chalo, itihasni kediae - 1 books and stories free download online pdf in Gujarati

ચાલો, ઇતિહાસની કેડીએ- ૧ ( આદમ અને ઈવ )

એડમ અને ઈવ (બાબા આદમ અને હવ્વા )

આ પાશ્ચાત્ય સંસ્કૃતિની કથા છે. બાઈબલમાં એનો ઉલ્લેખ પણ આપેલો છે. વાત કંઈક આવી છે....

" પરમેશ્વરે સૃષ્ટિની રચના કરી. અનેક પ્રકારનાં પ્રાણીઓ, વનસ્પતિઓ, સમુદ્ર, પહાડ અને આકાશ બનાવ્યાં. પરમેશ્વરે પોતાની સર્વ શ્રેષ્ઠ કૃતિ એવા એક પુરુષનું નિર્માણ કર્યું. એ પુરુષને નામ આપ્યું એડમ. પરમેશ્વરે કૃપા કરીને એડમની પાંસળીમાંથી એક સ્ત્રીની રચના કરી. એ સ્ત્રીને નામ આપ્યું ઈવ. એડમ અને ઈવ ભોળા અને નિર્દોષ હતાં. પરમેશ્વરની દરેક વાત માનતાં. પરમેશ્વરે એડમ અને ઈવને પોતાનાં સ્વર્ગના બગીચામાં રહેવા માટે સ્થાન આપ્યું હતું. તેઓને આખા બગીચામાં ફરવાની અને બધાં જ ફળ ખાવાની છૂટ હતી. પરંતુ એક વૃક્ષનાં ફળને ખાવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. એ વૃક્ષ જ્ઞાનનું વૃક્ષ હતું. પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરતાં રહી એડમ અને ઈવ એ વૃક્ષનાં ફળને હજુ સુધી ચાખ્યું નહોતું. તેઓ પરમેશ્વરના બગીચામાં બહુ જ સુખપૂર્વક પોતાના દિવસો વિતાવી રહ્યાં હતાં.
એક વાર શૈતાને એડમ અને ઈવને એ જ્ઞાનનાં વૃક્ષનું ફળ ખાવા માટે લલચાવી. શૈતાને કહ્યું કે "પરમેશ્વર નથી ઇચ્છતો કે તમે જ્ઞાની બની જાઓ. જો આ વૃક્ષનું ફળ ખાશો તો તમને જ્ઞાન મળશે." શૈતાન દ્વારા ભોળવાયેલાં એ બંને જણે એ વૃક્ષનું ફળ ખાધું જેને ખાવા માટેની પરમેશ્વરની સખત મનાઈ હતી. આ ફળ ખાધા પછી એમને એમની નગ્નતાનું ભાન થયું. એમણે પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું. આ બહુ મોટી ભૂલ હતી જે માટે તેમને દંડ થવો નિશ્ચિત હતો. પરમેશ્વરે એડમ અને ઈવને પોતાના સ્વર્ગના બગીચામાંથી નિષ્કાષિત કર્યા. " જો કે આ કથા આનાથી પણ થોડી આગળ ચાલે છે કે સ્વર્ગથી નિષ્કાષિત થયેલાં એડમ અને ઈવ પૃથ્વી ઉપર આવ્યાં અને ત્યાંથી આગળ એમનો વંશ વારસો ચાલ્યો. પણ મેં આખી કથામાંથી એક મહત્વનો પોઇન્ટ જ પકડ્યો છે. એ છે જ્ઞાનનું ફળ ખાવું અને સ્વર્ગમાંથી નિષ્કાષિત થવું. હવે મારા અનુમાનોની ગાડી આપણાં પુરાણોના પાટે ચલાવું છું. આને મળતી આવતી એક પ્રાચીન કથા પુરાણોમાં છે. હવે પુરાણની કથાની રજુઆત કરું. પછી એ બંને વચ્ચેની સમાનતાઓ જે મારા અનુમાનોમાં આવી એ કહીશ.

પુરાણની કથા : " તારકાસુરને વરદાન હતું કે એનું મૃત્યુ માત્ર શિવનો પુત્ર જ કરી શકે. શિવ અને પાર્વતીનાં લગ્ન થઈ ચૂક્યા હતાં. શિવ-પાર્વતી પોતાનાં વિહાર માટે વાહલીક દેશનાં કામદવન નામના વિસ્તારમાં આવ્યાં હતાં. કામદવન એ ઈન્દ્રના આધીન ક્ષેત્રનું એક ઉપવન હતું. દેવતાઓએ કામદવનને અતિશય સુંદર બનાવ્યું હતું. અનેક પુષ્પલતાઓ અને ફળનાં વૃક્ષો ત્યાં ઉગાડવામાં આવેલાં હતાં. જેથી શિવ પાર્વતી ત્યાં આનંદપૂર્ણ વિહાર કરી શકે.

(વાહલીક દેશ એ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો વિસ્તાર છે. એના વિશેનાં પ્રમાણો શાસ્ત્રોમાં છે જ.) [ શિવ-પાર્વતીને ત્યાં પુત્ર થાય એ માટે ઈન્દ્રએ ઘણી મહેનત કરી હતી. કામદેવને મોકલીને વૈરાગી શિવને પાર્વતી ઉપર મોહિત કરવાનો પ્રયાસ પણ ઈન્દ્ર દ્વારા કરાયેલો છે. જેમાં શિવે પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કરી નાખેલા. તો શિવ-પાર્વતી માટે કામદવન તૈયાર કરાવવામાં ઈન્દ્રની મહેનત હોય જ.]

એકવાર ઘણા ઋષિઓ શિવ-પાર્વતીના આ વિહાર ક્ષેત્રમાં અજાણતાં પ્રવેશ કરી ગયા. ઋષિઓને જોઈને પાર્વતીને લજ્જા ઉત્પન્ન થઈ. શિવે એ ઋષિઓને ક્ષમા આપીને પાછા મોકલી દીધા. પરંતુ ફરીવાર આવી સ્થિતિ ઉત્પન્ન ના થાય એ હેતુથી શિવે એ કામદવનના વિસ્તારને પોતાની લીલાથી સ્ત્રીમય બનાવી દીધો. એ વિસ્તારમાં પ્રવેશ કરવાવાળું કોઈ પણ સ્ત્રી બની જતું. ચાહે એ માણસ હોય કે પશુ પંખી. આ વનમાં પુરુષમાત્ર માટે પ્રવેશ વર્જિત હતો.

વાહલિક દેશના રાજા અને કર્દમઋષિના પુત્ર મહારાજ ઈલ પોતાના સૈનિકોની સાથે એકવાર શિકાર કરવા નીકળ્યા. શિકાર કરતાં કરતાં અજાણતાં કામદવનના ક્ષેત્રમાં પ્રવેશી ગયા. આ એમની ભૂલ હતી. મહારાજ ઈલ તત્કાળ સ્ત્રી બની ગયા. એમના સૈનિકો અને અશ્વો પણ તત્કાળ સ્ત્રી રૂપમાં બદલાઈ ગયા. એમણે આનું કારણ શોધવાનો પ્રયત્ન કરતાં અનુમાન લગાવ્યું કે આ કોઈ દેવી શક્તિનો પ્રતિબંધિત વિસ્તાર છે. ઘણી તપાસ કરતાં એમને જાણ થઈ કે આ ક્ષેત્રમાં શિવ પાર્વતી વિહાર કરી રહ્યાં છે , અને શિવની લીલાથી આ ક્ષેત્ર સ્ત્રી મય બની ગયું છે. આ સ્થાન ઈશ્વરનું સ્થાન છે. ( ईश्वरस्य स्थानो इति )

સ્ત્રી રૂપ પામેલા મહારાજ ઈલ શિવ પાર્વતીના શરણમાં ગયા. પોતાને સ્ત્રી રૂપથી મુક્ત કરી પુરુષરૂપ પાછું આપવા પ્રાર્થના કરી. પાર્વતીએ કરુણા કરીને એવી શરત સાથે મુક્તિ આપી કે રાજા ઈલ એક મહિનો પુરુષ અને એક મહિનો સ્ત્રીના રૂપમાં રહેશે. જ્યારે પુરુષ બનશે ત્યારે સ્ત્રી રૂપની કોઈ સ્મૃતિ નહીં રહે, અને સ્ત્રી બનશે ત્યારે પુરુષ રૂપની સ્મૃતિઓ વિસ્મૃત થશે. સ્ત્રી રૂપ પામેલા મહારાજ ઈલ હવે ઈલા બનીને પોતાનું રાજ્ય છોડી કશ્યપભૂમિમાં (કશ્યપમેરુ-કાશ્મીર) આવે છે. ત્યાં ચંદ્ર-પુત્ર બુધ તપસ્યા કરતો હોય છે એની સાથે મુલાકાત થાય છે.

આ કથા આમ તો બહુ લાંબી છે. ઈલમાંથી ઈલા બનેલા મહારાજ ઈલનો ચંદ્ર-પુત્ર બુધ સાથે પરિચય થાય છે અને એમનો પરિચય પ્રેમમાં પલટાય છે. ઈલાને પુરુરવા નામનો મહાપ્રતાપી પુત્ર થાય છે. આમ ચંદ્ર વંશની શરૂઆત થાય છે.

આ કથામાં આવતા મુખ્ય મુદ્દાઓ ઈલમાંથી ઈલા બનવું. ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. વાહલિક દેશ એ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો પ્રદેશ છે. ઈલા દ્વારા વાહલીક દેશનો ત્યાગ કરવો. "

મારું અનુમાન : બંને કથાઓ હજારો વર્ષ પુરાણી છે. વળી બંને ઘટનાઓ અલગ અલગ સંસ્કૃતિઓ દ્વારા રજૂ થઈ છે એટલે કથાઓમાં દેખીતી ભિન્નતા તો હોવાની જ. બાઇબલમાં વર્ણિત ઘટનામાં 'ગાર્ડન ઓફ ઈડન' નો ઉલ્લેખ છે. પુરાણમાં વર્ણિત ઘટનામાં શિવ એટલે કે ઈશ્વરનું કામદવન નામનું અંગત વિહાર ક્ષેત્ર છે. (પુરાણોમાં શિવને ફક્ત ઈશ્વર નામથી જ ઘણી જગ્યાએ સંબોધન કર્યું છે.)

પહેલાં શબ્દોની ચીરફાડ કરીએ. મહારાજ ઈલને એક માસ પુરુષ અને એક માસ સ્ત્રી રૂપે રહેવું પડયું. જેનો અર્થ એવો પણ કરી શકાય કે એ અર્ધરૂપમાં હતા. અડધા પુરુષ અને અડધા સ્ત્રી. એટલે સંસ્કૃત શબ્દ अर्धम અહીં ઉપયુક્ત છે.
अर्धम શબ્દ અપભ્રંશ બનીને એડમ યા આદમ બન્યો હોય એવી સંભાવના નકારી ન શકાય. આ સ્થિતિ अधम સ્થિતિ પણ કહી શકાય. ( આ અભિપ્રાય ફક્ત મહારાજ ઈલની સ્થિતિ માટે જ છે. )

બીજો એક શબ્દ आदिम પણ યોગ્ય છે. શિવ માટે આદિનાથ શબ્દ છે જ. આદિમ નો અર્થ થાય બહુ પુરાણું. બાઈબલની આ કથાને બે રૂપમાં જોઈ શકાય એમ છે. ( આદિમ શબ્દ શિવ માટે ધારવામાં આવ્યો છે.)

(૧) પહેલું અનુમાન: શિવ અને શક્તિ બંનેનું સંયોજિત રૂપ અર્ધનારીશ્વર છે. બાઈબલની કથામાં નાગનું વર્ણન છે. શિવ પણ નાગ ધારણ કરનારા છે જ. જો કે એવો સ્પષ્ટ ઉલ્લેખ શિવપુરાણમાં છે જ કે શિવ જ્યારે શક્તિ સાથે કામદવનમાં ગયા ત્યારે નાગ, ચંદ્ર અને તમામ ગણોને કૈલાશ પર છોડીને જ ગયા હતા. છતાં પણ આ ધારણાને મેં અનુમાનમાં લીધી જ છે કે શિવ એ બાબા આદમ છે અને શિવા એ હવ્વા છે. આદિનાથ યા આદિમ શબ્દ ઉપરથી આદમ શબ્દ આવ્યો હોય.

કામદવન પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ઈન્દ્રએ શિવ પાર્વતીની લીલા જોવા માટે અગ્નિદેવને ગુપ્ત રૂપે મોકલ્યા હતા. અને એ સમયે અગ્નિદેવને શિવ પાર્વતીના ક્રોધનો ભોગ બનવું પડ્યું હતું. શિવ પાર્વતીએ કામદવનનો ત્યાગ કરી દીધો હતો અને કૈલાશ પાછાં ફર્યાં હતાં. (આ કથા શિવ પુરાણમાં સવિસ્તાર આપેલી છે. )

દેવોનો વિસ્તાર સ્વર્ગ કહેવાતો. સ્વર્ગમાં દિવ્ય પશુઓ વિચરતાં. ઋગ્વેદમાં અશ્વને દિવ્ય પશુ કહ્યો છે. (જો કે વેદોમાં ગાય અને અશ્વ એ બે જ પશુઓની દિવ્ય પશુમાં ગણના કરેલી છે. ) અશ્વપાલન દેવોના સમયથી શરૂ થયું છે. દેવો એ કશ્યપ ઋષિના વંશજો છે એનો પણ ઉલ્લેખ ઘણાં પુરાણોમાં છે જ. અશ્વ અર્થાત ઘોડો એના માટે हय નામનો સંસ્કૃત શબ્દ છે. દિવ્ય પશુ અર્થાત દેવોનું પશુ. દેવોનું પ્રિય પશુ એવો શાબ્દિક અર્થ નીકળે. (આજે પણ અરબી ઘોડા આખા વિશ્વમાં સૌથી વધુ વખણાય છે. અર્થાત પ્રાચીન સમયથી જ ઘોડાઓની સંખ્યા ત્યાં વધુ હશે અને એમની નસલ પણ ઊંચી હશે એમ માની શકાય.)
हय અર્થાત ઘોડો. ઘોડાઓની વિપુલતા વાળા પ્રદેશને હયવન કહી શકાય કે નહીં ?!! વન હોવાની સાબિતી એ જ કે ઘોડાઓ અરબસ્તાનની રેતમાં તો આટલા વિકસી ના શકે. એમને લીલો ચારો પુષ્કળ જોઈએ તો જ કદ કાઠીમાં એમનો સારો વિકાસ થાય. પ્રાચીન સમયમાં ઈઝરાયેલ અરબ ઈરાન વગેરે પ્રદેશો લીલોતરી વાળા વન પ્રદેશો જ હશે. એની પણ સાબિતી આપું. આજે આખા વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં ખનીજતેલ અને કોલસો અરબી પ્રદેશમાં જ મળે છે. જે સાબિતી છે કે પ્રાચીન સમયમાં ત્યાં પુષ્કળ વનો હશે. ફરીથી
हय શબ્દ ઉપર આવીએ. हय ઉપરથી હયવન શબ્દ નું અનુમાન મેં કર્યું છે. હયવન શબ્દ જ અપભ્રંશ થઈને Heaven - હેવન શબ્દ બન્યો છે.

શિવ પાર્વતી હયવન અર્થાત હેવનમાંથી ચાલ્યાં ગયાં. પાર્વતીનું અન્ય ઉપનામ શિવા છે. વળી પાર્વતી શિવનું અડધું અંગ ગણાય છે. પરમેશ્વરે ઈવ ને આદમની પાંસળીમાંથી બનાવી હતી. ( સમજાયું કંઈ ??? )

અપભ્રંશ : શિવા - શવા - હવ્વા (અરેબિક) ( નો થાય છે જેમકે સિંધુ ઉપરથી હિન્દુ શબ્દ આવ્યો.)

અપભ્રંશ : શિવા - સઈવા- ઈવા- ઈવ ( લેટિન ઈંગ્લીશ)

આ પહેલું અનુમાન છે કે શિવ એટલે આદમ અને શિવા એટલે ઈવ. ( શિવને દિગંબર પણ કહેલા છે. દિગંબર એટલે નગ્ન.)
હવે ઋષિઓના કામદવનમાં પ્રવેશથી પાર્વતીને લજ્જા ઉત્પન્ન થઈ. ઋષિઓ કોણ હતા એનો ઉલ્લેખ નથી. એ ઋષિઓ નાગકુળના પણ હોઈ શકે ને ?!!! મારું અનુમાન એવું છે કે ઋષિઓએ પાર્વતીને કંઈક કહ્યું હોય જેના કારણે પાર્વતીને સંકોચ થયો હોય. પાર્વતીએ શિવને જાણ કરી ત્યારે શિવે કામદવનને પોતાની માયાથી સ્ત્રી રૂપ બનાવી દીધું. )

બાઈબલની ઘટનામાં આદમ અને ઈવની કથા સિવાય આવો કોઈ ઉલ્લેખ નથી જ. પણ સંભાવના તો એ પણ છે કે બાઈબલની રચના થયાના હજારો વર્ષ પહેલાંની આ ઘટના છે. જેથી બાઈબલની રચના થઈ હશે ત્યાં સુધીમાં આ વાર્તામાં ઘણા ફેરફારો થઈ ચૂક્યા હશે. મૂળ વાત ભુલાઈ ગઈ હશે. આ મારું પહેલું અનુમાન છે કે શિવ- શિવા એ જ આદમ અને ઈવ છે.

(૨) બીજું અનુમાન : રાજા ઈલ એ બાબા આદમ અને એમનું પોતાનું જ સ્ત્રીરૂપ ઈલા એ ઈવ. અહીં પરમેશ્વર એટલે શિવ. પરમેશ્વરે જ આદમની પાંસળીમાંથી ઈવ બનાવી. ( સમજાયું ???)

ગાર્ડન ઓફ ઈડન : ઈડનનો બગીચો. ( ઈન્દ્રનું ગૃહવન?!!!)

ગાર્ડન શબ્દ એ ગૃહવન શબ્દનું અપભ્રંશ રૂપ છે એવું મારું માનવું છે. ગૃહવન- ગારવન- ગાર્ડન એ રીતે. ગૃહવન શબ્દનો અર્થ પણ બગીચો જ થાય.

અપભ્રંશ : अर्धम - આદમ / એડમ
: ઈલા - ઈવ

હવે, મૂળ વાત એટલે કે મહારાજ ઈલની વાત ઉપર પાછા આવીએ. મહારાજ ઈલ શિકાર કરવા યા વિહાર કરવા પ્રતિબંધિત વિસ્તારમાં ગયા. પરમેશ્વરે ગાર્ડન ઓફ ઈડન માં અનેક ઝરણાં, ફળ ફુલથી ભરેલાં વૃક્ષો અને પ્રાણીઓ બનાવ્યાં હતાં. ગાર્ડન ઓફ ઈડન એ સ્વર્ગનો સૌથી સુંદર બગીચો હતો. Eden Garden was the most beautiful Garden of heaven. (આજ વાક્યને આ રીતે સમજવાની કોશિશ કરો , ઇન્દ્રનું ગૃહવન સ્વર્ગનું સૌથી સુંદર ઉપવન હતું. સમજાયું ને ?!!! )

હવે , મહારાજ ઈલ શિકાર કે વિહાર કરવા ગયા હોય ત્યાં ફળ ફૂલોથી ભરેલાં વૃક્ષો હોય તો, એવું તો શક્ય જ નથી કે એકેય ફળ ખાધું ના હોય. વળી શિવ દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં આવ્યા બાદ તેઓ સ્ત્રી રૂપમાં બદલાયા. ( પરમેશ્વરે આદમની પાંસળીમાંથી જ ઈવ બનાવી.) મહારાજ ઈલ હવે ઈલા બની ગયા હતા. પૌરાણિક કથામાં ઈલા બનેલા મહારાજ ઈલ પાર્વતીને બહુ જ વિનવણી કરે છે કે પોતાને પોતાનું પુરુષ રૂપ પાછું પ્રાપ્ત થાય. પાર્વતી કૃપા કરે છે પણ શરત સાથે કે મહારાજ ઈલે એક માસ પુરુષ અને એક માસ સ્ત્રી બનીને રહેવું પડશે. આમ પાર્વતીએ ઈલા ઉપર એટલી કૃપા કરી કે તે એક માસ માટે ઈલામાંથી ઈલ બની શકે. વળી પાછા ઈલા બની જાય. ત્યારબાદ એક મહિનો ઈલ બનવાની તક મળે. ભગવાન શિવ ઈલા બનેલા મહારાજ ઈલને જ્ઞાનનો ઉપદેશ આપે છે. અને કશ્યપમેરુના પ્રદેશમાં જવાની સલાહ આપે છે. [ શિવ એટલે કે નાગેશ્વર ઈલાને જ્ઞાન આપે છે. નાગેશ્વર શબ્દ શિવનું ઉપનામ છે જે બધા જાણે છે. બોલો, આ વાતને એમ પણ કહી શકાયને કે નાગેશ્વરે ઈલાને ઉપદેશ આપ્યો અને એની લજ્જાજનક સ્થિતિનું ભાન કરાવ્યું. બીજા શબ્દોમાં નાગે ઈવને જ્ઞાનનું ફળ ખવડાવ્યું, જેથી ઈવને ખ્યાલ આવ્યો કે તે કેવી સ્થિતિમાં છે. ]

આવી વિચિત્ર સ્થિતિમાં ઈલાએ વાહલિક દેશ ના જતાં કશ્યપભૂમિ તરફ પ્રયાણ કર્યું. ( સ્વર્ગમાંથી નિષ્કાષિત થયા એવું માની શકાય કે નહીં ? ) અહીં સ્વર્ગ એટલે ઈન્દ્રને આધીન પ્રદેશ એવો સ્પષ્ટ અર્થ જ લેવાનો છે.

આ રીતે સ્વર્ગ છોડીને આદમ અને ઈવ ભૂમિ ઉપર આવે છે. ભૂમિ ઉપર આવેલાં આદમ અને ઈવ સંતાનોને જન્મ આપે છે. એમને બે પુત્રો થાય છે. બે પુત્રોના વંશ ચાલે છે.
પૌરાણિક કથામાં બુધ અને ઈલા દ્વારા પુરુરવાનો જન્મ થાય છે. બુધ ચંદ્રનો પુત્ર હોવાને કારણે પુરુરવાનો વંશ ચંદ્રવંશ કહેવાય છે.

