પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૫ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૫

ભાગ ૧૫

ધીમે ધીમે ગતિ વધવા લાગી. બે જાતની ગતિઓ સાથે શ્રેયસ લડી રહ્યો હતો એક તો તે જે કેબીનમાં બેઠો હતો, તે પોતાની ધરી પર ઘૂમરી લઇ રહી હતી અને સાથે સાથે તે સ્તભની આજુબાજુ ફરી રહી હતી. બે મિનિટમાં શ્રેયાંસની હાલત ખરાબ થવા લાગી, તેને ચક્કર આવવા લાગ્યા પછી અચાનક તેને યાદ આવ્યું અને તેણે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને સમગ્ર ધ્યાન પોતાના અંદરના અંગો તરફ ફેરવી લીધું. આગળની આઠ મિનિટ ક્યાં વીતી ગઈ, તેની તેને ખબર પણ ન પડી.

જયારે તે મશીન બંધ થયું એટલે સીટ બેલ્ટ ખોલીને શ્રેયસ બહાર આવ્યો, ત્યાં સુધીમાં ગુમઝા પણ ત્યાં આવી ગયો હતો, તેણે શ્રેયસ સાથે હાથ મેળવ્યા અને કહ્યું, “તમારા જેટલું રિસ્પેક્ટફુલ્લી આ કેબિનમાંથી કોઈ બહાર આવ્યું નથી, બહાર આવ્યા પછી મોટાભાગના લોકો ઉલ્ટી તો કરે જ છે.”

શ્રેયસ મરક મરક હસી રહ્યો હતો. ગુમઝાએ કહ્યું, “તમે સ્પેસ ટ્રેઇનિંગના હકદાર છો, હવે આવતાં બે વર્ષ તમે અહીં ટ્રેઇનિંગ લેશો. પહેલા ચરણમાં તમને અંતરીક્ષયાન અને તેની અંદરના પાર્ટસ અને એકવીપમેન્ટ્સ વિષે માહિતી આપવામાં આવશે અને તેનો ઉપયોગ શી રીતે કરવો તેની મૂળભૂત માહિતી આપવામાં આવશે. તે પછીના ચરણમાં અહીં જ અંતરીક્ષનું વાતાવરણ ઉભું કરીને તેમાં રહેવાની ટ્રેઇનિંગ આપવામાં આવશે અને છેલ્લા ચરણમાં અમારા અંતરિક્ષમાં રહેલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવશે.”

શ્રેયસે હકારમાં માથું હલાવ્યું એટલે ગુમઝાએ કંટ્રોલ રૂમ તરફ જોઈને ઈશારો કર્યો એટલે એક યુવતી તેમની નજીક આવી. ગુમઝાએ કહ્યું, “આ મિની છે, આ તમને તમને જ્યાં રહેવાના છો ત્યાંના મેનેજર સાથે મુલાકાત કરાવશે.”

ગુમઝા સાથે હાથ મેળવીને શ્રેયસ મીનીની પાછળ એક દિશામાં વધ્યો. ચાલતાં ચાલતાં મિનીએ શ્રેયસ તરફ જોઈને કહ્યું, “આય એમ ઇમ્પ્રેસ્ડ! તમે ખરેખર બહુ ડેશિંગ છો.”

શ્રેયસ મલકાયો એટલે મિનીએ તરત શ્રેયસના ગાલે ચુંબન કર્યું અને કહ્યું, “હું તો તમારા પ્રેમમાં પડી ગઈ.”

શ્રેયસે તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને શાંતિથી ચાલતો રહ્યો. મિની થોડી ડઘાઈ ગઈ કારણ આજ સુધી તેણે જેને જેને કિસ આપી હતી તે બધા તેની આગળ પાછળ જ ફરતા. જયારે આ વ્યક્તિએ ધ્યાનથી ચહેરા તરફ પણ ન જોયું અને તેના ચેહરા પર કોઈ હાવભાવ પણ ન આવ્યા, પણ ક્યાં સુધી બચશે આવતા બે વર્ષ તું મારા તાબામાં છે.

શ્રેયસે સ્મિત કરીને કહ્યું, “મને તાબામાં રાખવો એટલો આસાન નથી.”

મિનીના ચહેરા ઉપર આશ્ચર્ય હતું, તેણે પૂછ્યું, “શું મેં કઈ કહ્યું?”

શ્રેયસે કહ્યું, “હા, મનમાં કહ્યું ને!”

મિનીએ ફરીથી કહ્યું, “આય એમ રિયલી ઇમ્પ્રેસ્ડ!” એમ કહીને વાઘ જેવું મોઢું કરીને તેનો અવાજ કાઢ્યો એટલે શ્રેયસ અને મિની બંને  હસી પડ્યા.

તેઓ એક રૂમ પાસે ઉભા હતા. મિનીએ કહ્યું, “આ તમારો રૂમ છે અને તમારે આવતા બે વર્ષ સુધી અહીં જ રહેવાનું છે.” એમ કહીને ત્યાં રહેલ એક સ્ક્રીન ઉપર નંબર પ્રેસ કરીને કહ્યું, “રોમી, જલ્દી આવ.”

