મનોવિજ્ઞાનના મહારથી: ડૉ. સિગમંડ ફ્રોઇડ Dr.Mayur Bhammar Ahir_Krushnarpan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનોવિજ્ઞાનના મહારથી: ડૉ. સિગમંડ ફ્રોઇડ

મનોવિજ્ઞાનના મહારથી: ડૉ. સિગમંડ ફ્રોઇડ

-: લેખક -:
ડૉ. મયુર વી. ભમ્મર-આહીર “કૃષ્ણાર્પણ”
આસિસ્ટંટ પ્રોફેસર
મનોવિજ્ઞાન વિભાગ
ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, રાણાવાવ. જિ:પોરબંદર-360550
મો:7359484920 અને 8866048102
mayurbhammar21@gmail.com

પૂર્વભૂમિકા
વિશ્વ સમક્ષ મનોવિજ્ઞાનને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં ડૉ.સિગમંડ ફ્રોઈડનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ફ્રોઈડ એક વિલક્ષણ મનોવૈજ્ઞાનિક હતા. તેમણે પોતાના મનોવિશ્લેષણના સિદ્ધાંત વડે અનેક માનવીય સમસ્યાઓ પર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે. ખાસ કરીને ફ્રોઈડે ચેતન મન કરતા અચેતન મન પર વિશેષ ભાર મૂક્યો છે. અચેતન મન પર ઊંડાણપૂર્વક વિચારના કર્યા બાદ તેમણે જીવનની મોટાભાગની ક્રિયાઓના મૂળભૂત આધાર તરીકે જાતીયતાને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ખાસ કરીને સાહિત્ય અને સિનેમાના ક્ષેત્રોમાં ફ્રોઇડના વિચારોનો ખૂબ જ પ્રભાવ રહ્યો છે. આથી આધુનિક મનોવિજ્ઞાનમાં ફ્રોઇડને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે. આવા મહાન મનોવૈજ્ઞાનિકના જીવનકવન વિશે પરિચય પ્રાપ્ત કરાવવાનો એક સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા છે કે આપ સૌને આ એક નાવીન્યપૂર્ણ માહિતીસભર, જ્ઞાનવર્ધક કૃતિ જરૂર ગમશે.
ટૂંકો પરિચય
મૂળનામ: સિગીસમંડ ફ્રોઇડ.
જન્મ: 06 મે, 1856, ફાઈબર્ગ.
અવસાન: 23 સપ્ટેમ્બર 1939, લંડન.
પિતા: જેકોબ ફ્રોઇડ.
માતા: એમિલીયા નાથનસન.
દાદા: રબી શ્લોમો ફ્રોઇડ.
પત્ની: માર્થા બર્નેસ.
સંતાનો: મૈથીલ્ડ, જીન માર્ટિન, ઓલીવર, અન્સ્ર્ટ, સોફી, અન્ના.
સિદ્ધાંતો: મનોવિષ્લેષણ, સ્વપ્નનો સિદ્ધાંત, અચેતન મનનો ખ્યાલ.
જાણીતા પુસ્તકો:
1). 'ઓન અફાસીયા' (1891).
2). 'સ્ટડીઝ ઇન હિસ્ટીરિયા' (1895).
3). 'સાયકો એનાલિસિસ' (1896).
4). 'ધ સાયકીકલ મિકેનિઝમ' (1898).
5). 'ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રિમ્સ' (1899-1900).
6). 'ધ સાયકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ સ્ટડીઝ ઇન હિસ્ટીરિયા' (1904).
7). 'ફાઈવ લેકચર ઓન સંકો એનાલિસિસ' (1905).
8). 'ગૃપ ઓફ સાયકોલોજી એન્ડ ધ એનાલિસિસ ઓફ ધ ઈગો' (1921).
9). 'ધ ઈગો એન્ડ ધ ઈડ' (1923).
10). ઇનહેબીશન, સિમ્પટમ્સ એન્ડ એન્ઝાઇટી (1926).
11). 'સિવિલાઈઝેશન એન્ડ ડિસ્કન્ટેન્ટસ' (1930).
12). 'મોઝીઝ અને મોનોથિઝમ (1934).
જીવનકવન:
આધુનિક મનોવિજ્ઞાનના આદ્યસ્થાપક, મનોવિશ્લેષણવાદના પ્રણેતા એવા મહાન મનોવૈજ્ઞાનિક ડૉ. સિગમન્ડ ફ્રોઇડનો જન્મ 06 એપ્રિલ, 1856ના રોજ વહેલી સવારે 6:30 કલાકે મોરાવીયાના ફાઈબર્ગ નામના ગામમાં એક યહૂદી કુટુંબમાં થયો હતો. જે હાલ ઝેકોસ્લોવેકિયામાં આવેલું છે. ઘણા લોકો ફ્રોઇડનો જન્મ વિયેનામાં થયો હોવાનું માને છે, પરંતુ હકીકતે તેમણે પોતાની જિંદગીના મોટાભાગના વર્ષો વિયેનામાં વિતાવ્યા હતા. તેમણે શરૂઆતના ત્રણ વર્ષ ફાઈબર્ગમાં વિતાવ્યા બાદ બાકીનું જીવન વિયેનામાં પસાર કર્યું હતું. તેમના દાદાનું નામ રબી શ્લોમો ફ્રોઇડ, પિતાનું નામ જેકોબ ફ્રોઇડ અને માતાનું નામ એમિલીયા નાથનસન હતું. ડૉ.ફ્રોઈડની માતા તેમના પિતાના ત્રીજા પત્ની હતા. ફ્રોઈડ તેમના ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. ફ્રોઇડના પિતાનો પરંપરાગત વ્યવસાય ઊનને પીંજીને દોરા બનાવવાનો તથા ઊનનો વ્યાપાર કરવાનો હતો. ફ્રોઈડનું તમામ શિક્ષણ વિયેનામાં પૂર્ણ થયું હતું. બાળપણથી જ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા. પોતે યહૂદી હોવાથી વંશીય ભેદભાવનો ભોગ બનેલા. ફ્રોઇડ જ્યારે બાર વર્ષના હતા ત્યારે ગુસ્તાવ ફેકનરનું પુસ્તક 'Elements of psychophysics' વાંચીને તેનાથી ખૂબજ પ્રભાવિત થયા હતા.
1873માં ફ્રોઇડ યુનિવર્સિટી ઑફ વિયેનામાં તબીબી અભ્યાસ માટે દાખલ થયા. આ યુનિવર્સિટીના અનુભવો તેમના વ્યક્તિત્વ ઘડતરમાં અને વિચારસરણીના વિકાસમાં મહત્ત્વના સાબિત થયા. આ સાથે સંશોધનમાં અપાર રુચિ હોવાથી સંખ્યાબંધ મૌલિક સંશોધનો કર્યા. સંશોધન કરવા પાછળની ધગશ અને રુચિને કારણે 1876માં તેમને સંશોધન માટેની શિષ્યવૃત્તિ મળી હતી. શરૂઆતમાં તો એમને વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પ્રત્યે જ આકર્ષણ હતું. પણ પછી એમનો એ રસ તેમણે જ્ઞાનતંતુઓના રોગો વિશેના સંશોધન તરફ વાળ્યો. તેમણે માનવ મન અને માનવ વર્તનને સમજવા માટે અચેતન મનનો ખ્યાલ સૌ પ્રથમ આપ્યો હતો.
1877માં ફ્રોઇડ ડૉ.જોસેફ બ્રુઅરના સંપર્કમાં આવ્યા. ડૉ.જોસેફ બ્રુઅર સફળ મજ્જાકીય નિષ્ણાત હતા. તેમની સાથે ફ્રોઇડને કામ કરવાની તક મળી હતી. ફ્રોઇડનું મૂળનામ સિગીસમંડ હતું જે 1878માં બદલીને સિગમન્ડ કર્યું. તેમણે 1881માં ‘ડોક્ટર ઓફ મેડિસિન’ (MD)ની તબીબીક્ષેત્રે પદવી મેળવી હતી.
1882માં નજીવા પગારે થિયોડર મેનર્ટના મનોચિકિત્સાલયમાં ડોકટર તરીકે નિમણૂક મેળવી હતી. 1883 થી 1885 દરમિયાન તબીબી સારવારમાં કોકોની શરીરતંત્ર પર કેવી અસર થાય તેના પર સંશોધન કર્યું હતું. 1885માં ફ્રોઇડ વિયેના યુનિવર્સિટીમાં ન્યૂરો પેથોલોજી વિભાગમાં સહાયક અધ્યાપક બન્યા હતા. 1886માં વધુ અભ્યાસ માટે બર્લિન ગયા અને ખાનગી હોસ્પિટલ શરૂ કરી હતી.
1886માં માર્થા બર્નેસ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. તેમન સુખી લગ્નજીવનથી મૈથીલ્ડ, જીન માર્ટિન, ઓલીવર, અન્સ્ર્ટ, સોફી, અન્ના જન્મ્યા હતા. તેમના પુત્રી અન્ના ફ્રોઇડ પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક હતા.
મનોવિશ્લેષણની વર્તમાન પદ્ધતિના આદ્યસ્થાપક ડૉ. ફ્રોઇડે ન્યુરોલોજીસ્ટ અને મનોચિકિત્સક તરીકે કામ કર્યું હતું.
ડૉ.ફ્રોઈડે ઇ.સ.1899-1900માં 'ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રિમ્સ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમાં તેમની પાસે સારવાર માટે આવેલા દર્દીઓના સ્વપ્નોનું વિશ્લેષણ કરી તેના આધારે તેમણે કરેલ અર્થઘટન રજૂ કર્યું હતું. તેમણે બતાવ્યું હતું કે સ્વપ્ન વ્યક્તિની અતૃપ્ત ઈચ્છાઓનું પ્રતિબિંબ છે. જેનાથી તત્કાલીન કેટલાય બુદ્ધિજીવીઓ અને મનોવિજ્ઞાનીઓ તેમની તરફ આકર્ષિત થયા હતા. જેમાં કાર્લ યુંગ, આલ્ફ્રેડ એડલર, ઓટોરેંક, ફ્રેન્ક્રીઝ વગેરે જેવા પ્રસિદ્ધ મનોવિજ્ઞાનીઓ પણ હતા.
1938માં હિટલર અને નાઝીવાદીઓના વિદ્રોહને કારણે તેઓ લંડનમાં આવ્યા હતા. હિટલરે ડૉ.ફ્રોઈડના મોટાભાગના પુસ્તકો સળગાવી નાખ્યા હતા. લંડનમાં ડૉ.ફ્રોઈડનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ત્યાંની પ્રસિદ્ધ ‘રોયલ સોસાયટી’નું સભ્યપદ આપવામાં આવ્યું હતું.
આવા મહાન મનોવૈજ્ઞાનિક ડૉ. ફ્રોઇડનું 23 સપ્ટેમ્બર 1939ના રોજ 82 વર્ષની ઉંમરે લંડન ખાતે મોંના કેન્સરને કારણે અવસાન થયું હતું. તેમની અંતિમયાત્રામાં લંડનની મહાન હસ્તીઓ, તેમના મિત્રો અને તેમના ચાહકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમની યાદમાં ઓડન નામના અંગ્રેજ કવિએ ‘In Memory of Sigmund Freud’ નામનું કાવ્ય પણ રચ્યું હતું. ડૉ.ફ્રોઈડના અંતિમ સંસ્કાર ‘ગોલ્ડર્સ ગ્રીન’ ખાતે કરવામાં આવ્યા હતા.

ડૉ.ફ્રોઈડના જીવનની કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો:
1). 1887માં દર્દીઓને માટે સંમોહનના સૂચનોના ઉપયોગની શરૂઆત ભાવ વિરેચન પધ્ધતિના ઉપયોગથી કરી હતી.
2). 1892 થી 1898 સુધી માનસિક રોગોની સારવારમાં મુકત સાહચર્ય પધ્ધતિનો વિકાસ કર્યો હતો.
3). 1895માં ફ્રોઇડે સૌપ્રથમ પોતાની ‘સ્વપ્ન વિશ્લેષણ પધ્ધતિ’ની શરૂઆત કરી હતી. આ જ સમયગાળામાં તેમણે 'સ્ટડીઝ ઇન હિસ્ટીરિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું.
4). 1896માં તેમણે સૌપ્રથમ 'સાયકો એનાલિસિસ' પરિભાષાનો ઉપયોગ કર્યો હતો.
5). 1897માં 'સિડકસન થિયરી'નો વિરોધ કરી 'ઇન્ફન્ટાઇલ સેક્સ્યુઆલીટી' પર પ્રકાશ પાડયો હતો.
6). 1898માં 'ધ સાયકીકલ મિકેનિઝમ' પુસ્તક પ્રકાશિત કર્યું.
7). 1899-1900માં 'ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રિમ્સ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.

ડૉ.ફ્રોઈડનું મનોવિજ્ઞાનમાં પ્રદાન:
19મી સદીની શરૂઆતમાં મનોવિજ્ઞાન એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે વિકસિત થઈ રહ્યું હતું ત્યારે મનોવિજ્ઞાનનો હેતુ વ્યક્તિની ચેતનાનો અભ્યાસ કરી વિશ્લેષણ કરવાનો હતો. આ સમયે ડૉ.ફ્રોઈડે તેનો જોરદાર વિરોધ કરીને મનોવિશ્લેષણ અંગેની ઘણી સંકલ્પનાઓ રજૂ કરી હતી. જેના આધાર પર આધુનિક મનોવિજ્ઞાન આજે ટકેલું છે. ડૉ.ફ્રોઈડે કોઈ પણ રોગને જાણવાની સાથે સાથે તેના ઉપચાર કરવામાં મહારથ હાંસલ કર્યું હતું. તેઓ માનતા હતા કે કોઈ પણ રોગ કોઈ કારણ વગર ઉદ્દભવી શકે નહીં. મનોવિશ્લેષણ એ મનોવિજ્ઞાનની એક વિચારધારા છે. મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણની વિચારધારામાં સિગમન્ડ ફ્રોઇડનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ફ્રોઈડ તેમાં મનનાં ત્રણ ભાગ રજૂ કરે છે.
1. જાગૃત મન
2. અજાગૃત મન, અને
3. અર્ધજાગૃત મન
ડૉ.ફ્રોઈડ માનતા હતા કે માનવીના વર્તન પર અજાગૃત મન અને અર્ધજાગૃત મનનો સૌથી વધુ પ્રભાવ હોય છે. અજાગૃત મન જાગૃત મનની તુલનામાં વધુ સક્રિય હોય છે. સિગ્મન્ડ ફ્રોઇડ સ્વપ્નને અજાગૃત મન સુધી પહોચવાનો રાજમાર્ગ કહે છે. અજાગૃત મન સુધી પહોચવાથી વ્યક્તિનાં 'સ્વ'ને સમજી શકાય છે. જેવી રીતે પાણી ઉપર બરફ તરે છે ત્યારે તેનો મોટાભાગનો હિસ્સો પાણીમાં ડૂબેલો રહે છે, તેવી જ રીતે માનવીનું અજાગૃત મન હોય છે. અજાગૃત મન ઘણી ઊંડાઈ સુધી વિસ્તરેલું હોય છે. આથી તેનો વિસ્તૃત અભ્યાસ થવો જરૂરી બને છે.
ડૉ.ફ્રોઈડ વિવિધ માનસિક રોગો, મૂર્છા, મિરગી, હિસ્ટીરિયા, ઉન્માદ, પેરાલિસીસ વગેરેની ચિકિત્સા માટે સંમોહન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. દર્દીઓને અજાગૃત અવસ્થામાં લઇ જઈને તેમના અજાગૃત મનમાં પડેલા ભાવો અને અતૃપ્ત લાગણીઓને તપાસતા હતા. આવેગિક આઘાતને કારણે દર્દીઓના મનની અતૃપ્ત લાગણીઓ વિસ્ફોટક બનતા વ્યક્તિનું વર્તન અસાધારણ બની જાય છે. વ્યક્તિની દમિત લાગણીઓને આધારે તેમના રોગનું નિદાન ડૉ.ફ્રોઈડ કરતા હતા.
ડૉ.ફ્રોઈડના મતે સામાજિક બંધનો અને નિયંત્રણોને લીધે વ્યક્તિ પોતાની મૂળવૃત્તિઓનું દમન કરે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિના મનમાં સારા-નરસા વિચારો આવતા રહે છે ત્યારે વ્યક્તિ નરસા (ખરાબ) વિચારોનું દમન કરે છે. જે તેમના અજાગૃત મનમાં ચાલ્યા જાય છે. વ્યક્તિ સામાજિક બંધનોને કારણે લાગણીઓનું દમન કરે છે. જેથી આવી અતૃપ્ત લાગણીઓ સમયાન્તરે અસાધારણ અને સમાજવિરોધી વર્તન કરવા માટે વ્યક્તિને પ્રેરિત કરે છે અને વ્યક્તિની મનોદશા અસમતુલિત બની જાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વિવિધ માનસિક બીમારીઓનો શિકાર બને છે. વ્યક્તિ પોતાના અહમને કરને ખરાબ વર્તન કરતા પોતાને રોકે છે અને નીતિમત્તા આધારિત સામાજિક આદર્શોને અપનાવવા માટે પોતાને તૈયાર કરે છે. વ્યક્તિનો અહમ તેમની ઈચ્છાઓનું કેન્દ્ર હોય છે. જેમાં સારી-નરસી (ખરાબ) બંને પ્રકારની લાગણીઓ હોય છે. આવી લાગણીઓને અભિવ્યક્ત કરવાની વ્યક્તિ ઈચ્છા રાખે છે પરંતુ તેને પોતાનો અધિઅહમ તેમ કરતા રોકે છે, તેના પર અધિઅહમનું નિયંત્રણ હોય છે. અધિઅહમ ઈચ્છાઓ પર જાગૃત અવસ્થામાં ચોકીદારી કરે છે. પરંતુ વ્યક્તિ જયારે અજાગૃત અવસ્થામાં હોય છે ત્યારે તેમની આવી દમિત લાગણીઓ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. દમિત ઈચ્છાઓ સતત અધિઅહમથી ભય અનુભવે છે એટલે તે પૂર્ણરૂપે વ્યક્ત થઇ શકતી નથી. પરંતુ દમિત ઈચ્છાઓ પર અધિઅહમનું નિયંત્રણ ઓછું હોવાથી તે બહાર આવે છે. અતૃપ્ત ઈચ્છાઓ વ્યક્તિના અજાગૃત મનમાં જઈને સક્રિય બને છે અને તેનાથી વ્યક્તિનું વર્તન અસાધારણ બને છે.
ડૉ.ફ્રોઈડના વ્યક્તિત્વ આધારિત વિચારોને મનોજાતીય વિકાસના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. જેને તેમણે પાંચ વિભાગોમાં વહેંચ્યા છે. જે નીચે મુજબ છે.
1). મુખ અવસ્થા જન્મથી 1 વર્ષ.
2). ગુદા અવસ્થા 2 થી 3 વર્ષ.
3). લિંગ અવસ્થા 3 થી 6 વર્ષ.
4). સુષુપ્ત અવસ્થા 6 થી 12 વર્ષ.
5). જનનાંગ-લિંગ અવસ્થા 12 વર્ષ થી પુખ્ત વય.
આ આધારે તેમણે વિવાદાસ્પદ ‘ઇલેક્ટ્રા’ અને ‘ઈડિપસ’ ગ્રંથિઓની સમજૂતી આપી હતી. જે મુજબ શિશુની લૈંગિક શકતી શરૂઆતમાં પોતાના માટે પ્રભાવી હોય છે. જે ધીમે ધીમે અન્ય વ્યક્તિઓ તરફ ઉન્મુખ બનતી જાય છે. આથી છોકરાઓ માતા પ્રત્યે પ્રેમ અને પિતા પ્રત્યે સંઘર્ષ અનુભવે છે. એજ રીતે છોકરીઓ પિતા પ્રત્યે પ્રેમ અને માતા પ્રત્યે સંઘર્ષ અનુભવે છે. આ સિદ્ધાંત બાદ ડૉ.ફ્રોઈડ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પોતાના અનુભવોને એવા પ્રક્ષેપણો સાથી જોડ્યા છે કે જી તેમના દર્દીઓએ બતાવ્યા છે. આ એવા દર્દીઓ હતા કે જેઓ ડૉ.ફ્રોઈડ પર જરૂર કરતા વધારે વિશ્વાસ મૂકીની પોતાના અભિપ્રાયો આપ્યા હતા. ડૉ.ફ્રોઈડ પર એવા પણ આરોપ હતા કે તેમણે મનોવિજ્ઞાનમાં જરૂરિયાત કરતા વધારે કલ્પનાઓ અને મિથકોને સ્થાન આપ્યું છે અને જાતીયતાને બિનજરૂરી વધારે મહત્ત્વ આપ્યું છે.
ડૉ.ફ્રોઈડના મતે વ્યક્તિ લખવામાં કે બોલવામાં કોઈ ભૂલો કરે છે વ્યક્તિની અતૃપ્ત ઈચ્છાઓનું જ પરિણામ હોય છે. ફ્રોઈડે તો માનવીના સ્વપ્નનું પણ વિશ્લેષણ કર્યું છે અને તેના કારણો પણ શોધ્યા છે. ફ્રોઈડ સ્વપ્નને ભૂતકાળના અનુભવોનું પ્રતિબિંબ માન્યું છે. સ્વપ્નને આધારે વ્યક્તિની દમિત ઇચ્છાઓની જાણકારી મેળવી શકાય છે. સ્વપ્નમાં દમિત ઈચ્છાઓ પ્રતીકોના રૂપમાં અભિવ્યક્ત થાય છે. વ્યક્તિમાં મોટાભાગની લાગણીઓની ગ્રંથિઓ બાળપણમાં વિકસિત થાય છે. ફ્રોઇડના મતે ‘ઇલેક્ટ્રા’ અને ‘ઈડિપસ’ ગ્રંથિઓની પાછળ જાતીય લાગણીઓ જવાબદાર હોય છે.
જાતીયતારૂપી માનસિક શક્તિ પર્યાવરણના વિભિન્ન ભાગોમાં દાખલ થાય છે. જયારે કોઈ એક જગ્યાએ આવી શક્તિ વધુ પ્રમાણમાં એકઠી થાય અને ત્યાંનો માનસિક બોજો વધારી દે ત્યારે હળવો કરવો જરૂરી બની જાય છે. શરૂઆતમાં વ્યક્તિ એ બોજાને વાસ્તવિક પ્રયત્નોથી હળવો કરવાના અને ચિંતાને દૂર કરવાના પ્રયત્નો કરવા પડે છે. જયારે વ્યક્તિના આવા પ્રયત્નો નિષ્ફળ જાય છે ત્યારે વ્યક્તિ અવાસ્તવિક એવી બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે. જેમાં ઇનકાર, દમન, પ્રક્ષેપણ, ઊધર્વીકરણ, વિરુદ્ધ પ્રતિક્રિયા વગેરેનો સમાવેશ થાય છે.
ઉપસંહાર:
ટૂંકમાં ડૉ.ફ્રોઈડ એક વિલક્ષણ મનોવૈજ્ઞાનિક હતા. તેમણે પોતાના મનોવિશ્લેષણના સિદ્ધાંત વડે અનેક માનવીય સમસ્યાઓ પર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે. ચેતન મન, અચેતન મન, સ્વપ્ન વિશ્લેષણ, મનોવિશ્લેષણ વગેરે બાબતોમાં તેમનું ઊંડું ખેડાણ રહ્યું છે. ડૉ.ફ્રોઈડે માનવમન અને તેમની અતૃપ્ત લાગણીઓ અંગે અત્યંત સુક્ષ્મ રીતે તથા ઊંડાણપૂર્વક અભ્યાસની સાથે તેના ઉપચાર માટેની પદ્ધતિઓ પણ વિકસાવી છે. આથી જ તો ડૉ.ફ્રોઈડને આધુનિક મનોવિજ્ઞાનના જન્મદાતા પણ કહેવામાં આવે છે. ડૉ.ફ્રોઈડે આધુનિક મનોવિજ્ઞાનને એક નવી ઊંચાઈ આપી છે. ડૉ.ફ્રોઈડ પર ભલે ઘણાં આરોપો હોય, તેમની ટીકાઓ પણ થઇ હોય તેમ છતાં તેમના અસાધારણ મનોવિજ્ઞાન અને નૈદાનીક મનોવિજ્ઞાનમાં આપેલા યોગદાનને ક્યારેય ભુલાવી શકાય નહીં.
-: લેખક -:
ડૉ. મયુર વી. ભમ્મર-આહીર “કૃષ્ણાર્પણ”
આસિસ્ટંટ પ્રોફેસર
મનોવિજ્ઞાન વિભાગ
ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, રાણાવાવ. જિ:પોરબંદર-360550
મો:7359484920 અને 8866048102
mayurbhammar21@gmail.com