Prem virah books and stories free download online pdf in Gujarati

પ્રેમ વિરહ

કેમ આજે તને કાંઈ યાદ નથી? શું તું બધું જ ભુલી ગયો છે? એવું સ્વરા વિહાન ને ગુસ્સા માં કહે છે.
પણ વિહાન સ્વરા ની વાત સાંભળી કે ન સાંભળી હોય તેમ તેનો કોઈ જ ઉત્તર આપતો નથી.પણ તે જ ક્ષણે વિહાન ની આંખ આગળ ધૂંધળી આછી તસવીરો દેખાવા લાગે છે.એ તસવીરો માં કોણ છે એ વિહાન સ્પષ્ટ જોઈ શકતો નથી.અને તેની આંખો ઘેરાવા લાગે છે.જાણે માથા પર કોઈ હથોડાનાં ઘા મારતું હોય તેવું વિહાન ને લાગી રહ્યું છે.એમ કરતાં વિહાન પોતાની મૂળ સ્થિતિ મા પાછો આવે છે.
કોણ છે તું? અને શા માટે મને અહીંયા લઈ ને આવી છે?એવું વિહાને ઉંચા સ્વરે સ્વરા ને કહ્યું.
વિહાન તને કાંઈ પણ યાદ નથી?આપણે એકબીજાં સાથે વિતાવેલી એ પળો,એકબીજાં ને આપેલાં એ વચનો,એકબીજાં માટે મરી મટવાની એ સોગંદો...શું તને કશુંય યાદ નથી?સ્વરા એ રડતાં રડતાં કહ્યું.
વિહાન યાદ કર એ ક્ષણો ને જ્યારે આપણે બંને સાથે હતાં ત્યારે કેટલાં ખુશ હતાં?પણ વિધી ના લેખ ના કારણે એ સમયે આપણે બંને અલગ થઈ ગયા હતાં.ત્યારે કિસ્મત પણ આપણી વિરુધ્ધ હતું.ત્યારે આપણે બંને એ સમયે વચને બંધાયા હતાં અને પોતાનાં પવિત્ર પ્રેમની સોગંદ ખાઈ ને કહ્યું હતું કે આ જન્મમાં તો કદાચ આપણે એક ન થઈ શક્યાં પણ હા આવનાર નવાં જન્મ મા આપણાં એ અધૂરા પ્રેમ ને પૂર્ણ કરવા ચોક્કસ મળીશું.....સ્વરા તેનાં પૂર્વજન્મ અંગે જણાવતાં વિહાન ને કહે છે.
પરંતુ વિહાન ના મુખ પર કોઈપણ પ્રકારનાં ભાવ જણાતાં નથી.
"અરે...વિહાન કુદરત ની કરામત તો જો.આપણને ફરી થી એ જ ચહેરા સાથે આજે નવો જન્મ મળ્યો છે, માત્ર બદલાયો છે, તો એ છે સમય....."
એમ સ્વરા વિહાનને ઢંઢોળતાં કહે છે.
છંતા પણ વિહાન ને કાંઈ જ યાદ આવતું નથી. તે અત્યારે વિચારોના વાવાઝોડાં માં ફસાઈ ગયો છે.તેની સાથે આ શું થઈ રહ્યું છે તેને પોતાને જ કાંઈ ખબર પડતી નથી.તેની સામે માત્ર પ્રશ્ર્નો નો મહાસાગર હિલોળાં ખાઈ રહ્યો છે.તેનું મગજ ચકરાળે ચડી ગયું છે.
જ્યાં બીજી બાજુ સ્વરા પોતાના પૂર્વજન્મ ની યાદો ને વાગોળી ને ચોધાર આંસુ એ રડી રહી છે....
સ્વરા ને આમ ધ્રુસકાભેર રડતી જોઈ ને ન જાણે કેમ વિહાન ની આંખો માંથી આંસુ ના બુંદ સરી પડે છે.
વિહાન ને સમજાતું નથી કે શા માટે મને આ છોકરી ના રડવાથી ફરક પડી રહ્યો છે?અને શા માટે મારી આંખ મા આજે આસું ટપકી રહ્યા છે?
ત્યાં જ એ જ જગ્યાએ એક સાધુ મહારાજ આવે છે.આ સાધુ મહારાજ ની ઉંમર ઘણી જ દેખાઈ રહી છે.તેમના માથા ના અને દાઢી ના લાંબા વાળ જોઈ ને તો એવું લાગે છે જાણે દસ-બાર ફૂટ ના નાગ મહારાજે તેમના માથા માં તથા દાઢી મા જગ્યા સ્થાપિત કરી હોય.વિહાન અને સ્વરા ને જોઈ ને એ સાધુ મહારાજ ના મુખ પર મંદ સ્મિત છલકાય છે.ત્યાં જ એ સાધુ મહારાજ જોર જોર થી હસવા લાગે છે..હા..હા...હા...અને કહે છે.."મને ખબર હતી કે તમારા બંને નું પુર્નમિલન થશે...તમારે એકબીજા માટે ફરી થી જન્મ લેવો જ પડશે..આજે આ પૂરી કાયનાથ તમને બંને ને એક કરી ને જ જંપશે.કારણકે તમે બંને એકબીજા માટે જ સર્જાયા છો.તમે બંને એ પૂર્વજન્મ માં ઘણી જ વિરહ ની વેદના વેઠી છે.વિરહ ની વેદના તો એ જ જાણી શકે કે જેણે અનુભવી હોય,એનો અહેસાસ કર્યો હોય.
વિરહ ની વેદના તો માત્ર મીરાં જ જાણી શકે છે.મીરાં એ શ્રી કૃષ્ણ નાં મિલન માટે અપાર દુઃખ અને વિરહ ની વેદના સહન કરી છે.મીરાં એ કૃષ્ણ માટે થઈ ને પોતાના જીવન ના અનેક સુખો નો ત્યાગ કર્યો હતો.પોતે વિરહની વેદના સહી સંસારને પ્રેમની ભાવના સમજાવી હતી.
મીરાં ના આ જ શુધ્ધ,સાત્તવિક અને નિસ્વાર્થ પ્રેમ ના કારણે જ તેમને શ્રી કૃષ્ણ નાં મિલનનું અદ્ભૂત સુખ પ્રાપ્ત થયું હતું.
વિરહની વેદનાનો અંત મિલન ના અદ્ભૂત સુખ દ્ધારા જ પ્રાપ્ત થાય છે.
"બસ આજે તમારા પૂર્વજન્મ ના એ વિરહ નો અંત આવી ગયો છે.પૂર્વજન્મ માં તમે બંને એ જે વિરહની વેદના,વ્યથા,પીડા અને દર્દ સહન કર્યા હતા તેનો પણ અંત આવી ગયો છે.આજે એ જ વિરહ નાં અંત ની સાથે મિલન ના સુખ ની શરૂઆત થવાની છે." સાધુ મહારાજે કોમળ ભાવે સ્વરા અને વિહાન ને સમજાવતા કહે છે...

