Hostel Girl - 1 books and stories free download online pdf in Gujarati

હોસ્ટેલ ગર્લ -1

હોસ્ટેલ ગર્લ

~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~

********
પ્રકરણ - 1 : ટેક્ષી ડ્રાઈવર

હજુ તો સવાર ના 5 જ વાગ્યા હતા અને જોરથી અવાજ આવ્યો કે ચાલો સ્ટેશન આવી ગયું. આ બસ નો લાસ્ટ સ્ટોપ છે. હવે બસ આનાથી આગળ નહિ જાય. સિટી માં જવાવાળા અહીં જ ઉતરી જાવ.
“ભાઈ, મજુરા ગેટ જવું હોય તો?”, મેં બસમાં આગળ આવીને બસવાળા ભાઈને પૂછ્યુ.
“આ ઘરનાળા ની સામે બાજુથી તમને મજુરાગેટ સુધી જવા માટેની રીક્ષા મળી જશે.”
“થેન્ક યુ, ભાઈ!”, મેં બસવાળા ભાઈ નો આભાર માન્યો.
હું, નેહલ અને મિતાલી, અમે ત્રણેય બસમાંથી નીચે ઉતર્યું. બસવાળાએ પોદાર આર્કેડ ની બાજુમાં જ બસ ને ઉભી રાખી દીધી હતી. અહીંથી ઘરનાળુ તો દૂર હતું જ પરંતુ એની સાથે ઘરનાળાને વટીને સ્ટેશનની પેલી બાજુ જવું ખુબ જ અઘરું હતું.
હજુ તો ઊંઘ પણ પુરી થઇ ન હતી અને અધૂરી ઊંઘ સાથે 1 કિલોમીટર જેટલું ચાલી ને જવાનું હતું. થોડા આગળ ચાલ્યા એટલા માં મને ચાની કીટલી દેખાયી એટલે મેં નેહલ અને મિતાલી ને કીધું કે ચાલો ચા ની એક ચુસ્કી મારી લઈએ, એટલે શરીરમાં થોડી તાજગી આવી જાય અને એટલું ચાલવાનું છે તો એ પણ જલ્દી ચાલી જવાય.
“આને તો જયારે હોય ત્યારે ચા જ દેખાતી હોય”, નેહલે મિતાલી ને કહ્યું.
“સાચી વાત છે, આના લગન તો ચા વાળા સાથે જ થવા જોઈએ”, મિતાલીએ નેહલીને એની વાતમાં સાથ પુરાવ્યો.
“હું કઈ બોલું કે તમે બંને ચૂપ થશો”, મેં મિતાલી ને ઈશારો કરતા કહ્યું.
મિતાલી મારા ઈશારા ને સમજી ગઈ, પણ આ વાત કદાચ નેહલ ને ના સમજાયી. એના ચેહરા પર આ વાતને લઈને અસમંજસ દેખાઈ આવી રહી હતી.
“ઓયે, તમે બંને શું અંદરો અંદર ખીચડી પકાવો છો?”, નેહલ એ આતુરતાથી મિતાલી ને પૂછ્યું.
“અરે ના કઈ જ નથી”, મિતાલી એ વાત ને વાળી લેવાની કોશિશ કરી.
“ભાઈ, 3 કપ ચા આપો ને”, મેં ચા ની કીટલી વાળા ભાઈ ને કહ્યું.
“બેન, થોડી વાર લાગશે. હજુ મેં કીટલી ખોલી જ છે અને ચા ઉકળતા થોડી વાર લાગશે”, ચા વાળા ભાઈ એ કહ્યું.
“હા, કઈ વાંધો નહીં, ચાલશે. પણ ચા એકદમ મસ્ત કડક બનવી જોઈએ”
“અરે બેન, તમે એક વાર પીશો એટલે તમારી ઊંઘ ઉડી જશે.”
આટ્લુ સાંભળતા મિતાલી એ નેહલ તરફ ઈશારો કરતા બોલી, “અહીં તો કોઈકને આખી રાત ઊંઘ જ નથી આવી.”
“શું વાત કરે છે?”, મેં જાણતા જ અજાણ બની ને પૂછ્યું.
“હા, આપડી વચ્ચે અમુક લોકો એવા છે જ કે આજે આખી રાત સુતા જ નથી”, મિતાલી એ મારી આતુરતાનો સાથ પુરાવ્યો.
“એવું એમ, નેહલી! શું ચાલે છે આ બધું?”
“અરે કઈ જ નહિ, છોડ ને આ વાત ને”, નેહલ થોડું શરમાઈને બોલી.
“સારું ચાલો, તમારે તો વાત કઈ શેર જ ના કરવાની હોય તો ઠીક છે. અમે પણ હવે એવું જ રાખીશું કે જેવા સાથે તેવા.”.
