હું વતન જઈશ. Rachna Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું વતન જઈશ.

હું વતન જઈશ👣

આજે કામ બંધ થયું. ભારોભાર નિસાસા સાથે મીરાંએ એની નાનકડી ઓરડી તરફ વાંટ પકડી.ઓરડી કહેવું કદાચ અતિ થઈ જાય, એનું એ ઝૂંપડું જે એને નવી બનતી ઇમારતના નીચલા પાયે નાખ્યું હતું. મનમાં મુંજવણનું વાવાજોડું, મગજમાં કાલની ચિંતા અને આંખમાં ઉભરાતા પૂર સાથે તે તેની નાનકડી ઝૂંપડીએ આવી પહોંચી.
5વર્ષનો જયએ ઇમારતના પાયે બાંધેલ સાડીના બનાવેલ હીંચકામાં એની નાની બેન હિનાને ઝુલાવી રહ્યો હતો. નાનો બટાકી જેવો લાગતો જય સમજણમાં ગણો મોટો થઈ ગયો હતો.એની બેનની સારસંભાળ એની સાવકીમાં જેમ કરી લેતો.મેલા કપડાં અને વિખરાયેલ વાળમાં પણ વહાલ ઉભરાવે એવો લાગતો.
મીરાં જેવી ઝૂંપડીએ આવતી દેખાયી જય દોડતો માનો હાથ ઝાલવા આવ્યો. મીરાં પણ પણ બે ઘડી મમતામાં પોતાના હૈયાના વાવાજોડાને થામી જયના વાળમાં પોતાના હાથ ફેરવા લાગી. બને અંદર પેલા સાડીના બાંધેલા ઘોડિયા જોડે જાય છે. મીરાં હિનાને હળવેથી હાથમાં લઈને પીઠ પર હાથ ફેરવતી એ ઇમારતના પાયે ટેકો લઈ બેસે છે.

'માં શું થયું?' જય એના માના મુખની ચિંતાને જોઈને નિર્દોષતા થી પૂછે છે. મીરાંથી હવે તેનો ઉભરાઈ રહેલો દરિયો આંખ માંથી છૂટે છે. અને બસ તેના દબાયેલા હોઠ, મીંચાયેલી આંખો અને વહી રહેલા અંશ્રુ તેની અપાર વેદનાને ઓળખ આપે છે. કાલે શું કરીશું?, ક્યાં જઈશું?, શું ખાઈશું ? આ બધામાં આ માતા જીવતે જીવ બળી રહી હતી.

શું થયું મા??? તું કેમ રડે છે? શું થયું?? કેને મને શું થયું?
માની આંખ માંથી છલકાતી વેદના જોઈને નાનો જય બેચેન થઈ પૂછે છે. એની માના આંખનું દરેક આંશુ તેના નાનકડા હાથથી લૂછતો એ સવાલોના બાણ ચલાવે છે. અને એ દરેક બાણમાં એની મા વીંધાતી જાય છે.

આખરે મીરાં મૌન તોડે છે ને કહે છે, 'કામ બંધ થવાનું છે આપડે દિકા!'
લે કેમ મા પણ?
'દિકા કાંઈ રોગ આવ્યો છે બધા માંદા પડી રહ્યા છે મરી રહ્યા છે એટલે '
'પણ મા તો એમાં આપડને ક્યાં કાંઈ થવાનું છે તો કામ બંધ કરે છે? '
'દિકા ચેપાચેપીનો રોગ છે, અડવાથી પણ થઈ જાય છે એટલે બેટા કામ બંધ કરાવે છે '
'પણ મા તો રડે છે શું કામ? આ કામ બંધ થશે તો શેઠ બીજી ઇમારતે લઈ જશે ત્યાં તું કામ કરી લઈશને પણ !'
'દિકા એમ નથી. આ કામ પણ બંધ થશે અને બીજે ક્યાય કામ ચાલુ નઈ થાય. બધે ત્યાંના કામ બંધ થાય છે. '
"તો પછી આપડે ક્યાં જઈશું મા?? "
"શેઠ અહીં રેવા નઈ દેય તો આપડને?? "
"કાંઈ ખબર નથી દિકા કે શું થશે! "
" મને કાંઈ સુજતુ નથી, કાંઈ ખબર નથી કે શું થવાનું છે
માં ચિંતા ના કર તું તો કહે છે કે ભગવાન બધું ઠીક કરી દેય છે તો આ પણ કરી દેશે !"
પાંચ વર્ષનું ભૂલકું તેની મુંજાયેલ માના આંશુ લૂછતાં લૂછતાં આશરો પણ આપી રહ્યો હતો.

કદાચ આજ ની રાત નીકળવી સૌથી અઘરી હતી. મીરાં કાલની ચિંતામાં વ્યાકુળ બની રહી હતી.એક પડખે સૂતી હિના અને જયને જોતી જોતી અંધકારમાં પોતાના વિચારોમાં આંશુ સારતી જાય છે.

(છ વર્ષ પહેલા ):

છ વર્ષ પેહેલા મનોજ સાથે લગન કરીને અમદાવાદ માં આવી હતી. 17 વર્ષની ઉંમરમાં એને પરણીને મધ્યપ્રદેશથી અહીં અમદાવાદમાં મનોજ લઈ આવ્યો હતો. મીરાંના માબાપની પરિસ્થિતિ કંઈ એટલી સારી ન હતી. એક ખેતર માં બને મજુર તરીકે કામ કરી રહ્યા હતા.એવામાં મીરાં માટે અમદાવાદ રહેતા એક છોકરાનું માંગુ આવ્યું. ગુર્જર નગરીના અમદાવાદનું નામ સાંભળીને માબાપે ઉમંગ સાથે હા પાડી દીધી. કે દીકરી હવે આરામથી રહેશે.પોતે મજુર પેઢી માંથી જ હતા તો મીરાં માટે એમને કાંઈ રાજકુમારની આશા રાખી ના હતી.માંબાપને વાસ્તવિકતાની પરખ હોય છે.એ કોઈ ખોટી આશાઓ સેવીને પોતાના બાળકને માયાજાળમાં ના નાંખે. પણ અહીં મીરાંનું આખુ જીવન જ એક માયાજાળમાં કેદ થવાનું હતું. મનોજ સાથે જયારે લગન થવાના હતા ત્યારે એને કીધું હતું કે તે એક ઇમારતમાં સેક્યુરીટી ગૌર્ડ છે. અને માં બાપ પણ હરખાઈને નોકરી વાળા જમાઈમાં લોભાઈ ગયા.
પણ વાસ્તવિકતા કંઈ જુદી જ નીકળે છે.

મીરાં મનમાં હઝારો સપના લઈને આ ગુર્જર નગરીની શાન અમદાવાદમાં પગ મૂકે છે. તે અહીંની ચમકધમકમાં અંજાતી જાય છે. પણ જે સેક્યુરીટી ગાર્ડ તરીકે એનો વર થઈ એને પરણી લાવ્યો હોય છે એ તો એક પૂરો દારૂડિયો નીકળે છે. નોકરી તો દૂરની વાત આ ક્યાય મજુર થઈ શકે એ પણ હાલતમાં રહેતો ના હતો. દારૂના નશામાં ધુત તેને કોઈનું ભાન ન હતું. અને મીરાં સાચા અર્થમાં મીરાં બની તેની સેવામાં જ રહેતી.મીરાએ પોતાનું જીવન તેના નામ કરી દીધું હતું. ગમે તેવો તો પણ પતિ હતો, પ્રેમ હતો. તે અથાગ પ્રયત્ન કરતી તેને આ નશામાંથી છોડાવા પણ બધા નિષ્ફળ બનતા.મનોજના બાપા મિલમાં મજુર હતા. દીકરાની આવી હાલતમાં એ જ ઘરનું ગુજરાન ચાલવતા. મીરાંને મનોજના બાપા માટે અથાગ પિતૃપ્રેમ હતો. તે બાપામાં એના પિતાનું જ સ્વરૂપ જોતી. પણ ગણી વાર નિરાશ થઈને પૂછી લેતી, " બાપા તમે કેમ મારું જીવન બગાડ્યું !તમારો દીકરો આ હદનો દારૂડિયો હતો, કાંઈ કમાતો ના હતો, છતાંય તમે કેમ ખોટું બોલીને મને આની સાથે પરણાવી? મે તમારું શું બગાડ્યું હતું?" અને બાપા બસ એક નિસાસો નાખીને કહેતા, "વહુ મને એમ હતું કે આ પરણીને બદલાય જશે, તેનામાં સુધારો આવશે, જવાબદારીમાં એ થોડો તો બદલાશે જ, પણ એવું ના થયું, હું જ તારો ગુનેગાર છું! દીકરી માફ કર મને !!" મીરાં પોતે વળતા જવાબ આપી શકતી હતી. પણ એ આંખમાં આંશુ લઈનેએ દરેક જવાબને મનમાં દબાવતી. અને પોતાના ફુટલા નસીબને વખોડતી. આમાંને આમાં લગ્નને એક વર્ષ થયું ને મીરાંના ઘરે પારણું બંધાયુ.મીરાં સુખ અને ચિંતાની એક નાવડીમાં ફસાયેલી હતી. સુખ એ વાતનું કે પોતાની મમતા છલકાઈ શકે કોઈ પર એ દીકરો જન્મો. અને ચિંતાએ વાતની કે મનોજ શું સુધરશે? જો નઈ સુધરે તો મારાં બાળકનું શું??
પણ એના ઘરે સાવ અંધકાર તો નથી જ હોતો.આપણા માટે એને કાંઈ તો વિચારીને જ રાખ્યું હોય છે. એમ જ મનોજમાં બાળકને જોઈને બદલાવ આવા લાગ્યો. તે જવાબદાર બનવા લાગ્યો હતો.કામ ધંધો હજી કાંઈ કરતો ન હતો. પણ આશરે ઘરમાં હોશમાં તો રહેવા લાગ્યો હતો. મીરાંની પણ કાળજી લેતો. દીકરાને પણ વ્હાલ કરતો. આ બધું જોઈને મીરાં અને મનોજના બાપા ફૂલાઈ જતા. આખરે ઘરમાં સુખનું ઝરણું વહી રહ્યું હતું.

આમને આમ દિવસ જઈ રહ્યા હતા. મનોજ હવે કામની શોધમાં પણ નીકળવા લાગ્યો. મીરાં આ બધું જોઈને ખુબ જ ખુશ રહેતી કે આખરે એનું તપ ફળ્યું. તે હવે પોતાના આવનારા ભવિષ્યના સપના જોવા લાગી. મીરાંને દીકરા જયમાં , મનોજ અને બાપુજીમાં એને પોતાની દુનિયા સમાતી લાગતી. આમને આમ ત્રણ વર્ષ વીતી ગયા મનોજ પણ નાનું મોટુ કામ કરીને કંઈક કમાઈ લેતો હતો.જીવન ખુબ જ સરસ વીતી રહ્યું હતું. મીરાંના ઘરે બીજી વાર પારણું બાંધવાનું હોય છે. મીરાંને પાંચમો મહિનો જઈ રહ્યો છે. જીવનમાં મેઘધનુષ રંગ પુરી રહ્યો હોય એમ એના જીવનમાં મીઠા રંગ પુરાય રહ્યા હતા.

પણ અચાનક !! મિલથી ઘરે આવતા સમયે મનોજના બાપાને કાર હડફેટમાં લેય છે. મીરાંના નાના ઘરમાં હાહાકાર મચી જાય છે. ઘરનો મોભી આમ અચાનક આ રીતે ચાલ્યો જશે એ કોઈને કલ્પના પણ ના હતી. મીરાં પોતાના પિતા સમા સસરાને આમ જતા જોઈને અપાર વેદનામાં સરી પડે છે. મનોજ આ આઘાતને સહન નથી કરી શકતો. તેના અપાર કલ્પાતથી ઘર ગાંજી ઉઠે છે. મનોજ પોતે એના પિતાને કાંઈ જ સુખના આપી શક્યો એ વિચારમાં પોતે રોજ ઘવાતો જાય છે. તેનું આત્મવિરોધ, આત્મદોષ એટલું બળ પકડે છે કે ફરી તે દારૂની લતમાં સંડોવાય છે.મીરાં તેને આમાંથી બહાર લાવાના અથાગ પ્રયત્ન કરે છે પણ હવે મનોજ પોતે કોઈ બીજી જ દિશામાં પ્રયાણ કરી ચુક્યો હોય છે. ઘરનો મોભી કમાવનાર પોતેતો પ્રભુ ને પ્યારો થઈ ગયો હતો. અને હવે આ મનોજ પણ તેની આ વિનાશી લતમાં ડૂબતો જતો હતો. મીરાં ચિંતા, દુઃખ, અને મુશ્કેલીઓના એક વમળમાં ઘેરાય રહી હતી. જેમાંથી બહાર નીકળવાનો તેને કોઈ માર્ગ દેખાતો ન હતો.
મનોજ દારૂ પાછળએ હદનો ગાંડો થઈ ગયો હતો કે એને કાંઈ ભાન જ ન હતું. એ દારૂની તડપને સંતોષવા કોઈ પણ હદે જવા તૈયાર હતો. ઘરની જે કાંઈ બચત, મૂડી હતી એ બધી એને દારૂમાં ગુમાવી દીધી. મીરાંએ થોડાગણા પૈસા મનોજથી છુપાવીને સંતાડીને મૂકી દીધા.મીરાંને હવે મનોજ કરતા એને બે બાળકો ની ચિંતા વધારે હેરાન કરી રહી હતી કે આમ જ રહેશે તો શું જમાડીશ મારાં બાળક ને!!!એક તો હજી કૂખમાં જ હતું અને એક હજી ધરતી પર એના નાના પગલાં મૂકી રહ્યું હતું. મનોજને દારૂ માટે વલખા મારતો જોઈને પણ પોતાના મનમાં પથ્થર મૂકીને તે એક રૂપિયો એને ના આપતી. પોતાની અંદર રહેલી પત્નીને કોઈ પણ સ્ત્રી મારી શકે છે, જો વાત પોતાના બાળકની આવે તો !!

મનોજ દારૂની લતમાં ગાંડો થઈ રહ્યો હતો.એ હવે છેલ્લી હદ સુધી જવા પણ તૈયાર થઈ ગયો હતો.મનોજ મીરાંને બાળક માટે કાંઈ જમવાનું લાવતી જોઈ જાય છે. એની અંદર નો દાનવ હવે મીરાંને છેલ્લો ઘા આપવા તૈયાર થઈ જાય છે. મીરાં જેવી ઓરડીમાં આવે મનોજ એના પર લાફાનો વરસાદ કરવા લાગે છે. મને પૈસા આપ ! મને પૈસા આપ ! બસ એક જ રટણ તેના દારૂથી ગંધાતા મુખમાંથી નીકળે છે. મીરાં આજીજી કરતી જાય છે ને આ રાક્ષસ તેના પ્રહાર કરતો જાય છે. તે મીરાંને પકડીને આખા ઘરમાં ફેરવે છે ક્યાં છે પૈસા? ક્યાં છે પૈસા? નું સાથે રટણ કરતો જાય છે.આ છ મહિનાના પેટથી રહેલ સ્ત્રી ક્યાં સુધી સહન કરી શકતી !!આખરે જે કાંઈ તેને સંતાડીને મૂડી રાખી હતી એ મનોજને આપી દેય છે. મનોજ પૈસાને જોઈને ઉત્સાહમાં આવી જાય છે. તેનું પાગલપનએ હદે માથે ચડી ગયુ હોય છે કે એ મીરાંને એના પિયર તરફ થી મળેલી એક માત્ર મૂડી કે આશીર્વાદ કે મનોજના હોવાની નિશાનીએ સોનાની ચુનીને પણ ખેંચતો જાય છે.

મીરાં ત્યાં નાક પરથી વહેતા લોહી સાથે, સુજેલા ગાલ સાથે તેના હિબકાયેલા દીકરાને બાથમાં લઈ આ અંધારી ઓરડીમાં કલ્પાત કરે છે. તેના હીબકાંઓનો આવાજ આ ઓરડીની દીવાલો જીલી નોતી શકતી. એક ગર્ભવતી, ઘાયલ માતા જયારે રડે છે ને ત્યારે તેની હાય પથ્થરને ચીરી નાંખે એમ હોય છે.

એ રાત મનોજની ઘરમાં છેલ્લી રાત હતી. એ ક્યાં ગયો? ક્યાં છે? શું કરે છે? એ કોઈને ખબર ન હતું ! ન તો મીરાંએ ક્યારેય એને શોધવાનો પ્રયત્ન કર્યો ! મીરાં હવે પથ્થર બની ગઈ હતી, એને કોઈ આશા જ ન હતી જીવન સાથે. આ તેના શ્વાસ એ આ એના દીકરા માટે અને તેનામાં પળતા એક જીવ માટે જ ચાલી રહ્યા હતા.મીરાંને ન હવે કોઈ જ આશા હતી સુખની, કે ન કોઈ નિશાસો હતો દુઃખ નો. એને એમ જ હતું કે આનાથી વધારે ખરાબ હવે શું થઈ શકવાનું છે મારી સાથે!!!
પણ હજી આના કરતા પણ વધારે યાતનાનું મોજું એના જીવનમાં આવાનું હતું. આ અભાગણને હજી ગણા કાંટા પર ચાલવાનું હતું.

એક સવારે એની ઓરડીનો દરવાજો ખખડે છે. સામે બે ભાઈ અને એક મહિલા ઉભી હોય છે. મીરાં કાંઈ સમજે વિચારે એ પેલા જ એમાંથી એક અડીખમ ઊંચા સરખો ભાઈ બોલે છે મનોજ બે દિવસ પહેલા આ ઓરડી વેચીને ગયો છે બેન તમારે આ ખાલી કરવી પડશે !!!!મીરાં માથે પહાડ તૂટી પડ્યો આ પેટમાં બાળકને,અને આ નાના ભૂલકા સાથે એ ક્યાં જશે? શું કરશે? પહેલાથી જ દુઃખનો પાર ન હતો. ઘરમાં ખાવા ન હતું એ કેમ કરીને ઘર ચલાવતી એ તો એને જ ખબર હતી. પણ એક આશ હતી કે કાંઈ નઈ માથે છત તો છેને !! પણ હવે છત પણ નઈ રહે તો ક્યાં જઈશ હું?? મારાં બાળકને ક્યાં રાખીશ હું??? મનોજ કઈ હદ સુધી નીચે પડી શકે છે એ વિચારીને તે રૂંધાય રહી હતી. તે એ બારણે ઉભેલા ભાઈઓને આજીજી કરવા માંડે છે પણ પરિણામ શુન્ય !!

મીરાં ઘરની વધેલી જે કાંઈ વસ્તુ હોય છે એને વેચીને થોડું જમવાનું લઈ આવે છે. બાકી અમુક વસ્તુઓને પોટલાંમાં નાખીને આ અભાગણ ઘરની બહાર નીકળી પડે છે. બહાર પગ મુકતા ઘરની ડેલીને માથું ટેકવી કહેતી જાય છે કે "હે, મારી માં, હવે આ ઘરમાં જે દીકરી આવે ઠારજે તું એને !!!!તારો તાપ એક દીકરીએ બહુ સહન કરી લીધો. હવે જે આ ઘરમાં દીકરી આવે ઠારજે એને, એની આંતરડી ન બાળતી માં હવે !!!" વહેતી આંખે ઘર ખાલી કરીને મીરાં જાય છે.

પુરા મહિના બેઠેલી આ મા કેડમાં પોતાના ત્રણ વર્ષના દીકરાને લઈ, હાથમાં પોટલું પકડી બસ ચાલતી જાય છે. ચાલતી જાય છે. ક્યાં જવું એ ખબર નથી! ગણી વાર એમ થાય છે કે જીવ ટૂંકાવી દઉં પણ મારાં દીકરાનો શું વાંક?? મારાં પેટમાં જીવતા આ જીવનો શું વાંક?? એ વિચારથી તે પાછી હટી જતી. ગણી વાર એને થતું કે પિયર જતી રહું પણ પછી થતું મારાં માબાપ મને કેવા કોડ થી પરણાવી હતી. મને આમ જોઈને કેવું એમનું અંતર બળશે. મારાં માબાપને ઘરે જ બે ટાઈમના ખાવાના ફાંફા છે હું ત્યાં જઈને શું કામ એમના માથે ભાર બનું !!!! બસ આજ વિચારોમાં એનો પહેલો માથા પર છત વગરનો દિવસ કપાયી રહ્યો હતો. એનો નાનો ભૂલકો એની કાલીઘેલી ભાષામાં સવાલોનો વરસાદ કરતો. "માં ચલ ને ઘરે, માં ચલ ને ઘરે." અને એની માં, "બસ દિકા જઈએ હો" એમ કહી એક ખોટી આશા બાંધતી. સાંજ થવા આવી હતી અને ચિંતાનું એક અંધારું મીરાંના મનમાં થઈ રહ્યું હતું ! કે રાત ક્યાં કાઢશે? આખરે એક બગીચામાં જઈને મીરાં બેસી. જય ત્યાં રમવામાં પરોવાયી જાય છે. અને મીરાં એક બાંકડે બેસીને વિચારોમાં ડૂબી જાય છે. કેવા હેતથી, ઉત્સાહથી પરણી હતી કે નવું જીવન મળશે !શું આજ હતું મારું નવું જીવન !!એવા તો મે શું ખરાબ કર્મ કર્યા કે મારે આ બધું ભોગવું પડ્યું !!ના ક્યારેય કોઈનું ખરાબ કર્યું કે વિચાર્યું તોય મારાં બાળક ને આ માથે છત વગર, ભૂખ્યા પેટે વલખા મારવાનો દિવસ કેમ આવ્યો. એ જે પીડામાં બળી રહી હતી એ બસ તે અને તેની અંદર શ્વાસ લેતો જીવ જ જાણતો હતો. રાત થવા આવી અને બગીચો બંધ કરવાનો સમય થયો. ચોકીદાર દરેક બગીચામાં રહેલા લોકોને બહાર જવાનુ કહેવા લાગ્યો.અને આ સાથે જ મીરાં ના ધબકારા વધવા લાગ્યા. જો અહીંથી નીકળી દેશે તો હાલ આ અંધારી રાતે ક્યાં જઈશ હું??? આટલામાં જ ચોકીદાર મીરાં પાસે આવી પહોંચે છે. બેન કેમ અહીં બેઠા છો? બગીચો બંધ કરવાનો સમય છે આ!!! આટલું સાંભળતા જ મીરાં ની આંખો માંથી આંશુડાંની ધાર વહેવા લાગે છે. ત્યાં બગીચામાં આજની રાત રહેવાની માંગણી સાથે મીરાં ચોકીદાર ને આજીજી કરવા લાગે છે. મીરાંને એમ થાય છે કે ચોકીદાર નઈ સમજે પણ ભગવાન સાવ આ હદે કઠોર ના હોઈ શકે. ચોકીદારને કંઈક તો સંવેદના થઈ હશે મીરાં માટે કે પછી ચોકીદારના રૂપમાં મીરાંને પ્રભુનો માથે હાથ મળવાનો હતો.
એ ચોકીદારએ મીરાંને દીકરી સમજીને ત્યાં રાત રહેવા દીધી. સાથે સાથે બગીચામાં નિંદણ નીકળવાનું કામ કરતી સ્ત્રીઓ સાથે પણ પરિચય કરાવ્યો. આ સ્ત્રીઓ એ મીરાંને બાજુમાં એક બનતી બિલ્ડીંગમાં કામ અપાવી આપ્યું. અને આ સાથે મીરાંની નવા જીવનની શરૂઆત થઈ.જ્યાં આ નવ મહિનાના પેટની ગર્ભવતી સ્ત્રી પોતાના દીકરા સાથે મજૂરી કરવા લાગી. ભલે મોટો મહેલ ન હતો, ના કે નાનું ઘર પણ. પણ રાતે સુવા માટે એક આશરો મળ્યો હતો. ખાવા જમવા મળ્યું હતું. અને ભલે ગમે તેટલી મેહનત કરાવી પડે કે ગમે તેટલો પરસેવો પડવો પડે પણ આ માં તેના દીકરા સાથે ખુશ હતી. મીરાંને ત્યાં કામ કરતા બીજા મજુર સાથે પણ ઓળખાણ થઈ ગઈ. આ નવા જીવનમાં ખુશીની નવી કિરણ આવી હતી. બધા જોડે મીરાં અને તેનો દીકરો ખુબ જ ખુશ હતા. એવામાં મીરાંને પ્રસુતિ પીડા થાય છે તેની સાથે કામ કરતા મજૂરો તેને બાજુના સરકારી દવાખાને લઈ જાય છે. અને મીરાંના જીવન માં નવો પ્રકાશ પાડનાર હિનાનો જન્મ થાય છે. મીરાં હિનાના જન્મના ત્રીજા જ દિવસેથી પાછી કામ પર ગોઠવાય જાય છે.મીરાં સવારે હિનાને ખવડાયીને ઇમારતના પાયે બાંધેલી સાડીના હીંચકામાં તેને સુવાડીને કામ પર નીકળી જતી. તે ચણતરને બધાના કામમાં પરોવાયી જતી. અને નાનકડો જય એ ત્યાં માટીના મોટા ઢગલામાં રમે જાતો . મીરાં બપોરે આવેને એવો જય દોડતો એની પાસે જાય અને આ માં પણ તેની બધી મમતા તેના પર વરસાયી દેતી .મીરાંને જય બપોરે ત્યાં જમવા બેસે સાથે ખોળામાં લીધેલી હિનાને પણ હેત આપતાં જાય. જમીને મીરાં પાછી કામે જાયને જય પાછો રમવામાં ગોઠવાયી જાય. વચ્ચે વચ્ચે તેની નાની બેનને પણ જોતો રહેતો.સાંજે મીરાં પાછી આવે ને એ ત્રણની નાની દુનિયા આ રાતના અંધકારમાં પોતાની હસી, મમતામાં એક નવું જ આકાશ રચતા . બસ આમ જ દિવશ વીતી રહ્યા હતા. આ ઇમારતનું કામ પતે એમ બીજી ઇમારતના બાંધકામમાં જતા. મૂડી કોઈ વધારે ભેગી ન થઈ રહી હતી પણ બે ટાઈમ ખાવા મળી રહ્યું હતું માથે છત હતી અને એક માં જોડે એના સંતાન બસ આનાથી વધારે હવે મીરાંને કાંઈ જ જોઈતું ન હતું.

પણ ન જાણે કેમ ભગવાનને મીરાંથી શું વેર હતું. થોડીક સુખની ઝાકળ આપીને પાછળ અકાળ તાપ તેના પર આપતો. આટલું સરસ જીવન ચાલી રહ્યું હતું. મીરાં તેના આ નવા જીવનમાં હજી સુખનો શ્વાસ જ લીધો હતો કે હવે તેને રૂધાવાનો વારો આવાનો હતો. અને કદાચ આ ઘા એના જીવનનો છેલ્લો ઘા હોઈ શકે..........

(વર્તમાનમાં ):

આ સાથે જ આખી રાતના ઉજાગરાનો અંત થયો. મીરાં ઉઠે છે આ રાત કદાચ એના જીવનની સૌથી ટૂંકી રાત હતી. પણ આ રાતે તેને ગણી બધી વાસ્તવિકતા જણાવી દીધી. સાથે ગણા બધા નિર્ણય લેવા પણ મજબુર કરી દીધી. મીરાંએ વિચાર્યું આ કામ બંધ તો થયું છે પણ હું ક્યાં સુધી મારાં બાળકોને આજ ભવિષ્ય આપીશ? ક્યાં સુધી હું મારાં માબાપથી મારી આ હકીકત છુપાવીશ? શું મારો દીકરો પણ આજ જગ્યામાં રહીને આજ કામ કરશે? કદાચ આ ભગવાનનો સંકેત પણ હોય કે મારે હવે અહીં થી નીકળવું જોઈએ !ભલે ઉપરવાલો મને ઘા આપે જાય પણ હું તેમાંથી પણ કાંઈ સોનુ તો કાઢીશ !!!

પણ શું આવું થશે ખરું?

જેવા જયને હિના ઉઠે છે, મીરાં એમના માથે મમતાનો હાથ ફેરવીને મીરાં કહે છે, "દિકા ચાલો આપડે તમારા નાના જોડે જઈએ !!!!હે માં આપડે નાનાને મળીશું એટલે !!!મે તો જોયા જ નઈ ક્યારેય એમને !!આપડે મઝા કરીશું ને ત્યાં? હા દિકા, મારે પણ એમને જોયે વર્ષો થઈ ગયા છે !!આપડે ત્યાં જઈએ, થોડા દિવસ આપડે ત્યાં રહીશું દિકા હોને, જ્યાં સુધી કામ ના ચાલુ થાય ત્યાં સુધી આપડે ત્યાં રહીશું હોને ! માં આપડે જઈશું કેમ પણ??? દિકા મે થોડા પૈસા ભેગા કર્યા છે એટલે ત્યાં તો પહોંચી જ જઈશું ! દિકા હું આ બધું પોટલાંમાં બાંધી દઉં ત્યાં સુધી તું બેન સાથે રમ હો !!
આ સાથે જ મીરાંએ મધ્યપ્રદેશમાં તેના બાપુ ને ત્યાં જવાની તૈયારી ચાલુ કરી.પોટલાંને બધું બાંધીને મીરાં જય અને હિના ને લઈને બહાર નીકળી ત્યાં તો એના જેવા કેટલાય લોકો પોતપોતાના વતન જવા સાથે મળ્યા.મીરાંને થોડી રાહત મળી કે રસ્તામાં સાથ રહેશે.પણ બહાર તો વાહન વ્યવહાર બધું જ બંધ હતું ! બસ, ટ્રેન, જીપ બધું જ બંધ !! સેંકડો મીરાં જેવા મજૂરો રસ્તા પર નિસાસો નાખતા હતા કે હવે શું કરીશું !!મજૂરીમાંથી ભેગા કરેલા પૈસા હોવા છતાંય જઈ નથી શકતા !!! પણ દરેકની કઈ ને કઈ મજબૂરી હતી. અહીં માથે છત હતી નહિ ક્યાંક તો ઠેકાણું ગોતવું જ હતું. તો મજબૂરીમાં ચાલતા જ 1000 કિલોમીટર દૂર જવાનુ નક્કી કર્યું !!!હા ચાલતા જ જવાનુ નક્કી કર્યું ! મીરાં પણ હવે એના નિર્ણય પર એટલી મક્કમ થઈ ગઈ હતી કે બધાની જેમ ચાલતા જ પોતાના ભૂલકાને લઈને નીકળી પડી. સુમસાન રસ્તા, માથે તાપ અને સાથે બે નાના બાળકોને લઈને મીરાં ચાલતી જાય છે. એક કિલોમીટર, બે કિલોમીટર, 5કિલોમીટર દસ કિલોમીટર................. બસ ચાલતી જાય છે. અમુકને ત્યાંથી કોઈ સવારી મળી જાય છે ને અમુક ત્યાંજ થાકીને રોકાય જાય છે. પણ મીરાંને હવે મનમાં બસ એક જ વાત રટતી હતી કે ગમે તે રીતે બાપુને ત્યાં પહોંચવું છે. મીરાંને લાગ્યું કે રસ્તામાં ક્યાંક તો દુકાનો કે ભોજનાલય ખુલ્લા હશે તો હું ને બાળકો જમી લઈશું. પણ મીરાંએ ના સમજી શકી કે આ સંપૂર્ણ બંધમાં તેને એક ઘૂંટો પાણી પણ નસીબ નથી થવાનું. સાથે થોડો નાસ્તોને પાણી લીધું હતું બસ એ જ તેના ભૂલકાઓ અને પોતે ખાઈને ચલાવી લેતી. સૂર્યના ઉદયથી લઈને અસ્ત સુધી ચાલતી જતી. કેડમાં હિનાને તેડીને, અને જયનો હાથ ઝાલીને આ માં બસ ચાલતી જતી. ક્યારેક જય થાકી જતો તો એને પણ ક્યારેક કેડમાં લઈને તો ક્યારેક હીનાને પાછળ પીઠ પર બાંધીને અને જયને તેડીને અવિરત ચાલતી જતી. રાતના અંધકારમાં ખુલ્લા આકાશ નીચે આ માં પોતાના ભૂલકાને લપટીને સૂતી. ક્યારેક એમ પણ થઈ જતું કે જતી રહું પાછી !!પણ ક્યાં? કઈ જગ્યા એ?? ત્યાં પાછુ જવા પણ આટલું જ ચાલવું પડશેને !અને જતી તો રહું પણ ત્યાં રહીશ ક્યાં? ખાઈશ શું? કામ તો છે નઈ ખવડાવીશ શું મારાં બાળકને? અને આ તેની પોતાનાથી લડાઈની સાક્ષી ફક્ત આ આકાશ હોતું !!નાસ્તોને પાણી હવે ઓછું વધ્યું હતું ! પણ આતો માં છે ને જે પણ અન્નનો દાણો હોય એ તો તેના બાળકનું જ પેટ ભરે એ જ એના મનનો પાક્કો ધર્મ હોય છે. ભલે પ્રભુને પૂજવામાં ક્યાય ઓછી પડે, ભલે પતિને સાચવામાં ઓછી પડે પણ સંતાનને સાચવામાં, હેત વરસાવામાં ક્યારેય ઓછી નહિ પડે. હજી તો ગણું અંતર કાપવાનુ બાકી હતું. અને ખાવાનું ઓછું હોવાને લીધે મીરાં જે કઈ પોતાની જોડે નાસ્તો હતો એ જયને હિના ને ખવડાવી દેતી. અને પોતે એ બંનેને ધરાતા જોઈને પોતે ભૂખ્યા પેટે હોડકાર લઈ લેતી. જય પૂછે કે "માં તું ખાને !તું કેમ નઈ ખાતી?" તો જૂઠનો આશરો લઈ કેતી "દિકા તમે સુતા હતા ને બંને ત્યારે મે ખાઈ લીધું. મને ભૂખ લાગી હતીને દિકા એટલે મે પહેલા જ ખાઈ લીધું! " અને જય પણ માના જૂઠને સાચું માની લેતો. મીરાં ચાલતી જતી હતી તેના પગના ચંપલ પણ ક્યારના ગસાઇને તૂટી ગયા હતા. હાલ તો તેની પગની નિચલી ચામડીને ગસાવાનો વારો હતો. રસ્તામાં આવતા દરેક કાંકરા પણ મીરાંને મળવા દોડી આવતા અને તેના પગમાં એક લોહીની ધાર કરી દેતા. તેના પગમાં જેટલા કાપાને ઘા પડ્યા હતા એટલી તો કદાચ હાથમાં રેખાઓ નથી.

મીરાંનું શરીર સુકાતું જાય છે. સૂર્યએ પણ એના તાપથી એને એટલી નવડાવી દીધી હતી કે તેનું આખુ શરીરએ તડકાથી શ્યામ પડી ગયુ હતું. બસ એક એક ઘૂંટો પાણી પીને તે સેંકડો કિલોમીટર ચાલતી જઈ રહી હતી. ક્યાંક જો વૃક્ષની છાયા મળી જાય તો પોતાના બને સંતાનોને લઈ ને બસ ત્યાં બેસતી. પોતાના જીવનને વાગોળતી.પોતાના જીવનના સુખ દુઃખ નો સરવાળો કરતી. અને દરેક વાર દુઃખ જ વધારે ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે આવતું. "એવું તો શું કર્યું છે મે જીવનમાં કે મારે આટલું વેઠવું પડ્યું છે? જીવનમાં ક્યારેય સુખનો શ્વાસ કેમ નથી મળ્યો મને?? આ મારાં બેય સંતાનોને લઈને આ દિવસના કપરા તાપમાં અને રાતના ભેકાર અંધકારમાં આવી રીતે બસ જીવવું પડી રહ્યું છે. મારું નહી તો મારાં બચ્ચાનો તો વિચાર કર તું ભગવાન !! એમનો શું વાંક? એમને આ વેઠવાનો વારો આવ્યો કેમ? ના પિતાના ઘરે સુખ જોયું ના પતિએ ક્યારેય આપ્યું ! બસ આખુ જીવન તૂટેલા કાચ પર જ ચાલી છું એમ લાગે છે. રોજ ઘવાયી છું. રોજ વિખરાઈ છું. રોજ આંશુડાંની ધાર કરી છે પણ તું તો હવે મારી ઈર્ષા કરે છે હા ને ભગવાન? કે આટલું દુઃખ આપ્યા પછી પણ આ કેમની અડીખમ છે? એટલે રોજને રોજ નવાનવા દુઃખનો ભાર આપે છે. "બસ આમ તેની વ્યથાને વિચારી આંશુ સારતી.

એક દિવસ મીરાં ચાલતી ચાલતી મણિપુર નામની જગ્યાએ પહોંચી. ત્યાં બધા એના જેવા ગણા મજુર વતન જઈ રહ્યા હતા. પણ આ લોકોના મોઢા પર એક ચમક હતી. ખુશી હતી. મીરાંએ જઈને પૂછ્યું એમને કે "શું થયું બેન? તમે આટલા ખુશ કેમ છો? " "આ રેલ્વે ચાલુ કરી દીધી છે હો ! હવે ચાલતા નઈ જવું પડે !" આ સાંભળતાની સાથે જ મીરાંને જે હાસ થયો, જે ખુશી થઈ એને શબ્દમાં વર્ણન અશક્ય છે. મરતાના માથે માએ હાથ ફેરવ્યો હોય અને પાણી પાયું હોય આ તો એવી વાત છે. જેને વર્ણવી ના શકાય. જે ફક્ત અનુભવ છે. મીરાં ફરી પૂછે છે," તમે સાચું કો છોને? " હા બેન સાચું જ કઉ છું ચાલો આમારી સાથે અમે રેલ્વે જ જઈએ છીએ. " આ સાંભળતા જ મીરાં જયને અને હિનાને ભેટી પડી.બનેને તેડીને મોટા મોટા ડગલાં ભરવા લાગી. જાણે બેય બાળકોને લઈને દોડતીના હોય. એના મનમાં એક પૂર ઉઠ્યું હતું. 17 દિવસથી ચાલતી આ માંને આખરે પોતાના ઘરે જવા એક સાથ મળ્યો હતો. દસ દિવસથી તો તેને કઈ ખાધું પણ ન હતું. બસ એક પાણીના ઘૂંટડામાં સેંકડો કિલોમીટર કાપી અહીં પોંહચી હતી.

મીરાં રેલ્વેસ્ટેશન પહોંચી. જેવી તેને રેલ્વે જોઈ, એમાં બેસેલા મુસાફિરને જોયા, કદાચ સમય રોકાય ગયો હોય તેમ તેને લાગ્યું. એના મુખ પરથી આંસુની એક ધાર વહેવા લાગી. ત્યાં ઉભેલા બીજા લોકોને જઈને તેને પૂછ્યું "ભાઈ ટિકિટના કેટલા છે?" "બેન આતો મફતમાં લઈ જશે તમને!! તમને મધ્યપ્રદેશ જવાનુ હોય તો અંદર જઈને બેસી જાઉં !!"આ સાંભળતા જ મીરાંની આંખમાં જે હર્ષના આંસુ વહ્યા છે જેની ધાર રોકવી કદાચ અશક્ય હતી. તેને હજારો દુઆ આ ભાઈ માટે બોલી લીધી.એના મનની જે હાસ હતી એ એટલી જોરથી બોલાયી હતી કે કદાચ આ રેલ્વેમાં મફત મુસાફરી કરવાનાંર દરેક અધિકારીને પહોંચીને જ રેહશે કે " તારું ભલું થાય !"

મીરાં ડબ્બામાં ચડે છે. અંદર આવતા જ બારી જોડેની એક સીટમાં તે બેસે છે. જય અને હિના તો સીટ પર બેસતા જ આનંદમાં આવી જાય છે.મીરાં જેવી સીટ પર બેસે છે એને સ્વર્ગનું સુખ મળતું હોય એમ લાગે છે. 17 દિવસથી અવિરત ચાલતી, ડામરના તપતા રોડ પર સૂતી, દરેક કાંકરાના ઘાથી પોતાના શરીર પર નકસીકામ કરવાતી આજે આ માને રૂની પોચી પથારી મળી હતી.

ગાડી ચાલુ થાય છે અને એક પવનની લહેર આવે છે.મીરાં જય અને હિનાને માથે પપ્પી કરીને સહેલાવે છે. અને સીટ પર આડી પડે છે. પોતાના બેય સંતાનોને લઈને આ માં તેમને સુવડાવતી એક નિદ્રામાં જાય છે. મધુર નિદ્રા, સુખની નિદ્રા, કાયમની નિદ્રા...

ગાડી મધ્યપ્રદેશ આવી પહોંચી. બધા મુસાફિર ગાડીમાંથી ઉતારી ગયા. મીરાં હજી સૂતી હતી. કેટલાક આવીને કહે 'બેન સ્ટેશન આવી ગયુ ઉઠો.' મીરાં કોઈ જવાબ નથી આપતી. જય ઉઠે છે, હિના ઉઠે છે પણ મીરાં નથી ઉઠતી. જય એની માને હલાવે છે, ' માં નાનાનું ઘર આવી ગયુ ચલ ઉઠ. માં ઉઠને. ' મીરાં નથી સાંભળતી. હિના રડવા લાગે છે. મીરાં નથી સાંભળતી. જય બૂમો પાડે છે, 'માં ઉઠને, માં ઉઠને.' મીરાં નથી સંભાળતી. લોકો જય જોડે આવે છે સૂતી મીરાંને ડબ્બામાંથી નીચે ઉતારે છે. સ્ટેશન પર મીરાંને સુવાડે છે. હિના તેની કાયમ માટે સૂતી મા સાથે રમવા લાગે છે. જય માને ઉઠાડવા મથે છે. અને કપરો સંસાર ઉભો ઉભો તેને જોવે છે. મીરાં જતી રહે છે કાયમની નિદ્રામાં, કાયમના સુખમાં.જ્યાં તેને રડાવનાર કોઈ નહિ હોય. જ્યાં તેને આ તૂટેલા કાચના જગત પર નહિ ચાલવું પડે. જ્યાં તે ધરાયીને પાણી પી શકાશે. જ્યાં તે ધરાયીને ખાઈ શકાશે. પણ કેમ તે હજી દુઃખી થતી જાય છે? કેમ તેનો આત્મા આજે પણ રડતો જ વિદાય લેય છે? કેમ તેનો આત્મા કલ્પાત કરી રહ્યો છે? અને કેમ એનો આત્મા જે કોઈ માં કયારેય ના બોલે એ શબ્દ બોલે છે ?
મારી સાથે મારા બાળકોનો પણ જીવ લઈ લેવાયેને !

આ સાથે મીરાંના શવને હિના અને જય હળવા હાથથી સહેલાવે છે.

( આ લોકડાઉંનમાં આવી ગણી મીરાંએ જીવ ગુમાવ્યો છે. કોરોનાથી નહિ, પણ ભૂખથી, વતન જવાની આશમાં હજારો માઈલ પગપાળા ચાલવાથી !! અને તેના જવાબદાર આપણે છીએ. કડવું છે પણ સત્ય છે !)

-રચના🦋