાઈવ આપી છે. તું આ કેસ છોડી દે અને એ પેનડ્રાઈવને પણ ભૂલી જા. જો તું આ કેસ છોડી દઈશ તો ફાયદામાં રહીશ.” આટલું કહીને સામેની વ્યક્તિએ ફોન કાપી નાખ્યો.
પાઠકના મનમાં અનેક સવાલો ઉભા થયા. તેને તરત જ એજન્સીના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો.
“એક નંબર મોકલી રહ્યો છું. એને જલ્દી ટ્રેસ કરો.”
“ઓ.કે. સર”
થોડી વાર પછી કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો. “સર, આ નંબરનું લોકેશન વારંવાર બદલાઈ રહ્યું છે. લાગે છે આ કોઈ હેકરનું કામ છે. આ નંબરને ટ્રેસ કરવો ખૂબ જ મુશ્કેલ છે.
“ઠીક છે.”
થોડી વાર પછી ડી.કે. પાઠકના ફોન પર એક અજાણ્યા નંબરથી એક મેસેજ અને વિડીઓ આવ્યા. આ વિડીઓ જોઇને ડી.કે. ની આંખો પહોળી થઇ ગઈ.

એમ. વિલામાં ઉદાસીનું વાતાવરણ થોડું હળવું પડ્યું હતું. ધનરાજની હત્યાને બેક માસ જેવો સમય વીતી ગયો હતો. શોભના અને નીલા મોબાઈલમાં વ્યસ્ત હતા.
“મોમ, આંટી, તમે લોકો કેમ સાવ શાંત બેઠા છો? અને આ ડી.કે. પાઠક કેમ આપણી પાછળ પડ્યો છે? હત્યારાને તો શોધી નથી શકતો એ. મેં બે મહિનાથી મારા મ્યુઝીક ક્લાસ પણ એટેન્ડ નથી કર્યા. હું ત્રાસી ગઈ છું આ બધાથી.”
“પ્રાચી, આ કેસ મહેતા ફેમેલી માટે અને આખા અમદાવાદ માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે. ડી.કે. પાઠક આ તારા પપ્પાના હત્યારાને શોધી લેશે. મને એના પર પૂરો ભરોસો છે. એ ગુજરાતનો નામી જાસૂસ છે.” જીતેન્દ્ર કાકા અખબારને એક બાજુ મુકીને બોલ્યા.
“તો પૂજા કરો એની, હંહ.....” આટલું કહિને તેણી પોતાના રૂમ તરફ જતી રહી. બધા લોકોએ તેણીને રોકવાનો પ્રયત્ન પણ કર્યો, પણ ગુસ્સા પર તેણી કાબૂ ના મેળવી શકી.
“ઓહ! ડેડ, મને આયુષનો મેસેજ આવ્યો છે. એ ન્યુઝ જોવાનું કહે છે.” રશ્મીએ કહ્યું.
“નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યુઝ 13. આજના મુખ્ય સમાચાર છે આ પ્રમાણે. આજ સવારે ગુજરાત કબડ્ડી એશોસીએશનની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગુજરાત કબડ્ડી લીગ સીઝન ૮ મુખ્ય વિષય રહ્યો હતો. GCA ના પ્રમુખ નવનીત કુમારે જણાવ્યું છે કે ગુજરાત કબડ્ડી લીગ સીઝન ૮ ની તૈયારીઓ શરુ થઇ ચુકી છે અને આ વર્ષે GKL ના ઓક્શન એપ્રિલમાં થશે. આ ઓકશનમાં ૮૭ જેટલાં નવા ખેલાડીઓ ભાગ લેશે.”
“હવે પ્રશ્ન એ છે કે છેલ્લાં બે વર્ષથી કબડ્ડી ચેમ્પિયન બની ચુકેલી ટીમ અમદાવાદ લાયન્સને નવા માલિક મળશે કે પછી જીતેન્દ્ર મહેતા અમદાવાદ લાયન્સને પોતાની પાસે જ રાખશે. ક્યાંય જશો નહીં, કેમેરામેન અખિલ સાથે હું જીગર કારિયા, ન્યુઝ 13.”

ડી.કે. પાઠકના ફોનમાં આવેલ વિડીઓ આ કેસ માટે નિર્ણાયક સાબિત થવાનો હતો, પણ એ વિડીઓ મીડિયાને આપવાને બદલે પાઠકે પોતાની પેનડ્રાઈવમાં કોપી કરીને ફોનમાંથી તરત જ ડીલીટ કરી નાંખ્યો. તે તરત જ કાંકરિયા વિસ્તાર પહોંચ્યો. કાંકરિયા વિસ્તાર પાસેની અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગમાં પહોંચતા જ સામેનું દ્રશ્ય જોઇને તે અવાચક રહી ગયો.
ત્યાં એક વ્યક્તિને કિડનેપ કરવામાં આવ્યો હતો. મોં પર પટ્ટી મારેલી, હાથ-પગ બાંધેલા અને શરીરની ગંભીર હાલત જોઇને પાઠકે તરત જ તેના હાથ-પગ ખોલ્યા અને મોં પર બાંધેલી પટ્ટી પણ હટાવી. કિડનેપ થયેલો એ વ્યક્તિ કશું બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ પોતાની ગંભીર હાલતને કારણે કશું જ કહી શકતો નહોતો. પાઠકે તરત જ એમ્બ્યુલન્સબોલાવીને તેને હોસ્પિટલ ખાતે ખસેડ્યો. પાઠક હજુ ત્યાંથી નીકાલ્ત્તો જ હતો કે તરત જ તેને એક ફોન આવ્યો.
“હેલ્લો,”
“જો પાઠક, તને હજુ કહું છું, આ કેસ છોડી દે, તું માંગીશ એટલી રકમ મળશે.”
“પણ કોણ છો તમે? અને હું આ કેસ શા માટે છોડું?”
“તારા પ્રશ્નનો જવાબ તને જલ્દી જ મળશે. ગુડ બાય.” આટલું કહીને સામેથી તરત જ ફોન કટ થઇ ગયો અને અચાનક તેના પર ફાયરીંગ થયું. સ્વબચાવ માટે તેને પોતાની સાથે રાખેલી રિવોલ્વરથી ગુંડાઓ પર ગોળીબાર કર્યો. ગોળીબાર દરમિયાન બે ગુંડાઓ ત્યાંથી નાસી ગયા અને એક વધારે ઈજાના કારણે ત્યાં જ ઢળી ગયો.
“બોલ, કોણે મોકલ્યા છે તમને?”
ગુંડાનો કોઈ જ પ્રત્યુતર નાં મળતાં પાઠકે તેને એક મુક્કો માર્યો.
“જો તું જવાબ નહીં આપે તો તારી ખુબ જ પાતળી હાલત કરીશ. બોલ જલ્દી...” ગુંડાના માથા પર રિવોલ્વર રાખીને પાઠકે પૂછ્યું. “કોણ છે તારો બોસ?”
“પ...પ....પ્રયાગ પાંડે...”
આ કેસમાં એક નવું જ નામ ખુલ્યું હતું. કેસ હવે વધારે જટિલ બની રહ્યો હતો. પાઠક માટે આ કેસને ઉકેલવો એ મોટો પડકાર બની ગયો હતો. પોતાની ઓફિસે પહોંચીને સૌથી પહેલું કામ ઇન્સ્પેક્ટર જાડેજાને ફોન કરવાનું કર્યું.
“હેલ્લો,”
“હા પાઠક, કોઈ માહિતી કે પુરાવાઓ મળ્યા કે?”
“એ બધું છોડ, મારે તને મળવું છે. અરજન્ટ છે. તું અમદાવાદ ક્યારે પહોંચીશ?”
“હું કાલ સવારે ચાર વાગ્યે પહોંચી જઈશ એરપોર્ટ પર. પણ થયું છે શું એ તો જણાવ.”
“એ બધું કાલે જ કહીશ. આપણે સવારે નવ વાગ્યે મારી ઓફિસે મળીએ.”
પાઠકની વાતથી ઇન્સ્પેક્ટર જાડેજા ચિંતામાં મુકાયા. તેમની સુરતની તપાસ પણ હવે પૂરી થઇ હતી. તેઓ વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા. ઘરે જઈને થોડો આરામ કર્યો અને પોણા નવ વાગ્યે પાઠક સાહેબની ઓફીસ જવા રવાના થયા.

