આજે એ મને છોડીને ગઈ તેને ઘણા વર્ષો વીતી ગયા હતાં. એ પછી હું ક્યારેય તેની સામે આવ્યો ન હતો. કે ન ક્યારેય તે મારી સામે આવી. બસ બંને કદાચ એકબીજાને આપેલું પ્રોમિસ પૂરું કરી રહયા હતાં. પણ કદાચ એ મારી ગુગલથી તમામ ખબર રાખતી હશે. એવું અંદરથી હંમેશા મને કોઈ પણ પોસ્ટ કે સ્ટોરી મુકતી વેળાએ લાગ્યાં કરતું હતું. પરંતુ હવે તે બીજાની થઈ ગઈ હોવાથી તેની ઉપર ઘરની તમામ જવાબદારીઓ આવી ગઈ હતી. એટલે કદાચ અત્યારે પોતાના માટે પણ તેની પાસે સમય નહી હોય. તો પછી મારી ખબર એ કયાંથી રાખી શકતી હશે. પરંતુ તેમ છતાં હજી પણ દિલમાં ક્યાંક ને ક્યાંક એ રોજ મારું નામ બોલ્યા કરતી હોય તેવું મને લાગ્યાં કરતું હતું. બસ કહેવાય છે ને પ્રેમમાં આવું બધું પાગલપન થયા કરે. જે કદાચ અત્યારે પણ મને થઈ રહયું હતું. તેના ગયાં પછી અમુક દિવસો મહિનાઓ જેવા વીતવા લાગ્યાં હતાં. પણ શું કરું ? સપનામાં પણ તેને મારી ઉપર ગુસ્સે થવાનું છોડ્યું ન હતું. આખરે રોજ તેનું સાંભળવું એ કરતાં મેં સુવાનું જ ઓછી કરી દીધું, અને તેની વાત માનીને લખવાનું ફરીથી શરૂ કર્યું. આજે જયારે એ લખવાનું પૂર્ણ કરીને હું બુક ને રી-ઓપનીંગ કરવાં માટે જઈ રહયો છું. ત્યારે આ બધો જ ભૂતકાળ મારી આંખ સામે આવીને ઉભો રહે છે. પણ અફસોસ એ આ વેળાએ મને શુભકામના આપવા માટે મારી સાથે નથી. અને જો હોત તો પછી કપડાંથી લઈને ઘડીયાર સુધીની તમામ પસંદ તેની હોત. શું પહેરું ? શું નહિ, આ બધી જ ચિંતા હંમેશા મારા કરતાં તેને વધારે રહેલી હોય છે. આ સમયે થોડીવાર તેને ગુસ્સો અપાવવા માટે એવું પણ બોલું કે “ આટલો સરસ રીતે તૈયાર થઈને જઈશ ને તો બીજી કોઈ મને પસંદ કરી લેશે ? “ આટલું સાંભળીને હંમેશા તેનો એક જ જવાબ હોય. “ વરસાદનાં ડરથી હું તમને ઘરની બહાર નીકળતા ન રોકી શકું. પણ મારો પ્રેમ તમને બીજા નાં નહિ થવા દેય, બાકી બીજા તો તમને પસંદ કરે એ તો હું પણ ચાહું છું. કારણ કે મને ખબર છે, જે લોકો તમને ચાહે છે. તેને ક્યાં ખબર છે કે, એ લોકો જેને ચાહે છે એ તો મને ચાહે છે. “
ખરેખર આજે પણ તેની વાતો યાદ કરીને ખુશીથી આંખો ભરાય આવે છે. અત્યારે સમયસર હું ક્રોસવડ બુક સ્ટોર પર પહોચી ગયો હતો. જ્યાં અત્યારે મારી નવી બુક નું રી-ઓપનીગ તેમજ થોડી વાચકો સાથેની ચર્ચા હતી. ત્યાં પહોચીને બધાની સાથે મુલાકાતોનો દોર શરૂ થયો. મેં વિચાર્યું હતું એ કરતાં પણ વાચક મિત્રો વધારે સંખ્યામાં આવેલા હતાં. એટલે એ જોઇને આનંદ થયો કે લોકો હવે ધીમે ધીમે વાઈલ્ડ લાઈફ વિશે જાણવા માટે ઉત્સુક થઈ રહયા છે. સમયને ધ્યાનમાં રાખીને ઝડપથી કાર્યકર્મ શરૂ થયો. પહેલાં બુક રી-ઓપનીંગ અને ત્યારબાદ થોડીઘણી વાચકો સાથેની વાતચીત થઈ. જેમાં તેમના ઉત્સાહ ભર્યા સવાલોના જવાબ મેં મારી રીતે આપવાની સંપૂર્ણ કોશિશ કરી. અને ત્યારબાદ આ બુકમાં મારા ઓટોગ્રાફ સાથે વાચકો મારી સાથે ફોટોગ્રાફ લેવા લાગ્યાં. જે અમુક વર્ષો પહેલાં તેનું સપનું હતું જે અત્યારે ખરેખર પૂરું થઈ રહયું હતું. તે હંમેશા મને કહેતી કે “ એક દિવસ તમારા વાચકો તમારી સાથે ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઉભા હશે. એ સમયે હું બધાની છેલ્લે તમારી પાસે આવીશ. પરંતુ તમારો ઓટોગ્રાફ કે ફોટોગ્રાફ લેવા માટે નહિ, પણ તમારો હાથ પકડીને તમને મારી સાથે મારા ઘરે લઈ જવા માટે,, “ આ બધી જ વાતો ને યાદ કરતો હું વારંવાર મારી આજુબાજુમાં નજર ફેરવી રહયો હતો. પણ અત્યારે એ અહિયાં હાજર ન હતી એ હું ખુબ જ સારી રીતે જાણતો હતો. પણ આ વાત દિલ સમજવા અને આંખો આમ તેમ ન જોવા માટે માનતી ન હતી. બસ ત્યાં જ
“ હેલ્લો સર, આઈ એમ બીગ ફેન ઓફ યુ, મેં તમારી બધી જ બુક વાંચી છે. હું તમને ઘણા સમયથી મળવા માંગતો હતો. પણ મારા મમ્મી હું નાનો છું હજી એમ કહીને મને ચુપ કરાવી દેય છે “
મારી સામે અત્યારે ફક્ત ચાર થી પાંચ વર્ષનો એક એકદમ સ્વિટ છોકરો ઉભેલો હતો. જેની આંખો નશીલી તેમજ ચહેરા પર એકદમ નાજુક હાસ્ય રહેલું હતું. જીન્સ અને ટી-શર્ટ તેમજ માથા ઉપર એકદમ સ્ટાઇલીશ હેર કટ હતાં. જે અત્યારે મારી હાથમાં રહેલી બુકમાં ઓટોગ્રાફ લેવા માટે ઉભેલો હતો. તેને જોતા જ હું ભૂતકાળમાંથી વતર્માનમાં આવ્યો. તેમજ મારી બુકનાં આટલા મોટા વાંચક સાથે હું વાત કરવાં લાગી ગયો.
“ તો પછી હવે તમે આટલા મોટા વાંચક થઈ ગયા છો એટલે તમે આવ્યાં છો એમ ને ? “
“ નાં સર એવું નથી, આજે પણ મને ન આવવાં દેત, પણ મને ખબર હતી કે આજે તમે અહિયાં આવવાના છો. તો બસ હું પણ તમને મળવા આવી ગયો. “
“ તમે ઘરેથી એકલાં અહિયાં આવ્યાં છો ? કે કોઈને સાથે લઈને ? “
“ નાં , અમે બધા જ આવ્યાં છીએ આ મોલમાં , પણ બધા ઉપર છે અને હું બુક લેવાના બહાને અહિયાં આવી ગયો. “
“ ઓહ્હ, તો પછી તમને બધા શોધશે નહિ “ ?
