ajanyo prem books and stories free download online pdf in Gujarati

અજાણ્યો પ્રેમ

તમે બધા મજામાં હશો એવી આશા રાખું છું.

પહેલીવાર હું આવી વાર્તા (લવ સ્ટોરી) લખવા જઈ રહી છું.

કોઈ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખી છે. આખી વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે.

કેવી રીતે બાળપણની મિત્રતા એક સુંદર પ્રેમમાં બદલાઇ જાય છે બસ તેનું જ સુંદર વર્ણન વાર્તામાં કરવાનો પ્રયત્ન કર્યો છે.

તમે બધા આખી વાર્તા વાંચો એવી વિનંતી.

તમને બધાને વાંચવી ગમશે એવી આશાથી શરૂ કરું છું અજાણ્યો પ્રેમ .....



એક સમયની વાત છે એક કંઢોલી નામનું ગામ હતું.

ખૂબ જ સુંદર ગામ હતું. એક બાજુ સુંદર મજાની નદી તો બીજી બાજુ ડેમની બોર્ડર , એક બાજુ લીલાછમ ખેતરો તો બીજી બાજુ નહેરો, નાનું ગામ પણ ખૂબ જ સુંદર હતું. હવે આ ગામમાં એક સમસ્યા હતી. કોઈ બહુ મોટી ખરાબ નહીં પણ ત્યાં બધાને છોકરો જ થાય. વર્ષોથી રેકોર્ડ હતો કોઈને છોકરી થાય જ નહીં અને વર્ષો પછી એક દિવસ આવ્યો અને સરપંચના ઘરે છોકરો આવ્યો અને કોણ જાણે તે જ દિવસે એક ગરીબ ખેડૂતના ઘરે છોકરી આવી. ફક્ત એના ઘરે નહીં આખા ગામમાં 20 વર્ષ પછી છોકરી આવી. એ ગરીબ ખેડૂત તો ઠીક પણ આખું ગામ ખૂબ ખુશ હતું કે ગામમાં છોકરી થઈ છે. દિવસો ગયા અને સરપંચના દીકરાનું નામ રવિ અને પેલી ગરીબ ખેડૂતની દીકરીનું નામ ગીતા રાખવામાં આવ્યું.

હવે ધીમે-ધીમે બન્ને મોટા થઈ રહ્યા હતા ત્યાં ગીતા એકલી પડી જતી હતી. બધા જ છોકરાઓ ગીતાને રમાડતા નહીં, એવું તો કહેતા જ કે તું છોકરી છે અને પાછું તું અમારી બહેન છે તને કંઈ વાગી ન જાય એટલે તને નથી રમાડતા એવું કહીને મનાવી પણ લેતા એટલે બસ ગીતા બેસી રહે અને બધાને રમતા જોયા કરે.

ગીતા સ્વભાવે ખૂબ જ સંસ્કારી અને તેના પિતાને ખેતીમાં બાળપણથી જ મદદ કરતી હતી. ગીતાની માં ગીતા પાંચ વર્ષની થઈ અને મૃત્યુ પામી એટલે ગીતાનો જે એકનો એક સહારો હતો થોડી ગમ્મત કરવાનો એ પણ છૂટી ગયો.

હવે ગીતા અને પેલો સરપંચનો દીકરો રવિ શાળા શરૂ કરવાની ઉંમરના થઈ ગયા હોય છે. આખા ગામમાં એક જ શાળા હતી જેમાં ફક્ત 1 થી 8 ધોરણ જ હતા. એટલે ગામના બધા જ બાળકો ત્યાં જ ભણતા. ત્યાં પણ ગીતાને અલગ પાટલી આપવામાં આવતી કારણ એક તો છોકરી છે પાછી ગામમાં એકની એક. આ એક નું એક હોવું તેને માન સાથે જાણે એકલતા આપતું હોય એવું લાગતું હતું.

ગીતા અને રવિ પહેલા ધોરણથી જ સાથે ભણ્યા હોવાથી એકબીજાને પાક્કા ઓળખતા હતા.

રવિનું ઘર શાળાથી બહુ જ દૂર હતું, જ્યારે ગીતાનું ઘર શાળાથી ખૂબ જ નજીક હતું.

હવે બંને સાતમા ધોરણમાં આવે છે. ગીતા પાંચ દિવસ શાળા જાય છે અને પછી નથી જતી. એક દિવસ ગીતા સ્કૂલ નથી જતી અને સ્કૂલની બાજુમાં નદીકિનારે બેસી રહે છે. હવે રવિ જોઈ જાય છે કે આજે તે સ્કુલ નથી આવી અને કેમ આમ નદી કિનારે બેઠી છે??

રવિ ગીતા તરફ જાય છે અને પૂછે છે ગીતા કેમ આજે સ્કૂલ ના આવી બહેન??

(જેમ બધા છોકરા ગીતાને બહેન કહેતા તેવી જ રીતે રવિ પણ પહેલાં ગીતાને બહેન જ કહેતો.)

ગીતા સામે જોવે છે અને પાછી નદીમાં જોવા લાગે છે. રવિ ચાલ્યો જાય છે.

બીજો દિવસ થાય છે પાછી ગીતા સ્કૂલ નથી જતી અને નદીમાં માછલીઓને જોયા કરે છે. વળી પાછો રવિ તેને જોઈ જાય છે. સાથે આટલા ધોરણ ભણ્યા હોય તો સામાન્ય છે કે આપણે પણ પૂછીએ. રવિ પાછો ગીતા તરફ જાય છે અને પૂછે છે શું થયું ગીતા સ્કૂલ કેમ નથી આવતી??

મેડમ આજે પૂછતા હતા બધાને કે તમારી બહેન કેમ નથી આવતી??

ગીતા બે ઘડી રવિ સામે જુએ છે પાછું મોઢું નીચે કરી દે છે.

રવિને થાય છે આ કરે છે શું??

રવિએ પૂછ્યું તું નદીમાં શું જોયા કરે છે??

તને હવે ભણવાનું નથી ગમતું કે શું??

તું તો આટલી હોશિયાર છે તો સ્કૂલે કેમ નથી આવતી??

ગીતા રવિ સામે જોઈને એવું કંઈ જ નથી એમ કહી દોડી જાય છે.

પછીના દિવસે ગીતાને ક્લાસમાં જોઈ રવિ એક સ્માઈલ આપે છે ગીતા પણ હસે છે.

(ગીતા અને રવિ બન્ને તેજસ્વી તારલા હતા.

જો રવિ પહેલો આવે તો ગીતા બીજી અને ગીતા પહેલી આવે તો રવિ બીજો. ગીતાને ભણવાનું બહુ જ ગમતું હતું. પણ જ્યારે તેને ખૂબ જ એકલતા અનુભવાય ત્યારે તે નદી કિનારે બેસી માછલીઓ જોડે વાતો કરતી. ઘરે માં નહીં, પિતા હંમેશા ખેતરે હોય ખાલી જમવાનું આપવા જાય તેટલું મળે. નાની ઉંમરમાં જાણે રસોઈથી લઈને ઘરના બધા કામ પરવારી જતી હતી. કોઈ રમનારું નહીં, કોઇ વાત કરનારું નહીં, બસ એના ચોપડા અને એનું કામ. સાવ એકલી પડી જતી ગીતા ક્યારેક ક્યારેક તો.)

પછી ગીતા અને રવિ બન્ને ધોરણ આઠમાં આવી જાય છે. હવે રવિ ગીતાને બહેન નહીં પરંતુ ખાલી ગીતા જ કહેતો. સાત વર્ષની મિત્રતા જે હતી. હવે ખબર નહીં ગીતાને શું થાય છે તે એક મહિના પછી સ્કૂલે જવાનું જ બંધ કરી દે છે. એટલે રવિને પ્રશ્ન તો થયો કે આ પાછું એકલતાનો શિકાર થઇ હશે લાગે છે.

પણ એવું ન હતું ગીતાના પિતા બીમાર પડી ગયા હતાં. જેમાં ગીતા તેમને ખોઈ દે છે.

હવે લાડકી તો આખા ગામની હતી ગીતા પણ ગરીબની ત્યાં જન્મી હતી એટલે કોઇ એટલી ઈજ્જત ના આપે બસ ઉપરછલ્લો દેખાડો જ કરે. હવે તો બિચારી ગીતા સાવ એકલી થઈ ગઈ. કાકા-કાકી નામના જ હતા. બિચારીને ખેતરમાં મજૂરી ચાલુ કરવી પડી. ખેતરોમાં કપાસ વીણવા જાય તો જ કાકી તેને જમવાનું આપે બાકી ભૂખી રાખે.

એક દિવસ ગીતાને ખેતરથી પાછા આવતા રવિ રસ્તામાં મળે છે. રવિ ગીતાને જોઈને ખુશ થઇ જાય છે.

રવિ પૂછે છે કે મહિનાથી સ્કૂલ કેમ નથી આવતી?

ગીતા એના પિતા અને તેની મજૂરી વિષે જણાવે છે.

રવિને આઘાત લાગે છે કે આટલી હોશિયાર છોકરી જેને આટલું ગમે ભણવાનું તેને કેમ આવું કરવું પડે?

હવે રવિ વાત સાંભળી ગીતાને કહ્યું તું ગમે તે કર પણ સ્કૂલ ચાલુ કર.

ગીતા હસીને કહે છે ખાવા માટે મજૂરી કરવી પડે છે સ્કૂલનો સમય ક્યાંથી કાઢું??

પછી બન્ને નીકળી જાય છે.

