કોરોના જેવી મહામારીના સમયમાં થતી વિશ્વપ્રાર્થના
સદ્દભાવના
લાખો લોકોની હણાઈ ગયેલી જિંદગી પર
કોઈ સાંત્વનારૂપી બે શબ્દો કહી જાય
એ અવસર બધા ને મળે
પાયમાલ થઇ જતી સંપત્તિ ને કરોડો નું થતું નુકસાનમાં
આર્થિક રીતે કોઈ સહારો મળી જાય
એવી તક બધાને મળે
શારીરિક પીડાથી પીડાતા ને મોત સામે ઝઝૂમતા લોકોને
પૂરતી સારવાર કરનાર કોઈ ફરિસ્તો મળી જાય
એવો લાભ બધાને મળે
ઘરમાં પૂરાઈને બેસી રહેલાને માનસિક પીડાનો ભોગ બનેલા ને
માનસિક શક્તિ આપનાર કોઈ સાથી મળી જાય
એવી પરિસ્થિતિ બધાને મળે
કટોકટીની પરિસ્થિતિમાં બને એટલા લોકોનું ભલું કરી શકીએ
એવી સદ્દ્ભાવના આપનાર કોઈ માનવ મળી જાય
એવી માનવતાની ક્ષણ બધાને મળે
વણસેલી સ્થિતિ હોવા છતાં કાંઈક સર્જન કરવા મન પ્રેરાય
ને એમાં જોડાવા લાખો લોકો ને પ્રેરણા આપનાર કોઈ સર્જક મળી જાય
એવા સંજોગો બધાને મળે
આ સંકટના સમયમાં કોઈ આપણને તારી જશે
એ ભાવના અને શ્રદ્ધા પૂરનાર કોઈ સંત મળી જાય
એવી ભક્તિનો સ્વાદ બધાને મળે
સહવાસ
વરસતા વરસાદની મોસમમાં
ભીંજવી દેતો એનો સહવાસ
મન થતું કંઈક કહેવા એમને
પણ હું શાંત રહેતી હૃદયનાં ઉમળકાને વધાવી લેવા
ચહેરા પરની ખુશી છલકાઈ ઉઠતી
પોતીકાપણાનો અહેસાસ કરવા
પ્રેમની એક ગાંઠ મેં બાંધી હતી ને એક એણે
હું મૌન રહી એની મીઠાશ પામવા
લાગણીના પેલા તાંતણા ઝણઝણી રહ્યા
અગાધ સમુદ્રમાં ડૂબી જવા
શરમાતી રહી પડખે ઊભી ઊભી
પ્રેમનો એકરાર કરવા
એકાકારની અનુભૂતિ સ્પર્શતી રહી
સાત જન્મનો સાથ નિભાવવા
3-૪ દિવસ પહેલા એક ગર્ભવતી હાથણીની કેરળમાં એ માણસે એક ફળમાં ફટાકડો મૂકીને જે ક્રૂર રીતે હત્યા કરી એ જોઈએ ને હૃદય કંપી ઉઠયું ને એમાંથી નીચેની પંક્તિનો જન્મ થયો
ભૂલી ગયો માણસાઈ?
માનવી મટીને પાશવી થતો તું
માનવતાના બધા પાઠ ભૂલી ગયો?
લાગણીહીન ને પથ્થરદિલ બની જતો તું
કરુણા ને દયાભાવ કોને કહેવાય એ ભૂલી ગયો?
પ્રકૃતિ પર અત્યાચાર કરતો તું
પ્રાકૃતિક સૌંદર્યતાની દ્રષ્ટિ ભૂલી ગયો?
વગરવાંકે કુદરતની ક્રૂર મજાક કરતો તું
સૃષ્ટિની કદર કરવાનું ભૂલી ગયો?
અબોલ જીવની હિંસા કરતો તું
અહિંસાની શિખામણ ભૂલી ગયો?
