Goldi - 2 (Last part) books and stories free download online pdf in Gujarati

ગોલ્ડી (ભાગ-૨) સંપૂર્ણ

ગોલ્ડી (ભાગ-૨)
દિવસો વીતતાં ગયા. ગોલ્ડી હવે મોટું થઈ ગયું હતું. બધા ટેણીયાઓ મોટાં થઇ ગયા હતાં. વડીલો હવે ગોલ્ડીથી ક્યારેક કંટાળતા. બધાની સાથે મસ્તી કરતાં-કરતાં, એ પણ મસ્તીખોર થઈ ગયું હતું. ક્યારેક એનાથી કોઈ નુકસાન પણ થઈ જતું. પહેલા પણ થતું જ હતું પણ નાનું હતું એટલે એના નુકસાન કરવા ઉપર પણ બધા એની મજા લેતા, પણ હવે એ જ વાત પર બધાને ગુસ્સો આવતો.
રોજની જેમ આજે પણ સાંજે અમે બધા બગીચે ભેગા થયા. સ્ત્રીઓ વચ્ચે કોઈ અજુગતી ચર્ચા ચાલી રહી હતી. એમણે અમને બધાને થોડું દૂર રમવા કહ્યું. ગોલ્ડી સાથે બધા જ રમવામાં મશગુલ થઈ ગયા. પણ મારી નજર એ ચર્ચામાં અટવાઈ. દૂરથી કાંઈ જ સાંભળી શકતી નહોતી, પણ બધાના ચહેરાના હાવભાવ ઉપરથી કોઈ ગંભીર ચર્ચા-વિચારણાં ચાલી રહી હોય એવું લાગ્યું.
એ પછીના ચાર-પાંચ દિવસ સુધી એ ચર્ચા ચાલી. મારા પૂછવા પર પણ કોઈ જવાબ આપી રહ્યું નહોતું. રાત્રે સોસાયટીના પુરુષ સભ્યો પણ હવે એ ચર્ચામાં જોડાયા હતા. મને હવે એ જાણ્યા વગર નહીં રહી શકાય એવું લાગતા, બીજા દિવસે બગીચેથી આવીને હું હનીને રમાડવા એના ઘેર જ રોકાઈ. ગોલ્ડી બધા સાથે બહાર જ રમતું હતું. થોડીવાર પછી વાત કઢાવવાના ઘણાં પ્રયત્ન પછી કોશાઆંટીને મેં પૂછી જ લીધું. થોડી આનાકાની કર્યા પછી એમણે કહ્યું, ''ગોલ્ડીનું શું કરવું એ વિચારીએ છીએ.''સાંભળતાં જ મારી અંદર કંઈક ટુકડે ટુકડા થઈ વિખેરાઈ ગયું. ત્યાં મમ્મીએ બૂમ પાડી બોલાવી લીધી એમાં વાત અધૂરી જ રહી ગઈ.
થોડા દિવસમાં મારા માટે એક સારા ઘરનું માંગુ આવ્યું. છેલ્લે આવેલા બધા જ માગાની સરખામણીએ મારા પપ્પા-મમ્મીને આ ઘર વધારે જ યોગ્ય લાગ્યું. અમારા બંનેની મિટિંગ ગોઠવાઈ, આકાશ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે એ પણ મારી જેમ જ લાગણીશીલ અને સમજદાર વ્યક્તિ છે. એ પછીની પાંચ-છ મિટિંગ પછી મારી અને આકાશની સંમતિ સાથે આ સંબંધની સ્વીકૃતિ થઈ. અને છ મહિનામાં લગ્ન લેવાનું નક્કી થયું.
સોસાયટીમાં ધીમે-ધીમે બધું બદલાવા લાગ્યું હતું. મારી ફેવરિટ જગ્યા હજુ પણ એ જ હતી પણ હવે દૃશ્ય બદલાયુ હતું. હવે મારા જીવનમાં આકાશનો વધારો થયો હતો. રોજ એજ મારા સાથી, મારા ઝરૂખેથી જ હું આકાશ સાથે કલાકો વાતો કરતી. એ સિવાયનો સમય હું ગોલ્ડીને જોવા-જાણવામાં પસાર કરતી. ગોલ્ડી મને હજુ પણ એવું જ નિખાલસ અને નિર્દોષ લાગતું પણ થોડું વધારે જ તોફાની થઈ ગયું હતું. હવે મોટાઓ એને સાથે ફેરવવાનું ટાળતાં. એના તોફાનના લીધે રાત્રે દાદા-દાદીઓ પણ એને લાકડીથી દૂર રાખવા લાગ્યા હતા. ગોલ્ડીને જોઉં ત્યારે લાગતું, ''ભગવાને કેવું બાળક જેવું હૃદય આપ્યું છે આને ? કોઈ પણ ભગાડે કે ગુસ્સો કરે તોય એ એની ઉપર જાણે હક જતાવતું હોય એમ ફરી લાડ કરવા લાગે છે !!!'' સોસાયટીના દરેક જણની મુખ્ય દરવાજાની અંદર એન્ટ્રી થતાં જ એ દોડતું આવી જતું અને છેક ઘર સુધી મુકવા જતું. પહેલા તો બધાં સામેથી એને બોલાવી ઘરની અંદર લઇ જતાં પણ હવે એને બહાર જ રાખી દરવાજો બંધ કરી દેતા. થોડી જ વારમાં જો એ વ્યક્તિ ફરી બહાર આવે તો પાછું પૂંછડી પટપટાવતું એની આગળ-પાછળ ફર્યાં કરતું.
એક દિવસ બગીચામાં બધાને સાથે બેસાડી મારા મમ્મીએ વાતની શરૂઆત કરી, ''જુઓ છોકરાઓ, સોસાયટીના બધા જ મેમ્બરોએ નક્કી કર્યું છે કે ગોલ્ડીને, જે આપણી જેમ જ કાળજીથી સાચવી શકે એવા કોઈ સારા વ્યક્તિને આપી દેવું. હવે એ બહુ મોટું થઈ ગયું છે. તોફાન પણ બહુ જ કરે છે. બધાને ઘરે પૂછી જોયું પણ કોઈ એક હવે એની જવાબદારી લેવા તૈયાર નથી.''
ગોલ્ડી પણ બધાની વચ્ચે બેઠું હતું. કોણ જાણે કેમ પણ એને વાત સમજાતી હોય એમ એ મારી મમ્મી સામે એકીટશે જોઈ રહ્યું હતું. મારી આદત પ્રમાણે હું જાણે એના હૃદયમાં ઉતરી ગઈ, એની જગ્યાએ હું મને મહેસુસ કરી રહી હતી, ''મારો શું વાંક ?, ક્યારેય કોઈ અપેક્ષા નહીં, કોઈ ગુસ્સો નહીં, કોઈ માંગણી નહીં...તો કેમ ?...'' જાણે એ પણ પોતાનો અપરાધ શોધવા મથી રહ્યું.
મમ્મીની વાત સાંભળીને ત્રણ-ચાર છોકરાઓ રીતસરના રડી પડ્યા. મારી આંખમાં પણ પાણી છલકાઈ ગયા હતાં. મેં અને બીજા બે જણે, મમ્મી અને બીજી સ્ત્રીઓને આમ ના કરવા માટે વિનંતી કરી. એમણે અમને કહ્યું, ''રાત્રે તમારા પપ્પાને પૂછી લેજો એ રાખવાની હા પાડે, તો અમને કોઈ વાંધો નથી.'' પપ્પાનું નામ આવતાં જ બધા સમજી ગયા કે નિર્ણય લેવાઈ ચુક્યો છે હવે એમાં ફેરફાર થવાનો નથી.
એ વાતની ચર્ચા બધા વચ્ચે થઈ ગયા પછી ગોલ્ડી બધાં જ મોટાઓ તરફથી લગભગ હડધૂત થવા લાગ્યું હતું. ટેણીયાઓને એમની મમ્મીઓ ગોલ્ડીથી દૂર રાખવા પ્રયત્ન કરતી. હું અને મારી ઉંમરના ચાર-પાંચ જણાં હવે ગોલ્ડી સાથે રમતાં, અને બીજા બધાં એને ભગાડે નહીં એટલે અમે જ એને દૂર રાખતા. રાત્રે સુવા માટે એ હંમેશ મુજબ હનીના ઘેર જ જતું. એનો સહિયારો ખર્ચો પણ હવે સરખો આવતો બંધ થઈ ગયો. અમે અમારા પોકેટ મનીમાંથી થોડી બચત કરી એ ખર્ચો સરભર કરતાં પણ વધારે ટાઈમ અમે એને સાચવી શકીએ એમ નહોતાં. પપ્પા સાથે તો આ બાબતે વાત કરવી જ નકામી હતી.
જ્યારથી એ ચર્ચા થઈ, એ જાણે કે ગોલ્ડીએ સાંભળી અને સમજી લીધી હોય એમ ધીમે-ધીમે એનો ખોરાક ઓછો થતો ગયો. પહેલાની સરખામણીએ તોફાન પણ ઓછા થઈ ગયા હતાં. બગીચે દોડા-દોડ કરવાને બદલે એ મારી સામે બેસી મને જોયા કરતું. હું અને એ મનોમન વાતો કરી લેતા, એ જાણે મને કહેતું, ''તું મને નહીં છોડે ને?...તું જેમ રાખીશ એમ રહીશ... તું જે ખવડાવીશ એ ખાઈશ...મારાંથી થતું હશે એ બધું જ કામ કરીશ... પણ તું મને નહીં છોડે ને ?...'' હું મારી જાતને અપરાધભાવની નજરથી જોવા લાગી હતી અને મનોમન એક પ્રોમિસ આપતી, ''ગમે તે થાય પણ હું તને નહીં જ છોડું...છેક સુધી...!''
મેં હવે આકાશને સમજાવવાનું ચાલુ કરી દીધું. આકાશના ઘરમાં એના મમ્મી-પપ્પાને કુતરાઓથી ખૂબ ડર લાગતો અને ઘરમાં રાખવા બાબતે એમનો ચોખ્ખો વિરોધ હતો. છતાં પણ આકાશે મારા માટે થઈને એના મિત્ર વર્તુળમાં ગોલ્ડીને રાખવા માટે પૂછપરછ કરવાનું શરૂ કરી દીધું હતું. અમે વિચારતા કે કોઈ અજાણ્યાની પાસે જાય એના કરતાં અમારા ઓળખીતાને આપીએ તો એ સારી રીતે સચવાઈ શકશે. જ્યારે ઇચ્છીએ, ત્યારે એને જોવા, મળવા પણ જઇ શકાશે. મારા લગ્ન પહેલાં એની વ્યવસ્થા થઈ જાય એના માટે બનતા બધા જ પ્રયત્નો અમે શરૂ કરી દીધા હતાં.
ગોલ્ડીના તોફાન હવે પહેલાની સરખામણીએ સાવ ઓછાં થઈ ગયા હતાં. સોસાયટીના બધા ની પાછળ આંટા મારવાનું પણ એણે બંધ કરી દીધું હતું. ગોલ્ડી હવે સોસાયટીનું નહીં, પણ ફક્ત હું અને બીજા ચાર એમ પાંચ જણાના વર્તુળનું જ સભ્ય બનીને રહી ગયું હતું. વાર-તહેવારમાં પણ અમે પાંચ એને સાચવી લેતાં. મારા લગ્નને હવે એક મહિનો બાકી રહ્યો હતો. જેમ-જેમ દિવસો વીતતાં જતાં, એમ મારી ગોલ્ડી માટેની ચિંતા વધતી જતી હતી. મારા સિવાય એનું કોઈ નથી એમ મેં મનથી સ્વીકારી લીધું હતું.
એક દિવસ આકાશ બાજુના ગામના એક મિત્ર સુનિલને લઈને આવ્યો. એને મળીને અમે ગોલ્ડીની આદતો અને નિત્યક્રમ વિશે ચર્ચા કરી. એણે ગોલ્ડીને સાચવી લેવાનું વચન આપ્યું. અમે સુનિલના ઘરે જઈ આવીને ત્યાની જગ્યા અને માણસોને જોઈ આવ્યા. ગોલ્ડી માટે અમને ઠીક લાગતાં જ એને ત્યાં આપી દેવાનું નક્કી કર્યું. ઘરે વાત કરી મંજૂરી મેળવી લીધી, પરંતુ મારા લગ્નમાં વિદાય પછી એને ત્યાંથી જ લઇ જવું એમ સુનિલ સાથે નક્કી થયું. હું મારી બારી કરતા પણ વધારે સમય હવે ગોલ્ડી સાથે વિતાવવા લાગી હતી. લગ્નની ખરીદીમાં પણ મન લાગતું નહીં. હું ઘરે જ રહેતી અને મમ્મી બધી ખરીદી કરી આવતી. દિવસો નજીક આવતાં જતાં હતાં, અને મને અંદરોઅંદર શૂળની જેમ કંઈક વાગ્યા કરતું હતું. ગોલ્ડી મને રોજ એમજ જોયા કરતું, ''તું મને નહીં છોડે ને ?...''અને હું એને મનોમન વચન આપતી, ''હું તને નહીં છોડુ... ક્યારેય...!!!''
લગ્નનો દિવસ આવી ગયો. ગોલ્ડી પ્રત્યેની મારી લાગણીના લીધે આકાશે મંડપમાં મારી સાથે એને બેસાડવાની પરવાનગી આપી. લગ્નના આગલાં દિવસથી ગોલ્ડીએ ખોરાક બંધ કરી દીધો હતો. મારા ગળે પણ કેમ ઉતરે ? મેં આકાશને ફોન કરીને લગ્ન પાછા ઠેલવા કહ્યું, પણ ખબર તો હતી જ કે એ શક્ય નથી જ થવાનું.
લગ્નની બધી વિધિઓ થઈ રહી હતી. કઇ વિધિ ચાલી રહી છે...!!! હું શું કરી રહી છુ !!! એ બધું જાણે યંત્રવત જ થઈ રહ્યું હતું. હું, ગોલ્ડી શુ વિચારશે મારા માટે એજ વિચારી રહી હતી. બનતા બધાંજ પ્રયત્નો છતાં, હું એને સાથે રાખી શકીશ નહીં એનો ભારોભાર અફસોસ થઈ રહ્યો હતો. વિદાયનો સમય આવે જ નહીં એમ મનોમન પ્રાર્થના કરી રહી હતી. પણ સમય ક્યાં કોઈનો રોકાય છે ?
વિદાય વેળા પણ આવી ગઈ. સુનિલ ગોલ્ડીને લઈને ઉભો હતો. મેં ગોલ્ડીને ખૂબ ખૂબ વહાલ કર્યું એને વળગીને ખૂબ જ રોઈ...એને મુકવા મારુ મન રાજી થતું નહોતું. મારી નજર ગોલ્ડી પરથી ખસી શકતી જ નહોતી. ગોલ્ડી પણ જાણે મારી પાસે જવાબ માંગી રહ્યું હતું. હું મારી જાતને એની ગુનેગાર સમજી રહી હતી. મારી જીદ હતી કે મારા પહેલા ગોલ્ડીને વિદાય આપવી. એટલે મારી સામે જ સુનિલે ગાડીનો દરવાજો ખોલ્યો. ગોલ્ડી આજુબાજુ જોયા વગર એમાં ચડી ગયુ. અને કારની સીટ ઉપર ચૂપચાપ સુઈ ગયુ. એણે મારી સામે પણ જોયું નહીં, જાણે વિચારતું હોય...''તું પણ બધાની જેમ જ નીકળી, નહીં છોડવાનું વચન તોડીને હવે મને મૂકીને પોતે જ જઇ રહી છે.'' મારી અંદર જે વિખેરાયેલું, તૂટેલું હતું એ બધું જ ચુરેચુરા થઈ ગયું.
મારી પણ વિદાય થઈ ગઈ. આકાશે ગોલ્ડી તરફનું ખેંચાણ જોઈ મને બે દિવસ પછી ગોલ્ડીને મળવા જઇ રહ્યા હોવાની સરપ્રાઈઝ આપી. અને સાથે જ વચન પણ આપ્યું કે જ્યારે મને મન થશે ત્યારે એ મને ગોલ્ડીને મળવા લઇ જશે. મારે તો શેર લોહી ચડી ગયું. હું ફટાફટ તૈયાર થઈ ગઈ મારા ગોલ્ડીને મળવા.
અડધી કલાકે અમે સુનિલના ત્યાં પહોંચ્યા. ખબર નહીં કેમ પણ ગોલ્ડીને જાણે કે મારા આવવાનો અણસાર આવી ગયો. હજુ રસ્તાની સામે બાજુ ગાડી ઉભી રાખી હું નીચે ઉતરી..ત્યાં જ એણે ચમકીને આજુબાજુ કાંઈ જ જોયા વગર મારી બાજુ દોટ મૂકી...જાણે કહેતું હોય,''ખબર નથી પડતી તને ? આવી રીતે મને મૂકી દેવાય ? હું કઈ રીતે રહી શકીશ તારા વગર ?...'' હું પણ નીતરતી આંખોએ એના તરફ મારા હાથ ફેલાવી આ ગુનાહની માફી માંગી રહી હતી.....
ત્યાંજ ફૂલ સ્પીડમાં આવી રહેલી એક ટ્રક...
અચાનક એક ધડાકો.....
ચારે બાજુ સ્તબ્ધતા.....
ગુંજતો એક અવાજ.....
''તું મને નહીં છોડે ને ?......''
સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો