1.
‘દરેક ન્યુઝ ચેનલ પર આ જ ચર્ચા ચાલી રહી છે.’ ઇન્સ્પેક્ટર આકાશે ટીવી બંધ કરી રીમોટ ટેબલ પર મુકતા કહ્યું. ‘આ મીડિયા વારા ગમે ત્યાં ઘેરી લે છે. જવાબ આપી આપીને કંટાળી ગયો છું.’
‘સર ચર્ચા તો લાંબી ચાલશે. એક સાથે એક જ શહેરમાં ચાર ચાર ખૂન થયા છે. મીડિયા માટે તો બહુ મોટું કન્ટેન્ટ કહેવાય.’ સબ ઇન્સ્પેક્ટર નિશાંતે કહ્યું.
ઇન્સ્પેક્ટર આકાશ વિચારમાં હતા એટલે સબ ઇન્સ્પેક્ટર નિશાંતે આગળ ચલાવ્યું.
‘સર, ખૂની બહુ ચાલાક લાગે છે. તેણે કોઈ પણ જાતના સબૂત છોડ્યા નથી.’ થોડીવાર પછી ઉમેર્યું. ‘મને કોઈ સીરીયલ કીલરનું હાથ હોય એવું લાગે છે.’
‘બની શકે શક્યતાઓ ઘણી છે. અગાઉથી કંઈ જ કહી શકાય નહિ.’
‘સર અનુમાન તો લગાવી શકાય ને.’
‘માત્ર અનુમાનથી કંઈ જ વળવાનું નથી. પ્રેસર ઘણું છે નિશાંત.’
ઇન્સ્પેક્ટર આકાશની કેબિનમાં બેઠા બેઠા સબ ઇન્સ્પેક્ટર નિશાંતને બંને વાતો કરી રહ્યા છે. શહેરમાં પાંચ દિવસ પહેલા ચાર ખૂન થયા છે. અને ખૂની વિશે તેઓ કંઈ જ જાણી શક્યા નથી. ખૂનની ચારે ચાર ફાઈલ બંને જણા ન જાણે કેટલીયે વાર ઉથલાવી ગયા હશે પણ કંઈ જ પકડમાં આવ્યું નથી.
‘કંઈક તો કરવું જ પડશે નિશાંત. નહીતર ઈજ્જત અને પ્રમોશન બંનેનો સવાલ છે.’
‘પણ, સર બંને તેટલા એન્ગલથી કેસ તપાસી જોયા છે. કોઈ કડી જ પકડી શકાઈ નથી.’
ટાઈમ પાસ કરવા ફરી પાછા બંને ફાઈલ જોવામાં પડ્યા.
ઉપરી અધિકારીઓ અને મીડિયાના પ્રેસરને કારણે કમિશનરશ્રીએ એક પ્રાઇવેટ ડિટેકટીવ અપોઈન્ટ કર્યો છે આ બંને તેની જ રાહ જોઈ રહ્યા છે.
થોડી વારે એક ટપાલી અંદર આવ્યો. રજા લીધા વગર સીધો જ અંદર આવ્યો એટલે ઇન્સ્પેક્ટર આકાશને ખીજ ચડી. પણ કંઈ બોલ્યા નહીં. આવીને ટપાલીએ પોતાની કેપ ઉતારી અને વાળ છુટા કર્યા. ત્યારે બંને સમજ્યા કે આ કોઈ સ્ત્રી છે.
‘હલ્લો સર.’ તેણે ઇન્સ્પેક્ટર આકાશ સામે હાથ લાંબો કર્યો. સામે ઇન્સ્પેક્ટર આકાશે પ્રતિબિબ પાડ્યો.
‘હલ્લો નિશાંત સર.’
‘તમે કોણ છો અને અહીં આ વેશમાં આવવાનું કારણ ?’ ઇન્સ્પેક્ટર આકાશે ખુરશીમાં બેસવા ઇસારો કરતા પૂછ્યું.
‘તમારી કમિશનર સાહેબ સાથે વાત થઇ હશે. હું છું ડીટેકટીવ માતાહરી.’
