સેલ્ફી  Alpa Kotadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સેલ્ફી 

વડોદરા એટલેકે 2000 વર્ષ પહેલાનું વટપદ્ર કે વટસ્ય ઉદરે તરીકે ઓળખાતું , મારા બાલ્યકાળનું સાક્ષી , મારા યૌવનકાળની યાદોનો ખજાનો અને ઊંડેથી જેની માટે હજુ પણ તડપ છે તેવું સંસ્કારી નગર, દિવસે અને રાત્રે જાગતું શહેર, વડોદરાની ઉત્તરે મહીસાગર ,દક્ષિણે ઢાઢર અને નર્મદા નદીની વરચે નો પ્રદેશ એ વાંકળ તરીકે ઓળખાય અને આ વાંકળમાં મારુ વહાલું વડોદરું , વિશ્વામિત્ર નદીને બે કાંઠે વસેલું છે. ગુણવંતભાઈ શાહ તેમના સરનામામાં અવશ્ય વડોદરું લખે પણ સૌથી પહેલો વડોદરું તરીખેનો ઉલ્લેખ માણભટ્ટ તારીખે પ્રખ્યાત તેવા ગુજરાતીના મહાકવિ અને એકમાત્ર 'રાસકવિ' શ્રી પ્રેમાનંદે કુંવરબાઇના મામેરામાં "વીરક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્યે ગામજી" કર્યો હતો. પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ વડોદરાનાં વાડી મહોલ્લામાં રહેતાં હતાં.
2012માં કુટુંબ સાથે કરેલ કાશ્મીરના પ્રવાસનું વર્ણન અને જોવાલાયક સ્થળની માહિતી સભર લેખ
મારું લાડીલું વડોદરું તેના રંગીન મિજાજ માટે જાણીતું છે ગુજરાતના સંસ્કાર નગરી તરીખે ઓળખાતું અને આ સંસ્કારી પણું તેના નામમાંથી પણ પ્રગટ થયા વગર રહેતું નથી. અહીં કોર્ટ ન્યાયમંદિર તરીખે ઓળખાય, એન્જિનિરીંગ કોલેજ કલાભવનનાં નામથી ઓળખાય અને ફાયર બ્રિગેડ અગ્નિ શાંતિ કેન્દ્ર જેવા વિશિષ્ટ નામથી ઓળખ પામે છે. શ્રી સયાજીરાવ ગાયકવાડ, શ્રી પ્રેમાનંદ , શ્રી અરવિંદ, શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ અને ગુણવંત શાહ જેવાએ મારા વડોદરાને અમરત્વ આપ્યું છે. આ સહુને આ વડોદરાએ ભીની ભીની લાગણીથી તરબતર રાખ્યા છે.


ઇસ 1721માં મોંગલો પાસેથી વડોદરાનું શાસન જીતી લીધું અને મરાઠી પેશ્વાએ શ્રી ગાયકવાડને વહીવટનો હક્ક આપ્યો. ઇસ 1761માં મરાઠા સામ્રાજ્યના પેશ્વાઓનો અફઘાનો સામે પાણીપતના યુદ્ધમાં પરાજય થતાં વડોદરાનું શાસન ગાયકવાડને હસ્તક આવ્યું. વડોદરા રાજ્યનો વિકાસ સયાજીરાવ ત્રીજાનાં શાસનમાં અધિક અને સર્વોચ્ચ થયો. ગાયકવાડના શાસનમાં વડોદરા કિલ્લે બંધ થયું અને આજુબાજુના મૂળ ગામૉની વસાહતો પાછળ પુર શબ્દથી ઓળખાવા લાગ્યાં. જેમકે રાવપુરા, બાલાજીપુરા, કમાટીપુરા, ફતેહપુર, આનંદપુર, સિયાપુરા, નિઝામપુરા અને સુલતાનપુર વિગેરે આમાં નિઝામપુરામાંની તે સમયની સૌથી મોટી અને પ્રખ્યાત સરદાર પટેલ કોલોનીમાં મારુ બાળપણનું અને યૌવનકાળનું સરનામું. આ સરનામે મારી કેટલીએ યાદો ધરબાયેલી છે. આ એ જગ્યા છે કે જે મારા , પ્રથમ હાસ્ય, પ્રથમ રુદન પ્રથમ આનંદથી ઉછાળતી છોળો તો ક્યારેક ઉદાસી ભરી યાદોની પણ સાક્ષી છે. સરદાર પટેલ કોલોની બસસ્ટેન્ડ અમારા સમયનું શોપિંગ મોલ પણ ખરું અમારી જોઈતી બધી જરૂરિયાતો અહીંથી મળી જતી. આ બસસ્ટેન્ડથી અમારું ઘર લગભગ 2 કિ.મિ. હતું. બસસ્ટેન્ડથી જમણી બાજુ વળીને સીધા સીધા જવાનુ એટલે જમણી બાજું મોટું મેદાન આવે જ્યાં અમે નવરાત્રીમાં સજી ધજીને ગરબા રમવા જતા. નવી નવી ચણીયા ચોળી પહેરીને મમ્મી પાસે તૈયાર થઈને સખીઓ સાથે ગરબાની રમઝટ બોલાવતા. આ મેદાનની સામેની બાજુ પીપળનું મસમોટું ઘેઘુર ઝાડ હતું અને તેની બાજુમાં કુઓ હતો રાત્રે એકલા જવાનું હોયતો ફે ફાટતી. કૂવાની બાજુમાંથી ડાબી બાજુ તરફ આગળ જઈએ તો પહેલી ગલીમાં આવેલ બંગલામાં પ્રથમ માળે અમારો માળો ! અમારે ઘરે આવવાનો બીજો રસ્તો પણ ખરો પીપળના ઝાડથી સીધે સીધા જઈએતો પોસ્ટ ઓફિસ આવે અને પોસ્ટઑફિસની ડાબે સીધા આવોતો અમારું ઘર. પોસ્ટ ઓફિસની બાજુમાં સ્વામિનારાયણ મંદિર અને અમારી આસ્થાનું સરનામું પણ ખરું. હું ભાઈ બહેન , મમ્મી અને પપ્પા આમ પાંચેય આનંદ કિલ્લોલથી રહેતા હતા. પપ્પા 5 હાથ લાંબા, મોટી મોટી આંખો, એકવડું શરીર ,દેખાવે રુઆબદાર લાગે પરંતુ સ્વભાવે સાવ સરળ અને આમ સાવ ભોળા. હૃદયથી ભીના ભીના। કોઈ પણ તેમની પાસેથી આસાનીથી પૈસા પડાવી જાય. પપ્પા એટલે ખાલી એક નામ ? મારા નામના અર્થમાં વધારો કરતુ સર્વનામ ? એક પદ ? કે પછી બાયો ડેટામાં નામની પાછળ લાગતું માત્ર અસ્તિત્વ ? કે આ બધું અને ઉપરાંત હજુ ઘણું બધું ! પપ્પા એટલે સૌથી વધુ ભરોસા પાત્ર વ્યવહારીક પ્રેરણા દાયક પુસ્તક. આપણે પ્રેરણાં માટે હજારો પુસ્તક ઉથલાવી દઈએ પરંતુ ઘરમાં બેઠેલ પપ્પાના અનુભવોના સરવાળાને કોરાણે મૂકી દઈએ છીએ. આ પપ્પા નાંમની પ્રોફાઈલને ક્રેડિટ સાથે કોઈ લેવા દેવા નહિ. મેં ઈશ્વરને જોયા નથી પણ એ મારા પપ્પા જેવાજ હશે ! મને મળેલ સંસ્કાર, માહોલ, નેતૃત્વના પાઠ અને દુનિયાદારીની જે સમજ પપ્પા તરફથી મળેલ એક અનમોલ ભેટ છે. હું નથી માનતી કે બધીજ પુત્રીઓ મારા જેટલી નસીબવાળી હશે.


શું આપે બીજને (seed ) ધ્યાનથી જોયું છે ? તેમાં બે મુખ્ય ઘટકો હોય છે એક બીજમાં રહેલ મીંજ કે જેમાંથી એક નવું વટવૃક્ષ પ્રગટી શકે છે અને બીજું તેના પરનું આવરણ કે જે આ મીંજને સમર્થ બનવા જરૂરી સુરક્ષા અને સામર્થ્ય પૂરું પાડે છે. આમ જુઓતો એવું પણ લાગે કે જો આ આવરણ ના હોત તો એ ઝડપથી પાંગરીશકતે અને વટવૃક્ષ બની શકતે। એટલે કે આ આવરણ તેના વિકાસને રુંધે છે અથવા ધીમો પડે છે. પરંતુ હકીકત કંઈક અલગજ છે. બીજમાં રહેલ મીંજ તેમાંથી વૃક્ષને પ્રગટાવવાનું સામર્થ્ય પ્રાપ્ત ન કરી લે ત્યાં સુઘી તેની ઉપરનું આવરણ એટલે કે પિતા તેને સુરક્ષિત રાખે છે, નિર્ભય બનાવે છે. યોગ્ય સંજોગો અને હૂંફ પુરી પડે છે અને મજાની વાત એ છે કે જયારે એ મીંજ પોતાનામાંથી વૃક્ષના અંકુર પ્રગટાવે ત્યારે આ કડક , કઠણ આવરણ પોતાને સ્વયં મિટાવીને મીંજના અંકુરને આગળ વધવા માટે રસ્તો કરી આપે છે.આપણા સમાજમાં માઁ ને તો ઈશ્વરનો દરજ્જો આપી દીધો પરંતુ પિતાને હંમેશા અન્યાય થયો છે પપ્પાને હંમેશા ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે કારણકે પપ્પાએ ક્યારેય પોતાની જાતને ઈશ્વરની કેટેગરી માટે નોમિનેટ કર્યાજ નથી. પપ્પા પોતાનાં બાળકો માટે ક્યારે પીચ તૈયાર કરી દે છે તે ક્યારેય ખબર નથી પડતી ! તે શું શું કરે છે ક્યારેય નોંધ્યું છે ! સંબંધોની સોડમ રાંધી, શમણાંઓના ટુકડા સાંધી, વાતે વાતે પડકારતા, લલકારતા, રૌદ્ર, રુક્ષ , ખંતીલા અને ચીવટવાળા, પપ્પાની ભીતર ભૂમિતો સાવ ભીની સાવ પોચી અને છતાં લીલી છમ્મ. પપ્પા બાળકો માટે શું શું નથી બનતાં અને શું શું નથી કરતા ! ગણિત અને વિજ્ઞાન ભણાવતા આકરા થતાં પપ્પા. દીકરીની રસોઈ મહા પ્રસાદની જેમ આરોગતા પપ્પા. દીકરીની વિદાયવેળા અશ્રુથી ઓળ ઘોળ પપ્પા. નબળી ક્ષણોમાં આધાર સ્તંભ પપ્પા , જિંદગીનો ભાર એકલે હાથે, મૌન રહી, ભાર ખેંચતા પપ્પા અને અમને શ્રેસ્ટ મળે અને અમે શ્રેસ્ટ બનીએ તે માટે જોમ અને જુસ્સાનું કલ્પવૃક્ષ બનતા પપ્પા! આમારા માટે અને અમારી સાથે, હરેક પળે, તરુણ રહેતા અને અમારા વગર, દરેક પળે વધુ ને વધુ વયોવૃદ્ધ થતાં પપ્પા !


અમારું કલ્યાણએ પપ્પાનું અંતિમ સોપાન છે. પપ્પા ભલે નોકરી 8 કલાક કરતા પણ પિતૃત્વતો બારેમાસ 24 x 7 ! એવું કહેવાય છે કે દીકરો માઁની વધારે નજીક હોય છે અને દીકરી પિતાની ! પિતા પુત્રીનો સંબંદ અજોડ અને અનન્ય છે. બધા પિતાઓનોં દીકરા-દીકરી પ્રત્યેનો પ્રેમ નિર્ભેળ અને નિર્મળ હોય છે. જાણે પ્રેમનો મહાસાગર ! . શિવાજીને ઘડવામાં જીજાબાઇના ફાળાને કોઈ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી પણ તે સમયે પિતા શાહજીએ કરેલી મહેનત અને ગોઠવણને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપવું જોઈએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે ”આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે”.કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડાનાં પડીકા લાવનારા અને પરિણામોથી પોરસતા પિતા કોઈના ધ્યાનમાં આવતા નથી.બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ સુદ્ધાં લેતું નથી.


