Kalank books and stories free download online pdf in Gujarati

કલંક

તેજ રફ્તારમાં ચાલતી ટ્રેનની ગતિ પણ એને ધીમી લાગી રહી હતી. સ્ટેશન આવવાનું જ હતું. પરંતુ હવે એ રાહ જોવાની સ્થિતિમાં નહોતો. વારંવાર થતું કે બસ ટ્રેન થોડી ઊભી રહે તો અહીં જ ઉતરી જાવ. જોકે એવું બન્યુ નહીં તેથી એને સ્ટેશન સુધી જવા સિવાય છૂટકો જ નહોતો.
સ્ટેશન આવ્યું...એના સિવાય બીજું કોઈ ઉતર્યું નહીં. એણે પ્લેટફોર્મ તરફ નજર નાંખી... બધું અજાણ્યું અજાણ્યું લાગતું હતું...સાવ બદલાઈ ગયેલું... 'મારું આજ સ્ટેશન છે ને ?' પોતાની જાતને એ પૂછવા લાગ્યો. બોર્ડ તરફ નજર જતા પાક્કું થઇ ગયું કે આ જ એનું સ્ટેશન હતું...
અહીંથી એનું વીસેક કિ. મી. દૂર હતું. આજે ઘણા વર્ષો બાદ એ ગામમાં જઈ રહ્યો હતો. યુવાવસ્થામાં પ્રવેશ કર્યો જ હતો કે એ શહેરમાં કમાવા ચાલ્યો ગયો હતો...સેટલ થતાં વર્ષો લાગ્યાં...એક જીદ હતી કે વસવું તો આ શહેરમાં જ...ઘણી મહેનત કરી... સંઘર્ષ કર્યો ને હવે ત્યાં જ વસવાટ કરી લીધો હતો...વ્યસ્તતા અને કશુંક પ્રાપ્ત કરવાના ધ્યેયના કારણે એ ક્યારેય ગામ આવી નહોતો શક્યો. પણ હમણાં કાકાની તબીયત બહુજ ખરાબ હતી અને કાકાના દીકરાઓ ચાહતા હતાં કે બાપ-દાદાની જમીનના ભાગલા કાકાની હાજરીમાં થઈ જાય તેથી એણે આવવું પડ્યું હતું. જોકે એને જમીનના ભાગલામાં એને કોઈ રસ નહોતો... આ તો માત્ર એક બહાનું હતું... એનું આવવાનું પ્રયોજન તો કંઈક બીજું જ હતું...
બસમાં એ ગામ સુધી પહોંચ્યો. બસ સ્ટેન્ડથી ઘર સુધી એકાદ કિ. મી ની આસપાસનો રસ્તો હતો. ત્યાં થોડીવાર એમ વિચારી ઉભો રહ્યો કે ઘર સુધી કોઈ વાહન મળી જશે.પરંતુ કોઈ વાહન આવવાના અણસાર ન દેખાતાં ઘર તરફ એ ચાલવા લાગ્યો...સામે ગામનાં એક વડીલ મળ્યા... વિરેન્દ્રએ નમસ્તે કર્યું પણ એ વડીલ મોઢું ફેરવી લઈ આગળ વધ્યા... એમનું આ વર્તન વીરેન્દ્રને સમજાયું નહીં... એણે માન્યું હશે... ઉંમર થઇ છે કદાચ ઓળખ્યો ન હોય... થોડે આગળ જતાં ઉંચા પહાડો દેખાવા લાગ્યાં. પહાડોની વચ્ચે એનું ગામ હતું.ધૂળિયા રસ્તાઓ પાકા થઇ ગયા હતા.એ ચાલતો રહ્યો...પણ પછી થાક્યો... એટલે એણે શોર્ટકટ રસ્તે ઘરે જવાનું નક્કી કર્યું. એ પગદંડી તરફ વધવા લાગ્યો. એ પહાડી માર્ગમાંથી રસ્તો શોધતો શોધતો આગળ વધી રહ્યો હતો...જોકે આ રસ્તો એના માટે પેલા પાકા રસ્તા કરતા વધુ પોતીકો હતો. પણ એ રસ્તા ને એના રિસ્તા પર અમુક વર્ષોના ધુમ્મ્સના થર લાગ્યાં હતાં. તેથી બધું ધૂંધળું ધૂંધળું લાગતું...પણ એ ધુમ્મસના થર તોડતી મનનાં એકાદ ખૂણે સંગ્રહી રાખેલી યાદોંએ એને માર્ગ ચીંધ્યો...
સામે દેખાતો ઊંચો પહાડ એટલે એના બાળપણનું સ્મૃતિ સ્થળ. આજે પણ એ પહાડો એવા જ અડીખમ ઉભા હતા. જાણે ફરી એને રમવા બોલાવી રહ્યા હોય એમ...બૂમ પાડવા લાગ્યાં.... વિ....રુ.... ડા...
' રે.... વા..... ' સહસા એ બૂમ પાડી ઉઠ્યો. બૂમ પાડતાંની સાથે જ વીરેન્દ્ર નાનકડા વીરુ માં ફેરવાઈ ગયો...
એનો અવાજ પહાડના નીચે ઉંડાણમાં ગરકાવ થઇ ગયો. પડઘો ઉઠ્યો નહીં. તે રાહ જોવા લાગ્યો. આંબલીના ઝાડ પરથી તોડીને ફેંકેલી આંબલી જેવો એનો અવાજ નીચે ને નીચે ઉતરતો ગયો.
ને એ નીરવતામાં એક ઝીણો અવાજ ઉપર આવતો ગયો. જાણે પહાડીની તળેટીમાંથી કોઈ દોડતું આવી રહ્યું છે... વિરુ સામે જવા માટે પહાડની ટોચ પરથી નીચે ઉતારવા લાગ્યો. ઉતરતો જ ગયો... નીચેથી ઉપર આવતો ઝાંઝરનો અવાજ સ્પષ્ટ થતો નજીક આવતો ગયો... સાવ નજીક...
છમ... છમ.... છમ... છમ...
વિરુ ઉભો રહી ગયો... કોઈક બોલાવે છે... હવે કોઈ ઉપર આવતું નથી... નજીકના ઝાડ પાછળ સંતાઈને એક હાથ ઝાડ પાછળથી બહાર કાઢી એને હાથ હલાવી બોલાવી રહ્યું છે... હાથની ચૂડી રણકી... ને ઝાંઝર ઝણક્યાં... 'છમ... ' સાથે ખિલખિલ કરતુ હાસ્ય.
વિરુ એની પાસે જવા લાગ્યો. વળી સંભળાયું... 'છમ... છમ... '
' રે... વા.. તું અહીં આ પહાડ પર ?'
' તેં જ તો મને બોલાવી હતી વિરુ... '
'પણ મેંતો ત્યાં બોલાવી હતી... અહીં શું કરે છે... '
રેવા ખડખડાટ હસી પડી. વિરુનો કાન ખેંચ્યો... અને પીઠ પર ધબ્બો મારીને ભાગી.
'ઊભી રે આજે તને નહીં છોડું... ' કહી વિરુ રેવા પાછળ દોડ્યો... અને વીરેન્દ્ર એક ઝાડ સાથે જોરથી અથડાયો... ને વિરુડો ગાયબ... વીરેન્દ્ર ઉભો થયો. ને કપડાં પરથી ધૂળ ઝાટકયું... ને આગળ વધવા લાગ્યો...
થોડે આગળ જતા શિવાલય દેખાયું... ને શિવાલય દેખાતાંની સાથેજ ફરી વિરુડો આવી ધમક્યો...
શિવાલયમાં પૂજા થઇ રહી છે... વિરુ આરતી કરતા પિતાજી પાસે ઉભો છે... ત્યાં જ હળવેકથી રેવા આવી ને એના કાનમાં કહ્યું...
