મધર એક્સપ્રેસ
પ્રકરણ ૨
‘અલ્લા હાફીઝ’ કહી અમઝદ રીક્ષામાં બેસી ગયો. રીક્ષા દોડવા માંડી. સવારનો સમય હતો. જામનગરના મધ્ય માર્ગો પરથી પસાર થતી રીક્ષામાં બેઠેલો અમઝદ ‘વેલ કમ પ્રધાનમંત્રીશ્રી’ના બેનર્સ પર ઝહેરીલી નજર દોડાવતો હતો. એને ખબર હતી કે આજે સિક્યોરીટી ફૂલ ટાઈટ હશે. કોઈ માઈનો લાલ, રેલ્વે સ્ટેશન કે નવી ઉદઘાટન પામવા જઈ રહેલી ટ્રેન ‘મધર એક્સ્પ્રેસ’ની નજીક પણ નહીં ફરકી શકે. પણ બીજી તરફ એને વિશ્વાસ હતો કે પ્રધાનમંત્રી ટ્રેનમાં હાપાથી જામનગર સુધીની મુસાફરી કરવા બેસશે અને ટ્રેન ઉપડવાની સાતમી જ મિનીટે જયારે ટ્રેન જામનગર સ્મશાન પાસેના પુલ પરથી પસાર થતી હશે ત્યારે જ એમાં ગોઠવાયેલા ચાર બોમ્બ એક સાથે ધડાકાભેર ફાટશે, અને ટ્રેનની સાથે પ્રધાનમંત્રીના ફુરચે ફુરચા નીકળી જશે. અમઝદના દિમાગમાં ખુમાર ભરાઈ ગયો. એને ખબર હતી કે પોતાની આ સાહસ ભરી દાસ્તાન, ગુજરાત અને હિદુસ્તાનના મિડીયાઓમાં દિવસો સુધી દેખાડવામાં આવશે, છાપવામાં આવશે. સરહદ પેલે પારના પોતાના આકાઓના ચહેરા પરની ખુશીઓ અને ખાસ તો નુરજહાંની આંખમાં પોતાના માટે જે મહોબ્બત છલકવાની હતી એની કલ્પના માત્રથી અમઝદના રોમે-રોમમાં ગરમાવો વ્યાપી ગયો.
અચાનક રીક્ષા રોકાઈ એટલે અમઝદની તંદ્રા તૂટી. ‘સાબ ઇધર સે આગે નહિ જાને દેંગે, પી. એમ. આ રહે હે.. પોલીસ કા બંદોબસ્ત હે, આપ ઇધર ઉતર જાઓ’ રીક્ષા વાળો બોલ્યો. દૂર પેલો પુલ દેખાઈ રહ્યો હતો. કેટલાક લોકો પી. એમ. ની ટ્રેન જોવા અને કદાચ પી. એમ. દેખાય તો તેની સામે ‘ટાટા – બાયબાય’ની મુદ્રામાં હાથ હલાવવા ઉભા હતા. બે-ચાર પોલીસ વાળાઓ પણ ત્યાં ઉભા હતા. અમઝદ રીક્ષામાંથી ઉતર્યો. રીક્ષાભાડું ચૂકવ્યું. રીક્ષા જતી રહી.
“અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા..” એક ભિખારી અમઝદની નજીક આવ્યો. અમઝદે એક દસની નોટ એના હાથમાં પકડાવી. એ ખુશ થઈ ગયો. “અલ્લાહ આપકી મુરાદ પૂરી કરે...” અમઝદ એનું વાક્ય સાંભળી મનોમન આનંદિત થયો. આને કહેવાય સફળતાનું સિગ્નલ. તમે જે કામમાં જી-જાન લગાવી દો એ કામમાં તમને સફળ બનાવવા આખી કાયનાત કામે લાગી જતી હોય છે. ભિખારીના વાક્યે અમઝદનો આત્મવિશ્વાસ વધાર્યો. એને ખાતરી થઇ ગઈ કે આવનારા દિવસોમાં પોતે વિશ્વ આખા પર છવાઈ જવાનો છે. એ આત્મવિશ્વાસભેર ડગલા ભરતો એક પોલીસ કોન્સ્ટેબલની નજીક ગયો.
“પેલી ટ્રેન જતી રહી સાહેબ..?” એણે પૂછ્યું.
“એ જતી રહી હોય તો અમે શું અહીં જખ મારવા ઉભા છીએ..?” પેલો સહેજ ગુસ્સામાં બોલ્યો. “ત્યાં દૂર ઉભા રહી જાઓ. ટ્રેન હાપાથી નીકળી ગઈ છે.” કોન્સ્ટેબલે એક દિશામાં આંગળી ચીંધી. અમઝદના દિલની ધડકન વધી ગઈ. વિસ્ફોટને આડે હવે માત્ર સાત જ મિનીટ બાકી હતી.. કેવળ ચારસો વીસ સેકન્ડ...
અમઝદ કોન્સ્ટેબલે બતાવેલી જગ્યા તરફ સરક્યો. આજુ-બાજુમાં ઉભેલા લોકોની વાતો અમઝદના કાને પડી. “ટીવીમાં આટલું બધું હાઈ એલર્ટ, હાઈ એલર્ટ કરે છે... પણ અહીં આ પુલની ચોકી કરવા ખાલી બે પોલીસ વાળા ઉભા રાખ્યા છે.. અને એય દંડુકાવાળા....” બેક જણા ‘ખી ખી ખી’ કરતા હસ્યા. ત્યાં એક ગંભીર અવાજ આવ્યો.. “થોડી વાર પેલા તમે જોયું નહીં? પેલા કાળા કૂતરાને પુલ નીચે બીજા પોલીસવાળા લઇ ગયા હતા. એ કૂતરો પોલીસની ડોગ સ્કોડનો હતો. જો પુલ ઉડાડવા માટે ત્યાં બોંબ રાખ્યો હોય તો કૂતરો તરત જ પકડી પાડે.” એના વાક્યે બાકીના લોકો ગંભીર થઈ ગયા. ત્યાં ફરી એક બોલ્યો. “તો પછી આ આતંકવાદીઓ જ્યાં ને ત્યાં બોંબ ધડાકા કરે છે, એ સફળ કેવી રીતે જતા હશે? ત્યાં કૂતરાને ખબર નહીં પડતી હોય?” એનું વાક્ય પૂરું થયું ત્યાં બીજો બોલ્યો. “મને તો એ જ સમજાતું નથી કે આ દાઢી-મૂછવાળા બિહામણા આતંકવાદીઓને સી.સી.ટી.વી.માં જોતા વેંત જ પકડી કેમ નહીં લેવાતા હોય?” એનો જવાબ ફરી પેલા ગંભીર અવાજે આપ્યો. “અલ્યા મૂર્ખ, આતંકવાદીઓ એટલે તું ફિલ્મમાં જુએ છે એમ દાઢી-મૂછ લઈને નો ફરતા હોય.. એ તો ચોકલેટી હીરો જેવા થઈ, ગોગલ્સ-બોગલ્સ ચઢાવીનેય આંટા મારતા હોય..”
અમઝદે પોતાનો પહેરવેશ જોયો. જીન્સ, ટી-શર્ટ, ક્લીનશેવ અને આંખો પર ગોગલ્સ. એનું ધ્યાન કાંડા પરની ઘડિયાળમાં ગયું. “માત્ર બે જ મિનીટ બાકી.”
દૂરથી ટ્રેનની વ્હીસલ સંભળાઈ. અમઝદે બે ઘડી આંખો બંધ કરી દીધી.
=========