સ્ટેપ્સ
સમસ્યાના સમાધાન માટે નીચે પ્રમાણેના ઉપાયો અજમાવી શકાય.
૧) સાચુ કારણ શોધો.
કોઇ પણ સમસ્યાનો કાયમી ઉકેલ ત્યાં સુધી નથી લાવી શકાતો હોતો કે જયાં સુધી તેના આવવાના કારણોની જાણ ન થાય. તમને ખબરજ ન હોય કે કોઇ સમસ્યા કયાંથી અને કેવી રીતે ઉદ્ભવી છે તો તમે તેનો સાચો ઇલાજ કેેવી રીતે સમજી શકો? માટે જે કંઈ પણ સમસ્યા હોય તે કેવી રીતે ઉદ્ભવી છે, તેનુ મુળ કારણ શું છે તેનો શાંતીથી વિચાર કરી, જુદી જુદી શક્યતાઓ તપાસી જુઓ કે શું આમ હોઇ શકે ? આવુ થઈ શકે ? આવુ કેવી રીતે થઈ શકે ? મારાથી ક્યાં ખામી રહી ગઈ? ક્યાં ઓછુ ધ્યાન અપાયુ ? ક્યાં ગાફલતમા રહી જવાયુ વગેરે જેવા પ્રશ્નોનુ ચીંતન કરો.તેમ કરવાથી સમસ્યાનુ સાચુ કારણ શોધી તેનો ઈલાજ કરી શકાતો હોય છે. દા.ત. તમને અભ્યાસમા ઓછા માર્ક્સ આવ્યા હોય ત્યારે તમે તેના કારણ જાણવાનો પ્રયત્ન કરો કે આવુ શા માટે થયુ ? શું મારી યાદશક્તી નબળી છે, શું મે સમયનો વધુ વેડફાટ કર્યો છે, શું મે યોગ્ય પદ્ધતીથી નથી વાંચ્યુ, શું મે અનિયમિતતા દાખવી છે, મારી લખવાની જડપ ઓછી છે, આસ પાસના વાતાવરણની મારા પર અસર થઈ છે કે હું પરીક્ષાના સમયે ખુબ ડરી જાઉ છુ વગેરે વગેરે. આમાથી કોઇ સામસ્યાની તમને જાણ થશે ત્યાર બાદજ તમને કઈ બાબતનો કેવી રીતે ઈલાજ કરવો તે સમજી શકાશે. આમ કોઇ પણ સમસ્યા આવવાનુ સાચુ કારણ શોધવુ એ સમસ્યાના સમાધાન માટે ચાવીરુપ સ્ટેપ સાબીત થતુ હોય છે.
૨) શક્ય હોય તેટલા તમામ ઉપાયોની જાણકારી પ્રાપ્ત કરો.
દરેક કાર્ય પુર્ણ કરવાના કે કોઇ હેતુ પ્રાપ્ત કરવાના એકથી વધારે માર્ગ કે ઉપાય હોયજ છે. આ દરેક માર્ગના ફાયદા અને નુક્શાનીઓના પ્રમાણમા ફર્ક હોય છે. આમાથી તમને સૌથી વધારે ક્યો રસ્તો અનુકૂળ આવી શકે તેમ છે તે તમારે સમજવુ જોઇએ. માટે સૌ પ્રથમતો શક્ય હોય તેવા તમામ માર્ગોને ઓળખી તેનુ અર્થઘટન, મુલ્યાંકન કે ચકાસણી કરવી જોઈએ જેથી લાંબા ગાળે આપણને ક્યો ઉપાય વધુ ફાયદાકારક રહેશે, ક્યો ઉપાય સમસ્યાઓનો જળમુળથી ઇલાજ કરશે તે સમજી શકાય.
દા.ત. તમારે પ્રમોશન મેળવવુ હોય તો તેના માટે બોસની ચાપલુસી કરીને મેળવવુ તેવો એક માત્ર ઉપાય ગોતી રાખ્યો હોય અને કદાચ તેમા ફાવી ન શકો તો તમારે હાર માનીને બેસી જવુ પડી શકે છે, પરંતુ જો એક કરતા વધારે વિકલ્પો વિચારીને રાખ્યા હોય જેમ કે કંઈક નવુ કામ કરી બતાવવુ, પોતાની કાર્ય પદ્ધતી અને કુશળતામા વધારો કરવો, પોતાના વર્તનમા સુધારો કરવો, નવી આવળતો વિકસાવવી, સંસ્થાને પોતાનો મહત્તમ લાભ આપવો, તમામ કક્ષાએ પોતાને સાબીત કરવા, વધુ સમય કામ કરવુ, ગુણવત્તાયુક્ત કામ કરવુ વગેરે. આ બધા ઉપાય તમે જાણતા હોવ તો આ દરેક રીતે તમે પ્રયત્ન કરી શકતા હોવ છો અને એક ઉપાય નિષ્ફળ જાય તો તરતજ બીજો ઉપાય અજમાવી શકતા હોવ છો.
આમ એક કરતા વધારે વિકલ્પોનો વિચાર કરી તેનો યોગ્ય સમન્વય કરી પ્રયત્નો કરવામા આવે તો ગમે તેવી મુશ્કેલીઓમાથી પાર થઈ ધાર્યા પ્રમાણેના પરીણામો મેળવી શકાતા હોય છે.
૩) યોગ્ય લોકો કે સ્થળનો સંપર્ક કરો.
તમને કુલ કેટલી જગ્યાએથી મદદ મળી શકે તેમ છે, કેવા લોકો, કેવા સાહીત્યો, સંસ્થાઓ, સ્કીમ્સમાથી મદદ મળી શકે તેમ છે તેનો એક વખત શાંતીથી વિચાર કરો, તેના વિશેની જાણકારી મેળવો અને તેનો સંપર્ક કરો. દા.ત. એક ભાઇને પોતાનો વેપાર શરુ કરવો હતો પણ તેની સમસ્યા એ હતી કે તેની પાસે પુરતા પૈસા અને વેપારને લગતુ જરુરી પ્રાથમીક જ્ઞાન ન હતુ. આ સમસ્યાનુ સમાધાન કરવા માટે તેના મીત્રએ તેને ઉદ્યોગ ભવનનો સંપર્ક સાધવા કહ્યુ. આ રીતે ક્યાંથી નાણા મેળવવા, કેવી રીતે મેળવવા, કેવી રીતે વેપાર ચલાવવો, કેવી રીતે હિસાબ રાખવો, કેવી રીતે વેચાણ વધારવુ, કેવી કેવી બાબતોનુ ધ્યાન રાખવુ, કેવા લોકો અને સાહીત્યોના સંપર્કમા રહેવુ એમ સંપુર્ણ જ્ઞાન ત્યાંથી મળી ગયુ અને તે આરામથી પોતાનો વેપાર શરુ કરી શક્યો.
આમ સમસ્યા કેવી છે અને તેને આધારે કોનો સંપર્ક કરવો જોઇએ એ સમજી લેવામા આવે તો સરળતાથી સમસ્યાઓના સમાધાન લાવી શકાતા હોય છે.
૪) ઉપાયોનુ પર્ફેક્ટ આયોજન કરો.
સામસ્યાનુ કારણ જાણ્યા બાદ તેને દુર કરવા માટે પર્ફેક્ટ પ્લાનીંગ કરો. દા.ત. અભ્યાસમા નિષ્ફળ થવાનુ કારણ સમયનો બગાળ હોય કે અનિયમિતતા હોય તો સમયનુ આયોજન કરો, કેટલા વાગ્યે ઉઠવુ, કેટલા વાગ્યે વાંચવુ, ઓછામા ઓછુ કેટલી કલાક વાંચવુ, નકામા ડિસ્ટરર્બન્સ દુર કરવા, તેના માટે વ્યવસ્થાઓ કરવી, નકામા કાર્યો માટે અલગથી સમય ફાળવવો, કેટલા વાગ્યે જમવુ, કેટલા વાગ્યેજ બહાર જવુ, કેટલા વાગ્યે સુવુ વગેરે જેવી દીનચર્યાનુ આયોજન કરી લ્યો. આ રીતે સમસ્યાના ઉપાયોને અમલમા મુકવા માટેની એક પ્રક્રિયા નિર્ધારીત કરો, તેમા આવતી અડચણોને દુર રાખવાની વ્યવસ્થા કરો જેથી ઉપાયોને સરળતાથી અમલમા મુકી શકાય.
૫) સાચા નિર્ણયો લ્યો.
સમસ્યાનુ સમાધાન લાવવા માટે અનેક પ્રકારના સરળ, જટીલ, નાના કે મોટા નિર્ણયો લેવા પડતા હોય છે. અમુક બાબતોને સ્વીકારવી પડતી હોય છે તો અમુક બાબતોને જતી પણ કરવી પડતી હો છે. તે ઉપરાંત લાંબાગાળા સુધી ફાયદો મળે તેવો ઇલાજ કરવો છે કે અત્યાર પુરતુ સંભાળી શકાય તેવો ટૂંકાગાળાનો ઇલાજ કરવો છે તેવા દરેક બાબતોને લગતા નિર્ણયો લેવા પડતા હોય છે. જો ખોટો નિર્ણય લેવાઇ જાય તો સમસ્યા સુધારવાને બદલે બેવળાઈ જતી હોય છે, ઘણી વખતતો એક ખોટો નિર્ણય હાથમા આવેલી બાજી પણ છીનવી લેતો હોય છે. તો આવી પરીસ્થિતિઓ ન ઉદ્ભવે તેમજ સમસ્યાનો જળમુળથી છેદ ઉડાળી દેવા માટે પર્ફેક્ટ નિર્ણય લેવાનો પ્રયત્ન કરવો જોઇએ. પર્ફેક્ટ નિર્ણય લેવા માટે નિર્ણય કે સમસ્યાને અસર કરતા તમામે તમામ પાસાઓનો અભ્યાસ કરવો જોઇએ.
૬) તમેજ તમારા સારથી બનો.
સમસ્યાઓ આવે છે ત્યારે ઘણા લોકો ઘણી વખત એવુ વિચારતા હોય છે કે કોઇ મને મદદ કરે તો સારુ, કોઇકનો ટેકો મળે તો હું કંઈક કરી શકુ. અહી સુધીતો બરોબર છે પણ ઘણા લોકોતો એવી ઇચ્છા કરતા હોય છે કે પોતાના બધા કામ બીજા કોઇ કરી દે તો સારુ. આ વાત વ્યાજબી કહેવાય નહી કારણકે સમસ્યાઓ તમારી છે તો તમારેજ તેનુ સમાધાન લાવવા પ્રયત્નો કરવા જોઇએ, તમારેજ તમારા સારથી બનવુ જોઇએ. બીજા લોકોતો તમને માત્ર માર્ગ ચીંધી શકે કે થોડી ઘણી મદદ કરી શકે પરંતુ તે રસ્તા પર ચાલવુ તો તમારેજ પડે. જો તમે ઉભા થઈ હથીયારો નહી ઉઠાવો, સંઘર્ષ નહી કરો તો લોકોએ તમને કરેલી મદદ એળે જશે. લોકોતો તમને એક કે બે વખત મદદ કરી શકે, વધુમા વધુ ૩ વખત મદદ કરી શકે, પણ કંઈ આખી જીંદગી તમારા ઢસરડા ન ઉઠાવી શકે, તેઓ પાસે પોતાના પણ અનેક કામ હોય છે. આ દુનિયામા આપણે બધા એકલાજ આવ્યા છીએ અને એકલાજ જવાના છીએ, આપણી જીંદગી આપણેજ જીવવાની છે તો પછી શા માટે અન્યો પર આધાર રાખીને જીવવુ પડે ? અન્યો પર આધાર રાખી જીવનાર વ્યક્તી ક્યારેય સફળ થઈ શકે નહી તો પછી શા માટે તમે લોકો તમારી બધીજ સમસ્યાઓ બીજા લોકો ઉકેલી દેશે તેવી અપેક્ષા રાખીને બેઠા છો. હા જરુર પડે તેવા સંજોગોમા મદદ મેળવવી એમા કશુ ખોટુ નથી પરંતુ દરેક કાર્ય બીજાઓ પાસેથીજ કરાવવા, તેઓ તમને મદદ કરે તો જ આગળ વધવુ એવુ વલણતો બરોબર ન જ કહેવાય.
આમ જો તમે તમારી જીંદગીને સુધારવા માગતા હોવ, સમસ્યાઓથી મુક્તી મેળવવા માગતા હોવ કે સુખેથી જીવવા માગતા હોવ તો તમારેજ તેના માટે આગળ આવવુ જોઈએ, તમારેજ શરુઆત કરવી જોઈએ અને તમારેજ પોતાના જીવનના સારથી બની જવાબદારીઓ ઉઠાવી લેવી જોઇએ.
૭) સમસ્યાઓને તકમા ફેરવી દો.
માની લ્યો કે તમે કોઇ સુમસામ માર્ગ પર એકલા કાર લઈને જઈ રહ્યા છો અને અચાનકથી તમારી કાર બંધ થઈ જાય તો તમારી પાસે ૩ રસ્તાઓ બચે છે, જેમા પહેલો રસ્તો છે કારને ત્યાંજ મુકીને મદદ મેળવવા આગળના કોઇ ગામળે જવુ કે કોઇને ફોન કરીને બોલાવવા, બીજો રસ્તો છે કે કોઇ રાહદારીની ત્યાં ઉભા ઉભાજ રાહ જોવી અને ત્રીજો રસ્તો છે એન્જીનમા શું ખરાબી છે તે સમજી જાતેજ રીપેર કરવાનો પ્રયત્ન કરવો. જ્યારે તમે ત્રીજો વિકલ્પ પસંદ કરતા હોવ છો ત્યારે તમે મુશ્કેલીઓને તકમા ફેરવી રહ્યા હોવ છો કારણકે હવે તમે જાતેજ એન્જીનની નાની મોટી ખામીઓ રીપેર કરતા શીખી શકો છો, તેને સમજી શકતા હોવ છો. આમતો તમે ક્યારેય એન્જીનમા ડોકીયુ ન'તા કરવાના પણ અત્યારે મળેલી તકને કારણે તમે તેને થોડુ ઘણુ રીપેર કરતા શીખી શકતા હોવ છો અને ભવિષ્યમા કટોકટીના સમયે જો આવી ઘટના ફરી પાછી થાય તો તમે જડથી તેને રીપેર કરીને પોતાનો કીંમતી સમય બચાવી શકતા હોવ છો.
તેવીજ રીતે તમને કોઇ વસ્તુ કે ઉત્પાદનનો ઉપયોગ કરતા તકલીફ પડતી હોય, તમારા કાર્યમા ક્યાય સમસ્યાઓ આવતી હોય તો એનો મતલબ એ થયો કે તમારી જેવુજ કામ કરતા કે તમારા જેવીજ વસ્તુઓનો વપરાશ કરતા વ્યક્તીઓને પણ તેવીજ તકલીફો પડતી હશે. જો આવા સમયે તમે એમ વિચારો કે આ ઉત્પાદનમા જેટલી તકલીફો કે ખામીઓ છે તેને હું દુર કરી મારુ પોતાનુજ ઉત્પાદન બહાર પાડુ તો લોકો તેને ૧૦૦ % ખરીદશેજ કારણકે લોકો પણ આવાજ ઉત્પાદનોની અપેક્ષા રાખી રહ્યા હોય છે. આમ દરેક સમસ્યામા ક્યાંકને ક્યાંક આપણા માટે લાભ કે બોધપાઠ છુપાયેલો હોયજ છે, આ લાભને જોવાનો દ્રષ્ટીકોણ કેળવી લઈએ તો જરુરથી તેને પ્રાપ્ત કરી શકાતો હોય છે.
૮) વ્યક્તી સાથે સમસ્યા હોય ત્યારે.
જો કોઇ વ્યક્તી સાથે સમસ્યા હોય ત્યારે ખુબજ કાળજી રાખવી જોઇએ કારણકે આવા સમયે એક નાની એવી ભુલ પણ સબંધોમા ખુબ મોટી ઉથલપાથલ મચાવી શકતી હોય છે.
સબંધોમા કડવાહટ હોય ત્યારે સૌથી પહેલાતો પોતાના તમામ ઇગો, અહંકાર, ગેરમાન્યતાઓ અને દુરાગ્રહોને છોળી એક બીજાને મનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ કારણકે જે માણસને રુઠેલાને મનાવતા આવળે છે તેઓ વિશ્વની એવી તમામ પ્રકારની સફળતા કે જેમા લોકોના સહકારની ખુબજ જરુરીયાત રહેતી હોય તેને પ્રાપ્ત કરી શકતા હોય છે. જો લોકોને મનાવી શકાય તેમ ન હોય તો સબંધો વધુ વણસે નહી તેની તકેદારી રાખવે જોઇ. આ માટે સૌ પ્રથમતો મનને શાંત રાખવુ જોઈએ, દરેકને પોતાની વાત કહેવાનો અધીકાર છે તેમ સમજી લોકોના દ્રષ્ટીકોણ સમજવાનો પ્રયત્નો કરવો જોઈએ, તેઓને પુરતા સાંભળવા જોઈએ, પોતાના વાણી-વર્તન અને નિયતને શુધ્ધ રાખવા જોઈએ, લોકો ઉશ્કેરાઇ જાય તેવી ટીકા ટીપ્પણી કે આરોપોથી બચવુ જોઈએ અને શાંતીથી વાત કરી શકાય તેવા વાતાવરણની રચના કરવી જોઈએ. કજીયા કે દલીલો કરવાને બદલે મુળ મુદ્દા પરજ ચર્ચા જળવાઇ રહે તેવી તકેદારી રાખવી જોઈએ, ઉંચા અવાજે વાત કરતા કે એક બીજાનુ અપમાન કરતા બચવુ જોઈએ, લોકોની વ્યાજબી લાગણીઓ ઇચ્છાઓ કે પસંદ ના પસંદને માન આપવુ જોઈએ, તેઓ તમારા માટે ખુબ મહત્વની વ્યક્તી છે, તમને તેઓની કદર છે તેવુ દર્શાવી એકબીજાનુ હીત જળવાઇ રહે એ રીતે થોડુ ઘણુ જતુ કરી દેવુ જોઈએ, ગેર સમજણ, ગુસ્સો અને અહંકાર આ ત્રણેય પરીબળો પલ કાબુ મેળવવો જોઈએ. જો તમારા ધાર્યા પ્રમાણે કામ ન થતુ હોય તો ત્વરીત રીએક્શન આપવાને બદલે સામેની વ્યક્તીને તમારી મજબુરી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેઓને રીક્વેસ્ટ કરવી જોઈએ, શાંતીથી કારણો આપી લોજીક કે અસમર્થતા દર્શાવી સમજાવટ કરવી જોઈએ, પાકો વાયદો આપી પોતાની ક્યાંય ભુલ થતી હોય તો તેને સ્વીકારી લેવી જોઈએ, એકબીજાને મદદરુપ થવાની ગોઠવણ કરવી જોઈએ અને છેવટે જો વ્યક્તી તમારા માટે મહત્વની હોય, સબંધો મહત્વના હોય તો થોડુ ઘણુ જતુ પણ કરી દેવુ જોઈએ. આવા સમયે તમે એમ વિચારો કે મારા માટે શું વધારે મહત્વનુ છે - સમસ્યાનુ સમાધાન લાવી શાંતી સ્થાપવી મહત્વની છે કે લોકો પર આરોપો નાખી ઝઘડો વધુ ઉગ્ર બનાવી પોતાની બધીજ ખીજ બહાર કાઢવી મહત્વની છે? આ બાબત તમે સમજશો તો તમારે શું કરવુ જોઈએ તે આપો આપ સમજાઈ જશે. આમ ઉપર દર્શાવ્યા પ્રમાણે જો તમે કાળજી રાખશો તો સબંધો જડપથી સુધરી જશે કારણકે સામેની વ્યક્તીને તમારા આવા પ્રયત્નોની કદર થશેજ.