Amrutni maa - 3 books and stories free download online pdf in Gujarati

અમૃતની મા - 3

અમૃત ૩

ભાગ: ૩

ખુશ થતો એ ઘરે આવ્યો ને બાને બધુ જણાવ્યું ,બા પણ ખુશ હતી કારણ અમૃત તેની ઓફિસ ખોલવાનો હતો.પણ આજે અમૃતે જોયું કે બાએ ડાયરી ન કાઢી ન રાત્રે લખ્યું !શું આ ખુશી નહોતી.બીજી સવારે બાએ કહ્યું ,”ભાઈ જગ્યા ગમી ગઈ હોય તો તારી રીતે ફર્નિચર ને વ્યવસ્થા કરાવી દે.” અમૃતે જણાવ્યું ,”બા સાનંદાશ્ચર્ય ની વાત છે કે એ ઓફિસ એકદમ મારા સ્વપ્ન ની જેમ જ તૈયાર છે.”બા મરક્યા ને કહે,”બેટા તો પણ શાલુને લઈ બરાબર જોઈ આવજે.”તે સાંજે શાલુ ના પરિવાર સાથે તે

ઓફિસ જોઈ આવ્યો.બધાને ખૂબ ગમી.કોઈ ખામી કઢાય તેમ હતી જ નહિ.

અખાત્રીજ નો દિવસ આવ્યો બધા જ ઓફિસના ઉદધાટન માટે નિકળ્યા.બાએ સુંદર સફેદ સિલ્કની ઉપર ગુલાબી ભરત વાળી સાડી ને ગળામાં મોતીની માળા ને કપાળે ચાંદલો કર્યો .તેમના ચહેરા પર નું તેજ ,જાજરમાન,

ને દ્રઢ મનોબળવાળી સ્ત્રીની એ છાપ કોઈ ન ભૂલી સકે.એ બા કેટલા વરસો પછી તૈયાર થઈ હતી કેટલી સુંદર દેખાતી હતી.જેની વરસોથી રાહ જોતી હતી એ દિવસ પણ આવી પહોંચ્યો હતો.શાલુ આજે આ રૂપ પહેલીવાર નિહાળી રહી હતી...!તેને લાગ્યું કે શું પોતાની ધારણા આ સ્ત્રી માટે ખોટી હતી?શું તે ખરેખર આ સ્ત્રીને જાણી નહોતી સકી?બા પાછળ સુરેશભાઈની ગાડી માં આવે છે ,આપણે પહોંચતા થઈએ કહી અમૃત નીકળ્યો.દિનેશભાઈએ રસ્તામાં ગાડી ઉભી રાખી મિઠાઈને ચાંદીના સિક્કા ખરીદ્યા.ઓફિસે પહોંચ્યા તો સુરેશભાઈ એકલા જ ઉભા હતાને સાથે જમુબેન ને માસીમા પણ બા નહોતી.અમૃતે સુરેશભાઈ ની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું .સુરેશભાઈ મલક્યાને અમૃતને કહ્યું,”આવ તને પહેલા આ જગ્યાના માલિકને મળાવી દઉં.તેમની સાથે બાજુની નાની ઓફિસમાં ગયા તો ખુરશી પર બા બેઠેલા હતા. આશ્ચર્ય સાથે અમૃત તેમને જોતો રહ્યો.બાએ તેને વહાલથી માથા પર હાથમૂકી આશિર્વાાદ આપી એક ફાઈલ આપી જેમાં આ ઓફિસના કાગળિયાને સાથે પેલી ડાયરી સોંપી દીધી.

બાના આશીર્વાદ ને ઓફિસના કાગળિયા મેળવીને અમૃતને લાગ્યું કે તેણે અમૃત મેળવી લીધું .એ સમજી શક્યો નહિ કે બાએ જગ્યા ની વ્યવસ્થા કરી કેવી રીતે?

તે સુરેશભાઈ ને જમુબેનની સામે આભાર વ્યક્ત કરી જોતો રહ્યો.તેને બા પ્રત્યે ખૂબ જ માન થયું .ઓફિસની બધી વિધી પતાવી એટલે દિનેશભાઈએ સરૂબેન ને પ્રણામ કરી ને એમના હાથમાં ચાંદીના સિક્કા મૂકી ને કહ્યું કે,”બેન હું ધન્ય થઈ ગયો કે મારી દીકરી શાલુને આત્મસમ્માનની ગરિમા સમજાવનાર મા મળી છે.હું ઈચ્છું છુ કે આ ચાંદીના સિક્કા નું વિતરણ તમારે હસ્તે થાય.”

બાએ તે પૂર્ણ કર્યુ ને શાલુને પાસે બોલાવી ને લગ્નની તારીખ જોવડાવવા કહ્યું .

અમૃત બધાના વિખરાયા પછી શાંતિથી વિચારવા લાગ્યો કે તેને કેમ ઓફિસને તેનું ફર્નિચર આત્મિય લાગ્યા હતા.બાની સમજદારી નીચે બનેલું આ ફર્નિચર એની પસંદગીનું હતું ..તેની જ ઈચ્છા મુજબની આ ઓફિસ દરવાજાથી લઈ પોતાને બેસવાના ટેબલ ખુરશી એની જ રીતે ઘડેલા હતા.એ સાંજ સુધી બધુ પરવારી એજ ખુરશી પર બેસી ડાયરી ને ખોલી વાંચવા બેઠો.પહેલા પાના પર જ “અમૃત સમાન દીકરા અમૃતને”

વાંચી તે ગદગદ થઈ ગયો.

હું અમૃતની બા બની શકીશ કે નહિ?એ તો દોઢ વરસનો હતો ,એ ક્યા ઓળખતો હતો મને...માનું વાત્સલ્ય જ શોધતો હતો.પતિએ પણ લગ્ન સમયે કહ્યું જ નહોતું કે તે એક બાળકના પિતા છે.પહેલી પત્ની ક્યાંક જતી રહી હતી તેમને મૂકીને..હશે કરી મે એ બાળકને છાતીએ વળગાડી દીધું હતું .

(ડાયરી તારીખ વગરની હતી...એ જોતા અમૃતને થયું બાએ ડાયરી નહિ મનની ખુશી નાખુશીજ વ્યક્ત કરી છે)

(આ પહેલું પાનું જ કેટકેટલું કહી ગયું કે હુ બાનો દીકરો નથી,પણ ક્યારેય જિંદગીના આ ચોવીસ વરસમાં મેં જાણ્યું જ નહિ...બા મારી સગી જનેતા નથી.)

બીજા બધા પાનાંમાં બાનો હરખ હતો તો ક્યાંક એકલતા હતી.

એક પાના પર કંઈક આ લખાણ હતું અમૃત મોટો થઈ ગયો છે,મારો ધંધો પણ સારો ચાલે છે હવે તે કોલેજમાં જશે કંઈ લાઈન લે છે એ પ્રમાણે એના માટે મારે રોકાણ કરવું જોઈએ પણ શાળામાંથી હારીજ ગયો ત્યારે તે કેમ થોડો થોડો બદલાયેલો લાગ્યો હતો.આજે મને જ કેમ હારીજ જવાનું મન થાય છે..

જઈ આવી હારીજ જે જાણ્યું એનાથી કોઈ આશ્ચર્ય ન થયું પણ એક બેન જેવી બેન ઘરે લઈ આવી મારા પતિની પહેલી પત્ની...હા અમૃતની સગી મા.મારૂ મન કહેતું હતું કે અમૃતને જણાવી દઉ પણ બેને ના કહી કે સાચી મા તમેજ છો સરૂબેન..!સાચુજ હતું મે જન્મ નહોતો આપ્યો પણ પગલે પગલે લાડ પ્યાર દાંટથી મોટો તો મે જ કર્યો હતો.છતા હક નથી જમાવતી તેથી જ બેને માસીમાની ઓળખ આપવાનું કહ્યું એ મંજૂર રાખ્યું ને આમ જોવા જાઓ તો મા કરતા માસી સવાઈ જ હોય છે.

(અમૃત તો વાચતાની સાથેજ ખુરશી પરથી ઉભો થઈ ગયો ...આંટાફેરા કરવા લાગ્યો અરે આતે બા કે દેવી મને તો મને પણ મને તરછોડી ચાલી ગયેલી સ્ત્રીને પણ સગીબેનની જેમ રાખી!)

પાના ઉથલાતા ગયા ને બાના સુખ દુખ એકાંત ને એ જીવનમાં ઉતારતો ગયો.બાના ધંધાની ઊંચાઈ તો તેના ભાવી સસરા કરતા પણ વિશાળ હતી.

અંતિમ પાના પર ક્ષમા યાચના હતી કે ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો બેટા માફ કરજે. ક્યારેય નહોતુ કહેવું કે હું તારી સગી મા નથી પણ મારા મૃત્યુ પછી તુ તારી માસીમા ને અન્યાય ન કરી બેસે તેથી જ જણાવ્યું છે.મારી ઇચ્છા છે શાલુ ને રસ હોય તો તે મારો વિકસાવેલ ધંધો તેના આર્ટ દ્વારા ને ઋચી દ્વારા આગળ વધારે.શું તે તારી જીવનસંગીની બને તો મારા ધંધાની પણ પાર્ટનર બની શકે...?

(અમૃત બાની દીર્ઘ દ્રષ્ટિ જોઈ ખરેખર આશ્ચર્ય માં પડી ગયો, સમજુ બા કોઈની પર નિર્ભર ન રહેવા માંગી ને શાલુને પણ પગભર કરવા માંગતી હતી)

ડાયરી ને પગે લાગી સાચવીને તેણે લોકરમાં મૂકી ઉઠ્યોને આમથી તેમ આંટાં મારી અંતિમ નિર્ણય કરી તે ઘરે ગયો.બા ને માસીમા બેઠા હતા.ત્યા આવી બાના પગ પાસે બેસી તેણે માથું ખોળામાં મૂકી ને શાંતિથી આંખો ઢાળી દીધી.બા એ પૂછ્યું ,”થાકી ગયો દીકરા?”

અમૃતનો જવાબ હતો “*ના બા તમારો અમૃત તો જીવન નું અમૃત પીને અમરત્વ પામી ગયો.”માસીમાની ને બાની આંખમાં અમી છાંટણા વરસી પડ્યા.


જયશ્રી પટેલ

(સંપૂર્ણ)

૭/૧૧/૧૯

બીજા રસપ્રદ વિકલ્પો