અમૃત ૧
નાની ઉંમરથી જ અમૃત હોંશીલો હતો.નિરાશા એને ગમતી જ નહિ.તેથી કંઈને કંઈ નુખશા કરી તેની બા ને પણ તે હસાવતો.બા જે દિવસથી બાપાને છોડી ને ચાલી નિકળી હતી ત્યારથી તે બાની આંગળી પકડીને જોડે ને જોડે જ રહેવા લાગ્યો,જાણે મૂક રહી કહેતો કે બા તમે ચિંતા ન કરો હું મોટો થઈ તમને જરૂર અસહાય નહિ રહેવા દઉં.સમયને વિતતા વાર ક્યા લાગે છે.હારિજ છોડી મહેસાણામાં તે ને તેની બા રહેવા લાગ્યા ત્યારથી તે જોતો આવ્યો હતો કે બા હવે ખુશ લાગતી,ક્યારેય તેની આંખ સૂજેલી નહોતી લાગતી.સ્વચ્છ કપડાં પોતે પણ પહેરતી ને તેને પણ સુઘડ રાખતી.તેથી જ તે પણ ચોખ્ખાઈ નો હિમાયતી હતો.
બાપાને ત્યા બાને એણે ક્યારેય ખુશ નહોતી જોય,હમેશાં ગભરાટ તેના ચહેરા પર રહેતો ક્યારે તેનો ધણી તેને મારશે,ડારશે કે રાક્ષસની જેમ ચૂંથી નાંખશે
તે તેનો ડર તેને શાંતિથી સૂવા પણ નહોતો દેતો.ક્યારેક કામ માટે બાપા બહારગામ હોયતો તે મીઠા સ્વરે કંઈક ને કંઈક ગણગણતી રહેતી.બાના હાથની રસોઈ લોકો આંગળા ચાટી ને ખાતા.તેમની ભરેલી સાડી લોકો વખાણતા.પણ બાપા કંઈકને કંઈક વાંક કાઢી બિચારી બા ને એવો ઢોર મારતા કે બા બે ત્રણ દિવસ બહાર કોઈને મોઢું દેખાડી સકતી નહિ.
એક દિવસ ધીરજ ના બાંધ તૂટી ગયા.બાની બહેનપણી આવી હતી,ત્યારે બાપાએ હદ વટાવી બાની સાથે જંગલીપણું દાખવ્યું. બા આથી ખૂબ દુ:ખી થઈ ગઈ.બાની બેનપણી સર્યૂમાસી થી જોવાયું નહિ તેમણે તેમની બહેનપણીને સમજાવી કે ,”આવું ક્યા સુધી?સરૂ તું આને છોડી કેમ નથી દેતી??”એ દિવસે બા આખી રાત સૂતી નહિ.સવારે વહેલી ઊઠી નાહી ધોઈને મંદિરે પૂજા કરી ભગવાન પાસે સાષ્ટાંગ દંડવંત કરી ક્ષમા માંગીને પહેરેલો કપડે નિકળી ગઈ.દીકરા અમૃતને આંગળી પકડાવીને ભગવાન ભરોસે બસ સ્ટોપ પર આવી,છેડે બાંધેલા થોડા રૂપિયા માંથી બસની ટિકિટ કઢાવી બહુ દૂર નહિ પણ મહેસાણા માંજ ઉતરી.
ઘરે ઘરે જઈ કામ માંગવાનું નક્કી કર્યુ.એક બે ઘરમાં રસોઈ નું કામ મળી ગયું સાથે અમૃતને પણ લઈ જતી.અમૃત તેની મિઠાસ ને શરારતને કારણે બધાને પ્રિય થઈ ગયો.ધર્મશાળામાં મા દીકરો રહેતા.બા એના સ્વભાવ પ્રમાણે ધર્મશાળામાં પણ રસોઈ કરી આપતી.તેથી ત્યાં પણ બધાને તે ખૂબ પ્રિય થઈ ગઈ હતી.માસીમા ના નામે સરૂ પ્રખ્યાત થવા લાગી.ધર્મશાળામાં આવતા જતા મુસાફરો બાને કંઈકને કંઈક પૈસા રૂપિયા કે કપડાં લત્તા આપતા હતા.આમને આમ બે ત્રણ મહિના પછી એક રૂમ નું ઘર ભાડે લઈ બાને અમૃતનો નો સંસાર શરૂ થયો.
અમૃતને શાળામાં મૂક્યો ડાહી બાનો દીકરો પણ ડાહ્યો હતો.થોડા વખતમાં તે શાળામાં સારો વિદ્યાર્થી ને શિક્ષકોનો પ્રિય વિદ્યાર્થી બની ગયો.એક વાર બા એની ભરેલી સાડી પહેરી કામે ગઈ હશે ત્યારે જમુબેન ની નજરે સાડી પડી,તેમણે બાને સાડીના ભરત વિશે પૂછ્યું ને જ્યારે જાણ્યું કે તે સાડીના ભરતકામની તો બા જ કલાકાર છે તો એમણે એક સાડી બાને આપી કહ્યું ,’સરૂબહેન આ પોત લો અને મને પણ સરસ રંગોથી ભરી દો.”બાને તો જાણે ભાવતું હતું ને વૈદે કહ્યું.તેણે તો તેની મન પસંદથી સાડી પર કલાકારી કરી.જમુબેન ને તો એમ હતું કે બે ત્રણ મહિને ભરાઈને આવશે સાડી.પણ મહેનતુ બાએ તો રાત્ર દિવસ એક કરી બીજા બધા કામો સાથે સાડી ભરવાનું ચાલુ રાખી સુંદર રંગોની સજાવટ થી ફૂલ પાંદડાં વાળી બારીક ઝીણી ઝીણી સજાવટ કરી સાડી ભરી દીધી.પંદરમાં દિવસે જમુબેન ને સાડી મળી ગઈ.જમુબેનનાં આશ્ચર્ય વચ્ચે સાડીની ડીલીવરી મળી તો સાડીનું કામ જોઈ ,”વાહ અતિ સુંદર ! એવા શબ્દો સરી પડ્યા.
જમુબેનના મુખે પ્રશંસા સાંભળી બા થોડા મલકાયા.તે જોઈ ને જમુબેનને થોડું આશ્ચર્ય થયું.તેઓ કંઈ જ ન બોલ્યા પણ નક્કી કર્યુ કે આ રવિવારે લાઈન્સની મિટીંગમાં આ સાડી પહેરી જઈશ.બા પણ ઘરે આવી કંઈક ડાયરી માં લખવા બેઠી.અમૃત નાનપણથી જોતો આવ્યો છે કે બા ખુશ હોય તો કંઈક લખતી.આજે પણ તે કંઈક લખી ઉભી થઈ ને રસોઈ માં લાગી ગઈ.ઘણું ગૃહકાર્ય શાળાનું બાકી હતું તે પૂરૂ કરી વાંચીશ કરી તે કામે વળગી ગયો.સમય થતા સૂઈ ગયો.ડાયરી પાછી ભુલાઈ ગઈ.
રવિવારે જમુબેન ને ત્યા જમવાનું નહોતું કરવાનું તેથી બા અમૃતને લઈ ને મંદિર તરફ ગઈ.ત્યાં તેણીએ પ્રસાદ ધરાવી નમન કરી મુખ ઊંચું કર્યુ તો અમૃતને લાગ્યું બાની આંખોમાં નરમાશ છે.મનમાં ને મનમાં વિચારવા લાગ્યો બા ને તેના દ્વારા કંઈક દુભવાઈ ?શું વિચારતી હશે,કોઈ દિવસ ગામ છોડ્યા પછી તેણે પિતા નું નામ પણ ઉચ્ચાર્યુ નથી.તો એમની યાદ આવવી તે પણ સંભવ નથી.અમૃતની ઉંમ્મર તો નાની તે કેમ પૂછી સકે બા ને! બાની અહીં કોઈ સખી પણ નથી!તે રાત્રે તે બા પાસે આવ્યો ને ખોળામાં માથું મૂકી સૂતો.બાએ પૂછ્યું ,”ભાઈ શું થયું બેટા,શાળા માં તો બધુ ઠીક છેને?
કેમ આજે આમ ઢીલો?”શું જવાબ આપે તે ,તેને મનમાં થયું બાની સહેલી બની જાઉં ને હુ પૂછું..તમે કેમ ઢીલા..પણ તે હિમ્મત ન કરી શક્યો.”કાંઈ નહિ બા,એમ કહી તે સૂવાનો ઢોંગ કરી પડી રહ્યો.બા એક કાગળ પર કંઈક આકૃતિ દોરી રહી હતી.એ જોઈ રહ્યો.સુઘડ કામ ક્યાંય ચેકચૂક નહિ.બા માટે મનોમન માન થઈ આવ્યું .
સવારે સ્વસ્થ બાને કામે જતી જોય અમૃત રાત્રીની વાત વિસરી ગયો.પણ એને ક્યા ખબર હતી કે આજનો સૂરજ બા માટે હજારો નવીન કિરણો લઈ આવ્યો છે.
જમુબેન તો તે દિવસે બાની રાહ જોતા જ બેઠા હતા.
જેવા બા પહોંચ્યાકે તેમણે તો બાનો હાથ પકડી ને ખૂબ આભાર માન્યો ને પછી સાડી ભરવાના બાને બે હજાર રૂપિયા આપ્યા.બાએ બિચારીએ આજ સુધી આ કામના પૈસા માંગ્યા પણ નહોતા ,અચાનક તેને હસવું કે રડવું એજ ન સમજી સકી.બા ની ભરેલી સાડી બધાને ખૂબ ગમી ગઈ હતી.તેમના લાયન્સમાંથી અંક બે બેનો એ તો ઓર્ડર પણ આપ્યો હતો.પણ બાએ ન સમજી સકી કે સાડી વગર કેવી રીતે ભરે?જમુબેનનાં પતિ સુરેશભાઈએ બાને સમજાવ્યું કે આ બે હજારમાંથી સાડી લઈ આવી ને ભરવા સમજાવ્યું . તમારી મહેનત ને સાડીના પૈસા લેજો એમ સમજાવ્યું .બા બિચારી સાડી લેવા ક્યા જાય?તેથી જમુબેને તેમને બે ત્રણ સાડી લાવી આપી ને ભરવા સમજાવી...પૈસા સુરેશભાઈએ નક્કી કરી આપ્યા.આમને આમ બા નો નવો સૂરજ મધ્યાને ચઢ્યો બાની પોતાની આકૃતિથી જ સાડીઓ ભરાતી .આખા મહેસાણામાં બાનું ભરતકામ વખણાવા લાગ્યું ને ગભરુ સરૂબેન હવે ધંધો કરતા શીખી ગયા.
અમૃત પણ ધીરે ધીરે મોટો થતો ગયો.બા જેવો સાલશ હસમુખો ને શરારતી .શાળામાં પણ નંબર વન હતો.એક દિવસ તેને શાળામાંથી જ હારીજ ,પાટણ ને મોઢેરા લઈ જવાના હતા.હવે તે સમજુ થઈ ગયો હતો. બાને જરા સંકોચ હતો કે તે હારીજ જશેને તેને ત્યા તેના બાપાને મળવાનું મન થશે તો?આખરે તે દિવસ પણ આવ્યો તે હારીજ પહોંચ્યોને તેને તો તેના પાદરથી જ જાણે લાગ્યું કે પોતે અહીં કેટલીવાર આવી ગયો છે!
તેણે તપાસ કરી કે તેના બાપા શું કરે છે?તે સદમયે જ તેને જે સમાચાર મળ્યા કે તેના પિતાએ તો કોઈ મજૂરણને છેડી હતી તેથી તેના પતિએ તેમને મારી નાંખ્યા હતા.
કોઈ ધણી નહિ તેથી તેમની લાશને પણ પોલીસે બાળી દીધી હતી.પણ તેમના મકાનમાં કોઈ સ્ત્રી રહેતી હતી ને તે તેના પિતાને જ પતિ કહેતી હતી.કાંઈ જ ન સમજાતા તે મુઝવણમાં પડ્યો કે બા પૂછશે તો શું કહેશે???
અમૃત હવે થોડો વધુ ચુપ રહેવા લાગ્યો હતો.તેની બા કપાળે મોટો ચાંદલો કરતી ત્યારે તેને કહેવાનું મન થતું કે ,”બા તમે વિધવા થયા છો.” પણ તે ક્યારેય ન બોલી સક્યો.પણ આશ્ચર્ય કે બાએ તેને ક્યારેય પૂછ્યું જ નહિ કે હારીજમાં બધા કેમ છે? ધીરે ધીરે બા વધુ ને વધુ બેનો ને રાખી સાડી,કપડાં,બ્લાઉઝ ને પુરુષોના ઝભ્ભા પર ભરત કામ કરવા ને કરાવા લાગી હતી.તેઓ હવે એક ઓરડાના મકાનમાંથી નાના સરસ બંગલા જેવા મકાનમાં રહેવા ગયા હતા.બા હવે રસોઈ કરવા નહિ રસોઈ શીખવવાના વર્ગ ચલાવતી થઈ હતી.સાડી ના ભરતકામ માટે નવી નવી સ્ત્રીઓ ને બાળકીને શીખવાડતી થઈ હતી.
પોતાની આવડતથી તે સરુબેન ને માસીમાના નામથી પ્રખ્યાતી પામી હતી.અમૃત અમદાવાદ કોલેજમાં ભણવા ગયો ત્યારથી તે એકલી પડી ગઈ હતી.એક દિવસ તેણે વરસો પછી સવારે ઉઠી હારીજ ની બસ પકડી.અમૃતને જાણ ન થાય તેની કાળજી પણ લીધી.પોતાના ઘર તરફ પગ માંડ્યા ત્યાં જઈ જુએ છે તો ઘરમાં તેનાથી નાની ઉંમરની સ્ત્રી જોવા મળી.તેણે પૂછ્યું તો પોતાના પતિના કરતૂત જાણવા મળ્યા .પોતે ગયા પછી પતિએ બીજા લગ્ન પણ કર્યા એ પણ જાણ્યું.હવે તે સ્ત્રી નું જીવન કેવી રીતે વિતે છે...?તો તે જાણવા આજુબાજુના લોકોને મળી.
જે જાણ્યું એ અધુરૂ હતું .! પણ તે સાંજ પહેલા પાછી ફરી.ઘરમાં પ્રવેશતા જ અમૃત મળ્યો ને એક પ્રશ્ન તેની આંખમાં જોયો ,”બા તુ ક્યા ગઈ હતી?”આજે પણ તે ન પૂછી સક્યો.પણ આજે બા પાછી પેલી ડાયરીમાં લખવા બેઠી,એ જોય તેને યાદ આવ્યું આજે તો તે ખુશ નથી તો પછી એણે ડાયરીમાં શું લખ્યું ???
(ક્રમશ:)
જયશ્રી પટેલ