Hostel Boyz - 3 Kamal Patadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hostel Boyz - 3

પાત્ર પરિચય : ચતુર ચીકો

ચતુર ચીકાનું નામ ચિરાગ હતું. પરંતુ ચીકુ જેવું તેનું ગોળ મોઢું હતું અને ચીકુના ઠળિયા જેવી તેની smile. તેથી તેનું નામ અમે ચીકો પાડ્યું હતું. અમદાવાદથી 100 કિલોમીટર દૂર પાટણ પાસે પંચાસર ગામનો તે વતની પરંતુ મોટેભાગે તે અમદાવાદમાં રહ્યો હોવાથી તેના વ્યવહારમાં અમદાવાદીની છાંટ જોવા મળતી. ચીકા વિશે શું વાત કરું ? તે પોતાની વાતોથી સામેવાળાને એવો પ્રભાવિત કરે કે સામેવાળાને ચીકાની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના સુઝે. જેમ મહોબ્બતે ફિલ્મમાં શાહરુખ ખાન બધાને પોતાની મીઠી વાણી અને smile થી જીતી લેતો તેવી રીતે મીઠી વાણી અને smile થી ચીકો બધાયને દોસ્ત બનાવી લેતો અને ચાલાકીથી બધાની પાસે પોતાનું કામ કઢાવી લેતો. સા...રો... અમદાવાદી ખરો ને.... અમારા બઘા કરતા અલગ પરંતુ આત્મવિશ્વાસમાં અમારા બધા જેવો જ. ચીકો કોમ્પ્યુટર IT નું ગ્રેજ્યુએશન કરવા આવ્યો હતો. કોમ્પ્યુટર IT ને લીધે તે અમારા ગૃપનો મેમ્બર ક્યારે બની ગયો તે અમને પણ ખબર ન પડી.

ચીકાની આળસથી આખી હોસ્ટેલ પરેશાન રહેતી. ચીકો ગમે તે માણસને ગમે તે કામ ચીંધી નાખતો. તેને પાણી પીવું હોય તો પણ તે બીજાને પાણી લેવા મોકલે જ્યારે તે પાણી લઈને આવે ત્યારે જ ભાઈસાબ પાણી પીવે. જ્યારે હોસ્ટેલમાં કોઈ જમવા માટે તેને થાળી લાવી આપે ત્યારે જામસાહેબ જમવા બેસે એટલો આળસુ. ક્યારેક આળસને લીધે તેને ભૂખ્યું રહેવું પડતું. ચીકાના અને પ્રિતલાની કોલેજનો ટાઈમ સવારનો હતો પરંતુ ચીકો ઊઠવામાં આળસું એટલે તે મોટેભાગે કોલેજના 1-2 પીરીયડ પૂરા થયા પછી જ કોલેજ પહોંચતો.

ચીકાની ચાલાકીના ઉદાહરણો આપીએ તેટલા ઓછા છે. ચીકો અને પ્રિતલો હોસ્ટેલના લોકો સાથે મૈત્રી બાંધીને તેઓનો નાસ્તો ઝાપટી જતા. હોસ્ટેલના લોકો પણ તેને હોંશે હોંશે બધું ખવડાવતા હતા. કોલેજમાં બીજા ક્લાસમાં ભણતી છોકરી ચીકાને હોસ્ટેલે મૂકવા આવતી. હોસ્ટેલના નિયમો તે પોતાની સગવડતા પ્રમાણે ફેરવી નાખતો.

ચીકાના વ્યક્તિત્વમાં વિવિધતા હતી. સૌમ્ય, શાંત છતા નટખટ, વાતોડિયો, રમૂજી તથા ચતુર. અમારા ગ્રુપમાં જો કોઈ વ્યસન વગરનો હોય તો તે ચીકો હતો. ચીકાની ચાલાકીની વાતો આપણે આગલા પ્રસંગોમાં માણીશું.

