ઉકળતી ચા
“છોટુ, 4 નંબર પર આ મસ્કાબન અને બે કટીંગ જવા દે” મુન્નાભાઈએ ગેસ પર રાખેલા તપેલામાં ચા ઉકાળતા છોટુંને કહ્યું. ઝડપથી પોતાના માલિકના હુકમને માનતો છોટુએ એક હાથમાં ચા અને બીજા હાથમાં મસ્કાબન લઇને 4 નંબરના ટેબલ પર તેણે મૂક્યા. “લ્યો સાહેબ, બીજું કાંઇ” છોટુએ એના કરકશતાસભર અવાજમાં પુછ્યું. સામેથી જવાબ ના માં આવ્યો એટલે છોટું ફરીથી પોતાના સ્મીત સાથે ગીત ગાતો ગાતો ત્યાંથી નિકળીને બાજુના ટેબલ સાફ કરવા લાગ્યો. છોટુના મોઢામાંથી ગીત વાગી રહ્યા હતા ને નનકડા ટીવીમાં સવાર સવારમાં નારણસ્વામી ના ભજનો. આજુ બાજુના ટેબલો પર ચાર થી પાંચ જણા હતા ને ગરમાગરમ નાસ્તો કરી રહ્યા હતા. સવારે ઠંડી થોડીક વધારે હતી એટલે હું અને મારો મિત્ર કસરત કરીને દરરોજની જેમ ચા પીવા લાગ્યા. મારા મિત્રએ માત્ર ચા જ પીધી, પણ મને ચા સાથે મસ્કાબનની ટેવ, એટલે હું મસ્કાબનને ચામાં બોળીને ખાવા લાગ્યો. ખાધુકડો હોવાથી મેં મુન્નાભાઇ પાસેથી બીજો ગરમ નાસ્તો મંગાવ્યો. ફરીથી એ જ સંવાદ મુન્નાભાઇ અને છોટુ વચ્ચે સર્જાયો. હજુ તો છોટુ નાસ્તો મુકે કે ના મુકે એ પેલા તો મારા મિત્રએ એમાંથી એક બટેટાવડાને ઉપાડીને પોતાના રસીકીયા સ્વાદના સરોવરથી છલકાતા મોઢામાં ડૂબાડી દીધું. નાસ્તો કર્યો, પૈસા આપીને ઘર બાજુ રવાના થયા. `
દરરોજનો આ જ ક્રમ. મારો મિત્ર દિપક. છેલ્લા પાંચ વર્ષથી ઓળખાણ થયેલી. એ પોતે આમ તો પ્રાઇવેટ કંપનીમાં મિકેનિકલ એન્જિનીયર પણ અમારી વચ્ચે ક્યારેય પણ જીવનનું મિકેનિઝમ આડું નથી આવ્યું. આમ તો જો કે મારા બધાં જ મિત્રો આવા જ છે. આખા દિવસમાં ગમે ત્યાં રખડીએ પણ સવારે અને રાત્રે તો આ ચા ના અડ્ડા પર જ ભેગું થવાનું. મુન્નાભાઈએ નામ પણ એવું જ રાખ્યું હતું “દિલવાલોં કી ચાય”, મસાલેદાર અને ગરમાગરમ. એક ઘૂટડો પીવો એટલે જે કોટો ચડે, ભાઇ ભાઇ. એક ગ્લાસ પીવો ને એટલે સીધી તમારા મોંમાંથી દિલમાં ઉતરીને દિલને, શરીરને અને મનને ત્રણેયને શાંત કરી દે. ચા ઉપર તો ઘણું બધું લખાય એવું છે. ભવિષ્યમાં તો લાગે છે કે ક્યાંક કોઇક ચા પર પી.એચ.ડી. ના કરી લે. આ તો જો કે મજાકની વાત છે, પણ ખરેખરમાં ચાનું વ્યક્તિત્વ સરળ છે જેને અપનાવવામાં સામાન્ય માણસથી લઇને અબજોપતીઓ પણ ખચકાતા નથી. બસ ચા એટલે ચા. એવી આ ચા પીવા અમે બન્ને દરરોજ ભેગા થઇએ અને ચાના એક એક ઘૂંટડે જીવનના ઘૂંટડાઓની વાતો કરીએ.
દૈનિક ક્રમમાંથી થોડો સમય કાઢીને છ દિવસથી હું ડોક્યુમેન્ટ્રીના કામથી બહાર ગયેલો. એટલે દિપક સાથે અને અન્ય મિત્રો સાથે ફોનથી વાતો થતી હતી. પહેલેથી જ ડોક્યુમેન્ટ્રીઓ લખવાનો શોખ એટલે જેના પર ડોક્યુમેન્ટ્રી બનાવવાની હોય તે વિષયને લગતું પૂરે પૂરુ રિસર્ચ કરવાની આદત પડી ગઈ હતી. સાતમાં દિવસે પૂરી થઈ મારી ડોક્યુમેન્ટ્રી અને મારા જીવનમાં પડી એક ત્રીજી વ્યક્તિની એન્ટ્રી. ડોક્યુમેન્ટ્રી પતાવીને પાછો ફર્યો અને પાછો દૈનિક ક્રમમાં જોડાયો. દરરોજની જેમ આજે પણ દિપકને સાંજે ફોન કરીને ચા પીવાનું નક્કી કર્યું. આજે ખબર ન હતી કે આજની સમી સાંજને ચા થી સજાવવામાં કોઇ ત્રીજી વ્યક્તિ પણ આવશે. હું પહેલા પહોંચી ગયો હતો એટલે જરાક નાસ્તો કરી રહ્યો હતો. એટલામાં દિપક આવ્યો અને સાથે સાથે એક નમણી, છેલછલબીલી ગુજરાતી નાર પણ પધારી. પહેલા તો થયું કે “દિપક તો પરણીત છે, તો પછી બીજું કર્યું કે શું.” હજુ તો આટલું વિચારતો હતો ત્યાં જ દિપકના મોંમાંથી શબ્દો સરી પડ્યા – “હેય વિશુ, કેવીક રહી ડોક્યુમેન્ટ્રી ?” પણ આ વખતે મારા કાન અને આંખો બન્ને પહેલી મુક છોકરીની સામે જ સમર્પિત હતા, કે હમણાં કાંઇક બોલે. મેં દિપકના શબ્દોને માત્ર મોઢું હલાવીને જ ઇશારો કરી દીધો. “મીટ માય ફ્રેન્ડ કૃતિ” દિપકના આ શબ્દો મને ધ્યાનપૂર્વક સંભળાયા અને મારો હાથ એમના હાથને મળવા આગળ વધ્યો પણ તેણીએ નમસ્કારની મુદ્રામાં અભિવાદન કરીને સમજાવી દીધું કે હાથ મિલાવવાની હજુ વાર છે. હા પરંતુ એની નમસ્કારની મુદ્રા મારા મનમાં છપાઈ ગઈ. લાગ્યું તો ખરા કે છોકરી ઓપન માઇન્ડેડ છે તો જ દિપક જેવા પરિણિત પર વિશ્વાસ કરે અને કદાચ એમની મિત્રતા પણ તેટલી જ સરળ હશે. મેં પણ નમસ્કારની મુદ્રામાં એમનું અભિવાદન ઝીલ્યું. દિપકે મુન્નાભાઇને બે ચા અને એક કોફીનો ઓર્ડર આપ્યો. જીવના આટલા વર્ષોમાં પહેલી જ વાર હિંમત કરીને મેં આવેલા નવા મહેમાન સાથે વાત કરવાની શરુઆત ચા થી જ કરી અને પુછ્યું -
“કેમ તમે ચા નથી પીતા ?”
“ના મને ચા નથી ભાવતી.”
દિપક ઓર્ડર આપીને અમારી તરફ પાછો આવ્યો અને અંદર બેસવા માટે એણે હાથથી ઇશારો કર્યો. અંદર ગયા એક તરફ હું અને દિપક બેઠા અને સામેની તરફ કૃતિ. દિપક અને કૃતિ બન્ને વાતો કરવા લાગ્યા. મને એવું લાગી રહ્યું હતું કે હું મારા લગ્ન માટે કોઇ અપ્સરાના ઘરે એને જોવા આવ્યો હોવ. કારણ કે આટલી નજીકથી કોઇદિવસ કોઇ છોકરી સાથે બેઠો ન હતો અને વાતચીતની તો કલ્પના જ ન થાય.હા કામને લીધે કદાચ ક્યાંક કોઇક લેડી કે ગર્લ સાથે વાતો થાય પણ એ આના જેવી તો ન્હોતી જ. હજુ તો આ વિચારોના ચકરાવ મારા આગળ વધે ત્યાં જ દિપકે મારું નામ બોલીને એ ચકરાવો રોકી દીધો.
"અરે વિશાલ હું તો સાવ કહેતા જ ભૂલી ગયો. કૃતિ મારી ફ્રેન્ડ છે, કોલેજમાં સાથે હતા. IT કરેલું છે. અહીંયા જોબ માટે આવી છે ઇન્ટરવ્યૂમાં. અત્યારે તો મારા ઘરે છે, જો અહીં નોકરીનું થઇ જશે તો એ આપણી બાજુની સોસાયટીમાં રહેશે. અને હા કૃતિ, આ છે વિશાલ. રાઇટર છે." “અરે વાહ !” કૃતિના આ શબ્દો સાંભળીને મને દિપક પર હેત છલકાયું અને થયું કે વાહ ક્યા દોસ્ત મિલા હૈ, આટલા સમયમાં એણે ઘણીવાર ઘણાં લોકો સાથે મારો પરિચય કરાવેલો પણ આ પરિચય થોડોક હટ કે લાગ્યો. એટલી જ વારમાં છોટું બે ચા, એક કોફી અને અમારો મનગમતો નાસ્તો લઇને આવ્યો. ઘરે જમવાનું બાકી હતું તેમ છતાં પણ નાસ્તો પૂરો કરી ગયો. રાતના 8.30 થયા. ઠંડીનો સમય હતો એટલે વ્હેલા નિકળી ગયા. બહાર નિકળીને
“એ આવજે દિપલા”
બે હાથ જોડીને સ્હેજ સ્માઇલ સાથે કૃતિને “તમે પણ આવજો.”
એને આવજો કહેવાનું મન તો ન્હોતું થાતું પણ જો આજે નહીં જઇએ તો કાલે મળવાની મજા નહીં આવે. કહેવાય છે ને કે नज़दिकीयों से तो अच्छी दूरियाँ है, जिसमें पास आने के ब्हाने तो मिलते है । બસ આવી જ કંઇક પ્રકલ્પનાઓ મારા દિમાગમાં દોડી રહી હતી. એના ચહેરા પર મારા પર થોડો વિશ્વાસ બેઠો હોય તેવું લાગ્યું. એણે પણ એના હળવા સ્મીત સાથે મારા અભિવાદનને સ્વીકાર્યું. અમે ત્રણેય છુટા પડ્યા. એ જ્યાં સુધી દિલીપના બાઇક પર બેસીને જતી ના રહી ત્યાં સુધી હું આડી અવડી ટીખળ કરીને તેને જોતો રહ્યો. મનમાં અને જીવનમાં એક અનોખી આશાઓ પ્રફુલ્લીત થવા લાગી અને એ સહજ હતી. એ રાત્રીએ ઘરે મિત્રો સાથે ઘણાં સામાજીક વિષયો પર વાતચીત થઇ. હું ઘરમાં મારા મિત્રો સાથે રહું છું. પરિવારમાં માતા, મામા, નાનીમાં અને માસી છે જેઓ વતનમાં રહે છે અને હું અમદાવાદમાં. ભગવાને આટલો પરિવાર આપીને પણ સુખની કિંમત સમજાવવા ઘણી પરીક્ષાઓ લીધેલી છે અને જેમાં મારો પરિવાર સારી રીતે પાસ થયો છે. એનું જ પરિણામ છે કે હું અહીં સુધી પહોંચ્યો છું અને હજુ પણ આગળ વધીશ.
વાત કરીએ દિલિપની તો એ મારા વિષે બધું જ જાણતો હતો. મારો સ્વભાવ, મારું પેશન, મારો વ્યવહાર, મારો પરિશ્રમ, મારો પરિવાર અને મારો મસ્તીખોર મીજાજ. એવી જ રીતે હું પણ એના વિષે જાણું છું. એ દિવસની રાત્રે બસ ભગવાનને એક જ પ્રાર્થના કરી હતી કે કૃતિને નોકરી મળી જાય, એટલા માટે કે તેની સાથે દરરોજ મળવાનું થાય. આમ તો આપણે માણસને કદાચ એટલો તો સ્વાર્થ મારામાં હતો. હું જીવનનું એ પર્સનલ ચેપ્ટર ભણી રહ્યો હતો જે આજના સમાજમાં તે જનરલ વિષય છે. વાત કરી રહ્યો છું પ્રેમની. પ્રેમ વિશે તો લોકો ઘણું બધું કહે છે પણ જેને થાય એને તો એમ જ લાગે કે દુનિયામાં એમની સિવાય બીજું કોઇ છે જ નહીં, ભલે પછી એ એકતરફી પ્રેમ જ કેમ ન હોય. એકબીજાના આકર્ષણથી શરૂ થયેલા આ પ્રેમને જીવનના અંત સુધી ટકાવવા માટે સમજૂતિ, વિશ્વાસ અને એકબીજાના સથવારા રૂપી લાઇફલાઇનની જરૂર પડે જ છે. જેના માટે હું પા પા પગલી ભરી રહ્યો હતો. આના પરિણામની ખબર ન્હોતી. કુદરતની આ કરામતથી જગતનો કોઇપણ જીવ બેમત નથી. એ વાત પછી ભગવાન પ્રત્યેના પ્રેમની હોય, પરિવાર પ્રત્યેની હોય કે મારી જેવા પ્રેમની પાઠશાળામાં નવું એડ્મિશન લેનાર અભ્યાસુની હોય. દરેક માણસ પ્રેમ ઇચ્છે છે પણ પ્રેમ સમર્પણ જેવા ગુણો ઇચ્છે છે.
કહેવાય છે ને સાચા મનથી કરેલી પ્રાર્થના ભગવાન સ્વીકારે છે. એવું જ કંઇક થયું. સવારના દિપકને મળવાનો ટાઇમ થયો. રોજની જેમ આજે પણ કસરત કરીને મુન્નાભાઇના ચા ના અડ્ડા પર આવ્યા. થોડોક થાક ઉતાર્યો અને ચા નો ઓર્ડર આપ્યો. મેં વાત વાતમાં જ પૂછી લીધું, કેમ કૃતિ ના આવી ? જરાક વાર દિપક મારી સામે ખીજાતી નજરે જોતો જ રહ્યો. મને એમ થયું કે આવી સામાન્ય વાતમાં આ મારી સાથે ઝઘડી ના પડે.... થોડીક જ વારમાં એની શકલ બદલાઈ ગઇ અને હસવા લાગ્યો. તેના હાસ્યની આ ટીખળે મને ડરાવી જ દીધો. અને એણે કહ્યું કે તે “આજે ઇન્ટરવ્યૂ માટે ગઈ છે. સાંજ સુધીમાં આવી જશે. કેમ તારે કાંઇ કામ હતું?” “ના ના હું તો આમ જ પૂછતો હતો.” વાતને ટાળવા માટે મેં ટૂંકમાં જવાબ આપ્યો. પછી તો મુન્નાભાઇની તાજી ચા ના ઘૂંટડે આખા દિવસની તાજગી મેં મારામાં ભરી લીધી. બન્ને જણા ચા નાસ્તો કરીને અમારા ઘર તરફ વળ્યા. સમય થતા પોતપોતાની નોકરીએ ગયા. સમય થયો સાંજનો. આજે ઓફિસનું કામ વ્હેલું પતાવી દીધું, આમ તો ઓફિસના કામ પૂરા ન થાય પણ તેમ છતાં આજનું કામ જલ્દી પતાવી દીધું. દિપકને મળવાની ઉતાવળ હતી. અને કેમ ઉતાવળ હતી, એ તો હવે તમે જાણી ગયા હશો ને. હા બસ કૃતિને મળવાની. સમય થયો. દિપક અને અમે બન્ને મળ્યા પણ કૃતિ ન દેખાયી. આ વખતે મેં પુછ્યું નહીં કે તેણી કેમ ના આવી ? ચા નો ઓર્ડર અપાયો, ગરમાગરમ ચા આવી, મેં હાથમાં ચાનો ગ્લાસ રાખ્યો હતો અને એમાંથી વરાળ નિકળી રહી હતી. વાત ચિતનો દોર શરૂ થયો, ત્યાં જ અમારી સામે થોડેક જ દૂર એક સ્કૂટી ઊભી રહી અને એમાંથી કૃતિની આકૃતિ ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગી. ચાની વરાળોમાંથી એ દ્રશ્ય જોતા લાગ્યું કે વાદળોમાંથી પસાર થતી કોઇ અપ્સરા આવી રહી છે. કલ્પના ન્હોતી કે તે આવશે. આ વખતે હાથમાં મિઠાઈ હતી. તેણીએ મીઠાઈનું બોક્સ ખોલીને એમાંથી એક પેડાનો ટુકડો દિપકના મોંમાં મુક્યો. અને મને હાથમાં એક પીસ આપ્યો. એ બોલે કે ના બોલે પણ સમજાઇ ગયું કે એની જોબ કન્ફોર્મ થઇ ગઇ છે. બસ અહીંયાથી જ તો આ વાર્તા શરૂ થાય છે. પ્હેલું હિન્દી મુવી ગુંડેનું ગીત છે ને..तूं ने मारी एन्ट्री यार दिल में बजी घंटी यार टंन । બસ આવી જ ઘંટડીઓ મારામાં વાગવા લાગી. પહેલા ચા પીવું કે પ્રસાદ ખાવ, કંઇ ખબર ના પડી. એટલે પેડાને મોં માં પધરાવીને ઉપર ચાના ત્રણ ચાર ઘૂંટડા મારી દીધા. એણે અમને બંને ને કહ્યું કે જોબ મળી ગઈ છે, અને સેલરી પણ સારી છે. એની આ વાત પરથી લાગ્યું કે તેણીએ સ્ટ્રગલ ખૂબ જ કરેલું છે. અમે બન્નેએ તેણીને ધન્યવાદ આપ્યા. એ જેટલી ખુશ હતી તેનાથી બે ગણો ખુશ હું અંદરથી થતો હતો. તેણીએ એક કોફી મંગાવી, દિપકની બાજુમાં બેસીને પોતાના ઇન્ટરવ્યૂના અનુભવો શેર કરવા લાગી. ચા બસ પૂરી જ થવા આવી હતી, પણ હું જાણીને ધીમે ધીમે પીવાનું નાટક કરી રહ્યો હતો. બસ એ જ વિચારમાં કે જો ચા પૂરી થઇ જશે તો કૃતિની વાતો પણ પૂરી થઈ જશે.
દિવસો પસાર થવા લાગ્યા. કૃતિની સાથે વાતચિતો વધવા લાગી અને વાતચિત ક્યારે મિત્રતામાં ફેરવાઈ ગઈ એ ખ્યાલ આવ્યો નહીં. બધાની શરુઆત તો આવી રીતે જ થાય છે. જીવનમાં સૌપ્રથમવાર કોઇ છોકરી સાથે આટલી સરળતાથી વાતો કરવાની હિંમત ક્યાંથી આવી ગઇ ખબર ન્હોતી, મારા જ વિચારોને કોઇ અન્ય વ્યક્તિ સાથે વ્યક્ત કરવાની કલા ક્યારે શિખી ગયો ખબર જ ન રહી. અંતરમુખી સ્વભાવ મારો ક્યારે મેઘધનુષના રંગની જેમ ખીલી ઉઠ્યો ખબર જ ન પડી. આ તો જો કે એકતરફી પ્રેમ હતો એટલે ઘણું બધું શિખવી રહ્યો હતો અને હું છાનોમાનો શિખી પણ રહ્યો હતો. ઘણાં સારા નરસા જીવનના ભાગમાં તેણીના વિચારોનો સાથસહકાર પણ મળતો રહ્યો અને મારાથી પણ યથાયોગ્ય સલાહ તે લેતી રહી. ત્યાંસુધી કે દિપકની જેમ મારા પર વિશ્વાસ રાખવા લાગી પણ માત્ર મિત્ર તરીકે જ. ઘણી પસંદ નાપસંદ પણ મળતી આવી. ફોન નંબર પણ મળી ગયેલો, પણ અત્યાર સુધી ક્યારેય પણ ફોન કરવાની હિંમત કરી ન હતી. માત્ર મેસીજીસ દ્વારા જ વાતચીત. એ જ વાતનો ડર હતો કે ફોન કરીશ તો તેને કેવું લાગશે ? હા સમજી શકું છું કે ફોન કરવાની બાબત બીજા બધા માટે કદાચ સાવ સામાન્ય હશે, હવે તો લોકો વિડીયો કોલિંગ સુધી પહોંચી ગયા છે પણ ખબર નહીં ક્યા પ્રકારનો ભય મારામાં હું પોષી રહ્યો હતો ? ઘણીવાર એને હું ઘરે પણ ડ્રોપ કરવા જતો, પણ વધારે ન કહેતા માત્ર આવજો અને શુભરાત્રીથી જ વિદાય થતી. અને હવે તો એમના હાથમાં કોફીની બદલે ચા પણ આવી ગઈ હતી. આ બધું મેં મારા મિત્ર દિપકને પણ ન્હોતું કહ્યું. આવી અનેક પ્રકારની લાગણીઓમાં વહેતા વહેતા છ મહીનાઓ વીતી ગયા. હજુ પણ મારા મનમાં એ જ પ્રશ્ન ઉછળી રહ્યો હતો કે આ મારા તરફથી ગાઢ મિત્રતાનો અંત છે કે પ્રેમની શરૂઆત ? આ પ્રશ્ન માત્ર મને જ હતો, કૃતિને નહીં.
આ પ્રશ્નને મારા સુધી જ સિમીત રાખતા મેં આ વાત કોઇને ના કરી. એક દિવસ માત્ર હું અને દિપક બન્ને બેઠા હતા. આજે ચા ના અડ્ડા પર નહીં પરંતુ બાજુના બગીચામાં. રવિવાર હતો. ઠંડીની બપોરે જમીને તડકાની હૂંફ લઇ રહ્યા હતા. ઘણી બધી વાતો થઇ, વાતોમાંને વાતોમાં કૃતીની પણ વાત નિકળી. ડેમમાં જેમ પાણી સંગ્રહીને રાખ્યું હોય અને એના દરવાજા ખુલ્લે ને જેમ પાણીનો ધોધ વહે એવી જ રીતે મારા મનમાં સંગ્રહાયેલા પ્રશ્નો અને કૃતિ પ્રત્યેની લાગણીઓ આજે પાણીની જેમ દિપકની સામે વહેવા લાગી, મેં બધી જ વાત દિપકને કરી. એનું શું રિએક્શન હશે તેનો વિચાર કર્યા વગર. પણ મિત્ર એ મિત્ર છે. એ આ વાત સાંભળીને સ્તબ્ધ પણ થયો અને રાજી પણ. બહુ બધી વાતો એણે કૃતિ વિષે કરી, એની અંગત વાતો નહીં પણ જનરલ, જેમ કે એના પરિવાર વિશે, એના શોખ, અને એનો સ્વભાવ જેવા સામાન્ય વિષયો વિષે. મેં તો એને કહ્યું કે મને તો કૃતિની પ્રકૃતિ અને આકૃતિ બન્ને પસંદ છે. એને એ વાતનો વધારે આનંદ થયો કે મેં કૃતિને એના સ્વભાવ અને રહેણીકહેણીથી પસંદ કરેલી. આવી રીતે ઘણાં સમયથી અંતરમાં રહેલી ઇચ્છાને કૃતિની સમક્ષ રજૂ કરતા પહેલા મેં મારા મિત્ર સમક્ષ રજૂ કરી અને મનને અને હૃદયને બંનેને હળવા કરી દીધા. જ્યાં માણસ હળવોફૂલ થઇને પોતાની ભાવનાઓ ઠલવી શકે એ જ મિત્રની પાત્રતા સાચી. એ મારી ક્ષમતાઓને પણ સમજતો હતો કે આ સીધો તો ત્યાં નહીં જ કહી શકે. એટલે દિપકે મને કહ્યું કે “જો તું કહેતો હો તો હું કૃતિ સાથે વાત કરું.” આ વાત સાંભળીને હું સીધો જ એને ગળે વળગી ગયો, રડતો રડતો નહીં, મોજમાં આવીને.
અંતે આ વાર્તાનો સાર પણ આવી ગયો અને એ દિવસ પણ. દિપકે કૃતિને મારા વિશેની બધી જ વાત કરી. પહેલાં તો એ આ વાત સાંભળીને જ ફફડી ઉઠી, પછી શાંત થઇને મને મળવાનો નિર્ણય લીધો. દિપકે સમય નિર્ધારીત કર્યો અને સ્થળ નક્કી થયું મુન્નાભાઇનો અડ્ડો. સાંજના 7.30. હું દિપક અને કૃતિ ત્રણેય બેઠા હતા. પણ આજે એ કંઇ બોલતી નહતી. મેં ઇશારાથી દિપકને પૂછ્યું, એણે વાત કરૂં છું એવો ઇશારો કર્યો. આજે ત્રણ ચાનો ઓર્ડર અપાયો. આજની બેઠકમાં ચૂપકીદિ છવાઈ હતી. હું તો કૃતિને જ જોઇ રહ્યો હતો. પણ સામેથી કાંઇ જવાબ આવતો ન હતો. છોટું ચા લઇને આવ્યો. દિપકે પોતાની ચા લીધી અને કહ્યું “તમે બંને વાત કરો, હું આવું.” મનમાં ભગવાનનું નામ લઇને વાત ચાલું કરી. મારી બધી જ અત્યાર સુધીની લાગણીઓ કૃતિ સમક્ષ રજૂ કરી. સાથે સાથે ચા પી રહ્યો હતો એટલે વાત કરવામાં પૂરેપુરૂ બળ મળી રહ્યું હતું .મને તમે ગમો છો અંદરથી અને બહારથી. જે વાત મેં દિપકને કરી હતી એ જ વાત મેં કૃતિની સામે કહી. શું પરિણામ આવશે એ વિચાર્યા વગર. કૃતિએ મારી આ બધી જ વાત ગંભીરતાથી અને શાંતિથી સાંભળી. હવે બસ રાહ હતી તો એના જવાબની. ચા પૂરી થઈ અને એના જવાબની રાહ પણ. એનો જવાબ “ના” આવ્યો. તેણીએ ના કહીને ધમધોળ વાગી રહેલા મનના ઢોલને ગમથી ભરેલા શરણાઇના સૂરમાં ઢાળી દીધો. મને કંઇ અસર જ નથી થઇ એમ હું દેખાવ કરતા માત્ર એટલું જ બોલી ઉઠ્યો “કંઇજ વાંધો નહીં.” પછી સમજાયું કે આ ગાઢમિત્રતાનો અંત નહીં પણ મારા મનમાં વારંવાર પાંગરી રહેલા એકતરફી પ્રેમનો અંત છે. વાતચીત પૂરી થઇ. દિપકે જોયું કે બંનેની વાતો પૂરી થઇ ગઈ છે એટલે તે પણ આવ્યો અને કહ્યું કે “ઓલ ક્લિયર ?” મેં ખોટા સ્મીત સાથે “યસ” કહ્યું. ત્રણેય છુટા પડ્યા. કૃતિ પણ જ્યાં સુધી ના ગઇ ત્યાં સુધી હું જોતો જ રહ્યો. દિપક સાથે વાતચિત થઇ. પછી એ પણ નિકળ્યો. હું ત્યાં જ થોડીવાર માટે બેઠો રહ્યો અને એક બીજી ચા મંગાવી. ગરમ ચાના એ કપ સાથે વિચારવા લાગ્યો કે મેં ઉતાવળ તો નથી કરી દીધીને. કૃતિની મસ્તીભરેલી વાતો અને મિત્રતાના વ્યવહારને હું પ્રેમ સમજી બેઠો હતો ? પણ આ વખતે હું સ્વસ્થ હતો. એક પણ વાતનો રંજ નહોતો. બસ જીવનનો એક અનુભવ માનીને એને ગરમાગરમ ચા સાથે પી ગયો. હું જ્યા ઉભો હતો ત્યાં જ બાજુમાં મુન્નાભાઇ ગેસ પર ચા ઉકાળી રહ્યા હતા. ચા ના એ તપેલામાં દૂધ ઉકળી રહ્યું હતું. એને શાંત કરવા માટે મુન્નાભાઇએ અડધો ગ્લાસ પાણી નાખ્યું અને એ દૂધમાંથી પરિવર્તિત થઇ રહેલી ચા શાંત પડી. આવી જ રીતે મારા મનમાં ઉકળતા એકતરફી પ્રેમના પ્રશ્નો ઉકળી રહ્યા હતા. બસ એને શાંત કરવાનો એક જ ઉપાય હતો અને એ હતો સમય.
આજે આ વાતને પણ એક વર્ષ અને બે મહીના વીતી ગયા. વાતચીત તો ચાલુ જ છે અને હજુ પણ થાય છે કે લાવને વાત કરી જોઉં. પણ મને ડર એ વાતનો નથી કે હું તેની સમક્ષ પ્રેમની લાગણી વ્યક્ત કરીશ તો તે બોલશે નહીં, ડર એ વાતનો છે કે એ આજ પછી મારી સાથે એ ક્યારેય નહીં બોલે તો...
આખરે તો માણસ જ ને. ગમે તેવો નિડર થઇને ફરો તો પણ ક્યાંક ડર હોવો તમારા માટે જરૂરી છે. પ્રેમને પાંગરવાનો સમય આપો. સામેની ગમતી વ્યક્તિ પ્રત્યે વધારે પડતી અપેક્ષાઓ ના રાખો. હા પ્રેમ જરૂરી છે પણ બનેની સમજણ અને પરવાનગી સાથેનો. પ્રેમ આંધળો છે એ સાચી વાત, પરંતુ સમજદારી વિનાના આંધળા પ્રેમમાં પડવું એ અજુકતી વાત છે. ખબર નથી કે આગળ શું થશે, હું બહુ આશાવાદી થઇને આ સમયને જવા નહીં દઉ. જીવનની અનેક યાદોની જેમ આને પણ સાચવીને, આમાંથી શીખીને આગળ વધીશ અને કદાચ હજુ પણ એ તરફથી હા આવશે તો એ સમયને હું જરૂર સમય આપીશ.