વૈશાખી વાયરા અને ઢોલના ઢીસાકા Jesung Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશાખી વાયરા અને ઢોલના ઢીસાકા

વૈશાખી વાયરા અને ઢોલના ઢીસાકા-
.......................................................
આજથી એકાદ-દોઢ દાયકા અગાઉ લેખાનો ચૈત્ર મહિનો પૂરો‌‌ થાય એટલે ગરમાં ગરમ વૈશાખી વાયરા ચાલુ થઈ જાય !! વરણાગી વૈશાખના વાયરા વાય એટલે ઉત્તર ગુજરાતના ગામડે ગામડે લગ્નના રઢીયાળા ઢોલ ઢબુકતા ! ઉત્તર ગુજરાતની લગભગ દરેક કોમોમાં લગ્ન સીઝનની વણંઝાર ચાલુ થાય !! જાણે પરણવાનો જ પરવાનો આપતા વૈશાખના ધોમ ધખતા તાપમાં ગામડે ગામડે સોના સરખી ગેડીએ લગનના મધરાળા દેશી ઢોલ વાગતા અચૂક સાંભળવા મળે ! ગામે ગામ વયસ્ક કુંવારી કન્યાઓના હાથ મહેંદીથી લાલ થાય અને વૈશાખની ટાપી-ટાપીને‌ રાહ જોતા ફૂટડા જુવાનિયાઓના લગ્નનો અવસર ઉંબરે આવીને ઊભો હોય !! વેવાઈઓ, વેવાણો, વરઘોડા, જાનૈયા, આણા, ઝિયારા, ગાનારીઓ અને ગોર મા'રાજથી ખચિત વૈશાખ મહિનાનો ઠાઠ અને રોફ જ કંઇક અલગ જાતનો !! એ વખતે સમૂહ લગ્નોનું પ્રમાણ એકદમ ઓછું પણ ગામો - ગામ પરણવા લાયક કન્યાઓના એકસાથે જ લીલુડા માંડવા રૉપાતા !! ગામ દીઠ દસ, વીસ, પચીસ, પચાસ કન્યાઓના સામૂહિક ઘડિયા લગનીયા લેવાતા અને ઘરે ઘરે અવસરની તડામાર તૈયારીઓ થતી હોય !! કન્યા પક્ષેથી પહેલા પાંચ દસ જણને મોકલી લગ્ન મોકલાતું અને લગન મોકલ્યા થી આઠ દસ દિવસે જાન જોડાતી !! વચ્ચેના આઠ દસ દિવસમાં કન્યા અને વરને ગામમાં ઘરે ઘરેથી વોનેળો ખાવા નોતરાં મોકલાતા અને સખાયા સાથે પુંખલી ભરવાની વિધિઓ પણ વાગતા ઢોલે‌ થતી !! જે ઘરેથી વર-પૂંખલી ભરાતી એ ઘરના યજમાન સાકર કે ખાંડ સાથે નાળિયેર રાખી યથાશક્તિ રૂપિયા પણ મૂકતા !! નક્કી કરેલા દિવસે સાંજે વાગતા ઢોલે જાનનું આગમન થાય પછી જાન બે ત્રણ દિવસ કન્યાના ગામમાં રોકાય !! જાન, જાનડિયો, માંડવીયા અને વેવાઈ- વેવાણોથી ‍ ઓછી વસ્તી ધરાવતા ગામો પણ હર્યા હર્યા ભર્યા ભર્યા થઈ જતાં !! જાન અને જાનૈયાઓને અલગથી ઉતારા પણ અપાતા ! આ બે ત્રણ દિવસોમાં સૌ ઘરડું બુઢુ માણસ મોકળાશ વાળા લીમડાના છાયા નીચે માચા ઢાળી એકબીજા ને "મારા સમ, આટલું તો લેવું જ પડશે" એમ સોગંદ આપી આપીને અફીણના કસુંબા પીવડાવવા સાથે ચા- બીડીની રમઝટ બોલાવતું તથા જુવાનડા જુવાનડીઓ ‍તથા સૌ મોટીયારો એકબીજાના ખભે હાથ મૂકી શેરીએ, ગામના તળાવ કે પછી ક્યાંક એકાંત માં નવી ઓળખાણો બનાવી હૈયું ઠરાવતા હોય !! ત્યારે તો ભણતરનો ક્યાં આટલો મહિમા હતો? કો'ક ભણેલો છોકરો વૈશાખ મહિનામાં અભણ છોકરીને ટેસથી પરણી જતો !! લગ્નમાં કન્યા અને વર પક્ષે પોતાના મામાં મોસાળ તરફથી મામેરા- મોસાળા પણ ત્રાંબાના ત્રાસમાં એવા ભરાતા !! વર પક્ષે વળી " સરકારી કાયદા વૈશાખી વાયરા, પરણ્યા વિના કેમ ચાલશે " જેવા ગાણા- ફટાણાઓના સુર ચારે દિશામાં રેલાતા ! ગામડાનું લોક પણ ઉનાળાની સિઝનમાં ખેતીના કામમાંથી માંડ માંડ પરવારે ત્યાં તો વૈશાખીયા લગ્નોમાં સમાજના આગેવાન બની નવા ખેરવાળા આંગડા અને અઢીવટા કે ખમીસ પહેરી ગામે ગામ વિ'વો મ્હાલવા ઉપડે !! ક્યાંક કોઈના લગ્નમાં તો ક્યાંક વળી મામેરા મોસાળમાં !!
એ વૈશાખી સીઝનમાં રબારી સમાજમાં તો વળી માતાની રમેલો (જાતર કે દેરાસરું) પણ એવી થાય !! રાત આખી જાગરણ રાખી ભુવા પાવળીયા "ખમ્મા મા ખમ્મા" કરી ચા બીડી પીતા- પીતા પાટ આગળ નમીને વેણ વધાવા પણ જોવડાવે અને સવારે ઉગતા પહોરમાં તેલ-ફૂલ ચડાવી સૌ પ્રસાદ લઈ પોત પોતાના ઘરે રવાના થાય !! પણ હવે આવા લગ્નો કે પ્રસંગો પણ ક્યાં જોવા મળે છે ??? એ સમય પણ ગયો અને રહી ગઈ માત્ર એની યાદો !! ક્યારેક ક્યારેક તો ટેકનોલોજીના યુગમાં મનોમન એમ થયા કરે કે આ યંત્ર સંસ્કૃતિ માનવીની કેટલી અસલિયતોને ભરખી જશે ???????