BAPUJI NA OTHA - 1 books and stories free download online pdf in Gujarati

બાપુજીના ઓઠાં (૧)

પ્રિય વાચક મિત્રો..!

આપ સૌને બાળપણમાં આપના દાદા કે બાપુજી પાસેથી વાર્તાઓ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે...! એ વાર્તાઓ ગામઠી ભાષામાં "ઓઠા" કહેવાય છે...
મારા પિતાજી એક ખેડૂત છે.અને મારું બાળપણ ગામડામાં વીત્યું છે.ત્યારે મારા ગામમાં વીજળી પણ આવી ન હતી (1970 થી 1982)
એ સમયે મારા પિતાજીએ ફાનસના અજવાળે વાંચેલી મહાભારત કથામાંથી મેં "મહાભારતના રહસ્યો " ની સિરીઝ લખી છે..
આવી જ એક "ઓઠાં" ની સિરીઝ હું મારા વાચક મીત્રો સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું..
આ વાર્તાઓ વર્ષોથી કર્ણોપકર્ણ સચવાતી આવી છે..કદાચ મારુ સૌભાગ્ય છે કે હું આ "ઓઠાં " ને અક્ષરદેહ આપી રહ્યો છું.
આ ઓઠાંઓને જે તે સ્વરૂપમાં રાખવાને બદલે વધુ રસાળ બનાવવા મેં મારી કલમની કારીગીરી વાપરીને એને વધુ રસાળ અને લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે.
વાર્તામાં કોઈપણ જ્ઞાતિ અંગે કંઈ અછડતું લખાઈ ગયું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
મારો આશય બિલકુલ કોઈ જ્ઞાતિ કે સમાજને નારાજ કરવાનો કે એમનું અપમાન થાય એવું લખવાનો રહ્યો નથી..
તો રજુ છે..."બાપુજીના ઓઠાં.."
લાગી શરત...?

ભાઈચંદ વાણિયો ભારે ખેપાની અને બુદ્ધિશાળી હતો. ગામમાં એની બોલબાલા હતી. વાત વાતમાં એને શરત મારવાની ટેવ. મોટા ગપગોળા મારતો પણ ક્યારેય એ શરત હારતો નહીં..
એનો વેપાર ગામ પરગામ ચાલતો એટલે ઉઘરાણી પણ રહેતી. ઘણીવાર એકલો તો, ઘણીવાર દરબાર દિલુભાને સાથે લઈ જતો.
એક દિવસ એક ગામમાં એ ઉઘરાણીએ ગયેલો. પાછું વળવામાં મોડું થઈ ગયું. એ સમયે કોઈ ખાસ વાહનની વ્યવસ્થા નહોતી એટલે ચાલતા જ આવવું-જવું પડતું. ક્યારેક વળી ઘોડાગાડી કે કોઈનું ગાડું મળી જતું.
ભાઈચંદ ઘોડી રાખતો. ઘોડી લઈને એ નીકળ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. દુકાનદારે કહ્યું કે શેઠ રોકાઈ જાવ...રસ્તામાં જંગલ છે ને વળી કેડીમાં કોક જનાવર ભટકાઈ જશે તો નો થવાનું થશે.
પણ ભાઈચંદ એવા "નો થવાના" થી ડરે એવો નહોતો. એ તો ચાલી નીકળ્યો. જંગલની કેડીએ એની ઘોડી ચડી ત્યારે સાવ અંધારું થઈ ગયું.
થોડે આગળ ગયો ત્યાં એની નજર સામે જે દ્રશ્ય રચાયું હતું, એ જોઈને અચરજથી એની આંખો ફાટી ગઈ.
એક વરુ કેડીની વચ્ચોવચ બેઠું હતું...અંધારામાં એની આંખો ચમકતી હતી.
ભાઈચંદ એમ ડરી જાય એમ નહોતો..! ઘોડી પરથી એ હળવેથી નીચે ઉતર્યો...અને દોડીને વરુના કાન પકડી લીધા.
વરુ આમથી તેમ આંચકા મારે પણ ભાઈચંદ એને ચસકવા દેતો નહોતો. કાન પકડાઈ જવાથી વરુ પણ લાચાર થઈ ગયું હતું.
