દાદાજીની હોશિયાર હેત્વી - દાદાજીની વાર્તા Tejal Vaghasiya . દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

દાદાજીની હોશિયાર હેત્વી - દાદાજીની વાર્તા

મણી નગર નામે એક નાનકડું ગામ.
આ ગામમાં એક નાનું અને સુખી કુટુંબ રહે .મગન ભાઈ નો પરિવાર એટલે ગામમાં સૌથી સુખી પરિવાર...
મગનભાઈ ના પરીવાર મા પોતે, એની પત્ની સુશીલાબેન, એક પુત્ર રમેશ અને પુત્રી રીટા ...એમ ચાર સભ્યો હતા.
મગનભાઈની ઉંમર લગભગ સિત્તેરેક વર્ષ ની. સ્વભાવ એનો હસમુખો. સદા હસતો ચહેરો રાખે. બધા સાથે હળી -મળી જાય. બાળકો સાથે બાળક બનીને રહે. પોતાના સંતાનો સાથે દોસ્ત બનીને રહે.
ગામમાં કોઈ ને પણ મુશ્કેલી હોય તો મગન ભાઈને યાદ કરે. કોઈ પણ ની મુંઝવણ ખુબ ઝડપથી સમજી શકે અને મદદ
કરવાની તૈયારી બતાવે.
મગન ભાઈ ને પોતાના સંતાનો પર અપાર પ્રેમ. બંને સંતાનના લગ્ન થઈ ગયા હતા. બંને ભાઈ-બહેન પોત- પોતાના સંસારમાં સુખી હતા.
રમેશ પોતાના ગામ થી થોડે દૂર આવેલા એક શહેર મા રહેતો હતો. રમેશ ને પણ આઠ વર્ષ ની એક પુત્રી હતી .નામ એનુ હેત્વી.
વર્ષ ની બધી રજાઓ માણવા રમેશ પોતાની પત્ની અને પુત્રીની સાથે પોતાના પિતા ના ઘરે જ આવવાનું પસંદ કરે.
મગન ભાઈ પોતાની પૌત્રી હેત્વી ની સાથે ખુબ રમે. ખુબ લાડ લડાવે. ખેતરમાં સાથે લઇ જાય, જુદા - જુદા વૃક્ષોની ઓળખાણ આપે અને " કંઈ પણ પુછવું હોય તો અચકાયા વગર જ પુછજો, હોં દીકરા..." એવું લાડથી કહે.
હેત્વી બાળપણ થી જ ખુબ હોંશિયાર. એને દાદા ની વાતો સાંભળવા માં ખુબ જ મજા પડે. સ્વભાવે બોલકણી, વાતુડી પણ ખરી.નવું નવું જાણવા ની જિજ્ઞાસા વૃત્તિ ધરાવતી.
એક સવાલ નો જવાબ મળે કે તરત જ બીજો સવાલ ઉઠાવે .
દાદાજી કહેતા :" બેટા વૃક્ષો આપણને જીવનમાં ખુબ જ ઉપયોગી છે. એ વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે. વૃક્ષો આપણું હવામાન શુદ્ધ રાખે છે. ઘણી વનસ્પતિઓ માંથી દવાઓ પણ બનાવવામાં આવે છે. વનસ્પતિ અને વૃક્ષો વગરનું આપણું જીવન નકામું છે. એના વગરનું માનવ જીવન માં જાણે કાંઈ જ નથી." આમ વાત કરતા કરતા પૌત્રીને લઈ ને ખેતરમાં ચારે તરફ આટો મારે.
હેત્વી કહે : "અમારી સ્કુલમાં અમને વૃક્ષ વિશે માહિતી આપવામાં આવે છે એટલે મને થોડી ઘણી ખબર તો હતી પરંતુ હું વૃક્ષ ને ઓળખતી ન હતી. અને આજે તમારી સાથે અહીં આવીને મને ઘણા વૃક્ષોને ઓળખાણ પડી .અને એને નજીકથી જોવાની ખુબ જ મજા પડી ."
ચાલતા ચાલતા નજીક આવેલા એક વૃક્ષ ના થડ પાસે જઈને હેત્વી એ પુછ્યું :" દાદાજી આ શેનું ઝાડ છે ? જુઓ તો કેટલું મોટું છે આ ઝાડ ???"
દાદાજી એ વ્હાલથી માથે હાથ ફેરવી ને જવાબ આપ્યો :
"આ આંબલીનું ઝાડ છે. આ ઝાડ બહુ જ જુનુ છે. આ આંબલી મારા દાદાજી ના હાથે રોપાયેલી છે. હું લગભગ પાંચેક વર્ષ નો હોઈશ ત્યારે રોપી છે એવું મારા દાદાજી કહેતા હતા."
દાદાને વચ્ચે થી જ અટકાવી ને હેત્વી બોલવા લાગી : "તો તો આ આંબલી કેટલા વર્ષ ની થઈ હશે, દાદુ ???"
"મને ખબર નથી " એવો જવાબ દાદા નો સાંભળી ને ફરી એક વાર પુછ્યું : "તમારા કેટલા વર્ષ થયા, દાદુ ??? "
દાદાજી એ કહ્યું : "મારી ઉંમર નું તારે શું કામ પડ્યું વળી ? "
થોડા ઉત્સાહ મા આવી જઈને દાદાના બંને હાથ પકડીને ફરી પુછ્યું : "કો 'ને દાદુ મારે કામ છે ,,,please, please ,please,,,"
થોડો વિચાર કરીને પછી મગન ભાઈ બોલ્યા : "અ...મારા
લગભગ સિત્તેર વર્ષ થયા હશે. "
દાદાના મુખેથી સિત્તેર સાંભળી ને હેત્વી બોલવા લાગી : "તમારા અત્યારે સિત્તેર અને આ આંબલી તમે પાંચ વર્ષ ના હતા ત્યારે રોપી છે તો.... (થોડી વાર હાથની આંગળી ના વેઢા વડે ગણતરી કરીને ઉછળીને બોલી ) પાંસઠ,,, આ આંબલી પાંસઠ વર્ષ ની થઈ હશે,,, પાક્કુ ને દાદાજી ??? "
" હા ,,, હા,,,ચાલ આપણે હવે ઘરે જઈએ. તારા મમ્મી અને તારા દાદી તારી રાહ જોતા હશે. અને વળી કહેતા હશે કે આ દાદો આપણી હેત્વી ને લઈને ક્યાં ગયો હશે ? " એમ બોલીને હેત્વી ને ઉંચકી લે છે અને ઘર તરફ આગળ વધવા લાગે છે. થોડી વાર હેત્વી ને પોતાના ખભા ઉપર બેસાડી દે છે.
પોતાનું ઘર નજીક આવતા હેત્વી ને નીચે ઉતારી દે છે અને કહ્યું : " હવે મારો હાથ પકડીને ચાલ, હું થાકી ગયો. "
થોડે દૂર થી પોતાનું ઘર દેખતાની સાથે જ હેત્વી તો દાદાજી નો હાથ છોડાવી ને ઉછળતી, કુદકા મારતી ને દોડતી ઘરે પહોંચી જાય છે. આંગણામાં દાદી પથરણીયું પાથરી ને બેઠા હતા ત્યાં દાદી ના ખોળામાં લાંબી થઈ ને સુઈ જાય છે.
દાદી હેત્વી ના માથે હાથ ફેરવી ને પુછે છે : "થાકી ગઈ ને દીકરા ,,,તને હું ના કે'તી તી તોય તારા દાદા હારે( સાથે ) હાલતી પકડી... "
દાદી ના ખોળા માંથી સફાળી બેઠી થઈ ને કહે છે :"ના હો,,,હું તો બિલકુલ થાકી નથી. જુઓ જુઓ મારી સામે જુઓ... ઉલ્ટાનું મે મારા દાદાને થકાવી દીધા...( ડેલી બાજુ જોઈને ) તેઓ હજી ત્યાં જ પહોંચ્યા છે...જો હું થાકી હોંઉ
તો હું એમની પાછળ ના રહી જાઉં...(ઉત્સાહ થી પુછે છે)
બોલો,,, બોલો,,, બોલો ,,,દાદીમા બોલો... "
રસોડામાં થી હેત્વી ની મમ્મી બોલી : "મને ખબર છે તું નહી થાકી હોય .પરંતુ તે દાદાને જરૂર થકવી દીધા હશે, બહુ બોલ બોલ કરી ને . તું દાદાને પાણીનો લોટો ભરી આપ એટલે દાદાનો થાક ઉતરી જાય. "
પાણી નો લોટો ભરતા ભરતા એની મમ્મીને પુછવા લાગે છે : "મમ્મી તે દાદાના ખેતરમાં રહેલી મોટી આંબલી જોઈ છે ક્યારેય ? "
(પાણી નો લોટો લઈ ને દાદા પાસે પહોંચી જાય છે )

દાદાને પાણી નો લોટો આપતા કહે છે કે :"જોયુંને દાદાજી થકવી દીધા ને તમને તમારી દીકરી એ ? ઘેર આવતાં મા તમને પાછળ રાખી દીધા,,, હેં કે નહિં ??? "
ગામ તરફથી ઘરે પરત આવતા હેત્વી ના પપ્પા એ કહ્યું :
"હા , હો મારો હીરલો તો બધા નો લાડકવાયો છે, તારાથી અમે ન થાકીએ. " હેત્વી ને પોતાના ખોળામાં બેસાડી દાદા તરફ જોઈને કહ્યું:"અરે હા, પપ્પા, તમને તમારા જાયભાઈ (દોસ્ત) ભોવાનકાકા યાદ કરતા હતા અને કહેતા હતા કે હમણાં તમે એમને મળ્યા જ નથી. "
પપ્પા ની વાત પુરી થઈ કે નહીં એ જાણ્યા પહેલાં વચ્ચે જ હેત્વી બોલવા લાગી : "જાય ભાઈ તે વળી શું,,,પપ્પા ???"
હેત્વી ને એના પપ્પા સમજાવે છે કે :"તારે તારી સ્કુલમાં અભ્યાસ કરતી દોસ્ત હોય ને એમ અમારા ગામડાઓમાં અમે જાય ભાઈ કહીએ. "
પપ્પા પાસેથી ઉભી થઇ ને હેત્વી દાદા પાસે જઈને કહે છે :"મને લઈ જશો તમારા જાયભાઈ ને ઘેર,,, મને તમારી સાથે આવવું બહુ ગમે છે. "
" હા,,,હા ,,,ચોક્કસ આપણે બેઉ કાલે સવારે જઈશું."
હેત્વી જીદ કરે છે :" ચાલોને અત્યારે જ જઈએ ."
" અત્યારે તો સાંજ પડવા આવી, જો તારા દાદી મંદિર જતા હોય એવું લાગે છે એની સાથે જા મંદિરે જવું હોય તો. મારા દોસ્તનું ઘર તો અહીં થી દુર થાય .અત્યારે આપણે ત્યાં ન પહોંચી શકીએ."મગનભાઈ હેત્વી ને શાંતિ થી સમજાવે છે
સાંજ પડી જાય છે અને સૌ જમી પરવારી ને ફ્રેશ થઈ ગયા.હેત્વી બધા સાથે જુદી જુદી વાત કરતી ફરે છે અને થાકી ને સુઈ જાય છે.
બીજા દિવસે સવારે આઠેક વાગ્યે મગનભાઈ પોતાના કામમાંથી પરવારી ને પોતાના મિત્રને મળવા જવા માટે તૈયાર થઇ મોટેથી બુમ પાડે છે :"અરે, સાંભળો છો, રમેશની બા, હું ભોવાનભાઈ ના ઘરે જાવ છું, આવતા આવતા બપોર થઈ જશે. "
દાદા ની બુમ સાંભળી ને મમ્મી પાસે રમતી હેત્વી દોડીને દાદા પાસે પહોંચી જાય છે. અને છણકો કરીને ફરીયાદ પણ કરે છે " કેમ, દાદુ,,, મને નથી લઈ જવાની ,,,મને કેમ ન બોલાવી ??? મેં તમને કહ્યુ હતું ને કાલે ,,,મારે પણ આવવું છે તમારી સાથે ..."
" હા,,હા,,તને તો બોલાવવાની જ હતી. તને લીધા વગર મારે પણ ન'તુ જ જવું. વાટ લાંબી છે,,,મારે વાટમાં
વાત કોની સાથે કરવી .ચાલ હવે, ચાલતા થઈએ." આમ કહીને દાદા પૌત્રી ચાલતા થયા.
દાદાજી નો હાથ પકડીને ચાલતા - ચાલતા કંઈક વિચારી ને હેત્વી દાદા ને પુછવા લાગી : "દાદાજી, ઘરે તમે કહેતા હતા વાટ લાંબી છે,,, વાટ એટલે રસ્તો જ થાય કે નહીં???
દાદા હેત્વી સામે જોઈ ને થાકી ગઈ હશે એવું અનુમાન કરી તેને તેડી લઈ ને પછી કહે છે :"હા ,બેટા વાટ એટલે રસ્તો જ થાય. "
દાદા બીજું કંઈ બોલે તે પહેલાં વચ્ચે થી જ અટકાવી ને બોલી : "મને કેમ તેડી લીધી ? તમારા દોસ્ત નું ઘર કેટલુંક દુર છે હજુ ??? "
" મને ખબર પડી કે મારો દીકરો હવે ચાલતા ચાલતા થાકી ગયો છે એટલે મેં એને તેડી લીધો. મારા દોસ્તનું ઘર હવે આવી ગયું સમજ."એમ કહી ને હેત્વી ને નીચે ઉતારી અને માથે વ્હાલથી હાથ ફેરવ્યો.
"અરે, હોતા હશે કાંઈ, અમે કંઈ થોડા થાકીએ???,,,
એ તો બસ તમે મને તેડી એટલા માટે પૂછયું. આ ગામ તો પુરુ થવા આવ્યું હોય એવું લાગ્યું .મનમાં થયું કે તમારા દોસ્ત ક્યાંક બીજ્જા ગામ નથી રહેતા ને ???" આટલું બોલીને હેત્વી ખડખડાટ હસી પડી...
મગનભાઈ ને દુરથી આવતા જોઈને ભોવાનકાકા સામે આવે છે ,"રામ-રામ,,, રામ-રામ "કહીને ભેટી પડે છે .
હેત્વી માથે હાથ ફેરવી ને પુછે છે : "કેમ છે બેટા તું ?
અને ઘરે બધા કેમ છે ?તારા દાદી ની તબિયત તો સારી છે ને. "
હેત્વી ચારે બાજુ નજર ફેરવી ને પછી બોલે છે : "હા, હો,,, ઘરે બધા મજામાં છે.એશ- મેશ ને ટેશ .બીજુ શું જોઈએ સૌ ને. "
ભોવાન કાકા નું મકાન એના ખેતરમાં જ બનાવેલું હોવાથી ચારે બાજુ ખુલ્લું હતું. મકાનની એક બાજુ ના ભાગમાં જાત જાતના વૃક્ષો ઉછેરેલા હતા. જેવા કે આંબા , ચીકુડી ,જામફળી, સીતાફળી,,, વગેરે વગેરે...
બધા વૃક્ષો ને મોટા મોટા ખામણાં (વૃક્ષના થડ ફરતે પાણીનો ભરાવો રહી શકે તેવી જગ્યા) ખોદાયેલા હતા .બધા ખામણામાં જુદી જુદી શાકભાજી વાવેલી હતી. વેલાવાળા શાકભાજી ના વાવેતર ની બાજુમાં ફરતી વાડ જેવું બાંધેલુ હતું.
હેત્વી ને આ બધુ જાણવા જોવા ની મજા પડી ગઈ. દાદાને સવાલો પુછતી ગઈ ને દાદા જવાબ આપતા રહ્યા.
હેત્વી ના દાદા અને ભોવાનકાકા મકાનના આગળના ભાગમાં આવેલા ચોગાનમાં ખુરશી ઉપર બેઠા.
હેત્વી ને તો બધું જ જોવું જાણવું હોય એટલે એ ચારેબાજુ નજર ફેરવતી ફેરવતી મકાનના પાછળના ભાગમાં પહોંચી ગઈ. ત્યાં જુનો એક મોટો આંબો હતો. આંબા ની નીચે
ગાય - બળદ ના છાણનો ઉકરડો હતો. ઉકરડામાંંથી ઉગી નીકળેલા દુધીના વેલા આંબા ઉપર ચડી ગયા હતા.
હેત્વી એ આંબા ઉપર નજર કરી તો એણે ત્યાં બે - ત્રણ દુધી લટકતી જોઈ. એ તો મોટેથી બુમ પાડવા લાગી :
" દાદાજી..... ઓ.....દાદાજી....."
મકાનની આગળના ભાગમાં બેઠેલા દાદાજી અને ભોવાનકાકા તો ડરી જ ગયા અને "શું થયું... શું થયું...??? "
કરતા કરતા હેત્વી ના અવાજની દિશામાં દોડવા લાગ્યા.
" અરે આ શું???" મકાનની પાછળ ના ભાગમાં પહોંચ્યા
ત્યાં તો હેત્વી તાળીઓ પાડતી ,ઉછળતી , કુદતી, ખડખડાટ હસતી હતી,,, અને બોલતી જતી હતી ,,, "આંબા ઉપર દુધી... આંબા ઉપર દુધી... આંબા ઉપર દુધી... "
દાદાજી ને જોઈને એનો હાથ પકડીને, પોતાનો બીજો હાથ ઉંચો કરી ને કહે છે : "જુઓ દાદાજી ,આંબા ઉપર દુધી "
અને પુછે છે : " આંબા ઉપર દુધી આવે કે...???"
હેત્વી નું આ વર્તન જોઈને દાદાજી અને ભોવાનકાકા પણ ખડખડાટ હસી પડ્યા. હેત્વી ને થોડી સમજાવી અને બંને
ફરી એક વાર હેત્વી ના એ બાળપણ અને ભોળપણ પર ખુબ હસ્યા .
હવે બપોર થવામાં થોડી વાર છે એેમ સમજી ને દાદાજી એ હેત્વી ને બોલાવી અને ભોવાનકાકા પાસેથી રજા લીધી :"લ્યો, ત્યારે હવે અમે જઈએ . તમેય ક્યારેક આવજો અમારા ઘર પર ... " "રામ - રામ ,,,રામ - રામ ..."
દાદાજી હેત્વી ને તેડીને ચાલતા થાય છે.
હેત્વી ના મનમાં હજી એજ સવાલ ઘુમરાયા કરતો હતો.
" આંબા ઉપર દુધી ક્યાંથી આવી, કેવી રીતે આવી હશે... "
હેત્વી એ દાદાજી ને ફરી એક વાર પુછ્યું. : "દાદાજી,,, આંબા ઉપર દુધી કેવી રીતે આવી હશે ???"
દાદાજી વિચારે છે કે તેઓ હેત્વી ને કેવી રીતે સમજાવે કે એના ગળે વાત ઉતરે.
દાદાજી તો હજી મનમાં વિચારે છે ,,,ત્યાં હેત્વી એ આગળના દિવસે દાદી પાસેથી સાંભળેલું એક કાનુડાનું ગીત
યાદ આવી જાય છે .હેત્વી એના પર થી કંઈક નવું જ ગીત
બનાવી ને ગાય છે : " ઝુલે છે આંબાની ડાળ,
દુધી બાઈ આંબે ઝુલે છે..."
આમ ગીત ગાઈ ને પછી દાદાજીને પુછે છે : " દાદાજી, આવું ગીત ગવાય ખરું,,, કે ન ગવાય ???"
દાદાજી ને હેત્વી ની આ વાત સાંભળીને મનમાં કંઈક
ઝબકારો થયો અને એને જાણે હેત્વી ને સમજાવવાનો રસ્તો મળી ગયો ...
દાદાજી કહેવા લાગ્યા : "બેટા,,, સૌ પ્રથમ તો થોડા દુધીના બીજ લેવાના. એને આંબાની નીચે ના ભાગમાં નાનો ક્યારો
કરી ને રોપવાના .અને રોજ સવારે થોડું થોડું પાણી આપવાનું."
દાદાજી ની વાત વચ્ચે થી અટકાવી ને હેત્વી બોલવા લાગી : " શું ??? આટલી બધી મહેનત કરવી પડે, આંબા ઉપર દુધી લાવવા માટે ???"
હેત્વી ની વાત સાંભળીને દાદા હસવા લાગ્યા ,અને હેત્વી ને સમજાવતાં સમજાવતાં આગળ ચાલવા લાગ્યા. હેત્વી એ આગળ ગાયેલી એક કડી સાથે બીજી કડી જોડવા લાગ્યા .
હેત્વી ને દાદા જેમ જેમ સમજાવતાં જાય તેમ તેમ એ નવા સવાલ પુછતી જાય અને દાદા સમજાવવાની સાથે નવી કડી જોડતા જાય, ઘરે પહોંચતા સુધીમાં દાદા - પૌત્રી એ એક ગીત તૈયાર કરી નાખ્યું.
હેત્વી ના ગળે વાત ઉતરી ગઈ અને મજાનું ગીત પણ બની ગયું .
ઘરે પહોંચી ને હેત્વી એ એની મમ્મી અને દાદી આગળ હસતાં હસતાં ગીત ગાયું .

ઝુલે છે આંબાની ડાળ,,,
દુધી બાઈ આંબે ઝુલે છે...

આંબાના થડે મેં બીજક રોપીયું,,,
પ્રેમે હું પાણીડા પાઉં,,, દુધી બાઈ આંબે ઝુલે છે ...
બે - ત્રણ દિવસ હું રોજ જ જોતી,,,
ચોથે દા'ડે અંકુર દેખાય,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
નાનો મજાનો વેલો પાંગર્યો,,,
મોટા મોટા પાંદ દેખાય,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
આંબા ડાળે મોટી દોરી મેં બાંધી ,,,
વેલો ચડાવ્યો મેં ત્યાંય,,,દુધી બાઈ આંબે ઝુલે છે ...
ખાતર -પોતર હું નિયમિત આપતી ,,,
વેલો ઉંચો ચડ્યો જાય,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
માસ -દોઢ માસ એમ જ વીતીયો,,,
હવે હેત્વી મનમાં મુંઝાય,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
સ્કુલે જવાનો સમય થઈ જાતા,,,
મમ્મી વઠીને લઈ જાય,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
બે - ત્રણ દિવસ મને રજાના મળતાં,,,
દાદા સાથે દોડી ખેતર જાઉં,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
ધોળા મજાના ફુલ મેં દેખીયા,,,
નાની - મોટી દુધી દેખાય,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
દુધી દેખી ને હું કુદવા લાગી,,,
દાદા એ આપી મને લઈ,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
દુધી દેખી ને હું કુદવા લાગી,,,
દાદા એ આપી મને લઈ,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
દુધી લઈ ને હું હસતી ઘેર આવી,,,
મમ્મી-દાદી હસતાં દેખાય,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
મમ્મી એ મજાનો હલવો બનાવ્યો,,,
હેત્વી હસતાં હલવો ખાય,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
ઝુલે છે આંબાની ડાળ,,, દુધી બાઈ આંબે ઝુલે છે...
દુધી બાઈ આંબે ઝુલે છે...

********************************************************************************************
વાર્તા નો બોધ :: બાળકો ની સવાલ પૂછવાની આદત ને નકારી ન કાઢતા એને એની સમજણ પ્રમાણે જવાબ આપવો જોઇએ. ઉંમર મોટી હોય એમની પાસે થી જ શીખવા મળે એવું હોતું નથી. પરંતુ બાળકો પાસે થી આપણને ઘણી વખત કંઈક નવું શીખવા મળે છે.
જેવી રીતે મારી આ વાર્તા માં હેત્વી ની રમતમાં ગાયેલ એક કડી પરથી દાદાજી એ આખું બાલગીત તૈયાર કરી નાખ્યું.

------------------------------------------------------------------------
જય શ્રી કૃષ્ણ