લાચાર પ્રાણીની સામે શક્તિનું પ્રદર્શન કરતો તું
કોરોના જેવી મહામારીનો બોધપાઠ ભૂલી ગયો?
માનવ ને કુદરત ઘણી તક આપે છે પણ એ પોતાની જાતને સુધારતો નથી ત્યારે નીચે મુજબની રચના આપોઆપ બની જાય છે
પણ ગણતરી ખોટી પડે છે....
વિચારું છું સમય કાઢીને એને મળવા જઈશ આજ
સાંજ પડતા તૈયાર થાવ છું પણ ગણતરી ખોટી પડે છે
નક્કી કરું છું બે માણસ ભેગા થઈ ને કરશુ કંઈક સંતલશ
સમાધાન કરવા જાવ છું પણ ગણતરી ખોટી પડે છે
માની લઉ છું ઘડી બે ઘડી રહેશે આ ગેરસમજ
મધ્યસ્થી થવા જાવ છું પણ ગણતરી ખોટી પડે છે
સ્વીકારી લઉ છું માનવસ્વભાવ રહ્યો અળવીતરો
સમય જતા સુધરી જશે પણ ગણતરી ખોટી પડે છે
સમજી જાઉં છું આખરે સંજોગો જ સુધારશે માણસને
એમ વિચારી આશાવાદી બનવા જાવ છું પણ ગણતરી ખોટી પડે છે
અનુભવે જાણી લઉ છું અંત નક્કી જ છે આ માનવનો
ત્યારે પ્રકૃતિ રૂપ દેખાડવા જાય છે ત્યારે ગણતરી ખોટી પડતી નથી
સમયાંતરે
પ્રેમની સુવાસ ને સ્નેહની ભીનાશ
યુવાની નો ઉંબરો ઓળંગતા મળી જશે સમયાંતરે
શ્વાસોશ્વાસનો પડઘો ને અશ્રુતાના બૂંદો
મિલન થતા મળી જશે સમયાંતરે
વિશ્વાસની પાંખડી ને કાળજીની ડાંડલી
સહજીવનનો સંચય થતા મળી જશે સમયાંતરે
સંબંધની પરિપક્વતા ને ખાનદાનીની મધુરતા
એકત્વની ભાવના થતા મળી જશે સમયાંતરે
હૈયાકેરી વાતો ને શમણાંકેરી રાતો
મન નો સમન્વય થતા મળી જશે સમયાંતરે
હાસ્યસમી યાદો ને કરુણાસમી પળો
નવો દોર શરૂ થતા મળી જશે સમયાંતરે
ક્યાં જરૂર છે?
જેની માથે છત્રછાયારૂપી શાલ ઓઢાડેલી હોય
એને ક્યાં જરૂર છે બીજે આશરો શોધવાની
જેને ખોબા ભરીને આપી દીધું છે ધન
એને ક્યાં જરૂર છે બીજા પાસે હાથ પ્રસરાવવાની
જેને ખુદ ઉપરવાળાના ચાર હાથ હોય
એને ક્યાં જરૂર છે કોઈ પણ જાતની ચિંતા કરવાની
જેને ઈશ્વરની દેનરૂપ ડહાપણ અને સમજણ મળ્યા હોય
એને ક્યાં જરૂર છે દુનિયાદારીની તરફદારી કરવાની
જેને પ્રેમરૂપી ભક્તિ મળી હોય
એને ક્યાં જરૂર છે મંદિર આદિમાં પૂજાપાઠ કરવાની
જેને સારા ભાવરૂપી સંસ્કાર મળ્યા હોય
એને ક્યાં જરૂર છે સમાજની ફિકર કરવાની
જેને વિવેક અને વિનમ્રતા જેવા સદ્દગુણો પ્રાપ્ત હોય
એને ક્યાં જરૂર છે સાધુપણાનો આડંબર કરવાની
જેને પોતે શું છે અને કેમ આવ્યો છે એ જ્ઞાત હોય
એને ક્યાં જરૂર છે તપસ્યા કરવાની