ભાઈચંદના ઝભ્ભાના ખિસ્સામાંથી ઉઘરાણીના સિક્કા ઉછળી ઉછળીને વેરાઈ ગયા. વરુ ભાઈચંદથી છૂટવા માંગતું'તું પણ ભાઈચંદને વરુનો ડર હોવાથી એ કાન મૂકતો નહોતો....
સવાર સુધી ભાઈચંદે વરુને પકડી રાખ્યું..મોં સૂઝણું થયું ત્યારે દરબાર દિલુભા જંગલ જવા લોટો લઈને આવ્યા. કેડીમાં જ્યાં ત્યાં રાણી સિક્કા પડેલા જોઈ એમની આંખો ચમકી. લોટે જવાનું ઘડીક મુલતવી રાખી એમણે એ સિક્કા વીણવા માંડયા....
"એ...દિલુભા...ઈ સિક્કા વીણોમાં...ઈ અમારી મહેનતના છે. આમ જોવો...આ વરુ હાથમાં આવ્યું છે...એના કાનમાંથી રૂપિયા ખરે છે રૂપિયા...કાલ્ય સાંજનો ખેરવું છું તંયે માંડ આટલા ખેરવ્યા છે...એમ તમે મફતના વીણી નો લેતા..." કહી ભાઈચંદે બે-ચાર સિક્કા જલદીથી ઝભ્ભામાંથી હાથની મુઠ્ઠીમાં લઈ લીધા.
દરબાર ખડખડ હસ્યા.
"એલા વાણિયા ભાઈ...અમને સાવ ડોબા હમજો છો...? કાંય વરુના કાનમાંથી રૂપિયા ખરે...?"
"ત્યારે શું અમે ગોલકીના છંવી...?વાણિયાની જાત, જંગલમાં વરુ હાર્યે આખી રાત શું ઈમનીમ બથોડા લેતા હશું...? તમે તમારું લોટાવાળું પતાવીને ગામ ભેગા થાવ." કહીને ભાઈચંદે મુઠ્ઠીમાંથી એક સિક્કો ખેરવ્યો.
એ જોઈ દિલુભા ચમક્યા.
"અલ્યા..ભાઈસંદ, તું તો મારો ભાઈબંધ...લે હવે ઘડીક મનેય ખેરવી લેવા દે...તું તો હમીહાંજનો ખેરવસ...તો હવે અમારો વારો..."
"ના હો...દિલુભા...આ બાબતમાં આપણી ભાઈબંધી નહીં. તમે તમારે લોટે જવાનું પતાવીને ગામ ભેગા થાવ. હજી તો આના કાનમાં બહુ રૂપિયા પડ્યા છે...જો જો પાછા બે ખર્યા...''એમ કહી ભાઈચંદે બે સિક્કા હાથમાંથી પડવા દીધા.
દિલુભા હવે ઉતાવળા થયા.
"મારો બેટો આ ભાઈસંદ...રૂપિયા ખેરવી જાહે...ને હું શું ઊભો ઊભો જોઈ રયસ...?" એમ વિચારી એ આગળ વધ્યા.
"કવ સુ ભાઈસંદ... સાવ આવું કર્યમાં...આ ફેરે ગામતરે જાવાનું હોય ઈ વખતે હું મફતમાં જ હાર્યે આવીશ...પણ ભલો થઈને મને કાન પકડવા દે...નકર હું તને ધક્કો મારીને કાન પકડી લઈશ, હો...!"
"પણ દરબાર તમારે લોટે નથી જાવું...? તમે ઇ પતાવો તાં લગણમાં હું થોડાક ખેરવી લઉં." કહી દિલુભા જુએ એમ ફરી બે સિક્કા પાડ્યા.
હવે દરબારથી રહેવાય એમ નહોતું. લોટે જવાનું કેન્સલ કરી દિલુભા વરુના કાન પકડવા ઉતાવળા થયા...!
ભાઈચંદને આટલું જ જોઈતું હતું. દરબાર આમ તો પોતાને છોડાવવાના પૈસા માંગત એની એને ખબર હતી એટલે દિલુભાને જાદુ બતાવીને ભાઈચંદ જાણે કમને કાન મૂકતો હોય એમ બોલ્યો,
"ઠીક છે બાપુ...વચન પાળજો...અઠવાડિયા પછી ગામતરે જાવાનું સે...તમારી ઘોડી લઈને આવી જાજો...એક રૂપિયોય આપીશ નહીં... અને હાલો હવે તમારી જેવું કોણ થાય...લ્યો આવીને ઝાલી લ્યો..."
