ઓશીયાળા માવતર
(આ એક નાટક તરીકે પ્રસ્તુત કરું છું પણ જીવનની વાસ્તવિકતાને પણ દર્શાવે છે. આપની આજુબાજુ અથવા આપનાં શહેરમાં ક્યાકને ક્યાંક આવી ઘટનાઓ અવારનવાર બનતીજ હશે....હું તખુભા ગોહિલ ( બાપું ) મારી દર્શન દ્રષ્ટિ દ્વારા જે સમાજમાં જોયું છે, એને મારી કલમને આધારે આપની સામે પ્રસ્તુત કરું છું. આપને ગમે તો પ્રતિભાવ આપી મને હીંમત આપશોજી...........)
( અહીંયા દરેક પાત્રો અને ગામનાં નામ અલગ દર્શાવવામાં આવ્યું છે..)
ત્રણેક હજારની વસ્તી ધરાવતું એક ખોબા જેવડું સાંગલી ગામ,ગામમાં લગભગ ત્રણેક હજારોની વસ્તી, એમાં પંદરેક પટેલના ખોરડાં ખાધે પીધે સુખી સંપન પટેલો આખાય ગામનું જાણે નાક કેવાય.આ નાટકમાં મુખ્ય પાત્રો આ પ્રમાણે રહેશે........
બાપા-હરજીભાઈ
બા:-કડવીબા
મોટો દીકરો:-મેહુલ
નાનો દીકરો:-સંદિપ
મોટી વહું:-કવીતા
નાની વહું:-શોભા
મોટાનાં છોકરા બે:- નીશા અને વીનય
નાનાની એક દીકરી:- નીશા
આ આખોય પરીવાર પછી પહેલાં તો આજે હરજીભાઈ અને કડવીબાના લગનની પહેલી તારીખ હતી.બેઉ માણસ આજે એકબીજાને ભેટીને વાતો કરે છે.ઓશરીમાં મોટાં પાયાનો ઢોલીયો ઢાળીને એકબીજાને લગોલગ બેસીને વાતો કરે છે...જોઈએ વીગતવાર
(થોડી તળબદી ભાષાનો ઉપયોગ કર્યો છે)
હરજી:- હે તમને કવ છું..સાંભળોછો કે ? આજે આપણાં લગન થીયા ઈને એક વરહ પુરું થયું હો કે,,જોતજોતામાં એક વરહ નીકળી ગયું. હે કહું છું આપણને ખબરય પડી ?
કડવીબા:- હે ? શું બોલોછો તમે ? આપડા લગન થયે એક વરહ વયું જ્યું ? મુવા આ પોણીયાં વરહને જાતાં વાર લાગે છે ક્યાં. એ ટપોટપ આવેને પટોપટ જાય.
હરજી:- હા હો ઈ પણ ખરું કીધું તમે હોકે ! આ ઓલ્યાં મથાકાકાનો લાલીયો હજીતો હમણાં પેદા થીયો હતો ને જોતો ઘડીકમાં તો ઈ ધોડતો થઈ ગ્યો બોલો,,લાગે વાર ?
કડવીબા:- ઈય સાચું, પણ હું કહું છું કે તમે આ હોકો પીવાનું બંધ કરોને હવે વાળું(રાત્રી ભોજન-ડીનર)કરી લ્યો,એયન બાજરાનો રોટલો અને રહાવાળું ઘરની વાડીનાં રીંગણાંનું શાક ઈની હારે આપણી ગૌરીનું (ગાયનું નામ)રગડાં જેવું દુધ એક બોઘણી ભરીને પડખામાં મુકી દ્યો, એટલે થોડાક ટાંટિયા દુઃખેછે ઈ બંધ થઈ જાય.
હરજી:-એ હાં હાં લાવો લાવો બહું ભુખ લાગી છે હો કોણ જાણે તમે નો હોત તો મારું શુંયે થાત.
કડવીબા:-તે ભુખતો લાગેતને આખોદી વાડીએ બળદીયાની જેમ કામ કરોછો તો પછી પેટમાં લાય હાલેને,લ્યો હવે વાળું પીરસી દીધું તમતમારે હાલતું કરો.
હરજી:-હે ! તમને કહું છું હારે હારે તમેય બેહી જાવને એયને ભેગાં મળીને ખાવાની મજા ક્ઈક જુદીજ છે નય.
કડવીબા:-એ હારું હારું તારે લાવો હું યે ખાય લવ અને પછી નીરાંતે વાસણપાણી કરીને તમને હોકો ભરી દવ.અને પછી બેહીએ.
(બેય જણાં વાળું પાણી કરીને ઢોલીયામાઁ બેઠાં હતાં. હરજીભાઈ હોકો ગગડાવે છે.એટલામાં ગામનો એક આગેવાન રામોપગી આવી ચડ્યો)
રામોપગી:-એએએએએ હરજીકાકા છેકે ?
હરજી:-અલ્યાં કુંણછે અટાણે બાપલાં ?
રામોપગી:-એ કાકા હું રામલોપગી ! અએએ અટાણે લગરીક બહું કામની એક વાત કરવાની હતી એટલે થયું કે હરજીકાકા ને મળી આવું.
કડવીબા:-એ આવો આવો પગી ખરા મોકે આવ્યાં છો,હજીતો રોટલાં ઉનાં ઉનાં જછે લ્યો હું વાળું પીરહી દવ પેલાં ખાઈ લ્યો, પછી બીજી વાત.
રામોપગી:-એ હા હા કાકીમાં તમારા હાથનાં રોટલાની સુગંધ તો ઠેઠ મારા ઘરસુધી આવેછે કાકી લાવો લાવો બહું ભુખ લાગી છે.
કડવીબા:-એ લ્યો રામાજીભાઈ એયન તમતમારે બેહી જાવ,બે બાજારાના રોટલાં, રીંગણનું રહાવાળું શાક,અને મારી દેહણ ગૌરીનું દુધ તાહળી ભરીને આલ્યું છે,એયન ભેટભરીને ખાઈ લ્યો.
રામોપગી:-આહાહા કાકીમાં જોતાવેંતજ ભુખ લાગી ગઈ, હવે મારાથી રેવાશે નય હું ઝાપટી લવછું.(જાણે જનમોથી ભુખ્યો હોય એમ રામોપગી ઘડીભરમાં બે તાવડી જેવા બાજરાના રોટલાં બઠાવી ગ્યો..અને એક લાંબો ઓડકાર ખાધોને કહ્યું વાહ કાકીમાં વાહ... મજો પડી ગયો)
હરજી:-લે રામલાં હોકો ગગડાવી લે,(રામોપગી હોકો પીતાં પીતાં)કાકા હું તમારી પાસે સુવાણે નથી આયો ગામમાં મુખીની સુટણી છે.અને એક પગી હોવાને નાતે મે પંચાતમાં સોડેધાડે કીધું છેકે ભાઈયો મુખીની સુટણી કરવાની નથી.આ વખતે સંધાયની મરજીથી ગામનાં મુખીતો હરજીકાકાને જ બનાવવામાં આવશે.લ્યો કાકા હું એટલાં હારું અટાણે તમારે કને આયો છું. કાલ ઉઠીછે કોઈ તમને કેવાં આવેને વખે તમે કોઈને ના નો પાડી દ્યો.
કડવીબા:-અલ્યાં રામજીભય તમે તમારા કાકાને રેવાદ્યોને ઈ સુટણી ફુટણીમાં મોકાણ માંડવાની તમારા કાકા ભોળાપડે અને ઈ પંચાતમાં કોઈ એવાં પંસાતીયા હાલે તમારા કાકાનું કામ ન્ઈ ઈમાં,ઈમને રેવાદ્યોને ભય
રામોપગી:-અરે કાકી એટલે તો કાકાને બનાવવાનાં છે,અટાણ લગી ખાવધરા મુખી આયાં છે.ગામમાં કય સારું કામ નથ થયું. કોઈ મારાકાકા જેવો માણાં હોય તો કોઈ તો કામ ગામમાં થાય ને ?
હરજી:- એ ઠીકઠીક રામલાં હું વચાર કરીને તને કશ,તારી કાકી અને હું વચાર કરીને સવારે કેશું.
રામોપગી:-હું તમારું નામ દ્ઈને આયો છું, તમારે જે વચાર કરવો હોય ઈ કરજો પણ આ વખતે મુખીતો તમારે જ થવાનું છે. લ્યો હું આ હાલ્યો(રામોપગી જતો રહ્યો)
(રાત્રે બેય જણાંએ એકબીજા સાથે વાત કરી અને ગામની ઈચ્છા પૂરી કરવા માટે સહેમત થયાં)
ચમનો ભંગી:-(વહેલી સવારે)ધ્રીબડાંગ ધ્રીબડાંગ ઢોલને વગાડી વગાડી અને ગામમાં ચમનભંગી હાદ પડેછે....એએએએએએ આજે હવારે નવેક વાગ્યે ગામનાં મુખીની વરણી કરવાની છે. તો આખાય ગામે નવ વાગ્યે પંસાતે રુબરુ હાજર રેવું.... એ હાદ હાભળજો.
કડવીબા:-એ હાંભળ્યું ચમનો હાદ પાડેછે,તમે તૈયાર થઈ જાવ,તમારે જવું જોઈએ પટલ.
હરજી:-એ હા પટલાણી હું મોઢું ખંગાળી નાખું તમે જરાક સા બનાવી દ્યો.(ચા પીને હરજીકાકા પંચાયતે જવાં નીકળ્યાં)
સરપંચ ખીમો :-એ આવો આવો હરજીકાકા ખુરશી લાંબી કરીને હરજીકાકાને બેસાડ્યાં.ખીમાએ ઉભાં થ્ઈને ગામને સંબોધિત કરવાનું શરૂ કર્યું... કહ્યું કે આ વખતે આપણે બધાએ ભેગાં મળીને હરજીકાકાને મુખી તરીકેની જવાબદારી સોપવાનું નક્કી કર્યું છે. તો જેમને મંજૂર હોય તે પોતાનો હાથ ઉંચો કરીને એ વાતનૂ સમર્થન કરી શકે છે.(એટલે લગભગ મોટાભાગના લોકોએ હાથ ઉંચા કર્યા. પણ અમુક હીતશત્રૃએ સમર્થન આપ્યું નહીં.. પરંતુ બહુમતી હતી એટલે હરજીકાકા પાંચ વર્ષ માટે ગામના નવાં મુખીની જવાબદારી સોંપવામાં આવી)
રામલોપગી:-કાકા હું આજે બવ ખુશ છું, આજે કેટલાય વર્ષોથી ગામને તમારા જેવો મુખી નથી મળ્યો. હવે કાંઈક ભલાઈનાં કામ થાશે.તમારા જેવો મોટો ખેડું આ ગામનો મુખી હોયતો કેટલાય નવાં નવાં કામ પાર પડે હો કાકા.
હરજીમુખી:-*(આજથી ગામ હરજીકાકા ને મૉખીના નામથી સંબોધન કરવાં લાગ્યાં)મુખીએ ઉભાં થઈ અને પોતાનું ભાષણ શરૂ કર્યું. જો મારાં બાપલાં હું તમને સંધાયની સાથે ન્યાય આપીઅને વાતને વરતમાન કરીશ.જ્યાં જ્યાં મારી જરૂર પડે ત્યાં ત્યાં હું અડીખમ ઉભો છું. કોઈ મારા મુખીપણા હેઠે ગામનો કોઈ નાનો માણાં પણ ભુખ્યો રેવો નો જોઈએ. જેને અનાજ કે બીજી કોઈ વસ્તુની જરૂર પડે તો જરાય સંકોચ રાખ્યાં વીનાં મારા ઘરેથી લય જવાની છુટ છે.
(મુખીની વાત સાંભળી અને આખુંય ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.ચારેતરફ અને ચારેદીશામાં હરજીમુખીની વાળવાહ થવા લાગી. રાત દિવસ ગરીબોની સેવામાં બેય જણાં લાગી ગયાં. આખુંય ગામ આ દયાળુ મુખીબાપાની દયાનો લાભ ઉઠાવી રહ્યા છે. ચારેતરફ મુખીની જયજયકાર થઈ રહીછે... થોડાજ દિવસોમાં આખાય પંથકમાં હરજીમુખીની નામનાં એટલી બધી ફેલાઈ ગઈ કે હવેતો બહારના દુખીયા માણસો મદદ માટે આવવા લાગ્યાં.
એકદિવસ મુખી પોતાની પત્ની સાથે ફળીયામાં બેઠાં બેઠાં વાતો કરી રહ્યાં છે.એટલામાં એક ખૂબ જ દુબળો ભીખારી જેવો માણસ આવ્યો. એને જોઈને મુખીએ કહ્યું આવ ભાઈ ભુખ લાગી છે.... ભીખારી અંદર આવેશે...........ક્રમશઃ
(આગળ જોઈશું એ ભીખારી શું માગ્યું અને મુખીએ આપ્યું કે કેમ....જોઈશું ભાગ:-2 દાન)