પણ સાધુ મહારાજ વિહાન ને પોતાનાં પૂર્વજન્મ વિશે કાંઈ પણ યાદ નથી..!સાધુ મહારાજ ને અટકાવતાં સ્વરા એ કહ્યું.

સાધુ મહારાજ બોલ્યા."બેટા, તું કાંઈક ભુલી રહી છે.યાદ કર એ ક્ષણો ને કે તે અને વિહાને એકબીજાં સાથે વિતાવી હતી.કાંઈક ખુટી રહ્યું છે.શોધ એ કડી ને ..એક એક કડી ને જોડ અને જવાબ મેળવ તેનો."

"પણ સાધુ મહારાજ મને બધું જ બરાબર યાદ છે, હું કાંઈપણ નથી ભુલી."સ્વરા એ સહેજ અચકાતાં અને ચિંતા ના સ્વરે કીધું.
સાધુ મહારાજે કીધું.."બેટા,કાંઈ વાંધો નહી.એ પળ તારાથી કેમ વિસરાઈ ગઈ છે? અને તમારા બંને વચ્ચે એવું શું થયું હતું?શા માટે તને પોતાના પૂર્વજન્મ વિશે યાદ છે પણ વિહાનને પોતાના પૂર્વજન્મ અંગે કેમ યાદ નથી? એ માટે તારે પૂર્વજન્મની એ સ્મૃતિઓ માં પાછું જવું પડશે.અને તમારા બંને વચ્ચેની એ ખૂટતી કડી શોધવી પડશે."
આ તમામ દ્દશ્ય વિહાન એકીટશે જોઈ રહ્યો છે અને સાધુ મહારાજ તથા સ્વરા વચ્ચેના સંવાદ ને ધ્યાનથી સાંભળી રહ્યો છે. પણ તે પોતાના મુખ માથી એકપણ શબ્દ ઉચ્ચારતો નથી.
"હા..હા..હું તૈયાર છું.મારા પૂર્વજન્મની એ સ્મૃતિઓ માં જવા હું તૈયાર છું."-સ્વરાએ અધીરાઈ દર્શાવતા કહ્યુ..
ત્યારે જ સાધુ મહારાજા બોલ્યા.."હું એક જ સમયે માત્ર એક જ વ્યક્તિ ને તેની પૂર્વજન્મની સ્મૃતિમાં લઈ જઈ શકું છું." અને એમાં પણ એ પૂર્વજન્મની સ્મૃતિ મા જવા માટે તે વ્યક્તિ ને પોતાના પૂર્વજન્મ અંગે અમુક ક્ષણો યાદ હોવી જરૂરી છે,તેથી હું તને જ તારા એ પૂર્વજન્મની એ સ્મૃતિઓ માં લઈ જઈશ. કારણ કે વિહાનને તેના પૂર્વજન્મ અંગે ની કોઈપણ બાબત યાદ નથી...."

આમ કહી ને સાધુ મહારાજ સ્વરાને પોતાની આંખો બંધ કરવા કહે છે અને પોતાનો હાથ સ્વરાના માથે મુકીને અને સ્વંય પોતે આંખો બંધ કરીને કંઈક મંત્રો ભણવા લાગે છે.
અને થોડીજ ક્ષણોમાં સ્વરા તેના આખા શરીર માં કરંટ ની માફક ધ્રુજારી અનુભવે છે અને પોતાની જાત ને પૂર્વજન્મની સ્મૃતિમાં વિસરાવી દે છે.

******પૂર્વજન્મની સ્મૃતિમાં******

આજે સંધ્યા સોળે કલાએ ખીલીને પોતાનું દૈદિપ્યમાન રૂપ બતાવી રહી હોય ને એવું લાગી રહ્યું છે. સૂરજ શરમાઈને પોતાની જાતને સંકેલી આછું અજવાળું પાથરી રહ્યો છે.પંખીઓ પોતાના માળા તરફ જવા રવાના થઈ રહ્યાં છે.
અને આ શાંત વાતાવરણ મા ધીમો પવન સુસવાટા મારી રહ્યો છે.વાતાવરણ માદકભર્યુ લાગી રહ્યું છે.
તળાવ ને કિનારે વડ ના વૃક્ષ નીચે એક પ્રેમીયુગલ તેમના પ્રેમાલાપ માં વ્યસ્ત છે.
તું મને ક્યારે છોડી ને તો નહી જાયને??મણી ચંદન નો હાથ પોતાના હાથમાં લેતા કહે છે.
મણી અને ચંદન એકબીજા નાં બાળપણનાં મિત્રો હતાં.પરંતુ આ મિત્રતાપણું યુવાનીમાં પ્રેમસંબંધ માં પરિણમશે તેનો ખ્યાલ મણી અને ચંદન ને હતો જ નહી.
મણિ એ કુંતલ રાજ્યના રાજા સૂર્યભાનની એકમાત્ર દીકરી હતી.રાજા સૂર્યભાને તેને ખૂબ જ લાડકોડ માં ઉછેરી હતી.
રાજા સૂર્યભાન ની પત્ની મહારાણી રાગિણી એ રાજકુમારી મણિ ને જનમ આપી ને જનમતાવેંત જ મૃત્યુ પામી હતી.તેથી રાજકુમારી મણિ એ બાળપણ થી જ માતાની છત્રછાયા ગુમાવી હતી.પરંતુ મહારાજ સૂર્યભાને ક્યારે પણ માતાની ખોટ રાજકુમારી મણિ ને પડવા દીધી નહોતી.મહારાજ સૂર્યભાન રાજકુમારી ની દરેક જીદ પુરી કરતાં હતાં.
જોત જોતા મા રાજકુમારી મણિ મોટી થઈ ગઈ .અને યુવાની માં પ્રવેશ કર્યો હતો.યુવાની માં રાજકુમારી મણિ પહેલાં કરતાં પણ રૂપરૂપ નો અંબાર બની ગઈ હતી.એની કંચનવર્ણી કાયા ને હાથ લગાવો તો પણ કાળી પડી જાય.
એની ધારદાર તલવાર જેવી કાળી ભમ્મર ભ્રમરો તેના નયનપટલ પર શોભી રહી હતી.તેની આંખોમા અમૃતસમું તેજ દેખાતું હતું.તેના માદક હોઠ, ભરાવદાર વક્ષસ્થળ,તેની કામણગારી કેડ, અને તેની પાછળ લટકતો નાગ જેવો લાંબો ચોટલો રાજકુમારી ની સુંદરતા મા વધારો કરી રહ્યો હતો.ભલભલા ઋષિમુનિ ઓ ની તપસ્યા નિષ્ફળ કરી નાખે તેવી તેની ચાલ હતી.
પણ મણિ ને સહેજ પણ પોતાના રૂપ પર ઘમંડ નહોતો.
જ્યાં બીજી બાજુ ચંદન એ રાજમહેલ ના દરવાન નો પુત્ર હતો.ચંદન પણ દેખાવે રાજકુમારી થી કાંઈ કમ નહોતો.ભરાવદાર અને પહોળી છાતી, વજ્ર સમાન તેના બાહુઓ, કસાવદાર લોખંડ જેવું તેનું શરીર તેની મર્દાનગી મા એક અલગ જ વધારો કરતું હતું.ચંદન નાનપણથી જ તેના પિતા સાથે રાજમહેલ મા અવારનવાર આવતો. અને આ દરમિયાન જ ચંદન અને રાજકુમારી ની મુલાકાત થતી રહેતી.અને તેઓ બાળપણથી જ સારા મિત્રો બની ગયાં હતાં.અને આ બાળપણાનું મિત્રતાપણું ક્યારે પ્રેમ મા પરિવર્તન પામ્યું એનો મણિ અને ચંદનને ખ્યાલ જ ના રહ્યો.આમ રાજકુમારી મણિ અને ચંદન છૂપી રીતે એકબીજાંને મળતાં રહેતાં.અને તે બંને નો પ્રેમ વધુ ગાઢ અને મજબૂત થતો ગયો.હવે એ બંનેનો પ્રેમ એટલો ગાઢ થઈ ગયો હતો કે એકબીજાં વગર જીવી પણ શકે તેમ નહોતા.
જ્યારે આ બાજુ મહારાજ સૂર્યભાન વૃધ્ધતા ને કારણે અશક્ત થઈ ગયો હતો.આ દેહ નો કોઈ ભરોસો નહી એવું વિચારીને તેની પુત્રી મણિ ની ચિંતા તેને દોડાવતી.અંતે પોતાના વિચારો ને વિરામ આપી ને તેની પુત્રી મણિ ના લગ્ન અંગે વિચારવા લાગ્યો.
પણ અહીંયા તો મણિ પહેલેથી જ ચંદન ને તન અને મન થી વરી ચુકી હતી.
આમ તો રાજા સૂર્યભાન નું કુંતલ રાજ્ય સમૃધ્ધ અને જાહોજલાલી ભર્યુ હતુ.અન્ય રાજ્યોની સરખામણી એ ખુબ જ વિશાળ અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર હતુંં.અને તેના રાજ્યની સાથે સાથે રાજકુમારી મણિ ની સુંદરતા ચારેય બાજુ અન્યો રાજ્યો માં ચર્ચાતી.અમુક રાજ્યો ના રાજાઓ ને કુંતલ રાજ્ય અને મણિ ની સુંદરતા થી ઈર્ષ્યા થતી.તેથી કુંતલ રાજ્ય ના ઘણાં જ દુશ્મન રાજ્યો હતા.
અને તેમાનું એક રાજ્ય હતુ માનગઢ.માનગઢ નો રાજા વિચિત્રસેન ખુબ જ કપટી અને ઈર્ષ્યાળુ હતો.અને તેનો પુત્ર દુષ્યંત તેના પિતા કરતાં પણ ચાર ચાસણી ચડે એવો હતો.કપટતા,ઈર્ષ્યા,નિર્દયતા,લોભ જેવા ગુણો તો તેને પિતા તરફથી વારસામાં જ મળ્યાં હતા.
રાજકુમાર દુષ્યંતે રાજકુમારી મણિ ની સુંદરતા ની ચર્ચા સાંભળીને તેને મનોમન ચાહવા લાગ્યો હતો અને રાજકુમારી મણિ ને પામવાના સપના સજાવી રહ્યો હતો.
અને એક દિવસ અચાનક માનગઢ નો રાજા વિચિત્રસેન અને તેનો પુત્ર દુષ્યંત તેની સેના ને લઈ ને કુંતલ રાજ્ય પર અણધાર્યુ આક્રમણ કરે છે.આ યુધ્ધ એટલું ઘમાસાન ચાલે છે કે જાણે લોહી ની નદી ઓ વહી રહી હોય ને એવું લાગી રહ્યું છે.આ યુધ્ધ માં સૂર્યભાન ની સામે વિચિત્રસેન અને રાજકુમારી મણિ ની સામે રાજકુમાર દુષ્યંત એકબીજાં સામે લડી રહ્યા છે.ન જાણે કેમ આજે કુદરતે પણ દુષ્ટતાનો સાથ આપ્યો હોય એમ વિચિત્રસેન ની સેના મહારાજ સૂર્યભાનની સેના પર ભારે પડી રહી છે. અને યુધ્ધના અંતમાં રાજકુમાર દુષ્યંત છળકપટ કરી ને અને પાછળ થી ઘા કરીને મહારાજ સૂર્યભાન ની હત્યા કરી નાખે છે.અને પોતાને વિજયી ઘોષિત કરે છે.
પરંતુ રાજકુમારી મણિ પોતાના પિતા ના મૃત્યુ નું દુઃખ સહન કરી શકતી નથી.તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય ને એવું લાગે છે.તે દોડતી દોડતી તેના પિતા ના શવ પાસે આવે છે.અને તે પિતાના માથા ને પોતાના ખોળા મા લઈ ને કારમી ચીસ પાડે છે..."પિતાજી......"
અને તેના પિતાને જોરથી બાથ ભરીને કારમું રૂદન કરે છે.
અને તેના રૂદનમાં અસહ્ય વેદના છલકાઈ રહી છે.
આજે રાજકુમારી મણિ પોતાના પિતાના વિરહમાં ગાંડીતુર બની ગઈ છે.આજે આ વિરહ એટલો વસમો લાગે છે કે તેની આંખ માથી આંસુ નથી સુકાતા.બાળપણમાં માતાનો વિરહ અને અત્યારે પિતાના વિરહ થી રાજકુમારી મણિ ને પોતાના શરીર નું સહેજે ભાન નથી.જે પિતા એ આજે આટલા લાડકોડ થી મોટી કરી,જેની દરેક જીદ પૂરી કરી, માં ન હોવાં છંતા માં અને બાપ એમ બંનેનો પ્રેમ આપ્યો,અને ક્યારે પણ માં ની ખોટ ન પડવા દીધી હોય તેવા પિતા ના નિર્જીવ શરીર ને બાથ ભરીને મણિ હૈયાફાટ રૂદન કરી રહી હતી.આજે રાજકુમારી મણિ એ હંમેશ માટે પોતાની માં ની સાથે સાથે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
બસ આજે આ જ વિરહ ની વેદના રાજકુમારી મણિને ચોધાર આંસુ એ રડાવી રહી હતી.
અને ત્યાં જ રાજકુમાર દુષ્યંત આવે છે અને જોર જોરથી હસવા લાગે છે.અને કહે છે.."રાજકુમારી આજથી તું મારી થઈ." હવે તારા પર માત્ર મારો જ અધિકાર છે.અને એમ કહી ને ફરી થી હસવા લાગે છે.
પરંતુ રાજકુમારી પોતાના પિતાના વિરહ મા એટલી ગાંડી થઈ ગઈ છે કે રાજકુમાર દુષ્યંત ની કોઈ જ વાત સંભળાતી નથી.
અને થોડી જ ક્ષણોમાં ચંદન આવી ને તેના પિતાના વિરહ માથી બહાર નીકાળે છે.અને ચંદન ને જોઈ ને મણિ ચંદન ને બાથ ભરી ને ફરી થી રડવા લાગે છે.અને કહે છે...
"ચંદન, હું આજે બધું જ ગુમાવી ચુકી છું, માત્ર તારા સિવાય...હવે હું તને ગુમાવવા નથી માંગતી,કારણ કે હું તને બહું જ પ્રેમ કરું છું.હું તારા વગર નહી જીવી શકું ચંદન.."

આ બંને વચ્ચેની વાત સાંભળીને ને રાજકુમાર ખૂબજ ગુસ્સે થઈ જાય છે અને ચંદન ને કારાગૃહ મા કેદ કરવાનો આદેશ આપે છે.અને રાજકુમારી ને તેની સાથે લઈ જઈ ને ઓરડા મા પૂરી દે છે.

*******થોડાં દિવસ પછી******

રાજકુમારી તેના ગુપ્તચર ની મદદ થી કારાગૃહમા રહેલા ચંદનને ત્યાંથી બહાર નીકાળવાની યોજના ઘડે છે અને રાજકુમારી તે યોજના મા સફળ પણ થાય છે.અને બંને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે.પણ કુદરતને આજે બીજું જ કાંઈ મંજુર હતુ.આજે કીસ્મત પણ તેમની સાથે નહતું.રાજકુમારી અને ચંદન જેવા જ રાજમહેલ ના મુખ્ય દરવાજા થી બહાર નીકળવા જાય છે ત્યાં જ રાજકુમાર દુષ્યંત એ બંને ને જોઈ લે છે.એ એટલો ગુસ્સે થઈ જાય છે કે સૈનિક પાસે પોતાનું બાણ અને તીર મંગાવે છે.અને તીર ને બાણની પણછ પર ચડાવીને ચંદન તરફ નિશાનો સાધે છે,અને એ તીર ચંદન તરફ છોડે છે.એ તીર હવાને ચીરતું સીધું જઈ ચંદનના ખભા પર વાગે છે.ત્યાં થી તે બંને ભાગવામા સફળ થાય છે.
"રાજકુમાર એ લોકો ભાગી રહ્યા છે."-ત્યાં બાજુમાં ઉભેલો સૈનિક બોલ્યો.
"ભાગવા દો એમને..ભાગી ભાગી ને કેટલું ભાગશે...એ લોકો વધારે આગળ નહી જઈ શકે.."-રાજકુમાર દુષ્યંત સહેજ સ્મિત કરતાં બોલ્યો....
"કેમ આવું કહો છો? રાજકુમાર"-સૈનિક બોલ્યો.
રાજકુમાર દુષ્યંત બોલ્યો.-"મે ચંદન ને જે તીર માર્યુ છે તેની પર એક પ્રકારનું વિષ લગાડેલું છે, એ ચાહે તો પણ નહી બચી શકે..એ તીર નું વિષ આજે ચંદનનો જીવ લઈ ને જ જપશે."

જ્યારે આ બાજુ મણિ અને ચંદન રાજમહેલથી થોડેક દૂર જંગલને પસાર કરીને એક અદ્ભુત અને રહસ્યમય શિવમંદિર પર આવી પહોંચે છે.અને મંદિર મા પ્રવેશ કરે છે.અને ત્યાં જ ચંદનને આંખો આગળ અંધારા આવવા લાગે છે.તેનું શરીર ઠંડુ પડતું જાય છે,કારણ કે એ તીર નું વિષ ચંદનના પૂરા શરીરમાં ધીરે ધીરે પ્રસરી રહ્યું છે.
આ વિશે નો અંદાજ મણિ અને ચંદનને આવી ગયો છે.
અને ત્યાં જ એ મંદિર માં એક પૂજારી પૂજા કરતાં હોય છે.આ બને ને જોઈ ને પૂજારી તેમની પાસે આવે છે.
ચંદન ના ખભા માથી લોહી નીકળતું જોઈ ને પૂજારી ચંદન માટે જડીબુટ્ટી લેવા જંગલ મા જાય છે.
જ્યારે અહીં મણિ અને ચંદન એકબીજાં સાથે વાતો કરી રહ્યા છે.
હવે ચંદન ધીરે ધીરે પોતાના શરીર નું સમતુલન ગુમાવી રહ્યો છે.આમ કરતાં તે નીચે ઢળી પડે છે.મણિ તેને પકડી લે છે અને તેનું માથું પોતાના ખોળામા રાખતા નીચે સુવડાવે છે,
"કદાચ, આપણો સાથ અહીં સુધીનો જ લખ્યો હશે મણિ..." ધીરે ધીરે બોલતા ચંદન કહે છે.
એવું ન બોલ ચંદન..! તારે હજી જીવવાનુ ને છે મારી માટે..તું મને આમ એકલી મૂકીને ચાલ્યો જઈશ.?-રડતા રડતા મણિ કહે છે.
""મ..મ..મણિ..મારી પાસે હવે બહુ સમય નથી..મણિ હું પણ તારાથી દૂર થવા નથી માંગતો..પણ આજે વિધિ ના લેખ સામે હું મજબૂર છું...કદાચ આપણાં કીસ્મત આવું જ લખ્યું હશે.." ચંદન અચકાતા અચકાતા બોલે છે.
નહી,ચંદન તને કાંઈ જ નહી થાય. એવું આશ્વાશન આપતા મણિ રડતા રડતા કહે છે.
આજે પોતાના પ્રેમ ને અધુરો થતાં જેઈ બંને પ્રેમીઓ ની આંખો આંસુથી ભરાઈ આવી છે.
આજે ચંદન જીવન અને મરણ વચ્ચેની લડાઈ રહ્યો છે.
કાઈ નહી મણિ ભલે આ જન્મમા આપણે એક ના થઈ શક્યા પણ આવતા જન્મમાં જરૂર મળીશું અને આપણા આ અધુરા પ્રેમને પૂર્ણ કરીશુ.!
એમ કરતા મણિ અને ચંદન પોતાના પવિત્ર પ્રેમની અને મહાદેવ ની સાક્ષીએ વચને બંધાય છે. અને કહે છે આ અધુરા પ્રેમને પૂર્ણ કરવા માટે બંને એકબીજાં માટે નવો જન્મ લઈને અવતરશે.અને પોતાના પ્રેમને સંપૂર્ણ કરશે.

"મણિ, આવતાં જન્મમાં હું તારી રાહ જોઈશ..જલદીથી આવી જજે.બહું રાહ ના જોવડાવતી."-એમ મુખ પર હળવું સ્મિત અને આંખો મા વિરહની વેદના સાથે તે કહે છે.

અને બંને પ્રેમીઓ એકબીજાં સાથે વિતાવેલી એ ક્ષણો મા સરી પડે છે.
એક બીજા માટે મરવા તૈયાર એવા આ પ્રેમીઓનું આજે આખરી મિલન હતું. આજે તે બંને એકબીજા સાથે એ વિતાવેલી ક્ષણો ને યાદ કરીને આ આખરી મિલન મા આખી જીંદગી જીવી લેવા માંગતા હતા.
આજે ચંદન અને મણિ એકબીજાંના હાથમાં હાથ પરોવી ને એવી રીતે બેઠા હતા જાણે એકબીજાનો હાથ છોડવાના જ ના હોય.
પરંતુ કુદરતનો પણ નિયમ છે કે જેનું નામ છે તેનો નાશ પણ છે,જેની શરૂઆત છે તેનો અંત પણ છે જ.

હવે સૂરજ પણ પોતાના પ્રકાશ ને સંકેલીને આથમવાની તૈયારી કરી રહ્યો છે.વાતાવરણ માં એક અલગ જ પ્રકારની શાંતિ જણાઈ રહી છે.માત્ર ને માત્ર તે બંને પ્રેમીઓની અકલ્પનીય વિરહની વેદના ના જ આછાં ભણકાર સંભળાઈ રહ્યા છે.

બસ હવે સમય આવી ગયો હતો એકબીજાંથી અલગ થવાનો.


ચંદન નો શ્વાસ હવે ફુલવા લાગ્યો હતો.હવે તેની આંખો આગળ અંધારા આવવા લાગ્યા હતાં.શરીર મા એક અલગ જ પ્રકાર ની પીડા થવા લાગી હતી.હવે તેનું શરીર પણ તેનો સાથ નહોતું આપી રહ્યું.મણિ એ ચંદનનો હાથ કસોકસ પકડી રાખ્યો હતો.હવે સૂરજ આથમી ગયો હતો.જ્યાં બીજી બાજુ, ચંદન તેના મુખ માંથી મ..મ..મણિ એવું નામ ઉચ્ચારતાની સાથે તેના પણ જીવનનો સૂરજ આથમી જાય છે.અને તેની આત્મા તેના શરીરને છોડી ને ચાલી જાય છે.

આમ ચંદન ને મૃત્યુ પામેલ જોઈ ને તેના હ્દયમાંથી કારમી ચીસ નીકળી પડે છે,...."ચંદન....ચંદન.."
એ ચીસ પાડતાંની સાથે જ તે ચંદનના મૃતદેહ ને બાથ ભરીને હૈયાફાટ રૂદન કરવા લાગે છે.

જેમ વાદળોને પણ આકાશથી વિરહ થઈ
ને પાણીરૂપે વરસવું પડે છે તેમ આજે આ વિરહની વેદના મણિ ની અાંખો માથી આંસુરૂપે વહી રહી હતી.આજે મણિની વેદનાનો કોઈ પાર જ નહોતો.દર્દ કરતાં વિરહની પળ બહુંજ ભયાનક હોય છે. કારણકે વિરહની એક એક પળ જીવવા માટે સો-સો વાર મરવું પડે છે.આજે આ વિરહની વેદનામાં મણિને પોતાના દેહનું પણ ભાન નથી.

ત્યાં જ તે મંદિરના પુજારી પણ મંદિર મા આવી પહોંચે છે.તે ચંદનને મૃતપાય અવસ્થા માં જોઈને નિસાસો નાખતાં મણિને કહે છે."બેટા,મને માફ કરજે. હું સમયસર ના આવી શક્યો.અને ચંદનને પણ ન બચાવી શક્યો.
મણિ થોડી સ્વસ્થ થતા અને રડતાં રડતાં પુજારીને કહે છે..."હું તમને શા માટે દોષ આપું.દોષ તો મારી કીસ્મતનો છે કે જેણે મને આજે આ મુકામ પર લાવીને મુકી દીધી છે..કદાચ,મારા કીસ્મતમાં જ નહી હોય પ્રેમને પ્રાપ્ત કરવાનું.
બસ એમ કહીને મણિ જોર જોર થી રડવાં લાગે છે...

"બસ, બેટા બસ રડીશ નહી હવે..." - મંદિરના પુજારી મણિ ને આશ્વાસન આપતાં કહે છે.

એ શિવ મંદિરના પુજારી મહારાજ મણિને મંદિર વિશે જણાંવતાં કહે છે કહે છે - "બેટા,આ શિવમંદિર હજારો વર્ષો પુરાણું છે.અા એક રહસ્યમયી અને ચમત્કારિક શિવમંદિર છે.અહીંયા મંદિર માં રહીને જે પણ મનુષ્ય કામનાઓ કરે છે તે અવશ્ય પૂર્ણ થાય છે.

"એટલે મહારાજ,મે અને ચંદને જે અમારા બંને ના પુર્નજન્મ અંગે જે કામના કરી એ પણ પૂર્ણ થશે??" - મણિ પુજારી મહારાજ ને વચ્ચેથી અટકાવતાં કહે છે.

હા, બેટા તમારી એ કામના પણ પૂર્ણ થશે. - પુજારી મહારાજ સહજતા થી મણિને કહે છે.

પુજારી મહારાજ આગળ કહે છે -" પણ બેટા,તમારા બંનેના પુર્નજન્મ મા ચંદનની પૂર્વજન્મની તમામ સ્મૃતિ ચંદનને વિસરાઈ ગઈ હશે. પરંતુ તારા પુર્નજન્મની સ્મૃતિ તને યાદ હશે.કારણ કે તે આ જન્મ વિરહની ઘણીજ વેદના વેઠી છે.આ વિરહની વેદના જ તારા પુર્નજન્મમાં તારા પૂર્વજન્મની એ સ્મૃતિઓ ની યાદ અપાવવાં માટે એક શસ્ર સાબિત થશે.તારા આ વિરહની વેદના જ તારા પૂર્નજન્મ મા અત્યારની એ યાદો ને જકડી રાખશે.પરંતુ તને આ જન્મની છેલ્લી સ્મૃતિઓ યાદ નહી રહે.
અને બીજી વાત, તારે ચંદનની પૂર્વજન્મની સ્મૃતિઓ યાદ અપાવવાં માટે ચંદનને આ રહસ્યમયી અને ચમત્કારિક શિવમંદિરમાં લઈ ને આવવું જ પડશે.તો જ તેને પોતાની પૂર્વજન્મની સ્મૃતિઓ પાછી મળશે.
ત્યાં જ મણિ અને શિવ મંદિરના પુજારી મહારાજ નો સંવાદ પૂર્ણ થાય છે.

અને અમુક દિવસ પછી ચંદનની વિરહની વેદના માં અને પોતાના પુર્નજન્મ મા ચંદનને મળવાની આશા સાથે મણિ મૃત્યુ પામે છે.

અને થોડી જ વાર માં સ્વરા તેના પૂર્વજન્મની સ્મૃતિ માથી પાછી આવે છે.

******વાસ્તવિકતા માં******

સ્વરા એ વાસ્તવિકતામા પાછાં ફરતાં તે સાધુ મહારાજ ને ઝીણવટભરી નઝરે જોતાં કહ્યું. - "સાધુ મહારાજ તમે જ એ શિવમંદિરના પુજારી મહારાજ છો ને?"
પેલા સાધુ મહારાજે હકારમાં માથું હલાવતા ઉત્તર આપ્યો.."હા,બેટા હું એ જ શિવમંદિર નો પુજારી છું"
તમને બંને ને એક કરવામાં જ કુદરતે મને નિમિત્ત માત્ર બનાવ્યો છે.

આટલું કહી ને સાધુ મહારાજ ત્યાંથી ચાલતા થાય છે.

વિહાન આ તમામ દ્દશ્યો શાંતિથી જોઈ રહ્યો હોય છે.પણ તે એક શબ્દ પણ બોલતો નથી.

પછી સ્વરા વિહાનને લઈને તે રહસ્યમયી અને ચમત્કારીક શિવમંદિર ના સ્થળ પર જઈ પહોંચે છે.

વિહાન એ મંદિર ની અંદર પગ મૂકે છે.
ત્યાં જ એકદમ થી જોર જોર થી પવન ફૂંકાવા લાગે છે.ધૂળની વિશાળ ડમરીઓ ઉડવા લાગે છે.આકાશમાં વાદળો પણ કાળાં રંગથી ઘેરાઈ ગયા છે.આકાશ માં વીજળીનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે.થોડીવાર માં તો જાણે આખું વાતાવરણ જ બદલાઈ જાય છે.

થોડી જ વાર મા સ્વરા અને વિહાન મંદિરનાં ગર્ભગૃહ સુધી પહોંચી જાય છે.મંદિર ની અંદર આવતાં જ વિહાન એક અલગ જ પ્રકારનો અનુભવ કરે છે.

જોત જોતામાં વિહાનને તેની પૂર્વજન્મની યાદો તાજી થવા લાગે છે.એની આંખ આગળ તેના પૂર્વજન્મની તસવીરો દેખાવા લાગે છે.
આમ કરતાં વિહાનને ધીરે ધીરે તેના પૂર્વજન્મની તમામ સ્મૃતિઓ યાદ આવી જાય છે.

વિહાન તેની મૂળ સ્થિતિમાં પાછો આવતાં તે આમતેમ સ્વરાને શોધે છે.
અને એકદમ થી તેના મુખારવિંદ માથી એક બૂમ સરી પડે છે...."મણિ.....મણિ...મણિ.."
ત્યાં જ સ્વરા પાછળથી આવીને વિહાનના ખભા પર હાથ મૂકે છે અને કહે છે - "હા, બોલ ને ચંદન."
એમ કહીને તે પોતાના મુખ પર હળવું સ્મિત પાથરે છે.
થોડી જ વારમાં વિહાન સ્વરાની સામે જોઈને કહે છે.-"સ્વરા...અરે સ્વરા નહી..મણિ.."

બરાબર ને..-એમ સ્વરા સામે હાસ્ય કરતાં વિહાન કહે છે.

સ્વરા અને વિહાન એકબીજાની નજીક આવી એકબીજાંને સ્પર્શ કરીને પોતાની પૂર્વજન્મની સ્મૃતિઓનો અનુભવ કરે છે
વિહાન પોતાના બંને હાથે સ્વરાનુ શિર પકડી ને કહે છે. - "સ્વરા, તે પૂર્વજન્મમાં ઘણી જ વિરહની વેદના સહી છે આ વિરહની વેદના ને કારણે જ તે પોતાના મૃત્યુને વહાલું કર્યુ હતુ. પણ આજે આપણાં બંને ના મિલન થી આ વિરહનો અંત આવે છે.આપણા પૂર્વજન્મનો એ અધુરો પ્રેમ આજે પૂર્ણ થાય છે.એ પૂર્વજન્મની વિરહની વેદના આપણાં આજના મિલનથી અદ્ભૂત સુખની પ્રાપ્તિ કરાવી રહી છે.

આમ કરતાં સ્વરા અને વિહાન પોતાના અધુરા પ્રેમને પૂર્ણ થતો જોઈ એકબીજાં ના ગાઢ આલિંગન માં સરી પડે છે.


- ચિરાગ સોલંકી😊

બીજા રસપ્રદ વિકલ્પો