વાત્સલ્યની પરાકાષ્ઠા Sujal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વાત્સલ્યની પરાકાષ્ઠા

રઈબુનના એકના એક વહાલસોયા દીકરા રાજેશનો આજે જન્મદિવસ હતો.માં તે વળી માં, જેને નવ-નવ મહિના પોતાની કુખમાં પાલી પોષીને મોટો કર્યો હોય, તે માં ને વળી પોતાના દીકરાનો જન્મદિવસ તો ઊંઘમાં પણ યાદ હોયજ, માટે આજે પોતાના પુત્રના જન્મદિવસના હરખમાં રઈબુન જાણે ઊંઘમાં ને ઊંઘ માંજ પોતાના દીકરા સાથે જોડાયેલી જૂની તથા મધુર યાદોને સપનામાં માણી રહ્યા હતા.

રાજેશના જન્મ માટે ઉઘાડે પગે અંબાજી ચાલતા જવાની માનેલી બાધા અને પાછો અગન ગોળાની લ્હાય ઓકતો એ મે માસ તે પગમાં તો જાણે રૂપિયાના સિક્કા જેવા ફોલ્લા પડી ગયેલા ને ઘરે આવ્યા પછી એવા ફોલ્લા વાળા પગે ઘરનું કામકાજ ને ઢોરાનું વાસીદુ નાખવા ચાલીને ઠેઠ ગામની ભાગોળ જવાનું અને એમાંય એક દી' તો રસ્તામાં ચક્કર આવતા વેંત વાસીદાનું તબાસ્યું લઈને એવી તે ભોંય ભેગી થયેલી કે એક મહિનાનો પાટો આવેલો માટે જ રાજેશના ગર્ભમાં આવ્યા પછીતો પોતાના દીકરા ખાતર પોતાની ઘણી સાર સંભાળ લેતી, બાકી 'સ્ત્રી પર જ મોભી થઈને તૂટી પડેલા આ સમાજ અને સંસારની જંજાળમાં એક માતાને પોતાની જાતને ભાળવાનો કે કાળજી રાખ્યાનો સમય મળે છે જ ક્યાં?'

રાજેશના બાપુને પહેલેથી જ દારૂ પીવાની આદત માટે જો ઝાઝું પીને આવે તો ઘેર આવીને મારઝૂડ પાક્કી જ હોય અને એ પણ બરડામાં જાણે ચાંદા જેવા લાલ ચકામાં પડી જાય તે હદની અને કોઈકવાર જો રાજેશનું ઉપરાણું લેવા વચ્ચે પડું તો બે-ચાર જાપટો એના વતીની ખાવાની એ જુદી.છતાંય મારા રાજેશ ખાતર ગમે તેવું સહન કરી નરક જેવી જગ્યામાં પણ જીવ ચોંટાડીને કેવી હસતા મુખે રહેતી.

રાજેશ માંડ માંડ બોલતો થયેલો ત્યાં ખબર પડી કે તેની જીભ તોતડાય છે કેટ કેટલાય દવાખાનાના ધક્કા ખાધેલા ને પછી સંધાય ડોક્ટરોએ હાથ ઊંચા કરતા માં ની પણ માં એવી જગ જનની માં અંબાને ચાંદીની જીભ ચઢાવવાની માનતા માની ને ત્યાર પછી રાજેશ કેવો સડસડાટ બોલતો થઈ ગયેલો. 'સૌ હાથ ઊંચા કરે ત્યારે ભલભલી ઉપાધી તો આખરે માં થી જ ટળે હો.'

જોત જોતામાં રાજેશ ક્યારે ચાર વર્ષનો થઈ ગયો તે ખબરજ નો પડી માંડ શાળાએ જતો થ્યો ને એના બાપને દારૂના વ્યસનની આડમાં કેન્સર થયું ને થોડાજ દિવસોમાં મેં એક પતિની અને રાજેશે આટલી નાની ઉમરમાં એક પિતાની છત્ર છાયા ગુમાવી.કપરા સમયમાં રાજેશને ભણાવવા અને ઘર ચલાવવા માટે આંગણવાડીમાં શરૂ કરેલી નોકરી અને ઘેર આવીને ઘરની જવાબદારી ત્યાર પછીતો સમય કયાં વીતી ગયો તેની કાંઈ ખબરજ નો પડી.
ખરેખર, "જેની જવાબદારીની કોઈ જ સીમા નથી તે માં છે ".

રાજેશ પુખ્ત વયનો થયો ત્યારે તેના બાપમાં મરી પરવારેલા મૂલ્યોથી આખીયે જીંદગી પછતાયેલી હું અગમચેતીને સમય મળે ત્યારે રાજેશને સારાં નરસાનું ભાન કરાવતી પણ યુવાનીનું જોમ અને અવળી સંગતનો રંગ ચઢતા તે કયારેક કયારેક દલીલો પર ઉતરી આવતો અને તેના બાપની જેમજ વ્યસનના રવાડે ચઢેલો એ ક્યારેક મને ન બોલવાનું પણ બોલી કાઢતો ખબર નહીં કેમ પણ મારા ઘડતરમાં ક્યાં ખામી રહી ગઈ ઇ તો ભગવાન જ જાણે છતાંય....
'છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતાર ઓછી થાય ?'
'દીકરો ગમે તેવો હોય પણ માં ને મન તો તે કાળજાનો કટકો જ ને વળી.'

પોતાના એકના એક દીકરાની વહુને જોવાનું અને પૌત્રને રમાડીને જવાનું સપનું દુનિયાની કંઈ માં ને ન હોય? માટે માંડ માંડ નોકરી કરીને એકઠી કરેલી મૂડી માંથી તેને પરણાવેલો છતાંય લાંબા સમય સુધી એક વહુ અને પૌત્રનું સુખ મારે નસીબ નહીં હોય.

રાત્રી વધુ ગાઢ બનતી જતી હતી.ઊંઘમાં રઈબુન વારંવાર બફળતા હતા.તેમની પડખે સૂતી મને પણ આજે મારા દીકરાની યાદમાં ઊંઘ નહોતી આવી રહી.રઈબુન ઊંઘમાં કાંઈક સપનું જોઈ રહ્યા હતા તે તેમના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટપણે દેખાતું હતું. એટલામાં જ તેઓ એકા-એક અચાનક જોશથી ચીસ પાડી સફાળા બેઠા થઈ ગયા....એ ચીસ હતી...
'રાજેશ.....મારા દીકરા'

બેઠા થતાની સાથે જ થોડીવાર તેમનું મગજ જાણે સ્થિર થઈ ગયું હોય તેમ તેઓ ક્યાં હતા, શું વિચારી રહ્યા હતા તેનું તેમને કાંઇજ ભાન ન હતું.થોડીવાર બાદ ત્યાં ભેગા થયેલા સૌએ તેમને શાંત પાડ્યા.

ધીમે ધીમે તેમની સામેનું ચિત્ર સ્પષ્ટ થતું જતું હતું .તેમની આજુ બાજુ ઉભેલા થોડા લોકો આછા પાતળા દેખાઇ રહ્યાં હતા.થોડી વાર બાદ તેમની નજર રૂમના દરવાજા ઉપર ચાલુ રાખેલા બલ્બની નીચે લગાવેલા બોર્ડ ઉપર પડી. તેમની આંખોએ બોર્ડ પર લખેલા એ સાડાચાર અક્ષર વાંચ્યા.
શબ્દો હતા.."વૃદ્ધાશ્રમ"

જેમ દેહ ઘરમાં ને મન થોડીક્ષણ મેળે ફરીને પરત ફરે તેમજ વૃદ્ધાશ્રમમાં રહેલા રઈબુનનું મન જાણે તેમના દીકરા અને તેની યાદો સાથે ફરીને પાછું ફર્યું હતું.સપનામાં તો દીકરાને પાસે જોઈને તેઓ ખૂબ ખુશ હતા.પરંતુ ઊંઘ માંથી જાગ્યા બાદ સમજાયુ કે તેમને જે પણ કાંઈ સપનામાં જોયું તે માત્ર ક્ષણભંગુર હતું.પાણી પીધા પછી તેઓ થોડા સ્વસ્થ થયા.બાજુમાં સુતેલી હું તો જાણતી જ હતી કે કાંઈક તો અજુગતું બન્યું છે.પહોર થવામાં થોડીજ વાર હતી હવે ના એમને ઊંઘ આવે તેમ હતી કે ના મને, માટે થોડીક્ષણ બાદ મેં આમ અચાનક તેમને શું થયું તેમ પૂછ્યું.પહેલા તો તેઓ કે'તા થોડા અચકાયા પણ પછી સપનામાં આવેલી સમગ્ર ઘટના તેમને મને વર્ણવી અને પોતાના દીકરાને યાદ કરી રડવા લાગ્યા સાથે તેમને જોઈ હું પણ મારા દીકરાની યાદમાં ભેગી રડવા લાગી.

રઈબુનને વૃદ્ધાશ્રમમાં કાઢ્યા પછી તેમના દીકરાનો આજે પ્રથમ જન્મદિવસ હતો અને વૃદ્ધાશ્રમમાં મૂકીને ગયા પછી ત્યારનો દિવસ ને આજની ઘડી ના તો રાજેશ માતાનું મોં જોવા આવતો કે ના તો ફોન કરીને ખબર અંતર પૂછતો.માટે આજે તેના જન્મદિવસે પોતાને જન્મ આપનાર જનેતાને ચોક્કસ મળવા આવશે તેવી રઈબુનને ખુબજ આશા હતી.

આજે સવારથી જ તેવો પોતાના દીકરાના જન્મદિવસને લીધે ખુબજ ખુશ હતા.તેઓએ મને કહ્યું કે: 'મારા રાજેશને કંસાર ખૂબજ ભાવે આજે જો હું ઘરે હોત તો ચોક્કસ એની હારું કંસાર બનાવી દેત'.સાંજે તેઓએ વૃદ્ધાશ્રમની બધીજ બાઈઓને તેમની સાથે માતાજીના ગરબા રમવાનું કહ્યું મેં પૂછ્યું: 'કેમ રઈબુન આજે તે વળી શાના ગરબા?'તેમને જવાબ આપ્યો કે :'દીકરા રાજેશની લાંબી ઉંમર તથા તેના ભલા માટેજ તો વળી.'
સાચેજ "કરુણાનો પર્યાય એટલે માં"
ગમે તેટલી કડવાશ આપ્યા બાદ પણ જેના માંથી હંમેશા મીઠાસ જ વહેતી હોય તેનું નામજ જનેતા.આજે તેઓ સૌને ખુશ થઈને કહી રહ્યા હતા કે:'મારો દીકરો રાજેશ મને મળવા આવશે જોજો સૌને બતાવીશ હો..કેટલો રૂપાળો છે..'

સંધ્યાકાળ થવામાં થોડો સમય બાકી હતો હજુ સુધી રઈબુનનો દીકરો આવેલો નઈ તેઓ
વૃદ્ધાશ્રમના દ્વાર પર ક્યારનાએ નજર માંડીને બેઠેલા.મનેતો કેમ જાણે રઈબુનના સવારથી દીકરો મળવા આવશે તેવી આશામાં સજાવેલા તેમના ઓરતા પર ધીમે ધીમે પાણી ફરી રહ્યું હોઈ તેમ દેખાઈ રહ્યું હતું.આખોય દી' દીકરાને સંભાળતી એ માં ની યાદથી એ કઠોર કાળજાના દીકરાને શુ એક હીંચકી પણ નહીં આવી હોય?આખુંય વરસ તો સમજ્યા પણ પોતાના જન્મદિવસે પોતાને જન્મદેનાર એ દેવતા સમાન જનેતાને શીદને ભૂલી શકાય?હું સમજી શકુ છું કે કોઈક વાર માં-બાપથી પણ નાની મોટી ભૂલ થાય પરંતુ તેની કાંઈ આટલી મોટી સજા હોઈ શકે ખરી?ધિક્કાર હજો!એ દીકરાને, ભલા આને કરમની કઠણાઈ સમજવી કે પછી કાળમુઓ અભિશાપ?

જે માળીએ દિવસ રાત એક કરી પોતાની સંધિયે જીંદગી ઘસી નાખીને જે બાગનું જતન કર્યું હોય,શું તે બાગની સુગંધ લેવા માળીને આટલું બધું તરસવું પડે?ક્યાં ગઈ એ લાગણીઓ? ક્યાં ગયા એ સ્મરણો? કે જે એક દિવસ માં ના વાત્સલ્યનો ખોળો છોડવા પણ તૈયાર નહોતા.

એક બાજુ દીકરાની લાંબી દીર્ઘ આયુ માટે ગરબા રમતી માં ને બીજી બાજુ પશ્ચિમી વાયરાના રંગે રંગાઈને દારૂની મહેફિલ માણતો પોતાનો દીકરો.એક માં કે જેણે પોતાના દીકરા માટે સંઘીય જીંદગી હોમી નાખી એ કપૂત પોતાના જન્મદિવસે માતાની એક ઝલક જોવા તો દૂર પણ તેનું સંસ્મરણ કરવા પણ તૈયાર નહોતો.
પોતાની માતાએ રાત દિવસ કરેલા ઉજાગરા પાછળ આ તે કેવા ધજાગરા? કે પછી ઓળંગાઈ રહેલી વાત્સલ્યની પરાકાષ્ઠાને તોડતા મનનાં મિજાગરાં! કેવી ખંધી ખટપટોથી ખરડાયેલા.

આજે દીકરાના આવવાની ખુશીમાં રઈબુને સાંજનું જમવાનું પણ માંડી વાળેલું, વળી પાછા ક્યારનાએ પથારીમાં બેઠા બેઠા વૃદ્ધાશ્રમના પ્રવેશદ્વાર ઉપર પોતાના દીકરાની વાટ જોતાં મીટ માંડીને બેઠા હતા.અધમુઓ કાળ પણ જાણે આજે માં ની મમતાને મૂર્ખ ગણીને હસી રહ્યો હતો પરંતુ તે કદાચ માં ના હુંફાળા મમત્વથી વાકેફ નહીં હોય.જેના મમત્વથી જ આ ભોમ જાણે અવિરત પણે ટકી રહી છે.

આજે એ કાળ સમી રાત્રિમાં મોડે સુધી દીકરાની વાટ જોતા જોતા રઈબુનની આંખ ક્યારે મીંચાઈ ગઈ તે જાણે તેમને ખુદને જ ખબર ન રહી ને દીકરાના મિલનની આશા સાથે હતાશામાં મીંચાયેલી એ આંખ ફરી પાછી ક્યારેય ખુલી ન શકી...