અરેઁજ મેરેજ Naresh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અરેઁજ મેરેજ






બધુ જ કામ પુરુ કરી, રૂમ બંધ કરીને હું ફ્રેશ થઈને બેડ પર સૂતી હતી. ધીમો ધીમો ચાલતો પંખો, કોફી રંગના પડદા, એક ડ્રેસિંગ કાચ અને થોડું ફર્નિચર જે મે જ પસંદ કરેલ હતું તેની વચ્ચે હું ભૂતકાળમાં સરી પડી....

ડી.જે. નો કાનફાટ અવાજ, ધરતી ધ્રૂજવતો, હાજા ગગડાવતો, ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. જેમ સંગીત નજીક આવે તેમ નાચવાનું મન થવાને બદલે હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું હતું. મને તૈયાર કરતી બહેનપણીઓ ‘જાન આવી ગઈ, જાન આવી ગઈ....’ એમ કહીને વાડીમાં અમને સોંપેલા રૂમમાથી બહાર ગઈ. રૂમમાં એકલી બેઠેલ હું ડી.જે. પર ગુજરાતી ગીતો સાંભળી રહી હતી. હા, હું અરેંજ મેરેજ કરવા જઈ રહી હતી.

કોલેજ પૂરી થયે હજુ તો 3 મહિના થયા કે મારા મમ્મી અને પપ્પાએ મારી સગાઈ અને સગાઈ પછી તરતજ લગ્ન ગોઠવી નાખ્યા હતા. ચાર-પાંચ મુલાકાતો માં નક્કી કરેલ અવિનાશ સારા લાગ્યા પણ ફક્ત એટલી વારમાં કેમ ફેસલો થાય આખી જિંદગી જેમની સાથે વિતાવવાની છે એમનો. એ બીક સાથે જ કદાચ આજે તાલમાં વાગતા ગરબા જે મને નાચવા મજબૂર કરતાં એ ડરાવી રહ્યા હતા. ફાઈબરની એક ખુરસીમાં લગ્નના ભરાવદાર પોશાક, કોઈ વરતે નહીં તેવા મેક અપ અને વિચિત્ર પ્રકારની હેર સ્ટાઈલમાં હું વિચારના ચકડોળે ચડી હતી.

લગ્નની વિધિ, જમણવાર, ફેરા બધુ પત્યુ.
વિદાયની વસમી વેળા સારા સારા માણસને પણ પિગાળી દે છે. બધાને મૂકીને લાલ રંગની મોટરમાં અવિનાશની બાજુમાં બેઠી. આંસુની ધારાઓ બંધ જ નહોતી થઈ રહી. એ આંસુ ઘરથી દૂર થવાના હતા કે પછી કોઈ અજાણ્યા ઘરમાં અજાણ્યા વ્યક્તિ સાથે જિંદગી વિતાવવાની બીકના હતા કશું સમજી નહોતું શકાતું. ગામના પાદર સુધી વળાવવા આવેલો ભાઈ પણ હવે ઉતરી ગયો હતો. મોટરની આગળ મારા જેઠ બેઠા હતા અને પાછળની ત્રણની સીટમાં હું અને અવિનાશ. આંસુ રોકાય નહોતા રહ્યા. હાથમાં પહેરેલી વીંટી અને બંગડીઓને લીધે હાથેથી તે લુંછી શકાય એમ નહોતા અને મારો રૂમાલ મારા પર્સમાં હતો અને પર્સ કોઇકે સૂટકેસમાં મૂકી દીધું હતું. બધાની વચ્ચે કાંઈ બોલવાની હિંમત નહોતી થતી. અજાણ્યું લાગતું હતું. મારી નજર નીચે હતી એવામાં મારી બાજુમાં એક જેન્ટસ રૂમાલ ધરવામાં આવ્યો. એ અવિનાશ હતા. શું બોલી હું ? હતા ? શું મારે મારા જેવડા સમોવડા વ્યક્તિને રસમની ઋયે સન્માન જ આપવાનું રહેશે હમેશા ? મારી જિંદગી બદલાય રહી હતી અને એ રડમસ આંખો લૂંછેલ રૂમાલમાં કાજળના કાળા ડાઘ પડી ગયા એ મને ખ્યાલ નહોતો રહ્યો. મે અવિનાશને રૂમાલ આપ્યો અને એ જોવા લાગ્યા ત્યારે મારૂ ધ્યાન પડ્યું કે મારા ઉતરેલા મેક અપ અને કાળા કાજળથી મેં એમનો રૂમાલ બગાડી નાખ્યો છે. મે કહ્યું મને આપી દો હું ધોઈને કાલે દઈ દઇશ તમને. એમણે કશું બોલ્યા વગર સહેજ સ્મિત સાથે રૂમાલ એમના ખિસ્સામાં મૂક્યો.

ગાડી ઘરે પહોંચી. મારા સાસુએ સ્વાગત કર્યું. બધી રસમો હજુ પૂરી નહોતી થઈ. ગણપતિનું સ્થાપન હતું ત્યાં લાલ રંગનું કંકુનું પાણી ભરીને એક વાસણ પડ્યું હતું. જેમાં અમને બન્નેને વીંટી શોધવા માટે બેસાડવામાં આવ્યા. અમે વીંટી શોધવાની શરૂ કરી. પાછળથી અવિનાશની બહેનો, કુટુંબીઓ જોર જોરથી અવીભાઈ તમે જ જીતશો, અવિનાશ કાકા જ જીતશે એવી રાડો નાખી રહ્યા હતા. મારી બાજુ બોલવા વાળું કોઈ હતું નહીં. મે એકલા હોવાનો અહેસાસ કર્યો કે મારા હાથ પાસે અવિનાશનો હાથ અડયો અને એમણે કોઈને ખબર ન પડે એમ વીંટી મારા હાથમાં આપી દીધી. વીંટી બધાથી પહેલી મે શોધી એ જાણ થતાં બધા તાળીઓથી મારી જીતને વધાવવા લાગ્યા. બેડરૂમ પાસે અવિનાશની બહેનો તેમની બક્ષિશ લેવા માટે ઊભી રહી કે જ્યાં સુધી 500 રૂપિયા ન આપો ત્યાં સુધી જવા ન દઈએ. અવિનાશ આવીને બધાને ખીજાયા કે તમે નવી દુલ્હનને હેરાન ના કરો એમ કરીને મારા હાથમાં 500 રૂપિયા આપીને ચાલ્યા ગયા. અજાણ્યા ઘરમાં પણ મને કોઈક પોતાનું હોવાનો આનંદ થઈ રહ્યો હતો. રૂમ બંધ કરીને હું ફ્રેશ થઈ અને બેડ પર સૂતી. ધીમો ધીમો ચાલતો પંખો, પડદા, એક ડ્રેસિંગ કાચ અને થોડું ફર્નિચર જે મે જ પસંદ કરેલ હતું તેની વચ્ચે હું એકલી ફરી પછી ભૂલકાળની યાદમાથી પાછી આવી ગઈ....હા હું તમને કહેતા ભુલી ગઈ આજે મારા લગ્નના 25 વર્ષ પૂરા થયા. અવિનાશ ઓફિસથી વેળાસર આવી ગયા હતા.

રૂમમાં અંદર આવ્યા અને મને ગુલાબી રંગનું જબકતું એક ગિફ્ટ હાથમાં આપ્યું અને હું ઉતાવળે ખોલી રહી હતી. એ ગિફ્ટ ખરેખર રડાવી ચૂક્યું હતું. એમાં કોઈ સોનું કે વસ્તુ નહોતી. એમાં એ કાજળ લાગેલો રૂમાલ હતો જે મને અવિનાશે મારૂ દુ:ખ લૂંછવા આપેલ હતો. અને આજે 25 વર્ષથી જ્યારે જ્યારે આંખોની કોરો ભીંજાય છે ત્યારે એમની જ આંગળી રૂમાલ બનીની મારા આંસુને લૂંછે છે.

©️ નરેશ પરમાર