દિલુભાને કાન પકડાવીને ભાઈચંદે પોતાના વેરાયેલા સિક્કા વીણી લીધા અને ઘોડી પર ચડીને ગામ ભણી ચાલતી પકડી.
દિલુભા વરુના કાન આમથી તેમ આમળે છે...પણ પાવલીય ખરતી નથી.
"અલ્યા, કેમ કંઈ ખરતું નથી...એ ભાઈસંદ..." દિલુભાએ રાડ પાડી.
"એમ તરત નો ખરે...મે'નત કરવી પડે...પણ ખરશે ઈ પાક્કું." કહીને ભાઈચંદે પોતાની ઘોડીને એડી મારી.
દિલુભાએ બપોર સુધી આંબળછેડા લીધા...પણ પાંચિયુંય ખરે ? કાન મૂકીને એમણે વરુને પાટુ ઝીકયું...એમનો લોટો પણ ઢોળાઈ ગયો હતો..હવે જાજરૂ જવું કે પાધરું જવું એ નક્કી થઈ શકતું નહોતું.
એ બબડયા...,
'મારો બેટો ભાઈસંદ મને બરાબરનો બનાવી જ્યો...!'
દિલુભાએ આ વાત કોઈને કરી નહીં પરંતુ રોજ રાતે ભાઈચંદને પાઠ ભણાવવાનો વિચાર કરે.
બજારેથી નીકળે તો ભાઈચંદ સાદ પાડીને બોલાવે,
"એ દિલુભા...આવો આવો... બીજો વરુ બતાવું..."
દિલુભા જવાબ દેતા નથી.

** ** **

અઠવાડીયા પછી ભાઈચંદ અને દિલુભા પોતપોતાની ઘોડીઓ લઈને ગામતરે જઈ રહ્યાં છે. દિલુભા કંઈ બોલતા નથી પણ ભાઈચંદથી મૂંગુ રહેવાતું નથી.
"તેં હેં દિલુભા...તમને હાચું લાગ્યું'તું કે વરુના કાનમાંથી રૂપિયા ખરે...?"
કહી એ ખડખડ હસી પડ્યો.
"હવે ઈ વાત જાવા દે...ભાયસંદ, નવી કાંક વાત કર્ય."
દિલુભાએ દાઝે ભરાઈને કહ્યું.
"એમ કરો દરબાર...આપણે એક બીજી વાત માંડીએ. મારી વાતમાં તમારે ના નહીં પાડવાની અને તમારી વાતમાં હું ના નહીં પાડું.. .જો હું તમારી વાતમાં ના પાડું તો મારે તમને એક હજાર રૂપિયા આપવાના
અને જો મારી વાતમાં તમે ના પાડો તો તમારે મને એક હજાર આપવાના...બોલો, છે શરત મંજૂર...?"
ભાઈચંદ જાણતો હતો કે હું મોટા મોટા અને માનવામાં ન આવે એવા ગપગોળા હાંકીશ એટલે દરબારનો મગજ ફાટશે...અને મારી વાતમાં ના નથી પાડવાની એ શરત ભૂલી જશે...એટલે એક હજાર હું જીતી જઈશ...
"મંજૂર...સે...ભાઈસંદ...તારી વાતમાં હું ના નહીં પાડું... પણ મારી વાતમાં તારે ના નહીં પાડવાની બરોબર...? હારું, તારે મંડય બોલવા...!" દિલુભાએ લીલી ઝંડી ફરકાવી.
" તો હાંભળો તાર..." કહીને ભાઈચંદે પોતાની વાત શરૂ કરી.
"પેલાના વખતમાં અમારા વડવા જાત્રા કરવા દેશ વિદેશ જાતા.''
"હા તે જાતા'તા...એમાં મારે શું કામ ના પાડવી જોવે."
"પણ સાંભળો તો ખરા...એમ અમારા વડવા હાલીને નો જાતાં.''
"હા...તે બળધગાડું કે ઘોડાગાડી લઈને જાતા હશે.
એમાં મને શું વાંધો હોય...?"
