modo padyo books and stories free download online pdf in Gujarati

મોડો પડયો

મોડો પડયો


રોજ સવારે નવ વાગ્યે સીટી બસ સ્ટોપ પરથી બસમાં બેસીને ઓફિસે જવાનો રાજીવનો નિત્ય ક્રમ હતો. બસમાં બેસી જાય કે તરતજ હાથમાં છાપું લઈને એકએક પાના ઉથલાવતો જાય અને જીણામાં જીણી બાબત પણ વાંચી લેતો. એની ઓફિસ નજીકનો બસ સ્ટોપ આવે ત્યાં સુધીમાં તો લગભગ એનું છાપું વાંચવાનું કાર્ય સંપૂર્ણં થઇ ચૂક્યું હોય છે. રાજીવના જીવનમાં આ અટલ કર્મ છેલ્લા પાંચ વર્ષથી ચાલતું હતું. રાજીવ એક વિધુર હતો. નિયતિના ખેલકૂદમાં આવીને તે પરિવારમાંથી પોતે એકલો જ દુઃખીયારો બચ્યો હતો. માતાપિતા તો રાજીવ નાનો હતો ત્યારથી જ સ્વર્ગધામ ની લાંબી યાત્રાએ ચાલ્યા ગયા હતા. જીવનનો થોડો બાલ્યકાળ અને યુવાની તો મામાના ઘરે જ વીતી હતી. મામી થોડી કજાળી હતી છતાં પણ રાજીવ નાના મોટા ટોણાંઓ સાંભળીને મામાને ઘરે મોટો થયો. મામાએ પોતાની ઓળખાણમાં હતી એવી એક સારી કન્યા જોઈને ભાણાભાઈનું ઘર બાંધી દીધું. હવે ભાણાભાઈ ના જીવનમાં મામીના દુઃખના દુકાળે વિદાય લીધી અને પત્નીના પ્રેમની હરિયાળી છવાઈ ગઈ. મામાના ઘરથી ઘણું દૂરનું મકાન રાજીવે ભાડા પર રાખી લીધું હતું. પત્ની પણ પોતાની યુવાનીમાં પોતાના માબાપ ખોઈ ચુકી હોવાથી કાકા-કાકી સાથે થોડું જીવન ગાળીને આવી હતી એટલે દુઃખની પરિભાષા ખુબજ સારી રીતે સમજતી હતી. બંને દુઃખીયારા મળીને સહિયારું જીવન સુખમય રીત જીવતા હતા. એમના જીવનમાં થોડો મસ્તી, થોડો આનંદ પ્રમોદ વૃદ્ધિ કરવા લાગ્યો હતો. પણ ઘણી વખત કુદરતના ચોપડામાં પણ છેકછાક થઇ જતી હોય છે. બસ આવી છેકછાકનો ભોગ રાજીવ ના હિસ્સામાં આવ્યો.

લગ્નને બે વરસનો સમયગાળો વીતી ચુક્યો હતો. એક દિવસ જમતા જમતા રાજીવની પત્ની રીનાએ રાજીવ ને એવી ખુશખબર સંભળાવી કે જે સાંભળવા માટે આ દુનિયાનો પ્રત્યેક પુરુષ અધીરો હોય છે કે , '' તમે પપ્પા બનવાના છો ''. આ ખુશખબર સાંભળીને રાજીવ તો પીરસાયેલી થાળી છોડીને પાગલ બનીને નાચવા લાગ્યો. તે પત્ની રીનાને ગર્ભમાસ હોવાથી કામમાં ખુબજ મદદ કરતો રહેતો હતો. ધીમેધીમે ઘરનું લગભગ નાનુંમોટું બધુજ કામ રાજીવે પોતાના માથે લઇ લીધી હતું. તે પોતાના હાથથી રીનાને પ્રેમથી જમાડતો અને એની ખુબજ કાળજી લેતો હતો. સાડા આઠ માસનો સમય તો આમ ને આમ હસતા રમતા હોય એમ વીતી ગયો. એક રાત્રે અચાનક રીનાને ખુબજ અસહ્ય દુખાવો થવા લાગ્યો એટલે રાજીવ તેને હોસ્પિટલ લઇ ગયો. આમ પણ ડિલિવરી સમય જ હતો. ડોકટરે પૂર્ણ રીતે તપાસ કરી તો માઠા સમાચાર એ હતા કે , બાળક ગર્ભમાંજ મૃત થઇ ચૂકયુ હતું. જો વધારે સમય રાહ જોવામા આવે તો રીનાના જીવન પણ જોખમ હતું આથી તાત્કાલિક સર્જરી કરવી જરૂરી હતી. રાજીવને માઠા સમાચાર સંભળાવીને ડોક્ટર તો રીનાની સર્જરી કરવા સર્જરી રુમમાં ચાલ્યા ગયા. પોતાના બાળકના માઠા સમાચાર સાંભળીને રાજીવ તો દિવાલના સહારે જમીન પર બેસી ગયો. તે વિચારોના આઘાતમાં ખોવાઈ ગયો. હજી તે એક આઘાતમાંથી બહાર આવ્યો ન હતો ત્યાં તો ડોક્ટરેના શબ્દોમાંથી બીજ આઘાતના પડઘા સંભળાયા : '' માફ કરજો શ્રીમાન રાજીવ , અમે તમારી પત્ની રીનાને બચાવી ના શક્યા ''. રાજીવન મોઢાં માંથી એક ડૂસકો પણ ન નીકળી શક્યો ને સાથે સાથે આંખના આંસુઓ પણ એમજ સુકાઈ ગયા. બાળક ગર્ભમાં મૃતઃપાય થયું એમાં રીનાના શરીરમાં ઝેર એટલા પ્રમાણમાં ફેલાઈ ગયું કે રિનાનું બચવું શક્ય ન હતું. રાજીવના જીવનમાં ફરીથી દુકાળના મંડાણ થયા. ત્યારથી એના જીવનમાં મૂકપણું ઘર કરી ગયું. અને બસ એનો અવિરત ક્રમ બસ પકડવી, છાપું વાંચવું, ઓફિસનું કામ કરવું , જાતે જમવાનું બનાવવું અને વિચારોંના જળપ્રવાહમાં રાત્રી પસાર કરવી. જાણે ગુમશુમ રહેવું એજ એની દુનિયા બની ગઈ.

રોજની માફક બસ સ્ટોપ પરથી એ બસમાં ચડયો અને પોતાનું છાપું બહાર કાઢીને એ વાંચવા લાગ્યો. થોડી વાર પછી એણે જોયું તો લગભગ પાંચેક વર્ષની ઉંમરનો એક ફૂલ જેવો રુપાળો છોકરો છાપ સાથે પોતાનું માથું પણ ફેરવી રહ્યો હતો. એ છોકરો છાપામાં આવતો જાહેરાતો ધ્યાનથી જોઈ રહ્યો હતો. રાજીવ જે બાજુ છાપું ફેરવે એ બાજ એ માથું ફેરવી - ફેરવી જોયા કરે. થોડી વાર તો રાજીવે બરાબર નિરીક્ષણ કર્યું કે આ છોકરો આ છાપામાં જોવે છે શું..?? રાજીવે તેન પ્રેમથી પૂછ્યું કે , બીટા તું શું જોવે છે..?? ત્યારે એ છોકરાએ પોતાની કાલિકાલી ભાષામાં અને એક જ શબ્દમાં ટૂંકો જવાબ આપ્યો કે, '' ચીત્ત્લ ''. રાજીવ સમજી ગયો કે તે ચિત્ર એવું કહેવા માંગે છે. રાજીવે આજે ઘણા સમયે કોઈ સાથે ગમ્મ્ત કરી હતી. એ છોકરો હતો જ એવો મનમોહક કે તે ગમે તેના પર વશીકરણ કરી શકતો હતો. થોડીવાર થઇ ત્યાં તો રાજીવ ન ઉતરવાનો સ્ટોપ આવી ગયો. તે દિવસે રાજીવ ખુબજ ખુશ હતો. પાંચ વર્ષથી આઘાતના ઓથાર નીચે જીવતા રાજીવને એક પાંચ વર્ષના બાળકે જાણ કે સજીવન કરી દીધો.

બીજ દિવસે રાજીવ બસ સ્ટોપ પરથી બસમાં બેઠો અને પોતાનું દૈનિક કાર્ય એટલે કે છાપું વાંચવાનું શરુ કર્યું ત્યાં તો આગલા દિવસની જેમ પેલો બાળક છાપાની પેલે પાર ચિત્ર જોવા આવી ગયો. રાજીવ પણ એને ચિત્ર દેખાય એ રીતે જ છાપું રાખતો હતો. હવે તો એ બાળકને પણ રાજીવ સાથે દોસ્તી થઇ ગઈ હતી. પણ તે દિવસે રાજીવને વિચાર આવ્યો કે, આ છોકરો કોની સાથે આવતો હશે..?? આથી એણે કુતુહલવશ થઈને એ અજાણ્યા બાળકને પૂછ્યું કે, તારી સાથે કોણ છે બીટા...?? બાળકે ફટાક દઈને જવાબ વાળ્યો કે , મમ્મા સાથે . રાજીવે બીજો સવાલ કર્યો કે, ક્યાં છે મામ્મા...?? બાળકે પોતાની આંગળીનો ઈશારો સામેની સીટ તરફ કરતા કહ્યું કે , '' એ લહી માલી મમ્મા ''. પોતાના બાળકની આંગળીનો ઈશારો જોતા તે સમજી ગઈ કે પોતાના બાળકને એની માં વિશે જ કદાચ પૂછવામાં આવ્યું હશે. એવું સમજીને એને રાજીવ સામે કૃત્રિમ હોય એવું હળવું સ્મિત આપ્યું. એના ચહેરા પરથી એના જીવનમાં શુષ્ક્તા હશે એવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. તેના મનમાં પણ ઘણા બધા વિચારો ચાલતા હોય એવું એના ચહેરા પરથી નીતારણ થતું હતું. તેના શરીર પર કોઈપણ જાતના આભૂષણો કે કોઈ પણ જાતના શૃંગાર કરવામાં આવ્યા ન હતા. તેને પહેરેલી સાડીનો રંગ પણ ફિક્કો હતો. તે સ્ત્રીના શરીરનું સ્પષ્ટ ચિત્રણ તેના વિધવા હોવાની સાબિતી આપતું હતું. રાજીવને તે સ્ત્રી પ્રત્યે થોડી સહાનુભૂતિ થવા લાગી હતી.

હવે તો રાજીવના જીવનમાં પોતાના નિત્ય ક્રમમાં એક કાર્ય નો વધારો થયો. એ કાર્ય હતું તેના મુરઝાઈ ગયેલા મુખ પર હવે હાસ્ય જોવા મળતું હતું. તે રોજ બસ સ્ટોપ પરથી ચડે ત્યારે પેલો બાળક એની રાહ જોઈને જ બેઠો હોય એમ રાજીવ બસમાં ચડે કે તરત જ તેમની પાસે આવી જાય. હવે તો રાજીવ નો એ છોકરા પ્રત્યનો સ્નેહ અને સંબંધ વધારે ઊંડાણમાં ધસતો જતો હતો. ક્યારેક તો રાજીવ એ બાળક માટે ઘણી બધી જાતનો નાસ્તો પણ લઇ જતો હતો. તો ક્યારેક રમકડાં અને કપડાં લઇ જતો હતો. એ બાળકની માતા તેને મીઠો ઠપકો પણ આપતી અને કહેતી કે , બેટા એમ કોઈએ આપેલી વસ્તુ ન લેયાય. તો સામે રાજીવ પણ એ બાળકનો વકીલ બનીને એનો બચાવ કરતો અને કહેતો કે એમને ના ન કહેશો કારણ બાળક તો ભગવાનનું રૂપ છે. રાજીવના નમ્ર શબ્દો સાંભળીને એ સ્ત્રી આગળ કંઈપણ બોલતી નહિ. રાજીવના મનમાં એ સ્ત્રી વિશે ઘણી જાતના સવાલો ઉઠતા રહેતા હતા કે, આ સ્ત્રી કોણ હશે..? એના પરિવાર માં કોણકોણ હશે..? એ રોજ ક્યાં જતી હશે..? આ બાળક એનું પોતાનું જ હશે ..? આવા ઘણા વિચારો રાજીવના મનમાં ઘુઘવાતા રહેતા હતા. પરંતુ એ ક્યારેય એ સ્ત્રી સાથે વાતચીત કરવાની હિમ્મ્ત ન કરી શકતો હતો.

એક દિવસ સવારે જયારે રાજીવ બસ સ્ટોપ પરથી જયારે બસમાં ચડયો ત્યારે એણે મનોમન એવું નક્કી કર્યું કે આજે તો એ સ્ત્રી સાથે ગમે તમ થાય તો પણ વાત કરવી જ છે. બસ આવી એટલે રાજીવ બસમાં ચડયો અને એને પોતાનું છાપું વાંચવાનું કાર્ય શરુ કર્યું ત્યાં તો પેલો બાળક આવી ગયો અને એ રાજીવ સાથે ગમ્મ્ત કરવા લાગ્યો. પેલા સ્ત્રી સાથે વાતચીત કરવાના વિચાર માત્રથી રાજીવના પુરા શરીરમાંથી પરસેવો છૂટી રહ્યો હતો. અંતે તેનો સ્ટોપ આવી ગયો પણ એ ના પૂછી શક્યો. છેવટે તેના મનમાં એક અનોખી યુક્તિ સૂઝી કે હવે તે પોતે ગમે તેમ કરીને એ સ્ત્રી વિશે ગુપ્ત રીતે માહિતી મેળવીને જ જંપશે.

નક્કી થયાના બીજા દિવસે રાજીવ બસમાં બેઠો. પોતાનો ક્રમ પૂર્ણ કર્યો ત્યાં તો પોતાનો સ્ટોપ આવી ગયો એટલે એ ઉતરી ગયો પણ બીજી જ ક્ષણે પાછળ આવતી બસમાં બેસી ગયો. પોતે જે બસમાં બેઠો એ બસની આગળ જ પેલી બસ ચાલી જતી હતી. ચાર સ્ટેશન મૂકી આગળની બસ થોભી ગઈ. પેલી સ્ત્રીને પોતાના બાળક સાથે ત્યાં ઉતરતા જોઈને રાજીવ પણ ત્યાં ઉતરી ગયો. એ સ્ત્રી પોતાના બાળક સાથે જે રસ્તા પર ચાલી જતી હતી એ જ રસ્તા પર એની પાછળ પાછળ રાજીવ પણ ચાલ્યો જતો હતો. રાજીવના મનમાં ઉતેજના વધતી જ જતી હતી કે , આ સ્ત્રીના પગલાંઓ ક્યાં જઈને ઉભા રહેશે....?? એ જે જગ્યાએ જતી હતી એ જગ્યા હવે નજીકમાં જ આવવાની તૈયારી હતી. એ સ્ત્રીના પગલાંએ હવે થોડીક ઝડપ પકડતા એવું લાગતું હતું કે કદાચ એને થોડું મોડું થઇ ગયું હશે. એના પગલાં જે જગ્યાએ થોભ્યા એ જોઈને રાજીવને થોડું અચરજ થયું. એ સ્ત્રીના પગલાં જ્યાં થોભ્યા તેના થી થોડે દૂર રાજીવના પગ પણ રોકાઈ ગયા. તે એક રમકડાંની લારીની આડશ પાછળથી જોઈ રહ્યો હતો. નાનકડી અને ખખડધજ એવી દુકાનનું તાળું એ સ્ત્રી ખોલી રહી હતી. રાજીવના મનમાં તો જિજ્ઞાસાના મોજાંઓ ઉછળી રહ્યા હતા. એ દુકાન પાર એક નાનું એવું બોર્ડ પણ લગાડેલું હતું. તેના પર '' મનભાવન ઉપહાર ઘર '' એવું લખેલું હતું. રાજીવના મનમાં થોડો અંદાજો આવી ગયો હતો. એ થોડી વાર ત્યાં જ ઉભો રહ્યો. એ સ્ત્રી એ દુકાન ખોલ્યા પછી ધીમે ધીમે થડા પર વાસણો ગોઠવવાના શરુ કર્યા અને બીજી આમતેમ પડેલી વસ્તુઓ બરોબર ગોઠવી. પેલો નાનો બાળક પણ પોતાની આગવી અદામાં પોતાના થી થાય એવું કામ કર રહ્યો હતો. તે સ્ત્રી નાસ્તા માટેની કાચી સામગ્રી તૈયાર કરવામાં લાગી ગઈ. લગભગ નવેક વાગ્યાનો સમય થયો હતો. રાજીવને ઓફિસ જવા માટે મોડું થઇ રહ્યું હતું છતાં પણ એતો મીટ માંડીને પેલી સ્ત્રી અને પેલા બાળક ની કામગીરી માં ઓતપ્રોત થઇ ગયો હતો. આજીબાજુ માંથી શાળા અને કોલેજ ના ઘણા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ના ઘણા ઝુંડ નાસ્તા પાણી માટે આવવા લાગ્યા. એ સિવાય બીજા અન્ય લોકો પણ નાસ્તા માટે આવતા હતા. એ સ્ત્રી બિચારી એકલી ન પહોંચી શકવા છતાં પણ એકલી-અટુલી જાતે ઘણો સંઘર્ષ કરી રહી હતી. એ સ્ત્રી પ્રત્યે રાજીવના મનમાં દયા અને કરુણાના ભાવ ઉઠવા લાગ્યા. તે દિવસે રાજીવ ઓફિસ ન ગયો ને ત્યાં ને ત્યાં જ સાંજ સુધી ભૂખ્યો તરસ્યો એકજ જગ્યાએ ઉભો રહીને તે સ્ત્રીના સંઘર્ષને સલામ મારતો રહ્યો.

સાંજ નો લગભગ સાડા છ વાગ્યાનો સમય થયો હશે. સૂરજની જ્વાળાઓ ઢળી રહી હતી અને એની લાલિમા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે સ્ત્રી પોતાની નાસ્તાની દુકાન સંકેલવાના કાર્યમાં લાગી ગઈ. આખા દિવસના નાના મોટા વાસણો એ સાફ કરવા લાગી અને સાથે સાથે પોતાનો પાંચ વર્ષનો બાળક પણ પોતાની નિઃસહાય માતા ને દિલથી મદદ કરતો હતો. થોડીવારમાં એ સ્ત્રી બધુજ કામ આટોપીને દુકાન બંધ કરીને જતી રહી. રાજીવ એને દૂરથી તાકીતાકીને જોઈ રહ્યો હતો. એના ગયા પછી રાજીવ મનોમન વિચારતો હતો કે આ સ્ત્રીના કોમળ ભૂતકાળ વિશે કોને પૂછવું...?? જોતજોતામા અચાનક તેની નજર એ સ્ત્રીની દુકાન થી ત્રણ દુકાન મૂકીને આવેલી એક માળીની દુકાન પર પડી. એ દુકાનમાં એક વૃદ્ધા ફૂલ ગજરાઓ વેચી રહી હતી. રાજીવે વિચાર્યું કે એક માતાની ઉંમરની સ્ત્રી છે એટલે પૂછવામાં સંકોચ પણ નહિ થાય અને એ પણ જવાબ સરખો આપશે. આવા નેક વિચાર સાથે એ પહોંચ્યો એ માળીની દુકાને અને ત્યાં જઈને એને પેલી વૃદ્ધા સ્ત્રીને સવાલ કર્યો કે, આઈ.., આ તમારી દુકાન થી ત્રીજી દુકાન કોની છે તે જાણવા આવ્યો છું. એ વૃદ્ધાએ જરા અચંબા સાથે રાજીવની આંખોમાં આખો પરોવીને પૂછ્યું કેમ....!!

રાજીવે પણ જેવું હતું એવું સત્ય એ વૃદ્ધની સમક્ષ પરખાવી દીધું. એ સ્ત્રી પ્રત્યે રાજીવના મનમાં રહેલી ખરી મનોવેદના અને સંવેદના એ વૃદ્ધાએ પારખી લીધી. આથી એણે રાજીવ ને માંડીને વાત કરી કે , એ સ્ત્રી નું નામ ઉર્મિલા છે. એની સાથે રહેલો બાળક એનો પોતાનો છે. એ બાળકનું નામ ધૈર્ય છે. પણ એ સ્ત્રી માતૃસ્નેહથી એને બાબુ કહીને બોલાવતી હતી. એનો પતિ ગંભીર બીમારીમાં સપડાયો અને છેવટે બે વર્ષ પહેલા મૃત્યુ ને શરણ થયો. પોતાના પુત્રના મૃત્યુથી એના સાસુ-સસરાના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે, આ સ્ત્રી અપશુકનિયાળ અને કાળમુખી છે. આવી અણસમજ અને અંધશ્રદ્ધા થી પ્રેરિત સાસુ-સસરાએ ઉર્મિલાને ઘરમાંથી જાકારો આપી દીધો હતો. આથી એ પોતાના માબાપ ન ઘરે રહેવા ચાલી ગઈ. થોડા સમયમાં તો તેના માંબાપ પણ ઉંમરને આધીન હોવાથી શરીર છોડી સ્વર્ગે સિધાવ્યા છે. આજે ઉર્મિલા જે દુકાન ચલાવે છે એ દુકાન એક સમયે એના પિતાજી ચલાવતા હતા. આજે ઉર્મિલા બિચારી સંઘર્ષોનાં તોફાનો વીંઝીને પોતાનું અને બાબુનું પેટિયું રળી રહી છે. વૃદ્ધાએ પોતાની વાત આગળ ચાલુ રાખી પણ જ્યાં ઊંચું ઉપાડીને જોયું તો રાજીવ પોતાની આંખના ખૂણાઓ લૂછતાં લૂછતાં ત્યાંથી જતો હતો. વૃદ્ધા તો ઉમર ખાઈ ગયેલ હોવાથી રાજીવનો સ્પષ્ટ ઈરાદો મનમાં ને મનમાં સમજી ગઈ.

બીજા દિવસ ની સવાર જાણે કે કંઈક નવોજ સંદેશો લઈને આવી હતી. રાજીવ આજે નવા સૂટબૂટ સાથે કંઈક અનોખા અંદાજમાં બસ સ્ટોપ પર પહોંચ્યો અને બસ આવવાની રાહ જોવા લાગ્યો. થોડી વારમાં બસ આવી અને એ બસમાં બેઠો. એનું દૈનિક કાર્ય શરુ થયું. નિયમ મુજબ એ કાલિકલી ભાષા બોલતું બાળક પણ ચિત્ર જોવા માટે આવી ગયું. થોડીવાર પછી રાજીવે બાળકના હાથમાં એક ચિઠ્ઠી થમાવી ને કહ્યું કે , બેટા આલે આ ચિઠ્ઠી મમ્માને આપી દેજે. એ બાળકે સહજભાવે એટલું જ કહ્યું કે , '' મમ્મા ને કે પાપાને..?? કેટલા વર્ષો પછી ફરીથી આઘાતજનક વાક્ય સાંભળવા મળ્યું. રાજીવે બસમાં પાછળ નજર ફેરવી ને જોયું તો ઉર્મિલા પણ રંગીન સાડીમાં શોભતી હતી. એની બાજુમાં એક રૂપાળો પરપુરુષ બેઠો હતો. તે ઉર્મિલા સાથે હસતા હસતા વાતો કરતો જતો હતો. આજે એ બીજા જ સ્ટોપે બધા ઉતરી ગયા. રાજીવે બસની બારીમાંથી બહાર નજર કરી તો સામે લગ્ન રજીસ્ટર કચેરી સ્પષ્ટ દેખાતી હતી. રાજીવ મનોમન સમજી ગયો કે જેને હું જીવનસાથી બનાવવા માંગતો હતો એને કોઈક બીજાને હમસફર બનાવી લીધો. એના મનમાં એ વાત નો વસવસો હતો કે ઓફિસે મોડો પહોંચ્યો હોત તો ચાલત પણ હું તો જિંદગી ને ખોજવામાં મોડો પડયો.....

ભાવેશ લાખાણી

બીજા રસપ્રદ વિકલ્પો