ખાંડણિયાં માં માથું ને... Mona Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ખાંડણિયાં માં માથું ને...

ઓહો... ! બે વાગ્યાં માં દશ મિનિટ ની જ વાર છે.. તેમ કહેતી રિયા ઝડપથી કોટ – શૂઝ ચઢાવી, પર્સ અને કાર ની ચાવી લઇ ભાગતી હોય તેમ ઘર નો દરવાજો લોક કરીને કાર ભણી દોટ મૂકી. જ્યાંની એપોઇન્ટમેન્ટ છે તે સ્થળ ઘર થી આશરે પંદર મિનિટ થી વધારે દૂર છે તે રિયા એ કાર માં સેટ – નાવ ચાલુ કર્યું ત્યારે જોઈને મન માં બબડી કે, “ગમે તેટલું સમયસર પહોંચવાની ટ્રાય કરો ખબર નહિ હમણાં બધે મોડું જ પહોંચાય છે..!” આમ વિચારતી કાર ને પહેલાં ગિયર માં નાંખીને એક તીણી ચિચિયારી સાથે કાર ને ભગાવી.
રિયા દેસાઈ – જે એક ‘પત્ની’ તથા ‘માં’ હોવાની સાથે “વર્કિંગ વુમન” પણ છે અને તેથી જ ચોવીસ કલાક નો દિવસ પણ ક્યારેક તેને ઓછો પડે છે. તેનો પતિ અમિત દેસાઈ શહેર ની એક બેંક માં સારા હોદ્દા ઉપર નિમણુંક પામેલ; જે સવારે તૈયાર થઈને જોબ પર જવા માટે નીકળી જાય. સંતાન માં એક તેર વર્ષ નો પુત્ર આદિત્ય હાઈસ્કુલ માં આઠમાં ધોરણ માં અભ્યાસ કરે. રિયા સવાર થી જ ભમરડા ની જેમ ઘર માં ફરતી હોય..એલાર્મ વાગવા છતાં ન ઉઠતાં પુત્ર ને પ્રેમ થી ઉઠાડી ને ઝડપ થી તૈયાર થવા કહેતી..તો પતિ ની ચા બનાવતી અને આદિ ને તેનો બ્રેકફાસ્ટ આપીને ફટાફટ અમિત નું લંચબોક્સ પેક કરતી રિયા ને જોવાનો પણ એક લ્હાવો છે. દરેક કામ આટોપતાં બંન્ને હાથ જે ઝડપે ચાલતા હોય તે કરતાં વધું ઝડપે ઘણીવાર તેની ‘ધાણી ની જેમ વાણી’ ફૂટતી હોય છે. – “આદિ, તને કેટલીવાર મેઁ કહયું છે કે રાતે થોડો વ્હેલો સુઈ જાય તો સવારે ટાઈમસર ઉઠી શકે. ઉઠી ને પણ તું ‘ગોકળગાય’ ની ગતિએ તૈયાર થાય છે; તું સ્કુલે લેટ પહોંચીશ.’’ અને સામે એટલી જ ઠંડક થી આદિ કહેતો, “chill mum...I won’t be late. But by the way.. what is “Gokalgaay”....???” - આ સાંભળી ને રિયા ની ફરિયાદી સુર ની બંધૂક અમિત તરફ તણાતી અને બે-ચાર “ઘા” તો અમિતે કોઈવાર સામી છાતી એ તો કોઈવાર પીઠ પર ઝીલવા જ પડતાં.
રિયા નો જન્મ અને ભણતર સાથે ઉછેર ભારત માં થયેલ પરંતુ ગ્રેજ્યુએશન બાદ અમિત સાથે લગ્ન થતાં ઇંગ્લેન્ડ નાં લેસ્ટર શહેર માં સંસાર માંડ્યો. આશરે ચૌદ વર્ષો નાં ગાળા માં ત્રણ-ચાર જોબ બદલાવેલ પરંતુ કઈંક નવું કરવાની ધગશ ધરાવતી હોવાથી થોડા સમય પહેલાં રિયા એ “સોશિયલ વર્કર” બનવાં માટે નો કોર્ષ પૂરો કરેલ અને નસીબ જોગે શહેર ની કાઉન્સીલ માં સોશિયલ વિભાગ માં જોબ મળી ગયેલ. સ્વભાવે ૠજુ રહદય ની પરંતુ દરેક કામ માં થોડી વધું પડતી ચોકસાઈ નાં આગ્રહ ને લીધે તેની નાની-નાની વાતો માં ફરિયાદ ની રેકર્ડ ચાલુ રહેતી..! તેનો વધું ભોગ આદિત્ય તેનો પુત્ર બનતો. તેનાં સ્વાસ્થ્ય થી લઇ ને અભ્યાસ હોય કે પ્લે-સ્ટેશન પર ગેમ રમવાની બાબત હોય..રિયા ની શિખામણો ની “સુરાવલી” વહેતી જ હોય..!
અત્યારે તેને તેનાં જોબ નાં ભાગ રૂપે જ કોઈ નાં ઘરે ‘હોમ-વિઝીટ’ માટે જવાનું હતું. તે જોબ માં હજુ નવી હોવાથી તેની સિનિયર રેચલ ગિબ્સન કે જે એક અંગ્રેજ સ્ત્રી હતી અને સ્વભાવે ખુબ જ સારી હતી જે રિયા ને તેનાં કામ માટે ટ્રેઈન કરી રહી હતી. આજે, રેચલ સીધી જ તેને જયાં વિઝીટે જવાનું હતું ત્યાં મળવાની હતી. આથી, સમયસર પહોંચવા માટે રિયા એ કાર ને થોડી તેજ ગતિ થી ભગાવી. પરંતુ ઇંગ્લેન્ડ નો ડિસેમ્બર મહિનો ચાલતો હતો તેથી વાતાવરણ માં શિયાળા ની કાતિલ ઠંડી અનુભવાતી હતી. આગલી રાત્રે જ સ્નો પણ પડ્યો હતો, જેને લીધે રસ્તા થોડાં ‘સ્લિપરી’ બન્યાં હતાં. રિયા ની કાર એક-બે વાર સ્કિડ થતાં તેણે થોડી સ્પીડ ઓછી કરી પણ મન માં તો ફરિયાદો નો ધૂંધવાટ ચાલુ જ હતો કે, “ગેરેજ માં ગાડી સર્વિસ માં આપવાની છે, રિટર્ન માં ઘરે આવતાં થોડું ગ્રોસરી નું પણ શોપિંગ કરવાનું છે....ઓહોહો....!! ટ્રાફિક સિગ્નલ માં પણ અત્યારે જ રેડ લાઈટ થવાની હતી...!” – આમ, થોડી ઉશ્કેરાયેલી તે આખરે નિયત સ્થળે સમય કરતાં પાંચ-સાત મિનિટ મોડી પહોંચી. સમય માં પાબંધ એવી રેચલ ઘર ની બહાર રિયા ની રાહ જોતી હતી. ગાડી ઝડપથી પાર્ક કરીને થોડી નર્વસતા સાથે મોડા પડવા બદલ રેચલ ની માફી માંગી, તો સામે “It’s ok” કહી રેચલે પણ માયાળુ સ્મિત સાથે તેને માફી આપી દીધી.