" અરે ! એમ નહીં... અમારા વડવા, ઘરે એક વડલો વાવતા...ઈ વડલાની એક ડાળ ગોકુળ જાય...,
એક ડાળ વૃંદાવન જાય...,એક ડાળ સોમનાથ જાય..,
એક ડાળ દ્વારકા જાય..., વળી બીજી ડાળીયું બીજા ઠેકાણે... જ્યાં જ્યાં તીરથધામ હોય એ બધા જ ધામમાં એક-એક ડાળ પોગી જાય... બોલો..." ભાઈચંદે બરાબરનું ગપ્પુ ઠોકયું.
"હા તે ભલે ને જાય...મારા બાપાનું શું જાય...
ઠેકઠેકાણે તમારા બાપાની ડાળીયું જાતી હોય એમાં મારા બાપાને કે મને શું કામ કંઈ વાંધો હોય...હાંકય તું તારે..." દિલુભાએ હસીને કહ્યું.
"પછી અમારા વડવાઓ જે તીરથધામમાં જવું હોય ઈ ડાળીએ દોડ્યા જાય... અને બે દિવસમાં તો તીરથ કરીને આવતા રે..."
"હા... તે સગવડ કીને કહેવાય...,ઈને કહેવાય...! ઘરેથી સીધી જ ડાળી જાતી હોય તો ઝટ પાસા આવતું જ રેવાયને..ઈમાં મારે હું કામ ના પાડવી જોવે ?" દિલુભા આજ ખીલો છોડવા માંગતા નહોતા.
"તે દી.. બાપુ અમારે એવી જાહોજલાલી કે તમારી જેવા પાંચસો તો નોકર અમારી ડેલીમાં આંટા મારતા..પાણી માંગવી ત્યાં દૂધ હાજર થાતું.. દહીં દૂધની નદીયું અમારા વડવાઓના વખતમાં વહેતી'તી..બોલો..." ભાઈચંદ વાતને વળ ચડાવવા લાગ્યો.
"હા...તે હોય...પેલાના વખતની વાતું જ નિરાળી સે ને, ભાઈ."
"પણ બાપુ...સોનાની તો પાટયું હતી...હિંડોળા
સોનાના...વાસણ સોનાના...બધું સોનુ જ સોનુ... બોલો..."
"હા...બાપા હા...સોનુ તો હતું જ ને તમારી વણીયાવની પાંહે... ઈમાં મારે શું કામ ના પાડવી જોવે.."
ભાઈચંદ આખરે થાક્યો. સાવ ગળે ન ઉતરે એવા ગોળા ઠોક્યાં તોય દિલુભાએ ક્યાંય ગુસ્સે થઈને કોઈ વાતમાં ના ન પાડી.
"દરબાર...તમે તો ભારે કરી... માળા તમને દાઝ નો ચડી તે નો જ ચડી...મારી એકેય વાત તમને ભારે નો પડી...લ્યો, હાલો તાર હવે તમે વાત માંડો...તમે ગમે એવું ખાંડણીયામાં ખાંડો... પણ જવાબ નો આપું બાંડો...!"
"લે ત્યારે...હાંભળ...જો જે હો...મારી વાતમાં ના નો પાડતો... જો ના પાડીશ તો શરત પરમાણે તારે એક હજાર રૂપિયા મને આલવા પડશે..." દિલુભાએ કહ્યું.
"અરે.. બાપના બોલથી...ના પાડું જ નઈને..તમતમારે હાંકો જેવા હાંકવા હોય એવા.." ભાઈચંદે કહ્યું
"પેલાના વખતમાં અમારા એક વડવા હતા..એમની પાંહે દસ હજાર ભેંસુ અને દસ હજાર ગાયું હતી.." દિલુભાએ હાંકયુ...!
"હેં..? દરબારો પાંહે ગાયું ને ભેંસુ...?" ભાઈચંદ ભડક્યો પણ તરત શરત યાદ આવતા હસી પડ્યો.
"હા...તે કોક કોક દરબારો ધણ રાખતા...પણ હેં બાપુ આટલી જ ગાયું ને ભેંસુ..? થોડીક વધારવી હોય તો વધારો..મને કંઈ વાંધો નથી...'' કહી એ ફરી હસ્યો.
"તો એમ કર્ય...પાંસ પાંસ હજાર વધારી દવ...કારણ કે ગણવામાં ભૂલ પડી હોય...એટલે કેટલી થઈ...?"
"પંદર હજાર ભેંસુ અને પંદર હજાર ગાયું થઈ...કુલ ત્રીહ હજારનું ધણ થયું...હવે આમાંથી દુઝણા કેટલાં... અને પાંખડા કેટલા...?"
"બધી...દુઝણી...વહુકેલી ગાયું અને ભેંસુ તો અલગ હતી...ચાલીહ હજાર ઈ હતી." દિલુભાએ નવો ગોળો દાગ્યો.
"કુલ સિત્તેર હજાર થઈ હો...પણ આમાં કોઈ આખલા કે પાડા ખરા...કે બધી ગાયું ને ભેંસુ જ હતી...?"
"કેમ નઈ...આખલા અને પાડા વગર આટલી ગાયું ને ભેંસુ ફળે ખરી...? ઈય હતા." દરબાર હસ્યાં
"તો આમાં ઈ આખલા અને પાડા..
અંદાજે કેટલાંક હશે..?" ભાઈચંદે કહ્યું.
"દહ ગાયું વસાળે એક આખલો અને દહ ભેંસુ વસાળે એક પાડો હતો એમ હાંભળેલું.. તો ચેટલા થાય ઈ ગણ્ય.." દિલુભાએ દાખલો આપ્યો.
ઈમ માનોને પંદર હજાર દુઝણી અને વીહ હજાર પાંખડી મળીને કુલ પાંત્રી હજાર ગાયું...દહ વસાળે એક આખલો મૂકો તો સાડા ત્રણ હજાર આખલા અને ઈ જ પરમાણે સાડા ત્રણ હજાર પાડા હોય.."ભાઈચંદે હિસાબ કર્યો.
"હા...બરોબર સે..'' દિલુભાએ પણ હા પાડી.
"ક્યાં આપણે ચારવા જવું છે..??"
"હા..તો બરોબર હોય તો આગળ વાત કરો.. હું એમ પૂછું છું કે આટલા ઢોર ચારવા અને દોહવાનું શું...? ક્યાં રાખશો..?"
"હા..હા..સાંભળ તો ખરો...આ ધણ હાચવવા એક હજાર ભરવાડ રાખેલા." દિલુભાએ વ્યવસ્થા કરી નાંખી.
"તમે ઈમ કયો છો કે ત્રીસ હજાર દુઝણા ઢોર હતા. એક હજાર ભરવાડ. એક એક ભરવાડને ત્રીહ ત્રીહ ઢોર દો'વા પડે...એક ગાય આશરે દસથી બાર શેર અને ભેંસ આશરે પંદરથી વીહ શેર દૂધ કાઢે તો આટલા બધા ઢોર દો'તા કેટલો વખત લાગે..અને કેટલું દૂધ નીકળે અને ઈ બધું દૂધ તમેં ક્યાં નાખો..?" ભાઈચંદે ના ન પાડી પણ સવાલ કર્યા.
"એ બધો હિસાબ કરવા તારી જેવા પાંચસો વાણિયા રાખેલા. આખો દિવસ બસ હિસાબ કર્યા કરે...અને એક મોટો કુંડ બનાવેલો. લગભગ અડધો ગાઉ પહોળો, એક ગાઉ લાંબો...અને લગભગ પચ્ચા ફૂટ ઊંડો..એમ હાંભળેલું સે.."
"ઈ કુંડ શુ લેવા બનાવ્યો'તો ?"
"લે..આટલી ભેંસુ અને ગાયુંને દોવા માટે..કાંઠે ઊભી રાખીને સીધી જ આ કુંડમાં દોહી લેવાની...હમજ્યો?"

"હા..ઈ બરોબર..પણ બાપુ હજી એક વાત પુંસવાની રહી ગઈ..હું ઈમ પૂછું છું કે આ જે ઢોર દુઝણા હોય ઈ વીંહાણાં વગર જ દુઝણાં થયાં...?"
"કોણે તને આવું કીધું..ઢોર વીંહાય તો ખરા જ ને..!"
"તો વાછડા અને પાડરું નો હોય..?" ભાઈચંદ દિલુભાને એમની જ વાતમાં ગુંચવવા માંગતો હતો.
