તે, પતંગિયું અને પેરાડોક્ષ - 1 Jignesh patodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તે, પતંગિયું અને પેરાડોક્ષ - 1

તેણે આંખો ખોલી, ખૂબ જ સરળતાથી. તે અચાનક જ અજાણી અંધકાર ની દુનિયામાંથી પ્રકાશ ની દુનિયામાં teleport(ઘડીના છઠ્ઠા ભાગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જવું) થઈ હતી. હૃદય સામાન્ય રીતે ‘ધક- ધક’ કરી રહ્યું હતું. તેણે ઊંડો શ્વાસ ભર્યો, થોડીક વાર માટે નાઇટ્રોજન મિશ્રિત ઓક્સિજન પોતાના ફેફસા માં કેદ કરી રાખ્યો , અને પછી ઉચ્છવાસ છોડ્યો. બારીએ થી પીપળાના પવિત્ર વૃક્ષ માંથી ચાળાઈને આવતો સવારનો કુમળો તડકો તેના ઓરડામાં સંતકકુકડી રમી રહ્યો. ‘આ પ્રકાશ ફક્ત મારા રૂમ જ નહીં, મારી જાત ને પણ પ્રકાશિત કરે છે’ તે મનમાં જ બોલી. નાઇટલેમ્પ નો એ આછો રાતો પ્રકાશ ફક્ત નાઇટલેમ્પ પૂરતો જ રહ્યો. એ નાઇટલેમ્પ કે જે રાત્રે અંધકાર ના ડર સામે અભેદ્ય ઢાલ તરીકે વર્તે છે. તેને નાઇટલેમ્પ ની સ્વીચ બંધ કરી અને બેડ પરથી નીચે પગ મુકવા જ જતી હતી કે તેને યાદ આવ્યું. તેને પોતાના બંને હાથ ની હથેળી પોતાના ચહેરા તરફ રાખી અને મનમાં જ બોલવા લાગી, “ કરાગ્રે વસતે લક્ષ્મી….”

તેને આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારથી તેણે આંખો ખોલી ત્યારથી સ્વચ્છોશ્વાસ ની ક્રિયા તેના નિયંત્રણ માં હતી. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તેના અજીબોગરીબ વિચારોની શૃંખલા શરૂ થઈ જતી, ક્યારેક રાત્રે આવેલા ભયાનક સ્વપ્ન ની તો ક્યારેક સામાન્ય બાબતો થી, આ શૃંખલા છેક રાત્રે અંત પામતી. અને ક્યારેક તો તે સ્વપ્ન સ્વરૂપે ચાલુ જ રહેતી. આવો જ એક તરંગી વિચાર તેને આવ્યો. તેને થયું કે જો તે શ્વાસ લેવાનો પ્રયત્ન છોડી દે તો તે મૃત્યુ પામશે કદાચ! જિજ્ઞાસા વશ તેણે શ્વાસ રોક્યો. તે જાણવા માંગતી હતી કે શું થશે? ધીમે ધીમે તેના વિચારો એક જ વાત પર કેન્દ્રિત થવા લાગ્યા ,‛ શ્વાસ’ તેના મગજે બીજું બધું વિચારવાનું છોડી દીધું. તેણે નક્કી કર્યું કે તે આ ક્રિયા ને અટકાવીને જ રહેશે! પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે ન ઇચ્છવા છતાં પચાસેક સેકન્ડ પછી ન છૂટકે તેને તાજી હવા શ્વાસમાં લેવી પડી. પોતાના નિયંત્રણ બહાર તેને એક ઊંડો શ્વાસ લીધો . અને દાંત ને બ્રશ કરવાનું ચાલુ રાખ્યું. તેને પોતાનો ચહેરો અરીસામાં જોયો. તેણી પોતાનીજ આંખ માં જોઈ રહી. દિવસ ની શરૂઆત ના આ પહેલા પ્રયોગ બાદ તેને લાગ્યું કે ,‛ she is not the one in control’ ( તેનું જીવન તેના નિયંત્રણ માં નથી!)
“અદભુત કે પછી તદ્દન વાહિયાત!” તેને વિચાર્યું
‘ જો હું મારા નિયંત્રણ માં નથી તો કોના?’ આ સવાલ તેણે સુતા પેહલા પોતાની જાત ને પૂછ્યો હતો, જે સવારે ફરીથી તેની સામે આવીને ઉભો રહ્યો. તેની પાસે કોઈ જવાબ નહોતો. આ ક્ષણે તે પોતાની સ્વચ્છોશ્વાસ ની ક્રિયા કરવાનું ભૂલી ગઈ હતી, પરંતુ નાક અને ફેફસા પોતાનું કામ કરી રહ્યા હતા! તેણીની જાણ બહાર!

તેને પતંગિયા ખૂબ જ પસંદ હતા. તેઓ હંમેશા તેને આકર્ષતા. તે ક્યારેક વિચારતી,’ તે કેટલું સુખી જંતુ છે, ન કોઈ વિચાર, ન કોઈ દુઃખ, ફક્ત હવામાં વિચરવાનો આનંદ અને ઘણું બધું સુખ!.’

‘આ બધું ઓછું હોય તેમ ભગવાને તેઓને સુંદર પાંખો પણ આપી છે. બીજા પક્ષીઓ ને પાંખો તો છે, પરંતુ આટલી સુંદર નહી. તે હંમેશા પોતાની જાતને પૂછતી, ‘why so beautiful’ અને પછી પોયે જ જવાબ આપતી, ‘evolution!’ (ઉત્ક્રાંતિ) ચાર્લ્સ ડાર્વિન ખરેખર ક્રાંતિકારી વૈજ્ઞાનિક હતો, અને પાદરી પણ! તેને મંદિર ના પૂજારીઓ યાદ આવ્યાં જેમનું એકમાત્ર લક્ષ્ય હતું ‛ભક્તિ’. તે જાણતી હતી કે એક દિવસ તેઓ જરૂર પરમાત્મા ને પામશે. પણ ફક્ત તેઓ કે જે સરળ છે, લોભ-મોહ-કામ-ક્રોધ-અહંકાર ને ત્યાગી ચુક્યા છે. અને જેઓ સત્ય જાણે છે કે સમગ્ર સૃષ્ટિ ક્ષણભંગુર છે. શુ બધા જ પાદરીઓ, મૌલવીઓ, પૂજારીઓ ખરેખર સરળ હશે? પછી તેને જ જવાબ આપ્યો,‘ તેઓ જાણે!’ તેને ખ્યાલ આવ્યો કે પોતાના વિચારો પોતાને ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યા હતા. તેણે આ વિચારો ક્યાંથી ચાલુ થયાં તે વિચારવાનું શરૂ કર્યું કે તરત જ તેના વિચારો અટકી ગયા. આહ! “ અદભુત કે તદ્દન વાહિયાત!”

‛જ્યારે તમે વિચાર પર વિચાર કરો ત્યારે એક માઇક્રોસેકંડ માટે તમારા બધા જ વિચારો અને વિકારો અટકી જશે!’ આજનો સુવિચાર તેણીએ નક્કી કર્યું. પછી પોતાને જ પ્રશ્ન થયો,‘કે પછી glitch in the ?’ (મેટ્રિક્સ માં ભૂલ?) “કદાચ લાંબા સમયની વિચારવિહીન અવસ્થા ને જ પરામધ્યાન કહેવાતું હશે”.

આજે શનિવાર હતો. તેણે કોલેજ ન જવાનું નક્કી કર્યું. શનિવારે એક જ લેકચર હોય અને તેમાંય મોટેભાગે પ્રોફેસર હાજર હોવા છતાં ગેરહાજર હોય છે. તો નાહક નો ધક્કો. તેણે કોઈ રસપ્રદ movie જોવાનું નક્કી કર્યું.

તેની પાસે બે વિકલ્પો હતા.‛inception કે the butterfly effect?’ તેણે પોતાની પસન્દ inception પર ઉતારી. આમેય તે તેણીનું પ્રિય movie હતું.
‘શુ હું ખરેખર આ મૂવી જોવા માંગુ છું કે પછી અસ્તિત્વ આ ઈચ્છે છે?’ તેની પાસે જવાબ હતો.“ ખબર નઈ!”

***
લોકો કેહતા કે સ્વપ્નવિનાની નિંદ્રા એ શ્રેષ્ઠ નિંદ્રા છે. પરંતુ તે લોકો સાથે સહમત નહોતી. તે હંમેશા સ્વપ્નમાં ચેતનપૂર્વક ચાલવા માંગતી, તે પેલા પતંગિયાને પકડવા માંગતી કે જે હકીકતમાં ક્યારેય તેના હાથ પર આવીને નહોતું બેસવાનું. તેણી તે પતંગિયા સાથે ઉડવા માંગતી હતી, તે પતંગિયાની આંખોમાંથી દુનિયા જોવા માંગતી હતી. તે પોતે પતંગિયું બનીને સ્વપ્નો જોવા ઇચ્છતી હતી.