પાત્ર પરિચય : પ્રિતલો પાયલોટ

અમારા જેવા કાઠીયાવાડી માટે જો કોઈ ફરવાનું મોટામાં મોટું સ્થળ હોય તો તે દીવ છે અને દીવનો કોઈ મોટામાં મોટું નંગ હોય તો આ મારો દોસ્ત પ્રિતેશ પાયલોટ. જેમ પાયલોટ હવામાં ઊડે તેમ અમારા આ દોસ્તની વાતો મોટેભાગે હવામાં ઊડતી હોય છે તેને જમીન સાથે કોઈ લેવાદેવા ના હોય. પાયલોટ જેવી વાતો અને મહત્વાકાંક્ષી વલણ, આ તેનું મુખ્ય લક્ષણ. પ્રિતલો દીવનો વતની અને લાગે પણ વિદેશી નંગ. ગોળ સાકર ટેટી જેવા મોઢા પર બકરા જેવી દાઢી, દાડમ જેવા તેના દાંત, ચીકુના ઠળિયા જેવી એની આંખો અને આડા કાપેલા ટામેટા જેવા એના કાન, આજ અમારા દોસ્ત ની પહેચાન.

પ્રિતલાનું નાક અને sense of humour ગજબનું હતું. અમારા રૂમમાં કંઇક નવીન વસ્તુઓ આવી હોય તો સૌપ્રથમ પ્રિતલાને ખબર પડી જતી. પ્રિતલાનો look વિદેશી નંગ જેવો હોવાથી તેનામાં attitude હતો. અમારા ગ્રુપ સિવાય તે બીજાને ભાજી-મૂળા જ સમજતો હતો.

પ્રિતલો પણ ચીકાની જેમ કોમ્પ્યુટર IT માં ગ્રેજ્યુએશન કરવા આવ્યો હતો. તેની અને ચીકાની કોલેજ એક હતી પરંતુ બંનેના course અને ક્લાસરૂમ જુદા જુદા હતા.

હોસ્ટેલમાં તેને અનેક મિત્રો બનાવ્યા હોવાથી પ્રિતલો પાયલોટ જ્યાં બેસતો ત્યાં તેની સભા જમાવી દેતો. વાતોડિયો અને રાતનો રાજા હોવાને કારણે તે મોટેભાગે બીજાના રૂમમાં જ સૂતો. પોતાની વાતોથી સામેવાળાને અંજાવી દેતો. કોઈપણ વસ્તુ કે વિષય ઉપર તે આરામથી ચર્ચા કરી શકતો હતો પછી તે વસ્તુ કે વિષયની તેને ખબર હોય કે ના હોય એનાથી એને કોઈ ફરક પડતો નહોતો પોતાનું નાક તે વિષયમાં ઘૂસેડીને જ રહેતો.

તેના કોઈ વખાણ કરે તો સામેવાળાએ પોતાના વખાણ શા માટે કર્યા તે વિશે તે detail માં જણાવતો અને અંતે એવું જણાવવાની કોશિશ કરતો કે તે આ વખાણને લાયક છે. તે ગમે તેની સાથે ગમે તે વિષય પર કલાકો ના કલાકો સુધી ચર્ચા કરી શકે એમ હતો. વાતોડિયો એવો કે સામેવાળાને તેની વાતો સાંભળવામાં રસ હોય કે ના હોય તેની તેને પરવા હતી નહી તે તો પોતાની વાતો જ ચાલુ રાખતો. અગર કોઈ કંટાળીને ઉઠી જાય તો તે બીજી વ્યક્તિ વાતો કરવા માટે શોધી લેતો બસ, તેની વાતો સાંભળવાવાળું કોઈક હોવું જોઈએ.

પ્રિતલો આમ તો બિન્દાસ અને બેફિકરો હતો પરંતુ તે કોઈ પણ ગંભીર વિષયો પર ચર્ચા કરી શકતો જેમકે, ભારતને સરકાર કેમ ચલાવવી?, પાકિસ્તાન વાળા સાથે કેવા સંબંધ રાખવા, ઇંગ્લેન્ડની પ્રગતિ કેમ થઇ?, આપણી સામાજિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ, આપણી શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, અર્થવ્યવસ્થા સુધારવા શું કરવું જોઈએ વગેરે બાબતો પર તે નિષ્ણાતની જેમ ચર્ચા કરી શકતો. અમારા ગ્રુપના મેનેજમેન્ટમાં પ્રિતલાનો મોટો હાથ હતો.

ક્રમશ: