પ્રસંગ 1 : હોસ્ટેલનો અલાર્મ અને દૂધ
આમ તો, અમે બધા અઘોરી આઇટમ હતા એટલે કે રાતના રાજા. અમારી કોલેજનો ટાઈમ બપોરે હતો એટલે સવારે ઉઠવાનો ટાઈમ નક્કી હોતો નહી. ક્યારે 10 વાગ્યે તો ક્યારેક 11 વાગ્યે. અમારા ગ્રૂપના લોકો દરરોજ સવારે વહેલો અલાર્મ મૂકીને સંકલ્પ લેતા કે અમે લોકો વહેલા ઉઠી જઈશુ પરંતુ દરરોજ સવારે અમારા સંકલ્પો પર પાણી ફરી વળતું. બધા અલાર્મો 5-10 મિનિટના અંતરે મુકતા એટલે એક પછી એક અલાર્મ વાગતા સાથે જ હોસ્ટેલ અમારા અલાર્મોથી ગુંજી ઉઠતી. પરંતુ ખૂબીની વાત એ હતી કે 5-5 અલાર્મ હોવા છતાં અમે ઉઠતા નહીં અને અલાર્મ બંધ કરવાની તસ્દી પણ લેતા નહીં. ક્યારેક કોઈની આંખ ખુલે તો તે એજ વિચાર કરતો કે બીજો કોઈ ઉઠીને અલાર્મ બંધ કરી દેશે. તેથી અલાર્મ continue રણક્યા કરતા હતા જેથી હોસ્ટેલના અન્ય રૂમના લોકો ઉઠી જતા તે લોકો અમારા રૂમનો દરવાજો ખખડાવતા પરંતુ અમે અજગરની જેમ પડયા રહેતા. કોઇને ઉઠવામાં રસ નહોતો અને તેઓ થાકીને જતા રહેતા પરંતુ અમારી ઘાકને લીધી કોઈ કન્વીનર પાસે ફરિયાદ કરવા જતા નહીં. હોસ્ટેલમાં મોડા ઉઠવાને કારણે અમને સવારમાં ક્યારેય દૂધ મળતું નહીં, અમારા ભાગનું દૂધ મોટે ભાગે બીજા લોકો જ પી જતા. અમને પણ દૂધ પીવા કરતા નિંદર કરવામાં વધારે રસ હતો.
પ્રસંગ 2 : વાંકલાઓને સીધા કર્યા
હોસ્ટેલના શરૂઆતના જ દિવસોમાં અમારો સામનો હોસ્ટેલના કન્વીનરના ભત્રીજાઓ સાથે થયો હતો. ગુજરાતમાં એક કહેવત પ્રમાણે "સાત નારિયા" એટલે સાત જણા વાંકાનેરના હતા એટલે અમે તેને સાત નારિયા વાંકલાઓ કહેતા હતા. અમે હોસ્ટેલમાં આવ્યા તે પહેલાં જ હોસ્ટેલમાં તેઓએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. જે હોસ્ટેલમાં રહેતા લોકો પર દાદાગીરી કરી પોતાની ધાક જમાવતા હતા. હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો તેનાથી ડરતા હતા કારણ કે એક તો એ 7 જણા સાથે હતા અને બીજું તેઓ કન્વીનરના ભત્રીજાઓ હતા. દાદાગીરી, મારામારી અને ગાળો બોલવાનો તેમનો નિત્યક્રમ હતો. શરૂઆતમાં અમને તેના વિશે કોઈ અંદાજો ન હતો પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ અમને તેની દાદાગીરીઓની ખબર પડવા માંડી પરંતુ અમે તો શરૂઆતથી જ બિન્દાસ હતા અને તેના માથાના મળ્યા હતા એટલે અમે તેની દાદાગીરીથી ડરતા નહોતા. તેણે અમારા ગ્રુપ ઉપર પણ દાદાગીરી અજમાવવાની કોશિશ કરી હતી પરંતુ તે સફળ થયાં ન હતાં. શરૂઆતમાં અમે એકબીજાને ધમકીઓ આપી હતી પછી અમારા બંનેના ગ્રૂપ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અમારી હિંમત અને જુસ્સો જોઈને જ્યારે પણ જરૂર પડતી ત્યારે ત્યારે હોસ્ટેલના લોકો અમારી પાસે આવતા અમને વાત કરતા એટલે અમે તેને વાંકલાઓના ચુંગાલમાંથી બહાર કાઢતાં. અમારા ગ્રુપે પણ આ સાત નારિયા વાંકલાઓના ત્રાસથી હોસ્ટેલના લોકોને મુક્ત કરવાનો સંકલ્પ કર્યો અને વાંકલાવને એવી રીતે સીધા કર્યા કે તેઓ અમારા રસ્તામાં આવવાની હિંમત જ ન કરતા. પછી તો વાકલાંઓ અમારી સાથે મિત્રતા બાંધવા આતુર હતા પરંતુ અમે એ શરત મૂકી હતી કે હોસ્ટેલમાં દાદાગીરી કરવી નહીં એટલે તેમણે દાદાગીરી છોડી દીધી હતી પછીથી તેઓ અમારા ઘનિષ્ઠ મિત્રો બની ગયા હતા.
પ્રસંગ 3 : ઘરની ધોરાજી
હોસ્ટેલના લોકોમાં ધાક જમાવવા માટે મારા ગામનું નામ જ કાફી હતું. હું ધોરાજી ગામનો વતની હતો અને અમારી "ઘરની ધોરાજી" કહેવાતી એટલે હોસ્ટેલમાં મારા ગામના નામથી લોકો પહેલેથી વાકેફ હતા. એક તો હું ધોરાજીનો અને બીજુ વિનયાના કરાટે nunchaku ને લીધે હોસ્ટેલના લોકો અમારી સાથે લડવાની હિંમત કરી શકતા નહોતા. ચીકો અને પ્રિતલો હોસ્ટેલના લોકોને માનસિક રીતે હરાવવામાં માહેર હતા. તે દુશ્મનના રૂમમાં ઘરીને તેની સાથે દોસ્તી કરીને તેના મગજમાં એવું ઠસાવી દેતા કે અમારી સાથે દોસ્તી રાખવામા જ તેમની ભલાઈ છે. જ્યારે પ્રિયવદન અને ભાવલો શાંતિદૂત હતા. હોસ્ટેલના લોકોને ઓળખાણ કઢાવીને સમજાવવામાં તેની મહારત હતી. હોટલની શરૂઆતમાં જ અમારા કડકાઈ ભરેલા વલણને કારણે હોસ્ટેલના લોકો અમારી સાથે ઝઘડો કરવાનું વિચારી પણ શકતા ન હતા. અમે પણ શાંતિથી રહેવા માગતા હતા જેથી કરીને અમારા ગ્રુપમાં હોસ્ટેલમાં ઝઘડા બહુ ઓછા થયા હતા. જો કે અમારા ગ્રુપની દાદાગીરીથી પ્રેરાઈને અમારા કન્વીનરે અમને "ગુંડાઓ" જેવું ઉપનામ આપ્યું હતું. અમે હોસ્ટેલમાં આવ્યા પહેલા હોસ્ટેલના વિદ્યાર્થીઓની છબી શાંત હતી જે અમારા આવ્યા પછી બિલકુલ ઉલટી થઈ ગઈ હતી. હોસ્ટેલમાં અમારી ધાક હતી. અમારો સ્વભાવ ઝઘડાખોર નહોતો પરંતુ કોઈ અમારી સામે દાદાગીરી કરે તે અમારા ગ્રુપમાંથી કોઈથી સહન થતું નહોતું એટલે અમારે નાછૂટકે તેવા લોકો સામે કડકાઇભર્યું વલણ અપનાવવું પડતું. જે લોકો હોસ્ટેલમાં દાદાગીરી કરતા તેને અમે છોડતા નહિ. અમે તેની સામે "ઘરની ધોરાજી" જ હલાવતા હતા. તેથી હોસ્ટેલમાં અમારા ગ્રુપની છાપ "ઘરની ધોરાજી" ની પડી હતી.
ક્રમશ: