Ek Adhuri dasta - 6 books and stories free download online pdf in Gujarati

એક અધૂરી દાસ્તાં... - 6

6.

ધીમે ધીમે અમારી વચ્ચે થોડું બદલાવા લાગ્યું હતું. એમાં પહેલા જેવી પ્રેમની પરિભાષા નહોતી રહી. કામમાં લાગ્યા પછી મને એવું લાગવા માંડ્યું હતું કે અવિનાશ મારા પર ઓછું ધ્યાન આપે છે. પછી તો મળવાનો સમય પણ ઓછો થવા લાગ્યો હતો. મને ઘણી વાર એની યાદ આવતી પણ અવિ હોતો નહીં... મને ઘણી વાતો કરવાનું મન થતું પણ અવિ કામમાં હોય... મારી સામે નિરાશા ઘેરાવા લાગી હતી.

‘તું હમણાંથી ચુપ ચુપ રહે છે, કોઈ કારણ અનુ ?’

‘નહીં તો...’

‘પણ તું પહેલા જેટલી વાતો નથી કરતી.’

‘તું ક્યાં હોય છે દરરોજ અવિ ? કોની સાથે કરું ?’

‘પણ હું સાથે હોઉં ત્યારે તો કરી શકે ને ?’

મતલબ એ સાથે હોય ત્યારે મારે વાતો કરવાની ? એને સમય હોય ત્યારે એ આવે... તો મને વાતો કહેવી હોય ત્યારે તે કેમ નથી હોતો ? હું ઓછુ બોલવા લાગી હતી એનાથી. એ મનમાની કરે તો હું પણ કરી જ શકું છું. મારે કંઈ એમ મારું આત્મસમ્માન ગુમાવવું નથી. એને વાતો કરવી હશે તો કરશે. મારે કંઈ નથી કહેવું... બસ, આવા જ કંઈક વિચારો હું કર્યા કરતી.

મેં છેક સાંજે ફોન કર્યો હતો તેને.

‘અવિનાશ તું ભૂલી ગયો ને ?’

‘શું ભૂલી ગયો અનુ ?’

‘તને સાચે જ યાદ નથી અવિ ?’

થોડીવાર હું ચુપ રહી હતી. મને લાગ્યું એ પણ કંઈક યાદ કરવાની કોશિશ કરી રહ્યો હતો. પછી મેં જ કહ્યું હતું...

‘આજે એ દિવસ છે જયારે પહેલી વખત આપણે મળ્યા હતા. અને આપણે નક્કી કર્યું હતું કે આ દિવસને વિશેષ રીતે ઉજવીશું...અને આપણે ઉજવતા આવ્યા છીએ....તો આજ...’

‘સોરી યાર અનુ, હું એક પ્રોજેક્ટમાં માથું મારી રહ્યો હતો. કદાચ એટલે ભૂલી ગયો... સોરી...’

અવિ ઘણું ઘણું ભૂલવા લાગ્યો હતો.

હું ક્યારેક પૂછતી તો એ કહેતો...
‘એવું થોડું હોય કે હું દરરોજ તારાથી વાત કરું તો જ તને પ્રેમ કરતો હોઉં... વાત થાય તો જ પ્રેમ હોય ? ભલે આપણી વાત થાય કે ન થાય હર પળે તું મારી સાથે હોય છે... મારી પાસે હોય છે... તું છેક હૃદય સુધી છે મારામાં... તો કઈ રીતે ભૂલી શકું તને ?’

આમ જોઈએ તો એનું કહેવું યોગ્ય હતું. અને એની પ્રેમ કરવાની રીત અલગ હતી એ પણ હું જાણતી હતી. તેમ છતાં ખબર નહીં કેમ મન માનતું નહીં. કોઈ માણસ તમને ચાહતું હોય તો પોતાના બધા કામ મુકીને તમારાથી વાત કરવા ઈચ્છે...એવું હું માનતી.

‘તું મને ભૂલી રહ્યો છે અવિ...’

‘એવું નથી અનુ, તું ખોટું વિચારે છે.’

‘તો છોડી દે ને આ કામ...’

‘ક્યાંક ને ક્યાંક કામ તો કરવાનું જ છે ને અનુ. તો છોડીને શું મતલબ ?’

‘પણ તું કામમાં એટલો તો ડૂબી જાય છે કે તને મારી યાદ પણ નથી આવતી.’

‘એવું મેં ક્યારે કહ્યું ? યાદ તો આવતી હોય છે યાર. પણ કામ મુકીને વાત તો ના કરી શકું ને...’

અને હું ગુસ્સામાં ચાલી નીકળી હતી. સાચું કહું તો મને જવું નહોતું. અવિથી દૂર જતા માંડ માંડ પગ ઉપડતા હતા. મનમાં થતું હતું, અવિ પાછળથી આવીને મને રોકી લે. મને ભેટીને કહે: અનુ પ્લીઝ મને એકલો છોડ નહીં. મને તારા વગર નથી ચાલતું... પણ એણે એવું કર્યું નહીં.

વરસાદ ચાલુ થઈ ગયો હતો. હું રસ્તા પર ચાલી જતી હતી. અંદર કંઈક તૂટતું હતું. જેની ધાર વાગતી હતી. ક્યારેય વિચાર્યુય ન હતું કે આવું બનશે. અવિના અલગ થવાના વિચાર માત્રથી જ હૈયું ભરાઈ આવતું હતું... પણ હવે કંઈક એવી જ પરિસ્થિતિ સામે દેખાઈ આવતી હતી.

પાંચ દિવસ સુધી અમે વાત કરી ન હતી. એ જ સામેથી આવ્યો હતો. તેમ છતાં હું તો ગુસ્સામાં જ હતી.

‘કેટલા દિવસ સુધી રિસાઈને રહેવું છે ?’

‘તું મારા વગર રહી શકે એટલા દિવસ.’

‘એવું ? કોફી પીવા જઈશું ?’

અમારા બંને વચ્ચે કંઈક એવું જ ચાલ્યા કરતુ... ક્યારેક એના કામથી હું રિસાઈ જતી ક્યારેક મારા ગુસ્સાથી એ રિસાઈ જતો.
એવું ક્યારેય નથી બન્યું કે અવિ મારો બર્ડે ભૂલી ગયો હોય... દર વખતે એ રાત્રે બાર વાગ્યે ફોન કરીને વિશ કરતો... પણ આ વખતે એ ભૂલી ગયો હતો...હું મોડે સુધી જાગી હતી... પછી આંસુ ગાલ પર જ બાઝી ગયા હતા.

સવારે દસ વાગ્યે ફોન આવ્યો હતો...સોરી યાર અનુ, એક મહત્વના પ્રોજેક્ટ માટે સતત બે રાત જાગ્યો હતો. કંપની માટે એ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો હતો. સોરી અનુ...

એ મળ્યો ત્યારે કંઈ કેટલુંય કહ્યું હતું એણે. એની આંખોમાં એ જ પ્રેમ હતો, જે આટલા સમયથી હું જોતી આવતી હતી. પણ ખબર નહીં કેમ મન માનતું નહીં. ઘણાંય બ્રેક-અપ જોયા હતા. ક્યારેક તો ખૂબ લાંબા ચાલેલા પ્રેમ પ્રકરણના પણ બ્રેક-અપ સાવ નજીકથી સમજ્યા હતા... દોસ્તોના... કદાચ તેથી પણ મન સ્વીકારવા તૈયાર નહોતું જ.

આ એ જ અવિ તો નથી જ એવું લાગ્યા કરતુ. એનો પ્રેમ અકબંધ છે... એવું માની લઉં તો પણ એવા ઘણાં કારણો હતા જે એનો છેદ ઉડાડી દેતા હતા.

મેં ઘણીવાર સાંભળ્યું હતું કે સ્ત્રીઓની પ્રેમ કરવાની રીત જુદી હોય છે. સ્ત્રી જેને ચાહે છે તેને ખૂબ આત્મીયતાથી ચાહે છે.

જયારે પુરુષના પ્રેમમાં થોડો ભેદ રહેલો છે. તે એક સ્ત્રી જેટલું ન ચાહી શકે. એટલે ક્યારેક જાતને મનાવતી કે આવું જ હશે કદાચ. હું વધારે પડતી અપેક્ષા તો નથી રાખી રહી ને ?

પણ મારી અપેક્ષાઓ ક્યાં એટલી મોટી હતી ? એ દિવસમાં માત્ર બે વખત ફોન તો કરી શકે ને ? એને ખબર તો છે કે હું એના વગર સાવ એકલી અધુરી છું. મેં આ વાત એને ઘણીયે વાર કહી પણ છે... અવિ તું મારાથી દૂર ભલે જાય પણ ફોન કરવાનું ભૂલતો નહીં. એ મારા માટે એટલું તો કરી જ શકતો હતો ને ?

એક વખત અવિ મનાલીથી પરત ફર્યો હતો. ઘણા દિવસ પછી એ સાંજે અમે મળ્યા હતા. કોઈ કામથી એ ત્યાં ગયો હતો. જો કે એની સાથે બીજા પાંચ જણની ટીમ પણ ગઈ હતી. મેં એના મોબાઈલમાં એક ફોટો જોયો હતો, એક છોકરી સાથે. અને મેં એને પૂછ્યું હતું...

‘અવિ તમે કામથી ગયા હતા કે ટૂર પર ?’

‘કામથી જ ગયા હતા કેમ ?’

‘પણ આ ફોટામાં તો તમે ફરવા ગયા હોય એવું લાગે છે !’

‘અચ્છા, આ ફોટો... એ તો એક સાંજે મિત બધાને જબરદસ્તીથી લઇ ગયો હતો. જો આ મિત છે અને આ નૈના...’

‘અને તે મને કહ્યું પણ નહીં ?’

‘આમાં કહેવા જેવું શું હતું...આ કોઈ મોટી બાબત થોડી છે ? અનુ તું પણ...’

‘તું સાવ બદલાઈ ગયો છે અવિ.’

સતત બે દિવસ એ વિચારો મારા મગજમાં ઘુમેરાયા કર્યા હતા.

પહેલા તો એ સાવ નાની નાની વાતો મને કહેતો અને હવે ? હું પૂરા પાંચ દિવસ તેનાથી બોલી ન હતી. એના ફોન ગમે ત્યારે રણક્યા કરતા. કંઈ કેટલાય મેસેજ પણ એણે કર્યા હતા. મેં કોઈ જવાબ નહોતો આપ્યો.

એ દૂર જઈ રહ્યો છે તો મારે પણ થોડું દૂર રહેતા શીખવું પડશે. મને ખબર છે આ અઘરું છે. પણ મારે કરવું પડશે. કદાચ એવું બને કે અમારે સાવ અલગ થવાનું થાય... તો પણ મારે એ માટે તૈયાર રહેવું પડશે.

આ પાંચ દિવસોમાં મેં એનાથી દૂર રહીને અનુભવ્યું હતું કે મને અવિ વગર ચાલવાનું નથી. એના વગર જીવવાનું અશક્ય હતું. આ પાંચ દિવસોમાં મેં એ પણ અનુભવ્યું હતું કે હું તેને કેટલો ચાહતી હતી. એના વગર બધું અધૂરું લાગતું હતું. ક્યાંય મન લાગતું નહીં. બસ એના જ વિચારો ચાલ્યા કરતા. આંખો વારે વારે છલકાઈ આવતી હતી. મનને મનાવતી કે એના વિશે નહીં વિચારું. પણ... તેમ છતાં એના વિચારો જ મને ઘેરી વળતાં હતા. જેમ ધાગા એકબીજામાં ગૂંચવાઈ જાય એમ અવિ મારી જિંદગીમાં ગૂંચવાઈ ગયો હતો.

એ પછી તે અનાયાસે મને મને મોલમાં મળી ગયો હતો.

‘અનુ યાર તું શું કરે છે ? કેટલા ફોન કર્યા, મેસેજ કર્યા ? તું આવું કરે એ મને નથી ગમતું.’

એ બોલ્યે જતો હતો. હું ચુપચાપ સાંભળતી હતી. એના ચહેરા સામે એકીટશે તાકી રહી હતી. એ કંઈ કેટલુંય બોલી ગયો હતો. એમાંથી અડધું તો મેં સાંભળ્યુંય નહીં હોય... હું એના ચહેરાને વાચવાની મથામણ કરી રહી હતી. મને ક્યાંય એ આંખોમાં, ચહેરામાં છલ જેવું લાગ્યું નહીં.

આ અવિ તો એ જ હતો. જેને હું ઓળખતી હતી. જે મને ખૂબ ચાહતો હતો. જેની સાથે હું જીવવા માંગતી હતી. મારી નસે નસમાં સમાયેલો હતો એ જ અવિ...

તો ક્યાં શું ખૂટતું હતું ? ક્યાં અધુરાશ હતી ? એવું શું હતું જે અમને બંને ને અલગ કરતુ હતું ? સવાલો ઘણાં હતા પણ જવાબ હતા નહીં.

મારી ભૂલ થતી હતી અવિને સમજવામાં ? કંઈ પણ કહો અમારા રિલેશનમાં થોડો બદલાવ તો આવ્યો હતો. પહેલા જેવું રહ્યું ન હતું. કંઈક અલગ લાગતું હતું બધું. અવિને જોતી મળતી ત્યારે એવું લાગતું નહીં. જાણે એવું લાગતું કે બધું બરોબર તો છે.
આમ જોઈએ તો આ ઝગડાના કારણો સાવ ક્ષુલ્લક જેવા લાગતા હતા. આ બાબતો સાવ નાની હતી. પણ પ્રેમના આરે ઊભીને જુઓ એટલે મોટી લાગવા માંડતી.
એવું ન હતું કે અવિને હું જાણતી ન હતી. એના રોમ રોમને હું ઓળખતી હતી. હું એ બધું જ જાણતી હતી જે અવિમાં હતું, જે અવિ હતો... પણ તેમ છતાં મને એમાં બદલાવ આવ્યાનું લાગતું હતું. એવું હું સ્પષ્ટ અનુભવતી હતી. એક દૂરી તો અમારી વચ્ચે આવી હતી. એક તિરાડ તો પડી જ હતી અમારા સંબંધમાં. જે ભરવા માટે થોડો સમય લાગે કદાચ. પણ કોશિશ તો બંને જાણે કરવાની હતી.

પણ ક્યારેક આપોઆપ બધું બનતું જતું હોય છે. આપણા હાથમાંથી બધું સરકતું જતું હોય છે. ગમે તેટલી કોશિશ કરવા છતાં આપણે બધું જ વ્યવસ્થિત કરી શકતા નથી અને એવું બનતું રહ્યું હતું અમારી વચ્ચે.

જેમ કપડામાં કાણું પડે અને ધીમે ધીમે તે કપડું ફાટવા લાગે એવું જ કંઈક અમારી બેની વચ્ચે બની રહ્યું હતું.

એવું ન હતું કે મેં કંઈ કોશિશ જ ન કરી હોય કે અમારી વચ્ચે બધું બરાબર થઇ જાય. એવું નહોતું કે હું માત્ર એના જ ફોનની રાહ જોતી બેસી રહેતી. હું કરતી ફોન. મને લાગતું કે ફરિયાદો કરવા કરતા વાતો કરશું તો કદાચ બધું પહેલા જેવું થવા લાગશે... થઇ જશે... હું ફોન કરતી ત્યારે મોટે ભાગે તો એનો ફોન વ્યસ્ત હોય... પછી ફોન કરું એવો મેસેજ કરે ક્યારેક. અને વાતો કરે તો પણ વચ્ચે-વચ્ચે કોઈના ફોન આવતા રહે... ઓફિસમાં કોઈને કોઈ આવતું રહે. મારી સાથે વાત કરતા કરતા એના કામની વાતો પણ ચાલુ જ હોય. મને એ ગમતું નહીં.
હું વાત કરું ત્યારે અવિ માત્ર મારી સાથે જ વાતો કરે, મારો જ બની રહે એવી અપેક્ષા રહ્યા કરતી...
પછી મેં સામેથી ફોન કરવાના બંધ કરી દીધા હતા. એનો ફોન આવે તો ક્યારેક ઉપાડતી નહીં. ક્યારેક ગુસ્સામાં કહી દેતી... કામમાં છું... પછી દુઃખી થઇ રડ્યા કરતી...

અમારી વાતો ઓછી થવા લાગી હતી એમ મુલાકાતો પણ ઓછી થવા લાગી હતી. ક્યારેક સાંજે મળતા એ જ બસ. મારા આવા અતડા વર્તન વિશે એ પૂછ્યા કરતો. પણ હું કંઇ જ નથી એમ કહ્યા કરતી. મારે જોવું હતું એને દુઃખ પહોચે છે કે કેમ... એ રેખાઓ એના ચહેરા પર હું સ્પષ્ટ જોઈ શકતી હતી. મનમાં ખુશ પણ થતી.

અને એક વખત એવું બન્યું કે જેણે બધું જ ખતમ કરી દીધું..(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED