Featured Books
શ્રેણી
શેયર કરો

લાગ્યો રતુંબડીનો રંગ ( દ્રાક્ષ સાથેનો માર્મિક સંવાદ )

એવું સાંભળ્યું તો હતું કે કકડીને ભૂખ લાગે ત્યારે પેટ માંથી જાતજાતના અવાજ આવે. આજે એનો અનુભવ પણ થઇ ગયો.

ટીવી માં મહાભારત ચાલતું હતું અને એમાં અર્જુન વિષાદયોગ ! પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, અર્જુન ને ઉપદેશ આપતા હતા. એટલામાં જ મારી વહાલસોયી માં, મારા માટે કાળી દ્રાક્ષ લઇ આવી.

લોકકડાઉન માં સતત મહાભારત જોવાતાં, ઘરની વાતચીત પણ જાણે દ્વાપરયુગ ના શિષ્ટાચાર મુજબ થતી હોય એવું લાગ્યા કરે. મારી માં જાણે કહેતી હોય કે,
“हे पार्थ ! इस लाल वर्ण की मदिरा की माता को ग्रहण करो।”

આ પરિકલ્પના માંથી જેવો બહાર આવ્યો કે તરત સંભળાયું, “ઠોયા ની જેમ જો-જો શું કરે છે ? ચાલ ખાવા માંડ અને પતાવ એટલે આગળ કામ થાય”.

હું હજી દ્રાક્ષનું રતુંબડું સૌંદર્ય માણી રહ્યો હતો તે ત્યાંજ, કઈંક અલગ અવાજ સંભળાયો. પહેલાં તો લાગ્યું કે કોઈ ગમ્મત કરતું હશે, પણ એમ ન હતું. મને ઘડીક થયું કે મહાભારતમાં કોઈ દેવી ધરતી પર ઉતર્યા હશે, પણ આતો એમ પણ નહીં!

સહેજ હાશકારા નો શ્વાસ લેતાં વળી પાછો અવાજ આવ્યો, ” હે વાઈન વિચારક, જરા તારી સામે પડેલાં વાડકા પર નજર કર”. તારી ભલી થાય, આ તો પેલી દ્રાક્ષ બોલતી હોય એવું લાગ્યું. મોટા ભાગે લોકોના મગજમાં રમણ-ભમણ કરતું મારું માથું, આજે પોતે જ ભમી ગયું.

લોકડાઉનમાં વાઈનના વિચાર માત્રથી જ કદાચ નશો થઇ જતો હશે, એ લાલચે મેં આ ચમત્કારી દ્રાક્ષ સાથેનાં વાર્તાલાપ ને અવિસ્મરણીય બનાવવાનું નક્કી કર્યું.

દ્રાક્ષ: તું આટલો બધો કેમ ગભરાય છે મારાથી?
આમ તો ખાસ્સી ડંફાસ મારતો ફરે છે કે, હું તો
છપ્પન ની છાતી વાળા નો શાગિર્દ છું.
હું : ગભરાવાનો સવાલ નથી પણ આમ તમે એકદમથી
આવી વાડકામાં ભરાઈને, મહાભારતનાં સમયની
જેમ, ” मै समय हूं “ ની લઢણ માં બોલવા લાગો તો કોઈ પણ છક્કડ ખાઈ જાય.

મહામહેનતે અહીં સુધી વાંચીજ લીધું છે તો આગળ પણ વાંચો આ મસ્તમજાની દ્રાક્ષ સાથે મારો સાક્ષાત્કાર.

દ્રાક્ષ : હા ભાઈ હા ! ટેઈક ઈટ ઇઝી એન્ડ રિલેક્સ. તું મને ખાઈ જાય એ પહેલા કંઈક વાત કર મજા આવે એવી
હું : સામાન્ય રીતે તો તમને મેં ક્યારેય બોલતા સાંભળ્યા
નથી, તો આજે શું તમારાં લાગતાં-વળગતા માં
કોઈનો જન્મદિવસ છે ?

દ્રાક્ષ : લોકડાઉન માં અમે પણ ખાસ નીકળી નથી શકતા એટલે તને જોયો તો વાત કરવાનું મન થઇ ગયું.
હું : વાહ ! પણ આવા માહોલ માં તમે અહીં આવ્યા
કેમના ?

દ્રાક્ષ : એક ભલો ખેડૂત નાસિક થી મને જેમતેમ
કાલાવાલા કરીને લાવ્યો. બાપડો કેટલો કરગર્યો કે
અંદર માસુમ દ્રાક્ષ છે એનો જીવ બચી જાય એટલે
વડોદરા લઇ જાઉં છું.
હું : ભલું થાય એનું. આજકાલ તો માણસ, માણસ ની
દયા નથી રાખતો તમે તો પાછા ફળ કહેવાઓ, એ
પણ પાછું ખેડૂતભાઈની મહેનત નું ફળ.

દ્રાક્ષ : મેં સાંભળ્યું છે તમે વાઈન ના બહુ હરખપદુડા
ચાહક છો?
હું : હાસ્તો વળી ! આમ જોઈએ તો, તમે વાઈન ના
મમ્મી થાઓ, બરાબર ને ?

દ્રાક્ષ : હા, પણ મારો વંશ કાળી દ્રાક્ષ કહેવાય. આ તમારાં મહાભારત માં કૌરવ અને પાંડવ છે,એવાં અમે
કાળી અથવા લાલ દ્રાક્ષ અને પીળી અથવા સફેદ
દ્રાક્ષ.
પણ અમારા વચ્ચે ક્યારેય મહાભારત ની રામાયણ
થઇ જ નથી અને થશે પણ નહીં .
હા ! મારી દીકરીઓ, વ્હાઇટ અને રેડ વાઈનના ફેન
ફોલોઇંગ આખી દુનિયામાં ખરાં.
હું : હા એતો માનવું પડે! હું અવારનવાર બંનેવ
દીકરીઓના ફેન પેજ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર
જોતો હોઉં છું.

દ્રાક્ષ : મારું એક સૂચન છે.
મારા જેવા બીજાં ફળફળાદિ ભાઈ બહેનોની
અવરજવરથી, કોરોના ના કપરા સમયમાં લોકોની
મદદ માટે આખા દેશમાં પહોંચી શકાય, એના માટે
ફળફળાદિ ભાઈબહેન મંડળ તરફથી એક
મહત્વપૂર્ણ સૂચન તમે બે મહત્વની વ્યક્તિઓ સુધી
પહોંચાડી શકશો?
હું : ભારત દેશની આ જ તો વિશેષતા છે. અહીં
માણસો તો ખરાં જ , ફળફળાદિ પણ સેવા માં
તત્પર હોય છે.
શું સૂચન છે તમારું?

દ્રાક્ષ : આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને
રેલમંત્રી શ્રી પિયુષભાઇ ગોયલ ને સૂચન છે
કે,“હાલમાં રેલવ્યવહાર સાવ ઠપ્પ છે તો અમારા
જેવા દ્રાક્ષ,ચીકુ, કેરી, કેળાં, તરબૂચ વગેરે ફળો
અને ઘઉં,ચોખા,ખાંડ જેવાં ફળફળાદિ તથા
અનાજ ભાઈ બહેનો ને રેલવે દ્વારા આવવા
જવાની સગવડ તાકીદે કરી આપવામાં આવે તો
ઘણું સારું”.
જેથી છેવાડા ના માણસ ને પણ ભૂખમરાથી
બચાવી શકાય.
હું : દેશહિત માટેનું આ સૂચન હું જરૂરથી પહોંચાડીશ.
આનાથી તો કેટલાં બધાં ફળો અને અનાજને
સડતા કે વેડફાતા અટકાવીને એમનો જીવ બચાવી
શકાય.

હું : તમે આળસુ પ્રકૃતિના લોકો માટે સૌથી ઉત્તમ ફળ
છો મેડમ. છોલવા કે કાપવાની કોઈ મહેનત જ
નહીં.
દ્રાક્ષ : મને મારી માં, વાઈન બનતા પહેલા એક શિખામણ આપી ગયેલી કે સમાજ ના દરેક વર્ગ માટે કશું ને કશું કરવાનો પ્રયત્ન કરજે .

હું : મારું પણ એક કામ કરજો તમે. ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી મને તમારી દીકરી વાઈન ને મળવાનો મોકો નથી મળતો. તમારે બહાર ગમે એવાં હોવ, પણ મારા પેટમાં જઈને તમારી વાણી અને વર્તન, એક આદર્શ વાઈન જેવું રાખજો. જેથી વાઈન નામ નાં મૃગજળનો ક્ષણભર તો આનંદ લઇ શકું !

દ્રાક્ષ : ભલે ભલે. મારે પણ મારા જીવનકાળ દરમિયાન એક ઉત્તમ વાઈન બનવું હતું, પણ એ મોકો ન મળતાં હું પણ સહેજ નિરાશ હતી.
મારે તો તારો આભાર માનવો પડશે ખીખીખી .

હું : તમારી સંસ્કૃતિ માં તો જેટલા વૃદ્ધ થતાં જાવ કે
જેમ-જેમ તમારી ઉંમર વધતી જાય તેમતેમ તમારું
મહત્વ વધતું જાય.

અંગ્રેજી માં પણ કહે છે ને, " Wine improves with age " The older it gets the better it becomes.

શું આ વાત સાચી છે ?

દ્રાક્ષ :એકદમ સાચી વાત છે.
અમે, માણસો કરતા એકદમ વિરુદ્ધ સ્વભાવનાં છે.
અમારી વૃદ્ધ દ્રાક્ષ બહેનો અને વાઈન નું મૂલ્ય સમય
સાથે ઉત્તરોત્તર વધતુંજ જાય છે.
વૃદ્ધ થઇ ગયેલા ને અમે ક્યારેય તરછોડતા નથી.
આ માણસ આટલો વિચિત્ર કેમ ?

હું : હું માણસ ને તમારાં જીવનચરિત્ર માંથી કંઈક
જીવનબોધ લેવાનું અવશ્ય કહીશ.
એની પાસે બહાના તો તૈયાર જ હશે તેમ છતાં
પ્રયત્ન તો કરીશ.
દ્રાક્ષ:માણસ અમારી માવજત કરે છે પણ એનાં વિચારો
ની શુદ્ધિની માવજત અમારે કરવાની !!!

આચમન

પ્રભુનો પાડ માનવો જોઈએ આપણે , કારણ કે એક આશ્વાસન આપણી પાસે હંમેશા રહેશે કે માણસ ભલે શીખતો બંધ થઈ જાય ; તોપણ પ્રકૃતિ માણસને શીખવવાનું બંધ નહીં કરે. કોરોના મહામારી આનો સળગતો, કણસતો અને કરમની કઠણાઈ દર્શાવતો ઉત્તમ પુરાવો છે.

આખી પ્રક્રિયામાં માણસ એક ઝાકળબિંદુ જેટલી પણ વિવેકબુદ્ધિ દાખવે તો જય કનૈયા લાલ કી !

✍🏾..પંકિલ દેસાઈ