Dayri - 1 books and stories free download online pdf in Gujarati

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 1

હલ્લો વાંચકમિત્રો,
આજ તમારા બધાના સહકારથી હું મારી ત્રીજી નવલકથા “ડાયરી” રજૂ કરવા જઈ રહી છું.આશા રાખું છું કે તમને વાંચીને આનંદ આવશે અને મને મારી પહેલાની ૨ નવલકથાઑમાં જેવો સારો પ્રતિસાદ આપ્યો તેવો પ્રતિસાદ આ નવલકથાને પણ મળશે.
**************
આજ રમેશભાઈ માટે ખૂબ જ મોટો દિવસ હતો.તેના બંને બાળકો વિધી અને વિવેક હવે પોતની જ ગામની શાળામાં શિક્ષક બની ગયા હતા. આ જ શાળામાં તેમણે પોતાના કામના વર્ષો દરમિયાન ગામના બાળકોને ભણાવ્યા હતા અને આજ તેમની નિવૃતિ પછી શાળામાં તેમના સમ્માન માટે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.
હજુ ગયા મહિને જ વિધિ અને વિવેક બંને ભાઈ-બહેનને ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી હતી.રમેશભાઈ એક શિક્ષક હતા માટે તેઓ ચાહતા કે તેમના બંને બાળકો પણ તેમના ગામના બાળકોને તે જ શાળામાં ભણાવે જ્યાં તેમણે આ કામ કર્યું હતું.આ માટે તેમણે બંને ભાઈ-બહેનને અમદાવાદની બી.એડ કોલેજમાં ભણવા માટે મૂક્યા હતા.
ભુજ જેવા છેવટના શહેરના એક નાનકડા રામપુર ગામમાં આ શાળા હતી.૫૦૦૦ ની વસ્તી ધરાવતું આ ગામ નાનું છતાં એક મોટા પરિવાર જેવુ હતું.આ ગામની દરેક વ્યક્તિ એક પરિવાર બનીને રહેતી હતી.
રમેશભાઈ આ ગામના જ વતની હતા.આથી તેમણે ગામના બાળકોને પોતાની પાસેથી સારું શિક્ષણ મેળવે માટે ક્યારેય પોતાની બદલી શહેરમાં કરાવી નહોતી.વિધિ અને વિવેક પણ ૧૦ ધોરણ સુધી આ જ શાળામાં ભણ્યા હતા.
આ જ શાળામાં આજ તેમનું સન્માન તેમના જ દીકરા અને તે શાળાના શિક્ષક વિવેકના હાથે થયું હતું.વિધિ તો કાલ સાસરે જતી રહે પણ વિવેક આ શાળામાં હંમેશા બાળકોને ભણાવી પોતાનામાં તેના પિતાને જીવતા રાખે તેવી રમેશભાઈની ઈચ્છા હતી અને આજે તે ઈચ્છા તેમને પૂરી થતી જણાઈ.તેમને તેમના બંને બાળકો વિધિ અને વિવેક પર ખૂબ જ ગર્વ થયો.
હજુ હમણાં નાના હતા અને આ શાળામાં સાથે જ ભણવા આવતા.વિધિ અને વિવેક બંને જોડિયા ભાઈ-બહેન હતા.વિધિ વિવેકથી થોડી મોટી હતી.આથી બંને એક જ વર્ગના વિધ્યાર્થી પહેલેથી જ હતા.
આજે વિધિએ રમેશભાઈના સન્માન વખતે કહ્યું હતું કે દરેક વ્યક્તિને શિક્ષિત થવાની જરૂર છે.જો દરેક વ્યક્તિ શિક્ષિત હશે તો બેન્કના કામકાજમાં, વાંચન-લેખનમાં શિક્ષણ તેમને ખૂબ જ ઉપયોગી થશે. માટે તે આજથી રાત્રિ શાળા શિક્ષણ અભિયાન શરૂ કરવાની હતી.જેમાં ગામના વૃદ્ધોથી લઈને આધેડ ઉંમરના અને કોઈપણ વ્યક્તિને તે શિક્ષણ આપશે.સાથે તે એક અલગ વર્ગ નવયુવાનો માટે પણ શરૂ કરવાની હતી જેમાં ૧૦ ધોરણ પછી પૈસાની તંગીના કારણે ભણતર છોડ્યું હોય તેવા યુવકો-યુવતીઓ પણ હશે.વિધિનું આ રાત્રિશાળા અભિયાન વિધિ અને વિવેક બંને ભાઈ-બહેન સાથે મળીને ચલાવવાના હતા.મોટી ઉંમરના લોકો પણ હવે ભણી શકશે અને યુવાનોને વધારે શિક્ષણ ગામની જ શાળામાં મળશે માટે બધા ખૂબ ખુશ હતા.પાછો રાત્રીનો સમય જેથી બધાને દિવસનું કામ પણ થઈ શકે અને સાથે રાત્રે ભણવાનું.
*******************
દિવસે શાળામાં ગામના નાના બાળકો ભણતા અને રાત્રે તેમના માતા-પિતા કે દાદા-દાદી.આખું ગામ વિધિ-વિવેકના આ નિર્ણયથી ખૂબ જ ખુશ હતું.બધા રમેશભાઈ પાસે વખાણ કરતાં થાક્તા ન હતા.હવેથી ગામના યુવાનોને શહેરમાં રોજી રોટી મળી જતી હતી જે પહેલા શિક્ષણના અભાવે નહોતી મળતી.વૃદ્ધ સ્ત્રીઓ પણ હવે ભગવાનના સત્સંગ,કથા વાંચન જેવા પ્રોગ્રામો કરી શક્તા.બધા વિધિ અને વિવેકથી ખૂબ જ ખુશ હતા.
એક દિવસ રાત્રિ શાળા ચાલી રહી હતી ત્યારે ગામની જ છોકરી સ્નેહા આવી અને વિધિને કહ્યું કે તે પણ રાત્રિ શાળામાં મદદ કરવા માંગે છે. સ્નેહા એક ખેડૂતની છોકરી હતી.તેના પિતાને ખૂબ મોટું ખેતર હતું અને તે લોકોને પાક પણ સારો આવતો હતો.સ્નેહા પણ વિધિ –વિવેકના વર્ગમાં ગામમાં ભણી હતી પણ તેના પપ્પાને ખૂબ ખેતરનું કામ રહેતું.તેના મમ્મી વિજયાબહેન સ્નેહા નાની હતી ત્યારે અકસ્માતમાં તેનો એક પગ ખોઈ ચૂક્યા હતા. સ્નેહાને કોઈ ભાઈ નહોતો આથી ખેતરનું અને ઘરનું મોટા ભાગનું કામ સ્નેહાએ જ કરવાનું રહેતું.માટે તેના પપ્પા તેને કોઈ મોટા શહેરમાં દૂર આગળ ભણવા માટે મોકલી શક્યા નહોતા.આથી તેણે ભુજ શહેરમાં જ પોતાનો અભ્યાસ આગળ શરૂ કર્યો.સ્નેહા વકીલ બનવા ચાહતી હતી આથી તેણે મહેસાણાની કોલેજમાં એડમિશન લીધું હતું અને તે ઘરે બેસીને જ વકીલાતનું ભણતી હતી.માત્ર પરીક્ષા આપવા માટે જ તેને મહેસાણા જવું પડતું હતું.
સ્નેહાએ જ્યારે તે પણ રાત્રિ શાળા અભિયાનમાં મદદ કરવાની ઈચ્છા રાખી ત્યારે વિધિ ખૂબ ખુશ થઈ ગઈ.આમપણ રાત્રિ શાળાના વર્ગો માટે વિધિ અને વિવેક બંને કામ કરવા છતાં તેને કોઈ શિક્ષિત માણસની જરૂર હતી જેથી વર્ગોમાં આવનાર લોકો પર વધારે ધ્યાન આપી શકે.શાળાના બાકીના શિક્ષકો તો બાજુના કોઈ ગામમાંથી આવતા માટે તે લોકો આ માટે તેઓની મદદ કરી શકે તેમ નહોતા.પણ સ્નેહાએ સામે ચાલીને મદદ કરવાની વાત રાખી તો વિધિ અને વિવેક બંને ખુશ થઈ ગયા હતા.
એક રાત્રે શાળાના સમયે ગામના પાંચ યુવાનો વીર, નયન, કેવલ, માનવ, પિનલ ત્યાં આવી પહોચ્યા.આ પાંચ યુવાનોએ પણ ગામની શાળામાં જ ભણતર લીધું હતું પણ આગળ ભણવા માટે પછી કોઈ તૈયારી બતાવી નહોતી.આ પાંચેય યુવાનોનું નામ આખા ગામમાં ‘રખડું છોકરાઓ’ તરીકે પ્રખ્યાત હતું. ઝગડા કરવા,મારમારી, કોઈને વગર કારણે હેરાન કરવામાં આ લોકોનું નામ આ ગામમાં જ નહીં આજુબાજુના ઘણા ગામોમાં પ્રખ્યાત હતું.આથી આ પાંચ યુવાનોથી સૌ કોઈ દૂર જ રહેતું.તેમના ઉપર મારામારીનો કેસ પણ બનેલો અને તે લોકો દારૂ જુગારના પણ શોખીન હતા. આથી દરેક માં-બાપ પોતાના સંતાનોને આ લોકોથી દૂર જ રહેવાની સલાહ આપતું.ગામમાં આ પાંચ યુવાનોની કોઈ ઈજજત હતી નહીં.તેમના પરિવારના લોકો પણ તેમના આવા કુકર્મોથી ત્રસ્ત હતા. ગામની શાળાથી થોડે નજીક વીરના પિતાનું ખેતર હતું જ્યાં આ લોકો પૂરો દિવસ બેઠા રહેતા અને જુગાર અને સટ્ટાબાજી કર્યા કરતાં.
આજ તે શાળામાં આવ્યા અને સીધા જ સ્ત્રીઓના વર્ગમાં જઈને આંટા મારવા લાગ્યા.વિધિને તેના પિતાએ આ પાંચ છોકરાઓ વિષે વાત કરી હતી માટે તેને જાણ થઈ ગઈ કે આ પાંચ તે જ છે.વિધિ આ લોકોને આમ સ્ત્રીઓના વર્ગમાં આંટા મારતા જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ.
“તમે લોકો અહિયાં કેમ આવ્યા છો?”વિધિ.
“મેડમ અમને જાણ થઈ છે કે અહી શિક્ષણ આપવામાં આવે છે?” વીર.
“હા તો?”વિધિ.
“તો મેડમ અમને પણ શિક્ષણ આપો.”વીર.
“શિક્ષણ લેવા જો આવ્યા જ છો તો તમને જાણ જ હોવી જોઈએ કે આ સ્ત્રીઓનો વર્ગ છે.તમારે પુરુષોના વર્ગમાં જઈને બેસવું જોઈએ.”સ્નેહા.
“વાહ..શું વાત છે?આ તો નવા મેડમ બોલ્યા.પણ મેડમ અમને તો સ્ત્રીઓના વર્ગમાં બેસીને જ ભણવાની ઈચ્છા છે.તમારું શું કહેવું છે?”વીર.
બધા મિત્રો ખડખડાટ હસવા લાગ્યા.વર્ગમાં બેઠેલી બધી સ્ત્રીઓ ડરવા લાગી.આથી વિધિ અને સ્નેહાનો ગુસ્સો વધારે વધી ગયો.
“ચાલો અહીથી બહાર નીકળો.તમને અહિયાં બેસવા દેવામાં નહીં આવે.જો ખરેખર ભણવું જ હોય તો બાજુના વર્ગમાં જઈને બેસો.”સ્નેહા.
“વીરે કહ્યું ને કે અમે અહી જ બેસીને ભણશૂ.અમે ભણવા જ તો આવ્યા છીએ થોડી કઈ તોફાન કરવા આવ્યા છીએ?આ તો આ વર્ગના હવા-ઉજાસ અમને સારા લાગે છે માટે અમે અહી જ બેસશું.”નયન.
“જો સાચે જ ભણવું હોય તો બાજુના વર્ગમાં નહીં તો બહાર જાઓ.આમ પણ તમે ભણો તે વાતમાં મને કોઈ તથ્ય નથી લાગતું.” વિધિ.
“એય છોકરી મોઢું સંભાળીને વાત કરજે.તને ખબર છે તું કોની સાથે વાત કરી રહી છે?જો ન ખબર હોય તો આ બીજી ટીચરને પૂછી લે અમે કોણ છીએ?”વીર વિધિ પર ગુસ્સે થઈ ગયો.
બાજુના વર્ગમાથી અવાજ આવતા વિવેક સ્ત્રીઓના વર્ગમાં આવ્યો.
શું વાત છે?કેમ આટલો અવાજ આવી રહ્યો છે?”વિવેક.
“જો વિવેક આ લોકો આમ સ્ત્રીઓના વર્ગમાં આવીને બેસી ગયા છે.અમે તેને જવા માટે કહ્યું તો પણ તે માનતા નથી.કહે છે છે,અહિયાં બેસીને જ ભણશૂ.”વિધિ.
“તમે મહેરબાની કરીને બહાર જાઓ.આ વર્ગમાં માત્ર સ્ત્રીઓ જ ભણી શકશે અને જો ખરેખર તમારે પણ ભણવું હોય તો કાલથી ભણવાની પૂરી તૈયારી સાથે આવજો.”વિવેક.
“ના ભાઈ ના અમે તો નહીં જ જઈએ અને અહી જ બેસશું.” વીરે બેન્ચ પર પગ ચડાવી કહ્યું.
“તમે જાઓ નહીં તો હું તમારી ફરિયાદ પોલિશમાં કરીશ.”વિવેક.
“પોલિશની ધમકી કોને આપે છે?”કેવલ આ વખતે ગુસ્સે થઈ બોલ્યો.
“કેવલ શાંત થઈ જા.આ લોકોને આપણે પછી જોઈ લઈશું.”વીર.
“તને આ ધમકી ખૂબ ભારે પડશે.”વીર ગુસ્સામાં બોલ્યો.
વીર પોતાના મિત્રોને લઈને ત્યાથી જતો રહ્યો.
(ક્રમશ:)
મારી બીજી નવલકથાઓ
(૧) હું તારી રાહમાં..
(૨)હું રાહી તું રાહ મારી..
જે પણ માતૃભારતી પર છે તેને વાંચવાનું ચૂખશો નહીં.આભાર..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED