અણધાર્યા મહેમાન Manisha Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણધાર્યા મહેમાન

શિયાળા ની રાત હતીને બરાબર જાન્યુઆરી માસ ની ઠંડીએ કચ્છ ના નાનકડા ગામ મા રંગ જમાવ્યો. ગામ ની આજુબાજુ ખારોપાટ દરિયો અને નજીકનું રણ જાણે કે કુદરતી વિરોધાભાસ ની વચ્ચે કાતીલ ઠંડી અને એવામા મૂંગા જીવ પણ ક્યાંક ગરમ ખૂણો ગોતીને લપાઈ ગયા હોય ત્યારે કોઈ માણસ જાત તો ઘરમાંથી બહાર નીકળવાની હિમ્મત જ ક્યાંથી કરે? ઠંડી માં બધું જ શાંત પડ્યું હોય એટલે દૂર દૂર સુધી જાત જાત ના અવાજો ચોખ્ખા જ સંભળાય. એમાંય મારા ઘર ફરતે તો ખુબ જ હરિયાળી ને જંગલ જેવો માહોલ. આસપાસ ના વૃક્ષો સુસવાટા મારતા પવન સાથે અથડાઈને ટર-ટર અવાજો કરીને મસ્તીએ ચડ્યા હોય એ પણ ઘરમાં સંભળાય ત્યારે તો ઘરમાં એકલા જીવ ને જોવા જેવી થાય.


એમ હું પણ આવી જ એક રાતે ગરમ ધાબળા માં લપાઈને ગાઢ ઊંઘ લઇ રહી હતી. ત્યારે જાણે કે ઠંડી અચાનક ગાયબ થઇ ગઈ હોય ને કુતરાઓ ને બહાર નીકળીને ભસવાની હિમ્મત આવી ગઈ હોય એમ અડધી રાતે મંડ્યા દેકારા કરવા. પવન પણ એકદમ શાંત પડી ગયો એટલે ઘોંઘાટ વધારે લાગવાથી હું પણ ઊંઘ માંથી જાગી ગઈ. હજુ વિચાર કરતી હતી કે બહાર નીકળી ને જોઈ આવું શું થઇ રહ્યું છે પણ એકલી હતી એટલે થોડી હિમ્મત ભેગી કરીને રૂમમાં જ બેસી રહી અને રૂમમાંથી જ કાન સીધા કરીને બહાર નો અવાજ સાંભળવાની કોશીશ કરી રહી હતી.


એવામાં જ એ રાત્રે દરવાજા પર કોઈએ ટકોરા માર્યા! હવે અત્યારના કહેવાતા ખરાબ જમાનાં ની બીકે મને લોકો તરત જ દરવાજો નહિ ખોલવાની સલાહ આપ્યા કરતા તો એ મને યાદ આવી જતા મેં અંદરથી જ પૂછી લીધું - "કોણ?". પણ કોઈ બોલ્યું નહિ. એટલે હું થોડી સજાગ થઈને ખાટલામાંથી ઉભી થઈ એટલી વારમાં બીજી વાર ટકોરા સંભળાયા. હવે મેં એક હાથમાં દાતરડું લીધુ ને બીજા હાથ માં ટોર્ચ લીધી ને રસોડા તરફ (કેમકે ત્યાં ઘણી બધી વસ્તુ હથિયાર તરીકે કામ લાગે એવી હોય છે) ભાગવાની પોઝિશન લઈને દરવાજો ખોલવાની કોશિશમાં ફરી એકવાર પૂછ્યું - "કોણ છે?". કોઈએ જવાબ ના આપ્યો. હું જઈને બધા જ રૂમ રસોડા ને આખા ઘર ની લાઈટ ચાલુ કરી આવી અને પછી જોરથી દરવાજો ખોલ્યો. જોયું તો સામે કોણ! મારા અચરજ નો પાર ના રહ્યો.જેની હું વર્ષો થી રાહ જોઈ રહી હતી અને એના મળવાની કોઈ આશ નહોતી એ આમ અડધી રાત્રે અચાનક મારી સામે આટલે દૂર થી આવીને ઉભો હતો!


એ રહેતો હતો ગુજરાત ના પૂર્વ છેડે અને હું હતી ગુજરાત ના પશ્ચિમે. નોકરી અને ઘરની સંપૂર્ણ જવાબદારીમાં જિંદગી નીકળી ગઈ અને અમે શરીર સાથ આપતું હતું ત્યા સુધી મુસાફરી કરીને એકબીજાને મળતા રહ્યા. પણ છેલ્લા દસેક વર્ષોથી ના એ આવી શક્યો કે ના હું જઈ શકી. હવે તો બસ વૈકુંઠ ધામમાં જ કદાચ ભેગા થઈશુ એમ જ વિચાર્યું હતું. આજે એને અચાનક આમ મારા ઘરના ઉંબરા પર ઉભેલો જોઈને હું સ્તબ્ધ થઇ ગઈ. હું ખુશ થાવ એને જોઈને કે પછી ચિંતા કરું કે શું થયું આજે આમ અચાનક આવ્યો એટલે એ મને સમજાણું નહિ. હું બસ એને જોઈ રહી ને બંને આંખોમાંથી આંસુડાંની ધાર. હું હજુ પણ માની જ નહોતી શકતી કે ખરેખર એ આજે ખુબ જ રાહ જોયા પછી એ મારી સામે હતો.


એણે મારી પુર્વ તૈયારી જોઈને જોરથી હસતા હસતા કહ્યું- "હે માતા! પહેલા મને અંદર તો આવવાનું કહે, પછી મને જોયા કરજે હું આજે તારી પાસે જ છું." મેં એને અંદર બેસાડ્યો અને આજુબાજુ માં કોઈ જોઈ નથી ગયુંને એની ખાતરી કરીને જલ્દી જલ્દી દરવાજો અને ઘરની બીજી વધારાની લાઈટ બંધ કરી દીધી. રૂમમાં એના ખોળામાં માથું નાખીને ખુબ ફરિયાદો કરીને રડી લીધું. જે આટલા વર્ષોથી હિમ્મત દેખાડીને ભેગું કરી રાખ્યું હતું મનમાં એ બધું જ ઠાલવી દીધું. એ બસ શાંતિથી મને સાંભળતો રહ્યો અને માથે હાથ ફેરવીને મનાવતો રહ્યો. પછી થોડી ઘણી વાતો કર્યા પછી એણે કહ્યું- "તારા હાથેથી બનાવેલું ઘણા વર્ષોથી નથી ખાધું. કાઈ બનાવને આપડે સાથે ખાઈએ, હું દૂરથી આવ્યો છું તો ભૂખ લાગી છે." અડધી રાત હતી એટલે કુકરમાં તો શક્ય નહોતું કેમકે પાડોશીઓ ઊંઘતા હતા. પણ એને મારા બનાવેલા થેપલા અને ઠંડી છાસ ખુબ જ ભાવે.એટલે મેં જલ્દીથી એની સાથે વાતો કરતા કરતા બનાવી નાખ્યું ને પછી અમે સાથે જમ્યા.ઘણો સમય થઇ ગયો અમે આ રીતે એક સાથે '"જીવન" નહોતું જીવ્યું એટલે જૂની યાદો તાજી થઇ ગઈ અને ખુબ જ વાતો અને યાદો ભેગી કરી લીધી.


થોડી વારમાં ઘરની પાછળના લીમડેથી કોયલ અને પક્ષીઓ ના ટહુકા સંભળાવા લાગ્યા ત્યારે ખબર પડી કે વાતો વાતોમાં સવાર થઇ ગઈ. એટલે એણે હવે જવાની તૈયારી બતાવી. મેં મીઠા ગુસ્સામાં એને રોકાઈ જવાનો ખુબ જ આગ્રહ કર્યો. એણે કહ્યું - "તું સમજતી કેમ નથી? તું એકલી રહે છે ને મને કોઈ અહીંયા જોઈ જશે તો તને આ બધા લોકો શાંતિ થી જીવવા નહિ દેય અને જતી જિંદગીયે મેણાં મારશે.બસ હવે થોડો જ સમય તો છે. પછી આપડે કાયમ માટે એક થઇ જઈશું. તું જલ્દી જ આવી જાજે મારી પાસે. હું તારી રાહ જોઇશ." થોડી વાર મને એણે કહ્યું એ સમજાયું નહિ પણ એટલી વારમાં એ બોલ્યો કે "જા અંદરથી મારા માટે કઈ લઇ આવ તું દર વખતે આપણે મળીયે ત્યારે તારી યાદ રૂપે કંઈક તો આપે જ છે તો આજે હું ખાલી હાથ કેમ જાવ?" મને ખુબ જ ગમતું કંઈક એવું આપવાનું કે જે એને મારી યાદ અપાવે એટલે હું દોડીને અંદરના રૂમમાં ગઈ એક ડાયરી લેવા જેમા મેં અમારી યાદો એમાં લખીને એને આપવા માટે રાખી હતી. હું લઈને બાર આવી એટલી વારમાં તે જતો રહ્યો હતો. હું એને જતા ના જોઈ શકી. મને થોડો ગુસ્સો આવ્યો પણ એને મોડું થતું હશે એમ માનીને જતું કર્યું.


સવાર થઇ ગઈ હતી એટલે હું ઘર અને પથારી ઠીક કરતી હતી ત્યાં મારા મોબાઇલની રિંગ વાગી. જોયું તો એનો જ નંબર હતો. હું ખુશ થઇ ગઈ અને રીસિવ કરીને બોલી- "હેલો! તું ભાગી કેમ ગયો મને આવજો કહેવા પણ ના રોકાયો?" સામેથી એની પત્નીનો જવાબ મળ્યો- " એમને ગઈ કાલે સાંજે જ આ દુનિયામાંથી વિદાઈ લઇ લીધી છે. જતી વખતે કહેતા ગયા કે જતા પહેલા એકવાર તને મળવા બોલાવી લવ. હું તમારો પ્રેમ સમજી ના શકી. એ તો રહ્યા નથી પણ એમના પાર્થિવ દેહ ને લઇ જતા પહેલા તારી માફી માંગવા અને તને આ વાત ની જાણ કરવા જ ફોન કર્યો છે." આટલું સાંભળતા જ મારા પગ તળે થી જમીન ખસી ગઈને બસ એક જ વિચાર થી દિલ બેસી ગયું કે એ એના વાયદા પ્રમાણે આ વખતે પણ મને સાથે ના લઇ ગયો. એના છેલ્લા બોલ મને હવે સમજાવા લાગ્યા. "બસ હવે થોડો જ સમય તો છે. પછી આપડે કાયમ માટે એક થઇ જઈશું. તું જલ્દી જ આવી જાજે મારી પાસે. હું તારી રાહ જોઇશ." બસ એ દિવસ થી હજુ સુધી રાહ જોઈ રહી છું કે ક્યારે એ આખરી મુલાકાત કાયમી મુલાકાત માં બદલાશે!