આસ્વાદ પર્વ - ભાગ ૧ પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસ્વાદ પર્વ - ભાગ ૧

શીર્ષક:સરસ્વતીચંદ્ર

વિજયરાય વૈદ્ય કહે છે તેમ પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિ કથા એટલે સરસ્વતીચંદ્ર પણ મારી નજરે સરસ્વતીચંદ્ર એટલે પ્રેમની સંકુચિત માનસિકતા ને વેરવિખેર કરી આ સમાજ ને સમગ્ર લક્ષી દ્રષ્ટિકોણથી મુલવતી નવલકથા જેમાં પ્રેમી અને પ્રેમિકા ને જેટલી મિલનની આશા નથી તેટલી આશા સમાજના લોકોના હિત માટે ઘડાયેલી કલ્યાણ ગામ ની યોજના નો અમલ કરવાની છે આનાથી મોટુ સમાજ સેવા માં વિશ્વાસ ધરાવતું પ્રેમી યુગલ જે ત્યાગ ના મહાસાગરમાં ડૂબતું રહ્યું છે એવું ઉદાહરણ બીજા કયા સાહિત્યમાં મળે?

લેખકની દ્રષ્ટિએ સરસ્વતીચંદ્ર:-

મહાનવલ ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી આમ તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કુટુંબ વ્યવસ્થા પર નિબંધો લખતા હતા પરંતુ નિબંધો કરતા નવલકથામાં લોકોની રુચિ વધારે રહેશે એમ માની ભારતીય સમાજ વ્યવસ્થાનું દર્શન કરાવવા લેખકે નવલકથા લખી જેમાં તેમણે કુમુદ સુંદરી જેવી હોશિયાર અને વિરહ ના પર્યાય સમી છોકરી પણ મૂકી છે તો સામે સરસ્વતી ચંદ્ર જેવો મહામૂર્ખ અને મહાપંડિત એમ વિરોધાભાસ ધરાવતો આપ્તરંગી પુરુષ પણ મૂક્યો છે તેમાં વિદ્યા ચતુર અને ગુણસુંદરી જેવા ઉત્તમ પાત્રો છે તો સામે શઠરાય, દુષ્ટ રાય, ગુમાન,ધુર્તલાલ જેવા કનિષ્ઠ પાત્ર પણ છે. ગોવર્ધનરામની પોતાની પુત્રી લીલાવતી પરથી કદાચ આ કુમુદ સુંદરી નું પાત્ર ઉતર્યું છે. બાળપણમાં મુની મહારાજના સહવાસથી જે કંઈક જ્ઞાન પ્રાપ્ત થયું તેના પરિણામે નવલકથા પણ જાણે નિબંધ બની ગઈ હોય એવું લાગે છે ગુણસુંદરી અને વિદ્યા ચતુર ગોવર્ધનરામના અભ્યાસ ની જ ફલશ્રુતિ છે આવા વિદ્વાન લેખક ગુજરાતી ભાષા સાહિત્ય માં અમર સ્થાન ધરાવે છે.

પાત્ર વૈભવ:-

આમ તો મનીષી ગોવર્ધનરામે સમગ્ર નવલકથામાં ભારતીય સંસ્કૃતિના સારા અને નરસા પાસાઓને ઉજાગર કરતી પાત્રસૃષ્ટિ સર્જી છે પણ તેમાંના મને ગમેલા કેટલાંક વિશિષ્ટ પાત્રો ની છણાવટ......

સરસ્વતીચંદ્ર: મહાનવલનો મુખ્ય નાયક સરસ્વતીચંદ્ર આમતો મહા પંડિત છે ૧૯ વર્ષની તરુણ વયે તે બેરિસ્ટર થયો છે પણ આપ્તરંગી ખરો! જેના અક્ષર જોઈને કુમુદ સુંદરી તેના મોહમાં પડી જતી હોય તે સરસ્વતીચંદ્ર કાંતિ વાન તો છે, વ્યાયામથી કસાયેલું શરીર તો છે પણ પિતાના એક ઠપકા ને સહન કરવાની સહનશીલતા તેનામાં નથી અને કદાચ આ અસહ્ય વૃત્તિ જ આ નવલકથામાં વળાંક લાવે છે. પોતાને તો પોતાની સમગ્ર મિલકત લોકોના હિત માં વાપરવી છે એટલે દાદીમાં ઈશ્વર કોર દ્વારા સઘળો વહીવટ મિત્ર ચંદ્રકાંત ને સોપાયેલ છે. તેનામાં એક યુવાનને શોભે એવી વાસના નથી પરંતુ એ જમાનાના નિરક્ષર ભારત ને બેઠું કરવાનો જુસ્સો છે. સરસ્વતીચંદ્ર મા નિરૂપાયેલી વિદ્વત્તા જ્ઞાનધારા ગોવર્ધનરામના ચિંતન મનન ની ફલશ્રુતિ છે. એ સમયનો સમાજસુધારક કેવો હોય તે સરસ્વતીચંદ્રના પાત્ર દ્વારા ગોવર્ધનરામે ઉજાગર કર્યું છે તો બીજું પાસુ એ છે કે સરસ્વતીચંદ્ર એક વાસના મુક્ત અને સૌંદર્યની કદર કરનારો વિરક્ત પ્રેમી છે જે કુમુદ સુંદરીના શરીર સૌષ્ઠવ માં અનાસક્ત છે પણ તેની સમજદારી માં આસક્ત છે. પિતાના એક ઠપકા થી ઘર છોડી દેનાર સરસ્વતીચંદ્ર મહામૂર્ખ લાગે તો બીજી બાજુ રત્ના નગરીમાં જવા ની ઈચ્છા થી બેસેલો કુમુદ ના હિતની ચિંતા કરનાર સરસ્વતીચંદ્ર મહાપંડિત લાગે! ભલે ગોવર્ધન રામે નવલકથા લખી પણ તેમાં બતાવેલો પ્રધાન નાયક સરસ્વતીચંદ્ર એ સમયમાં જ નહીં પણ આજના આધુનિક યુગમાં કલ્પી ન શકાય એવા સમાજ સેવક નું પ્રતિનિધિત્વ કરે છે કારણકે કલ્યાણ ગ્રામની યોજનાને પાર પાડવા અંતે તે કુસુમ સાથે વિવાહ કરવા તૈયાર થઈ જાય ત્યારે સમાજસેવક લાગે તો બીજી બાજુ કુમુદની વિનંતીથી કુસુમને પરણેલો સરસ્વતીચંદ્ર પ્રેમ ની બીજી બાજુ એવી ત્યાગની પરિભાષાને સિદ્ધ કરતું પાત્ર લાગે છે જેણે મારા ચિત તંત્ર અને હદય તંત્રને બરાબર પ્રભાવિત કર્યું છે.

કુમુદ સુંદરી: કોઈ કૌમાર્ય નો નેહ નીતરતી તરુણી એક અનુભવી અને વૃદ્ધ ડોશી ની સમજદારી દાખવે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કુમુદસુંદરી ભલે ગોવર્ધનરામે નવલકથાનું શીર્ષક સરસ્વતીચંદ્ર આપ્યું હોય પણ કથા તો કુમુદસુંદરી ની કરી છે કારણકે નવલકથા નું કથાનક સરસ્વતીચંદ્ર કરતા કુમુદ સુંદરી ની આસપાસ વધારે પ્રદક્ષિણા કરતું હોય એવું લાગે છે લાડકોડમાં ઉછરેલી છતાંય સમજદાર એવી કુમુદસુંદરી ની વિદ્વત્તા નો પરિચય સમગ્ર નવલકથામાં તેના વાક બાણોથી થાય છે જ્યારે કુમુદસુંદરી સાક્ષરતાનું મહત્વ સમજાવતા અને પોતાની વેદના ઠાલવતા એમ બોલે છે કે ભણેલા એ પરણ્યા પહેલા છોડી અને અભણે પરણ્યા પછી છોડી ત્યારે તે એક વિરહિણી ની ગરજ સારે છે સરસ્વતીચંદ્ર જેવો આપ્તરંગી માણસ પણ જે તરુણીને જોઈને મણી મુદ્રિકા બનાવે છબી બનાવે તેના સૌંદર્ય વિશે તો શું કહેવું!!! અંતે તેનામાં પણ મારા દૃષ્ટિબિંદુથી સમાજસેવાનો એક જુસ્સો દેખાય છે અંતે આપણને એમ થાય કે કુમુદસુંદરી તો વિધવા થઈ છે તો હવે સરસ્વતી ચંદ્ર સાથે પરણી કેમ નથી જતી? પણ ડોક્ટર યોગેન્દ્ર વ્યાસ કહે છે તેમ એ સમયમાં લોકો જેને વિધવા સાથે વિવાહ કર્યા હોય તેની સેવા સ્વીકારે નહીં એ વિચારને ધ્યાનમાં રાખીને સમાજના હિત માટે કુમુદ સુંદરી એ સરસ્વતીચંદ્ર ને કુસુમ સાથે પરણાવવા મનાવ્યો આનાથી મોટો ત્યાગ કેવો હોય? અને મોકો હોવા છતાં સમાજના હિત માટે પ્રેમીનો સહવાસ છોડી પોતાના પુત્ર સમાન દેવર ની સેવા કોણ સ્વીકારે આ જમાનામાં? અરે આ જમાનામાં તો શું એ જમાનામાં પણ કોઈ નહિ કરે પણ આ દુષ્કર કાર્ય કુમુદ સુંદરી એ કરી બતાવ્યું છે. આમ તો આ પાત્ર ગોવર્ધનરામે પોતાની મૃત પુત્રી લીલાવતી પરથી ચીતર્યું છે પણ જાણે એક સન્નારી નો સાક્ષાત્કાર છે આ કુમુદ સુંદરી માં! આમ તો આ કુમુદ સુંદરી સરસ્વતીચંદ્ર જેટલું ભણેલી નથી અને માત્ર ચૌદ વર્ષની છે છતાંય સમજદારી અને સાક્ષરતામાં સરસ્વતીચંદ્ર કરતા તે ક્યાં આગળ હોય એવું મને લાગે છે.

વિદ્યા ચતુર- ગુણસુંદરી: ગોવર્ધનરામે આ મહાનવલ માં આ બંને પાત્રોને માત્ર નવલકથાની પ્રમુખ નાયિકાના માતાપિતા તરીકે જ નથી મૂક્યા પરંતુ ભારતીય સંસ્કૃતિ માં એક આદર્શ દંપતિ કેવું હોઈ શકે તેનું આલેખન કર્યું છે તે કુમુદસુંદરી ના માતા-પિતાથી આગળ વધીને એક આદર્શ યુગલ છે.
રત્ન નગરી માં શાળાના માસ્તર તરીકે આવેલો વિદ્યા ચતુર છેક ગામ નો અમાત્ય બને છે તેના પાત્રમાં રાજનીતિ અંગે જ્ઞાન અને કુશળ વહીવટ કરવાની આવડત સ્પષ્ટ છે તે સમગ્ર નવલકથા ની અંદર એક આદર્શ પતિ અને પોતાની પુત્રીનો હિતચિંતક તો છે જ પણ સાથોસાથ એક આદર્શ અમાત્ય પણ છે. આજના જમાનામાં જ્યારે બેટી બચાવો અભિયાન ચલાવવા પડે છે ત્યારે ગોવર્ધનરામે આ પાત્ર દ્વારા સંતાન તરીકે પુત્ર હોવો એ અનિવાર્ય નથી એ સ્પષ્ટ કર્યું છે. આમ તો વિદ્યા ચતુર ઘણો બુદ્ધિશાળી છે પણ દીકરીને પરણાવવામાં મુરતિયાને ન જોતા મુરતિયાના બાપ ને જોયો એટલે પછડાયો! બાપ અમાત્ય છે એટલે દીકરો પણ સુશીલ હશે આ વિચાર જ વિદ્યા ચતુર ની ભૂલ!
વિદ્યા ચતુર ની પત્ની અને કુમુદ સુંદરી ની માતા થી આગળ વધીને ગુણસુંદરી એક આદર્શ પત્ની છે અને ઘરસંસાર ચલાવવામાં તે નિપુણતા ધરાવે છે એટલે જ કદાચ ગોવર્ધનરામે આ પાત્ર ને ધ્યાનમાં લઇ આખો એક ભાગ ગુણસુંદરી ની કુટુંબ વ્યવસ્થા માટે લખ્યો છે ગર્વ લઇ શકાય એવી વાત છે કે આવી કુટુંબ વ્યવસ્થા માત્રને માત્ર એક ભારતીય નારી જ કરી શકે એ વાતમાં બે મત નથી આજે ઘર તૂટવાની સળગતી સમસ્યા ની સામે ગુણસુંદરી નું કુટુંબ વ્યવસ્થાનું જ્ઞાન તેનું સમાધાન હોય એમ મને લાગે છે ગોવર્ધનરામ કદાચ એટલે જ આર્ષદ્રષ્ટા કહેવાય છે સમગ્ર નવલકથામાં પોતાના પરિવારને સાંકળવામાં ચપ્પલ અને હોશિયાર એવી ગુણસુંદરી એક અગત્યનું પાત્ર બની રહે છે.

