પરંતુ તેને ના સાંભળવા મળે છે.
“આ બધુ શું માંડ્યુ છે ? મોઢું જોયું છે તારું અરીસામાં? તારી હિમ્મત કેમ થઈ મને પ્રપોઝ કરવાની? નથી પોતાના ભણવાના ઠેકાણા કે નથી ઘરના ઠેકાણા અને આવ્યો મોટો પ્રેમ પ્રસ્તાવ લઈ ને! બીજીવાર આ વાત કરી છે મારી પાસે તો હું ફરિયાદ કરી દઈશ. આવ્યો મોટો!”
બિચારો શાવેઝ… ખૂબ નિરાશ થઇ જાય છે. એને ખબર નથી પડતી એની નિખાલસ અને સાહજિક લાગણી વ્યક્ત કરવામાં એને કડવા વેણ કેમ સાંભળવા પડ્યા. એનો ઇરાદો કાઈ અલીઝાને હાનિ પહોંચાડવાનો નહોતો એને તો માત્ર પ્રેમની ઝંખના હતી અને એ માની બેઠો કે પ્રામાણિક એકરાર કદાચ એને મદદરૂપ થશે. પણ અહિંં પણ નિયતિને એ મંજૂર ન હતું.
ન મારી પાસે મમ્મી છે, ન કોઈ મિત્ર, ન તો પપ્પા મને સમજે છે. મને ગમતી છોકરીને પણ મારામાં રસ નથી. આવું જીવન જીવીને શુ કરવાનું? ધીમે ધીમે એને જીવનમાંથી રસ ઉડતો જાય છે. બાર સાયન્સની પરીક્ષા નજીક આવતી જાય છે. દિવસો ઓછા છે, તૈયારી કરવામાં બિલકુલ મન નથી લાગતું.
ઘરેથી સ્કૂલ જવા નીકળે છે પણ સ્કૂલના બદલે ગામથી દૂર આવેલી એક નદીના કિનારે આખો દિવસ બેસી રહે છે. નિરાશાવાદી વિચારો કરતો કરતો તળાવમાં પથ્થર ફેંકતો હોય છે; આવા જીવન કરતા તો મરી જવું સારું.
હા મરી જ જવું જોઈએ! મને કોઈ જ પ્રેમ નથી કરતું. હું જરાય સારો નથી. કોના માટે જીવવાનું? કોઈ નથી મારુંં દુનિયામાં… સતત આવા નિરાશાજનક વિચારો તેના મનને ઘેરી લે છે.
હવે આ સિલસિલો દરરોજ ચાલે છે. ઘરેથી સ્કૂલ જવા નીકળું છું એમ કહી નદીના કિનારા બેસી રહેવાનું અને સાંજે પાછા ઘર ભેગા થવાનું.
પરંતુ એકવાર શાવેઝના ટ્યુશન શિક્ષકનો ફોન આવે છે. અને એના પપ્પાને કહ્યું, ‘શાવેેઝ નથી સ્કૂલમાં જતો, નથી ટયુશનમાં આવતો. તમે ઘ્યાન રાખો એ શું કરે છે.’શાવેઝના પપ્પાને ખબર પડે છે તે સ્કૂલ નથી જઈ રહ્યો અને તેના બદલે આવી રીતે સમય બરબાદ કરે છે. એ તેને ખૂબ મારે છે. સ્કૂલમાં પણ એને ખૂબ વઢ પડે છે. એના ક્લાસમાં વિદ્યાર્થીઓ એની ખૂબ મજાક ઉડાવતા, શાવેઝ તો ડોબો છે, એ તો સ્કુલથી ભાગી જાય છે. વગેરે વગેરે….
બારમા ધોરણની બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય છે. શાવેઝની તૈયારીઓ નહિવત હોય છે. હવે તેના આત્મહત્યાના વિચારો બળવત્તર થવા લાગ્યા છે. હવે તો નક્કી કરી દીધું કે મરવું જ છે.
એકદિવસ બજારમાં જઈને એક જાડી રસ્સી લઇ આવે છે. કયા દિવસે અને કેટલા વાગ્યે મરવું એ પણ નક્કી કરી લીધું. ગળે ફાંસો ખાઈ પંખે લટકી જીવન ટૂંકાવવું એ નિર્ણય લેવાયો હતો. રસ્સી બાંધીને ચેક પણ કરી લીધું કે બરાબર છે કે નહીં. સ્યુસાઈડ નોટ લખીને તૈયાર કરી દીધી.
‘મમ્મી પપ્પા,
હું મારી મરજીથી આ પગલું લઈ રહ્યો છું. મારા મૃત્યુ પાછળ કોઈ જ જવાબદાર નથી.
શાવેઝ’
હવે મરવાનું તો નક્કી જ છે. આજે રાત્રે સાડા દસ વાગ્યે હું મારા જીવનનો અંત લાવીશ. મારા રૂમના દરવાજા ખુલ્લા રાખીશ. લાવને જતા જતા છેલ્લીવાર ટ્યૂશન જતો આવું. મનમાં વિચાર આવે છે કે આ દુનિયામાં જો કોઈ એક વ્યક્તિ પણ એવું કહે ને કે શાવેઝ તું સારો છે તો હું મરવાનો વિચાર છોડી દઈશ.
પણ હું તો કોઈને ગમતો નથી, હશે! ચાલો આજે હવે છેલ્લો દિવસ અને છેલ્લી વાર ટયુશન જઇ આવું. એ દિવસ પણ ટયુશનનો છેલ્લો દિવસ હતો. બીજા દિવસથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની હતી. છેલ્લા દિવસે ટયુશનમાં વિદ્યાર્થીઓ પણ ઓછા હોય છે.
(Part - 3)