*ધડકનોનાં સૂર*
🎼🎼🎼🎼🎼
*ધક ધક-1*
💗💗💗
આજે આ વાદળછાયું આકાશ જોઉં છું ને તારી યાદ આવી ગઈ અખિલેશ! તું એક જીંદગી નું એવું અવિભાજ્ય વળગણ છે કે સાત દરિયા પાર છે છતાં યે સતત મારી અંદર ઘૂઘવ્યાં કરે છે!
આવાં જ એક દિવસે આપણે મળ્યાં હતાં એક ઝાડ નીચે ! રોમાંસ કરવાં નહિ,વરસાદથી બચવાની પળોજણમાં! મેં તને જોયો ને થોડું અસહજ અનુભવ્યું કંઈક જુદું જ એટલે નજર નીચી કરી થોડી દૂર સરકી.તે પણ બસ અછડતી જ નજર કરી કોઈ પણ વિકાર વગરની સાફ! તું ના ખસ્યો પણ!
ત્યાં જ એકદમ ધોધમાર વરસાદ શરૂ થયો, પવનને કારણે મને વરસાદી બુંદો અડતી અને છેડી ને જતી રહેતી.હું સંકોચાઈ ને થોડું થોડું ખસતી અજાણતાં જ એકદમ તારી નજીક આવી ગઈ.તારું તો ધ્યાન જ નહિં ને તેં વાળ ખંખેરવા માથે હાથ ઝાટક્યો ને એ બુંદો મારાં પર પડી ને મને જોરથી છીંક આવી.તારું ધ્યાન એકદમ મારાં પર ગયું તું શું બોલ્યો એ આજ સુધી મને નથી ખબર કારણકે હું તો તારાં વિખરાયેલા ભીનાં વાળ અને તપખીરી મોટી આંખો જ જોઈ રહી હતી. મેં,"ઈટ્સ ઓકે"એ અવિચળ સ્થિતિમાં જ કહી દીધું.ત્યાં જ ટેક્ષી આવી,તે કહ્યું"તમને વાંધો ન હોય તો મારી સાથે બેસી શકો છો મને ખબર છે તમે મારી આગળની જ ગલીમાં રહો છો." હું વધું વિચારી શકું એમ નહોતી કારણકે માંડ એક ટેક્ષી દેખાઈ હતી.હું તારી સાથે જ બેસી ગઈ.ભીની ઓઢણી સરખી કરતાં તારાં હાથને મારો હાથ અડી ગયો આ વખતે તું પણ એકદમ ચોંકી ગયો હતો એવું મેં જોયું..મેં તરત જ "સૉરી સૉરી"કહી ભૂલથી એમ થયું એ પ્રયત્ન પૂર્વક જતાવ્યું.
મારું ઘર આવવાની તૈયારી થઈ મેં કહ્યું"મિસ્ટર...."તું તરત બોલ્યો,"અખિલેશ પટનાયક, અને ફ્રેન્ડ્સ માટે અખિલ."મેં કહ્યું,"ઓકે, પણ મારાં પૈસા લઈ લોને." તું બોલ્યો,"ઉધાર રહ્યાં ક્યારેક બીજીવાર તમે ચૂકવજો" ને હસી પડ્યો."ધક ધક"ધડકન વિચલિત થઈ ગઈ એ તારાં હાસ્ય પર! હું તો એટલા અહોભાવમાં આવી ગઈ હતી કે બસ ગરદન હલાવી થેન્કયુ કહી ઉતરીને મારાં ઘર તરફ કોઈ ખેંચી રહ્યું હોય એમ દોરાઈ ને પહોંચી ગઈ!
રાત થઈ,ઈયરફોન લગાવી રોજ સોંગ્સ સાંભળું તો જ મને ઊંઘ આવે.મેં સોંગ્સ સિલેક્શન માટે વિચાર્યું કે તું સામે...ભીના વાળ ને એ તપખીરી આંખો!મેં આંખ બંધ કરી ને તારી એ છબી જાણે બંધ પલકોમાં સમાવી લીધી અને મીઠું મરકલું આવી ગયું હોઠ પર! બંધ પલકે જ મેં સોંગ સિલેક્ટ કર્યું,"મદહોશ દિલ કી ધડકન..ચૂપ સી યે તન્હાઈ યે તેરી યાદ ને દિલ મેં લી યાર અંગડાઈ..."એકદમ સિચ્યુએશનલ સોંગ વાગ્યું ને "ધક ધક" એક વાર ફરી ધડકન વિચલિત થઈ ગઈ.એ રાતે તું જ દરેક પ્રહરે દેખાતો રહ્યો બસ એ જ ભીના વાળ ને.....એ જ આંખો!
સવાર પડી ખુશી,સુસ્તી,થાક ના સમજાય એવી મિશ્ર લાગણીઓ સાથેની! હું ફટાફટ કૉલેજ જવા તૈયાર થઈ.મમ્મીને પણ નવાઈ લાગી કે જે દસ બૂમો પડાવવા છતાં ના ઉઠે એ આજે કેમ આમ ?!
આજે હું બાજુની ગલીમાં જવાની હતી,મારી ફ્રેન્ડ નિશા ત્યાં જ રહેતી, હું હંમેશા એને બસસ્ટોપ પર બોલાવતી પણ આજે દિલમાં અખિલ,તને જોવાની ઈચ્છાનું જોર પ્રબળ હતું.હું જેવી નિશાને ઘરે પહોંચી તું સામેના જ ઘરમાં....બિલકુલ સામેના જ ઘરમાં રે અખિલ....મસ્ત બ્લેક પ્રિન્ટેડ બોક્સર ને બ્લ્યુ ટી શર્ટ..ઉફ્ફ.."ધક ધક"ધડકન વિચલિત! ઈયર ફોનમાં સોંગ લાઈન .."સંભાલે સંભલતાં નહિ યે દિલ કુછ તુમ મેં બાત ઐસી હૈ..."જાણે એ પણ રોજ સાથે રહેતાં મારી દિલની વાત સમજવા લાગ્યું હોય એમ લાગ્યું!
ત્યાં જ નિશાએ બૂમ મારી, "નીતિ...કમ ના...ક્યાં અટકી..?" ને હું સડસડાટ ઘરમાં એના રૂમ સુધી દોરાઈ ગઈ.અખિલ,એ દિવસ આખો તારાં ખુમારમાં જ ગયો.સાંજ પડી ને હું ઘરે આવતાં તું દેખાય એની પ્રાર્થના કરવા લાગી.નિશા કોલેજથી સીધી ડાન્સ કલાસ જતી રહેતી એટલે આવતાં હું એકલી જ હોઉં.તું દેખાયો અખિલ...ને અનાયાસે જ મેં હાથ ઊંચો કરી બૂમ મારી.."અખિલ...."અને તે સામે મસ્ત સ્માઈલ થી પ્રતિસાદ આપ્યો ને મારી પાસે આવ્યો,ડાર્ક મરૂન ફૂલ સ્લીવ ટી શર્ટ અને બ્લેક ડેનિમ..શેવ કર્યા વગરનો ચેહરો.. હાયે...જેમ તેમ દિલ સાચવ્યું!આવીને બોલ્યો,"હાઈ... હેય મારું નામ યાદ રહ્યું વાહ ગુડ ગુડ,યોર ગુડ નેમ પ્લીઝ..."હું તારાં અહોભાવમાં વહેતી ધીમેથી બોલી,"નીતિ..."અને તું હાથ લંબાવે એ પહેલાં જ મેં હાથ લંબાવી દીધો શૅકહેન્ડ માટે!
ધીમે ધીમે આપણી ફ્રેન્ડશીપ થઈ ગઈ અને એ લવશીપમાં ક્યારે તબદીલ થઈ ના સમજાયું.હવે તો દિવસ રાત હું ને તું,તું ને હું...જાણે બધું જ અદ્રશ્ય..ઇનવિઝીબલ!તું સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાનો હતો.તે કહ્યું ,"નીતિ..ફક્ત એક વીક બાકી રહ્યું છે મારાં જવામાં,મારાં વગર રહી શકીશ ને?" હું તારી આંખોની ભીનાશ સ્પષ્ટપણેજોઈશકતી હતી.મેં મારી હિંમત ગુમાવી ને એકદમ તને વળગીને રડી પડી.તે મને તારા વિશાળ બાહુઓમાં શમાવી લીધી ને એઆલિંગન અને એ ચુંબનોનાં વરસાદને હંમેશ માટે મેં મનમાં શમાવી લીધા છે.
તારાં ગયાં પછીનો એ પહેલો કૉલ...માય ગૉડ.. કેવી એકધારી રડતીતી...! "અખિલ .અખિલ..આઈ મિસ યુ બેડલી "બોલી ને ગંગા-જમના વહાવી દીધાં ને તું બોલ્યો,"તું આમ જ રડશે તો હું આવી જઈશ પાછો".અને હું શાંત થઈ ગઈ હતી.ક્યાંક સોંગ વાગતુ હતું,"ઝહેર જુદાઈવાલા પી ના સકુંગી..સચ માનો જીંદા રહે ના સકુંગી.." "ધક ધક"દિલ વિચલિત.તેં કૉલમાં જ કેટલી કિસ્સીઓ આપી હતી!બસ એ જ તો તારી જુદાઈમાં ઇજન પૂરું પાડે છે.
ક્રમશ:
*કુંતલ ભટ્ટ "કુલ"*
*મિત્રો ,"ધક ધક ભાગ 2" લઈને ટૂંક સમયમાં જ આવું છું.જરૂરથી વાંચશો ને પ્રતિભાવ જણાવશો*🙏🏻😊