બસ આજે તને બીજા કોઈ સાથે લગ્નના ચાર ફેરા ફરતી જોઈ હું અંદરથી જ ભાંગી પડ્યો હતો. પરંતુ એકબીજાને આપેલા પ્રોમિસથી થોડો અડગ બનીને તને બીજાની થતી જોઈ રહયો. પણ એકવાત પર હું હજી પણ મુંજાયેલો છું કે તારા જ હાથે તારી લગ્ન કંકોત્રી તે મને આપી. અને અચૂક હાજર રહેવા કહયું, અને તારી આ છેલ્લી વાત મે માંની તેમાં ખરેખર તું ખુશ હતી કે પછી હું .. ? આમતો પહેલેથી જ તારી બધી વાતો માનતો આવ્યો છું. પછી તારી આ છેલ્લી ઈચ્છાને પણ કેમ અધૂરી મૂકી શકું ? વળી એકવાત તો કહેવાની રહી જ ગઈ. કે લગ્નની તૈયારી ખુબ જ સારી કરી હતી. અને જમવાનું પણ ખુબ સારું બનાવ્યું હતું. મંડપનો શણગાર પણ બહું ઉચો જણાતો હતો. બધા જ ખુશ જણાતા હતા, સિવાય તારી ને મારી .... !
રોજ કરતાં આજે તારામાં મને એક જવાબદાર સ્ત્રી દેખાતી હતી. જે અંદરથી એકદમ ભાંગી ગયેલી તેમ છતાં પણ બહારથી સહનશીલ હોવાનો દેખાવ કરતી હતી. મારી જગ્યા પર તારી સાથે તલવાર લઈને બેઠેલો તારી સંભાળ રાખશે તેવી આશા રાખી શકું. બસ મારી જેમ તેની પાસેથી પણ પ્રોમિસ લઇ રાખજે. આમ તો દેખાવમાં મારી જેવો જ છે. એટલે તારું વલણ સારું રાખજે. અને આભાર કે તે લગ્ન મંડપમાંથી પણ મારી સામું જોવાની હિંમત કરી. અને તારી સખીને મારા ખબરઅંતર પૂછવા મારી પાસે મોકલી. તેમજ જમી ને જવાનું કહયું. વળી તે કરેલી મારી ફરિયાદ પણ સાંભળી, મારી વધેલી દાઢી માટે મને માફ કરી દેજે, પણ કોણ જાણે તારા વિરહમાં તે પણ સતત વધતી જ જાય છે. બસ હવે કદાચ અચાનક સામે મળવાનું થાય તો તારો હસતો ચહેરો જોવ તેવી ઈચ્છા છે. તે ભલે છેલ્લે સુધી મને ન કહયું હોય કે આ લગ્ન માટે તારી મંજૂરી હતી કે નહિ. પણ તું જ્યાં પણ રહે બસ ત્યાં તને ખુશ જોવા માગું છું. આપણે આમ તો એક હતા, છીએ અને રહેવાનાં, પણ એકબીજા સાથે જીવન જીવી ન શક્યા તેમાં નસીબને દોષ આપવો યોગ્ય નથી. વળી આ જન્મે ગમે ત્યારે તમે મારી મદદની જરૂર પડે તો ગમે ત્યારે થોડું પણ અચકાયા વિના મારે ઘરે આવજે. ત્યારે કદાચ મારા લગ્ન પણ થઇ ગયાં હોય તો થોડી પણ મુજવણમાં ન રહેતી. આમ પણ આપણી બધી જ વાત હું તેને કહીને લગ્ન કરવાનો છું. કોઈને અંધારામાં રાખીને કઈ ફાયદો નથી. બસ તારી ઈચ્છા પ્રમાણે મને તારા જેવી જ જીવનસાથી મળે. આ આપણા પ્રોમિસ પ્રમાણે મારો છેલ્લો મેસેજ છે. આજની રાતથી તારા નવા જીવનની શરૂઆત થશે. આવનારા પારિવારિક જીવનનાં સુખ દુઃખમાં પહેલાની જેમ જ હંમેશા ટકી રહેજે. તેમજ તમે બંને હંમેશા સુખી રહો તેવી ઈશ્વરને પ્રાર્થના ... અંતે બસ એટલું જ કે આ મેસેજ વાંચીને ફોનમાંથી હંમેશ માટે કાઢી નાખજે. જેથી આગળ જતાં કોઈ તકલીફ ઊભી ન થાય. અને આપણા પ્રોમિસ પ્રમાણે કરજે.
લિ..... એક વિખૂટું પંખી
રાત્રે ૮ : ૩૪ જેટલો સમય થયો હતો. ફોન પર આખો જ મેસેજ લખાય ગયો હતો. બસ હવે તેને મોકલવાનો જ બાકી રહયો હતો. પણ શું અત્યારે તેનો ફોન તેની પાસે હશે ખરો ? નાં, નાં આજે તેને ફોન પણ હાથમાં લેવાની ફુરસદ નહિ હોય. હજી આજે તો નવા ઘરે પરણીને ગઈ હતી. એટલે અત્યારે તો બધા જ કામમાં હશે. અને તે પણ બધા સાથે કામમાં ભળી એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરતી હશે. એટલે રોજની જેમ આજે છેલ્લી વાર ૯ વાગ્યે સામો મેસેજ મોકલી આપું. પહેલાં તે હંમેશા ૯ વાગ્યા આસપાસ મેસેજ અથવા ફોન કરતી. પણ આજે ફોન નહિ. ફક્ત સામસામાં એક છેલ્લા મેસેજથી રોજ માટે છૂટા પડવાનું હતું. કારણ કે તેની લગ્ન કંકોત્રી જયારે મને આપવા આવી, તે અમારી વાત કરવાની છેલ્લી મુલાકાત હતી. બસ ત્યારે મન ભરીને એકબીજા સાથે વાતો કરી લીધી હતી. અને છૂટા પડતી વેળાએ બંનેએ એકબીજાને પ્રોમિસ કર્યું કે લગ્નની પહેલી સાંજે જ એકબીજાનાં નંબરને બ્લોક (બંધ) કરી દઈશું. જેથી એકબીજા સાથે મેસેજથી ક્યારેય વાત ન થઇ શકે. અને મેસેજ મોકલવાની ઈચ્છા પણ ન થાય. કદાચ થાય તો પણ સામસામે એકબીજાનાં નંબર તો બ્લોક હોય એટલે મેસેજ પણ ન આવી કે જઈ શકે.
ઉંડા ભૂતકાળને યાદ કરતાં બંને આંખો આંસુઓથી ભરાય ગઈ હતી. તેની યાદમાં ને યાદમાં ૯ ક્યારે વાગી ગયાં તેની પણ ખબર જ ન રહી. મે ફરી ફોન હાથમાં લઇ અંદર જોયું પણ હજુ સુધી તેનો કઈ મેસેજ આવ્યો ન હતો. તેથી હજી પણ બે ચાર મીનીટ મેસેજ આવવાની રાહ જોઈ. આંગળીઓ ક્યારની ફોન પર આમતેમ ફરી રહી હતી. ચાર મીનીટની જગ્યાએ દસ મીનીટ થઇ ગઈ હતી. પણ કોઈ ફોન કે મેસેજ નહિ. તેથી મે જ પહેલાં મેસેજ મોકલવાનું નક્કી કર્યું. અને મેસેજ ભૂલ વગરનો તો છે ને તે જોઈ મોકલવાની કોશિશ કરી. પણ કોણ જાણે મેસેજ સેન્ડ ન થયો. મે ફરી કોશિશ કરી કદાચ નેટવર્ક પ્રોબ્લેમ પણ હોય શકે છે. બે, ચાર, છ, આઠ જેટલી કોશિશ કરી જોઈ તેમ છતાં પણ મારો પ્રયાસ નીષ્ફળ નીવડ્યો હતો. હવે શું કરું કશું જ સમજાતું ન હતું. બે વખત ફોન રીસ્ટાર્ટ પણ કરી જોયો, અને એકવાર આ મેસેજ મારા મિત્રને મોકલી જોયો, તેને તો સરળતાથી સેન્ડ થઇ ગયો હતો. તો પછી તેનાં નંબર ઉપર જ કેમ આવું થતું હશે ? હવે તો ફોન ઉપર પણ ધીમે ધીમે ગુસ્સો ચડી રહયો હતો. થોડીવાર ફોનને બાજુમાં મૂકી હું એકદમ શાંત થઇ ગયો. મનમાં વિચારોનું વાવાઝોડું શરૂ હતું.
બસ હવે આ છેલ્લો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. અને ફોન પર સેન્ડનાં લખાણ ઉપર છેલ્લી વાર ઓકે કર્યું. એ સાથે જ ફરી મેસેજ મોકલવામાં નિષ્ફળ, એ પ્રકારનું લખાણ આવ્યું. પણ હવે મારો ગુસ્સો હદ બહાર થઇ ગયો હતો. એટલે તરત જ એજ ક્ષણે જોરથી ફોન સીધો જ નીચે ફેક્યો. બસ ત્યાં જ અચાનક ફોનની રીંગ સંભળાય, તે સાંભળી હું એકાએક ઉભો થઇ ગયો. શું તેનો ફોન આવ્યો હશે ? મે જે ઝડપથી ફોન ફેક્યો હતો તેવી જ રીતે ફોન ઉઠાવી હાથમાં લઇ લીધો. મારા બંને હાથ ફોનની કંપનથી ધ્રૂજી રહયા હતા. પણ ફોન પર કશું જ દેખાતું ન હતું. તે જોઈ હદયમાં મોટી ફાળ પડી. નક્કી ફોનની ડિસ્પ્લે ખરાબ થઇ ગઈ હતી. આ કોનો ફોન હશે ? હવે વધારે પ્રતીક્ષા થાય તેમ ન હતી. બસ હવે એક હાથ વાળમાં ફેરવતો અને બીજા હાથે ફોન ઉઠાવવાની કોશિશ કરી. આખરે તેમાં પણ નીષ્ફળતા જ મળી. ઘણી કોશિશ કરી જોઈ ફોન સ્વીકારવાની પણ ફોનની ડિસ્પ્લે એકદમ બંધ જ થઇ ગઈ હતી. તેમાં ત્રણ-ચાર વાર ફોન આવતાં રહયા. અને હું ફોન કપાય નહિ ત્યાં સુધી ઉઠાવવાની વ્યર્થ કોશિશ કરતો રહયો.
બસ પછી શું ? આખી રાત વિચારતો રહયો કે શું ખરેખર તેનો જ છેલ્લો ફોન આવ્યો હશે ?
આપનો હદયથી ખુબ ખુબ આભાર ....