"હોયને...જેટલા દુઝણાં એટલા બચ્ચા ઉમેરી દે..અને જેટલા પાંખડા એ બધા પણ આગળ તો વિહાંયા જ હોય ને બબ્બે બીજા ઉમેરી દે ને.! આપણે ચ્યાં સારવા જાવા સે..." દિલુભાએ કહ્યું.
"હવે જાવા દ્યો..જે હોય ઈ.. હવે આગળ તો વાત કરો.." ભાઈચંદ બોલ્યો.
"હવે આગળમાં ઈમ કે ઈ જે કુંડ હતો એવા બીજા ચાર કુંડ હતા."
દિલુભાએ કહ્યું.
"લે..બીજા ચાર..? વાંધો નહીં.. બનાવી નાખો પણ આ બીજા ચાર કુંડમાં કરવાનું શું...?"
"એક દુધનો ભરાઈ જાય એટલે એમાં એક હજાર ટીપડા છાછ નાખવી પડતી."
"એક હજાર ટીપડા છાછ..? કાં..?"
"અલ્યા દૂધમાં મેળવણ તો નાખવું પડે કે નહીં..?"
"હા..હો..ઈ તો મને હાંભર્યું જ નહીં..પણ તો પછી દહીં થાય એને વલોવવું નો પડે..?"
"હા..તે હું ચ્યાં ના પાડું છું..? ઓલ્યા સાત હજાર પાડા અને આખલા હતા ને..?"
"હા, તે એનું શું..?"
"ગાંડા.. એ સાત હજાર પાડા અને આખલાને આ દહીંના કુંડમાં નાખીએ અને આ કાંઠેથી ભાંઠા મારીએ તો ઓલ્યા કાંઠે અને ઓલ્યા કાંઠેથી ભાંઠા મારીએ એટલે આ કાંઠે..એમ અઠવાડિયું સાત હજાર પાડા અને આખલા માલિકોર આંટા મારે એટલે ઈમ કેવાય સે કે ડુંગર જેવડો માખણનો પિંડો તીયાર થાય." દિલુભાએ બરાબરનો દાબ્યો.
"પણ એક અઠવાડિયું..? તો ઈ આખલા અને પાડા માલિપા મુતરે નહીં..? પોદળા નો કરે..?"
"હમજણવાળા... ભાઈચંદ,ઈ હંધાય હમજણવાળા. એક અઠવાડિયા હુંધી રોકી રાખે..પણ માલિપા મુતરેય નહીં ને પોદળોય નો કરે..એક અઠવાડિયે બહાર કાઢો એટલે એકહારે ઈ સાત હજાર ઢોર મળવીસરજન કરી નાખે..કેવાય સે કે ઇ વખતે ખેડુના ગાડાની લાયનું લાગતી...!"
ભાઈચંદને હવે બોલવાની ઈચ્છા નહોતી પણ આ ગાડાવાળી વાત એને સમજાઈ નહીં.
"ખેડુ ગાડા લઈને શું કામ આવે..?"
"અલ્યા વાણિયો જ રિયો તું..ઈ ખેડુ આ પાડા અને આખલાના પોદળા ભરી જાય...ખાતર ભાઈચંદ ખાતર...છાણીયું ખાતર તો બવ ગુણકારી..."
"હા..હો બાપુ ઈ હાચુ..પણ શું કે અમે ખેડ કરીએ નહીં એટલે ખબર ઓછી હોય..પણ આ બીજા જે ચાર કુંડ કીધા...ઈ.."
"પેલા કુંડમાં પાડાને આખલા ફરતા હોય ઈ વખતે ગાયું ને ભેંસુ તો રોજેરોજ દો'વાતા હોય... એકમાં ઘી ભર્યું હોય...એકમાં છાછ ભરી હોય...એકમાં પાણી ભર્યું હોય...આખલા અને પાડાને પાછા નવડાવવાય પડેને."
"ભારે મોટો ઉધોગ હાલતો હશે હો...પછી હવે આગળ વાત કરો."
ભાઈચંદને ઘણા પ્રશ્નો હતા પણ શરત મુજબ ના કહેવાય કે દરબારની વાતમાં અસંમતી દર્શાવાય એવું નહોતું..!
"હવે ઈ જે ઘી તીયાર થાય ઈના ડબા ભરાય અને દેશ-વિદેશમાં અમારું ઘી વેસાતું..."
