નિ:શુલ્ક, નિ:સ્વાર્થ સેવાઓ આપતી સંસ્થા Sweta Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિ:શુલ્ક, નિ:સ્વાર્થ સેવાઓ આપતી સંસ્થા

નિ:શુલ્ક, નિ:સ્વાર્થ સેવાઓ આપતી સંસ્થા

‘આદર્શ અમદાવાદ’

ભરતભાઈ શાહ

‘તન્મે મન: શિવ સંકલ્પમસ્તુ’ ‘અમારા મનમાં શુભ-કલ્યાણકારી સંકલ્પ હજો’

વાહ ! કેવી સરસ મજાની વાત અહીં કરવામાં આવી છે. મારા મનમાં પણ આવો એક શુભ સંકલ્પ જાગ્યો અને એનું સાકાર-મૂર્તિમંત સ્વરૂપ છે ‘આદર્શ અમદાવાદ’

આજથી લગભગ દસેક વર્ષ પહેલાની વાત છે. દિવાળીના વેકેશનમાં સહકુટુંબ દુબઈ જવાનું થયું હતું. સ્વયંની આત્મસાધના માટે ધંધાકીય નિવૃત્તિ પછીનો આ સમય હતો. આત્મસાધના તો થઈ જ રહી હતી. સમગ્ર જીવન પર દ્રષ્ટિપાત કરતાં એવું અનુભવ્યું કે સમાજે મને કેટલું બધું આપ્યું હતું. જન્મ, બાળપણ, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા સુધી મેં અનેક રૂપે સમાજ પાસેથી જે બધું મેળવ્યું હતું, તેનો મોટો ભાર અનુભવાયો. હજારો કિ:મીના તૈયાર રસ્તાઓ, લાખો વૃક્ષો, મોટા મોટા મેદાનો અને મોટી મોટી શાળાઓ અને કોલેજો. ભણતર, નોકરી, ધંધો, લગ્ન, કુટુંબ, મિત્રો અને સન્માન. બધુંજ મેં સમાજ પાસેથી મેળવ્યું હતું. સમાજનું આ ઋણ ચુકવવા હું શું કરી રહ્યો હતો? મેં સમાજ માટે કશુંજ કર્યું ન હતું. મેં તો માત્ર મેળવ્યા જ કર્યું હતું.

ઋણ ચુકવણીનું આ વિચારવલોણું શરૂ થયું. સમાજને માટે હું શું કરી શકું? હું અમદાવાદમાં જ જન્મ્યો, ઉછર્યો, ભણ્યો અને સ્થાયી થયો હતો એટલે ‘અમદાવાદ માટે કંઇક કરવું’ ત્યાંથી શરુઆત થઇ. શું થઇ શકે અને શું કરી શકાય અને એમાં પણ હું શું કરી શકું? એમ ચિંતન ચાલતું ગયું. વિચારો આવતા ગયા. 12 દિવસની દુબઈની એ યાત્રામાં જે વિચારો આવ્યા એ સાથે સાથે લખતો ગયો. અને પરત આવ્યા ત્યારે એક આખું શબ્દચિત્ર તૈયાર થઇ ગયું. હું અમદાવાદ માટે કેટલું બધું કરી શકું એમ હતો એનો મને ખ્યાલ આવ્યો.

દુબઈથી પરત આવ્યા પછી લખેલી નોંધની કેટલીક ઝેરોક્સ કઢાવીને કેટલાક મિત્રોને વાંચવા આપી. એક બહેન તરફથી પ્રતિભાવ મળ્યો કે જો લખ્યા મુજબનું અમદાવાદ બને તો તેને ‘આદર્શઅમદાવાદ’ કહેવાય! બસ એ વિચારપુત્રનું સૂચિતનામ ‘આદર્શ અમદાવાદ’ ગમી ગયું અને સાભાર, સપ્રેમ, સહર્ષ સ્વીકારી લીધું.

મિત્રો અને સગાસંબંધીઓને આમંત્રણ આપી બોલાવ્યા. ને આદર્શ અમદાવાદનો વિચાર સૌની સમક્ષ રજુ કર્યો. વાત હસવામાં કાઢી નખાઈ અને આવા વિચારોને ‘અસ્થિર મગજના તુક્કા’ ગણી લેવાયા.

‘એકલો જાને, એકલો જાને રે....’ પંક્તિઓ ગણગણતો નીકળી પડ્યો. અમદાવાદને આદર્શ શહેર કરવાનું સ્વપ્ન હતું. અમદાવાદ માત્ર રસ્તાઓ, બગીચાઓ, પુલો, શાળાઓ, કોલેજો, સ્થાપત્યો અને વૃક્ષોથી સારું નહીં થાય, પરંતુ તેના નગરજનોથી થશે એ સ્પષ્ટતા હતી. લોકોના સંસ્કાર, ઘડતર, સ્વાસ્થય અને સમજણ ઉપર કામ કરવું પડશે એ ખબર હતી. લોકોને કેમ કરીને બોલાવવા અને જોડવા એ સૌથી મોટો પડકાર હતો.

આ માટે લોકોની જરૂરિયાત પર વિચાર કરતાં સમજાયું કે શરીરસ્વાસ્થયથી શરૂઆત કરવી ઠીક રહેશે. યોગથી શરૂઆત કરી. યોગ શીખવા યોગશિક્ષક જોઈએ. યોગશિક્ષક કેવી રીતે મળે? એ માટે યોગશિક્ષકો તૈયાર કરવાનું વિચાર્યું. એમ એક પછી એક કાર્ય શરુ થતાં ગયાં.

2004 માં એક સ્વયંસેવક અને એક પ્રવૃતિથી વાવેલું એ વિચારબીજ ધીરે ધીરે અંકુરિત થયું અને પછી ઉછેર, માવજત અને સંવર્ધનના કારણે એક વટવૃક્ષ અને 2019 સુધીમાં અનેક વૃક્ષોવાળું નયનરમ્ય વિકસિત ઉપવનમાં ફેરવાઈ ગયું.

સમાજસેવા અને સમાજકલ્યાણની 65 ઉપરાંત પ્રવૃતિઓ અને આ સેવાઓ પ્રદાન કરતાં 250 ઉપરાંત કેન્દ્રો! પ્રેમ, આદર, નિષ્ઠા અને સમાજના ઋણને અદા કરવાની ઉત્કૃષ્ટ અને અદમ્ય ઈચ્છા સહિત પરિવારભાવનાથી સેવા પ્રદાન કરતાં સેવાતત્પર 800 સ્વયંસેવકો! આ છે આજનું આદર્શ અમદાવાદ.

હવે પછીનાં 15 વર્ષમાં સફળ થયેલા આ વિચારને આગળ લઇ જતાં વધુ ઝડપથી આગળ વધી શકાશે અને સમય સંજોગને આધિન આ પ્રવૃત્તિ શહેરના દુર-સુદૂરના સીમાડાઓ સુધી પહોંચી જશે એવો આત્મવિશ્વાસ જાગ્યો છે. આ દરમ્યાન 300 ઉપરાંત પ્રવૃતિઓ, 3000 સેવાકેદ્રો અને 1,00,000 થી વઘુ નિસ્વાર્થ સેવા આપતા સ્વયંસેવકો સુધીના લક્ષ્યને પ્રાપ્ત કરવા કટિબદ્ધ છીએ.

આદર્શ અમદાવાદની વિશેષતાઓ કંઇક આવી છે :

1. પ્રવૃતિઓની વિપુલતા અને વૈવિધ્ય :

સૌના આરોગ્ય માટે: યોગ અને યોગ શિક્ષક તાલીમ, એક્યુપ્રેશર સારવાર તેમજ તાલીમ, સૂર્યદર્શન, મુદ્રા ચિકિત્સા, સ્વમૂત્ર ચિકિત્સા, માલીશની તાલીમના વર્ગો, વોટરથેરાપી, 3-S.R.B., E.F.T., નેચરોપથી, એલોપથીના દવાખાનાં, હોમિયોપેથીનાં દવાખાનાં, પથરીની દવાનું વિતરણ, રક્તદાન કેમ્પ, સંપૂર્ણ સ્વાસ્થ્યની 16 ચાવીઓ વગેરે.

બાળકો માટે: ચિત્ર, ચેસ, વેદિક ગણિત, કેલિગ્રાફી, વાર્તાકથન, ડ્રોઈંગ, સંગીત, બાળફિલ્મ શો, પેરેન્ટીંગ વગેરે.

યુવાનો માટે: જીવનકલાની તાલીમ, વ્યક્તિત્વ વિકાસ, સ્વયંસેવક તાલીમ, વૃક્ષારોપણ, ટ્રાફિક તાલીમ, વ્યસનમુક્તિ સલાહ.

ગૃહિણીઓ માટે: અંગ્રેજી બોલતાં શીખો, સીવણ, ગરબા, સંગીત, મહેંદી, રસોઈના વર્ગો, પેરેન્ટીંગ, તેજસ્વીની તાલીમ વગેરે.

નિવૃતો માટે: કમ્પ્યુટર વર્ગો, વસિયતનામું, પુસ્તક પરબ, વિવિધ પ્રકારની સલાહ, બિનવપરાશી ચીજવસ્તુઓને મેળવીને જરૂરીયાતમંદોમાં વિતરણ વગેરે.

2. તમામ પ્રવૃતિઓ નિ:શુલ્ક : આદર્શ અમદાવાદ એટલે પરિવાર ભાવના. કોઈ પણ પ્રવૃતિની કોઈ જ ફી નથી. બધું જ પરિવાર ભાવનાથી વિનામુલ્યે. પ્રેમ અને વાત્સલ્યપૂર્વક આપીને આનંદ મેળવવાનો અને આપીને લેનારનો ઉપકાર માનવાનો શિરસ્તો.

3. સ્વયંસેવકોની નિ:સ્વાર્થ સેવાઓ : તમામ સ્વયંસેવકોની સેવાઓ નિ:સ્વાર્થ અને નિરપેક્ષતાપૂર્વકની. સેવાની સુગંધ અને સેવાનું સંગીત. સેવાની લગન અને સેવાની ભૂખ. સેવાનો આનંદ અને સેવાનો ઉત્સવ!

4. સેવાકેન્દ્રો પણ વિના મુલ્યે : સમાજની વણવપરાતી જગ્યાઓ, હોલ, મકાન, ઘર, પાર્ટીપ્લોટ વગેરે મેળવીને સમાજસેવા માટે ઉપયોગમાં લેવાય છે. અમદાવાદનાં નગરજનોને ઘરઆંગણે સેવા મળી રહે તે માટે વિવિધ વિસ્તારોમાંથી જગ્યા મેળવવાના સતત પ્રયત્નો કરીને નવા નવા ક્ષેત્રોમાં સેવા કેન્દ્રો ખોલવાનો પુરુષાર્થ ચાલુ જ છે.

5. સ્વયં સેવકોનાં જ્ઞાન, કૌશલ્ય અને અનુભવની મુખ્યતા : પ્રત્યેક સ્વયંસેવકના વિશિષ્ટ જ્ઞાન, કૌશલ્ય અને અનુભવનો લાભ સમાજને મળે એવા શુભ આશયથી જે સ્વયંસેવક સેવા આપવાની ઈચ્છા ધરાવે તેને સેવાનો મંચ પૂરો પાડવાનો અભિગમ રાખ્યો છે. આ કારણે નવી નવી પ્રવૃત્તિ શરૂ કરી શક્યા છીએ.

6. ભણો અને ભણાવોનો અભિગમ : જો હજારો અને લાખો નગરજનો સુધી પહોંચવું હોય, તો દરેક વિષયના ટ્રેઈનીંગ ઓફ ટ્રેઈનર્સના કોર્સ ચલાવવા પડે. એ જ અભિગમ દ્વારા આદર્શ અમદાવાદ બધી જ પ્રવૃત્તિઓ માટે ટ્રેઈનીંગ આપીને શિક્ષકગણ તૈયાર કરે છે. જેથી દરેક પ્રવૃતિને શહેર વ્યાપી બનાવી શકાય.

7. ‘આદર્શ અમદાવાદ’ એક રચનાત્મક વિચાર : નિ:સ્વાર્થ સેવાઓ દ્વારા સુખ અને સંતોષ મળે છે એ પુરવાર થઇ ચુક્યું હોઈ ‘જ્યોત સે જ્યોત જલે’ ની જેમ આજનો સહભાગી આવતીકાલે સ્વયંસેવક બનવા આગળ આવે છે. ‘શીખો અને શીખવાડો’ સૂત્ર સૌને માટે પ્રેરણાદાયક અને આનંદ આપનારું બની રહ્યું છે.

8. સમાજઉપયોગી ઉમદા કાર્યો દ્વારા આજીવિકા : જરૂરિયાત વાળા કુટુંબોને સમાજ ઉપયોગી ઉમદા કાર્યો દ્વારા આજીવિકા રળવા મળે એ માટે અનેક પ્રકારની તાલીમ અપાઈ રહી છે. યોગ ટીચર, એક્યુપ્રેશર, રેકી, માલીશ, ગૃહઉદ્યોગ, શિક્ષણના વર્ગો, રસોઈ કળા, કમ્પુટર તાલીમ, ફેશન ડીઝાઇન, સિલાઈના વર્ગો વગેરે દ્વરા આજીવિકા રળવાની તક મળી રહી છે.

આ રીતે આદર્શ અમદાવાદની વિવિધ પ્રવૃતિઓ દ્વારા ખરેખર માનવીય મૂલ્યોનું પુનઃસ્થાપન કરાઈ રહ્યું છે. પ્રેમ, મૈત્રી, સહયોગ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સેવા, પરોપકાર, સહનશીલતા, અનુકંપા, ધૈર્ય આદિ માનવીય ગુણોની પ્રાપ્તિ અને સંવર્ધનનું લક્ષ્ય છે. સુખ, શાંતિ અને સંવાદિતાને મેળવવા આત્માના ગુણોને પ્રાપ્ત કરવા અનિવાર્ય છે. ખરેખર તો માનવજીવનનોએ જ મુખ્ય હેતુ છે અને આદર્શ અમદાવાદ આ હેતુને અનુલક્ષીને જ બધી પ્રવૃતિઓ, પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોનું આયોજન કરે છે.

‘આદર્શ અમદાવાદ’ એ શ્રી હિંમતભાઈ શામળદાસ શાહ શાસન સેવા ટ્રસ્ટની એક મુખ્ય પ્રવૃત્તિ તરીકે વર્ષ 2004માં શરુ કરવામાં આવેલ. અમારી હવે પછી થનારી અને થઇ ગયેલી રોજરોજની તમામ પ્રવૃતિઓની વિસ્તૃત માહિતી આપતું માસિકપત્ર ‘આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા’ દર મહિનાની 16 મી તારીખે નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે.

આદર્શ અમદાવાદની વધુ માહિતી માટે:

Web site : www.aadarshamdavad.org

Face book :facebook.com/AadarshAmd/

E- mail : aadarshamdavad@yahoo.co.in