મોડી રાત સુધી બહાર રખડીને પાર્ટી કરીને ઘરે આવેલ અંશની હાલત લથડતી અને વધારે ખરાબ જણાતી હતી. તે હોલથી પોતાના રૂમ સુધી પણ માંડ માંડ પહોંચ્યો હતો. ખિસ્સામાંથી ફોન કાઢીને બેડ પર ઘા કર્યો અને પોતે ઢળી પડ્યો. દારૂનો નશો હજુ ઉતાર્યો ન હતો. તે કશું બબડી રહ્યો હતો. થોડી વાર પછી બેડ પર ઘા થયેલો ફોન રણક્યો.
“હેલ્લો, કોણ બોલે છે?” દારૂના નશાની હાલતમાં તે લથડતા બોલ્યો.
“કેશવાણી બોલું છું સાહેબ, હવે બહુ થયું. જો તે દસ્તાવેજ પર દસ દિવસમાં સહી ના કરી ને, તો હવેથી અમદાવાદ લાયન્સની જર્સી પર મહેતા ગ્રુપનો એમ નહીં, પણ કેશવાણી ગ્રુપનો કે દેખાશે. દસ્તાવેજ પર વહેલી તકે સહી કરો મિસ્ટર અંશ મહેતા.”
આટલું સાંભળીને અંશ સફાળો જાગ્યો અને દારૂના નશામાંથી બહાર આવી ગયો. અંશે તરત જ એક ફોન લગાવ્યો.
“હેલ્લો, આ કેશવાણીનું હવે કંઈક કરવું પડશે. મને ધમકી આપી છે એણે. જો તેણે મોઢું ખોલ્યું તો અમદાવાદ લાયન્સ મારા હાથમાંથી જતી રહેશે. તમે જલ્દી એને ઠેકાણે પાડો.
“ઠીક છે. હું એને જોઈ લઈશ. પણ હમણાં અઠવાડિયું શાંતિ રાખજે. અત્યારે ટેક્ષટાઈલ માર્કેટ વધારે ગરમ છે અને આ અઠવાડિયે જ અમદાવાદ ટેક્ષટાઈલ એસોસીએશનની બોર્ડ મીટીંગ છે. આ મીટીંગ પત્યા પછી એને પતાવી દઈશું.”
“ઓકે.”

ઇન્સ્પેક્ટર જાડેજા પાઠકની ઓફીસ પર પહોંચી ગયા. પાઠક સાહેબે ઇન્સ્પેક્ટર જાડેજાને બધી વાત કરી. પોતાના ફોનમાં અજાણ્યા નંબરથી આવેલા વિડીઓ વિશે પણ બંનેએ ચર્ચા કરી. ડી.કે. પાઠકને વિડીઓ મોકલનાર એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શહેરના ખ્યાતનામ પત્રકાર મયુર નાયક હતા. પાઠકે એ વિડીઓ જાડેજા સાહેબને પણ બતાવ્યો. તે વીડીઓનો સંદેશ કંઈક આ રીતે હતો.
“હું મયુર નાયક. હું આ વિડીઓ એટલે બનાવું છું કે કદાચ હવે હું વધારે જીવતો નહીં રહી શકું. મને ખબર છે કે તમને એક પેનડ્રાઈવ મળી છે. પણ એ પેનડ્રાઈવમાં જે ઓડિયો છે તે માત્ર તમને ગુમરાહ કરવા માટેનો છે. એ ઓડિયોમાં ધનરાજ સેઠના મેનેજર પ્રયાગ પાંડેએ બધા જ આરોપ પોતાના પર લઈને આ કેસને દબાવવાની કોશિશ કરી છે. પણ હકીકત તો એ છે કે, આ હત્યા કુલ ત્રણ લોકોએ મળીને કરી છે, જેમાં ધનરાજ મહેતાનો દીકરો અંશ મહેતા અને મેનેજર પ્રયાગ પાંડે શામેલ હતા. પણ આ ત્રીજું વ્યક્તિ કોણ છે એ મને પણ ખ્યાલ નથી. એ તમારે શોધવાનું છે. અંશ મહેતાએ પ્રયાગ પાંડેને એક કરોડ રૂપિયા આપ્યા હતા. વાત એમ છે કે, અંશ મહેતા પોતાનું એક અલગ જ યુનિટ ખડું કરવા માંગતો હતો. પણ ધનરાજ શેઠે તેનો વિરોધ કર્યો અને નવા યુનિટ માટે રોકાણ કરવાની ના પાડી. અંશથી આ સહન ના થયું અને તેણે કંપનીના હિસાબોમાં ગફ્લા કરવાનું ચાલુ કર્યું. આ વાતની જાણ ધનરાજ શેઠને થઇ ગઈ હતી એટલે જ ધનરાજ શેઠે મને આ લોકોની પાછળ લગાવ્યો હતો. મેં જે કહ્યું એની સાબિતી મારા ઘરે કી સ્ટેન્ડ પાછળ એક મેમરી કાર્ડ છે તેમાં છે. ઓહ! સર, અહીંયા ફાયરીંગ થાય છે અને આ લોકો કદાચ મને પણ નહિ છોડે....”