“ અરે હું મારા પપ્પા ને કહીને જ અહિયાં આવ્યો, એ જ હમણાં થોડીવારમાં આવું તેમ કહીને મને અહિયાં છોડીને બધા સાથે ઉપર ગયા. “
“ ઓહ્હ... તો વાત એમ છે. હમમ .. શું નામ બેટા આપનું “ ?
બસ ત્યાં જ કોઈ તેની પાછળ આવીને ઉભું રહી ગયું હોય તેવું લાગ્યું અને કોઈનો અવાજ મારા કાને પડ્યો કે ....
“ નલીન નામ છે અમારા સાહેબ નું “
બસ આટલું સાંભળીને મારી બુક માં ચાલી રહેલી પેન અટકી ગઈ. અને ઝડપથી ઉપર વળીને જોયું તો એક કદાચ ક્યારેક જોયેલો ચહેરો મારી સામે આવ્યો હોય તેવું લાગ્યું. જે કદાચ તેના પપ્પા જ હતાં.
“ શું કહયું આપે ? નલીન ? ખરેખર ? “ હું ચહેરા પર એકદમ નવાઈ સાથેના હાસ્ય થી બોલ્યો...
“ હા, નલીન .. જ છે “ એકદમ શાંત તેમજ સરળ સ્વભાવથી સાદા માણસ તરીકે દેખાય આવતાં તેના પપ્પા બોલ્યા.
“ તો તો પછી અમે બંને એકદમ બેસ્ટ ફ્રેડ થયા એમ ને “ ? હું ઓટોગ્રાફ આપતાં ખુલ્લા હાસ્ય સાથે બોલી ઉઠ્યો
“ હા બંને નલીન ... એક લખે અને બીજા લખેલું બધું આખો દિવસ વાંચ્યા કરે. એક કામ કરીએ હું આને તમારી પાસે જ છોડી દઉં છું “ આટલું કહીને એ પણ મુક્ત પણે હસવા લાગ્યાં અને તેની વાત સાંભળીને હું પણ હસી પડ્યો. એ સાથે અમે એકબીજા સાથે હાથ મિલાવ્યા. અને ત્યારબાદ તેમણે બંને નલીન નો એક સાથે ફોટો પાડ્યો, તેમજ મેં આ નાના નલીન સાથે હાથ મિલાવ્યો. તેમજ હળવેકથી તેના માથા ઉપર હાથ ફેરવ્યો. જે પછી તરત જ એ બંને ત્યાંથી જવા માટે રવાના થયા. વળી જતી વેળાએ પણ એ પ્રેમાળ હાસ્ય વાળા નલીને મને હાથ ઉચો કરીને બાય બાય કરવાનું શરૂ રાખ્યું. અને હું પણ તેના નિર્દોષ પ્રેમને જોઈને હાથ ઉઠાવીને બાય બાય કરી રહયો હતો. અને જેવા તે બંને દરવાજાની બહાર પહોચ્યા કે તરત જ તેની સામે કોઈ સાડી પહેરેલી સ્ત્રી આવીને ઉભી રહી ગઈ. પણ મારું ધ્યાન તો બસ એ નાના નલીન ઉપર રહેલું હતું. હવે અચાનક જ નલીને પોતાના હાથમાં રહેલી બુક તેની સામે ઉભેલી સ્ત્રી ને આપી. એ જોઇને લાગ્યું નક્કી એ તેની મમ્મી જ હશે. અને પોતે જેની બુક વાંચે છે તેને જ પોતે અત્યારે મળીને આવ્યો છે તેવું કદાચ એ તેની મમ્મી ને બતાવી રહ્યો હતો. બુક હાથમાં લઈને એ બે પળ માટે ઉભેલા તેમને હું અંદરથી જોઈ શકતો હતો. પણ અચાનક તેને કોઈ સવાલ કર્યો અને તેના જવાબમાં એ નાના નલીન એ મારી તરફ વળીને કદાચ મને બતાવવા માટે પોતાનો હાથ આગળ કર્યો. અને એ સાથે જ હાથમાં બુક સાથે નલીનનાં મમ્મી પપ્પા એ મારી સામે જોયું,
જયારે હું ત્યાં સામું જોઈને એકાએક અંદરથી આખોય ધ્રુજી ઉઠ્યો, શ્વાસ ખરેખર બે પળ માટે થંભી ગયો. પરિસ્થિતિ કઈંક એવી આવી ગઈ હતી કે હું ચહેરા ઉપર હાસ્ય આપું કે પછી આમ જ મૌન ધારણ કરીને ઉભો રહું. કારણ કે અત્યારે મારી સામે મારું ભૂતકાળ પોતાના એક નાના છોકરા અને પતિ સાથે ઉભેલું હતું. હું અચાનક ચોંકી ગયો હતો. આખાય શરીરમાં કઈંક અજુગતું જ લાગી રહયું હતું. મારી આંખો હજી પણ તે મારી સામે હોય તેવું માનવા માટે તૈયાર ન હતી. પણ સામેથી જેવી તેની જંગલી આંખોની સ્થિર નજર અને તોફાની હાસ્ય દેખાયું, એટલે પછી આગળ વિચારવાનું કઈ જ બાકી ન રહયું. એ આમ જ બુક હાથમાં લઈને અમુક સેકેન્ડ સુધી મારી સામે હાસ્ય કરીને જોઈ રહી. અને ત્યારબાદ ફરીથી બુક ખોલીને તેને કદાચ મારા ઓટોગ્રાફ ઉપર નજર ફેરવી, અને બસ ત્યારે જ મને આંખોથી ઘણીબધી શુભેચ્છાઓ આપી દીધી હોય તેવું મને અંદરથી લાગ્યું. ત્યાર પછી ફરીથી એ નાના નલીન નાં હાથમાં મારી બુક આપીને તેના માથા ઉપર પોતાનો હાથ ફેરવ્યો. તેમજ એ નાના નલીન નો કોમળ હાથ પોતાના હાથમાં લઈને એ ઘર તરફ વળીને ચાલવા લાગી કે જેમ મને લઈ જવાની વાત કરતી હતી. બે ચાર ડગલાં આગળ વધીને તેને ફરી એકવાર પાછળ વળીને મારી તરફ જોયું. તેમજ એ સાથે નાના નલીન નો હાથ પણ થોડો ઉચો કર્યો. જાણે મને ઈશારામાં જ સમજાવવા માંગતી હોય કે એ અત્યારે મારો હાથ પકડીને મને પોતાના ઘરે લઈ જાય છે. પણ હા, એ એકદમ સાચું જ કહેતી હતી. એ પોતાના નલીન નો હાથ પકડીને તેના ઘરે જ લઈને જઈ રહી હતી.
આજે સમજાય છે કે મને કેમ હંમેશા એવું લાગ્યાં કરતું હતું કે, એ મને રોજ મારા નામની બોલાવ્યા કરે છે. પણ મને ક્યાં ખબર હતી કે તેને મને હંમેશ માટે તેની સાથે જ પોતાના ઘરમાં રાખ્યો છે. ખરેખર પ્રેમ ની કોઈ પરિભાષા કે અંત નથી હોતો. એ બસ માણસની અંદર કોઈ પણ રીતે આજીવન જીવતો જ રહે છે. મારા માટે તો એ અત્યારે જેની સાથે છે તેની સાથે ખુબ જ ખુશ છે. આથી વધારે આનંદની વાત બીજી શું હોય શકે ? અને આમ પણ હવે તેને નાના નલીન સાથેનો સથવારો વધારે ગમે છે. એટલે એ તો પોતાનું પ્રોમિસ ખુબ જ સારી નિભાવી રહી છે. જયારે હું ....................... ? ખબર નહિ ... હું શું કરું છું ..... ? ખબર નહિ .. બસ એટલી જ ખબર છે મને કે તમે વાંચી રહયા છો અને હું લખી રહયો છું. જે તેને પણ ખુબ જ ગમતું હતું કે કદાચ ગમે છે.. ખબર નહિ ... તમને શું લાગે છે ... ? કે તમને પણ મારી જેમ જ .... ખબર નહિ .... ?????