જીદનું પરિણામ J.R.Senva દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીદનું પરિણામ



જે વિદ્યાર્થીઓને અમદાવાદની કોઈ કોલેજમાં એડમિશન ના મળે એમને શહેરની બે કોલેજો અવશ્ય આશરો આપે. એક તો અંગ્રેજો વખતની વિખ્ચાત ગુજરાત કોલેજ અને બીજી પાલડીમાં આવેલી પ્રભુદાસ ઠક્કર કોલેજ. આ બંને કોલેજોનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે, પણ હાલ તો એ મરવાના વાંકે જીવી રહી હોય એવી સ્થીતિમાં છે. પી.ટી. કોલેજ તો લગભગ બંધ પણ થઈ ગઈ છે. આ પી.ટી.કોલેજમાં મેં સત્ર શરૂ થઈ ગયા પછી લગભગ બે-એક મહિના બાદ એક શિક્ષકની ભલામણથી એડમિશન લીધું. બારમા ધોરણ સુધી એકમાત્ર લક્ષ્ય P.T.C. અને શિક્ષક સિવાયની કોઈ નોકરી કે કોર્ષની માહિતી પણ નહોતી. એટલે P.T.C. એજ જીવનનું મુખ્ય અને અંતિમ લક્ષ્ય હતું. એ સમયે P.T.C.નો એટલો બધો ક્રેઝ કે જો કોઈ છોકરાને P.T.C.માં એડમિશન મળી જાય તો એની સગાઈ કરવા માટે છોકરીઓના પિતાની લાઈન લાગી જાય, જ્યારે છોકરાનું સ્ટેટસ તો આઈ.એસ. કરતા પણ વધી જાય એવું હતું ! જ્યારે મને P.T.C.માં એડમિશન ના મળ્યું ત્યારે અભ્યાસ પ્રત્યે એવો મોહભંગ થયો કે સારું પરિણામ આવ્યું હોવા છતા હું આગળ ભણવાનું મુકીને મજૂરીમાં લાગી ગયો. બાપાએ ખૂબ સમજાવ્યો પણ મન માન્યું નહી. છેવટે બારમા ધોરણમાં ભણાવતા એક ગુરૂએ ખૂબ સમજાવતા હું બે મહિના બાદ તેમની ભલામણ ચિઠ્ઠી લઈને પી.ટી.કોલેજ પહોંચ્યો. અમદાવાદમાં પગ મુક્યાનો આ પ્રથમ અવસર ! અમદાવાદથી મારું ગામ સાઈઠ-સિત્તેર કિલોમીટર હોવા છતા જીવનના સત્તરમાં વર્ષે અમદાવાદના દર્શન થયા. એ પહેલા તો કલ્પનાઓમાં જ અમદાવાદ જોયેલું!

બી.એ.ના પ્રથમ વર્ષમાં મોડો પ્રવેશ થયો એટલે કોઈ ખાસ મિત્રો નહોતા. હોસ્ટેલમાં તો એડમિશનની શક્યતા જ નહોતી, એટલે અપ-ડાઉન શરૂ કર્યું. મારા બાજુના ગામમાંથી મારા જેવો જ એક મિત્ર મળી ગયો. એની પરિસ્થિતી પણ મારા જેવી જ હતી. લારીમાંથી ખરીદેલા સેકન્ડ-હેન્ડ કપડાં, લખાની સ્લીપર અને હાથમાં પ્લાસ્ટીકની થેલી લઈને હું અને મુકેશ સોલંકી કોલેજ આવતા. મારી કદ અને કાઠી એવી હતી કે લારીના જૂના કપડાં ફીટ બેસતા નહીં. એટલે ત્રીસની કમરનું પેન્ટ મારી છવ્વીસની કમર પર બેલ્ટની મદદથી જબરજસ્તીથી ટીંગાળતો. આવી પરિસ્થિતીના કારણે મેં કોલેજના ત્રણ વર્ષમાં ભાગ્યે જ શર્ટિગ કર્યું હતું ! પાલડી બસસ્ટેન્ડથી અઢી-ત્રણ કિલોમીટર દૂર આવેલી કોલેજ ચાલતા જતા અને ચાલતા આવતા. એકેયના ખિસ્સામાં ફૂટી કોડીયે હોતી નહીં એટલે નાસ્તો કરવાનો કે ફરવાનો વિચાર પણ ક્યાંથી આવે ! એસ.ટી.બસનો પાસ મહિનો પૂરો થવા આવે એ પહેલા ત્રણ-ચાર દિવસ પહેલા મારે ઘરમાં કહી દેવું પડતુ. અઢીસો રૂપિયાનોં વેત મારા બાપા એ ત્રણ-ચાર દિવસમાં માંડ-માંડ કરી લાવતા. આથી બીજા વર્ષેમાં મેં નોકરી શરૂ કરી દીધી. કોલેજથી છુટ્યા બાદ હું પ્લાઈવુડની એક દુકાનમાં બારસો રૂપિયાની નોકરીએ જવા લાગ્યો. કોલેજમાં હવે પરીક્ષા આપવા પૂરતું જ જતો. આમ બીજુ વર્ષ પૂરું થયું. ત્રીજા વર્ષે એન.બી. હોસ્ટેલની રાણીપ શાખામાં મને એડમિશન મળી ગયું એટલે નોકરી છોડી દીધી.

ત્રીજું અને ફાઈનલ વર્ષ હોવાથી મેં હવે સંપૂર્ણ ધ્યાન નિયમિત ભણવામાં લગાવ્યું. કોલેજ રેગ્યુલર જવા લાગ્યો. આ ગરીબ કોલેજમાં એક સમૃદ્ધ લાઈબ્રેરી હતી. જે કોલેજના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતી હતી. લાઈબ્રેરીના બંધ કબાટોમાં ખૂબ જ સારી બુક્સ અને સંદર્ભગ્રંથો હતા. પરંતુ લાઈબ્રેરીયન એવો આળસુ કે બુક ઈસ્યુ કરવાની વાત તો દૂર એની પરથી ધૂળ પણ ખંખેરતો નહોતો. મેં મારા વિષયની ઘણી સુંદર સંદર્ભ બુક્સ જોઈ. એ ઈસ્યુ કરવાની રજૂઆત કરી. લાઈબ્રેરીયને ધરાર ના પાડતા કહ્યું કે, “આ પુસ્તકો કોઈને મળતા નથી.” મેં થોડા મિત્રો સાથે પ્રિન્સીપાલ સરને ફરિયાદ કરી. તેમણે લાઈબ્રેરીયને બુક ઈસ્યુ કરવા અમારી સામે જ આદેશ આપ્યો. લાઈબ્રેરીયને મોં બગાડીને મને બે બુક ઈસ્યુ કરી આપી. આપણી નિયત તો એ બુક્સનું બૂચ મારવાની જ હતી. પણ રિઝલ્ટ વખતે ના છુટકે જમા કરાવવી પડી.

કોલેજના ત્રણેય વર્ષ એક જ પ્રોફેસરથી પૂર્ણ કર્યા. પ્રોફેસર અમૃત પરમાર સાહેબ ખૂબ જ હસમુખા અને વિદ્યાર્થીપ્રેમી હતા. અગાઉના બે વર્ષમાં ભાગ્યે જ ઓળખતા સાહેબનો ત્રીજા વર્ષમાં હું ખાસ વિદ્યાર્થી બની ગયો. રાણીપ હોસ્ટેલની નજીક આવેલી એક લાઈબ્રેરીમાં કરેલું વાંચન અને પેલી બે બુક્સના કારણે મારી પેપર લખવાની સ્ટાઈલથી પ્રોફેસર સાહેબ એટલા પ્રભાવિત થયા કે મારી એક્ઝામ કોપી બધાને ઉદાહરણ તરીકે બતાવતા. આ કોપી તેમણે બાદમાં પણ ઘણાં વર્ષો સુધી સાચવીને રાખી હતી.

એ સમયે રીઝલ્ટનો ઓનલાઈન વાળો જમાનો નહોતો. યુનિવર્સિટીના પરિણામો અખબારમાં પ્રકાશિત થતા પણ અખબાર મારા ગામામાં નહોતા આવતા રીઝલ્ટ લેવા માટે હું કોલેજ આવ્યો.રસ્તામાં જે પણ કોલેજથી પાછા ફરતા મિત્રો મળતા એમાં કોઈનો પણ ફર્સ્ટક્લાસ આવ્યો નહોતો. બધા આ વર્ષે ‘આ વર્ષે બહું ટાઈટ રીઝલ્ટ આપ્યું છે યુનિવર્સિટીએ’ એવી હૈયાવરાળ ઠાલવતા હતા. હું કોલેજ પહોંચ્યો ત્યારે ઓફિસમાં મારી માર્કશીટ નહોતી. ખબર પડી તે જેની બુક્સ બાકી છે એમની માર્કશીટ લાઈબ્રેરીમાં છે. હું લાઈબ્રેરીમાં ગયો. લાઈબ્રેરીયને કટાક્ષમાં સ્વાગત કર્યું, “આવો નેતાજી ! શું ધોળકું ધોળ્યું છે?” મેં જવાબ આપ્યો, “સર ! રીઝલ્ટ આપની પાસે જમા છે” તેમણે પહેલા બુક જમા લીધી પછી માર્કશીટોનું બંડલ લઈને મારો નંબર ફેંદવા લાગ્યા.મારી માર્કશીટ હાથમાં આવી ત્યારે આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા ! બે-ત્રણ વાર નંબર કન્ફર્મ કર્યા બાદ એમના કડક વલણમાં અચાનક પરિવર્તન આવ્યું. ટેબલ બાજુની ખુરશી લંબાવતા કહ્યું, “બેસ! બેસ! ખૂબ ખૂબ અભિનંદન! ખૂબ સરસ રીઝલ્ટ લાવ્યો છે. અત્યાર સુધીમાં આ પહેલી માર્કશીટ જોઈ ફર્સ્ટક્લાસ વાળી!” ફર્સ્ટક્લાસ સાંભળતા જ મારા આનંદની સીમા ના રહી. હું ખૂબ ખુશ થઈ ગયો. એમનો આભાર માનતા કહ્યું, “સર! આપની બુક્સનું જ આ પરિણામ છે.” પછી તો ક્યાંય સુધી એમણે મારું કેરિયર કાઉન્સેલિંગ કર્યુ અને હસતા મોં એ વિદાય આપી.બાદમાં પ્રોફેસર અમૃત સર દ્વારા જાણવા મળ્યું કે કોલેજમાં આખા ક્લાસમાં માત્ર બે વિદ્યાર્થીઓનો જ ફર્સ્ટક્લાસ આવ્યો હતો. એમાં હું 64 ટકા સાથે ફર્સ્ટ હતો.

વર્ષ 2005માં કરેલી મારી એ પુસ્તક ઈસ્યુ કરવાની જીદ મને વર્ષ 2016માં કામ લાગી. કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયમાં હું એ જીદના કારણે જ લાગી શક્યો.

- જે.આર.સેનવા.