જાડેજા આ વિડીઓ જોઇને ચોંકી ગયો.
“પાઠક, જ્યારે મારી ટીમ ગોડાઉન પહોંચી ત્યારે એમને મયુર પાસેથી કોઈ ફોન ના મળ્યો.”
“કદાચ એ ફોન ગુંડાઓ લઈ ગયા હોય અથવા તે લોકોએ ફોન ત્યાં જ તોડી નાંખ્યો હોય એવું બને.”
“શક્ય છે. સૌથી પહેલા તો આપણે મયુર નાયકને ત્યાંથી પેનડ્રાઈવ લઈને એમ. વિલા જઈને અંશને અરેસ્ટ કરીએ.”
“ઠીક છે. હું આ પ્રયાગ પાંડેની પાછળ મારા ખાબ્રીઓને લગાવું છું.”
બંને લોકો સાથે ત્યાંથી રવાના થયા. આ કેસની ટ્રેન હવે લગભગ સ્ટેશન પર પહોંચવાની જ હતી. પણ કુદરતને આ કેસના અંત સુધી બંને મિત્રોનું સાથે રહેવું મંજુર નહોતું. ડી.કે પાઠકની ઓફિસથી તેઓ રિપોર્ટર નાયકને ત્યાં પહોંચ્યા. ત્યાંથી મેમરી કાર્ડ લઈને એમ. વિલા જવા રવાના થયા. પણ નિયતીએ રસ્તામાં જ આ બે મિત્રોનો વિરહ નક્કી કર્યો હતો. પાછળથી આવેલા બે બાઈક પર સવાર ગુંડાઓએ ઓવર ટેક કરીને પોતાનું વાહન તેની કારથી આગળ લીધું અને બંને બાઈક પર પાછળ બેઠેલા ગુંડાઓએ ગોળીબાર કર્યો. ઇન્સ્પેક્ટર જાડેજા અને પાઠકે પણ સ્વ બચાવમાં ગુંડાઓ સામે બંદુકો ચલાવી. આશરે ચારથી પાંચ મિનીટ સુધી આ ફાયરીંગ ચાલુ રહ્યું. એક ગોળી ઇન્સ્પેક્ટર જાડેજાના હૃદય પર વાગી અને એ જોઇને પાઠકનું બેલેન્સ ગયું અને તેણે ગાડીનું કંટ્રોલ ગુમાવ્યું. જેમ તેમ ગાડીનું કંટ્રોલ મેળવ્યા પછી તરત જ પાઠકે સાઈડમાં ગાડી ઉભી રાખી અને જાડેજાને હોશમાં લાવવાની ઘણી કોશિશ કરી. પરંતુ અંતે ઇન્સ્પેક્ટર જાડેજાએ શ્વાસ છોડ્યા અને આ બંને મિત્રો એકબીજાથી અલગ થઇ ગયા.
“દોસ્ત, તારું આ બલિદાન હું વ્યર્થ નહીં જવા દઈશ. હું આ હરામખોરોને પકડી પાડીશ અને ખુબ જ મોટી સજા અપાવીશ.” પોતાના આંસુઓ સાથે જાડેજાના શવને ભેટીને બોલ્યો અને રડી પડ્યો.
અમદાવાદ પોલીસ દ્વારા પ્રયાગ પાંડેને પકડી પાડવામાં આવ્યો અને અંશને પણ અરેસ્ટ કરવામાં આવ્યો. પોલીસના કડક વર્તન સામે અંશ અને મેનેજર પ્રયાગ પાંડેએ નમવું જ પડ્યું અને તેઓએ એ ત્રીજી વ્યક્તિનું નામ લેવું જ પડ્યું.
“કહું છું સર, કહું છું. હવે નાં મારો પ્લીઝ....”
“બોલ જલ્દી..”
“એ ત્રીજું વ્યક્તિ એટલે આયુષ ઓબેરોય.”
“આયુષ ઓબેરોય? જે ફેમસ એક્ટર છે એ?”
“હા, એ જ.”
આયુષને પણ વહેલી તકે પકડી પાડવામાં આવ્યો. આયુશે પણ ગુનાની કબુલાત કરી.
“હા, મેં જ માર્યો છે ધનરાજ મહેતાને. મેં જ. હું અને અંશ સાથે મળીને એક શોપિંગ મોલ ખોલવા માંગતા હતા. પણ અમારી પાસે પુરા ઇન્વેસ્ટર્સ નહોતા. જ્યારે અંશે તેના પપ્પાને આ વિષે વાત કરી ત્યારે તેણે ઘસીને ના પાડી દીધી. પછી એક દિવસ મારી મુલાકાત કેશવાણી સાહેબ સાથે થઈ. કેશવાણીએ મને એક ઓફર આપી. તેને મને કહ્યું કે ધનરાજને કારણે એને ખુબ જ મોટું નુકસાન થઇ રહ્યું છે. જો એના રસ્તામાંથી હું ધનરાજને હટાવી દઈશ તો એનું પણ કામ થઇ જશે અને એ મારા મોલના પ્રોજેક્ટ માટે રોકાણ પણ કરશે. અંશ તો આમ પણ ધનરાજને પસંદ ના કરતો, એટલે મારું કામ વધારે સરળ થયું અને મેં મારું કામ કરી નાંખ્યું. મારી નાખ્યો ધનરાજને.” આયુષ ઓબેરોયે પોતાનો ગુન્હો કબુલ કર્યો.
“અને આ મયુર નાયકને શા માટે માર્યો?” પાઠકે ક્રોધાવેશમાં પૂછ્યું.
“પપ્પાએ તેને અમારી પાછળ લગાવ્યો એની મને જાણ થઇ ગઈ હતી. મેં પ્રયાગને એક કરોડ રૂપિયા આપ્યા અને એ પણ અમારી સાથે શામેલ થયો. પણ કેશવાણીને વધુ લાલચ જાગી. પપ્પાના ગયા પછી બધો જ બીઝનેસ મારો થયો હતો. પણ અમારી કંપનીના શેરના ભાવ ખુબ જ ઘટી ગયા હતા. મહેતા ગ્રુપના 50% શેર તેને મારી પાસેથી માંગ્યા હતા. જો હું એને શેર ન આપું તો એ જીતેન્દ્ર કાકાને આ બધો જ પ્લાન જણાવી દેશે એવી ધમકી આપી. અને મારે કબડ્ડી ટીમની ઓનરશીપ અને કંપનીની ઓનરશીપ બંને ગુમાવવી પડશે. એની ધમકી સાંભળીને મેં તરત જ કેશવાણીને પતાવવા પ્રયાગને ફોન કર્યો. મયુર પાસે હું પહોંચ્યો ત્યારે તેણે વિડીઓ બનાવીને તમને મોકલી દીધો હતો અને જાતે જ ફોન ફેંકી દીધો હતો.”
આ કેસને પાઠક અને જાડેજાએ સાથે મળીને ઉકેલ્યો હતો. કેશવાણી પણ આ મર્ડર કેસમાં બરાબરનો ભાગીદાર હતો એટલે તેને પણ પોલીસે અરેસ્ટ કર્યો. પાઠકે પોતાની ચાલાકીથી આ ત્રણેયનું ફેક એન્કાઉન્ટર કર્યું અને સત્યને એ રીતે જનતા સામે રાખવામાં આવ્યું કે જેથી ત્રણેય ગુનેગારોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હોય અને પોલીસે ફરજીયાત એન્કાઉન્ટર કરવું પડ્યું હોય. આ રીતે પાઠકે પણ પોતાનો બદલો લીધો.
મહેતા ગ્રુપની ઓનરશીપ અને કબડ્ડી ટીમ અમદાવાદ લાયન્સની ઓનરશીપ જીતેન્દ્ર મહેતાએ સંભાળી. આ કેસ પછી જાસૂસ ડી.કે. પાઠકે જાસૂસની દુનિયાને અલવિદા કહ્યું. ઇન્સ્પેક્ટર જાડેજાના આ બલિદાન માટે તેમનેમરણોપરાંત વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા અને બંને મિત્રોએ આ કેસને પોતાના જીવનનો અંતિમ કેસ બનાવ્યો.
_________________________________

લેખક:- કિશન એમ. દાવડા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED