એક અધૂરી દાસ્તાં... - 5 Hukamsinh Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અધૂરી દાસ્તાં... - 5

5.

કોફી પીતા આગની બાજુમાં એક પાથરણ પર અમે બેઠા હતા. ચારેબાજુ સુનકાર હતો. પૂનમની શિયાળાની ઠંડી રાત... અને હું અને અવિ...

એને સમજાયું કે મને ઠંડી લાગી રહી છે. એણે પોતાનો જેકેટ ફિલ્મી હીરોની જેમ મને પહેરાવ્યો.

‘તારા હર દુઃખમાં હું ભાગીદાર હોઈશ અનુ.’

‘અને ક્યારેક બદલી જઈશ તો ?’

‘તને ખબર છે એવું બનવાનું નથી. પણ હું ક્યાંક ખોવાઈ જાઉં તો મને શોધી લેજે અનુ.’

મેં એનો હાથ જોરથી પકડ્યો હતો. એના સંગાથમાં સુખ મળતું. એ જાણે પ્રેમની નદી હોય એમ હું એના પ્રવાહમાં તણાતી જતી.

પ્રેમમાં એક અલગ મજા હોય છે. તમને બધું જ રંગીન લાગવા માંડે છે. બીજી કોઈ વ્યથાઓ તમને સ્પર્શી શકતી નથી. તમે બધું હારીને પણ જીતી જાઓ છો.

અમે નદી કિનારે ફરતા ત્યારે અવિનાશ મને તેની પીઠ પર ઉચકી લેતો.

‘તું આમ ક્યાં સુધી મને ઉપાડીને ફરીશ અવિ.’

‘જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી.’

‘પણ એ તો બહુ લાંબી છે...’

‘તું સાથે હોઈશ પછી નહીં લાગે.’

સાચું હતું અવિનાશનું કહેવું. અમારી જિંદગી સાથે સાથે આસાનીથી વીતી જવાની હતી. કારણ કે એમાં માત્ર પ્રેમ હતો. શાશ્વત સત્યના પ્રશ્ન જેવો... અને ગંગાના જળ જેવો પવિત્ર...

કોલેજ પછી અવિનાશે એક કંપનીમાં જોબ શરુ કરી હતી. અમે જે મળતા, વાતો કરતા, સાથે સમય વીતાવતા એ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું. એને કામ બહુ રહેતું... પછી એ થાકી જતો. પહેલા અમે જે રાતભર બેસીને વાતો કરતા એ આમ કહું તો સાવ જ બંધ થઇ ગયું હતું.

એ જયારે મળતો ત્યારે મોટે ભાગે તો એનો ફોન ચાલુ જ રહેતો. પ્રોજેક્ટને લઈને તે ડિસ્કસ કર્યા કરતો. ક્યારેક તો એવું બનતું કે હું બેસી રહેતી ને એનો ફોન ચાલુ જ હોય... હું ઉઠીને ચાલી જતી. વાતોમાં પણ એના કામનું ભારણ રહેતું.

એને ઘણીવાર બહાર જવાનું થતું. ક્યારેક તો બે દિવસ સુધી એના ફોન બંધ આવતા. અને ફોન કરે તો પણ એના કામની વાતો એમાં સામેલ હોતી. મને એવું લાગતું કે અવિ અમારી વાતો કરે તો સારું... મને એનું આવું વર્તન સાવ અલગ લાગતું. મને એવું લાગતું કે અવિ જાણે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે.
જે એક દિવસ પણ વાત કર્યા વગર ન રહી શકતો એ બે બે દિવસ વાતો કર્યા વગર ચલાવી લેતો... હું ફોન સામે કાન રાખીને આડી પડી રહેતી. કોઈ મેસેજ પણ નહીં. એવું તે કામ પણ શું કામનું. જયારે જાગતી ત્યારે પહેલા મોબાઈલ ચેક કરતી પણ કોઈ મેસેજ ના હોય. આંખો ભરાઈ આવતી. તેની વાત યાદ આવી જતી. ક્યારેક ફોન ના આવે તો સમજી જવાનું અનુ, કામમાં હોઉં તો ન થઇ શકે.

હું નિરાશ રહેવા લાગી હતી. મને સમજાતું નહીં કે અવિને શું થયું છે. જયારે પૂછતી ત્યારે કહેતો...

‘તું એવું શા માટે વિચારે છે ? આ તો બસ થોડું કામ હોય એટલે જ... એવું કંઈ વિચારીને દુઃખી થતી નહીં... તું સાંભળે છે ને અનુ... હું તને ચાહું છું અનુ... જેમ શ્વાસ લઉં છું એમ...’

હું રડી લેતી. ક્યારેક મનને મનાવી લેતી... અવિ મને ચાહે છે, એ મારાથી ક્યાંય દૂર જવાનો નથી. હું વધારે પડતું મનમાં લઇ લઉં છું.
અવિ ન હોય એટલે હું ક્યારેક ચિત્ર કરી લેતી. અથવા તો કોઈ ફિલ્મ જોઈ લેતી. અને હું એને ચિત્ર બતાવતી ત્યારે તે ખૂબ ખુશ થઇ જતો.

‘અરે વાહ ! મારી અમૃતા શેરગીલ, ચિત્ર તો મસ્ત બન્યું છે. પણ આમાં આ સ્ત્રી ક્યાં બેઠી છે ? ક્યાંક તાકી રહી છે... જાણે એની આંખો ક્યાંક દૂર સુધી તાકી રહેલી દેખાય છે... અને આમ જોઈએ તો જાણે એ ક્યાંય જોતી જ નથી ! તને કઈ રીતે આવું ચિત્ર બનાવવાનું સૂઝ્યું ?’

‘ખબર નહીં. બની ગયું.’

એણે સાવ મારી નજીક આવીને કહ્યું હતું: ‘હું ના હોઉં ત્યારે તું આમ તો નથી બેસી રહેતીને ? એવું કંઈ વિચારતી નહીં હા... તને એવું લાગે ને કે હું તારી પાસે નથી તો આંખો બંધ કરીને મને યાદ કરી લેજે. હું તારી આસપાસ જ હોઈશ... સાવ નજીક...’

થોડા દિવસો સાવ શાંતિથી જતા. પણ ફરી પાછી એ નિરાશા મનને ઘેરી વળતી. આ અવિનાશ સાવ અલગ લાગવા માંડ્યો હતો. એ મને હવે પહેલા જેટલું નહીં ચાહતો હોય ? એ મને ભૂલી જવા માંગતો હશે ? મારાથી અલગ થવા માંગતો હશે ? ના. ના. એવું ન હોઈ શકે. અવિ મને ચાહે છે... ખૂબ ચાહે છે. એ મારા વગર ન જીવી શકે. એના પ્રેમને હું સમજી તો છું, પામી તો છું... એ તો કામનું ટેન્શન હોય એટલે...

અને અવિ કહે છે એમ... પ્રેમ ક્યાં કહેવાની વસ્તુ છે. એ તો અહેસાસ છે. એને માત્ર મહેસુસ કરવાનું...બસ.

તે ત્રણ દિવસ માટે બહાર ગયો હતો. એમાં એક જ વાર એણે વાત કરી હશે. એ જયારે પાછો આવ્યો ત્યારે બે દિવસ હું એને મળી જ નહીં. ફોન પણ મેં બંધ રાખ્યો હતો. અને હું એને મળી ત્યારે...

‘આ શું છે અનુ ?’

‘શું ?’ મેં એને મળ્યાનો કોઈ ઉત્સાહ નહોતો દર્શાવ્યો.

‘યાર હું બે દિવસથી તારી રાહ જોઉં છું. ફોન ટ્રાય કરું છું. પણ, તારો ફોન જ બંધ આવે છે.

‘તો એમાં શું થઇ ગયું અવિ ?’ મેં રીશમાં જ કહ્યું હતું.

‘કેમ તને આમાં કંઈ અલગ નથી લાગતું ?’

‘ના...’ મેં એવા જ રોષથી કહ્યું હતું.

મેં નોધ્યું હતું... એ થોડીવાર મારી સામે જોઈ રહ્યો હતો... પછી ચાલ્યો ગયો હતો.

મને ખબર હતી એ રાતભર જાગ્યો હશે. થોડો રડ્યો પણ હશે. કારણ કે આ બાજુ મારી પણ એ જ હાલત હતી.

આ અમારો પ્રથમ ઝગડો હતો. એકવાર તો લાગ્યું હતું... જઈને એને બાથ ભરી લઉં. અને બહુ બધું રડી લઉં. અને કહી દઉં કે હું તારા વગર નથી રહી શકતી... પણ... કંઈક હતું જે રોકતું હતું. મને લાગ્યું કે શા માટે હું એના સાથે આવું વર્તન કરી બેઠી !
મેં એને દુઃખ પહોચાડ્યું હતું. જો કે એણે પણ મને દુઃખ તો પહોચાડ્યું જ હતું. ત્યારે સમજાયું નહોતું કે શા કારણે હું આટલી કઠોર થઇ શકી હતી !

બીજે દિવસે અમે મળ્યા ત્યારે એણે છુટ્ટી રાખી હતી. બંનેએ એકબીજાને સોરી કહ્યું હતું. હું રડી ત્યારે એણે મારા આંસુ લૂછ્યા હતા. અમે જાણે વધુ નજીક આવ્યા હોઈએ એવું લાગ્યું હતું..
પછી તો તે મને યાદ કરીને ફોન કરી લેતો. નહીતર મેસેજ તો કરી જ લેતો.

પણ... ક્યારેક એ મને માત્ર ફોર્માલીટી જેવું લાગતું. મેં એના પર જાણે આ થોપ્યું હતું. એને લાગતું હશે... હું રીશાઈ જઈશ... એટલે તે યાદ કરીને ફોન કરી લેતો. જો કે મને આવું ગમતું નહીં. એને જયારે હું દિલથી યાદ આવું ત્યારે જ વાત કરે એવું હું ઈચ્છતી હતી... ભલેને પછી એમાં ઘણો સમય વહી જાય... (ક્રમશઃ)