બંનેને આશ્ચર્ય થયું. તેમનું હતું કે કોઈ પુરુષ હશે જાસૂસ પણ આ તો સ્ત્રી. જો કે બંનેએ આ સ્ત્રી વિશે થોડું થોડું સાંભળ્યું હતું. તેનું અસલી નામ તો કોઈ નહોતું જાણતું. તેના કામથી પ્રભાવિત થઈને લોકોએ તેનું નામ જ જગ મશહૂર જાસૂસ માતાહરી પરથી પાડી દીધું હતું. ત્યારથી તેની ઓળખ માતાહરી બીજી તરીકેની બની રહી હતી.
‘આ ખૂનની ફાઈલો.’ ઇન્સ્પેક્ટર આકાશે ફાઈલો આપતા કહ્યું.
‘મિસ અંકિતા... સ્ટ્રગલર મોડલ... સરનેમ શું છે અંકિતાની ?’ માતાહરીએ ફાઈલ જોતા પૂછ્યું.
આકાશ અને નિશાંત બંને એકબીજા સામે જોવા લાગ્યા. થોડા ક્ષોભના ભાવ સાથે. તેમને થયું આ બાબત અમારા ધ્યાનમાં કેમ ન આવી ?
‘જી એ બાબત પર તો અમારું ધ્યાન ગયું નહીં.’ સબ ઇન્સ્પેક્ટર નિશાંતે કહ્યું અને ઉમેર્યું. ‘મેડમ ચા લેશો કે ?’
‘મારા ખ્યાલથી પોસ્ટમેનને કોઈ ચા પાતું નથી.’ તેનું ધ્યાન હજુ ફાઈલમાં જ હતું.
હવે બંનેની આંખો પહોળી થઇ. તેમને સમજાયું કે આ સામે બેઠેલી વ્યક્તિ જેવી તેવી તો નથી જ.
‘મતલબ ખૂની અંકિતાના ખૂન કરવાના ઈરાદા સાથે નહોતો આવ્યો.’ માતાહરીએ કહ્યું.
‘એ કેમ જાણ્યું ?’ બંનેએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘અંકિતાનું ખૂન એના જ દુપટ્ટાથી ગળું ભીંસીને કર્યું છે. આ ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે. મતલબ ખૂની એવા ઈરાદા સાથે આવ્યો હોત તો કોઈ હથિયાર સાથે લાવ્યો હોત.’
થોડીવાર પછી ફરી કહ્યું. ‘એટલે તમારી પેલી થીયરીનો છેદ ઉડી જાય છે.’
‘કઈ થીયરી મિસ...’ સબ ઇન્સ્પેક્ટર નિશાંતે પૂછ્યું.
‘માતાહરી.’ માતાહરીએ કહ્યું વાક્ય પૂરું કર્યું અને હસી. સાથે સબ ઇન્સ્પેક્ટર નિશાંતથી પણ હસી જવાયું. નિશાંતને હતું કે વાક્યું અધૂરું મુકવાથી માતાહરી પોતાના અસલી નામથી વાક્ય પૂરું કરશે. પણ સામે એ બાબત માતાહરી પણ સમજી ગઈ હતી. ‘પેલી સીરીયલ કીલર વાળી.’
‘તમને કેવી રીતે ખબર કે અમે એ થીયરી વિશે વિચાર્યું હશે ? કારણ કે આપણી વચ્ચે એવી કોઈ વાત થઇ નથી.’
‘જેમ કોઈ બનાવટી જ્યોતિષી પેલી થીયરી વાપરે છે ને કોઈનું હાથ જોઇને કહે, તમે બધાનું બહુ કરો છો પણ તમને કોઈના પર લહેણી નથી. એવી જ રીતે પોલીસ જયારે કોઈ ખૂનના કેસમાં ગુંચવાય છે ત્યારે સીરીયલ કીલર થીયરી તેમની મદદે આવે છે.’
બંને માતાહરી સામે જોઈ રહ્યા. કમિશનર સાહેબે યોગ્ય વ્યક્તિના હાથમાં કામ સોંપ્યું છે.
‘પાંચ મિનીટ થઇ ગઈ છે. હવે મારે નીકળવું જોઈએ. હું ફાઈલો સાથે લઇ જાઉં છું. ક્યાં અને ક્યારે મળવું એ આપણે ફોન પર ચર્ચા કરીશું.’ કહી માતાહરીએ વિદાય લીધી.
(ક્રમશઃ)