"બાં....પાણી દે.... કાકાનું માટલું ફરી ગયું...." નાનકડી ચકીનો સાદ સાંભળીને ઘરમાંથી મંગુબા પાણીનો લોટો લઈને આવ્યા ને કરસનભાઇને અંબાવ્યો , " લ્યાં કસન હઉ હારાવાના થાહે... ખોટો રગરગાટ નથ કર ... સોકરા ગ્યાં સે તે હારા ખબર લઈને આવશે.."
મંગૂબા તો હૈયાધારણા બંધાવીને ચાલ્યા ગયા પણ કરસનભાઇનું મન શાંત નહોતું. આજે કેમે કરીને ચાકડે હાથ જામતો જ નહોતો. આ ત્રીજી વાર માટીનો પિંડો ચડાવ્યોને ત્રીજી વાર માટલું થાય એ પહેલા તૂટી ગયું.
કરસનભાઈએ ફરી પિંડો ચઢાવ્યો પણ એમ સમજો કે ચાકડે માટીના પિંડાને બદલે આજે કરસનભાઈનું મન ચડ્યું તું. આખા ગામમાં કરસનભાઈના માટલા પ્રખ્યાત હતા. ગામમાં બીજા પણ કુંભાર હતા પરંતુ કરસનભાઈ જેવા માટલા કોઈનાં નહિ. અને માત્ર ગામમાં જ નહિ પાસ પડોશના ૧૦ ગામમાં માટલા એટલે કરસનભાઈના જ . બાપ દાદાનો વારસો હતો એ કરસનભાઈએ બરાબર જાળવ્યો હતો. પોતે એ જમાનામાં મેટ્રિક સુધી ભણ્યા પણ બાપાએ ચાકડે બેસાડી દીધા ને એ બેસી ગયા પણ ભણતરની અધૂરપ તો મનમાં જ રહી ગઈ. હૃદયનાં એક ખૂણામાં એ ઠેસ ક્યાંક દબાઈ રહી.
સમય કોઈનો રોક્યો ક્યારેય રોકાયો છે ખરો ? વર્ષોને વીતતા ક્યાં વાર લાગે છે ? કરસનભાઈના સંતાનો પણ મોટા થઈ ગયા. મોટાને ભણવામાં પહેલાથી રસ ઓછો એટલે બહુ મારકૂટ પછી પણ એ મેટ્રિકથી આગળ ના ભણ્યો ને બાપા જોડે ચાકડે જ બેઠો. પ્રભુની દયા કે એનો હાથ જામી પણ ગયો ને વારસો જળવાઈ ગયો.
પણ નાની કવિતાને ભણવાની ધૂન. બધા ધોરણોમાં અવ્વલ આવતી.
કરસનભાઈને એ પળ ક્યારેય નહોતી ભૂલાય એમ જ્યારે એમની કવિતાએ આખા જિલ્લામાં મેટ્રિક પ્રથમ આવી અને હેડમાસ્તર ઘરે આવીને પરિણામ આપી ગયા. કરસનભાઈ એ ક્યારેય એને ભણતા રોકી નહિ, હા લખું દાદા ક્યારેક બબડી લેતા, કે " સોકરીઓ તો ચૂલે સારી એમને બવ છૂટ આલવી હારી નઈ..." પણ કરસનભાઈ એ એમના ભણતરની બધી અધૂરપ કવિતામાં વાળી. ને નાનકી એ ય તે કરસનભાઈ ના ચાકડે લોહી પાણી કરેલી મહેનતનો રંગ રાખ્યો. મોટા શહેરમાં મોટી કોલેજમાં સરકારી સહાય અને બાપાની મહેનતથી કોમ્યુટર એન્જિનિયર બની હતી. ચાકડો જેટલી ઝડપથી ઘૂમતો હતો એટલી જ ઝડપથી કરસનભાઇનું મન ઘૂમી રહ્યું હતું, રહી રહી ને આખી ઘટનાઓ આંખ સામેથી એક ચલચિત્રની માફક ફરી રહી હતી. એમને યાદ હતું કે પહેલી વાર એ નાની પર અકળાયા હતા જ્યારે એ લાખોના પગારની નોકરીઓ છોડી ને કંઇક સ્ટાર્ટઅપ માં પડી હતી . એ કહેતી " બાપુ ભરોસો રાખો, હું તમારાં ને ભાઈના કામને દેશ વિદેશ પહોંચાડીશ. "
આજે શહેરમાં કોઈ મોટી ઇવેન્ટ હતી અને ભાઈ બહેન ત્યાં જ ગયા હતા. નાનકી કહીને જ નીકળી તી કે "બાપુ આશિષ આપો કે આજે મારું કામ ત્યાં સાહેબોને પસંદ પડે ને ધાર્યું થાય."
ચાકડો ઘૂમી રહ્યો હતો ને કરસનભાઈનું મન પણ... આખરે કિચૂડાટ સાથે ડેલી ખુલી અને બંને ભાઈ બહેન હસતા હસતા અંદર આવ્યા. " " બાપુ હવે માણસો રાખવાનો વખત આવી ગયો. આપડા માટલા હવે આખા દેશમાં અને વિદેશમાં પણ વેચાશે એ પણ ઘરે બેઠા બેઠા આં મોબાઈલ અને કોમ્યુટર માંથી... " મોટો આટલું બોલ્યો ત્યાં તો કરસનભાઈ ની આંખમાંથી બે મોતી નિકળી પડ્યા... આખરે ચાકડો ઊભો રહ્યો ને કરસનભાઈ નું માટલું ઘડાઈ ગયું હતું.
ઉપરોક્ત લખેલ મિક્રોફિક્ષન વાર્તા મે જાતે લખી છે અને ક્યાંય થી ઉઠાંતરી કરેલ નથી. એના પર થતાં તમામ સવાલ જવાબ માટે હું જવાબદાર રહીશ.
Name : hemin patel