મમ્મી , એક ગજબનું અસ્તિત્વ. ક્યારેય ન થાકનાર, અવિરત, સતત, કામ કરતુ મશીન ? મશીન તો અધૂરી ઉપમા છે કારણકે મશીન તો સોંપેલું કામ કરે છે પણ મમ્મી, ઉછીની ઉપાધિ પણ વહોરતી અને ઢસરડા કરતી તે પણ ઉત્સાહ અને ઉમંગની સાથે. આજે હું માઁ બની છું એટલે માઁ નો રોલ બરાબર સમજી શકુછું. મમ્મી માટે કઈ પણ લખું એ અધૂરું છે પણ હું લખીશ કેમ કે આ દુનિયાની સૌથી નસીબદાર દીકરી હોવાનું મને ગર્વ છે. અમને તો ઉપવનના મધમધતા સુમન સરીખી માનતી અને હા કુસુમ સરીખી અમારી કોમળતાને તું જતન કરી જાળવતી, હજુ પણ અમારામાંથી તારી ફોરમ વહે છે, તને કેમ કરીને વિસરું ? સમયના વહેણની સાથે અમારામાં સુસંસ્કાર સીંચતી, અક્ષર જ્ઞાનની રંગોળીથી અમારા માહિલાને વિકસવાની ક્ષિતિજ આપતી, નિતનવા પકવાનોથી અમારી રસ ક્ષુધા સંતોષતી, મનગમતા પરિધાનોથી અમને રોજ તું સજાવતી, ઘણા લાડકોડ લડાવતી, બોલ તને કેમ કરીને વિસરું ? દરેક ઘરને સરનામું હોય છે, મમ્મી પણ સરનામાને ગમતું ઘરતો મમ્મીજ કરી શકે છે. આજે હું દુનિયાના પડમાં મ્હાલી શકું છું પણ તારા સરનામા જેવી ઠંડક, આહલાદકતા ક્યાંય નથી. હા આજે મારુ મન ભરાઈ આવ્યું છે તો તારી માફી પણ માંગી લઉં ! અમારા તોફાન મસ્તી માટે નહિ, કેમ કે તું ભલે અમને ખિજવાતી પણ તું મનથી તો ઇચ્છતી કે અમે ધમાલ મસ્તી કરીએ। ક્યારેક તારી સામે બોલી હોઈશ પણ એની માટે પણ નહિ, કેમ કે મને ખબર છે કે આવી શુલ્ક વાત તને યાદ પણ નહિ હોય. ક્યારેક તે સોંપેલું કામ પૂર્ણ નહિ કર્યું હોય પણ એના માટે પણ નહિ કેમકે તે ઉદારતાથી આવી કંઈક અમારી ભૂલો તું માફ કરી દેતી, પણ એક એવી ભૂલ માટે કે જેમાં મેં તારો અને પપ્પાનો એક હક્ક છીનવી લીધો, તારો અને પપ્પાનો અધિકાર છીનવી લીધો, તારો અને પપ્પાનો વિશ્વાસ ઘાત કર્યો. મેં મારા સ્વાર્થ માટે તમારા આત્મ સન્માનને ઠોકર મારી અને મેં તમારા કન્યાદાનનાં હક્કથી વંચિત રાખી, તમારા હૈયાના હેતને ખુશીથી મારા મનગમતા માણિગરને હાથ સોંપવાના ભારતીય સંસ્કારથી વંચિત રાખી હું સ્નેહલ સંગ ચાલી નીકળી. હું ખરા હૃદયથી , મનથી અને વચનથી તારી અને પપ્પાની માફી માંગુ છું. મારે થોડી રાહ જોવાની જરૂર હતી. તમારી સંમતિતો હતીજ પણ મને લાગે છે કે અમારી ના સમજ કરતાં અમારી મુગ્ધા અવસ્થા વધારે કામ કરી ગઈ પણ હું આજે દિલ થી કાબુલ કરું છું કે મેં આપ સહુનો અક્ષમ્ય અપરાધ કર્યો છે. મને વ્રજલાલ સાપોવડીયાની સુંદર કવિતા યાદ આવે છે


સમણાં સમાયા વીતી જરા જ્યાં મુગ્ધાવસ્થા મીઠી,


આવ્યું નોતરું દુહિતા તેડવાને ત્યાં સાજનની ચીઠી,

હૃદય સમ તનુજાને સજાવી ચોળતા અંગ પીઠી,


આજ્ઞાંકિત બની જશે શ્વસુર ખેડવા ભૂમિ વણદીઠી,


વળાવી આત્મજા ત્યાં ગીત ગાઈ કરી અણદીઠી,


વિદાય આપી અશ્રુભરી આંખે જાણે અંતિમ દીઠી,

શૂન્ય માનસ ઘડી વારમાં થઇ નજરે કન્યા અદીઠી,


દોહિત્ર લઇ આવશે વળી સજીવન થઇ આશ મીઠી
- ર્ડો.વ્રજલાલ સાપોવડીયા

મમ્મી માનતી કે સગાઓની યાદીમાં હોવું એ તો વિધાતાનાં હાથમાં છે પણ વહાલાઓની યાદીમાં હોવું એ આપણા હાથમાં છે. આ માન્યતામાં મમ્મી ફક્ત રાચી નથી પણ જીવી ગઈ છે, મમ્મી બરોબર પચાવી ગયેલી. તે ને અમારા કુટુંબની ઘણી મુગ્ધાઓને આકાશ પૂરું પાડ્યું હતું. અમારા કુટુંબની ઘણી કુમારિકાઓને અમારે ઘરે રાખી, બધાને ભણાવતી એટલુંજ નહિ પણ મેં ઘણી વખત અનુભવ્યું છે કે મમ્મી જરૂર ના હોય, વાંક ન હોય તોપણ મૂંગી રહી, સગાઓની કટુ વાત મન પર નહોતી લેતી. મમ્મી પગથિયાં જેવી છે જે સ્થિર રહીને બીજાને ઉપર ચડાવે છે. મમ્મી નદી જેવું જીવી; જે પાછળ કદીએ વળી નહિ....મમ્મી અમે તારામાંથી શીખ્યા છીએ કે મનમાં...ભરીને જીવવું એના કરતાં, મન... ભરીને જીવવું. માઁ એક સાતત્યતાપુર્ણ સંબંધ છે કે જેને સમયની થપાટોની કોઈજ અસર થતી નથી. માઁ તો ફક્ત માઁ જ હોય છે. - ફક્ત માઁ. પરિવર્તનનો પવન ભલેને ગમે તેટલા જોશથી કેમ ન ફૂંકાઈ..કદાચ લોકોની રુચિ બદલાય, સમાજની વર્તણુક બદલાય।, ધાર્મિક કે સાંસ્કૃતિક પરિવર્તનના મોજા કેમ ન ઉછળતા હોય પણ, સૌકાઓથી માઁની વાર્તામાં કોઈ પરિવર્તન નથી તે તો ભગવાન રામની માઁ કૌશલ્યા હોય, આપણા લાડલા કનૈયાની માઁ રાધા કે દેવકી હોય કે મધ્ય યુગના શિવાજીની માઁ જીજાબાઇ હોય કે આધુનિક સમયના ગાંધીજીની માઁ પૂતળી બાઈ હોય , તેમની ભૂમિકા નથી બદલાઈ. તેમના પાલવમાંની ઠંડક ઓછી નથી થઇ, આંખોની જ્યોતિ કદી નથી જાંખવાઈ, હા તેમનુ દર્દ પણ ઓછુ નથી થયું. તેમની ટીસ પણ ઓછી નથી થઈ. અને તેના ખૂણામાં પડેલો પેલો ખાલીપો પણ નહિ. માઁ વાર્તા કહે છે અને મા 'વાર્તા' પણ સાંભળે છે. - એને કહેવાતી વાર્તાઓ અને એની વાર્તાઓ સમયની સાથે જૂની થતી નથી કે બદલાતી નથી. માઁ કદી પણ એકલી નથી હોતી. એકલી હોવા છતાં એકલી નથી હોતી. બધા છોડીને જતા રહે છતાં તે કદી એકલી નથી હોતી. તે યાદોમાં ડૂબીને બધા સાથે હોય છે. તેની આજુ બાજુ હવામાં ઉઠતી ફોરમ અને લીલા અને સૂકા પર્ણ વરચેથી પસાર થતી હવાની કિલકારીઓ ગૂંજતી રહે છે. ભણકારાઓથી આશાઓ જાગતી રહે છે. કદાચ આ જ છે માઁ ની જીંદગી. મમ્મી 5ફૂટ 2 ઇંચ ઊંચી, ગોરો વાન, લાડવા જેવું ગોળ મોહ, ઘાટીલું શરીર અને લલાટે પાવલી જેવો લાલ ચટ્ટક ચાંદલો। મમ્મી કપડાંની શોખીન. પપ્પાને સુતરાવ સાડી ન ગમે માટે હંમેશા શિફોન કે જ્યોર્જટની સાડી પહેરતી.મેં મમ્મીને ક્યારેય લઘર વઘર વસ્ત્રોમાં નથી જોઈ.

બચપન
કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,
સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.

સુરેન ઠક્કર ‘મેહુલ’”


એક સુંદર સાંજ ને મિત્રો નો સાથ
બાળપણ નો નિઁદોષ ટહુકો ને હાસ્ય નું મોરપીછ.....
કોઈ એક નોટબુક ના પાનાં વચ્ચે નું મુરઝાય લું પાંદડું
સુખ ના એ દિવસો નો આયનો ને યાદો ની સુંદરતા......
કેરી ની ખાટી મીઠી સુગંધ ,એ વળીયારી ને લાલ ચુરણ
મસ્તીનો એ વાયરો ને શિક્ષક ના ડર નું વાવાઝોડું.....
નિબંધ ને શ્ર્લોક ની સ્પર્ધા ,એ ત્રણ પગ ને લીંબુ ચમચી ની દોડ
જીતવાની મહત્વકાંક્શા ને મિત્રો ને પણ જીતાડવાની આકાંક્ષા..
દુલઁભ ક્ષણો નો એ અમુલ્ય ખજાનો દટાયલો છે મનનાં ભોંયરામાં
વહેંચી લીધો આપસ માં એક સાંજે થોડોક થોડોક
સંઘયોઁ હતો જે હ્રદય ના એક ખૂણામાં....એક સુંદર સાંજ


બચપનની વાતો ઘણી અજબ લાગણી જન્માવે છે. બચપણ યાદ આવતા સ્મરણોના વાદળ ઘેરાવા માંડે છે અને એક એક સ્મરણ વરસાદનાં ફોરાં રૂપે વરસી પડે છે અને ભીંજવી જાય છે મારા રોમમાં રોમને,આંખની કોરને અને મહી પડેલા માંહીલાને પણ અને ત્યારે લાગે છે કે આ અઢળક કમાયેલી સંપદાને ઠોકર મારી ચાલી નીકળીએ આપણા મલકમાં. કેવું સુખ છોડી આવ્યા આજ આ આઠે દિશાઓથી મેળવેલ વૈભવના અણ ઈચ્છીયા ઓટલે. કવિ લાભશંકર ઠાકરે એક નિબંધમાં કહ્યું છે: ‘કોઇ ન પૂછે તો હું મને પૂછું: લાઠા, તારી આ પંચોતેર લગીની આવરદામાં તારાં ક્યાં વર્ષો તને સર્વોત્તમ લાગે છે? આંખના પલકારામાં મારા સ્મૃતિપટમાંથી જવાબ સંભળાય છે: શૈશવનાં.’ હું પણ એજ કહીશ શૈશવ કાળના સંભારણા કોઈ પણ માણસ માટે જીવવાનું એક અનમોલ ભાથું હોય છે; જાણે સુખનો પટારો. શૈશવ કાળનો વર્ષોથી મનનાં ભંડાકિયામાં સંગ્રહી રહેલો, દુર્લભ ક્ષણોનો એ અમૂલ્ય ખજાનો આજ મારા સ્મૃતિ પટલ પર ફરી દસ્તક દઈ રહ્યો છે. મારા શૈશવ કાળનું એક અમૂલ્ય સંભારણું મારી બરોડા હાઈસ્કૂલ બાગીખાના, એક અદભુત સ્કૂલ, મારા ઘરેથી લગભગ 8 કિમિની દુરી પર આ સ્કૂલ હતી. અમે રોજ રિક્ષામાં હિનલ, પીંકી,કિરણ અને નિમેષ સાથે સ્કૂલ પર એક રિક્ષામાં જતા. લક્ષ્મી વિલાસ પેલેસના દરવાજા જેવોજ અમારો દરવાજો બે મિનારાથી ઔર દીપી ઉઠતો. લગભગ અંગ્રેજીનાં 'c' આકારમાં અમારી શાળાનું બિલ્ડીંગ. બિલ્ડિંગના એક ખૂણે સ્ટાફ ક્વાર્ટર્સ। અને બીજા ખૂણે પાણીની ટેન્ક અને વોશરૂમ. ત્યાં એક કેન્ટીન પણ ખરી. સરની બુલેટ પરની એન્ટ્રી પર આખી સ્કૂલ આફરીન. તેમની એન્ટ્રી જોવા છોકરાઓ ટોળે વળતાં. મારા પટેલ મેડમને કેવી રીતે ભૂલી શકું ? એ અમને પ્રેમ પણ એટલો કરતા અને ભૂલ થઇ હોય તો અમને છોડતા નહિ. એમનો દર હંમેશ બની રહેતો. અમારા બીજા પ્રિન્સીપલ સહસ્ત્ર મેડમ ની તો વાતજ શું કરવી એમની પ્રતિભા જબર જસ્ત હતી. એમની ચાલવાની સ્ટાઇલ અને રુઆબ પ્રભાવકારી હતો આજે પણ હું તેમના પ્રભાવકારી વ્યક્તિત્વની અસર મને સ્પર્શે છે. 1961માં મહારાજા ફતેહસીરાવજી ગાયકવાડે ફક્ત 1 રૂપિયાના ટોકન થી સ્કૂલ માટે ભાડે આપ્યું હતું આમતો આ ઘોડાહાર હતી. લગભગ મને યાદ છે, 100 કમરાની સ્કૂલ હતી. અમારી સ્કૂલમાં અગણિત પુસ્તકોથી લબાલબ લાઈબ્રેરી હતી. એક સુંદર મજાનો સંગીત કક્ષ હતો, લગભગ 1500 બાળકો અને શિક્ષકોને સમાવી શકે તેવો ખુલ્લા મેદાનમાં અમારી પ્રાર્થના સભા થતી હતી. વિશાળ પ્રયોગશાળા અને બહોળું મોટું ખુલ્લું મેદાન પણ હતું જ્યાં અમે અવનવી રમતો રમતા હતાં. ખાસ કરીને સાતોલીયુ રમત રમવાની મઝા કંઈક ઔર હતી. અમારી અલગ અલગ રમતોથી અને બૂમ બૂમથી મેદાન જીવંત બની જતું. અમારી સ્કૂલમાં જુનિયર કે જી ના વર્ગખંડની તો વાતજ નિરાલી. એ જોઈને તો એવું લાગતુજ નહિ કે આ વર્ગખંડ છે ! રંગબેરંગી દીવાલો, મોટા મોટા ભીંત ચિત્રો વિગેરેથી ક્લાસ રૂમ એવા શોભતકે એ ક્લાસ રૂમમાં ભણવું એ પણ એક લ્હાવો હતો. વર્ગખંડની બહાર લીલાછમ્મ ઘટાદાર વૃક્ષોની હારમાળા આભૂષણોની જેમ દીપી ઉઠતા હતા. દરવાજાની બહાર છુટ્ટા છવાયા ગુલમ્હોરના ઝાડ કેસરી ફુલોથી શોભી ઉઠતાં અને તેનો શીતળ છાંયો અમારું મિટિંગ અને ઘણાનું મેટિંગ સ્થાન પણ બની જતું. મમ્મી અમને લંચ બોક્સમાં અવનવા નાસ્તા આપતી આ ઉપરાંત કેન્ટીનમાં એક અમુલ દૂધની બોટલ અને સમોસા પપ્પાએ નક્કી કરી આપેલ હતું. એટલે લગભગ દરરોજ મારે ઘરેથી આપેલ નાસ્તો વધી પડતો જે અમે સ્કૂલ છૂટે પછી રિક્ષામાં ઘરે આવતા જ્યાફત ઉડાવતા.જો ક્યારેક નાસ્તો પૂરો થઇ ગયો હોયતો મારી સખીઓ નિરાશ થઇ જતી.


સ્કૂલેથી આવી દફતર મૂકી સીધી નીચે રમવા ચાલી જતી અહીં અમે ભાતભાતની રમતો રમતા હતાં. ક્યારેક પક્કડદાવ , સાંતોલીયું , લંગડી, થપ્પો વિગેરે જેવી રમતો રમવામાં એટલા મશગુલ થઇ જતા કે ક્યારે જમવાનો ટાઈમ થઇ જતો તેનીતો ખબરજ પડતી નહીં. મમ્મી બૂમ પાડે ત્યારે ઘરે જવાનો ટાઈમ થયો તેની ખબર પડતી. મમ્મીની સ્પષ્ટ સૂચના હતીકે અમારી શેરી છોડીને બીજે ક્યાંય રમવા જવું નહિ અને અમે તેનો ચુસ્તતાથી પાલન કરતાં. રમીને ઘરે જઈએ એટલે હાથપગ ધોઈ જામી લેતા અને જમીને સ્કૂલમાંથી આપેલ ગૃહ કાર્ય પૂર્ણ કરવા બેસી જતા અમને મમ્મી ગૃહ કાર્ય કરવામાં ખુબ મહેનત કરતી અને હા મને યાદ છે કે અમને 8માં ધોરણ સુધી મમ્મીજ ભણાવતી. તેનું એક કારણ એ હતુંકે મમ્મી પહેલા સ્કૂલમાં શિક્ષિકા તરીકે થોડા સમયમાટે ફરજ બજાવી ચુકી હતી અને સૌથી મહત્વનું કારણ એ પણ ખરુંકે તંગ આર્થિક પરિસ્થિતિ અમને ટ્યૂશન રાખવાની મંજૂરી નહોતી આપતી. મમ્મી પોતે ગુજરાતી મીડીયમમાં ભણી હોવા છતાં ઇંગલિશ ડીક્ષનરીની મદદથી અમને ભણાવતી હતી. મારા શૈશવ કાળનાં સંભારણા ખરેખર અદભુત છે. મારે અહીંયા નોંધવું જોઈએ કે થયો ત્યારે મારા પપ્પાની ઉંમર લગભગ 40 વર્ષની હતી. મારી મમ્મી અને પપ્પાની ઉંમરમાં લગભગ 10-12 વર્ષનો તફાવત હતો. પપ્પાના આ બીજા લગ્ન હતાં અને મમ્મીના કુટુંબની આર્થિક પરિસ્થિતિ ખુબ નબળી હતી કેમકે મારા નાના ખૂબ નાની ઉંમરમાં દેવલોક પામ્યા હતા અને નાનીમાએ ખુબ તકલીફ વેઠી મારી મમ્મી અને બીજા ત્રણ ભાઈ બહેનને ભણાવ્યા હતા. કદાચ તેમની આર્થિક પરિસ્થિતિ મમ્મી પપ્પાના લગ્ન માટે જવાબદાર હતી છતાં મમ્મીના વર્તનમાં કે વાણીમાં ક્યારેય તે અંગે અફસોસ જોવા મળ્યો નહતો. મમ્મી અને પપ્પા વચ્ચેનું ટ્યૂનિંગ ખુબજ સરસ હતું. મારે અહીંયા નોધવું જોઈએ કે ભાડાનાં મકાનમાં અમે રહેતા હતાં તેમાંથી પોતાના ઘર માટે મમ્મીનો ખુબજ આગ્રહ હતો.


પકુ ને જોઈ?

પકુ ને જોઈ ? મૂઈ હમણાંતો અહીં રમતી હતી ? ના બુન મેં નહિ જોઈ ! "હાચું કહું તમારી પકુડી બઉ મસ્તીખોર સ. ચોંક રમવા જતી રય હસે. આવસે હમણાં ચિંતા ના કરો ! " ત્યાં તો મણિબા તાડુક્યા આજની માઁઓન કંઈ કહેવાય નહિ ! કૈંક કૈયે ન તો તરત ખોટું લાગી જાય ભૈસાબ ! આખા ગામની પંચાયત કરશે પણ એમ નઈ કે આપણમાં સૈયા સોકરાનું ધ્યાન રાખીયે ! જો મન...તો હાચુ કહેવાની ટેવ સ એટલે જૂઠું નહિ બોલું ! મારી સગી આંખે મેં ઈન ફળિયામાં રમતા જોઈ હતી પણ મન લાગસ ભભૂતિઓ બાવો અહીં ફરતોતો। એતો નહિ લઇ ગયો....મમ્મી ફડાકે ઉભી થઇ ગઈ ! શ્વાસ ધામણની જેમ ચાલવા લાગ્યો ! લલાટે બાઝેલાં પરસેવાના ટીપા, ચાર આના જેવડા લાલ ચટાક ચાંદલાને સાથે લઈને કપાળની મધ્યેથી નદીની જેમ ગતિ કરી, આંખમાંથી નીતરતા આંસુની ધારને પણ લાલ કરી દીઘી ..મમ્મીનું ગૌરવર્ણ થોડો લાલાશ પડતો થઇ ગયો. મમ્મી બબ્બે પગથિયાં સાથે ઠેકી ગઈ. એના ચાલવા અને દોડવા વચ્ચે ભેદ કરવો મુશ્કેલ ! મોટી મોટી ફાળો ભરતી , સાડલાની કોરથી, આંખોથી છલકતા અને ચહેરાપર નદીની જેમ વહેતા આંસુને ટેવ સહજ લૂછતાં , કપાળ પરનું સિંદૂર મોં પર પણ ફેલાયું .. મમ્મીનો ચહેરો ગુસ્સાથીતો લાલ હતોજ અને સિંદૂરે તેને રણચંડી બનાવી દીધી...હાંફળી ફાફળી થઇ રસ્તા વચ્ચે જે મળે એને પૂછતી, મારી પકુડી ને જોઈ ? દરેક નકારે, વિચારોની ગતિ તેના પગની ગતિ કરતા બેવડાતી જતી અને પગની ગતિ વળી વિચારોની ગતિથી વધારે તેજ થઇ જતી. જાણે બેઉ હરીફાઈ કરતા હોય તેમ એક બીજાને માત કરતા ! જાત જાત ના વિચારોનાં પડળોએ ..મમ્મી પર ચોતરફથી હુમલો બોલાવ્યો હતો। . શું થયું હશે મારી પકુ ને ? હેમ ખેમ તો હશે ને ? એને પેલો બાવો.. ? ના ના મારો ગુરુદેવ એવું ના થવા દે ? બા બાપુજી ને શું જવાબ દઈશ ? મેં વળી ક્યાં એને રમવા મોકલી નીચે ? મને ક્યાં કમત સુજી ? આજે જો મળી જશે તો ભગવાન ને નાળિયેર વધેરીશ। .. ગુરુજી ના આશીર્વાદ લઈનેજ પાણી પીશ। .. ભગવાન કરેને પકુડી મળી જાય ? મળી જશે.. મળી જશે.. તારી પકુડી ક્યાંય નહિ જાય ઉપરવાળો જોનાર બેઠો છેને ? મળી જાય તો અગ્યાર દિવા કરીશ..નહિ મળી તો ? વિચાર આવતાજ ધમણની જેમ છાતી ફરી ફૂલવા માંડી....પેલો ભભૂતિઓ બાવો , મંગુ કાકી, બા બાપુજી અને પપ્પા ના વિચારોએ મમ્મીને પાછી ઘેરી લીધી , વિચારોનું વંટોળ શાંત થવાનું નામ નહોતું લેતું. સંધ્યા ટાણું આમતો ગૌ માતા અને તેના વાછરડાનો મિલન સમય ! પણ આજ એક માઁથી તેની લાડલી વિખુટી પડી ગઈ હતી

"મમ્મી" મેં જોરથી બૂમ પાડી ! મમ્મી અટકી ગઈ ! અવાજની દિશામાં કાન સરવા કરી જોવા ગઈ ત્યાં મેં ફરી બૂમ પાડી "મમ્મી" મમ્મીએ ઝડપથી મારી દિશામાં 'યુ ટુર્ન' લીધો , કદાચ વિચારોએ પણ .. હારેલી, થાકેલી મમ્મીનૉ ચહેરો જોતાજ મને કૈક અજીબ લાગ્યું. ચહેરા પર બદલાતા રંગ હું જોઈ, કંઈક સમજુ ત્યાંતો વીજળી વેગે મમ્મી મારી દિશામાં ધસી આવી , દોડીજ..ઉઘાડા પગે...એક ક્ષણ માટે અમે એક બીજાને જોતો રહ્યા ! હું કઈ કહું કે સમજુ એ પહેલા મારા ગાલ પર તમાચો રસીદ થઇ ગયો..સા...કીધા વગર કેમ બ્હાર ભટકવા નીકળી ? ના પડી છેને કે કીધા વગર ક્યાંય નઈ જવાનું ? તું ઘરે ચાલ જો આજે તારી શું વહલે થાય છે. આજ તારા પપ્પા તને ઝૂડી ના નાંખેતો મને કહેજે, આજે તારી વાત છે, તું ચલ... ! ત્યાંથી મેથી પાક આપવાનું ચાલુ કર્યું તે ઘેર સુધી ચાલુ રાખ્યું ! હું બોલવા જાઉં, કહેવા માંગતી હતી , પણ મારી વાત સાંભળવાના મૂડમાં નહોતી।. મને બાવડેથી કસીને મમ્મીએ પકડી હતી. લગભગ ઢસડાતી ચાલે મમ્મી સાથે કદમ મિલાવતી ઘરે પહોંચી ત્યાં ઉપરા ઉપરી બે ત્રણ ફરી રસીદ જડી દીધી... મેં રડતા રડતા કહ્યું પણ મમ્મી હું તો કહી ને ગઈ હતી..! "કોને ? " મમ્મી એક ક્ષણ માટે અટકી ગઈ પૂછ્યું। મેં ડુસકા ભરતાં ભરતાં કહું " વિલાસ માસીને" . માસી બોલતાંજ કસીને પકડેલો હાથ મમ્મી થી છૂટી ગયો ! અમે બન્ને એક બીજાને ક્ષણ માટે જોતા રહ્યા અને અચાનક મમ્મીનો ગુસ્સો હવામાં ઓગળી ગયો અને મને ઝડપથી તેની તરફ ખેંચીને ગળે વળગાડી દીધી। ચુમ્મીઓના વરસાદમાં હું નવાઈ ગઈ, વહાલપ અને અશ્રુઓ ચોધાર વહી રહ્યા હતા, બંને તરફ.


જેમ જેમ હું ઉપરનાં ધોરણમાં આવતી ગઈ તેમ મારુ મિત્ર વર્તુળ બહોળું થતું ગયું. મારીજ સોસાટીમાં મારા ઘરની સામે રહેતો કિરણ રાજગુરુ એટલેકે કાનો મારખાસ દોસ્ત. સરદારનગર કોલોની બસસ્ટેન્ડ સામે રહેતી સૂચિ જેના ત્યાં અમે ખાસ બરફ ગોળો ખાવા જતાં મમ્મીને પસંદ નહિ કે અમે રોજ બરફ ગોળા ખાઈએ એટલે બરફ ગોળ ત્યાં ખાવા જતી અને હોઠ બરાબર લૂછી નાખતી જેથી મમ્મીને ખબર ના પડે, પીપળના ઝાડ પાસે રહેતી પિન્કી. અને મારા ઘરથી 2 ગલી છોડીને રહેતી હિનલ પણ મારી મિત્ર. મારા ઘરનાં ઉપરના માળે રહેતા સંજય, ભાવિન અને કેતન સાથે રોજ કેરમ, લુડો , ગેંડો, સતોળીયુ વિગેરે રમતાં. ભાવિને મને સાયકલ શિખવેલી તે કેવી રીતે ભૂલી શકું ? અમે દરરોજ શેરીમાં વિવિધ રમતો રમતા અને અમારા શોરબકોરથી અમારી શેરી જીવંત થઇ ઉઠતી હતી. અમે એકજ સ્કૂલમાં અને એકજ રિક્ષામાં સાથે જતાં એટલે અમારી ટોળકી દરેક વાતનો આનંદલેતી. લગભગ દરેક સર અને મેડમ સામે મારી ઇમેજ ખુબજ સરસ અને એટલે લગભગ દરેક કલાસિસમાં મને મોનીટર બનાવતા. મારા ટીચર્સની હું ખુબ લાડકી હતી કેમકે તેઓ જે કામ કહે તે હું તુર્તજ ચીવટ પૂર્વક કરતી. મને આરીતે કામ કરવાનો ખુબ આનંદ આવતો અને મને ખુબ ગર્વ પણ થતો. કોઈ પણ કામ ચીવટપૂર્વક કરવાનું મારા લોહીમાં વણાઈ ગયું છે જેનો લાભ હું આજે પણ લઇ રહી છું. મારા મોનિટર બનવાનો લાભ અમારી ટોળકીને પણ ખુબ મળતો. ખરેખર મારા સ્કૂલ ટાઈમને હું જીંદગી ભાર નહિ ભૂલી શકું ! કેવા મધુર દિવસનો હતાં ! કાશ એ સમય પાછો આવી જાય, થોડા સમય માટે પણ !


સુહાના સફર ઔર એ મૌસમ હસીં હમે ડર હૈ કી ખો ન જાયે કહી
એ આસ્માં ઝૂક રહા હૈ ઝમીં પર એ મિલન હમને દેખા યહી પર


વિવિધ ભારતી ઉપર આવતા ગીતે મને આજે ફરી 40 વર્ષ પહેલા સ્કુલમાંથી કરેલ મારો જીવનનો અદભુત, અવિસ્મરણીય પ્રવાસની યાદો જીવંત કરી દીધી , મને હજુપણ યાદ છે એ હરિ ભરી વાદિયોં, ખીણો વચ્ચે વહેતી ઝીલો, નીલ ગગન અને સફેદ બરફની ચાદર ઓઢેલા પર્વતો અને ફૂલોથી ઘેરાયેલી પગદંડી એવું પ્રતિત કરાવે છે કે જાણે આપણે કોઈ સ્વપ્નલોકમાં પહોંચી ગયા ના હોઈએ ! આહલાદક વાતાવરણ અને ચારેબાજુની હરિયાળી 40 વર્ષ વીતવા છતાં આજે પણ એટલાજ તાજા લાગે છે કે જાણે એ કોઈ ગઈ કાલની ઘટના ન હોય. વાહ આ સ્વર્ગ સમાન જગ્યાએ આવેલ પ્રવાસમાં સાથી મિત્રોના એક એક કરીને બધાંજ નામ યાદ આવી રહ્યા છે જેમની સાથે આ અદભૂતપૂર્વં પ્રવાસ માંણ્યો હતો. શૈશવ, સ્નેહલ, અમિત અને કિરણ. સ્કૂલમાંથી ત્રિપાઠી સર , માલા ટીચર, સુરતી સર , તેમના વાઈફ , દેસાઈ ટીચર અને મારી ખાસ ચુલબુલી બહેનપણીઓ અમી, દિવ્યાક્ષી, નીતૂ , શીલુ અને મારી નાની બહેન મયુરી. ભારતના નકશામાં કાશ્મીર તાજ જેવું જ છે તેના રૂપરંગ દરેક સીઝનમાં અલગ અલગ હોય છે. સુંદર ખીણો અને ઊંચી ઊંચી પર્વતમાળાઓ પ્રવાસીઓને અહીં આકર્ષે છે. આ ભારતના સૌથી સુંદર હવા ખાવાના સ્થળમનુ એક શ્રેસ્ટ સ્થળ છે.


મને બરોબર યાદ છે કે પપ્પાએ આર્થિક સઁકળામણ હોવા છતાં પણ અમારા બંન્નેની પ્રવાસની ફીસ 4000/- ભરી દીધી હતી. પપ્પા અને મમ્મી અમને બન્નેને મુકવા રેલ્વે સ્ટેશન આવ્યા હતા. આ પહેલી વખતજ અમે બન્ને બહેનો પરિવારથી આટલા દૂર જઈ રહ્યા હતા. ટ્રેન ઉપડવાની હતી ત્યારે મમ્મીએ અમને સજળ આંખે અમને વિદાય આપી. જોકે અમે તો અમારી મસ્તીમાં હતાં અને અમને એની કોઈ ખાસ અસર થઇ હોય તેવું લાગતું નહતું. અમને તો અમારી મિત્રો સાથે કાશ્મીર જવાનો આનંદ હતો. અંદાજે લગભગ 60 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યાં હતાં. મને એવું લાગે છે કે અમારી ટ્રેનમાં સ્લીપર ક્લાસ બોગી બુક કરવામાં આવી હતી. અને તેમાં છોકરાઓ માટે અને છોકરીઓ માટે અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હતાં અને બે બર્થ વચ્ચે ખાલી જગ્યામાં પાટિયા લગાવી ત્રીજો બર્થ પણ બનાવામાં આવ્યો હતો. ટ્રેન ચાલુ થઇ અને બધા ગોઠવાઈ ગયા પછી છોકરીઓના કમ્પાર્ટમેન્ટમાં અંતાક્ષરી ચાલુ થઇ અમારી સાથે ત્રિપાઠી સર પણ જોડાઈ ગયા અને ત્રિપાઠી સર સાથે એક છોકરો પણ હતો તે પણ અમારી સાથે અંતાક્ષરીમાં જોડાઈ ગયો. મને યાદ છે કે તે મને ટગર ટગર જોયા કરતો હતો અને તેનો જયારે ગાવાનો વારો આવ્યો ત્યારે તેને સાહિર લુધ્યાન્વીજીએ લખેલ અને રવિ શકરજીએ સ્વરબધ્ધ કરેલ અને મોહહમદ રફીજીએ ગાયેલ ગીત મારી સામે જોઈને ગાતો હતો. તેના શબ્દો હતાઃ


યે ચાંદ સા રોશન ચહેરા,ઝુલ્ફોં કા રંગ સુનહરા
યે ઝીલસી નીલી આંખે, કોઈ રાઝ હૈ ઇનમેં ગહરા
તારીફ કરું ક્યાં ઇસકી જિસને તુમ્હે બનયાં.

મૈ ખોઝમે હું મંઝીલકે ઔર મંઝિલ પાસ હે મેરે
મુખડ઼ેસે હટાદો આંચલ , હો જાયે દૂર અંધેરે
તારીફ કરું ક્યાં ઇસકી જિસને તુમ્હે બનયાં.

માના કે ઝલવે તેરે , કર દેંગે મુઝે દીવાના

મને કંઈક અજુગતું લાગ્યું પણ મેં ધ્યાન આપ્યા વગર પછી રમતમાં પરોવાઈ ગઈ પરંતુ મારી જિંદગીની મહત્વની એક ઘટના અહીં લખાવાની હતી. વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી અને તેના લેખ પ્રમાણે એક મહત્વની વ્યક્તિ મારા જીવનમાં પ્રવેશ કરવાની હતી.