ક્યારેક તેના સ્વપ્નમાં પતંગિયાઓ આવતા તો ક્યારેક સ્વપ્નવિનાની વાહિયાત નિંદ્રા.

તેણી ને થતું કે કાશ પોતે પતંગિયું હોત!આમથી તેમ ઉડવાની મજા, હવા સાથે સ્પર્ધા કરવાની મજા, પવનના વહેણ સામે લડવાનો આંનદ, અને ક્યારેક પવન સાથે જ વહી જવાનો અનુભવ કંઈક અલગ જ હશે. તે દરરોજ ઈન્ટરનેટ પર પતંગિયાઓ વિશે કંઈક ને કંઈક વાંચતી રહેતી. વાંચીને તે લાંબો નિબંધ લખી નાખતી. અને નિબંધને નામ આપતી ‘જો હું પતંગિયું હોવ તો?’ તો ક્યારેક નામ આપતી ‘એક પતંગિયાની આત્મકથા’. તે પોતાના પતંગિયાના અને સ્વપ્નો ની અનોખી કલ્પનાકથામાં ખોવાયેલી રહેતી.

પતંગિયાઓ ને આકર્ષવા માટે તેણે એક ફૂલોનો નાનો બગીચો પણ બનાવ્યો હતો. એ નાના લીલા છોડવાઓમાં ફૂલો આવ્યા પછી આ બાગ પતંગિયાઓ નું રહેઠાણ જ બની ગયો હતો. તે ખૂબ જ ખુશ હતી. કારણ કે પતંગિયાઓ તેની પાસે હતા. નવરાશના સમયે તે બાગમાં બેસતી અને પોતાની માં ને યાદ કરતી. તે હંમેશા માનતી કે મૃત્યુ પામ્યા પછી મનુષ્યની આત્મા કોઈ ગૂઢ રીતે ફરીથી જન્મ લે છે. તે કોઈ પક્ષી તરીકે પણ હોઈ શકે કે પછી કોઈ પતંગિયું પણ! તે ઇચ્છતી હતી કે પતંગિયું બનેલી તેની માં કયારેક આવીને પોતાના હાથ પર બેસશે! અને તેની સાથે સુખદુઃખ ની વાતો કરશે. ‘ખ્રિસ્તી ધર્મ તો પતંગિયા ને મૃત્યુ બાદ જીવતું થયેલું માને છે.’ (resurrected) આ જ રીતે હિન્દૂ ધર્મ પુનર્જન્મમાં માને છે. કદાચ એટલે જ તે ધાર્મિક હતી. તે પોતાની માતા ના મૃત્યુ બાદ એ માનવા તૈયાર નહોતી કે તે હવે તેને ક્યારેય મળી નહિ શકે. તે સમજણી થયા પછી તેની પાસે બે વિકલ્પો હતા. ધાર્મિક કે નાસ્તિક? તેણે કોઈ એક ની પસંદ કરવાની હતી. ઘણી વિસ્મયકારક ઘટનાઓ સાંભળ્યા અને વાંચ્યા પછી તથા બ્રહ્માડ ને લાગતા પ્રશ્નો પર વિચાર કરતા તેને લાગવા મંડ્યું હતું કે આ અગોચર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક તો ઈશ્વર નું અસ્તિત્વ હોવું જોઈએ. પરમાત્મા વગર આટલું સુયોજિત વિશ્વ શક્ય જ નથી. અને ઘણા મનોમંથન બાદ તે શ્રદ્ધાળુ બની હતી.

રવિવારે સવારે તે હમેંશાની જેમ જ સમયસર ઉઠી ગઈ. નહાઈ ને તે બાગમાં ગઈ. તેને નાઈટડ્રેસ માં જ ફરવાનું નક્કી કર્યું. આ કપડાં શરીર ને પ્રકૃતિ ની નજીક રાખતા હતા. નાઈટડ્રેસમાં તે પોતે શારીરિક સ્વતંત્રતા અનુભવતી. તેણીને રંગબેરંગી ફૂલો જોઈને રોમાંચ થતો. તેને ખબર હતી કે આ બધા રંગો વિશાળ વિદ્યુતચુંબકીય વર્ણપટ નો ખુબજ નાનો ભાગ છે જેને દૃશ્યપ્રકાશ કહે છે કે જે માનવઆંખ જોઈ શકે છે. જ્યારે પતંગિયાઓ પરજાંબલી પ્રકાશ ને જોઈ શકે છે. ‘અદભુત’ તેને કહ્યું. તે ક્યારેય ફૂલો ન તોડતી તેને લાગતું કે જો તે ફૂલ તોડસે તો છોડવાઓ નારાજ થઈ જશે. તેણે જમીન પર પડેલા અમુક તાજા પુષ્પો ઉઠાવ્યા. પછી લીલા ટૂંકા ઘાસ પર આરામથી પગ લંબાવીને બેઠી, તે એક જ નજરે વીણેલા ફૂલો ને ધ્યાનથી જોઈ રહી, ‘તમારું કર્મ પૂરું થયું, ભગવાન તમારા આત્માને શાંતિ આપે.’ તેણે ફૂલોને કહ્યું. તે એ પતંગિયાની રાહ જોઈ રહી કે જે પોતાના હાથમાં રહેલા ફૂલો પર આવીને બેસે. ઘણી રાહ જોયા છતાં કોઈ પતંગિયુ તેની આસપાસ ન ફરક્યું. તેને ગુસ્સો આવ્યો. તેણે ગુસ્સામાં જ પોતાના હાથમાં રહેલા ફૂલ મસળી નાખ્યા. તે ફરીથી વિચારમાં ખોવાઈ ગઈ.

તેના હાથમાં મસળાયેલા ફૂલોની પાંખડી અને ફૂલોનો રસ ચોટયા હતા. કે જે હવે ફૂલ ને બદલે કચરામાં રૂપાંતર પામ્યા હતા. એક પતંગિયું કે જે દૂર ફૂલો પર એક થી બીજી બાજુ હવામાં કુદી રહ્યું હતું, તે ધીરે ધીરે નજીક આવી રહ્યું હતું. અચાનક તેના આશ્ચર્ય વચ્ચે તે તેણીના ફુલોવાળા હાથ પર આવીને બેસી ગયું. તે ત્રાટક નજરે પતંગિયાને જોઈ રહી, તેની કોમળ પાંખો, પાંખ કેસરી રંગે રંગાયેલી હતી, પાંખ માં કોઈ વૃક્ષ ના પર્ણ ની જેમ કાળા રંગની શિરાઓ પતંગિયાના શરીર સાથે જોડાયેલી હતી. પાંખ ની કિનારીઓ ઘટ્ટ કાળા રંગ ની હતી જેમાં રહેલા સફેદ ટપકાઓ તેને વધુ સુંદર બનવતા હતા. તે પોતાનો હાથ ડગી ન જાય તેની કોશિશ કરતી રહી. પતંગિયું તેના હાથમાં રહેલી એ મસળાયેલી ફૂલો ની પાંખડીઓમાં કંઈક શોધતુ રહ્યું. તેના મનમાં શાંત વિચારો વહી રહ્યા. તેનું સ્વપ્ન હતું આ, કે જે ખરેખર આજે પૂરું થયું. પતંગિયું આવીને હાથ પર બેસવું આ કોઈ નાનીસૂની ઘટના નહોતી. તેના માટે આ વિરલ ઘટના હતી. તેણી એ આનંદમાં જ બૂમ પાડી“ ય સ સ સ …….” એ જ સમયે તેણે પોતાના સુંદર સ્વપ્ન ને તૂટતું જોયું. પોતાના આનંદના આવેશ માં તેને પેલા પતંગિયાને ભયભીત કરી મૂક્યું હતું. અને તે તેના સ્વપ્નની રાખ ની જેમ હવામાં ઉડી ગયું. દૂર દૂર… તે બીજા ફૂલ શોધી રહ્યું. તેના અંતરમાં એક અજબ શીતળતા છવાઈ ગઈ. તેને પોતાની માં યાદ આવી. કદાચ તે જ હતી.

તેણે માં ના ઓરડામાં દોટ મૂકી. રૂમમાં રહેલા એક ટેબલ પર ઘણા બધા પુસ્તકોનો થપ્પો પડ્યો હતો. તેણે ટેબલ પર રહેલા બધા જ પુસ્તકો મહામહેનતે પોતાના હાથમાં ગોઠવ્યા અને ધીમી જાસૂસી ચાલે પુસ્તકો પડી ન જાય એ રીતે પોતાના રૂમમાં પહોંચી. માતાની જેમ જ પોતાને પણ વાંચવાનો શોખ હતો. તે એક પછી એક ચોપડી ફંફોસતી રહી. કોઈ નવલકથાઓ, તો કોઈ તત્વજ્ઞાનની બુક તો કેટલીક હાથલખાણ ની ડાયરીઓ. તેણે એક ડાયરી હાથમાં લીધી અને વાંચવાનું શરૂ કર્યું.
***

તે પોતાની પાંખો જોઈ શકતી નહોતી, પરંતુ તે અનુભવી રહી હતી કે તે પોતાની પાંખો વડે ઉડી રહી છે, હવામાં ખૂબ ઉંચે. તેણે પાંખો વીંઝવાનું બંધ કર્યું, તે હવામાં પોતાની ઊંચાઈ ગુમાવવા લાગી, તે જમીન તરફ નીચે પાડવા લાગી. શરીરનું લોહી મગજમાં એકઠું થવા લાગ્યું. તેને પાંખો ને કામમાં લગાડી. અને નિયંત્રણ પોતાના હાથ માં લીધું. તે ધીમા પવનમાં આમ તેમ ઊડતી રહી. રાતની ઠંડી હવા તેને આનંદદાયક લાગી. તે ખુશ હતી. તે ખરેખર એક પતંગિયું હતી. તેને યાદ આવ્યું કે જાગતા પેહલા તેણે માણસ હોવાનું સ્વપ્ન જોયું હતું. તેને યાદ આવ્યું કે તેણે પતંગિયાઓ માટે ફૂલો પણ વાવ્યા હતા. તેણે આ વિચાર ખંખેર્યો અને પોતાની વાસ્તકવિક જિંદગી જીવવાનું નક્કી કર્યું. તેને યાદ આવ્યું કે તે અત્યારે પરજાંબલી પ્રકાશ જેવા સક્ષમ હતી. પરંતુ સૂર્યની ગેરહાજરીમાં તે શક્ય નહોતું. સાચા ખોટા ના ભેદભાવ ભૂલીને તે વિરાટ ગગનમાં તારાઓ પકડવા માંગતું એક પતંગિયું હતું. માદા પતંગિયું. તે ક્યારેક એક ફૂલ પરથી બીજા ફૂલ પર જતી, તો ક્યારેક ફૂલ પર બેસીને ફૂલોની સુગંધ માણતી, ફૂલોની નજીક સુંગધ બહુ માદક બની જતી. આ સુગંધ નો એક નશો હતો કે જે માણસો ક્યારેય ન માણી શકે. ક્યારેક ઝડપથી તો ક્યારેક ધીમે ધીમે તે ઊડતી રહી. તે માણસનું સ્વપ્ન જોવે તે પહેલાં ખૂબ ઉડવા માંગતી હતી.જેથી ગાઢ નિંદ્રામાં સ્વપ્ન વધારે સુંદર અને લાંબુ આવે. તેનું ધ્યાન બગીચાની બાજુમાં આવેલા ઘર ની બારી પર ગયું. તે પાંખો વીંઝી ને બારી પાસે પહોંચી અને બારીની આસપાસ આમ તેમ ઉડવા લાગી. તેણે જોયું કે રૂમની અંદર પલંગ પર કોઈ મધુર નિંદ્રા માણી રહ્યું છે. તેને પોતાનું સ્વપ્ન યાદ આવ્યું, તેણે માણસ તરીકે ક્યારેય નિંદ્રા નહોતી માણી. પતંગિયા ને થયું કે કાશ તે માણસ હોત!, તો તેને સુંવાળા પલંગમાં , સતત ઠંડી હવા આપતા પંખા નીચે સુવા મળત! તે મનમાં ને મનમાં જ ઉદાસ થઈ ગયું. તેને હવે આ અદભુત હવા નહોતી ગમતી. તેને આ અગોચર રાત્રી ભયંકર લાગી. તેની પાંખો વિષદપૂર્વક ફરકતી રહી. તેણે કાંઈક નક્કી કર્યું, અને ઝડપથી ફરતા પંખા તરફ ત્વરીત ઉડવાનું શરૂ કર્યું.
‘ફટ…’ પતંગિયા અને પંખાની પાંખ અથડાવાનો આ ઝીણો અવાજ ઠંડી રાત્રી ના શાંતિ ના સંગીતની સરખામણી એ સહેજ મોટો હતો.

તેનું હૃદય ગભરાઈને ધબકતું હતું, અચાનક જ તેની આંખો ખુલી. નાક સહેજ પહોળું થઈને વધુ ને વધુ હવા લઇ રહ્યું. તેના શરીર પર ઝીણા પરસેવાના બુંદ હતા. તેના કપાળ ના સ્નાયુઓ માં દર્દ થઈ રહ્યું. તેણે નાઇટલેમ્પ ચાલુ કર્યો, પથારીમાં ડાયરી ખુલ્લી જ પડી હતી. તેના પાના(page) પાંખના પવનથી આમ તેમ ઉડતા હતા. તેને યાદ આવ્યું કે પોતે ડાયરી વાંચતા વાંચતાજ સુઈ ગઈ હતી. પોતે ડાયરીમાંથી વિચારોમાં અને વિચારોના ધુમ્મસમાંથી એ સ્વપ્નના અંધકાર માં કયારે ચાલી ગઈ તેની ખબર રહી નહોતી.

તેને સ્વપ્ન યાદ આવ્યું. પેલું પતંગિયું! તેણે છત પર લટકી રહેલા પંખા તરફ ઉંચે જોયું. તે અંદરથી ભયભીત હતી. કોઈ અજાણ્યો ડર તેના માનસપટલ પર ભરડો જમાવી રહ્યો હતો. ડર એ વાતનો કે શું એ સ્વપ્ન સાચું હતું? ખરેખર વાસ્તવિકતા શુ છે? નાઈટલેમ્પના આછા રાતા અંજવાળામાં તેની નજર ટેબલ પર પડેલા પુસ્તક પર પડી. તેનું શ્વસન ઝડપી બન્યું. તે પોતાના સ્વાચ્છોશ્વાસને સાંભળી શકતી હતી. આછા રાતા અંજવાળામાં ટેબલ પર રહેલા પુસ્તક પર પતંગિયાની એક કપાયેલી પાંખ પાંખના પવનમાં ધ્રુજી રહી હતી! પાંખ નો રંગ જામ્બલી હતો અને તેના પર રહેલા કાળા ટપકા અંધારામાં લગભગ અદ્રશ્ય હતા. તેણે પૂરું સ્વપ્ન યાદ કરવાની કોશિશ કરી. તેની છેલ્લી યાદ ફરતા પંખાની નજીક જવાની હતી. તે પછી શું થયું તે યાદ આવતું નહોતું. ત્યારપછી સ્વપ્નમાંથી જાગવાનું અને એ જ પાંખ જોવાનું કે જે તે સ્વપ્નમાં નહોતી જોતી શકી. તેને એ પાંખ ને હાથમાં લીધી, અંગુઠા અને તર્જની વચ્ચે ઘસી. તે પાંખ નો કલર પોતાની આંગળીઓ વચ્ચે કણ સ્વરૂપે અનુભવી શકતી હતી. જે હવે તેના અંગૂઠામાં ટપકા સ્વરૂપે ચોંટી ગયો હતો. તેણે એ પુસ્તક ઉઠાવ્યું. પુસ્તકના પાના વચ્ચે એક ચિઠ્ઠી પુસ્તકની બહાર ડોકાઈ રહી હતી. તેણે ખૂબ કાળજીથી એ બહાર કાઢી. તે નાઇટલેમ્પની નજીક જઇને ઉભી રહી. નાઈટલેમ્પના આછા અજવાળામાં કાળા અક્ષર ચમકી રહયા. તેમાં લખ્યું હતું , ‘ zhuangzi's paradox (ઝુઆંજી વિરોધાભાસ)’

“Once upon a time, I dreamt I was a butterfly, fluttering hither and thither, to all intents and purposes a butterfly. I was conscious only of my happiness as a butterfly….”(એક વખત મેં એક સ્વપ્ન જોયું, કે હું પતંગિયું છું, અહીંયા અને ત્યાં પાંખો ફફડાવતું, મારા બધા હેતુઓ અને ઉદેશો પતંગિયા તરીકેના હતા, હું ફક્ત પતંગિયા તરીકેની ખુશીઓથી સભાન હતો….) તેણે આખી ચિઠ્ઠી વાંચી.

તેની સમગ્ર ચેતના ચેતનવંતી બની ગઈ, તેના સ્તનયુગ્મ સખત થયાં. તેના શરીર પરની રૂંવાટી હવામાં લેહરવા મથતી સખત થઈ. “ અદભુત. આ વાહિયાત ન હોઈ શકે.”

તે રૂમ ની બહાર નીકળી. તેના મગજમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાય રહ્યું હતું. તેને સમગ્ર અસ્તિત્વ કોઈ નિંદ્રા માંથી ઉઠીને સત્ય જોવા ઇચ્છતું હોય એવું ભાસી રહ્યું. તેના પગ ફૂલોના બાગ ના ખૂણે આવેલા કુવા તરફ દોરાઈ રહ્યા. કોઈ અજાણી શક્તિ તેને માર્ગ દેખાડી રહી હતી. રાત્રિની એ ઠંડી શાંતિ તેને માર્ગ આપતી રહી. એક કાળું પતંગિયું તેની પાસેથી પસાર થઈ ને કુવાની નજીક જઈને અંધારામાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયું. તેને યાદ આવ્યું કે તેને તરતા આવડતું નથી. તેની ચાલ વધુ ઝડપી બની. કુવા પાસે આવીને તેણે નીચે કૂવામાં જોયું, કૂવો શાંત હતો. તારાઓના આછા પ્રકાશમાં પાણીની સપાટી નિર્મળ દેખાતી હતી. તેની પગ નીચે રહેલા ઘાસ પર ઝાંકળ બાઝયો હતો જે તેના પગને ભીના કરી રહ્યો. કૂવામાં રહેલું આછું અંધારું તેને પોતાનું એકમાત્ર લક્ષ્ય લાગ્યું. તે પોતાને સત્ય ની પાસે લઈ જવાનું હતું.
તેણે છેલ્લી વખત એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાની જાત ને કૂવાના એ અંધકારમાં પડતી મૂકી. તેનું ક્ષણભંગુર શરીર થોડી સેકન્ડો હવામાં ઉડતું રહ્યું. તેને યાદ આવ્યું કે પોતે આ અનુભવ પેહલા પણ અનુભવ્યો હતો.[DÉJÀ VU] પેલા સ્વપ્નમાં. જ્યારે તેણે પાંખો ફફડાવવવાનું બંધ કર્યું હતું ત્યારે. તે પણ આટલો જ દિવ્ય હતો. વજનવિહીન અવસ્થા. દુનિયાનું મોટામાં મોટું બળ ગુરુત્વાકર્ષણ બળ, તે બળ માંથી તે થોડી ક્ષણોમાટે મુક્ત હતી. ‘અદભુત’ તે બોલી. ફરક ફક્ત એટલો હતો કે અત્યારે તેની પાસે પાંખો નહોતી. ‘ ધબ’ અવાજ સાથે તે પાણીમાં અથડાઈ. પાણીની સપાટી જાણે કે સખત જમીન હોય તેવી અનુભવાઈ. બીજી જ ક્ષણે તે પાણીમાં ગરક થવા લાગી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેને કૂવામાં તળિયા તરફ ખેંચી રહ્યું હતું.
પાણીમાં તે પોતાના સ્થિર નિયમિત ધબકાર સાંભળી રહી. હૃદય ગભરાયેલું નહોતું ‘આ અંત નથી’ તેણે વિચાર્યું. જો અંત હોત તો તે વધુ ઝડપથી ધબકતું હતું. પાણીમાં તેણે આંખો ખોલી, તે અંધકાર નિહાળતી રહી. પાણી તેના નાકમાં પ્રવેશ્યું. ‘ બધું જ મારા નિયંત્રણમાં છે.’ તે મનમાં જ બોલી. તેણે શ્વાસ ન છોડ્યો. પચાસેક સેકન્ડ પછી ન છૂટકે અશુદ્ધ હવા તેના નાક વાટે બહાર આવી પછીની ક્ષણે તેણે તેના નિયંત્રણ બહાર શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો. એક ઉંડો શ્વાસ. પરંતુ શ્વાસમાં હવાને બદલે પાણી આવ્યું. જે તેના ફેફસા એ તરતજ ઉધરસ સાથે બહાર કાઢ્યું. તેની જગ્યાએ બીજું પાણી શ્વાસમાં આવ્યું. તેનું શરીર તરફડતું રહ્યું. તે પાણી સાથે લડતું રહ્યું. તેના વિચારો ધીમે ધીમે અદ્રશ્ય થતા રહ્યા. વિચારોમાં પ્રકાશને બદલે ધીમે ધીમે અંધારું ફેલાવા લાગ્યું. તેણી રાહ જોઈ રહી કે હમણાંજ અંધકાર દૂર થશે અને તે પતંગિયા સ્વરૂપે પ્રકાશને પામશે. અંધકાર ધીમે ધીમે ગાઢ થતો રહયો. તારાઓ વાદળની આડસમાં સંતાકૂકડી રમી રહ્યા હતા. તારાઓનો એ આછો પ્રકાશ પૃથ્વીને સુરજ અને ચંદ્રની ગેરહાજરીમાં પૃથ્વીને અજવાળવાની કોશિશ કરતા રહ્યાં.

***

છોડના ઘટ્ટ લીલા પર્ણ પર રહેલો કીડો પોતાની બધી તાકાતથી કોશેટાને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો. કોશેટા માં પડેલી તિરાડોમાંથી આછો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. તેનામાં આત્મવિશ્વાસ આવ્યો, તેને પ્રયત્ન ચાલુ રાખ્યા. અંતે તે બહાર આવ્યો, અંધકારની એ દુનિયામાંથી પ્રકાશના વિશ્વમાં. ‘तमसो मा ज्योतिर्गमय’ તેની છેલ્લી યાદ અંધકાર ની હતી. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. તેને એ પાણી યાદ આવ્યું જે તેની ચારે તરફ હતું. તેણે બધા જ વિચારો ખંખેરી નાખ્યા. થોડા બળ સાથે તેણે પોતાના શરીર સાથે ચોંટેલી પાંખો ઉખેડી અને એ ધરા પરથી હવમાં સવાર થઈને આકાશ ને આંબવા નીકળી પડ્યું. એક ફૂલ પરથી બીજા ફૂલ તરફ જવામાં ક્યારેક તે લથડીયા ખાતું, પણ ધીમે ધીમે તે ઉડવાનું શીખી જશે. સૂરજના અજવાળે તે ઉડતું ઉડતું કુવા પાસે આવી પહોંચ્યું. તેણે કૂવામાં છલાંગ લગાવી. તે કુવાની ધાર પર રહેલા એક બારમાસીના ફૂલ પર બેઠું. તેની નજર કૂવામાં ગઈ. એક માનવશરીર પાણીની સપાટી પર તરી રહ્યું હતું. અચેતન…નિર્જીવ…તેની સ્મૃતિ પાછી આવવા લાગી. તેને એ રાત યાદ આવી. તેની છેલ્લી યાદ કૂવામાં છલાંગ મારવાની હતી!

***

બેડરૂમમાં સૂર્યના કિરણો એ પ્રવેશ કર્યો. આ પ્રકાશ અલૌકિક હતો. પવિત્ર. તે રૂમમાં અંધકાર દૂર કરીને પવિત્ર કરી રહ્યો. પંખો પોતાની એકધારી ગતિથી ફરતો રહ્યો. પંખાના પવનથી રૂમમાં એક ચિઠ્ઠી ઊડતી રહી, જેમાં લખ્યું હતું
“ ZHUANGZI'S PARADOX


Once upon a time, I dreamt I was a butterfly, fluttering hither and thither, to all intents and purposes a butterfly. I was conscious only of my happiness as a butterfly, unaware that I was myself. Soon I awaked, and there I was, veritably myself again. Now I do not know whether I was then a man dreaming I was a butterfly, or whether I am now a butterfly, dreaming I am a man.”【એક વખત, મેં સ્વપ્ન જોયું કે હું પતંગિયું હતો,અહીંયા થી ત્યાં પાંખો ફફડાવતું, મારા બધા ઉદ્દેશો અને હેતુઓ પતંગિયા તરીકેના હતા. મને ફક્ત પતંગિયા તરીકેની ખુશીઓનું ભાન હતું. મારી જાતથી અજાણ, હું જાણતો નહોતો કે હું પોતે છું. થોડીવારમાં હું જાગ્યો, અને ત્યાં હું, ચોક્કસ રીતે હું જ હતો, માણસ. હવે હું એ મૂંઝવણમાં છું કે ત્યારનો એ માનવી કે જે પતંગિયાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો કે પછી હું એ પતંગિયું જ છું કે જે અત્યારે માનવ હોવાનું સ્વપ્ન જોઈ રહ્યુ છે!】

CONTINUED?