સ્પંદનો દિલના તમે - 1 Milan Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પંદનો દિલના તમે - 1

કદી હોઠ પર રમાડજો, કદી આંખમાંય લાવજો,
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો.
-હેમંત ધોરડા.

આજે બહુ મોડું થઈ ગયું હતું, એક તો બદલી થઈને આવેલા નવા બૉસનું વલણ અને વધતું જતું કામ. 'સાલું ભલાઈનો કે ઈમાનદારીનો તો કોઈ જમાનો જ નથી રહ્યો', વિચારતા વિચારતા તમે ઘરનો દરવાજો ખોલ્યો નિશાંત. અને ખોલતાની સાથે જ ટેબલ પર મોબાઈલ મૂકતી વખતે ત્યાં પડેલી બે ચોકલેટ પર તમારી નજર પડી. ઘડીભર માટે નજર કોઈ અજાણ્યા કારણથી થંભી ગઈ. હળવું સ્મિત આવતા આવતા રહી ગયું. નજર ફેરવી તમે અવાજ લગાવ્યો.
'આ ટેબલ પર ચોકલેટ કોણે મૂકી છે? અને આલ્પેનલિબે તો કોઈ ખાતું નથી ઘરમાં'
અવની?
ઓફિસથી આવીને આદતવશ બધું આમતેમ જોઈને તમે બોલવા લાગ્યા હતા.
હા પપ્પા.?
કેમ આવતાવેંત ચાલું પડી જાઓ છો?
ચોકલેટ જ છે ને, ને તમારા માટે જ છે. તમારા કોલેજ ટાઈમના ફ્રેન્ડ નિમા આંટીએ આપી છે. હું કહેવાની જ હતી એ પહેલા તો તમે પૂછી લીધું. ગળાની ટાઈ કાઢવાનો પ્રયત્ન કરી રહેલા તમારા હાથ ત્યાં જ અટકી ગયા નિશાંત. તમે ફરી પૂછ્યુ કે કોણે આપી છે??
ને ફરી એ જ નામ, નિમા.
પણ નિમા નામનું તો કોઈ મારી સાથે કોલેજમાં હતું જ નહી. તમારો આ જવાબ સાંભળીને હવે અવની થોડા વિચારમાં પડી. પુત્રી તો તમારી હતીને નિશાંત. તમારા જેવી જ, શાંત પણ ચપળ, શબ્દોથી કિસ્સાઓને સમજી લેતી.
પત્ની સીમા હજી માર્કેટમાંથી આવી ન્હોતી.
નિમા? હમ્મ.. ક્યાં મળ્યા તને?
ને શું વાત થઈ?
તેં કહ્યું કેમ નહીં પહેલા?
તમે એક પછી એક અનેક સવાલો પૂછી નાખ્યા નિશાંત.
પણ પપ્પા એમાં શું કહેવાનું? તમારી સાથે જ કોલેજ કરતા હતાને?
એક્ચ્યુઅલી થયું એમ કે બસમાં બહુ ભીડ હતી ને મને જગ્યા ન્હોતી મળી. તો એ સીટમાં બેઠા બેઠા ક્યારના મારી સામે જોતા હતા. ને પછી એમણે મને એમની બાજુમાં જગ્યા કરી આપી.
પછી?
તમે કુતૂહલવશ પૂછતા જતા હતા નિશાંત.
પછી શું પપ્પા?
એમણે પૂછયું કે ક્યાં જવું છે બેટા?
મેં કહ્યું વિજયગઢ.
'ઓહ સરસ. તારું નામ?'
મેં કહ્યું 'અવની સાગર'.
એ જોઈ રહ્યા અને સીધું તમારુ નામ પૂછ્યું કે
'નિશાંતની દીકરી?'
'મેં કહ્યું હા. ને બસ એમ થોડી વાતો ચાલી. એમણે આ ચોકલેટ આપી. એમાંથી બે તમારા માટે પણ લાવી છું. આખરે ફ્રેન્ડ હતી તમારીને..! હાહાહા.. ને તમારું નામ તો બહુ પ્રેમથી લેતા હતા હોં પપ્પા એ.! સાલું મને તો એમ પપ્પાની આટલી મસ્ત ફ્રેન્ડ્સ પણ હતી? કહ્યું પણ નહીં કદી.?'
અવની બોલતી જતી હતી ને તમારી નજર હજી પેલી ચોકલેટ પર હતી નિશાંત. એ ચોકલેટનું નામ બહુ જાણ્યું બહુ પરિચિત. ચોકલેટ વધુ ન ભાવતી હોવા છતાં દરરોજ ખવાયેલી એ જ નામની ચોકલેટ. અને એ પણ એવા કોઈ કિસ્સા સાથે.
અવની વધુ કંઈ બોલે અને તમે વધુ કંઈ પૂછો એ પહેલા માર્કેટમાં ગયેલી તમારી પત્ની સીમા આવે છે નિશાંત.. આવતાવેંત અવની એક ચોકલેટ સીમાને પણ આપે છે
અને કહે છે કે મમ્મી લે, પપ્પાના કોલેજના ફ્રેન્ડ નિમા આન્ટીએ આપી.
'તને ક્યાં વળી મળી જાય છે તારા પપ્પાની ફ્રેન્ડ.? ચલ ફ્રેશ થઈ જા જમવાનું પણ બનાવવાનું છે. બહું મોડું થઈ ગયું છે.' ને તમેય નિમાના વિચારોમાં પડ્યા વગર ફ્રેશ થઈ જાઓ નિશાંત. ખબર નૈ કેટલી ફ્રેન્ડ હતી રોજ નવા નવા નામ આવે છે.
સીમા તમારી સામે જુએ છે પણ એને નિમાથી ખાસ કંઈ મતલબ ન હોય એવું લાગતા શાકભાજી ના ભાવ ગણગણતી અંદર ચાલી જાય છે. પણ અહીં હજી તમારી નજર પેલી ચોકલેટ પર હોય છે નિશાંત. આમ હદયના કોઈ અણજાણ ઈશારે તમે તમારો ફોન હાથમાં લીધો. અને બહુ ઓછા ચેક કરતા ટેક્સ્ટ મેસેજ ખોલ્યા.


પહેલો જ અત્યારે દસ મિનિટ પહેલાનો એક મેસેજ હતો નિશાંત. એ નંબર સેવ છે , ઘણાં વર્ષોથી સેવ છે. પણ એનો કોઈ ઉપયોગ નથી થયો. ના એના પરથી કૉલ આવ્યો છે ના એના પર કૉલ થઈ શક્યો છે. ના એનો કોઈ મેસેજ કે ના તો એનું વોટ્સેપ ડીપી જોવા મળ્યું છે. તમે ધૂંધળી પડી ગયેલી આંખોને રુમાલ વળે સાફ કરી. ફરી જોયું. એ જ નંબર હતો અને એ જ નામ , માયા. ચોકલેટ તમારા મોં સુધી પહોંચતા પહેલા કડવાશ ન પકડી લે એટલે એણે શાયદ અવનીને ખોટું નામ કહ્યું હતું નિશાંત.
નેં તમે મેસેજ વાંચ્યો.


'તારી છોકરી તારા જેવી જ લાગે છે. ને એટલી જ શરમાળ , ઓછા બોલી, ને તારા જેમ જ જગ્યા ન મેળવીને ઊભી રહેતી. તેં એને મારા વિશે કોઈ વાત પણ ન કરી નિશાંત? ' એ પ્રોમિસ પણ તોડ્યું.'


અઘરો સવાલ હતો, ને અઘરી ક્ષણ. ટાઈપ કરવા ઉઠેલી આંગળીઓ અટકી ગઈ.
ક્યારેક રાતના બે વાગે 'મીસ યુ ગુડ નાઈટ' કહેતા પણ જે આંગળીએ ના ખચકાતી એ આજે રીપ્લાય આપતા ખચકાઈ રહી હતી. ને તમે રીપ્લાય ન આપી શક્યા નિશાંત. પણ હા, એ નામની સાથે સાથે અનેક વર્ષો તમારી આખો સમક્ષ ઊભરી આવ્યા. ને અવનીએ તમારી આંખોના ભાવ કળીને પૂછ્યું. પપ્પા હવે તો બોલો યાર, ક્યારે કહો છો તમારી લવસ્ટોરી?
(ક્રમશ:)
-મિલન કુમાર.