Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોની સંતાકૂકડી: 2 - જીવીની જીજીવિષા

(સત્ય ઘટના પર આધારિત)

એનું નામ જીવી. જીવી મૂળતો ગુજરાતના ખાખરીયામાં જન્મેલ ગામડાની છોકરી. બે બેનો ને ત્રણ ભાઈ એમાં જીવી નો નંબર ત્રીજો. સામાન્ય રીતે સામાન્ય ઘરમાં સાવ સામાન્ય છોકરી જીવીને ડિસાના કરસન જોડે પરણાવીને મા-બાપે ગંગાનહાયાનો સંતોષ માન્યો કે ચલો સૌથી નાની દીકરીનાય હાથ હવે પીળા થઈ ગયા હવે આપણે છુટ્ટા.
પણ પણ જીવીના જીવનની ખરી શરૂઆત કરસન સાથે થઈ. 18 વર્ષની જીવીને તો કરસન જ દનિયાને કરસનનો પરિવાર જ તેનુ વિશ્વ. હેયને ટેસથી કરસન રોજ સવારે જીવીના હાથે બનાવેલ અમૃત સમી વાટકો ભરીને આખા દુધની ખોટ જેવી ચા ને એક આખા જુવારના રોટલાનું શીરામણ કરીને ટ્રેકટર પર ખેતર જવા ઉપડે. રસ્તામાં જે મળે તેને રામ રામ કહેતા જાય ને કામની ગોઠવણ કરતો જાય.

બપોરની વેળા થાયને જીવી કરસન માટે સરસ મજાનું દાળ-ભાત શાક-રોટલીનું ટીફીન લઈને ખેતર ઉપડે બેઉં માણસ ભેગા જમે અને નમતા પોરે સાથે ઘેર આવે. આ તેમનો નિત્યક્રમ. આમને આમ વરસ વિત્યુને જીવીને ખોળો મંડાણો.

કરસનના ખોરડા પર તો જાણે ઈશ્વરનું વરદાન ઉતર્યુ. પણ આ વરદાન જીવીને કરસનના જીવનમાં ઝંઝાવાત લઈ આવશે એની તેમને ક્યાં ખબર હતી. ગામમાં આંગણવાડીને બહેન ભણાવવા આવતી અને સાથે સાથે તે સગર્ભા મહિલાઓને રસી મૂકાવાના કાર્ડ પણ આપતી. જીવીએ પણ તેમાં નામ નોંધાવેલું. એટલે જીવી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા ગઈ અને ત્યાં તેની પર આભ તુટી પડ્યુ. તેને એમ લાગ્યું કે, તેનો સોના જેવો સંસાર જાણે ધૂળ જેવો થઈ ગયો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જીવીના લોહીની તપાસ કરવામાં આવી હતી. અને તમામ ટેસ્ટની સાથે સાથે તેનો HIVનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. અને જીવીને માલુમ પડયુ કે જીવી એચઆઈવી પોઝીટીવ છે.

19 વર્ષની જીવીને કંઈ ખાસ સમજાયુ નહી. પણ જ્યારે ડોક્ટરે કરસનના લોહીની પણ તપાસ કરી ત્યારે ખબર પડી કે કરસન એચઆઈવી પોઝીટીવ હતોજ એટલું જ નહી પણ તેનો એચઆઈવી એઈડસમાં પરિણમી ચુક્યો હતો. અને તે પોતે તેની દવા પણ લેતો હતો. અને જાણે જીવીના પગમાંથી કોઈએ જમીન ખેંચી લીધી. તમામ સગાસંબધીઓએ જીવીને કરસનથી સંબધો કાપી નાંખ્યા. ત્યાં સુધી કે તેના સાસુ- સસરાએ પણ કરસન અને જીવીને ઘરનો દરવાજો દેખાડી દીધો.

જીવી માથે એ વખતે જાણે આભ તુટી પડયું. તેને સમજાયુ કે આની કોઈ દવા નથી. પણ હા જો તે યોગ્ય સારવાર કરાવે તો તેનાથી થનારા બાળકને એચઆઈવીના ચેપથી બચાવી શકે છે. જીવીએ મનમાં ગાંઠ વાળી કે હવે તો જીંદગી સામે લડી જ લેવું છે મારુ બાળક તો એચઆઈવીગ્રસ્ત નહી જ આવવા દઉં. અને આ તમામ બાબતોનો ભાર કરસન પર એવો પડ્યો કે તેણે ગામનો કૂવો પુરયો. એટલે જીવીની રહી સહી ઉમ્મીદ પર પણ પાણી ફરી વળ્યુ. પણ કહે છે ને કે ચાહ હોય ત્યાં રાહ હોય જ.

જીવીને પહેલા તો કંઈ સમજાયુ નહીં. કે તે શું કરે અને ક્યાં જાય? પણ એવામાં જીવીની મદદે તેના ભાઈ અને મા આવ્યા. પહેલા તો ભાઈએ પણ મદદ કરવાની મના કરી દીધી પણ માતાએ જીવીનો સાથ ન છોડ્યો અને આખરે તેની માતાની જીદ સામે તેનો ભાઈ ઝુકી ગયો. જીવીના ભાઈ જીવીને અમદાવાદ લઈ આવ્યા. અહીંની હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરાવી તેને પુરા મહિને એચઆઈવી નેગેટીવ દિકરી અવતરી. આજે આ વાતને પૂરા 7 વર્ષ થઈ ચુક્યા છે જીવીએ એચઆઈવી પોઝેટીવ વ્યિક્ત સાથે ફરીવાર લગ્ન કરી લીધા છે તેની દીકરી સ્નેહા અંગ્રેજી માધ્યમમા ભણે છે અને જીવી એચઆઈવીનો ભોગ બનતા લોકોમાં જીજીવીષા જગાડવાનો ભેખ લઈને બેઠી છે.

દોસ્તો આ સાવ સાચી વાત છે કાલે ફરી મળીશુ ફરી કોઈ સામાન્ય વ્યક્તિના અસામાન્ય સાહસની વાત લઈને હું ગાયત્રી જોષી