અમે હરિદ્વાર સ્ટેશન પર ફ્રેશ થઇ તૈયાર થયા. અમારા ટીચરે અમને બધાને ચણિયાચોળી પહેરીને ગરબા ગાવા માટે તૈયાર થવાનું કહું અને પછી જોઈતુંતુંજ શું અમારી બોગીનેજ ચેન્જ રૂમ બનાવી ચણીયા ચોળી પહેરી, પ્લેટફોર્મ ઉપર ખુબ ગરબા ગાયા. આવતા જતાં પ્રવાસીઓ અમારા ગરબા જોવા ઉભા રહી ગયા અને જોત જોતામાં મોટું ટોળું વળી ગયું લોકોને જોવાનો અને અમને ગરબા ગાવાનો ખુબ આનંદ આવ્યો અને અમે ગરબા મન ભરીને માણ્યા હતાં. જોનારાનું મોટા ટોળું વળી જતાં એક અનેરો આત્મસંતોષ મળ્યો. અમને ખુબ મજા આવી અને લોકોએ અમારા પ્રયાસને ખુબ વખાણ્યાં. એક યાદગાર પ્રસંગ બની ગયો. મને જેવું તેવું યાદ છે કે ત્યારે અમે શાંતિકુંજમાં રોકાયા હતા. જીંદગીમાં પ્રથમ વાર જોયેલી ગંગામૈયાની હર કી પૌડી પરની આરતીનું દ્રશ્ય અભૂતપૂર્વ અને અવિસ્મરણીય હતું. હમણાં મારે હરિદ્વાર જવાનું થયું ત્યારે મારી યાદોનું સરોવર છલકાયું અને 40વર્ષ પહેલા જોયેલી આરતી તાદ્રશ્ય થઇ અને તેની અનુભૂતિથી અભિભૂત થઇ ગઈ. ત્યાંથી અમે બીજા દિવસે જમ્મુ જવા નીક્યાં. જમ્મુથી અમે શ્રી નગર જવામાટે બસમાં બેઠા. ટીનુ એટલેકે મયુરી માહરાથી 2 વર્ષે નાની અને અમારા પ્રવાસમાં સૌથી નાની એટલે બધા તેનું ધ્યાન રાખે , બધાની તે લાડકી. બસ રોકાય એટલે તેને કંઈક તો લેવુંજ હોય અને મને આપેલ ખિસ્સા ખર્ચીમાંથી હું તેને લઇ આપતી અને તેને ખુશ રાખતી. શ્રીનગરમાં પ્રખ્યાત દાલ લેકમાં કરેલ નૌકા વિહાર અને તેનું અલોકિક સૌંદર્ય આજે પણ ભૂલી શકી નથી.


ગુલમર્ગ અને સોનમર્ગને પણ કેમ ભુલાય ? મારી જિંદગીમાં આ પહેલા હિમાચ્છાદિત શિખરો મેં ફોટામાં અને પિક્ચરમાંજ જોયા હતા પ્રથમ વખત અમે બરફથી ઢંકાયેલ શિખરો જોયા હતા અને અમે બધા બરફમાં પહેલી વખત બરફ હાથમાં લઇ ખુબ રમ્યા હતા. રોપવે માં પ્રથમ વાર અમે લોકો બેસ્યા અને આકાશમાં ઉપર તરફ ગતિ કરવાનો રોંમાંચ કંઈક અલગ હતો. શ્રીનગરથી સોનમર્ગ ૮૫ કિલોમીટરના અંતરે ઉત્તર-પૂર્વમાં છે. દાલ-સરોવરથી આગળ જતાં શ્રીનગર-લેહ હાઈવે દ્વારા સોનમર્ગ જવાય છે. પર્વત પરના સર્પાકાર રસ્તા, ચિનાર વૃક્ષોની હારમાળા, નજર પહોંચે ત્યાં સુધી દેખાતા હરિયાળાં મેદાનો, દૂર દેખાતા હિમાચ્છાદિત શિખરો અને ખળ ખળ વહેતા ઝરણાં આંખોને ઠારે તેવાં દૃશ્યો રચે છે. જેલમ નદીની એક શાખા કે જે ‘નાલા-સિંદ’ તરીકે ઓળખાય છે. તે સોનમર્ગ સુધી પ્રવાસીઓને સુખદ સાથ આપે છે. કાશ્મીરી સ્ત્રીઓ અને શાળાએ જતાં ગોરા-ગુલાબી બાળકો કાશ્મીરની સુંદરતાને અધિક સુંદર બનાવે છે. તેઓની સુંદર મુખમુદ્રા અને તેના પરનું ભોળું ભોળું સ્મિત સૌ કોઈને આકર્ષે છે. પશુપાલકો પોતાના પશુઓને ચરાવતા દેખાય છે. આ દૃશ્યો જોઈને કોઈ પોતાનો કેમેરા યાદ ના કરે તો જ નવાઈ! અહીં અમે કાશ્મીરી ડ્રેસિસમાં પડાવેલ ફોટા મને ખુબ ગમતા અને હું વારંવાર જોવા છતાં ધરાતી નહિ. ફોટા પાડવાનો અને પડાવનો શોખ કાલે પણ એટલો હતો આજે પણ એટલો છે અને આવતી કાલે પણ એટલોજ રહેવાનો. અમે ત્યાંથી ખુબ સારી ખરીદી કરી હતી. મેં અમારા ઘરના સૌ સદસ્યો માટે નાની મોટી સ્મર્ણિકાઓ લીધી હતી અને હા જોડે અખરોટ પણ લીધા હતા. ત્યાંથી પાછાં વળતી વખતે જમ્મુ સુધી બસમાં જવાનું હતું. અમારી બસ સર્પાકાર રસ્તા ઉપર , બંને તરફ ઊંચી ઊંચી પહાડીઓ , રસ્તાની એક તરફ ક્યાંક ઝરણા તો ક્યાંક ઝીલને સમાંતર જઈ રહી હતી. આમેય કાશ્મીરનું વાતાવરણ વર્ષના નવ મહિના આહલાદક હોય છે આજે વળી આછેરું ધુમ્મસ છવાયેલું હતું તેથી વધુ રંગીન અને ખુશનુમા લાગતું હતું. રસ્તાની બંને બાજુ સફેદાના વૃક્ષો અને વૃક્ષોની ટોચ આમને સામને રહેલ ઝાડ એકબીજાને આગોશમાં લેતાંહોય તેમ લાગે અને વળી દૂરથી જુઓતો એવું લાગેકે જાણે આગળ હરિયાળી ટનલ ન હોય. ઘેઘૂર ચિનારથી આચ્છાદિત જંગલને માણતા, માણતા. એક બાજુ હિમાલયની પહાડીઓ અને બીજી બાજુ ઊંડી ખીણો વચ્ચે અમે મસ્તી કરતા કરતા અને અમારા પ્રવાસની યાદગાર ક્ષણોને મમરાવતાં મમરાવતાં જમ્મુ તરફ જઈ રહ્યા હતા. હું , મયુરી,અમી, દિવ્યાક્ષી, નીતૂ , શીલુ કદાચ અંતાક્ષરી રમી રહ્યા હતા. ટીચર અને સર લોકો પણ સફળ પ્રવાસની યાદોને અંદરો અંદર વહેંચી રહ્યા હતાં અને અચાનક અમારી બસ બેકાબુ બની લસરવા માંડી, અને આનંદ મસ્તી કરતા સહુના મોંહમાંથી ચીસો નીકળવા માંડી. અમે બધા અચાનક આવી પડેલ મુશ્કેલીથી અવાચક થઈ ગયા અને ભયના માર્યા થર થર કાંપવા માંડ્યા. સૌ કોઈ પોતાના ઇસ્ટ દેવ કે ગુરુનું સ્મરણ કરવાં લાગ્યા. લાગ્યુંકે બસ હવે ખીણમાં ગયાં સમજો. ભયથી આંખો બંધ થઇ ગઈ હતી હું મારા ગુરુનું નામ સ્મરણ કરી રહી હતી અને શું થયું એ સમજાય તે પહેલાં, એક જોરદાર ધડાકા ભેર અવાજ સાથે બસ અટકી પડી. આંખ ખોલીને જોયુંતો બસ ક્યાંક અટકેલી હતી અને અમે સૌ હેમ ખેમ હતા. કોઈ મોટા પથ્થર સાથે બસ અથડાઈને અટકી ગઈ હતી.આજેપણ એ વિચારતા કંપન છૂટી જાય છે કે જો એ પથ્થર ના હોત તો ? ઈશ્વર કૃપાએ અમને બચાવી લીધા.અમે સૌ બચી ગયાના આનંદ અને આશ્ચર્ય સાથે ફરી એક વાર અમારા ઇસ્ટ દેવને મનોમન સ્મરણ કરી ,વંદન કરવા લાગ્યાં.હાશકારો થયો. બધાના જીવમાં જીવ આવ્યો.અમારો જીવ તાળવે ચોંટેલો હતો તે હેઠો બેઠો.આમારા ત્રિપાઠી સર અને સુરતી સરે બાજી સાંભળી લીધી. બધાને કહ્યું કે કઈ નથી થયું બધા મજા કરો. અમે ભગવવાનની જઈ બોલાવી આગળ તરફ પ્રયાણ આદર્યું. અમે એક મોટાં અકસ્માતમાંથી ઉગરી ગયાં હતા. સ્ટેશન પહોંચી બધાને હાશકારો થયો. સ્ટેશને પહોંચયાંતો ટ્રેન લાગી ચુકી હતી.બધા પોતપોતાનો સમાન ઉતારી ક્રમ બદ્ધ રીતે પોતાના ડબ્બામાં ગોઠવાઈ ગયાં. અમારા ખટમીઠ્ઠા સ્મરણોને લઈને ટ્રેન ઉપડી હજી થોડેક ગયા હશુંને મને યાદ આવ્યુંકે મારા અખરોટના બોક્ષ તો મારી પાસે નથી અને ફરી મારી આંખોમાં અશ્રુ ઉભરાયા. હું દોડતી સર પાસે ગઈ અને મેં તેમને કીધુકે મારા અખરોટનાં બોક્ષ મને મળતાં નથી. સરે સાંત્વના આપી કહ્યું કે આપણે બસમાંથી બધો સમાન ઉતારી લીધો છે અને ટ્રેન માંજ કોઈ જગ્યાએ હશે. અખરોટ ટ્રેનમાં ક્યાં મુકાઈ ગયા તે યાદ આવતું નહોતું અને તે ખોવાઈ ગયાં તેથી મન ખિન્ન થઇ ઉઠ્યું હતું મનમાં અખરોટ ઘરે લઇ જવાનો આનંદ જે હતો તે રોળાઈ ગયો હતો. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યાં હતાં.પણ વડોદરા પહોંચતાં મારા અખરોટના બોક્સ મળી ગયા અને મારી આંખોમાં દુઃખના અશ્રુનું સ્થાન હર્ષનાં અશ્રુએ લીધું અને હું ખુબ ખુશ થઇ ગઈ. સ્ટેશન પર ઉતરતાની સાથે મારી નજર પપ્પા-મમ્મીને શોધતી હતી. જેવા મમ્મી નજરે પડ્યા કે હું જોરથી મમ્મી કરીને ચીલ્લાઈજ અને દોડીને મમ્મીને વળગી પડી. મયુરીને સાથે લઇ અમે ચારેય ઘરે જવા રવાના થયાં અને છેક ઘરે પહોંચ્યા ત્યાં સુધી મારી યાદોના સ્મરણો હું મમ્મી અને પપ્પા સાથે વાગોળતી રહી. અકસ્માત વાળી વાત મેં જયારે કરી ત્યારે પપ્પાએ કહ્યું કે "એતો મોટા બાપુજી( ગુરુ )નો ઉપકાર અને આભાર." "તેઓની કૃપા દ્રષ્ટિથી તમે લોકો બચી ગયા". મેં તેમને કહ્યું કે છોકરીઓ સ્કૂલમાંથી કાશ્મીરનાં પ્રવાસે ગઈ છે ત્યારે તેમણે મને બસ અકસ્માત પથ્થર આ બધીજ વાત કરી હતી. મને લાગે છે કે અમે પપ્પાની શ્રધ્ધા , ગુરુજીના આશીર્વાદ થી અમારો બચાવ થયો. મારામાં ધાર્મિક સંસ્કાર અને શ્રધ્ધાનાં બીજ મમ્મી અને પપ્પાએજ વાવ્યા હતાં. પપ્પા અને મમ્મી સાથે અમે ઘણા ધાર્મિક સ્થળો જેવાકે જૂનાગઢ, દ્વારકા, ગિરનાર અને સોમનાથ ગયા હતા. મને લાગે છે કે સ્કૂલમાંથી પ્રવાસમાં જવાનો આનંદ કંઈક અલગજ હોય છે. મીઠા સંભારણા બની જાય છે.


હું લગભગ 9માં ધોરણમાં આવી ત્યાર સુધી અમે સરદારનગર કોલોનીમાં રહેતા હતા. મમ્મીએ અમને ડાન્સ ક્લાસ પણ કરાવેલા। અમે ઘરે ડાન્સનો અભ્યા કરતા ત્યારે અમારા મકાન મલિક બહુજ કાચ કાચ કરતા આથી મમ્મી પપ્પાને વારંવાર કહેતી કે હવે આપણે પોતાનું ઘર લઇ લઈએ। ભલે નાનું તો નાનું પણ પોતાનું ઘર લઈલો. મમ્મીના દબાણથી પપ્પાએ પોતાનું ઘર વડોદરામાં ઈલોરા પાર્કમાં વસાવ્યું. મને બરોબર યાદ છે કે પપ્પાએ પોતાની બધીજ બચત ઘર લેવામાં વાપરી કાઢી હતી અને જયારે વાસ્તુ પૂજન કર્યું ત્યારે મમ્મીની બચતમાંથી ખર્ચ કરેલો અને અમારા બધાનાં નવા પરિધાન લીધા હતા. આમ જુઓતો પપ્પાનું ફેમિલી ખેડૂત ફેમિલી હતું અને દાદા પાસે ઘણી જમીન જાયદાદ હતી પણ દાદા એવું ઇચ્છતાં કે પપ્પા એટલે કે અમારું ફેમિલી વડોદરા શહેરમાં રહેવાની જગ્યાએ તેમના મૂળ વતનનું ગામ રણોલીમાં રહે. તેથી દાદા તે સમયે પપ્પાને ખાસ મદદ કરતા નહિ. પપ્પા સમજતા હતા કે શહેરમાં રહીશ તો મારા બાળકોનું ભવિષ્ય વધારે સારું ઘડી શકીશ. ગ્રામ્યજીવન અદભુત હોય છે પણ તેની એક સીમા હોય છે, મર્યાદા હોય છે. અને પપ્પા અમારા ભવિષ્ય આગળ કોઈ મર્યાદા જોવા માંગતા નહતા. ટૂંકી આવક હોવા છતાં અને દાદા તરફથી કોઈ મદદ ના મળતી હોવા છતાં મમ્મી અને પપ્પાએ અમારા વિકાસમાં કોઈ કસર નહોતી રાખી. ટૂંકી આવકની મર્યાદામાં રહીને પણ મમ્મી અમને સ્વિમિંગ ક્લાસ , ડાંસીંગ ક્લાસ કરાવતી હતી. ડાંસીંગ માટે તથા સ્વિમિંગ માટે બહાર જવું પડતું ત્યારે મમ્મી અમારી સાથે આવતી અને અમારા ક્લાસ પતે નહિ ત્યાં સુધી અમારી રાહ જોઈને બેસતી અને કલાસ પતે એટલે અમને સાથે લઈને પાછી ઘરે જતી.


એક વાત કહું ! હું પપ્પાની એક વાતથી બહુ નારાજ થઇ જતી. મમ્મી બપોરે થોડી વાર આરામ કરતી હોય અને પપ્પાને ચાહ પીવી હોય અને જો હું બનાવી આપું તો પપ્પાને મારા હાથ ની ચાહ ભાવતી નહિ પણ તેમને મયૂરીના હાથની ચાહ વધારે ભાવતી હતી આ વાતનું મને બહુ ખોટું લાગતું હતું. મયુરીનો જન્મ થયો ત્યારે હું 2 વર્ષની હતી અને મારા નાની, મમ્મીને અગવડના પડે તેમાટે મને મારા મોસાળ, શિનોર લઇ ગયા હતા. આપણી સમાજ રચના કેવી અદભુત હતી. દીકરી માટે માઁ બાપનું ઘર હંમેશા ખુલ્લું રહેતું અને જયારે પણ કોઈ તકલીફ હોય ત્યારે વિના સંકોચે પોતાના પિયરે આવી જઈ સકતી અને કોઈપણ તકલીફને દૂર કરવા ખાડે પગે હાજર રહેતા. હું મારા મોસાળમાં લગભગ 2 વર્ષ રહી હોઈશ પણ તે દિવસો હું ક્યારેય નહિ ભૂલું. મારા દક્ષા માસી , મને ખુબ લાડ લડાવતા. મને સરસ રીતે તૈયાર કરતા, મારી માટે કાઇને કઈ લઇ આવતા અને મને મારી મમ્મીની કંઈ કમી ના લાગે તેનું ખાસ ધ્યાન રાખતા. કહેવત છે કે મોસાળમાં માઁ પીરસનાર હોય તો પછી જોઈએ શું પણ હું કહીશ કે મોસાળમાં દક્ષા માસી હોય તો પછી બીજું કાઈં ના જોઈએ! મને યાદ છે એક વખત અમને સ્કૂલમાંથી માલસર પિકનિક લઇ ગયા હતા અને મારા નાની ને ખબર પડી તો તેઓ ખુબ સારો નાસ્તો, ચોકલેટ વિગેરે લઈને હીરાબા, મારા નાની અમને મળવા માટે ખાસ આવ્યાં હતા અને અમે સૌએ ખુબ આનંદપૂર્વક જ્યાફત ઉડાવી હતી.
મને હજું પણ યાદ છે કે જયારે પણ પપ્પા મમ્મી મને મળવા શિનોર આવતા ત્યારે ખુબ સારી ચોકલેટ લઇ આવતા અને આખા ફળિયામાં વહેંચતાં એટલે જયારે પણ પપ્પા આવતા ત્યારે ફળિયામાં બધા છોકરા છોકરીઓ ભેગા થઇ જતા અને હું બધ્ધાને ચોકલેટ વહેંચાતી તે વખતે વહેંચીને ખાવાનો અનેરો આનંદ આવતો. પપ્પાએ રોપેલા સંસ્કાર આજે પણ હું પાળી રહી છું. પપ્પાને અમારી બહુ ચિંતા રહેતી, એક બાપ તરીકે ચિંતા થવી બહુ સાહજિક પણ છે. પપ્પા અમને ખાસ હોટલમાં જમવા લઇ જતા જેથી અમારામાં ટેબલ મૅનેર્સ ડેવેલપ થાય. છરી અને કાંટા કેમ પકડવા, છરી કાંટાથી ઢોંસા કેમ ખવાય ? તે શીખવાડવા માટે પપ્પા અમને સ્પેશ્યલ અલકાપુરીમાં આવેલ અલકા રેસ્ટોરન્ટમાં પણ લઇ જતા હતા. મને યાદ છે કે પપ્પા નાની નાની વાતનું પણ ખુબ ધ્યાન રાખતાં. કેળું કેમ ખાવું ? રોટલી દાળમાં બોળીને કેમ ખાવી , વિગેરે ચીવટ પૂર્વક પપ્પા શીખવતા. પપ્પાએ પછી સ્પ્રિંકલ્સ અને એગ્રો કેમિકલ્સ પંપ બનાવવાની ફેક્ટરી ભાગીદારીમાં નાખી હતી. પપ્પાનો બિઝનેસ ખુબ સરસ ચાલતો હતો. છેક કર્ણાટક અને તામિલનાડુથી પપ્પાને ઓર્ડર મળતા હતા. પપ્પા ખુબ ખુશ રહેતા હતા અને હંમેશા કોઈને પણ મદદ કરવાં તૈયાર રહેતા. કોઈને નોકરી જોઈતી હોય કે તકલીફમાં હોયતો પપ્પા હંમેશા ઉદારતા પૂર્વક મદદ કરતા. તમે માનશો નહિ એક વખતતો એક ભણતા છોકરાને ઘડિયાળ જોઈતી હતી, તો પપ્પાએ પોતાના કાંડા પરથી ઘડિયાળ ઉતારી આપી દીધી હતી. પપ્પા કોઈ પણ જાતના આભડછેટમાં માનતા નહિ. કોઈની પણ સાથે સહજતાથી એકરૂપ થઇ જતાં. કોઈની પણ સાથે મંડળી જમાવી શકતા. તેમને કોઈ પણ જાતની નાનમ ન લાગતી. આમ જુઓતો પપ્પાના મારી મમ્મી સાથે બીજા લગ્ન હતાં અને મમ્મી અને પપ્પાની ઉંમરમાં ઘણો તફાવત હતો. પ્રથમ લગ્નથી પપ્પને કોઈ સંતાન ના હતું પણ આ કોઈ કારણ પણ નહતું લગ્ન ફોક થવાનું. પપ્પાને તેમના પહેલા પત્ની સાથે કલેશ અને કંકાશ થતો હતો આથી બન્નેએ રાજી ખુશીથી છુટા છેડા લઇ લીધા હતા. પપ્પાના બહેન જ્યાં રહેતા હતા તેજ બિલ્ડિંગમાં મમ્મી અને મામાં, શિનોરથી ભણવા માટે શહેરમાં રહેવાના આશયથી વડોદરા રહેવા આવ્યા હતા. પપ્પાના બહેનને મમ્મી બહુ ગમી ગઈ હતી એટલે ફોઈએ આગળ વાત ચલાવી અને બીજી બાજુ મારા નાનાં, મારા મામા ખુબ નાના હતા ત્યારેજ સ્વર્ગ લોક સિધાવી ગયા હતા. એટલે નાનીએ પેટે પાટા બાંધી મમ્મી અને સૌ ભાઈ બહેનને મોટા કાર્ય હતા. આ બાજુ પપ્પાનું કુટુંબ માન-મોભા વાળું હતું એટલે નાનીએ હા કહેવામાં વાર ના લગાડી અને રીતે મમ્મી અને પપ્પાનાં લગ્ન થયા. મારા જન્મ વખતે પપ્પાની ઉમર લગભગ 40 વર્ષની આસપાસ હતી. પપ્પા સાથે વાર તહેવારે કે આમજ ઘણી વખત ફેક્ટરી જતી અને પપ્પા તેમની આદત મુજબ જઈને ફેક્ટરીમાં એક આંટો મારતા, મશીનોનું બારીકાઇથી નિરીક્ષણ કરતા અને તેમની ચકોર નજર પરિસ્થિતિને પામી જતી ત્યારે હું પણ પપ્પા સાથે રોફથી આંટો મારતી, નિરીક્ષણ કરતી , ખબરતો કઈ પડતી નહિ પણ પપ્પાની નકલ જરૂર કરતી આજે સમજાય છે કે એક પ્રશાશક તરીકે સંસ્થામાં ચાલતી ગતિવિધિઓ પર બારીક નજર રાખવી કેટલી જરૂરી છે. અમને આ સંસ્કાર પપ્પાથી વારસામાં મળ્યા હતા. પપ્પાનો બિઝનેસ ભાગીદારીમાં હતો. પપ્પા મૉટે ભાગે ટેક્નિકલ બાબત જોતા અને ભાગીદાર વહીવટી અને નાણાકીય બાબત સાંભળતા. પપ્પા વિશ્વાસમાં રહ્યા અને ભાગીદારે બિઝનેસમાં કંઈક દગો કર્યો હતો અને ખુબ નુકશાન થયું. જેથી પપ્પા છેલ્લે છેલ્લે ખુબ વ્યગ્ર રહેતા હતા અને સિગારેટ પીવાની તેમની આદત ખુબ વધી ગઈ હતી આ આદત આગળ જઈ અમારાથી, અમારા પપ્પાને છીનવી લેવામાં મહત્વનું કારણ બનવાની હતી. હું નાઇન્થમાં આવી પછી અમે ઈલોરા પાર્કમાં રહેવા આવી ગયા હતા. હું અને મયુરી સ્કૂલમાં સાઇકલ લઈને જતા હતા. વરસાદના દિવસોમાં સોસાટીમાં પાકી સડક ના હોવાથી ખુબ કાદવ કીચડ થઇ જતો અને સાયકલ લઈને જવું મુશ્કેલ થઇ જતું પણ ધીરે ધીરે અમે ટેવાઈ ગયા હતા.


અમારી સ્કૂલમાંથી છૂટી, હું સાયકલ સ્ટેન્ડમાંથી મારી સાયકલ બહાર કાઢી રહી હતી ત્યારે અચાનક એક છોકરો મારી પાસે આવીને મને એક ચિઠ્ઠી આપી, હું સાવ અચાનક આવી રીતે ચિઠ્ઠી આપી એટલેતો હું ડઘાઈ ગઈ અને મને સમજ જ ના પડી કે મારે કેવી રીતે પ્રત્યાઘાત આપવા. પણ પછી થોડી વારમાં પરિસ્થિતિને જેમ તેમ સાંભળી ને મેં નક્કી કર્યું કે મારે કોઈ રિસ્પોન્સ ન આપવો અને મેં વાંચ્યા વગરજ ચિઠ્ઠી ફાડી નાખી અને આ સિલસિલો ચાલુ રહ્યો. સ્નેહલ મને જે રીતે ફોલો કરતો તે મને ગમતું અને અમે ધીરે ધીરે સારા મિત્રો બની ગયા. સ્નેહલનો ઘરે જવાનો રસ્તો અલગ હતો અને અમારા ઘરવાળો રસ્તો થોડો લમ્બો હતો પણ તે હંમેશા અમારા રસ્તેથીજ ઘરે જવાનું પસંદ કરતો. હું , મારી બહેન અને સ્નેહલ કાયમ સાથે ઘર તરફ જતા. આ અમારું રૂટિન બની ગયું હતું. ધીરે ધીરે દોસ્તી રંગ પકડવા માંડી હતી. મારા અને સ્નેહલના ટ્યૂશનના સર એકજ હતા એટલે ટ્યૂશન પણ સાથે જતાં આવતા હતા.


આમ કરતા 10 પાસ કરી 11માં આવી ગયા. 11માં અમે બંને એકજ કલાસમાં હતા. અને સ્નેહલ મારાથી લગભગ બે ત્રણ બેન્ચ આગળ બેસતો અને હું પાછળ એટલે મને જોઈ શકે તે રીતે વારંવાર બેન્ચ ખસેડ્યા કરતો અને એમાં મારી બહેનપણી સાથે ઘણી વાર ઝગડતો। એક દિવસ શ્રેયા હાંફળી હાંફળી મારી પાસે આવી અને મને કહે કે તારા હિસાબે પેલા જયંતને માર પડ્યો માં કહ્યું કેમ શું થયું ? કોને માર્યો ? ત્યારે શ્રેયાએ કહ્યુકે સ્નેહલે તેને બહુ માર્યો છે. હું સમજી નહોતી શક્તિ કે શું કરું ? મારી ફ્રેન્ડ શ્રેયાને સ્નેહલે કહ્યુકે સ્નેહલને હું ખુબ ગમું છું અને તે મને ગમેતેમ કરીને એક વાર આ બાબતમાં વાત કરાવ સ્નેહલે ફરી શ્રેયા દ્વારા ચિઠ્ઠીઓ મોકલવાનું શરુ કર્યું અને મેં એઝ યુઝવલ કોઈ રિસ્પોન્સ આપ્યા વગર ચિઠ્ઠીઓ ફાડી નાંખી પણ મિત્રતા ચાલુ રહી. સ્નેહલ ત્યારે સ્કૂટર લઈને સ્કૂલે આવતો અને હું લૂના લઈને સ્કૂલે જતી હતી. સ્નેહલ તેનું સ્કૂટર મારા લુનાની બાજુમાં ગમેતેમ કરીને પાર્ક કરતો અને હું આવું ત્યાં સુધી મારી રાહ જોતો અમારી સ્કૂલના ચોકીદાર તેને પકડે નહિ એટલે હું જ્યાં સુધીના પહોંચું ત્યાં સુધી સ્કૂટર કે ચાવી સાફ કરતો રહેતો હતો.


અમારી સ્કૂલમાંથી 2 દિવસ 1 નાઈટ માટે સાપુતારાનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો હતો. આ પ્રવાસ માટે મેં, અમી , શ્રેયા, પારુલ, દિક્ષિતા અને સ્નેહલ તથા તેના ગ્રૂપનાંએ નામ નોંધાવ્યા હતા. આ ઉપરાંત ઘણાએ અમારા ક્લાસ માંથી નામ નોંધાવ્યા હતા પણ હવે બીજા કોણ હતા તે યાદ આવતું નથી। અમારી સાથે સુચારુ સંચાલન માટે વ્યાસ સર અને ત્રિપાઠી સર હતા. અમે લગભગ રાત્રે બસ દ્વારા સાપુતારા જવા માટે પ્રયાણ કર્યું હતું। બચપણ ત્યાગીને મુગ્ધ અવસ્થામાં પ્રવેશેલા અમારી ઉંમરના બધા આ પ્રવાસને યાદગાર બનાવવાનું જાણે નક્કી ના કરેલ હોય તેમ તૈયારી કરીંવે આવ્યા હતા. સ્નેહલ અને તેના મિત્રોએ આખી રાત બસમાં ધીંગા મસ્તી કરી હતી. રાત્રિનો પ્રવાસ ક્યારે પૂરો થઇ ગયો ને ક્યારે અમે સાપુતારા પહોંચી ગયા તે ખબર ના પડી. બસમાંથી નીચે ઉતરી જોયું ત્યારે લીલા છમ વૃક્ષોથી ચારે બાજુ હરિયાળી, સુરજ તેની આગોશમાંથી ધીરે ધીરે ધરાતલ ઉપર પ્રગટ થઇ રહ્યો હતો. અને આખું આકાશ જાણે કેસરિયા રંગથી રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું। હવાની ઠંડી લહેરો આહલાદકતાનો અહેસાસ કરાવી રહી હતી. વર્ષાઋતુમાં આ હિલ-સ્ટેશન નવોઢાની જેમ દીપી ઉઠે છે. ગિરજાનાં ધોધનું ખરું અને રૌદ્ર સ્વરૂપ માણવું હોયતો વર્ષાઋતુ એ શ્રેસ્ટ ટાઈમ છે. સાપુતારાની પર્વત માળા સાગના લીલા છમ વૃક્ષોથી શોભી રહી હતી. કુદરતે ચારે કોર સૌંદર્ય છુટા હાથે વેર્યું હોય તેવું ભાસે અને તમને સમષ્ટિ સાથે એકાકાર થવાનો ભાસ કરાવ્યા વિના ન રહે. તમે આધ્યાત્મિક ન હો તો પણ તમને આધ્યાત્મિકતાનો રંગ ચડાવી દે એ એની ખૂબી છે. અમે શરદ ઋતુમાં ગયાં હતાં. ઓક્ટોબર મહિનો એટલે ગુલાબી ઠંડક હતી. વાંસદાનો નૅશનલ પાર્ક, સાપુતારાનો રોક ગાર્ડન, આદિવાસી મ્યુઝિયમ, નજીકમાં આવેલ પ્રખ્યાત મંદિરો અને સાપુતારા હિલસ્ટેશનની મધ્યે આવેલ તળાવ આ હિલ-સ્ટેશનની રોનક ચાર ચાંદ લગાવી દે છે. સવારના સમયે સનરાઇઝ પૉઇન્ટ પરથી ઉગતા સૂર્યના દર્શન કરવા એ એક લ્હાવો છે. અહીં જોવાલાયક સ્થળોમાં મધમાખી ઉછેર કેન્દ્ર, પાંડવોની ગુફા, વાંસદા નૅશનલ પાર્ક, રોપવે, નાગેશ્વર મંદિર જેવી કેટલીક જગ્યાઓ છે આમાંથી અમે કેટલી જગ્યાએ ગયા તે યાદ નથી આવતું. અને હા હોટેલનું નામ પણ અત્યારે યાદ નથી પણ કોઈ હોટેલની ડોર્મેટરીમાં રોકાયા હતા એવું યાદ આવે છે. સૌએ સાથે મળીને કરેલી ધીંગા મસ્તી આજે પણ એટલી તાજી લાગે છે કે જાણે કાલે જ ના બની હોય. એક રાત્રીના રોકાણ બાદ બીજા દિવસે પરત આવવા નીકળ્યા ત્યારે આવા સુંદર સ્થળને છોડીને જવાનું દર્દ અમારા દરેકના ચહેરા ઉપર છલકાતું હતું અને કદાચ આ સૌ મિત્રોની સંગત છોડી ને ફરી ઘર તરફ પ્રયાણ કરવાનું દુઃખ પણ એમાં શામિલ હતું.


14મી જાન્યુઆરી એટલેકે ઉતરાયણનો દિવસ હતો. રસ્તા પરની ચહલ પહલ શાંત હતી. ખુશનુમા વાતાવરણ હતું. ગુલાબી ઠંડી અને આછું ધુમ્મસ શિશિર ઋતુનું સૌંદર્ય સોળે કળાયે ખીલ્યું હતું. રસ્તાની બંને બાજુ ઉભેલા વૃક્ષોની ડાળીઓમાંથી ચળાઈને આવતો પ્રકાશ અને હવાની લહેરખીઓથી બે ડાળીઓના મિલનનો, સ્પર્શ એક અજીબ સંગીત ઉત્પન્ન કરી રહ્યું હતું.કોઈના ધાબા પર દૂર વાગતું ગીત "તું છુપી હે કહા મેં તડપતા યહાં!" "મેં શાયર તો નહિ મગર યે હસીં જબ્સે મૈને દેખા તુજકો મુજકો શાયરી આ ગઈ" અને હવામાં ફેલાયેલી માદક સુગંધ વાતાવરણને વધારે રંગીન બનાવી રહ્યું હતું. માદક સુગંધથી હરિ ભરી મદહોશ કરનાર પ્રકૃતિ જયારે હૃદયના તારને ઝણ ઝણાવે ત્યારે ત્યાં જ તરસ્યું મન થનગનવા લાગે અને પ્રકૃતિના તમામ જીવો એક અજબ સંવેદનમાં તરબતર થઇ જાય. મનગમતી ઢેલને પામવા મોરલો નૃત્યમાં એક લીન થઇ, મગ્ન બની તેની શ્રેષ્ટતાને પામી પોતાને નીરખતા તમામ જીવોમાં થનગનાટ ભરી દે છે બસ આજે હું તેવીજ લાગણી અનુભવી રહી હતી. આજે મને કાંઈ સુજતુ નહતું આજ તન અને મન મારા કહ્યામાં નહતું આજ એતો મારી હૃદયની લાગણીનો પડઘો પાડવા આતુર હતું.આજ જેમ ધરતી મેઘની રાહમાં અંગ-અંગ તરસી થઇ, ઉન્માદમાં આવી ,આઠ-આઠ મહીનાથી સુકાયેલા હોઠ પર પહેલા જલબુંદો ઝીલવા તૃષાતુર થઈને જળભર્યા મેઘ તરફ મીઠું સ્મિત અને સાથે મનમાં પ્રેમનું ગીત ભરી નજરુંના બાણ ચલાવે, તેમ મારુ રોમે રોમ સ્નહેલનાં આહવાનને ઘટક ઘટક પીવા તરસી રહ્યું હતું. આજ તે પૂરેપૂરું સ્નેહલને રંગ રંગાઈ ગયું હતું. આજ મને સ્નેહલના નામનો નશો ચડતો હતો.આજે મારી ચોતરફ કોઈ નહતું, એક શ્વાસ હતો અને એક ઉચ્છશ્વાસ હતો, બસ સ્નેહલના નામનો.

સ્નેહલ અને મારી વચ્ચેનો પ્રેમ , લાગણી , હૂંફ અને ઉન્માદ તેની ચરમસીમાએ પહોંચી ગયો હતો. હવે સ્નેહલનો સહવાસ એક જંખના બની ગઈ હતી. અને અમે બંને એ આ જીવન સાથે રહેવાનાં કોલ આપી દીધા હતા. સ્નેહલ વગરનું જીવન તો બહુ દૂરની વાત છે પણ હું એક ક્ષણ તેનાં વગર રહેવાનું કલ્પી નહોતી શકતી ત્યારે એક દુઃખદ અને અવિચારી ઘટનાએ અમારા સંબંધોની ઉષ્માને નવા વળાંકે લાવીને ઉભા કરી દીધા અમારા હિન્દી અને પીટીના સર શ્રી ભટ્ટ સરે કે જેની પાસે સ્નેહલ ટ્યૂશન માટે જતો હતો, તેમને સવારે એસેંબલી મિટિંગમાં સ્નેહલને વગર વાંકે જાહેરમાં બધાની વચ્ચે લાફો મારી દિધો। બીજુકે સ્નેહલ મારી સાથે વાત કરતો તે ભટ્ટ સરને ગમતું નહિ આથી સ્નેહલ અને તેના બહારનાં મિત્રોએ તેમને સબક શીખવાડવાનું નક્કી કર્યું. લગભગ શનિવારનો દિવસ હતો , સવારે સ્કૂલેથી છૂટીને સ્નેહલના મિત્રો ભટ્ટ સાહેબની રાહ જોઈ રસ્તામાં ગોઠવાઈ ગયા અને જેવા ભટ્ટ સર ત્યાંથી નીકળ્યા કે તેમને પકડીને મેથી પાક આપવાનું શરુ કર્યું અને તેમનો એક દાંત ભાંગી નાખ્યો અને તેમને મુજરિમની જેમ સ્નેહલ સામે રજુ કર્યા. આ ઘટનાની સ્કુલે ગંભીર નોંધ લીધી અને સ્નેહલે આખરે સ્કૂલ છોડવી પડી અને ડિપ્લોમામાં એન્જિનિરીંગમાં ધુલિયામાં એડમિશન લેવું પડ્યું.। અમારા વિરહના દિવસો ચાલુ થયા. સ્નેહલ હવે વેકેશન કે જયારે રજા હોય ત્યારેજ આવી શકતો હતો અમારો સંપર્ક મુલાકાતો કરતા પત્રથી વધારે રહેવા લાગ્યો હતો.


હું 12માં આવી અને સાયન્સ લીધું હતું. ખુબ મહેનત કરી આશા હતીકે 80% તો આવશેજ પણ પરિણામ સાવ ઉલટું આવ્યું હું ફેઈલ થઇ ગઈ મને ખુબજ દુઃખ થયું મારી આંખોમાં આંસુ સુકાતા નહતા. પપ્પા અને મમ્મીએ સાંત્વના આપી અને કહ્યુકે ઈશ્વરનો કોઈ સંકેત હશે. હું ખુબ નાસીપાસ થઇ ગઈ હતી. મને લાગતું હતું કે મારુ જીવન રોળાઈ ગયું પણ મમ્મી અને પપ્પાએ મારુ બીજામાં મન પરોવાઈ તે માટે જુદા જુદા કલાસિસમાં મારુ નામ નોંધાવ્યું. પપ્પાએ મને ખાસ કમ્પ્યુટર કોર્સ કરવા માટે ભલામણ કરી અને મેં તે માટે એપ્ટકની એન્ટ્રી ટેસ્ટ આપી, હું પાસ થઇ ગઈ મને એડમિશન મળતું હતું પણ અણસમજ ને લીધે કોર્સ જોઈન ના કર્યો અહીં પણ પપ્પાની દૂરંદેશી દેખાઈ પણ મેં લક્ષના આપ્યું અને મેં રસોઈ, પ્રોફેશનલ બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો, બ્રેડ માંથી ફ્લાવર બનાવવાનો, સ્ટોકકીંગ્સમાંથી ફ્લાવર બનાવવાના ક્લાસ, કેન્ડેલ બનાવના ક્લાસ વિગેરે કર્યા અને સફળતા પૂર્વક પૂર્ણ પણ કર્યા। આજે મને સમજાય છે કે કોઈ એક વખત મળેલ નિષ્ફળતા એ કાંઈ કાયમી નથી હોતી. આજે હું વિચારું છુકે મેં ધારેલ ટકાવારી જો કદાચ આવી હોત તો કદાચ શક્ય છે કે હું પ્રોફેસ્સર હોત અને જો હું પ્રોફેસર હોત તો કદાચ આજે હું એન્ટરપ્રેન્યોર ના બની શકી હોત. હું આજે પણ કોઈ કૉલેજમાં લેક્ચર્સ લેતી હોત. ક્યારેક લાગે છે કે ઈશ્વર પાસે આપણા માટે આપણા કરતા વધારે સારા વિકલ્પ હોય છે અને આવી પરિસ્થિતિમાં ઈશ્વર જે કરે તે સારું કરે તે માનીને ચાલવું તે હિતાવહ છે.


સ્નેહલનો ડિપ્લોમા કોર્સ બરોબર ચાલી રહ્યો હતો. તે ધગશથી કોર્સ કરતો હતો જયારે તે વડોદરા આવે ત્યારે મળવાનું થતું હતું તે સિવાયતો પત્ર વ્યવહાર એજ વિકલ્પ રહ્યો હતો. અમારા રિલેશન પછી સૌ પ્રથમ નવરાત્રી આવવાની હતી અને હું સ્નેહલ સાથે નવરાત્રી મનાવવા બેતાબ હતી. અમે જ્યાં ગરબા રમતા હતા ત્યાં ફક્ત સ્ત્રીઓ અને કુમારિકાઓજ ગરબા ગઈ શકતા। પુરુષ કે છોકરાઓ ગઈ શકતા નહિ આથી સ્નેહલે અમે ગરબા ગાઈએ ત્યાં સુધી અમારો ઇન્તેઝાર કરવાનોજ રહેતો. ગરબા પુરા થાય એટલે હું મયુરી અને સ્નેહલ ક્યાંક નાસ્તો કરીને છુટા પડતા. મારી 12ની પરીક્ષા મેં ફરી આપણે સદ્ભાગ્ય આ વખતે હું પાસ થઇ ગઈ અને મેં ઝૂઓલોજીમાં એમ એસ યુનિવર્સિટીમાં એડમિશન લઇ લીધું. હવે જયારે સ્નેહલ વડોદરા આવે ત્યારે મને કોલેજ પર મળવા આવતો હતો. એ જયારે આવે કોલેજ પર ત્યારે મારા ક્લાસ ચાલુ થઇ ગયા હોય ત્યારે સ્નેહલ મારા ક્લાસ પાસે આવી એક વિશિષ્ટ રીતે બાઈકનું હોર્ન વગાડતો અને તમે માનશો મારી બહેનપણી તેના હોર્નનું ધ્યાન રાખતી જો હોર્ન વાગે તો તે મને મેસેજ પાસ ઓન કરતી અને હું કોઈ બહાનું બનાવી નીકળી જતી અને સ્નેહલ ને મળતી હતી. અમારા ક્લાસમાં સંજયનો અમે સ્નેહલ ના ઘરે ફોન કરવા ઉપયોગ કરતા તે ફોન લગાવીને સ્નેહલ ઉપાડે એટલે મને ફોન આપી દેતો અને મને વાત કરવાની પાર્ટી અમે ચાહ પીને કરતા। એક વખત સ્નેહલ મારી કૉલેજમાં મારા લેક્ચર ચાલુ હતાને હોર્ન વાગ્યો મને ખબર ના પડી પણ મારી મિત્ર શ્રેયાએ અમારા પ્રોફેસરને કહું કે અલ્પાને પેટમાં દુખે છે અને જયારે સરે પરમીશન આપી તો હું સ્નેહલને મળવાની ઉતાવળમાં ભૂલી ગઈકે શ્રેયાએ પ્રોફેસરને મને પેટ માં દુખે છે તેમ કહ્યું છે અને હું સ્ટાઈલમારી ઊંચી એડીના સેન્ડલ પહેરી ચાલુ કલાસે તે રીતે નીકળી કે આખા કલાસિસમાં બધાને ખ્યાલ આવી ગયોકે મને કૈક દર્દ અલગ છે. લેક્ચુર્સ પછી જયારે હું શ્રેયાને મળી ત્યારે તેને મારી ધૂળ કાઢી નાખી કે મેં તેને ક્લાસ વચ્ચે નિચુ જોવા પણું કર્યું.


મેં અને અમારા આખા મારા ઘરે થોડી થોડી ગંધ આવવા માંડી હતી એને કોલેજના બીજા વર્ષમાં એક દિવસ મેં ટ્યૂશનમાં ગુલ્લી મારી સ્નેહલ સાથે બેસી રહી, ઘરે ખબર પડી ગઈ એટલે ઘરે વાતાવરણ ગરમ હતુજ અને હું પહોંચી। પપ્પાની આંખો લાલ ઘુમ હતી. રોષ અને આઘાતની મિશ્ર લાગણીથી પપ્પા તપી અને તાકી રહ્યા હતા. જેમ બંદૂકમાંથી ગોળી છૂટે તેમ પપ્પાના મોહ માંથી પ્રશ્નો છૂટી રહ્યા હતા. ક્યાં ગઇતી ? કેમ મોડું થયું ? કોની સાથે હતી ? લાગ્યું કે હવે ઘરે જણાવ્યા વગર નહિ ચાલે , હું પણ ડરી ગઈ હતી. લાગતું હતું કે આજે તો હું ગઈ ! મેં ડરતા ડરતાં મમ્મી પપ્પાને જે હતું તે કહી દીધું.. પપ્પા ક્રોધના માર્યા કાંપી રહ્યા હતા. જેવું મેં તેમને કીધુકે હું સ્નેહલ સાથે હતી, પપ્પાએ તેમનો આપ ખોઈ દીધો અને મારા ચહેરા ઉપર સોળ સુજી ઉઠ્યા એતો મમ્મીએ વરચે પડીને પપ્પાના પ્રકોપથી મને બચાવી લીધી પણ એવું રૌદ્ર સ્વરૂપ મેં ના પહેલ જોયું હતું કે ના ત્યાર પછી જોયું છે. કદાચ એ ગુસ્સો મારા પપ્પાનો મારા તરફનો પ્રેમ અને અનહદ લાગણી હતી. કદાચ એ દીકરીના બાપને સમાજમાં આપવા પડતા જવાબ સામેની હતાશા હતી.. કદાચ તેમની નજરે મેં કરેલ વિશ્વાસ ઘાત હતો. કદાચ દીકરી મોટી થઇ ગઈ અને તે ને વળાવવાની તૈયારી કરવી પડશે તેનું દુઃખ હતું। કદાચ અશ્રુ રૂપે વહી નહિ શકેલ દર્દ અને ડૂમાં રૂપે બાપના થીજેલા આંસુ હતા કે કદાચ આ બધ્ધુજ હતું અને પરિણામ નિશ્ચિત હતું મારી આઝાદી પર પાબંદી ! હા હવે હું છૂટથી ફરી શકવાની ન હતી. પણ એક દિવસતો આ થવાનુંજ હતું અને કહી દીધા પછી એક સંતોષ પણ હતો કે મેં બધું મમ્મી પપ્પાને કહી દીધું હતું।
પણ આખરે માઁ તે માઁ ! મમ્મીએ પપ્પાની ગેરહાજરીમાં સ્નેહલને ઘરે બોલાવ્યો અને સ્નેહલને કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર પૂછી લીધુંકે તમે જૈન છો અમે પટેલ છીએ કાલે મારી અલ્પાને કોઈ તક્લિફ્ટો નહિ પડે ને ? બીજું મમ્મીએ જરાય પણ સંકોચ રાખ્યા વગર કહી દીધુંકે "અલ્પાને હાથ , પગ અને કમર પર લાખું હતું અને તેના કાલા ડાઘ છે કે જે કાયમ રહેવાના છે એ તમને ખબર છે ?" ત્યારે સ્નેહલે આપેલ જવાબ કે "જુઓ મને ખબર છે કે અલ્પાને ડાઘ છે પણ આ ડાઘ જો લગ્ન પછી પડ્યા હોત તો હું શું કરત અને મેં અલ્પાને જેવી છે તેવી સ્વીકારી છે એટલે તમે આ બાબતે ચિંતા કરશો નહિ "આજે પણ મમ્મીને યાદ છે અને આજે પણ તે કહે છે કે મને ખાતરી છે કે સ્નેહલ જોડે અલ્પા ભવિષ્યમાં પણ દુઃખી નહિ થાય.