' વિરુ જલ્દી કરજે... પૂજા કરી તરત નદી પાસે આવજે... 'કહી રેવા ત્યાંથી નીકળી ગયી. વિરુ દૂર જતી રેવાને જોઈ રહ્યો... પ્રસાદ લેવાય રોકાવાય એમ નહોતું... નદી પાસે રેવા રાહ જોશે... એમ વિચારી એણે આસપાસ જોયું બધા ભક્તિમાં ડૂબેલા હતા. બધાની આંખો બંધ હતી. એ હળવેકથી ભગવાન સામે ધરેલા પ્રસાદના થાળ માંથી પ્રસાદ કોઈ ન જોઈ એમ ઉપાડી લીધી. ભગવાનની માફી માંગી ત્યાંથી ભાગ્યો... ત્યાં જ શિવાલયના પિલ્લર સાથે અથડાયો...
શિવાલયમાં ગુંજતો આરતીનો અવાજ ગાયબ થઈ ગયો... બધા માણસો પણ ગાયબ... એક કબૂતર ઉડતું બહાર ગયું... ને નાનકડો વિરુ વીરેન્દ્ર સામે જીબડો કાઢીને ડિંગો બતાવી નાઠો... વીરેન્દ્ર હેબતાઈ ગયો...
એ આગળ વધવા લાગ્યો... એને સામે એક સૂકું ઝાડ દેખાયું... સૂકી ડાળીઓ હાડપિંજરની જેમ લટકતી હતી...
એ ઝાડની પાછળ વિરુડો બહાર આવ્યો...
ને ઝાડની ડાળીઓ પર એકાએક પાંદડા ઉગ્યા... નાના નાના લીલા લીલા પાંદડા જોઈ સમજાયું કે આંબલીનું ઝાડ છે... થોડી જ પળમાં તો આંબલીઓ લચી પડી...
ત્યાં જ દૂરથી ખિલખિલ કરતુ હાસ્ય સંભળાયું... ને રેવા નજીક આવતાં જ બોલી...
' તું ક્યાં હતો વિરુ... ક્યારની તને શોધું છું... '
' તું પાંચીકા રમતી હતી તો હુંયે ગીલ્લીદંડો રમવા ગયો પણ ત્યાંયે કંટાળ્યો તો અહીં આવ્યો '
' ઠીક ઠીક... એઈ વિરુડા મને આંબલી પાડી આપને... '
' હા ' કહેતાંક એ દોડ્યો અને ઝાડ પર ચડવા પ્રયત્ન કર્યો... પણ આ શું ? અચાનક બધી આંબલીઓ ગાયબ... આસપાસ જોયું... રેવા પણ ગાયબ... વિરુડો ફરી ચિચિયારી પાડી નાઠો. દૂર દૂર... ચિચિયારી હજી સંભળાતી રહી... ને ધીરે ધીરે વાતાવરણમાં ઓગળી ગઈ... ને ઝાડ ફરી ઠૂંઠું થઇ ગયું...
એ આગળ વધ્યો...કાચા રસ્તાથી થોડે દૂર એક ઝાડના થડને ટેકો દઈને કોઈ બેઠું હતું... એણે ઉત્સુકતા પૂર્વક એ તરફ નજર કરી ને નજર ફેરવી આગળ વધવા લાગ્યો. પણ આગળ જાય ત્યાં જ કોઈએ અચાનક પાછળ થી આવી એના પર મુઠ્ઠી ભર ધૂળ નાંખી... એની બેગ ખેંચી ફેંકી દીધી ને ધબ્બો મારી ભાગી ફરી ઝાડ પાછળ ભાગ્યું...' હેય... આ શું બર્તમીજી છે ?કોણ છે ?ત્યાં જ રસ્તા પર પસાર થતાં ગામનાં એક કાકાએ કહ્યું...'જવા દે ભાઈ પાગલ છે ' વીરેન્દ્રને કશું સમજાયું નહી એ સામાન ઠીક કરી. શર્ટ ઠીક કરી લાગેલ ધૂળ ઝાટકી..'કેવા કેવા લોકો છે પાગલ ને આમ ખુલ્લામાં છોડી દે છે પાગલ ખાનામાં કેમ ન મોકલતા હશે...મારા કપડાં ખરાબ કરી નાંખ્યા ' ના બડબડાટ સાથે એ આગળ વધ્યો...
રેવા ના ઘર સુધી પહોંચ્યો... જવા વિચાર્યું પણ દરવાજે તાળું દેખાયું... કદાચ બહાર હશે આવશે કે તરત મળીશ એમ વિચાર્યું... ને મળવા ઉતાવળો કેમ ન થાય... અહીં ગામમાં આવવાનું મુખ્ય કારણ તો રેવા જ હતી... રેવાને કરેલા વાયદા મુજબ એની સાથે શહેર લઇ જવાનો હતો...
એ પોતાના ઘરે પહોંચ્યો. બાજુના ઘરમાં ચાવી લેવા ગયો... બાજુવાળા કાકીએ દરવાજો ખોલ્યો... વીરેન્દ્રને જોતાં મોં મચકોડ્યું... ચાવી આપી તરત દરવાજો બંધ કરી લીધો... એની સાથે શું થઇ રહ્યું તેં એને સમજાયું નહીં... જે કાકી એને લાડ કરતા થાકતી નહોતી... પોતાના હાથે ખવડાવતી જયારે પણ એના ઘરે જતો... ને આજે આટલા વર્ષે આવ્યો તો પણ પાણી સુધ્ધા ન પૂછ્યું ને મોં પર દરવાજો બંધ કરી દીધો...' હશે ... ! ઘણા સમય બાદ આવ્યો એટલે કાકી નારાજ હશે... ' પોતાની જાતને દિલાસો આપી મન મનાવ્યું...
પોતાના ઘરે જઈ તાળું ખોલી બારણું ખોલ્યું... ખોલતાની સાથેજ વિરુડો ઘરમાંથી બહાર ભાગ્યો... આંગણામાં લખોટી રમવા લાગ્યો... બીજા ભાઇબંધ પણ આવ્યાં... પપૈયા પાસે રેવા પણ ઊભી હતી... આજે રેવા વાળ ઓળ્યા વગર આવી હતી તેથી રંજીતીયાએ એને ચીડવી... 'ગાંડી જેવી લાગે છે... ' રેવા એ' વિરુડા ' કહી વિરુ સામે જોયું. વીરુએ એક પથ્થર ઉઠાવી સીધો રણજિત પર ફેંક્યો. એના નસીબ સારા હતા કે આંખમાં ન વાગ્યું નહિતર...
'ભાઈ ત્યાં ઉભા રહો હું ઘર સાફ કરી દવ.. '
' હા... હા ' વીરેન્દ્ર બહાર આવ્યો...
પાડોશી ઘર સાફ કરી ગઈ. રેવા મળવા આવશે એ આશાએ કાકાને મળવા પણ ન ગયો. દરવાજો ખુલ્લો રાખી રેવાની રાહ જોવા લાગ્યો...
ઘણી વાર થઈ... રેવા આવી નહીં... એનાથી રહેવાયું નહીં એ રેવાનાં ઘર તરફ ગયો... હજીયે ઘરની બહાર તાળું હતું.
એણે રેવાનો બાજુના ઘરનો દરવાજો ખટખટાવ્યો...
' અરે વીરેન્દ્ર તું ? કેમ આવ્યો આ ગામમાં પાછો ? આટલું કર્યા પછી પણ ચેન ન પડ્યું... '
ભાભીનું આવું વર્તન જોઈ એ ડઘાઈ ગયો...
'ભાભી શું વાત છે... ? શું કર્યું મેં ? બધા આમ કેમ વર્તો છો ?'
' બોલે તો એવું છે કે જાણે કઈ ખબર જ નથી... '
'ના ભાભી...ના... મને કશું સમજાતું નથી કે શું થઇ રહ્યું છે... આ તો રેવાને શોધતો હતો... ક્યાંક બહાર ગઈ છે કે શું ? કોઈ જ ઘરે નથી ? તાળું છે... તો... ' કહેતાં કહેતાં વીરેન્દ્રની આંખો ભરાય આવી. ભાભીએ એની આંખોમાં જોયું નિર્દોષતા ટપકતી હતી... સાચેજ એ અજાણ હશે એમ વિચારી ભાભીએ કહ્યું...
'ભાઈ તને ખબર નથી ? ક્યાંથી ખબર હોય આવ્યોય તો આટલા વર્ષે... '
'શું... ? શું વાત છે ભાભી ... ?બધું ઠીક તો છે ને ?'
' કશું જ ઠીક નથી ભાઈ ... તારા શહેર ગયા પછી ઘણું સહન કર્યું રેવાએ... '
'ભાભી ... ભાભી શું થયું રેવાને... ?'
તું શહેર જઈ રહ્યો હતો ત્યારે... રેવા તને મૂકવા માટે રેલવે સ્ટેશન સુધી આવી હતી... પણ એ એજ દિવસે ઘરે ન પહોંચી... તો ગામ ના લોકોએ અફવા ફેલાવી દીધી કે એ તારી સાથે ભાગી ગઈ છે. બીજા દિવસે આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ... ગામનાં શિવાલય પાસે ટોળું વળી વાતો જ કરતા હતાં કે દૂરથી રેવા આવતી દેખાઈ... નજીક આવતાની સાથે જ એની સાવકી માં એ એને મારવાનું શરુ કરી દીધું... એ કશુંક કહેવા માંગતી હતી પણ એનું કોઈએ કઈ સાંભળ્યું નહીં. ગામની અફ્વાખોર મહિલાઓએ અફવા ફેલાવી દીધી કે તેં એની સાથે રંગરેલિયા મનાવી એને છોડી દીધી છે... તારી સાથે એક રાત ગુજાર્યાનું કલંક લગાવી દીધું... પછી તો કહેવું જ શું એની સાવકી માં નો કહેર એણે રોજ સહન કરવો પડતો... ઘરનાં બધા કામ એની પાસે કરાવતી... ને ઉપરથી રોજ એને એ સાંભળવા મળતું કે તેં એને છોડી દીધી... આ વાતનો ફાયદો ઉઠાવી ગામનાં પુરુષો પણ એને પરેશાન કરતા. છોકરાંઓ પણ ચીડવતાં... એ બધાને કહી કહી ને થાકી ગઈ હતી કે તને સ્ટેશને મુક્યા પછી એ બસ સ્ટેન્ડ પર ગઈ પણ આખરી બસ નીકળી ગઈ હતી. હવે બીજા દિવસે સવારે સાત વાગ્યે બીજી બસ હતી. આખી રાતએ બસ સ્ટોપ પર રહી બીજા દિવસે આવી... પણ એની આ વાત પર કોઈએ ભરોસો કર્યો નહીં... અને એને જૂઠ્ઠી કહી વધુ એક આળ લગાવી દીધું... '
'ભાભી રેવા સાચી છે... એ મને સ્ટેશન સુધી મૂકી... ત્યાંથી નીકળી આવી હતી... ભાભી હું એને પ્રેમ કરતો હતો... મારા કારણે ક્યારેય એને સાંભળવું પડે એવું કાર્ય ન કરું... '
' પણ એની વાત પર ક્યાં કોઈને વિશ્વાસ હતો... અહીં ભૂલ હોય કે ન હોય દોષ એક સ્ત્રીને અપાય છે... આ સમાજ બિચારી રેવા જેવી ભોળી છોકરીને ક્યાં છોડવાનો હતો... બધે થું થું થતાં એની સાવકી માં એ એના લગ્ન એના પિયર તરફના એક વિદુર જે એનાથી ઉમર માં 20વર્ષ મોટો અને 3 સંતાનોનો પિતા હતો. એની જોડે નક્કી કરી નાંખ્યા. પણ રેવા એ સાફ સાફ ના પાડી દીધી. જબરજસ્તી લગ્ન કરાવવા માંગતા એ લગ્નના સમયે ભાગી ગયી ને શિવાલયમાં છુપાય ગઈ... લગ્ન તો તળી ગયા પણ સાવકી માં નો ત્રાસ ન ટળ્યો... રોજ રોજ ના તને લઈને મહેણાં-ટોણાંથી એ ત્રાસી ગઈ. એક દિવસ શિવાલયમાં પૂજા કરવા ગઈ તેં પાછી ફરી જ નહીં...બે દિવસ બાદ ગામનાં દેખાઈ પણ એ સુધ-બુધ ખોઈ ચૂકી હતી. પાગલ થઇ ચૂકી હતી. એનું અહીં હતું એ કોણ કે એને સંભાળે... એનો સાવકો ભાઈ એને શોધી શોધી ઘરે લાવી જમાડતો જયારે એ સ્કૂલના વેકેશનમાં ઘરે આવતો. પણ એના હોસ્ટેલમાં ગયા પછી એને જોનાર કોઈ નહોતું... મને કયારેક મળતી તો હું મારી સાસુથી છુપાઈને જમવાનું આપતી... મારી સાસુને તો તું જાણે જ છે... તો ક્યારેક કોઈ બીજા ખવડાવે એમ ગામનાં લોકો વધ્યું ઘટ્યું આપે તેં ખાઈ લે... હવે તો એ એટલી પાગલ થઇ ગઈ છે કે કોઈને ઓળખી શકતી નથી... '
' હે ભગવાન... સ્ટેશન સુધી મૂકવા આવવાની મારી જીદ રેવાની જીદંગી બરબાદ કરી નાખશે એ મેં સપનામાંએ નહોતું વિચાર્યું... ભાભી મેં એને જતાં જતાં કહેલું કે હું મળવા આવતો રહીશ... ત્યાં બધી સગવડ થતાં લેવા આવીશ તને સાથે લઇ જઈશ... પણ હું મૂરખ પૈસા કમાવાની હોડમાં ભૂલી જ ગયો કે... ભાભી... ભાભી... ક્યાં હશે... ક્યાં હશે રેવા હમણાં... ?'
'પહાડી તરફ યા તો શિવાલય તરફ જા કદાચ એ તરફ હોય... '
' હા.... 'કહેતાંક વીરેન્દ્ર શિવાલય તરફ દોડ્યો...
આસપાસ જોયું કોઈ દેખાયું નહીં... નદી તરફ દોડ્યો ત્યાંય કોઈ નહોતું... પહાડી પર પણ કોઈ દેખાયું નહીં... થાકીને એક ઝાડને અઢેલીનેએ બેઠો... ત્યાંજ એને નાના છોકરાંઓનો અવાજો સંભળાયા.... 'એ પાગલ... એ પાગલ...'એ એ તરફ દોડ્યો.... જોયું તો બાળકો પથ્થર ફેંકી રહ્યા હતાં...એ ડરી ગઈ હતી... નીચે પડી ગઈ હતી..
બધાને એને ભગાવ્યા... દોડતાંક એ એની પાસે ગયો... એ ઊભી થઇ...વીરેન્દ્ર તરફ જોવા લાગી... વીરેન્દ્ર રેવાને જોઈ રહ્યો... ફાટેલા કપડાં... વિખરાયેલા વાળ... ધૂળથી કાળા પડી ગયેલા હાથ... ને ગાલ... ને સાવ ઊંડી ઉતરી ગયેલી આંખો... ને આંખોમાં સળવળતાં હજારો સવાલ...
એને જોતાં જ વીરેન્દ્ર ત્યાંજ પૂતળાની જેમ જડાઈ ગયો....
* * *


બીજા રસપ્રદ વિકલ્પો