સોહી..
*ભાગ : ૧*
સોહી નાની હતી ત્યારથી જ માતા પિતા સાથે નાના અમથા ગામડાંમાંથી સીધી અમેરિકાના વિશાળ શહેર બોસ્ટનમાં રહેવા જતી રહી હતી.તેના પિતા વૈજ્ઞાનિક હતા. તેઓને ભારત કરતાં ત્યાં બહુ ઉંચો પગારને ઉંચી પદવી મળી હતી.તેની માતા પણ સારા શિક્ષિકા હતા.તેઓએ ત્યાં જઈ પ્રક્ષિશણ મેળવી શાળામાં નોકરીમેળવી લીધી હતી.
પાંચ વર્ષની સોહીને એટલીજ ખબર હતી કે તે ગામડે બા-દાદાને મૂકીને આવી ગઈ હતી.એ પછી તેના નાની ગુજરી ગયા ત્યારે મોમ જ એકલી ભારત ગઈ હતી.
તેની ઉંમર ત્યારે ફક્ત દસ વર્ષની હતી.અંગ્રેજો ને અમેરિકનો વચ્ચે તેનું ભણતર પણ આગળ વધતું હતું.તે હવે પંદર વર્ષની થવા આવી હતી.આગળ ભણવા તેને હવે મોમ ને ડેડથી અલગ શહેરમાં જવાનું હતું. તેણે પણ પિતાની જેમ જ વિજ્ઞાનના અભ્યાસમાં જ આગળ ભણવાનો નિર્ણય લીધો હતો.અમેરિકા આવી તે પિતાનો સહવાસ કે પ્રેમ નહિવંત જ પામી હતી.માતા પણ આધુનિક વિચારો ધરાવતી હતી.સોહી એકનુંએક સંતાન હતી.
તેને પૂછવામાં આવ્યું ,”કે તારી પાસે લોન્ગ વેકેશન છે,તું ક્યાં જવા માંગે છે?
પાપા એ સજેસન આપ્યું કે,” ચાલો યુરોપની ટૂર કરી આવીએ.”
મોમે સજેશન આપ્યું કે,” તારે સ્વિઝરલેન્ડ જોવું હતું ને? ચાલ ત્યાં જઈએ.”
થોડીવાર રહી સોહી બોલી,” મારે ભારત જવું છે.
દાદા દાદીને મળવા.”
નિસ્તબ્ધતા છાઈ ગઈ,દસ વર્ષમાં ક્યારેય ન બોલેલી ,ન કલ્પેલી ,એક એવી વાત સામે આવી કે પતિ પત્ની તો અવાક્ દિગ્ મૂઢ થઈ ગયા.વૈજ્ઞાનિક હોવાના નાતે રમેશભાઈ વારંવાર ભારત દિલ્હી ને મુંબઈ જતા પણ ક્યારેય ગામડે જઈ મા બાપને મળવા નહોતા ગયા.
હા! ફરજ નહોતા ચૂક્યા,પૈસા પણ મોકલાવતા ને કપડાં લતા પણ પાર્સલ કરી મોકલી આપતા.વારે તહેવારે ફોન દ્વારા માતા પિતા સાથે વાત પણ કરી લેતા.
ધીરે ધીરે દાદીને કાને ઓછું સંભળાતું તેથી દાદા સાથે વાત થતી .સોહી તેથી હવે દાદીને મળવા માંગતી હતી.
વારંવાર દાદીની વિનંતી એના કાને અથડાતી ,” ગુડિયા સોહી ક્યારે ગામ આવીશ બેટા,ભૂરી તારી રાહ જુએ છે.” ત્યારે ત્યારે સોહી ને ભૂરી સામે દેખાતી.કાળી કાળી તેની આંખોને મોટા સિંગડા..ભૂરી દાદીની વહાલી ભેંસ હતી.
જ્યારે ભૂરીનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું ત્યારે દાદીનું ફોન પરનું રૂદન તે નથી ભૂલી.એ દાદીને એટલે મળવા માંગે છેકે કહી સકે ,” દાદી મને પણ ખૂબ દુ:ખ થયું છે.” દાદી સાથે તેનો વાર્તાલાપ પણ ધીરે ધીરે ઓછો થતો ગયો.ભાષાનું નડતર શરૂ થયું.ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષાનું અથડાવું.દાદીને એક લઘુતાગ્રંથી બંધાય.સોહી પણ કંઈક કહેવું હોય તો તે સમજાવી સકતી નહિ.પણ દાદી તેના રણકારમાં એક સહૃદયીતા સમજી સકતા.
ગામડું હવે ક્યા ગામડું રહ્યું હતું તે પણ શહેરીકરણનો આંચળો પહેરી ચૂક્યું હતું.મોમને તો હવે મુંઝવણ હતી કે દીકરીને બાથરૂમ ,સ્નાનગૃહ કે દેશી સંડાશ કેમ ફાવશે.રમેશભાઈને હતું ગામડાંની રીતરસમ લોકો મળવા દોડી આવશે.પણ દીકરીની ઈચ્છાને માન આપી બે અઠવાડિયા માટેજ પોતાના દેશ ભારતની ભૂમિ પર સહપરિવાર પંદર વર્ષે પગ મૂક્યો.પિતાએ કહ્યું હતું કે એરપોર્ટ પર ગાડી ડ્રાયવર મોકલશે ,પણ રમેશભાઈની ઓફિસે ગાડીની વ્યવસ્થા કરી હતી.
ગાડી જેવી વિમાનતળથી ઉપડી કે તરત જ મોમે સલાહ આપવા માંડી,ચોખ્ખું ન હોય તો આ કરજે,તે કરજે...વગેરે વગેરે.સોહીની આંખમાં ગામના એ પાદરને જોવાની ઉત્સુકતા દેખાતી હતી..એ આંખોમાં દાદા-દાદીને મળવાનું સ્વપ્ન તરવરતું હતું.કેવું હશે એ ઘર જ્યા મારો બર્થ થયો..?આ વિચારોના વમળમાંથી સોહી પોતાની જાતને મુક્ત નહોતી કરી સકતી.તે તેના નિર્ણય પર મક્કમ રહેવા જ માંગતી હતી.ગમે તેમ તેનું વતન હતું ભારત. તે મમાં પાપા કેમ વિસરી ગયા.
(ક્રમશ:)
જયશ્રી પટેલ
૨૭/૩/૨૦૨૦