"હા..ઇ બરોબર..આટલું બધું ઘી બનતું હોય તો વેસવું જ પડેને."
"તમારા વડવાઓના ઘેર જે દૂધની ને દહીંની નદીયું વે'તી'તીને ઈ નદીયુનું મૂળ અમારા વડવાઓની આ ગાયું-ભેંસુ હતી...હમજ્યો...?"
"હા હો બાપુ...નદીયુંના મૂળ તો હોય જ ને."
"અને ઓલ્યા તમારા વડવાઓ ડાળીયું માથે ધોડ્યા જાતા'તા ઈ અમારા ઘી દૂધ ખાતા'તા."
"હા...હો બાપુ...અમારે ચ્યાં ગાયું ને ભેંસુ હતી. અમારે તો વેચાતું જ લાવવાનું હોયને...પણ અમારા વડવા પાંહે તો રૂપિયાના ઝાડવા હતા ઝાડવા."
"હા..ઈ વખતે તારા દાદાના દાદા એકવાર મથુરાની ડાળીએ જાતા'તા તે પગ લપસી જ્યો...અને ઊંધા માથે પડેલા..."
ભાઈચંદ ભડક્યો...દિલુભાએ વાતને વળ ચડાવીને એની વાતનું પૂછડું પકડ્યું હતું. તો પણ હવે ના પાડી શકાય એમ તો હતું નહીં.
"હા...તે ઘણીવાર કોઈ કોઈ પડી પણ જતા...તમે કયો સો એવુ બન્યુંય હોય..."
" બન્યુંય હોય ઈમ નઈ... બન્યું જ હતું." દિલુભાએ કહ્યું.
"હા...તે હું ચ્યાં ના પાડું છું."
"હવે તારા દાદાના દાદાનું નામ ઈ વખતે બહુ મોટું...એટલે કારજ બવ મોટા પાયે કરેલું..."
"હા...હા...ઈ તો એમ જ હોય ને...અમારા દાદાનું નામ તો બવ મોટું જ હોય ને...હે હે હે..." ભાઈચંદ હસ્યો.
"હે...હે...હે...નહીં.. ઈ કારજ કરવા અમારે ન્યાથી એક હજાર રૂપિયાનું ઘી લઈ જ્યાતા."
"હા...હા...તે હોય...અમારે ઘી તો વેચાતુ જ લાવવું પડેને..!''
"ઈ હજાર રૂપિયા હજી દેવાના બાકી સે...ઈ વખતે કારજમાં અમેં તમારા જેવા આબરુદારનું બાકી રાખતા."
"હા...બાપુ...તમારી વાત સાચી. અમારા વડવાની આબરૂય એવી જ હતી."
"હા...એટલે જ હજાર રૂપિયા બાકી રાખેલા... અને હજી ઈ બાકી જ સે..."
"હા...તે હોય... હું ચ્યાં ના પાડું છું...?" ભાઈચંદ શરત મુજબ ના તો પાડી શકે એમ નહોતો.
"તો ઈ હજાર રુપિયા અને દોઢસો વરહનું વ્યાજ...લાવ્ય..." દિલુભાએ અવાજ જરાક કડક કર્યો.
"હેં...?" ભાઈચંદ હવે ખરેખર ભડક્યો.
"હેં.. શું.. હા...દોઢસો વરહથી તારા દાદાના કારજમાં દીધેલા ઘીના પૈસા બાકી સે....આ તો હારું થયું મને આજ વાત વાતમાં હાંભરી ગ્યું.. વ્યાજ તો તું ગામનો જાતુય કરું...પણ મુળગા તો હું નઈ મૂકું... લાવ્ય મારા હજાર રૂપિયા..."
ભાઈચંદને હવે કોઈ ઉપાય રહ્યો નહીં.
ના પાડે તો શરતભંગ થાય... શરત મુજબના એક હજાર આપવા પડે... હા પાડે તો બાપુએ બાકી કાઢેલા હજાર આપવા પડે...!
આખરે ભાઈચંદે બાપુની વાતમાં ના પાડીને હજાર આપી દીધા.
કારણ કે જો ઘીવાળા પૈસા બાકી કબૂલે તો બાપદાદાની આબરૂ જાયને...!!

બીજા રસપ્રદ વિકલ્પો