ઘર ની ડોરબેલ વગાડતાં તુરત જ આશરે 27-28 વર્ષ ની લાગતી એક સ્ત્રી એ દરવાજો ખોલ્યો ને બંન્ને ને આવકાર્યા. દેખાવ થી અને પોશાક ઉપર થી તે સ્ત્રી ભારતીય લાગતા રિયા નો સંકોચ થોડો ઓછો થયો. બેઠકખંડ નાનો પણ સુઘડ હતો. સોફા-ટેબલ-ટી.વી. જેવાં ફર્નિચર ની સાથે ખૂણામાં એક નાનું મંદિર પણ હતું. દિવાલ પર કુટુંબીજનો અને બાળકો નાં હસતાં ચહેરાં “ફોટો ફ્રેમ” માં મઢેલાં જોઈને એક ‘સુખી કુટુંબ’ હશે તેવું સ્પષ્ટ દેખાતું હતું. રિયા ને મન માં થયું કે તો પછી આજ ની અમારી મુલાકાત અહીં શા માટે રાખવામાં આવી હશે..! તે જોબ માં નવી હોવાથી તેની પાસે અગાઉ થી કોઈ વિગતો આવી ન હતી.
સોફા પર બેસીને રેચલે પોતાની અને રિયા ની ઓળખાણ આપીને કેસ ની ફાઈલ ખોલીને રિયા ને થોડું સમજાવ્યું કે, “આ સ્ત્રી ને બે બાળકો છે જેમાંની તેની મોટી દિકરી જે સાત વર્ષ ની છે તેને પેટમાં કેન્સર ની ગાંઠ છે અને તેની સારવાર ચાલુ હોવાથી તેઓને કોઈ જાત ની તકલીફ હોય કે કોઈ મદદ ની જરૂર હોય તો તેનાં માટે આજે આપણે વાત કરવાની છે. આ સાંભળતા જ રિયા થોડી ધ્રુજી ઉઠી કે આટલી નાની ઉંમર ની બાળકી ને આવી ગંભીર બિમારી...!! ખેર..મન થોડું મક્કમ કરીને વાતચીત શરૂ કરી. રેચલે તે સ્ત્રી ને પ્રશ્નો પુછવાનું શરૂ કર્યું અને રિયા એ પોતાનાં નોટપેડ પર વિગતો ટાંકવાનું. વાતચીત ની શરૂઆત માં જ રેચલ ને અને રિયા બંન્ને ને લાગ્યું કે તે સ્ત્રી ને અંગ્રેજી માં વાતચીત કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેને જે કહેવું છે તે સમજાવી શકતી નથી. રેચલે તેને પૂછતાં જાણ્યું કે તે ગુજરાતી ભાષા જ બોલી શકે છે. આ સાંભળી ને રિયા એ કહયું કે, “હું પણ ગુજરાતી છું”. રેચલ ની સહમતી માંગી ને તેની સાથે ગુજરાતી માં વાત ચાલુ કરી. તે સ્ત્રી કે જેનું નામ લલિતા હતું તેણે થોડી હળવાશ અનુભવી. પોતાની જ ભાષા સામેવાળી વ્યક્તિ બોલી અને સમજી શકે છે તેનાંથી જે “પોતીકાપણા” નો ભાવ અનુભવાય છે તે ફક્ત પરદેશ માં જ મહેસુસ થાય છે. લલિતા એ તો રેચલ જે પ્રશ્નો પુછતી હતી તેનાં જવાબો ગુજરાતી માં રિયા ને આપવાના હતાં અને રિયા તેનું અંગ્રેજી માં ભાષાંતર કરીને રેચલ ને કહી રહી હતી. આ વાતચીત દરમ્યાન રિયા એ જાણ્યું કે, “લલિતા નાં બે બાળકો પૈકી મોટી દિકરી ને પેટ માં કેન્સર છે અને નાનો દિકરો કે જે પાંચ વર્ષનો છે તે શારરિક રીતે તો નોર્મલ છે પરંતુ માનસિક વિકાસ ઉંમર નાં પ્રમાણમાં ઓછો થયો છે. ઈશ્વર ની પણ કેવી ઈચ્છા કે એક બાળક માનસિક રીતે સંપૂર્ણ વિકસિત તો તેને શરીર ની ગંભીર બિમારી બક્ષી અને બીજું બાળક શારરિક રીતે એકદમ તંદુરસ્ત તો એનાં મગજ નો વિકાસ ઓછો કર્યો..! આ ઉપરાંત બંન્ને બાળકો ની આવી તબિયત માં લલિતા ને પુરો સાથ આપવાને બદલે તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો હતો. ઘર માં કમાણી કરનાર બીજું કોઈ નહીં અને બાળકો ની આવી તબિયત ને લીધે હોસ્પિટલ ની અવાર-નવાર એપોઇન્ટમેન્ટસ ને લીધે લલિતા પોતે જોબ કરી શકે તેમ ન્હોતી. આથી, આખરે તે પોતાનાં બાળકો સાથે તેનાં માતા-પિતા નાં ઘરે રહેવાં માટે આવી ગઈ. કુટુંબ ની થોડી હુંફ મળતાં જીંદગી ની સામે ફરી બાથ ભીડવા તૈયાર થઇ ત્યાં ટૂંકી માંદગી માં તેની માતા નું અવસાન થયું. ટૂંક સમય માં જ લલિતા એ અનુભવ્યું કે માતા નાં જવાથી હવે ભાભી નાં વાણી-વર્તન માં પણ ફેર પડી ગયો છે. ધીમે-ધીમે નાના-નાના મતભેદો મોટાં ઝઘડા નું સ્વરૂપ પકડવા લાગ્યાં. લલિતા પોતાની અને પોતાનાં બાળકો ની જરૂરિયાત ની વસ્તુમાં ખુબ જ ચીવટ રાખીને ઓછી રાખતી જેથી તે તેનાં પિતા અને ભાઈ પર વધું બોજ ન બને પરંતુ આમછતાં એક દિવસ બધાં ની હાજરી માં તેની ભાભીએ લલિતા ને બાળકો સાથે બીજે રહેવાં માટે ચાલ્યા જવાનું કહી દીધું. – રિયા તો સ્તબ્ધ બનીને લલિતા ની વાત સાંભળી રહી હતી. વચ્ચે-વચ્ચે રેચલ ને પણ અંગ્રેજી માં આ બધું કહેતી હતી. રેચલ ભલે અંગ્રેજ હતી પણ હતી તો આખરે સ્ત્રી ને...તે લલિતા ની ભાષા ન્હોતી સમજતી પણ તેની લાગણી, તેનું દુઃખ-દર્દ પૂરેપૂરું અનુભવી શકતી હતી. આથી, તેણે રિયા અને લલિતા ની વાત માં વિક્ષેપ પાડ્યાં વગર આગળ વધવાં દીધી.
સંજોગોવસાત, ત્યારે લલિતા નાં ભાઈ-ભાભી બંન્ને તેમની જોબ પર ગયેલ, પિતા કોઈ કામસર બહાર ગયાં હતાં અને બંન્ને બાળકો ઉપર રૂમ માં સુતા હતાં તેથી તે થોડી ખુલ્લા મને પોતાની વાત કરી શકી. લલિતા ની આપવિતી સાંભળી ને રિયા ને થયું કે, “હું તો આ સ્ત્રી ની કાંઈ જ સંબંધ માં નથી આમછતાં તેની પરિસ્થિતિ જાણીને મારું રહ્દય ભરાઈ આવ્યું તો તેની સગી ભાભી કે જે એક સ્ત્રી થઇ ને તેની સાથે આવું કઠોર વર્તન કેવી રીતે કરી શકે છે...?! – આ વિચાર આવતાં રેચલે લલિતા ને પ્રશ્ન ન્હોતો કર્યો છતાં રિયા થી લલિતા ને પુછાઈ ગયું કે, “તમારી વાત સાંભળીને મારું મન ભરાઈ આવ્યું. તમને પુછતા જીભ નથી ઉપડતી પણ હવે તમે શું કરશો..?” – આ સાંભળીને લલિતા નાં ચહેરાં ઉપર મ્લાન હાસ્ય લીંપાણુ, આંખો માં થોડી ભીનાશ તરવરી અને ઊંડી ગુફા માંથી અવાજ આવતો હોય તેમ ધીમે થી બોલી કે, “ખાંડણિયાં માં માથું ને.......“ બાકીનાં શબ્દો તે જાણે ગળી ગઈ પણ રિયા નાં રહ્દયે તેનાં વણકહ્યાં શબ્દો જાણે ઝીલી લીધાં કે, “રામ તું ધીરો કેમ...??? “
રેચલે જરૂરી વિગતો નોંધી અને લલિતા ને સધિયારો આપ્યો કે, સરકાર તરફથી મળતો ઘર નો આશરો મેળવવાની મદદ માં તે પોતાનાં થી બનતી પૂરી કોશિશ કરશે અને સમયાંતરે લલિતા નાં સંપર્ક માં રહી ને વહેલાસર તેને મુશ્કેલી માંથી બહાર લાવવામાં મદદ કરશે. મુલાકાત નો સમય પૂરો થયે રેચલે અને રિયા એ લલિતા નો આભાર માનીને રજા લીધી. રિયા પણ રેચલ સાથે બહાર ઔપચારિક થોડી વાતો કરીને છૂટી પડી.
પોતાની કાર માં બેસીને તેણે યંત્રવત કાર ચાલુ કરી અને પોતાનાં રસ્તે ચાલી..પણ મનમાં લલિતા નાં છેલ્લાં શબ્દો જ જાણે પડઘાતા હતાં કે, “ખાંડણિયાં માં માથું ને, રામ તું ધીરો કેમ...?” – સાવ સામાન્ય દેખાતી, ઓછું ભણેલી આ સ્ત્રીમાં અંદર એવી તે કેવી શક્તિ વહે છે કે આટલી મુશ્કેલી પડવાં છતાં ભગવાન ને પણ દોષ નથી દેતી અને ખુમારી થી કહે છે કે તું ગમે તેવું દુઃખ મારાં ઉપર નાંખ..હું તે સહન કરવાં તૈયાર બેઠી છું.”
રિયા એ પોતાની અંદર કઈંક બદલાતું અનુભવ્યું. આદિત્ય ને સ્કુલે થી પીક-અપ કરવાનો સમય થઇ રહ્યો હતો. રસ્તામાં પેટ્રોલ સ્ટેશને રિયા એ કાર માં પેટ્રોલ પુરાવ્યું અને આદિત્ય ની મનપસંદ ચોકલેટ ખરીદીને તેની સ્કુલે પહોંચી. થોડીવાર માં આદિ બહાર આવ્યો અને કારમાં બેઠો ત્યાં રિયાએ તે ચોકલેટ એક મીઠાં સ્માઈલ સાથે આદિત્ય તરફ લંબાવી. આદિ ને પણ થોડું આશ્ચર્ય થયું કે, “વાઉ...શું વાત છે આજે..!! નોર્મલી મમ્મી મને રોજ મળતાં ની સાથે પૂછે કે, “લંચમાં શું ખાધું.?, વૉટર બોટલ ફિનિશ કરી.?, આજે શું ભણાવ્યું વગેરે..વગેરે.. તેને બદલે તે એકદમ શાંત અને પાછી મારી ફેવરિટ ચોકલેટ પણ લાવી..! તો મારે તેનો આભાર માનવો જોઇએ આટલું વિચારી ને આદિએ પણ રિયા ને કહયું, “થેન્ક યુ મમ્મી.” રિયા એ વ્હાલ થી આદિ નાં માથે હાથ ફેરવ્યો અને કાર નાં ડેશ બોર્ડ ઉપર રાખેલ શ્રી ગણેશજી ની મૂર્તિ સામે જોઈને મનમાં બોલી.. “થેન્ક યુ જીંદગી”.