પ્રસંગ 15 : હોસ્ટેલના રૂમમાં કવ્વાલીનો પ્રોગ્રામ અને લૂંગી ડાન્સ
અમે રાતના રાજા હતા એટલે રૂમમાં અવારનવાર પ્રોગ્રામ કરતા હતા. રૂમમાં changes પણ કરતા રહેતા. એક વખત અમે બધાએ રૂમમાંથી લોખંડના પલંગ હટાવી બહાર કાઢી નાખ્યા અને બધાના ગાદલા જમીન પર ફરતા ગોઠવી દીધા પછી દરરોજ રાત્રે અમે જુદા જુદા પ્રોગ્રામ કરતા. ક્યારેક કવ્વાલીના તો ક્યારેય ડાન્સના પ્રોગ્રામ થતા. આજુબાજુના રૂમવાળા બધા અમારા રૂમમાં ગોઠવાઈ જતા. એક પછી એક બધાનો વારો આવે અને બધાએ ફરજિયાત કવ્વાલી ગાવાની રહેતી અને બાકીના બધાએ તેના સૂરમાં સૂર પુરાવે. મોટા મોટા કવ્વાલીના પ્રોગ્રામની જેમ કાયદેસર રીતે બધા કવ્વાલોના હાથમાં રૂમાલ બાંધીને, ફરતા ગાદલા ગોઠવીને અમે કવ્વાલી શરૂ કરતા. જે કવ્વાલી ગાઈ ના શકે તેને ફરજિયાત ડાન્સ કરવાનો. હું અને વિનયો રાત્રે લૂંગી જ પહેરતા એટલે અમે ઊભા થઈને લૂંગી ડાન્સ કરતા ને બધાને ફરજીયાત ઊભા કરીને કરીને ડાન્સ કરાવતા. રાત પડે ને અમારો પ્રોગ્રામ શરુ થઇ જતો જાણે કે મૂશાયરોની મહેફિલ જામી હોય. હું ઓનલાઈન કોમેડી કવિતા બનાવતો અને બધાને સંભળાવતો. ડાન્સ અને કવ્વાલીના અમારા પ્રોગ્રામમાં હોસ્ટેલના વધારેમાં વધારે લોકો સામેલ થવા માંડ્યા અને અમારા પ્રોગ્રામ હોસ્ટેલમાં famous થઇ ગયા. પછી તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે હોસ્ટેલમાં રાત પડવાની બધા રાહ જોતા, રાત પડે એટલે અમારા રૂમમાં મેળો જામતો.
જે લોકોને કવ્વાલી કે ડાન્સમાં ગતાગમ પડતી નહોતી તે લોકો પણ અમારા પ્રોગ્રામ જોવા આવતા હતા. કવ્વાલી, ડાન્સ, કોમેડી ગીતો, જોક્સ, અંતાક્ષરી વગેરે પ્રોગ્રામ ચાલતા જ રહેતા.
અમારી હોસ્ટેલમાં વિજાપુરથી એક છોકરો હતો તે આર્ટિસ્ટનું ભણતો હતો. તે બહુ સારા sketches બનાવતો અને અમને બતાવતો. તે અને ચીકો ઘણા સારા ફ્રેન્ડ બની ગયા હતા તે sketches બતાવવા અમને તેની કોલેજે પણ લઇ જતો. અમારા રૂમમાં તેને ચીકાનો હૂબહૂ sketch બનાવીને અમને લોકોને પ્રભાવિત કર્યા હતા ત્યારથી તે અમારો ફ્રેન્ડ બની ગયો હતો. તે ઘણી વખત અમને તેના કોલેજના ફંકશનમાં પણ લઈ જતો હતો.
પ્રસંગ 16 : અમારા રૂમનો એક જ નારો, રૂમમાં આવે તેને પકડીને મારો
અન્ય હોસ્ટેલની જેમ અમારી હોસ્ટેલમાં પણ ઘણી વખત ચોરીઓ થતી હતી. આમ તો, અમારો રૂમ આખો દિવસ ખુલ્લો જ રહેતો, ભલેને પછી રૂમમાં અમારા ગ્રુપમાંથી કોઈ હોય કે ના હોય. અમને લોકોને કોઈની બીક નહોતી. અમારા રૂમનો દરવાજો તો ખુલ્લો રહેતો તેની સાથે અમારા રૂમમાં સામાન પણ જેમ ને તેમ પડ્યો હોય પરંતુ અમારા સામાનમાંથી એક પણ વસ્તુ આડાઆવળી થતી નહીં. આમ તો, ચીકો અને પ્રિતલો સવારે કોલેજે જતા ત્યારે હું અને વિનયો હોસ્ટેલમાં હોય અને અમે જ્યારે કોલેજમાં જતા ત્યારે પ્રિતલો અને ચીકો હોસ્ટેલમાં હોય પરંતુ અમારા ગ્રુપમાંથી કોઈ હોસ્ટેલમાં હોય કે ન હોય અમને અમારા રૂમની અને અમારા સામાનની કોઈ જાતની ફિકર હતી નહી. અમારા રૂમમાં કોણ આવ્યું કે કોણ ગયું તેની બધી વાત અમને સાવરકુંડલા અને હારીજ કરી દેતા હતા. જોકે અમને એ બાબતની પણ પરવાહ ન હતી. અમને એટલો વિશ્વાસ હતો કે અમારા સામાનમાંથી કોઈપણ વસ્તુ ભૂલથી પણ કોઈ લઈ ગયું હશે તે પાછો અમારા રૂમમાં જ મૂકી જશે. કારણ કે અમારી ધાકને લીધે કોઈ અમારા રૂમમાં અમારી પરવાનગી વગર દાખલ થતું નહીં. ભૂલથી પણ જો કોઈ અમારા રૂમમાં દાખલ થયો હોય તો તેને રાત્રે સજા ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડતું. પહેલા તો અમે તેને તેના રૂમમાંથી બહાર કાઢી, ટીંગાટોળી કરીને અમારા રૂમમાં લઈ આવતા પછી અમારા ગ્રુપની મરજી પ્રમાણે તેને કોઈને કોઈ task કરાવતા. બધાને અમે પહેલેથી જ ચેતવી દીધા હતા. બધાને અમારા રૂમનો નારો પણ ખબર પડી ગયો હતો કે "અમારા રૂમનો એક જ નારો, રૂમમાં આવે તેને પકડીને મારો" પછી તો બધા અમારી પરવાનગી લઈને જ અમારા રૂમમાં દાખલ થતા હતા.
ક્રમશ: