‘શું છે આ ગુલાબના હારનું?’
‘સાહેબ! ૨૦૦નો એક હાર શ.’
‘એટલા બધા હોતા હશે...’
‘ગુલાબ મુંઘા શ... એટલે ભાવ બહુ જ શ.’
એક મોંઘીદાટ કારમાંથી ઉતરેલા ચાલીસેકના ખડતલ બાંધાવાળા વ્યક્તિને ફૂલવાળી સાથે ભાવ બાબતે માથાઝીક કરતા જોઇ સામાન્ય માણસને કેવું લાગે?
પ્રભુ, માતાજીને ચડાવાતા વિવિધ પ્રકારના હાર જેમકે ગુલાબનો, ગલગોટાનો, વગેરેના ભાવ માણસની પ્રતિકૃતિને આધારે બદલાતા હોય છે. બે પૈડાવાળા પેટ્રોલથી ચાલતા વાહનધારી ભક્ત માટે ૧૫૦ તો ચાર ચક્રધારી રથ હંકારનાર ભક્ત માટે ૨૦૦ની કિંમતનો હાર એક જ પ્રકારના ફૂલોનો બનેલો હોય છે. પ્રભુને તો વિવિધ કિંમતના ફૂલોના હારમાંથી મહેક તો એક જ પ્રકારની આવતી રહેતી હોય છે. તો શા માટે ભાવમાં ફરક... વિચારવા જેવું છે ને...
જો આકસ્મિક જરૂરીયાત હોય અને ઉતાવળમાં આવેલ હોય તો ભક્ત તે જ હારની સૌથી વધુ કિંમત આપી દે છે અને સમયની કોઇ બાંધ જ ન હોય તો ધારે તેટલો ઘટાડો કરાવે છે. જેને આપણે ભાવતાલ કર્યો તેમ કહીએ છીએ. ભાવ ઘટાડીને ખરીદી કરવી એ એક વીરને છાજે તેટલી બહાદુરીનું કામ છે. દરેક વ્યક્તિ માટે ભાવ કરાવો એ સરળ કામ નથી. તેમાં પણ પીએચ.ડી. કરવું પડતું હોય છે. એટલે તો જ પ્રત્યેક સમૂહમાં કિંમત બાબતે માથાકૂટ કરનાર અથવા તો એમ કહીએ કે સાચી કિંમતનો જાણકાર યુધિષ્ઠીર એક જ હોય છે. તેનું ખરીદી સમયે વિશેષ મહત્વ હોય છે. લગ્નપ્રસંગે કે વિદેશગમને, કરવામાં આવતી ખરીદીમાં આવી વ્યક્તિઓની બોલબાલા હોય છે. હજી એ નથી આવ્યા, તો કેમ ખરીદી પૂર્ણ થશે? એક પૈસો પણ વધુ જવો ન જોઇએ. વેચનાર ભલે ભૂખે મરે અને રોવે પણ આપણે તો આપણા પૈસા બચાવવાના છે. આપણે ભલે મોંઘી રેસ્ટોરન્ટમાં રવા મસાલા ઢોંસાના ૨૫૦ આપીએ, ભલે ને તે રસ્તાની હેકડી પર ૩૦માં મળતો હોય. પરંતુ ચીજવસ્તુની ખરીદીમાં રકઝક કરવી એ આપણો જન્મસિદ્ધ હક, અધિકાર તેમજ ફરજ પણ છે.
સૉરી... વાત ફૂલોની હતી ને આપણે ક્યાં જતા રહ્યા???
મરીઝ સાહેબે એક ગઝલમાં કહ્યું છે,
સૌ પથ્થતોના બોજ તો ઊચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
આજે એ જ ગઝલના શબ્દો જરાક બદલીએ તો,
સો પથ્થરોમાંથી પ્રભુને બનાવી દીધા અમે,
કિંમત કરીને માંગ્યો જે ફૂલોનો હાર દે.
સવારના ૬ વાગે ટ્રેક, ટી શર્ટ પહેરેલો વ્યક્તિ, જેની આંખોમાં હજી અંધારા હોય. ઘરે પ્રસંગ હોવાને કારણે ફૂલોનો હાર લેવા દોડાવ્યો હોય. એટલે જ ગુસ્સામાં હોય અને તે ગુસ્સો ઉતારે ફૂલો વેચનાર પર.
‘સાહેબ! આપું હાર કે નહી.?’
તે વ્યકિતે પાછો ઘરે ફોન કરીને પાકું કરતો હોય કે ૨૦૦ કે છે લઉં કે નહિ? કારણ કે ઘરે પેલો વ્યક્તિ બેઠો હોય જેની આપણે પહેલા વાત કરી. અલ્યા છેતરાઇ ગયા. ૧૫૦ મળતો હાર ૨૦૦માં લાવ્યા અને બધા વચ્ચે ઉતારે.
‘સારૂં સાહેબ! ૧૮૦ આલજો. બાંધી દઉં.’
‘હા, આપી દો. સાથે ગુલાબની થોડી પાંખડીઓ પણ થેલીમાં નાંખજો. અરે હા. બે-ત્રણ ગલગોટા પણ નાંખી દો. થોડા છુટા ગુલાબ પણ...’
‘નાંખી દઉં... અને કે’તા હો તો સાહેબ, આ થેલી એ નાંખી દઉં. હું ચારના નાંખી દો, નાંખી દો કરોશો.’
‘હા, હવે, જલ્દી કરો.’
‘લો...’ હવે તો ફૂલોવાળી પણ અકળાઇ.
આખરે ૧૮૦માં આટલો બધું લઇને જ્યારે તે વ્યક્તિ ઘરે પહોંચે, ને બારણા પર જ આટલો બધો ટાઇમ લીધો, એક હાર લાવવામાં? ચૂકવેલ કિંમત જાણી ફરી પાછું પેલો વ્યક્તિ વચ્ચે પડે...હેં આટલા બધા અપાતા હશે. ૧૨૦થી વધારે ન અપાય. આમને મોકલવા જેવા નહોતા.
બસ અહી જ યાદ આવે કે કિંમત કોની છે? ફૂલોના હારની, કે તે વેચનારની, ખરીદનારની કે પછી પ્રભુની જેને તે પહેરાવવાનો છે.
માનવીની પ્રકૃતિ જ છે કે હંમેશા જીતની વાતો વાગોળવાની. મેં આમ કરી દીધું, હું કોઇનું સાંભળું થોડો? કેમ તું અકબર છે કે ન સાંભળે. હું કહું એ બરોબર જ હોય. મેં દુનિયા જોઇ છે – કોના પૈસે ખબર નથી. દુનિયા જોવાને અને જીવન જીવવાને શો સંબંધ છે તે આજ સુધી ક્યાંય જાણવા મળ્યું નથી. તમને ખબર ન પડે. કેમ ભાઇ? દુનિયામાં શુન્યાવકાશ ફક્ત અહીં જ છે કે ખબર ન પડે. આપણાથી ખોટું સહન ના થાય...ભલે લોકો સાથે તેણે ખોટું કર્યું હોય. જે હોય તે સામે જ કહી દેવાનું...બધે આવું કરીએ તો લેવાના દેવા પડી જાય, શું કહો છો સાચું કે નહી?...જવા દો આપણે પણ માનવી જ છીએ... આપણે શું કોઇના કઇ કહેવાથી કે કરવાથી કે સહેવાથી કે...તમે પોતે સમજુ જ છો.
અને એટલે જ કહું છું.
જીતના નશામાં દૂર થયા છીએ હારથી;
પ્રભુને પણ જીતીએ છીએ ફૂલોના હારથી.