તેનો પરિચય આપવો મારા માટે થોડું મુશ્કિલ બની ગયું છે. જે લોકો માહી ને પહેલા થી જાણતા આવ્યા છે તેઓ આજે તેને ઓળખી નથી શકતા અને જે તેને હમણાં જાણે છે તેઓ પહેલા ની માહી ને ક્યારે પણ ઓળખી નહીં શકે. હું આપણી સમક્ષ એક પ્રયાશ માત્ર કરી રહી છું.
અહીં વાત કોઈ યુદ્ધ જીતી-આવનાર વીરાંગના કે,
સ્વબળે ખુબ મોટું સામ્રાજ્ય ઉભું કરનારી વ્યાવસાયિક મહિલા નથી.
અને હા સહનશીલતા ની મૂર્તિ એવી સામાજિક શ્રેઠ મહિલાની પણ વાત નથી.
ઘણા થોડા શબ્દો માં જણાવીયે તો ..
માહી માત્ર પોતાનો જીવન ઉદ્દેશ શોધનાર , વિપરીત દરેક પરિસ્થિથી હમેશા હારી ને જીતી જનાર, બધાથી વિરુદ્ધ રસ્તા પર ચાલવા લાગતી, ડગલે ને પગલે દરેક વિચાર પર પ્રશ્નચિહ્ન નોંધતી સામાન્ય યુવતી છે. માહી ને તેના શિવજી એ વિશ્વ ને જોવા માટે જાણે અલગ ચશ્મા દીધા હતા.
હા, શિવજીના વ્યક્તિવથી ખુબ પ્રભાવિત છે આપણી નાયકા.
********
દેશ- વિદેશના દરેક સમાચાર હોય કે રમત- ગમત , રાજકારણ હોય કે ફિલ્મજગત .. નાનપણ થી જ ન્યૂઝપેપર ને ખુબ ઊંડાણ પૂર્વક વાંચતી માહી સાદગી માં સુંદરતા નું ઉદાહરણ છે. સમય સાથે કાળો કલર તેનો પસંદીદા રંગ બની ગયો હતો . આજે પણ કાળા રંગની કુર્તી ને મહેંદી રંગની ચુડીદાર સાથે મેચ કરી માહી એકદમ પરફેક્ટ લાગે છે. તેના શણગાર ની લિસ્ટ માં માત્ર નાના ઝુમકા, બ્લેક વૉચ અને કાજલ આવે. ખભા સુધી ના તેના કર્લી વાળ હંમેશા ખુલ્લા જ જોવા મળશે. અંતમાં પગ માં કાળી મોજડી સાથે તેનો પ્રોફેશનલ લૂક પૂરો થઈ જાય છે.
એવું ન હતું કે તેને રંગ પસંદ નથી પરંતુ સમય અને અનુભવ સાથે એક અદ્યશ્ય દીવાલ પોતાની આસપાસસ ઉભી કરી લીધા પછી તેના મન માં રંગો, તેને હંમેશા ગમતા ઝાંઝર અને સુંદર દુપટ્ટાઓ નું મહત્વ ઘટી ગયું છે.
---------
સવારના ૯ વાગતાની સાથે જ ફોને પોતાની જરૂરી ફર્જ પુરી કરી અને ઓફિસ જવાની સૂચના આપી ત્યારે માહી સમાચારની દુનિયામાંથી બહાર આવી અને બાઈકની ચાવી લઈને ઘરથી બહાર નીકળી ગઇ. બારણા સુધી આવવાવાળા મમ્મી તેની સાથે ન હતા તો પણ રોજ પાછળ જોવાની આદત હજી સુધી હતી. માહી ઘર તરફ જોઈ રહી.
તેના સપનાનું આ નાનકડું ઘર રેલવે ક્વાર્ટરની યાદ અપાવતું હતું. વેલથી ઢાંકાયેલ ગૅઇટ, પથ્થરની પગદંડી ને મુખ્ય દરવાજા પર મંદિર જેવી ઘંટડીથી આખું ઘર જોવાનું મન થઈ જાય. બાળપણથી ઘર માટે જે લિસ્ટ તૈયાર કરી હતી એ લગભગ પુરી થઈ ગઈ હતી.
ઓફિસ ભલે ૧૦ વાગે હોય, આપણી નાયકાની ડ્યુટીતો ૯ વાગેથી જ ચાલુ થઈ જાય છે. રોજ રસ્તામાં કોઈ ને કોઈ રાહદારી મળી જાય અને માહી તેને મંજિલ સુધી મૂકી આવે. મંદિર પાસે બેસતા પેલા એક અજાણીયા ભાઈને રોજ માહીનું અડધું ટિફિન મળતું પણ ભગવાન અને તેની મુલાકાત રોજ નહોતી થતી. અંતે આપણી મેડમનો મનગમતા નારંગી રંગના ગુલાબ લઈને ઓફિસમાં પ્રવેશ થયો અને છવિનો રોજનો ટહૂકો પડ્યો
" બહુ વહેલા મેડમ ". હવે છવિને કોણ સમજાવે કે સમયને સાથે પાબંધ રહેવું તેના માટે કેટલું અઘરું છે.
છવિ માટે , - સાવ ઓછું બોલતી પણ પોતાની કલમ થી મોટા મોટા ને ચૂપ કરાવી દેતી, એકલા હાથે ઝગડી લે, પણ વાત વાત માં આંખોના ખૂણા ભીના થઈ જાય એવી , દરેકના સાથે પણ બધાથી અગલ, ચાલશેની ભાવના સાથે જીવતી પણ કંઈક કરવાની જીદ લઈને આગળ આવનારી તેની બેસ્ટ ફ્રેન્ડ , ગુરુ , સહકર્મચારી.. બધું માહી જ છે.
આવતા અઠવાડિયાની મેગેઝીનનો ખાસ વિષય આવી ગયો હતો.
છવિને માહીએ વિષય વિશે પૂછ્યું તો હેડ-ઓફિસથી આવેલો મેઇલ બતાવતા તે બહાર નીકળી ગઈ.
માહીએ વિષય વાંચ્યો ,
આજની આધુનિક સ્ત્રીઓના વિચાર. કેટલા હદે યોગ્ય/અયોગ્ય ?
અને કમ્પ્યુટરની સ્ક્રીન માહીને ઝાંખી દેખાવા લાગી.
ક્રમશ ***
Ⓒ દીપ્તિ " માહી "