હવે રવિ આવી વાત તેના પિતાને (સરપંચને) કરે છે.

(રવિના પિતા ગામના સરપંચ હતા)

સરપંચ સ્વભાવે દયાળુ હતો એટલે ગીતાના કાકા-કાકીને બોલાવી તેનું ધ્યાન આપવા તેમજ ખાવા-પીવાનું પણ આપવાનું સમજાવે છે કાકી ગુસ્સામાં ને ગુસ્સામાં બોલે છે જમવાનું તો આપીશું પણ મજૂરી તો કરવી જ પડશે. ગીતા મજૂરી કરવાની હા પાડે છે અને કાકી જમવાનું આપી જવાનું ચાલુ કરે છે. પછી ગીતાને ફરી સ્કૂલ ચાલુ કરવાની ઈચ્છા થાય છે.

બીજા દિવસે રવિ ગીતાને ક્લાસમાં બેઠેલી જોઈ ખૂબ ખુશ થાય છે અને કહે છે બહુ સારું લાગ્યું તને અહીં પાછી જોઈને. ગીતા પણ ખુશ થાય છે અને તેને ધન્યવાદ કહે છે એના પિતાની સહાય માટે . હવે ગીતાનું રોજ-બ-રોજનું કામ એટલે કાકીએ આપેલું ખાવાનું, સવારે સ્કૂલ બપોરે મજૂરી, રાત્રે સ્કૂલનું લેશન.

પાછા અમુક મહિના પછી રવિ ગીતાને નદી કિનારે બેસેલી જોવે છે અને તે પણ સ્કૂલે નથી જતો અને ગીતા તરફ જાય છે. ગીતા કહે છે તું કેમ અહીં આવ્યો??

તું જા સ્કૂલનો ગેટ બંધ થઈ જશે.

રવિ ના પાડે છે અને ત્યાં જ બેસી જાય છે.

બંને વાતો કરવા લાગે છે.

રવિ પૂછે છે તું આ નદી કિનારે બેસી શું જોયા કરે નદીમાં??

ગીતા એ કીધું બચપણથી ગામમાં આજ મારી મિત્ર બની છે બાકી બધા તો ખોટા મને બોલાવે છે અને રમાડતા પણ નથી. એક તો પહેલા માતા ખોઈ દીધી જે થોડી મસ્તી કરાવતી તે પણ છૂટી ગઈ અને પછી પિતા. એટલે મારી પાસે કોઈ સાંભળનારું જ નહોતું તો મને જે કંઈ પણ કહેવું હોય હું અહીં આવી આ માછલીઓ સાથે વાતો કરું છું. રવિ તો અચંબામાં જ પડી ગયો કે વાતો અને એ પણ માછલીઓ જોડે??

ગીતા હસી પડી અને કીધું તને નહિ સમજાય તારી પાસે બધું જ છે માતા-પિતા, મિત્રો, રમતો બધું જ.

રવિ શાંત થઇ ગયો અને એ પણ માછલીઓ જોવા લાગ્યો. થોડો સમય થાય છે અને રવિ ગીતાની રજા લે છે. ગીતા હસતી હસતી બૂમ પાડીને કહે છે ગાંડી ના સમજતો મને હને.... રવિ હસીને જાય છે.

હવે બંને ધોરણ ૮પાસ કરે છે અને ગામમાં તો સ્કૂલ હતી નહીં ૯માં ધોરણની તો બીજે ગામ જવું પડે. ગીતાના કાકા-કાકી ના પાડે છે અને કહે છે ભણીને શું કલેક્ટર બની જવાની છે..?

અને બીજે ગામ જવાનો ખર્ચો કોણ ઉપાડશે??

ગીતાને બહુ દુઃખ થાય છે અને પાછી ચાલી જાય છે સ્કૂલના નદી કિનારે. રવિ એના મિત્રો સાથે એ બાજુ જ ફરતો હતો અને નજર પડી ગીતા પર જ્યારે ગીતા રડતી હતી એટલે બધા જ મિત્રો સાથે રવિ ગીતા બાજુ ગયો અને ખબર પડી કે ભણવાની ના પાડી એટલે રડે છે. અમુક છોકરા દિલાસા આપે છે તો અમુક કહે છે બરાબર છે નહીં ભણવાનું , પણ રવિ ચૂપ રહે છે.

હવે રવિભાઈ પાછા પપ્પાને (સરપંચને) વાત કરે છે કે પપ્પા આપણું ગામ બહુ નાનું છે તો શું બધા પાસ જ રહેશે? તમને નથી લાગતું તમારે એક-બે બસની વ્યવસ્થા કરાવવી જોઈએ સરકારને કહીને જે ગામના બધા જ બાળકોને બીજે ગામ આગળ ભણવા લાવી મૂકી જાય. ફરી સરપંચ રવિની વાત માની જાય છે અને બે બસ મૂકાય છે 9 થી 12 વાળા વિદ્યાર્થીઓ માટે બીજે ગામ ભણવા જવા. આ જાણી ગીતા પણ કાકા-કાકીને મનાવી લે છે.

પછી ચાલુ થાય છે ધોરણ 9.

રોજ બધા જ 9 થી 12વાળા વિદ્યાર્થીઓ માટે સવારે 7:00 વાગે બસ આવી જતી અને 1:00 વાગે પાછી મૂકી જતી. ગીતા અને રવિ પણ એ જ બસમાં જતાં.

(રવિને ખબર નહોતી કે તે ગામના લોકો સાથે સાથે તે ગીતાની મુશ્કેલીઓ પણ વિચારતો થઇ ગયો હતો.)

હવે એક દિવસ આવે છે જ્યારે બધા જ છોકરાઓ અને ગીતા 10માં ધોરણમાં આવે છે. તે સમયે એક સરકારી યોજના આવી જેમાં 80% ઉપર લાવનાર દરેક વિદ્યાર્થીને જો તેમના ઘરની આવક વર્ષે ૨ લાખ કરતા ઓછી હશે તે બધાને આગળ ભણવાનો ખર્ચ સરકાર ઉઠાવશે અને એક મોટી શાળામાં દાખલો પણ આપશે.

ગીતા અને રવિ તો પહેલેથી જ હોશિયાર હતાં.

રવિને આ યોજનાની કંઈ જ પડી ન હતી કારણ કે તે તો સરપંચનો દીકરો અને પૈસે ટકે ખૂબ સુખી હતો.

પણ ગીતાના મગજમાં તો આ યોજના જાણે એવી બેસી ગઈ કે કોઈ તરસ્યાને કૂવો મળી ગયો હોય.

તેનું કારણ એક જ હતું કાકા-કાકી તો આગળ ભણાવતા નહીં પણ જો તે 80% ઉપર લાવે તો એને જે બનવું છે તેનું એક પગલું લેવાઈ જાય.

સમય જાય છે અંતિમ પરીક્ષા આવે છે.

રવિ અને ગીતા હંમેશા બસમાં પાછા આવતા પેપરનું સોલ્યુશન કરતા. બધાની પરીક્ષા ઠીકઠાક જાય છે.

રવિ અને ગીતા તો બંને તેજસ્વી તારલા જ હતા પહેલેથી એટલે બંને ખૂબ ખુશ હોય છે કે તેમની પરીક્ષા સરસ ગઈ છે.

પછી વેકેશન પડે છે. એટલે ગીતા એના કાકાના ખેતરમાં કામ કરવા લાગી અને આપણા રવિભાઈ ભાઈબંધો જોડે રખડવાનું ચાલુ કર્યું. પાછું પિતાએ તેમને બાઇક લઇ આપ્યું અગાઉથી જ કે મને ખબર જ છે તારા સરસ ટકા આવશે.

હવે એક દિવસ ગીતા ખેતરેથી પાછી આવતી હોય છે અને રવિ બાઈક લઈને જતો હોય છે. બંને ઉભા રહે છે. રવિએ પૂછ્યું બધું બરાબર છે ને હવે સ્કૂલવાળી નદીએ નથી જતીને?

ગીતા હસીને બોલે છે ના ના આજકાલ કામ જ એટલું હોય છે કે પોતાની જોડે વાત કરવાનો પણ સમય નથી. રવિ હસીને કહે છે એમ થોડી ચાલે. જોજે વાતો કરતી રહેજે પોતાની જોડે બાકી મારે પાછું નદીએ શોધવા આવું પડશે. ગીતા કહે છે એવું નથી કે હું દુઃખી થવું તો જ ત્યાં જાઉં છું, કોઈ ખુશીની વાત હોય તો પણ હું ત્યાં જાઉં છું અને માછલીઓને બધું જ કહું છું.

રવિ કે એમ બરાબર તું કંઈક અલગ જ છે યાર. તારી અમુક વાતો મારી સમજની બહાર છે.

કંઈ નહિ ચાલ મળીએ રીઝલ્ટના દિવસે.

ગીતા હસવા લાગે છે અને બંને આવજો કહીને નીકળે છે.

હવે રીઝલ્ટનો દિવસ આવે છે. ગામના બધા છોકરાઓના 60-70 સુધીમાં ટકા હતા જ્યારે રવિના 82% આવ્યા અને ગીતાના 85% આવ્યા. રવિ બહુ જ ખુશ હોય છે કે 82% આખા ગામમાં કોઈના નહીં હોય. બધા મિત્રો રવિને ખભે બેસાડી જૂની સ્કૂલની બહાર ફરાવે છે ત્યાં જ અચાનક રવિની નજર પેલા નદીકિનારે પડે છે. ત્યાં ગીતા ઊભી હોય છે તે બહુ જ પ્રસન્ન દેખાતી હતી. એટલે પછી રવિ બધાને પફ અપાવી પાર્ટી આપે છે અને સીધો ગીતા તરફ જાય છે.