“જો એવું ના બોલ, મેં એવું કઈ નથ કર્યું હો તારી સાથે કે તું મને આવું કહે.”, નેહલ એ મને કહ્યું.
મારી અને નેહલ ના ચાલી રહેલા વાર્તાલાપ માં મિતાલી નું ધ્યાન ન હતું. એનું ધ્યાન એના મોબાઈલ માં જ હતું. એ કદાચ કોઈ ની સાથે ચેટ કરતી હતી એવું લાગ્યું કારણ કે એ ટાઈપિંગ કરતા ની સાથે સાથે સ્માઈલ પણ કરતી હતી.
“ઓયે, અમે અહીં તારી સાથે ઉભા છીએ હો. અને એવી શું વાત છે જેના લીધે તારા ચેહરા પણ સ્માઈલ આવે છે?”, મેં મિતાલી ને પૂછ્યું.
મિતાલી નો જવાબ સાંભળવા માટે નેહલ આતુરતાથી રાહ જોઈ રહી હતી. પણ મને મિતાલીનો જવાબ ખબર હતી. હું એનો ચેહરો જોઈને સમજી ગયી કે એ કોની સાથે વાત કરી રહી હતી. પરંતુ હવે મિતાલી શું બહાનું કાઢી ને નેહલ ને સમજાવે એ જાણવાનું હતું.
“અરે બસ કઈ નહિ, મેં ટેક્સી બુક કરી દીધી છે. આપણે લોકો ચા પી લઈશું એટલી વાર માં એ અહીં આવી જશે.”, મિતાલી એ મારા પૂછેલા સવાલ નો જવાબ આપ્યો.
મને ખબર હતી કે એ ખોટું બોલી છે પણ કદાચ અત્યારે એને એ જ બહાનું મળ્યું હોય નેહલ ને સમજાવવા માટે.
“લો, આ રહી તમારી ત્રણેય ની ચા”, ચા વાળા ભાઈએ 3 કપ ડીશમાં ભરીને અમારી સામે ડીશ લંબાવતા બોલ્યા.
સવાર ની ગુલાબી ઠંડી માં ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. અમે ચા ની ચુસ્કીઓ લઇ રહ્યા હતા એટલામાં મિતાલી નો ફોન ધૂરુંજી ઉઠ્યો. મિતાલી ફોનમાં વાત કરતી કરતી રોડ સાઈડ ગયી અને ત્યાં જઈને ઊંચો હાથ કર્યો. કદાચ પેલો ટેક્ષી વાળો ડ્રાઈવર ટેક્ષી લઇ ને આવી ગયો હતો. ટેક્ષી બિલકુલ અમારી સામે આવી ને રોડમાં સાઈડ પર ઉભી રહી.
“ચાલો ઉતાવળ કરો જલ્દી, ટેક્ષી વાળો આવી ગયો.”, નેહલ ઉતાવળ કરતા બોલી.
“અરે ના કઈ ઉતાવળ કરવાની જરૂર નથી.”, મિતાલી બોલી.
આટલી વાર માં ટેક્ષી માંથી ડ્રાઈવર બહાર નીકળ્યો અને અમારી તરફ આવતો હતો. અમને એવું લાગ્યું કે કદાચ એ ઉતાવળ કરવા માટે કહેવા આવતો હશે. પણ, મેં જે મનમાં વિચાર્યું હતું એવું ના બન્યું.
“મેડમ, તમે ઉતાવળ ના હોય તો હું ચા પી લવ.”, ટેક્ષી ડ્રાઈવર એ મિતાલીને પૂછ્યું.
“હા, કઈ વાંધો નહિ, પી લો.”, મિતાલી એ ટેક્ષી ડ્રાઈવર ને પરવાનગી આપતા હોય એ રીતે કહ્યું.
“થેન્ક યુ!”.
“મોસ્ટ વેલકમ”.
“ચાલો હવે ટેક્ષી માં બેસીયે? હોસ્ટેલ પણ પહોંચવાનું છે અને હજુ ત્યાં પહોંચીને થોડી ઊંઘ પણ કરવાની બાકી છે”, નેહલ એ ઉતાવળ કરવા કહ્યું.
“તમે લોકો જાઓ, ટેક્ષી માં બેસો. હું ચા નું બિલ ચૂકવીને આવું છું”. મિતાલી એ મને અને નેહલ ને ટેક્ષી માં બેસવા કહ્યું.
હું અને નેહલ ટેક્ષી તરફ આગળ વધ્યા. નેહલ એ પાછળ ની સીટનો ગેટ ખોલ્યો અને મને કહ્યું કે તું સામે ની સાઈડથી અંદર આવી ને બેસી જા. મેં કહ્યું, “હા, ઠીક છે.”
હું સામેની સાઈડ ગયી અને દરવાજો ખોલી ને અંદર બેસવા જતી હતી એટલા માં જ મારી નજર મિતાલી અને પેલા ટેક્ષી ડ્રાઈવર તરફ પડી. ટેક્ષી ડ્રાઈવર મિતાલી ને આજીજી કરી રહ્યો હતો કે તમારું ચા નું બિલ હું ચુકી દઈશ. મિતાલીએ કદાચ એની વાત માની લીધી અને એ ટેક્ષી તરફ આગળ વધી.
“શું થયું? શું વાત ચાલતી હતી?” જેવું મિતાલી આગળનો દરવાજો ખોલી ને અંદર બેઠી એટલે મેં પૂછ્યું.
“અરે ના, કઈ નહિ”
“ઠીક છે”, મેં વાત ને આગળ ના વધારી.
ટેક્ષી ડ્રાઈવર આવ્યો અને એણે ટેક્ષી ચાલુ કરી. ટેક્ષી વાળાએ મજુરા ગેટ પાસે ગાડી ને ઉભી રાખી અને અમને કીધું કે ચાલો તમારું ડેસ્ટિનેશન સ્ટોપ આવી ગયું છે.
અમે ત્રણેય રોડ ક્રોસ કરીને અંદર ગલીમાં ચાલવા લાગ્યા. અમારી હોસ્ટેલ અંદર ની ગલીઓમાં હતી, મેઈન રોડ થી 300 મીટર જેટલી અંદર એટલે થોડું ચાલીને જવું પડે એમ હતું. અંદર નો રસ્તો થોડો સાંકડો હતો એટલે કોઈ ટેક્ષી કે રિક્ષાવાળા અંદર સુધી મુકવા ના આવતા હતા. કારણ કે, તેમને અંદર યુ -ટર્ન મારી શકાય તેટલી જગ્યા ન હતી.
“ઓયે, પેલા ટેક્ષી વાળા ભાઈ ને આપડે પૈસા તો આપયા જ નથી”, અચાનક નેહલ ને યાદ આવ્યું.
“અરે હા, ઉતાવળ માં એ તો ભુલાય જ ગયું. એ બિચારો પણ ઉતાવળા માં આપણી પાસે માંગતા ભૂલી ગયો”, હું બોલી ઉઠી.
“તમે લોકો ટેન્શન ના લો, મેં કેશ પેમેન્ટ ને બદલે વૉલેટ પેમેન્ટ રાખેલું હતું અને મારા વૉલેટમાં થોડા પૈસા પડ્યા હતા એટલે એ ઓટો ડેબિટ થઈ ગયા.”, મિતાલી એ અમારા સવાલ નો જવાબ આપ્યો.
“ઠીક છે, તો જેટલા થયા હોય એટલા કે’જે”, નેહલ એ મિતાલીને હિસાબ રાખવા કહ્યું.
“સારું”
અમે લોકો હોસ્ટેલ પહોંચી ગયા અને સુઈ ગયા.
****
સવારના 9 વાગ્યા હતા અને નેહલ હજુ સૂતી હતી. મેં મિતાલી ને ઉઠાડી. મિતાલી નું મન હજુ સુવા જ કરતું હતું. પણ મારા એક સવાલ એ મિતાલી ની ઊંઘ ઉડાડી દીધી.
“પેલો ટેક્ષી વાળો કોણ હતો?”
“કેમ, આવું પૂછે છે? કઈ સમજાયું નહીં”
“સમજાયું તો મને કઈ નથી. એણે રાઈડ ચાલુ કરતી વખતે તારી પાસે ઓટીપી પણ ના માંગ્યો અને આપડે ઉતરતા હતા ત્યારે એણે એના મોબાઈલ માં ચેક પણ ના કર્યું કે એને એની રાઈડ ના પૈસા મળી ગયા છે કે નહિ એ.”
મારા મનના આ સવાલો સાંભળી ને મિતાલી તો ચિંતામાં મુકાઈ ગયી. એની કોઈ ચોરી પકડાઈ ગયી હોય એવા હાવ-ભાવ એના ચેહરા પર જોવા મળતા હતા.
“એક્ચ્યુલી, એ જ મારો બોયફ્રેન્ડ હતો”
આટલું સાંભળીને મારી આંખો પહોળી થઇ ગયી પણ આનાથી વધારે ચિંતાની વાત એ હતી કે, આટલું સાંભળતા જ નેહલ અચાનકથી જાગી ઉઠી.
એને પણ આ વાત ની ખબર પડી ગયી.
મિતાલી ના મોઢામાંથી આટલા જ શબ્દો નીકળ્યા કે “પતી ગયું”

***********
જો તમને આ ભાગ ગમ્યો હોય તો રેટિંગ અને રિવ્યૂ આપવાનું ભૂલતા નહિ. હું આશા રાખું છું કે હજુ આગળ તમે આનંદ માણશો. ધન્યવાદ
***********

બીજા રસપ્રદ વિકલ્પો