હવે બીજા અનુમાનો : ઈઝરાયેલ શબ્દનો સીધો અર્થ છે ઈશ્વરની ભૂમિ. ( યહૂદીઓની માન્યતા પ્રમાણે યહોવા એ જ એમનો ઈશ્વર છે. યહૂદીઓ ઈશ્વરનું નામ ક્યારેય કારણ વગર લેતાં નથી. કેમ કે એમના ધર્મ શાસ્ત્રોએ ઈશ્વરનું નામ લેવાની મનાઈ ફરમાવી છે. યહૂદીઓની જૂની બાઈબલ પ્રમાણે "યહોવા" શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર પણ કોઈને ખબર નથી. ઘણા યહવા, યાહવા, યેહોવા, યાહોવા, યાહેવ એમ ઘણી રીતે ઉચ્ચાર થાય છે. )

મારા અનુમાને યહોવા પણ શિવ શબ્દનું અપભ્રંશ હોઈ શકે. 'યા શિવ' - 'યા હીવ' - 'યા હેવ' આ રીતે.

યા શિવ નો અર્થ 'હે શિવ' ( या कुन्देन्दु तुषारहार धवला...હે પૂર્ણચંદ્ર સમાન , બરફ સમાન ધવલ વર્ણ વાળી સરસ્વતી... આ મુજબ યા શિવ નો અર્થ હે શિવ એમ જ થાય ને. )

ઈઝરાયેલ શબ્દ ઈશ્વરાલય શબ્દનું અપભ્રંશ હોઈ શકે. ઈશ્વરાલય શબ્દનો અર્થ 'ઈશ્વરનું ઘર' થાય. ઈઝરાયેલનો અર્થ 'ઈશ્વરની ભૂમિ' એવો થાય છે. જ્યાં શિવ પોતે વાસ કરતા હતા એ સ્થળને ઈશ્વરાલય કહી શકાય. વળી વાહલીક દેશ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો પ્રદેશ છે. અત્યારની ભૌગોલિક સીમાઓ હજારો વર્ષો પહેલાંના સમય માટે એકદમ બંધબેસતી ના જ હોય એ સમજાય એવી વાત છે. જૂનું હિબ્રુ બાઈબલ ગાર્ડન ઓફ એડન ઈઝરાયેલ પ્રદેશમાં હોવાનો આડકતરો ઈશારો કરે છે. આપણા પુરાણો વાહલીક દેશ અર્વ દેશ અને આર્યપ્રદેશ વચ્ચે હોવાનો ઈશારો આપે છે. ઈરાન શબ્દ આર્યબહુલ ક્ષેત્ર હતું. ઈરાનનો અર્થ જ થાય છે આર્યોનું સ્થાન. એનો પણ વાસ્તવિક પુરાવો છે. ઈરાનથી ભાગીને આવેલા પારસીઓ. પારસીઓ અગ્નિપૂજક છે. પારસીઓના પવિત્ર પુસ્તક ઝંદ અવેસ્તામાં ઘણા સંસ્કૃત શબ્દો અને થોડા ફેરફાર સાથેની ઋગ્વેદની ઋચાઓ છે. પારસીઓ એ આર્યવંશી અગ્નિપૂજકો જ છે એમાં કોઈ સંશય નથી.

= બાઈબલની ઘટના અને પૌરાણિક ઘટનામાં મારા મતે આ પ્રમાણે સમાનતાઓનું અનુમાન કર્યું. એક જ ઘટના એના વાસ્તવિક સમય કરતાં હજારો વર્ષો બાદ અલગ અલગ સંસ્કૃતિમાં અલગ અલગ રીતે લખાયેલી છે. એટલે અમુક ફેરફારો હોવાના જ. વળી હજારો વર્ષો સુધી દંતકથા રૂપે ઘટનાઓ લોકોમાં સચવાઈ હોય એટલે પણ મૂળ કથામાં અનેક વિકૃતિઓ આવી જાય એ પણ સંભવિત છે. મેં માત્ર નમ્ર પ્રયાસ જ કર્યો છે અનુમાન કરવાનો. હવે અનુમાન ખોટું પણ હોઈ શકે અને સાચું પણ હોઈ શકે.


બીજા રસપ્રદ વિકલ્પો