રવિ ગીતાને પૂછે છે ઓહ તું બહુ ખુશ લાગે છે.

ગીતાએ કીધું હા, બહુ જ.

હવે રવિ કંઈક પૂછે તે પહેલાં ગીતાએ પૂછ્યું તારા કેટલા ટકા% આવ્યા?

રવિભાઈ ફોમમાં ને ફોમમાં મારા તો 82% આવ્યા જણાવે છે. ગીતા સાંભળીને ખુશ થઇ જાય છે અને રવિને કહે છે વાહ યાર તું જબરો છે અહીંયા પણ 80% ઉપર લઇ જ આવ્યો. રવિભાઈ તો હોશિયારી મારે છે હા એ તો આવી જાય હવે. પછી રવિએ પૂછ્યું તારા તો કેહ તારી પરીક્ષા પણ જોરદાર ગઈ હતી??

ગીતાએ કહ્યું હા, મારા 85% આવ્યા છે.

રવિના રંગ ઊડી જાય છે પહેલા તો પણ પછી એ પણ ખુશ થઇ જાય છે કહે છે વાહ યાર ગીતા તું કંઈક અલગ જ છે કીધું હતું ને મેં તને. મને એમ કે આખા ગામમાં મારા ટકા સૌથી વધારે છે પણ તું તો અમારા ગામની સાચી હીરો નીકળી.

ગીતા કે હીરો??

રવિ હસીને બોલ્યો હિરોઈન રાખ એમ પણ સારી દેખાય છે. ગીતા જોયા કરે છે.

રવિભાઈ પાછા ગયા પપ્પા જોડે અને કહે છે પપ્પા આપણે આપણા ગામની એકની એક છોકરી 85% લાવી છે તો તેનું સન્માન કરવું જોઈએ તેને પ્રોત્સાહન આપવું જોઇએ એવું નથી લાગતું ??

(રવિને ખબર નથી કે તેના દિલમાં સમ્માન સાથે બીજી લાગણીનો પણ જન્મ ટૂંક જ સમયમાં થઈ જવાનો છે.)

એટલે સરપંચ સમ્માન કાર્યક્રમ ગોઠવે છે. આખું ગામ ભેગું થાય છે અને ગીતા અને રવિને હજાર હજાર રૂપિયાનું ઇનામ અપાય છે. કારણ આજે પણ બંને પહેલા અને બીજા નંબરે આવ્યા હતા. પછી થોડો નાસ્તો બધાને અપાય છે. રવિ ગીતા પાસે આવીને બેસે છે. બંને ભુસુ ખાતા ખાતા સામાન્ય વાતો કરતા હતા. ગીતા એ કીધું તને ખબર છે પેલી યોજના 80% ઉપર આવે તો સરકાર મોટી શાળામાં દાખલો અને બધા ખર્ચા આપશે?

રવિએ કીધું હા પણ મને તો નહીં મળે તું સમજી શકે છે. ગીતાએ કીધું હા બરાબર પણ મને તો મેડમે કીધું છે મારું નામ એ યોજનામાં મોકલવાના છે. જો થઈ જશે તો મને મોટા શહેરમાં 11 અને 12 ધોરણ કરવા મળશે અને કાકા-કાકીને પણ ખર્ચો નહીં કરવો પડે. રવિ ખુશ થઈને કહે છે વાહ ગીતા તું જોજે એક દિવસ બહુ મોટી બનીશ. બંને હાથ મિલાવે છે અને અંતે કાર્યક્રમ પણ સમાપ્ત થાય છે.

હવે થોડા દિવસો પછી ગીતાની ત્યાં ટપાલ આવે છે જેમાં પેલી યોજના અંતર્ગત તેને 11-12 સાયન્સ કરવા શહેરની મોટી શાળામાં દાખલો મળ્યો છે એની વિગતો હતી. ગીતા એકલી હતી ઘરે. ટપાલીકાકા ટપાલ આપીને ચાલ્યા ગયા. ગીતા ટપાલ ખોલીને જોયું અને રડી પડી. આજે પહેલી વખત ગીતા પેલી સ્કૂલ તરફના નદીકિનારે તેની જગ્યાએ નહીં પણ સીધી દોડે છે રવિના ઘરે. જઈને બૂમો પાડે છે રવિ રવિ....

રવિ બહાર આવ્યો શું થયું??

કેમ આટલી બૂમો પાડે છે??

બધું બરાબર તો છે ને??

ગીતા એ કીધું માંરુ એડમિશન થઈ ગયું

રેહવાની હોસ્ટેલથી લઈને જમવાનું બધું જ સરકારનું.

રવિએ પૂછ્યું ક્યાં??

ગીતાએ ટપાલ આપી, રવિ પણ બૂમો પાડવા લાગ્યોગાંડી તને સુવર્ણ મોકો મળી જ ગયો એમને.

ગીતા બોલી હા. મને થયું આ વાત પહેલા તને કહું એટલે આવી પછી ગીતા નીકળી ગઈ.

પછી ગીતા ખેતરમાં કાકા-કાકીને કહેવા જાય છે બંને મોઢું ચડાવીને બોલ્યા ચલો અમારે એકનું રાંધવાનું ઓછું થશે. ગીતા એના ખેતરના કામમાં વ્યસ્ત થઈ ગઈ.

પણ...

રવિભાઈ થોડા વિચારોમાં પડી ગયા કે આ ગીતા બચપણથી બધું જ પેલી નાની માછલીઓને કહેવા જાય આજે પહેલાં મને કહેવા આવી તે પણ આમ બૂમો પાડતી...

પછી રવિ પોતાના સમજાવી લે છે અરે બાળપણથી મિત્ર છે અમે ખુશી જ કહેવા આવી તો એમાં શું સમજ્યા હવે...

એટલામાં રવિભાઈના ભાઈબંધો આવ્યા એટલે વિચાર છોડી ચાલ્યા ગયા રવિભાઈ રખડવા.

ગીતાને તો ખબર જ હતી આવી કોઈ વાતની.

પછી રવિ અને તેના મિત્રો બસ સ્ટેન્ડ પર બેઠા હોય છે ત્યાં ગીતા એકલી એક મોટો થેલો લઈને આવે છે.

અમુક છોકરાઓએ પૂછ્યું કેમ ગીતાબેન ક્યાં ચાલ્યા આવી રીતે થેલો લઈને?? એટલામાં પાછળથી કાકી બૂમ પાડે છે ઓ ગીતા...ઓ ગીતા... બે વર્ષ પહેલા મોઢું ના બતાવતી તારું. બધા છોકરાઓ સમજી જાય છે. ગીતા ચૂપચાપ બસ સ્ટેન્ડ આવીને બેસી જાય છે. બધા છોકરાઓ ઘરે જતા હોય છે રવિ તેમને કહે છે તમે નીકળો મારે થોડું ભણવાની વાત કરવી છે ગીતા જોડે એટલે હું જાવ થોડીવારમાં. બધા છોકરાઓ નીકળી જાય છે.

બસને આવવાની વાર હોય છે એટલે રવિ વાત કરવા આવે છે અને કહે છે

ગીતા મેં જે જોયું એના પછી એમ જ કહીશ કે તું તારી કાકીની બધી જ વાતો યાદ રાખજે તો જ પોતાને મજબૂત બનાવી શકીશ. બાકી રહ્યું ભણવાનું એમાં તો હું વધારે હોશિયાર છું તું ખબર નહી ક્યાંથી 85% લાવી પણ તું પણ બહુ હોશિયાર છે તું બધું જ કરી લઈશ જોજે. ગીતા હસી પડી અને બોલી હા, હું બધું જ કરી શકીશ પણ તારા જેટલી હોશિયાર નહીં બની શકું યાર અને તું પણ મન લગાવીને આગળ ભણીશ એવી આશા રાખું છું.

બંને હસતા હોય છે એટલામાં બસ આવી જાય છે.

રવિ મદદ કરે છે થેલો મૂકવામાં અને ગીતા બારીમાંથી રવિને બાય કહે છે.

બંને બે ઘડી જોયા કરે છે એકબીજાને પણ બંને કંઈ જ અનુભવતા નથી.

(ક્યાંકને ક્યાંક તે બંને વચ્ચે એક સુંદર સબંધની રચના થઇ જ ગઇ હતી પણ તે બંને હજી અનુભવી શક્યા ન હતા.)

પછી તો શું રવિભાઈ કોમર્સ લઈ લે છે અને આખો દિવસ રખડ્યા કરે ભાઈબંધો જોડે પણ જ્યારે પણ જૂની સ્કૂલ બાજુ જાય તો પેલી ગીતાની નદીવાળી જગ્યા અચૂક જોવે અને ગીતાને થોડીક યાદ પણ કરે.

જ્યારે ગીતાબેન તો સાયન્સ લઈને એવા ભણવામાં પડ્યા હતા કે ના પૂછો વાત પણ ક્યારેક-ક્યારેક પેલી નદીવાળી જગ્યા અને રવિના પ્રશ્નો યાદ કરી લેતી હતી. બાકી યાદ કરવા આમ પણ ક્યાં કઈ હતું.

બે વર્ષ ક્યાં વીતી જાય છે કોને ખબર આમ ને આમ અને અંતે ગીતા અંતિમ પરીક્ષા આપી ગામ પછી આવે છે. કાકી તો હજી મહેણા ટોણા મારવામાંથી ઊંચા નથી આવતા એટલે ગીતા એ જ દિવસે પેલા નદી કિનારે જાય છે. પાછળથી અવાજ આવે છે.

આવી ગયા મેડમ??

ગીતા અચંબામાં પાછળ જોવે છે અને જુએ છે રવિ આવીને ઊભો છે.

ગીતા હસી પડે છે અને બોલે છે હા, સર પાછું તો આવવું પડે અને બંને હાથ મિલાવે છે.

હવે તે જગ્યા ફક્ત ગીતાની નહિ પણ રવિની પણ થઇ ગઇ હતી.

તમને થશે કેવી રીતે???

જ્યારે ગીતા નહોતી ત્યારે રવિ પહેલાં ફક્ત એ જગ્યા દૂરથી જોતો પણ પછી તો એ પણ ત્યાં આવીને ક્યારેક બેસીને વાતો કરતો અને હળવો થતો. રવિ હંમેશા માછલીઓના અંતે કહીને જતો કે તમારી ગીતા આવે તો મને બોલાવજો. રવિ આ બધું જ ગીતાને જણાવે છે. હવે રવિને પણ ખબર નહીં કેમ તે જગ્યા ગમવા લાગી હતી.

ગીતા કહે છે વાહ તમે પણ એકલતાના શિકાર થયા કે શું??

રવિ હસીને બોલ્યો તને લાગે મારા ભાઈબંધો મને થવા દે.

બન્ને હસી પડ્યા.

ગીતા બોલી તો શું વાતો કરે તું??

રવિએ કીધું તું એ બધું છોડ કેવી રહી પરીક્ષા??

ગીતા એ કીધુ જેમ પહેલા રહેતી જોરદાર...

ગીતા એ પૂછ્યું તારી કેવી ગઈ??

તે તો કોમર્સ લીધું ને??

રવિ કે હા, હવે મોટા થયા એટલે મને ખબર નહી પહેલા જેવું ભણવાનું નથી ગમતું.

પરીક્ષા તો ઠીકઠાક રહી બંને ચૂપ થઈ જાય છે.

પછી ગીતા રવિને પૂછે છે કે મારી જગ્યાએ તો આવતો થઇ જ ગયો અને ઉપરથી તું મારી માછલીઓને કેમ એવું કહેતો કે તમારી ગીતાને બોલાવો??

રવિ એકદમ ધીમે રહીને કહે છે ખબર નહિ પણ ક્યાંક ને ક્યાંક હું તને મિસ (miss) કરતો હતો એટલે કદાચ.

(રવિને પણ નથી ખબર તે શું બોલે છે.)

બંને ચૂપ થઈ જાય છે અને એકબીજાને જોયા કરે છે. ગીતા અચાનક જ વાત બદલી નાખે છે કે તારા જેવો હોશિયાર છોકરો યાર કેમ આવું કરે તું. આપણે બે કેવું પહેલા બીજા નંબરે આવતા અને તું કહે છે ભણવાનું નથી ગમતું. રવિ તો ચૂપચાપ બેસી રહે છે અને ગીતા પાણીમાં જોયા કરે છે. અંતે બંને ઘરે જાય છે.

હવે ગીતા વધારે દેખાવડી થઈ ગઈ હતી રવિ મનમાં ને મનમાં એવું બધું વિચારવા લાગે છે. ગીતાને પણ વિચાર આવે છે કે રવિ ખરેખર miss કરતો હશે મને??

(પણ આ બંનેની સમસ્યા એ હતી કે ત્યાં કાકી કામ આપ્યા કરે અને રવિના ભાઈબંધો તેને એકલો ના મૂકે એટલે એમના વિચારો એકબીજા માટે આગળ વધે જ નહીં.)

હવે સવાર થઈ અને રિઝલ્ટ આવ્યું 12મા ધોરણનું.

ગીતા ને ખબર પડી તેના 84% આવ્યા છે. ગીતા બહુ જ ખુશ હતી. રવિને કહેવા જવાનું મન થયું પણ તે નથી જતી. રવિનું પણ રિઝલ્ટ આવ્યું અને 68% થી પાસ થયો. રવિને કોઈ ફર્ક નથી પડતો.

તે જ સાંજે ગામમાં હનુમાન જયંતીનો મેળો ભરાયો હતો. આખું ગામ મેળામાં આમથી તેમ કરતું હતું. ગીતા પણ ગઈ હતી પણ આખા ગામમાં કોઈ છોકરી નહોતી અને પાછી તે ગરીબ પરિવારમાંથી હતી તો કોઈ ભાભી પણ બોલાવતા નહોતા, બાકી રહ્યા કાકી તો એ તો ખબર જ છે કેવા હતા. એટલે એક ખૂણામાં બેઠી બેઠી ગીતા બધું જોયા કરતી હતી. એટલામાં રવિભાઈનું ટોળું આવ્યું મેળામાં. રવિભાઈ તો ફોમમાં હતા. ગીતાની નજર ન પડી પણ રવિની નજર ગીતા પર પડી જ ગઈ. રવિએ મનમાં વિચાર્યું આજે મારા મનની મૂંઝવણ દૂર કરી નાખું કે અમે મિત્ર જ છે કે હું વધારે વિચારવા લાગ્યો છું??

પછી રવિભાઈ ટોળામાંથી છૂટા થઈ ગયા અને ગીતા પાસે આવીને બોલ્યા મેડમ ધાણી ખાશો?

(આ અજાણ્યો સાથ ખબર નહીં ગીતાને શોધી જ લેતો.)

ગીતા હસીને બોલી સર તમે અહીંયા??

રવિએ કીધું આખું ગામ અહીંયા હોય તો હું ક્યાં જવાનો હતો??

રવિ તો ત્યાં બેસી જ ગયો.

બંને થોડી હળવાશની વાતો કરી રહ્યા હતા ત્યાં તો ટપાલીકાકા ગીતાને શોધતા-શોધતા આવ્યા અને આવીને ગીતાને કીધું ક્યારનો શોધું છું તને આ તારી ટપાલ આવી છે તારી સ્કૂલથી.

ગીતાએ પગે લાગીને કાકાને ધન્યવાદ કીધું અને બોલી તમે હંમેશા મારા માટે ખુશીની ટપાલ લઈને આવો છો કાકા. પછી કાકા આશીર્વાદ આપી જય શ્રીકૃષ્ણ કહી ચાલ્યા ગયા. રવિ બધું જોતો હતો. રવિએ ટપાલ ખેંચી લીધી અને બોલ્યો લાવ હું વાંચું. ગીતાએ કીધું ઠીક છે. રવિ ખોલીને વાંચવા લાગ્યો જેમાં લખ્યું હતું તમે સ્કૂલમાં પ્રથમ આવ્યા છો અને રાજ્યમાં ત્રીજા એટલે સરકારશ્રી તરફથી તમને સ્કોલરશીપ મળશે અને જે કોલેજમાંથી જે ભણવા માંગશો સરકારશ્રી તેની પુરી સહાય કરશે.

આટલુ સાંભળી ગીતાની ખુશીનું ઠેકાણું ન રહ્યું અને તે રવિને બાજી પડી. રવિ પણ બહુ જ ખુશ થઇ ગયો. ગીતા કંઈક બોલે એ પહેલા જ રવિ બોલ્યો શું આપણે કાલે આપણી જગ્યા પેલા નદીકિનારે મળી શકીએ??

ગીતા વિચારમાં પડી ગઈ અને બોલી હું સાંજે પાંચ વાગે નવરી થઇ જાઉં છું. રવિએ કીધું કાલે તારી માછલીઓને મળવા પાંચ વાગે મળીએ અને ત્યાંથી ચાલ્યો જાય છે. ગીતા જોતી રહી ગઈ અને વિચારોમાં પડી ગઈ.

પછીના દિવસે ગીતા અને રવિ બન્ને 5:00 વાગે જૂની સ્કૂલની બાજુવાળી નદીકિનારે એટલે તેમની બચપણની જગ્યાએ મળે છે. રવિ પણ ચૂપ ગીતા પણ ચૂપ.

થોડા સમય બાદ ગીતા રવિને પૂછે છે તારા કેટલા ટકા આવ્યા???

રવિ કહે છે બસ આપણે તો પત્યું હવે ભણવાનું.

ગીતા ટોકે છે તેને કે કેમ આવું બોલે છે??

મારે તો કોઈ મને કંઇક બનીને ખુશ થાય તેવું જોનાર પણ નથી છતાં હું આટલી મહેનત કરુ છું. તારે તો તારા માતા-પિતા બધા પહેલેથી ગર્વ કરે છે તો વિચાર કર તું કંઈક બનીશ તો તે કેટલા ખુશ થશે??

રવિ કહે છે હા વાત બરાબર છે હું કંઈક વિચારીશ પાકકુ.

પછી રવિ ગીતાને ધીમેથી પૂછે છે શું ખરેખર તું આગળ ભણવા જતી રહીશ ગામ છોડીને??

ગીતા કહે છે આમ પણ મારું અહીંયા કોણ છે??

અને મેં મારી જાતને પ્રોમિસ કર્યું છે કે હું ડોક્ટર બનીશ જ.

રવિ ગીતાની આંખોમાં જોઈને કહે છે તું કેમ આવું વિચારે છે કોઈ નથી તારું તારી સામે બેઠો એ કોણ છે??

ગીતા સમજી તો જાય છે પણ કંઈ જ બોલતી નથી

ખાલી થોડું હસી લે છે.

રવિ કહે છે કોઈને ગર્વ હોય ન હોય મને તારા પર બહુ ગર્વ છે.

ગીતા બોલી જો તારા જેવો મિત્ર ન મળ્યો હોત તો હું આજે પણ આ માછલીઓને જ મારા સુખ દુઃખ જણાવ્યા કરતી હોત.

Thank you મારો મિત્ર બનવા રવિ.

રવિ હસીને જોયા કરે છે.

રવિ પૂછે છે ગીતા આપણે શું ખાલી મિત્ર જ છે??

ખરાબ રીતે નથી પૂછતો મારા મનમાં તારા બહુ વિચારો આવે છે એટલે પૂછું છું.

ગીતા કંઈજ બોલતી નથી પણ ખાલી કહે છે હું પણ તારા માટે ક્યારેક-ક્યારેક વિચાર્યા કરું છું.

ગીતા થોડી ડરેલી દેખાતા રવિ વાત જ બદલી નાખે છે.

રવિ પૂછે છે ક્યારે જવાના મેડમ??

ગીતા એ કીધું મારા મેડમે કીધું હતું કે જો આવી ટપાલ આવે તો તેના પંદર દિવસ પછી સ્કૂલે હાજર થઈ જજે.

રવિ બોલ્યો એટલે પંદર દિવસના મહેમાન છો એમને??

ગીતા હસીને બોલી હા.

રવિ બોલ્યો કંઈ નહીં તારા જતા પહેલા મળતા રહીશું બીજું શું....

ગીતા બોલી હા જરૂર પણ તું તારું આગળ નું ભણવાનું નક્કી કરી દેજે હો.

રવિ કહે છે હા મેડમ જરૂર કરી દઈશ.

બંને છૂટા પડે છે.

પછી બસ ગીતા તેના મનમાં રવિની વાતો યાદ કર્યા કરે છે અને રવિ પણ ભલે ટોળામાં બેઠો હોય પણ છતાં ગીતાને જ યાદ કર્યા કરે છે. પછી રસ્તામાં કોક દિવસ મળી જાય તો વાતો કરી લેતા હતા બંને.

રવિ એક દિવસ પૂછે છે તારે જવાનું ને હવે?

ગીતા કહે છે બસ પરમદિવસે.

પછી બીજા દિવસે સાંજે સાત વાગે ગીતા મંદિરે આરતી કરવા ગઈ હોય છે. ત્યારે ખબર નહી રવિ કેમ ત્યાં બેઠેલો હોય છે. આરતી પતી એટલે ગીતા બહાર નીકળી અને રવિને જોવે છે. પછી બંને મળ્યા અને

રવિ કહે છે તું કાલે જઈશને?

ગીતા બોલી હા કાલે સવારે સાત વાગે બસ છે.

(રવિની આંખોમાં પ્રેમ અને સંવેદના હતી ગીતા માટે)

શું તું મને યાદ કરીશ?? ગીતા એ પૂછ્યું.

રવિ બોલ્યો તારા કરતાં તો વધારે જ અને કહે છે ડોક્ટર મેડમ યાદ રાખજો આ ગામમાં કોઈ તમારી રાહ જોવે ન જોવે હું જરૂર જોઇશ અને બને તો વર્ષે એકાદવાર દર્શન આપી જજો.

ગીતાએ કીધું રવિ જતા જતા એક વાત કહેતી જઉં તે મને બાળપણથી જ બહુ જ સપોર્ટ કર્યો છે કદાચ જો તું પેલી નદીકિનારે મને સ્કૂલ ચાલુ કરવા સમજાવવા ન આવ્યો હોત તો કદાચ આજે મારી જિંદગીમાં આ દિવસ ના આવ્યો હોત અને બાકી રહી તને યાદ કરવાની વાત તો હું જ્યારથી બહાર ભણું છું ત્યારથી મારા માટે આ ગામને યાદ કરવું એટલે ફક્ત અને ફક્ત તને યાદ કરવું એમ સમજ.

રવિ સમજી જાય છે કે ગીતા અને તે બંને ખાલી મિત્ર નથી રહ્યા.

આજે તેની મૂંઝવણ દૂર થાય છે.

પછી ગીતા કહે છે હું કાલે સવારે 7 વાગે બસ સ્ટેન્ડ જવાની છું.

રવિએ પ્રેમથી ડોક હલાવી અને બંને છુટા પડ્યા.

બીજા દિવસે રવિ 6:30નો બસ સ્ટેન્ડ જતો રહે છે.

ગીતા 6:45 એ આવે છે.

રવિ ગીતાને જોયા જ કરે છે અને કહે છે ગીતા મેં સાચે જ તારા જેવી દેખાવડી, સ્વભાવે પણ સુંદર , આટલી હોશિયાર છોકરી નથી જોઈ યાર. ગીતા મલકાયા કરે છે અને જતાં જતાં પણ એટલું જ કહે છે આગળ ભણજે અને એટલામાં બસ આવી જાય છે.રવિ ગીતાને બસમાં બેસાડે છે અને બંને એકબીજાને બારીમાંથી જોયા કરે છે જોયા કરે છે. પછી બસ ઉપડી જાય છે રવિ જોરથી બૂમ પાડી કહે છે વર્ષે એકાદવાર આવજે યાર....

ગીતા પણ ડોકયુ કાઢીને જોરથી બૂમ પાડી

હા, ચોક્કસ.

બંને એકબીજાને બાય બાય કહે છે.

હવે ગીતા તો મન લગાવીને ડોક્ટરી ભણવા લાગી અને ત્યાં રવિ પણ એડવાન્સ ફાર્મિંગ (advanced farming)નો કોર્સ ચાલુ કરે છે. બંને દિલથી ભણવા લાગ્યા પણ રાત પડે અને નવરા પડતાં એકબીજાને યાદ કર્યા કરે.

હવે દોઢ વર્ષ જેવું થઈ જાય છે અને રવિભાઈનું ટોળું બસ સ્ટેન્ડ પર જ હોય છે અને બસમાંથી ગીતા ઉતરે છે. રવિભાઈ તો જાણે સાતમા આસમાને પહોંચી ગયા હતા. ગીતાની પહેલી નજર રવિ પર જાય છે. રવિ ફટાફટ આવી થેલો લઈ લે છે અને બાકી બધાને કહે છે હું આમને જરા મૂકીને આવું એટલે બાકી બધા બોલ્યા હા આપણી ડોક્ટર બહેનને તકલીફ નહીં આપવાની મૂકી આવ તું તારે.

એમને શું ખબર રવિ તો બાળપણથી જ ગીતાને બહેન નથી માનતો.

જતા જતા રવિ ગીતાને પૂછે છે આમ અચાનક જ કેમનું આવી ગઈ??

ગીતા એ પૂછ્યું કેમ ના ગમ્યું તને??

રવિ બોલ્યો ગાંડી દોઢ વર્ષથી તારી માછલીઓ જોડે વાતો કરું છું એમની માલિક આવે તો મને કેટલી ખુશી થઈ શું કહું બીજું

(આવી નાની-નાની પ્રેમની વાતો કરતા રવિ અને ગીતા.)

રવિ ગીતાને ઘરે મૂકી કહે છે કાલે ગામમાં મેળો છે આપણે જઈશું??

ગીતા આંખો ઊંચી કરી થોડી શરમાઈને બોલે છે "આપણે" ??

રવિ થોડો શબ્દોમાં ડગમગવા લાગ્યો અને બોલ્યો ના આ તો તું આવી છે તો હું જવાનો છું તું પણ આવીશ?

બસ એમ પૂછું છું.

ગીતા હસીને બોલે છે "આપણે"જરૂર જઈશું.

(રવિ મનમાં ને મનમાં મલકાવા લાગે છે.)

એટલામાં અર્જુન પાછળથી રવિને બૂમ પાડે છે ઓ ભાઈ ચાલ બસ સ્ટેન્ડ બધા બહાર જઈએ છે. એટલે રવિ ગીતાને કહીને દોડ્યો કાલે 5:00 વાગે મેળામાં મળીએ.

(અર્જુન રવિનો એક ખાસ મિત્ર હતો.)

બીજા દિવસે ગીતા સરસ મજાની તૈયાર થઈ મેળામાં જતી હોય છે ત્યાં સરપંચ મળી જાય છે.

(સરપંચ રવિના પિતા)

સરપંચ ગીતાને કહે છે ઓ બેટા તું ક્યારે આવી??

તું તો ડોક્ટરી ભણે છેને પેલા શહેરમાં??

ગીતા પગે લાગે છે અને કહે છે હા, કાકા. બસ ત્રણ-ચાર દિવસની રજા છે તો દોઢ વર્ષથી ગામ અવાયું નથી એટલે કાલે જ આવી હજું. સરપંચ ખુશ થઈને આશીર્વાદ આપ્યા અને બોલ્યા આવું ભણતી રહેજે અને આપણા ગામનું નામ રોશન કરજે આપણે એકની એક દીકરી હતી તું યાદ છે ને?

(ગીતા મોટી થઈ પછી ગામમાં અમુકના ઘરે દીકરીઓ આવી એટલે આખા ગામમાં જેમ એકની એક ગીતા થઈ હતી એવું હવે નહોતું રહ્યું.)

સરપંચ ચલ બેટા ખુશ રહેજે અને આવતી રહેજે આપનું ગામ તારું જ છે એમ કહી ચાલવા માંડ્યા. ગીતા પણ હસીને ચાલવા માંડે છે. રવિ ગીતાની રાહ જોતો હોય છે ગીતા પહોંચીને રવિને તેના પિતા મળ્યાની વાત કરે છે. રવિ હસીને બોલવા લાગ્યો હા, પપ્પા એ વાત તો બરાબર કીધી ગામ આવતી રહેજે ક્યારેક-ક્યારેક બાકી મારું શું થશે??

ગીતા હસીને કહે છે બહુ જ ચાપલો છે તું નહીં!!!

બંને હસીને મેળામાં જાય છે વાતો કરતા હોય છે એમના બાળપણની.

પછી રવિ પૂછે છે શું તું મને યાદ કરે??

ગીતા બોલી સાચું કહું તો આખો દિવસ નહીં પણ રાત્રે નવરી પડું એટલે અચાનક જ તું અને તારી વાતો મનમાં ને મનમાં ચાલુ થઈ જાય છે.

રવિ બોલ્યો બે યાર મારે પણ એવું જ થાય છે.

રવિ બોલ્યો કે આપણે શું ખરેખર પ્રેમમાં છે???

એટલામાં રવિભાઈનો મિત્ર અર્જુન બૂમો પાડતો પાડતો આવે છે ઓ રવિ ઓ રવિ

અને બંને પાછા ચૂપ થઈ જાય છે.

અર્જુન સ્વભાવે થોડો ચાપલો હતો એટલે રવિ સાથે ગીતાને જોઈને કહે છે તમારું કંઈ ચાલે છે કે શું??

(અર્જુન બહુ મુફટ હતો.)

(હવે પેલા બે હજી એ જ ચર્ચા કરતા હતા ત્યારે જ તે ટપકી પડયો છે એવું થોડી કહેવાય.)

એટલે રવિ હસીને બોલ્યો એવું હોય તો તને હું ના કહું યાર શું તું પણ શાંતિ રાખ અમે બાળપણથી મિત્ર છે અને બાળપણની જ વાતો કરતા હતા. ગીતા પણ રવિની વાતમાં હામી પુરાવે છે.

અર્જુન બોલ્યો આ તો થયું પૂછી જોઉં.

અર્જુન ગીતાને પૂછે છે તું ખરેખર ડોક્ટર બનવાની?

ગીતા બોલી બસ ત્રણ વર્ષ બાકી.

અર્જુન ગીતાને કહે છે આવું બધું છોકરીઓને ના સારું લાગે છતાં હવે તું બનવાની જ છે તો આવીશું દવા લેવા.

રવિ અર્જુનને ખખડાવે છે કે એક છોકરી છે જે આપણા ગામનું નામ રોશન કરવાની છે અને તું તેને આવું બોલે છે. ગીતા રવિને ચૂપ કરાવે છે.

અર્જુન બોલ્યો સમજી ગયો વાહલા આ તમારી મિત્રતા કેવી છે અને ચાલ્યો જાય છે.

ગીતા અને રવિ ચૂપ થઈ જાય છે.

રવિ ગીતાની માફી માંગે છે કે મારો મિત્ર આવું બોલી ગયો તને તું મને માફ કરજે.

ગીતા કહે છે મને કોઈ ફર્ક નથી પડતો આ મોઢે બોલી ગયો લોકો પીઠ પાછળ બોલતા જ હશે.

રવિ હસીને બોલ્યો બરાબર છે.

ગીતા કહે છે પણ તું એને મનાવી લે જે મારા માટે કોઈની મિત્રતા ન તૂટવી જોઈએ.

રવિ બોલ્યો અમારે આવું ચાલ્યા કરે.

રવિ ફરી પાછો પૂછે છે...

ગીતા....

શું આપણે પ્રેમમાં છે???

એટલે.....મને એવું લાગે છે કે બાળપણથી આપણે સમજી ન શક્યા આપણી લાગણીઓ એકબીજા માટે પણ આપણે મિત્ર કરતાં વધારે છે.

ગીતા રવિને જોયા જ કરે છે.

એટલામાં જ રવિને ઘરેથી ફોન આવે છે કે જલ્દી ઘરે આવ પપ્પાને ગાડી લઈને તારે બીજે ગામ સરપંચ મિટિંગમાં લઇ જવાના છે.

(ખબર નહિ આ લોકોની વાત હંમેશા અધૂરી રહી જતી.)

રવિ ફટાફટ ઊભો થાય છે અને કહે છે સાંભળ કાલે 5:00 વાગે આપણી જગ્યાએ મળીએ.

હજી તું છે ને ચાર દિવસ??

ગીતા હા પાડે છે.

રવિ ચાલ્યો જાય છે.

બીજા દિવસે ગીતા પહેલી પહોંચી જાય છે અને રવિ પછી આવે છે.

રવિ વાતની શરૂઆત કરે છે કાલે તને કહેવાનું ભૂલી ગયો પણ તું કાલે બહુ જ સરસ લાગતી હતી.

ગીતા કહે છે કેમ આજે નથી લાગતી??

રવિ હસીને બોલે છે રોજ લાગે છે પણ કાલવાળા રંગમાં વધારે ગોરી લાગતી હતી.

ગીતા હસીને કહે છે બરાબર.

બંને પાણીમાં જોયા કરે છે.

આજે રવિને બધું ખબર જ હતી એટલે ચોખ્ખી વાત કરવા આવ્યો હતો.

રવિ ખાલી એટલું જ બોલે છે જો હું તને ગમતો હોઉં તો તું ખાલી મારી બાજુમાં આવીને બેસી જા હું તારો જવાબ સમજી જઈશ.

પહેલા તો ગીતા રવિને સમજાવે છે કે મને ખબર છે યાર આપણે બંને એકબીજાને પસંદ કરીએ છીએ પણ કદાચ આપણું ભવિષ્ય સાથે નથી તું એક મોટા સરપંચનો દીકરો છે અને હું કોણ??

એક અનાથ જે પોતાની જિંદગી બનાવવામાં પડી છે.

રવિ ફરી એક જ વાક્ય બોલે છે જો તને મારા માટે કંઈ હોય તો તું મારી બાજુમાં આવીને બેસીજા.

ગીતા ઉભી થાય છે અને રવિની બાજુમાં જઈને બેસી જાય છે.

બંનેની આંખોમાં ખુશીના પાણી ફરી વળે છે.

રવિ બોલ્યો ચાલો આટલા વર્ષો પછી ખબર પડી પણ... ખબર તો પડી જ ગઈ આખરે કે આપણે ખાલી મિત્ર નથી. બંને એકબીજાનો હાથ પકડીને એકબીજાને જોયા કરે છે.

રવિ બોલ્યો યાર હવે હું કેમનો રહીશ અહીંયા તારા વગર??

ગીતા બોલી જેમ પહેલા રહેતા, ઉપરથી હવે તો ખાલી રાત્રે જ નહીં સાચું કહું તો આખો દિવસ મનમાં ને મનમાં તારી જોડે વાતો ચાલુ ને ચાલુ રહેશે. રવિ તો બસ ગીતાને જોયા જ કરે છે.

રવિએ પૂછ્યું તારે ભણવું જ છે ને આગળ??

ગીતા બોલી હા ભગવાને મોકો આપ્યો છે આ સ્કોલરશિપ આપીને.

રવિ બોલ્યો બરાબર છે તો ક્યારે જવાનું હવે યાર તારે ??

ગીતા બોલી કાલે.

રવિ બોલ્યો 7:00 વાગે બરાબરને?

ગીતા બોલી હા, બિલકુલ બરાબર.

(બંને થોડા દુઃખી થઈ જાય છે.)

રવિ બોલ્યો શું યાર આવું જાણ્યા પછી તને મોકલવાનું મન નથી થતું પણ શું કરીએ ખબર છે તમે બહુ જીદ્દી છો પહેલેથી.

ગીતા હસવા લાગે છે અને રવિને કહે છે આપણે બંને સમજી ગયા છે કે આપણે પ્રેમમાં છે તો મારા માટે પણ અઘરું છે તારાથી દૂર રહેવું પણ મારી જાતને મેં વચન આપ્યું છે ડોક્ટર બનવાનું એ તો કરવું જ પડશે.

રવિ બોલ્યો સાચી વાત છે અને મને પણ ગર્વ થશે કે મારી ઘરવાળી ડોક્ટર હોય.

ગીતા હસીને બોલી ઘરવાળી??

રવિ હસીને બોલ્યો તો શું સમજે છે હવે તને નહીં છોડું જો તું...

(બંને હસવા લાગે છે.)

રવિ બોલ્યો કાલે 6:30 એ આવી જજે બસ સ્ટેન્ડ.

ગીતા પ્રેમથી હા પાડે છે.

બંને થોડી પ્રેમની વાતો કરીને ઘરે જાય છે.

બીજા દિવસે સવારે 6:30 એ રવિ રાહ જોતો હોય છે ગીતાની અને ગીતા આવે છે.

ગીતા કહે છે યાર રવિ મને જરાય નથી જવું તને છોડીને શું કરું??

રવિ કહે છે મારી હાલત તારાથી ખરાબ છે.

પણ મારા માટે તારા બચપણનું સપનું હું તને નહિ તોડવા દઉં.

આટલું બોલી ગીતાની આંખો બંધ કરીને હાથમાં ગિફ્ટ પકડાવી દે છે.

ગીતા આંખો ખોલી ગિફ્ટ જોવે છે તો એક નવો મોબાઇલ ફોન.

(રવિના પિતા સરપંચ હતા અને પહેલેથી એ લોકો બહુ પૈસાવાળા હતા એટલે પૈસાની કમી નહોતી.)

ગીતા ના પાડે છે કે આવી મોંઘી ગિફ્ટ ના લેવાય મારાથી.

રવિ ગીતાને સમજાવે છે કે હવે મનમાં વાતો કરવાનો સમય નથી ફોન પર એકબીજાને મનની લાગણીઓ કહેવાનો સમય આવી ગયો છે. એટલામાં બસ પણ આવી જાય છે.

ગીતાને રડું આવી જાય છે એને ક્યારેય આટલો પ્રેમ કોઈને નહોતો આપ્યો.

રવિ તેને બાજી પડે છે અને પછી બસ પહોંચી એટલે તેને શાંતિથી બેસાડી મોકલે છે.

પછી થોડાક જ સમયમાં મોબાઈલમાં પહેલો મેસેજ આવે છે.

I Love You

- Ravi

ગીતા પાછી રડી પડે છે અને બીજો મેસેજ આવે છે,

ગાંડી રડતી વડતી ના હને... નંબર સેવ કરી લેજે મારો છે.

ગીતા પણ I Love You 2 લખી મોકલે છે.

પછી તો રોજ ફોન પર વાતો, ચેટિંગ બધું ચાલુ થઈ જાય છે.

બંને પાછા ભણે પણ છે અને એમની લવ લાઈફ પણ જીવતા થઈ જાય છે.

ક્યારેક ક્યારેક રવિ ગીતાને મળવા હવે તો બુલેટ અપાવ્યું હતું પિતાજીએ એટલે બુલેટ લઈને મહિનામાં

એક-બેવાર શહેર પણ જતો હતો.

બંને થોડું હરે-ફરે, ખાયપીવે અને પ્રેમની વાતો કરે અને છૂટા પડે. આમ ને આમ ચાલ્યા કર્યું અને રવિનું ભણવાનું પતી ગયું અને ગીતાને પણ છેલ્લુ વર્ષ આવી ગયું.

હવે રવિ બધા ખેડૂતોને એડવાન્સ ફાર્મિંગ કેમ કરવી તે સમજાવતો અને વધારે પાક કેમ સારી રીતે થાય તે બધી જ ટેકનીક આપતો થઈ ગયો. નજીકના ગામોમાં તો તેનું નામ પણ થઇ ગયું હતું એડવાન્સ ફાર્મિંગ માટે જાણીતા રવિભાઈ.

(ગીતા અને રવિના પ્રેમને લગભગ બે-ત્રણ વર્ષ જેવું થઈ ગયું હતું.)

એક દિવસ રાત્રે રવિભાઈનું ટોળું બસ સ્ટેન્ડ પર બેઠું હોય છે અને ગીતાનો ફોન આવે છે. રવિ થોડો દૂર જાય છે પણ અર્જુન એની પાછળ પાછળ જઈ બધું જ સાંભળી જાય છે.

(અર્જુન રવિનો ખાસ અને ચાપલો મિત્ર.)

પછી રવિ પાછો ટોળામાં આવીને બેસી જાય છે.

રવિને એ વાતની ખબર નહોતી કે અર્જુન બધું સાંભળી ગયો છે. પછી અર્જુન ધીમે રહીને રવિનો ફોન લઈ લે છે અને રવિના ફોનમાંથી એક મેસેજ ગીતાને કરે છે કે હું સગાઇ કરવાનો છું કોઈ બીજા જોડે પપ્પાએ નક્કી કરી દીધું છે.

(અર્જુન રવિનો ખાસ મિત્ર હતો એટલે સરપંચે અર્જુનને એક વાર વાત કરી હતી કે રવિને જોવા છોકરીવાળા આવવાના છે. બસ આ જ વાતનો અર્જુને ઊંધો ઉપયોગ કર્યો.)

હવે આ મેસેજ ગીતાને મળ્યો ગીતાને થાય છે આને હમણાં તો વાત કરી આવું કેમ મેસેજ કર્યો અચાનક?

ગીતા ફોન કરે છે અર્જુન ફોન કાપી નાખે છે. ગીતા મેસેજ પર મેસેજ કરે છે કે આ શું છે?

અર્જુન મેસેજ કરે છે તું મને ભૂલી જા હવે હું ફોન નહીં કરું.

(રવિભાઈ તો ટોળામાં વાતો કરવામાં જ મશગૂલ હોય છે.)

પછી અર્જુનગીતાને બ્લોક લિસ્ટમાં નાખી દે છે. ગીતા ફોન પર ફોન કરે અને મેસેજ પણ પ્રયત્ન કરે છે છતાં એક પણ મેસેજ કે ફોન પહોંચતો જ નથી અને મહત્વની વાત એ છે કે બધું ગીતાના છેલ્લા વર્ષના છેલ્લા પેપરે થાય છે. ગીતા બહુ જ રડે છે. તેને સમજાતું નથી આ કેમનું શું થઈ ગયું?

તે બધી વાતો ફરિથી યાદ કરે છે બધા મેસેજ પણ તે ફરી વાંચે છે કે કંઈ બોલાય તો નથી ગયું ને કે ખોટું લગાડી બેઠો હોય.. પણ એવું કંઈ જ ન હતું. ગીતા આખી ભાંગી પડે છે. રડી રડીને અડધી થઇ જાય છે. તેને સમજાતું નથી શું કરવું...

પછી અચાનક ચોપડીઓ ઉપર નજર પડે છે અને ગીતા નક્કી કરે છે એક પેપર માટે મારી જિંદગી ન બગાડી શકું. પેપર આપીને ગામે નીકળી જઈશ. બસ હમણાં તેને બ્લોક કરી દઉં તો મારું મગજ વધારે એ બાજુ ન ખેંચાય જો કોઈ મેસેજ આવે તો પણ અને ગીતા ફોન સ્વીચ ઓફ કરી દે છે.

રવિભાઈ તો મોજમાં હતા.

અર્જુન ખબર નહિ કઈ પેઢીનો બદલો લેતો હતો.

પછી રવિભાઈ ઉભા થયા અને ઘરે ચાલ્યા.

ગુડ નાઈટનો મેસેજ ના આવ્યો એટલે રવિને શંકા તો ગઈ કે કંઈક થયું ના હોય તો સારું.

પછી વિચારે છે કદાચ કાલના પેપરના ટેન્શનમાં ભૂલી ગઈ હશે.

રવિ ગુડ નાઈટનો મેસેજ કરી સુઈ જાય છે પણ બ્લોક હતો એટલે કોઈ મેસેજ ગીતાને મળતો નથી.

(ખરેખર મેસેજ જતો નથી રવિના ફોનમાંથી કારણ અર્જુને ગીતાને રવિના ફોનમાંથી બ્લોક કરી હતી પણ રવિ ઊંઘમાં હતો એટલે ધ્યાન નથી જતું એટલું.)

હવે અમુક વાર જિંદગીમાં એવા ઊંધા સમય મળતા થઈ જાય એવું જ કંઈક થયું. ગીતા સરસ પેપર આપીને ફટાફટ બસમાં નીકળે છે અને રવિના પપ્પા એટલે સરપંચે એ જ દિવસે એક છોકરીવાળાને ઘરે બોલાવ્યા હોય છે. રવિથી ચુંચા નથી થતી અને તૈયાર થઇને એ પણ બેઠો હોય છે. ત્યારે જ ગીતા બસ સ્ટેન્ડે ઉતરે છે ત્યાં અર્જુન તેને જોઈ જાય છે અને બૂમ પાડે છે ઓ ગીતા કેમ તું અચાનક અહીંયા??

ગીતા દોડતી ને દોડતી રવિની ત્યાં જાય છે અને ત્યાંનો માહોલ હતો કઈક આવો હતો,

છોકરીવાળા આવ્યા હતા એટલે નાસ્તો, શરબતો અને ઘરના બધા જ લોકો નવા કપડાં પહેરી તૈયાર થયા હતા. રવિ પણ.

(રવિ ના જ પાડવાનો હતો પણ આ તો પપ્પાની ઈજ્જત બચાવવા અચાનક જ ગોઠવ્યું એટલે બેઠો હતો.)

ગીતા સીધી ઘરમાં જાય છે. આ બધું જોઈ તેની આંખોમાં પાણી આવી જાય છે. રવિ ઊભો થઈ જાય છે. સરપંચ ગીતા ને બોલાવે છે બેટા તું?? સરપંચ બધાને કહે છે આ અમારા ગામની પહેલી છોકરી જે અમારા ગામની પહેલી ડોક્ટર પણ ટૂંક જ સમયમાં બની જશે.

ગીતા ચૂપ થઈ જાય છે અને કહે છે હા, કાકા આ તો અહીંથી જતી હતી તો થયું તમને મળતી જઉં. પણ માફ કરજો હું ખોટા સમયે આવી લાગે છે. પછી ક્યારેક આવીશ. ઊંધી ફરી રડતી રડતી જતી રહે છે.

રવિ ફટાફટ તેની પાછળ દોડે છે અને સરપંચને મનમાં શંકા થાય છે.

રવિ ભાગતો ભાગતો પેલી સ્કૂલના નદીકિનારે જાય છે પણ ગીતા ત્યાં નથી દેખાતી એટલે રવિને યાદ આવે છે કે ગીતાને પેલા ડેમ પરનો પુલ પણ બહુ જ ગમતો હતો અને રવિ દોડતો દોડતો પુલ પર પહોંચે છે. ગીતા રડ્યા કરતી હતી, આખી તૂટેલી દેખાતી હતી. રવિ ગીતા પાસે જાય છે અને સમજાવે છે કે અચાનક જ પપ્પાએ જોવાનું ગોઠવ્યું તો હું ખાલી તેમની ઈજ્જત બચાવવા જ બેઠો હતો.

ગીતા જોરથી બોલી આજે સગાઇ છે કાલે લગ્ન કરી લઈશ ઈજ્જત બચાવવા...

રવિ બોલ્યો સગાઈ???

ગીતા ફરી જોરથી બોલે છે વાહ કાલ રાતથી મેસેજ કરીને બ્લોક કરી દીધી કે સગાઇ છે તારી અને અત્યારે આવું પૂછે છે??

ખરેખર રવિ હું ના ઓળખી શકી તને.

રવિ તેને ચૂપ કરાવે છે.

ગીતા પૂછે છે આજે કહી જ દે આપણો પ્રેમ સાચો હતો કે નહીં???

રવિ કહે છે આમ હતો હતો શું કરે છે યાર હજી છે જ... અને તું અચાનક કેમની આવી ગઈ??

ગીતા ગુસ્સામાં બોલી હા યાર નહોતું આવવાનું મારે માફ કરજે મને ભૂલ થઈ ગઈ મારાથી અહીં આવીને.

રવિ કહે છે યાર આવું બધું ના કર થયું શું એ તો કેહ..

ગીતા બધા મેસેજ બતાવે છે આ બધું શું હતું??

અને તે મને બ્લોક કરી કે હું તને ફોન ન કરી શકું??

(ગીતા બધું રડતી રડતી બોલતી હોય છે.)

રવિ સુન મારી જાય છે અને વિચારે છે કે આ કેમનું થયું. પછી યાદ આવે છે કે કાલે તેનો ફોન અર્જુન મંતરતો હતો. ગીતા રડવાનું બંધ જ નથી કરતી. રવિ તેને સમજાવે છે કે આ બધું અર્જુનનું કરેલું છે.

તું મારા પર વિશ્વાસ રાખ ખરેખર મેં આ મેસેજ નથી કર્યો. તારી જોડે વાત કરી all the best કીધું તને અચાનક થોડી આવું કરતો હોવ યાર...

થોડુંક તો વિચારવું હતું...

ગીતા થોડી શાંત થાય છે અને પૂછે છે શું ખરેખર અર્જુને કર્યું આ બધું??

રવિ ગીતાને લઈને બસ સ્ટેન્ડ જાય છે. અર્જુન એકલો જ બેઠેલો હોય છે

રવિ ગુસ્સાથી અર્જુનની ફેટ પકડે છે અને પૂછે છે કાલે તે મેસેજ કર્યો હતો મારા ફોનમાંથી??

અર્જુન દાદાગીરી કરી રવિને ધક્કો મારીને બોલે છે.

હા, કર્યો.

મને નથી ગમતી આ અને આ તારા લાયક નથી એટલે મેં આવું કર્યું.

રવિ બરાબર જગડ્યો અને બોલ્યો તું કોણ છે એ નક્કી કરનારો??

એક વાર મને કંઈક તો પૂછવું હતું??

ગીતા રડતી રડતી બધું જોયા કરે છે.

બંને ખૂબ જ ઝઘડે છે.

આખું ગામ આવી જાય છે. બધાને ખબર પડી જાય છે.

અંતે સરપંચ પણ ત્યાં આવી પહોંચે છે અને રવિને ઘરે લઇ જતા હોય છે ત્યાં રવિ ગીતાનો હાથ પકડી રાખે છે. પછી સરપંચ બહુ જ અકળાય છે અને કહે છે શું આ જ દિવસ જોવા તને મોટો કર્યો હતો તને આ અનાથ સિવાય બીજી કોઈ મળી જ નહીં??

રવિ ગીતાનો હાથ પકડી રાખે છે અને બોલે છે કેમ હમણાં તો બહુ સારું સારું બોલતા હતા કે મારા ગામની એકની એક છોકરી , આખા ગામની પહેલી ડોક્ટર અચાનક શું થઇ ગયું?

સરપંચ બહુ જ અકડાઈ છે અને ગીતાને કહે છે તારામાં શરમ હોય તો મારા છોકરાનો હાથ છોડી દે.

ગીતા નથી છોડતી.

ગામવાળા ગીતાને ગમે તેવું બોલે છે. રવિ પિતાને અને ગામવાળાને બહુ જ સમજાવે છે. પણ તે સમજતા નથી. એટલામાં જ પેલા ટપાલીકાકા ટપાલ લઈને આવે છે અને આ દ્રશ્ય જોઈ હેરાન થઈ જાય છે. તે ગીતાને ટપાલ આપી બોલ્યા બેટા જો આ ગામવાળા તને તારો પ્રેમ નથી આપવા તૈયાર જેના માટે તું આટલા વર્ષોથી સરકાર જોડે ભીખ માંગે છે.

સરપંચ રવિ અને બધા જ ગામના લોકો અચંબામાં પડી જાય છે.

પછી અર્જુન ટણીથી પૂછે છે ઓ ટપાલી શેની ભીખની વાત કરે તું??

ટપાલીકાકાએ કીધું ગીતા છેલ્લા પાંચ વર્ષથી આપણા ગામમાં સરકારી દવાખાનું ખોલવાની સરકારને અરજી કરતી હતી અને આજે સરકારે એ અરજી સ્વીકારી છે બસ થોડા જ સમયમાં આપણા ગામમાં સરકારી દવાખાનું બનશે.

(આજે પણ ટપાલીકાકા ગીતા માટે ખુશીની ટપાલ બરાબર સમયે લાવ્યા હતા.)

(આ વાતની ચર્ચા ગીતાએ રવિને પણ નહોતી કરી વિચાર્યું હતું કે જ્યારે સકારાત્મક ટપાલ આવશે ત્યારે જ કહેશે.)

બધા જ ગીતાને જેવું બોલતા બંધ થઈ ગયા પછી ગીતા બોલી કે તમે બધા મને પ્રેમ કરતા પણ મને ખબર છે કેવો ઉપરછલ્લો પ્રેમ કરતા,

માતા-પિતાને ખાઈ ગઈ છે ગમે તેવી વાતો મારી પીઠ પાછળ કરતા.

10 વર્ષની હતી ત્યારથી જ જાતે કપાસ તોડી ખાવું પડતું હતું મારે કોઈ ન હતું મારું. કાકી તો મારા મરવાની જ પ્રાર્થના કરતા હતા. એવામાં રવિ મારો મિત્ર બન્યો અને બસ બે-ત્રણ વર્ષ પહેલાં જ અમને ખબર પડી અમે પ્રેમમાં છે.

મને ખબર છે આ ગામે મને ક્યારેય પોતાની નથી માની પણ મેં હંમેશા આ ગામને મારું જ માન્યું છે.

અને બસ એટલે જ આ અરજી કરી હતી જે આજે સરકારે સ્વીકારી છે.

બધા જ ચુપચાપ ગીતાને જોયા કરે છે.

પછી સરપંચ થોડીવાર બાદ બોલ્યો આજના દિવસથી પાંચમા દિવસે અખાત્રીજ છે અને ગામવાળા યાદ રાખો તે જ દિવસે મારા રવિનું લગ્ન ગીતા જોડે થશે.

ખૂબ જ સન્નાટો છવાઇ જાય છે. કોઈ ખુશ ન થયું પછી સરપંચ બોલ્યા જો આપણા ગામની જે એકમાત્ર દીકરી જે આટલી હોનહાર છે પાછી ગામની એકમાત્ર ડોક્ટર પણ છે તો હવે તમે જ કહો હું મારા રવિને આવી ક્યાંથી લાવી આપીશ??

બધાને એમની વાતમાં સાતત્ય દેખાય છે. બધા જ ધીમે રહીને ખુશ થઇ જાય છે .

પછી ગીતા ટપાલીકાકાને ફરી ધન્યવાદ કહે છે અને બોલે છે કાકા આજે પણ તમે મારા માટે ફરી ખુશીની ટપાલ લાવ્યા. ટપાલીકાકા રડી પડે છે અને સરપંચને કહે છે આવી દીકરી 10 ગામ ફરશો તો પણ નહીં મળે અને રવિ-ગીતાને આશીર્વાદ આપી ચાલ્યા જાય છે.

અખાત્રીજ આવે છે રવિ અને ગીતા બહુ જ ખુશ હોય છે ધૂમધામથી લગ્ન થાય છે અને આખા ગામમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ રચાય છે.

તો આમ તેમના બચપણનો અજાણ્યો પ્રેમ તેમને છેક લગ્ન જીવન સુધી સાથે ખેંચી એક નવી જીંદગી આપે છે.

(રવિ અને અર્જુનની મિત્રતા તૂટી જાય છે.

છ મહિના પછી સરકારી દવાખાનું બની જાય છે જેનું ઉદઘાટન ગીતા સરપંચના હાથે કરાવે છે અને તે દવાખાનાની મુખ્ય ડોક્ટર તરીકે નોકરી ચાલુ કરે છે.

લગ્ન પછી પણ રવિ અને ગીતા કયારેક ક્યારેક પેલી જૂની સ્કૂલના નદીકિનારે એમની જગ્યાએ બેસવા જાય છે.)

તો બસ આવો જ હતો ગીતા અને રવિનો (બાળપણનો)

અજાણ્યો પ્રેમ.


લેખક :

DJC ✌️

(Chauhan Disha)


ધન્યવાદ તમારા સમય માટે.

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો.

#selfwrittenstory

#fictionstory

#firststory

બીજા રસપ્રદ વિકલ્પો