કુસુમસુંદરી- ચંચળ બા વગેરે: ગોવર્ધનરામે આ બધા પાત્રો એક કુટુંબ વ્યવસ્થાની પુષ્ટિ માટે મૂક્યા હોય એવું મને લાગે છે ક્યારેક ખટપટ માટે ચંચળબા અને અન્ય પાત્રો લેખક મૂકે છે તો અંતમાં કલ્યાણગ્રામ ની યોજના પાર પાડી શકાય તે માટે કેન્દ્રમાં કુમુદ સુંદરી નથી પરંતુ કુસુમ સુંદરી છે અને કદાચ પ્રધાન નાયિકાની એક બહેન થી આગળ વધીને એક સહેલી તરીકે આ પાત્ર અગત્યનું હોય એવું મને લાગે છે દીકરી પર જ્યારે આફત આવે ત્યારે આખું કુટુંબ આ ચિંતા ગ્રસ્ત થાય એ પણ આ નવલકથામાં બતાવાયુ છે જેના માટે આ પાત્રો નવલકથાકાર મૂકે છે એવો મારો મત છે.

પ્રમાદ ધન- બુદ્ધિધન- સૌભાગ્ય દેવી: નોકરો ના હાથે ઉછરેલા સંતાનો કેવા હોય તેનો તાદ્રશ્ય ચિતાર ગોવર્ધનરામે પ્રમાદ ધનના પાત્રને સર્જીને આપ્યો છે નશામાં તરબતર રહેતો પ્રમાદ ધન કલિકા નામની ગણિકાને પોતાની વેશ્યા તરીકે રાખે છે જે તેના ભોગવિલાસ માટે છે પિતા અમાત્ય છે એટલે પ્રમાદ ધન ને બધી જ સુખ-સુવિધા મળી હોય એ સ્વાભાવિક છે એક ત્રાજવામાં સરસ્વતીચંદ્ર ને મુકો અને બીજા ત્રાજવામાં પ્રમાદ ધન ને મૂકો તો પેલું ત્રાજવું સતયુગ અને બીજું ત્રાજવુ કળિયુગ! પ્રમાદ ધન કુમુદ સુંદરી જેવી વિરલ સ્ત્રીને સાચવી ન શક્યો, ઘરમાં નહી હૃદયમાં! ધના ભગત કહે છે ને કે હીરાની પરીક્ષા તો ઝવેરી હોય તે જાણે તેમ આ કુમુદસુંદરી નામનો તેજસ્વી હીરો પ્રમાદ ધન નામના નશાધીન ઝવેરી ના હાથમાં આવી ગયો એ આ નવલકથાનું દુર્ભાગ્ય છે. નવલકથાના અંતભાગમાં પ્રમાદ ધન નુ રોગથી મૃત્યુ એ કર્મનું ફળ બતાવે છે.
બુદ્ધિધન નામ મુજબ જ રાજકારણમાં અત્યંત ચતુર છે પત્નીને ખૂબ પ્રેમ કરે છે પ્રથમ ભાગમાં બુદ્ધિધન દ્વારા ગોવર્ધનરામનું રાજકારણ અંગેનું જ્ઞાન પ્રકાશમાં આવે છે બુદ્ધિધન કેવી મહેનત કરીને અમાત્ય બન્યો છે તે પ્રથમ ભાગમાં ગોવર્ધનરામ બતાવે છે પોતાના દીકરાની ભૂલ પર પરદો નાખવા માટે માનતો નથી દુષ્ટ રાય અને શઠ રાય જેવા કનિષ્ઠ માણસો નો સામનો કરીને પણ તે રાજાનો પ્રિય બને છે તો સામે સૌભાગ્યવતી દેવી પણ ઉત્તમ દામ્પત્ય ચલાવવામાં બુદ્ધિ ધન ની મદદે છે આ યુગલ પણ ખરેખર વંદનીય છે.

અલકકિશોરી-તેની સહેલીઓ વગેરે: ગોવર્ધનરામે જુવાનીમાં ઊછળતી અલકકિશોરી ને નવલકથાના પાત્ર તરીકે મૂકીને એક મુગ્ધા નારી અથવા એનાથી પણ આગળ વધીને કહીએ તો એક નોકરો ના હાથે ઉછરેલી દીકરી કેવી હોય તેનું પ્રતિબિંબ પાડ્યું છે આ પાત્ર સર્જીને ગોવર્ધનરામ આપણને કુમુદ સુંદરી અને અલકકિશોરી વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે અલકકિશોરી આમ તો વિદુર પ્રસાદને પરણેલી છે છતાંય નોકરો સાથે જ આડા સંબંધો પણ છે એટલે જ ગોવર્ધનરામ ખુશામતિયા અને ભ્રષ્ટ
નોકરોને હાથે ઊછરેલી એવો શબ્દ વાપરી અલક કિશોરીની જુવાનીની મોજ મજા આપણી સમક્ષ મૂકે છે.
આ ઉપરાંત વન લીલા અને તેના જેવી સખીઓ નું આખું ટોળું ગોવર્ધનરામ નવલકથામાં મુકે છે તેનો ઉદ્દેશ્ય જુવાન નારીઓ ના વિચારોનુ પ્રતિબિંબ માનવ જગત સમક્ષ મૂકવું હોય એમ મને લાગે છે.

કુલ ચાર ભાગનું તથ્ય:-

પ્રથમ ભાગ: બુદ્ધિ ધનનો કારભાર- આ ભાગમાં નવલકથાનો રસ બરાબર જામ્યો હોય એવું લાગે છે આ ભાગમાં ગોવર્ધનરામ નું રાજનીતિ અંગેનું જ્ઞાન પ્રદર્શિત થાય છે બુદ્ધિધન જે રીતે કારભારી થાય છે તે અંગેની ગાથા સુપરે ભાગમાં વર્ણવાઈ છે.

બીજો ભાગ: ગુણસુંદરીનું કુટુંબજાળ- આ ભાગમાં એક ભારતીય નારી પોતાના કુટુંબને કઈ રીતે સાચવે અને કુટુંબના તમામ સભ્યોને પ્રેમની એક દોરી પર કેવી રીતે સાંકળે છે તેની વાત ગોવર્ધનરામ કરે છે ગુણસુંદરી જેવી ઉત્તમ ભારતીય નારી આજની તમામ ઉન્મત સ્ત્રીઓને મહાત કરી માર્ગદર્શન આપી શકે તેમ છે.

ત્રીજો ભાગ:રત્ન નગરીનું રાજ્યતંત્ર- આ ભાગ મા વિદ્યા ચતુર ને લઈને ગોવર્ધનરામ રાજનીતિ અંગેનું જ્ઞાન પ્રદર્શિત કરે છે અને સાથોસાથ કથાનક પણ ખૂબ જ નિબંધાત્મક શૈલીમાં આગળ ચાલે છે.

ચોથો ભાગ: સરસ્વતી નું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ- અંતભાગમાં કુમુદ સુંદરી નો કલ્યાણ ગામ ની યોજના પાર પાડવા માટે ત્યાગ સરસ્વતીચંદ્ર નો કુસુમ સુંદરી નો સ્વીકાર કરવો વગેરે ઘટનાઓ કથાનકને રસાળ તો બનાવે છે પરંતુ ગોવર્ધનરામ નવલકથા નહીં જાણે નિબંધ લખતા હોય તેવું આ ભાગમાં લાગે છે.

લેખક-પંડિતયુગ ના પુરોધા તરીકે: પંડિત યુગના પ્રમુખ સર્જક તરીકે ગોવર્ધનરામ પોતાની એક આગવી છાપ આપણી સમક્ષ મૂકે છે પંડિત યુગના આ સર્જકે ગુજરાતી ભાષાનું જાણે કે પૂરું શબ્દ બળ આ નવલકથામાં રેડી દીધું હોય એવું લાગે છે પંડિત યુગના સર્જક છે એટલે કદાચ સામાન્ય શબ્દકોશનો સ્વામી આ નવલકથા નો ઉપદેશ ન સમજી શકે પણ વિદ્વાનો દ્વારા આ નવલકથા ઘણી વખણાય છે.

ઉપસંહાર: આ નવલકથા યુગો યુગો સુધી વંચાતી રહી છે અને વંચાતી રહેશે ભારતીય સંસ્કૃતિ દર્શન નું પ્રતિબિંબ પાડતી આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં અમર છે.