થોડી જ વારમાં એક વ્યક્તિ ત્યાં આવ્યો. લગભગ પાંચ ફુટ ત્રણ ઇંચની ઊંચાઈ હતી તેની. મિનીના ખભા સુધી જ આવતો હતો. મિનીએ શ્રેયસને કહ્યું, “આ રોમી છે, આ અહીંનો મેનેજર કમ કેરટેકર છે. આ તમારી બધી સગવડોનું ધ્યાન રાખશે” અને રોમી તરફ ફરીને કહ્યું, “આ મારા ખાસ મિત્ર છે, તેમનું ખાસ ધ્યાન રાખવાનું છે.”

રોમીએ ભ્રમર નચાવીને કહ્યું, “ઓહો, ખાસ મિત્ર તેમનું ખાસ ધ્યાન તો રાખીશ, પણ મારું ધ્યાન કોણ રાખશે?”

તેના ચહેરા ઉપરના હાવભાવ જોઈને શ્રેયસને હસવું આવી ગયું. મિનીએ તેના ગાલ પર ટપલી મારીને કહ્યું, “હું છું ને તારું ધ્યાન રાખવા માટે નૉટી બોય!” એટલું કહીને શ્રેયસને બાય કહીને ત્યાંથી નીકળી ગઈ.

શ્રેયસે વિચાર્યું ચાલો સારું છે, કોઈ તો છે અહીં મનોરંજન માટે. રોમીએ શ્રેયસ તરફ ફરીને કહ્યું, “આ સ્ક્રીન ઉપર અહીંના નિયમો અને સગવડો વિષે માહિતી મળશે અને જે પણ ખાવાપીવાની વસ્તુ જોઈતી હોય તેનું મેનુ પણ તેમાં મળી જશે. અહીંનો નકશો પણ તમને સ્ક્રીન પર દેખાઈ જશે, અત્યારે આપણે ચોથા માળે છીએ.” શ્રેયસે અંગુઠો ઊંચો કરીને ઓકે કહ્યું.

રોમીના ગયા પછી શ્રેયસ રૂમમાં રહેલ બેડ ઉપર આડો પડ્યો અને વિચારવા લાગ્યો, તેનું જીવન પણ કેટલું અસ્થિર છે, ગઈકાલે ક્યાં હતો અને આજે ક્યાં છે. નાનપણમાં JICAPS  રીજનમાં જન્મ થયો શરૂઆતનું શિક્ષણ ત્યાં જ લીધું. પિતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા અને માતા ઇતિહાસનાં શિક્ષિકા. માતાની ઈચ્છા હતી કે તે ઇતિહાસકાર બને અને પિતાની ઈચ્છા હતી કે તે પોલીસ બને અને તેણે બંનેની ઈચ્છા પુરી કરી. પણ તે પિતાની જેમ સામાન્ય પોલીસને બદલે ઇન્ટરરીજનલ ઇન્ટેલિજન્સ એન્ડ વિજિલન્સ ડિપાર્ટમેન્ટનો (IRIV ) એજન્ટ (જાસુસ)  બન્યો, પણ એજન્ટ તરીકે જાહેરમાં ઓળખાણ આપી ન શકાય તેથી ડિપાર્મેન્ટ તેને એક ઇતિહાસકાર તરીકે પ્રસ્થાપિત કર્યો. જાસુસ તરીકે શ્રેયસે ઘણા બધા કેસેસ સોલ્વ કર્યા અને ઘણા બધા ક્રિમિનલ્સને ખતમ કર્યા હતા. પાંચ વર્ષ પહેલાં તેને IRIV નો ચીફ બનાવ્યો, પણ છ જ મહિનામાં ખુરસીમાં બેસીને કંટાળ્યો એટલે સ્વેચ્છાએ ચીફની પોસ્ટ ઉપરથી રાજીનામુ આપીને ફરીથી ફિલ્ડ એજન્ટ બની ગયો અને સિરમનો કેસ તેના માટે બહુ ચેલેંજિંગ હતો.

IRIV ની સ્થાપના રાજનકુમારે ઇન્ટરરીજનલ ક્રાઇમને કંટ્રોલ કરવા માટે કરી હતી. IRIV નું રિપોર્ટિંગ URO ને હતું. IRIV નું મુખ્ય કામ જે ક્રિમિનલો ઇન્ટરરીજનલ ક્રાઇમ કરતા હતા, તેમને કંટ્રોલ કરવાનું હતું. જે ક્રિમિનલો એક રીજનમાં બેસીને બીજા રીજનમાં ક્રાઇમ કરતા તેમને પકડી લેતા અથવા ખતમ કરી દેતા. શ્રેયસ આ સંસ્થાનો સ્ટાર એજન્ટ હતો. પણ જાહેરમાં તેની ઓળખ ઇતિહાસકાર તરીકેની હતી અને તેણે લખેલી ઇબુકસ પણ બેસ્ટ સેલર ડિક્લેર થઇ હતી. માતા તેને ઇતિહાસકારના રૂપમાં જોઈને ખુશ હતી, પિતા બહુ ખુશ તો ન હતા, પણ તેમણે સત્ય ને સ્વીકાર કરી લીધું હતું કે પુત્ર ઇતિહાસકાર છે.

પણ એક વખત એવું બન્યું કે શ્રેયસ ડ્રગ ડીલરના કેસને હેન્ડલ કરી રહ્યો હતો, તે સમયે તેનો સામનો તેના પિતાજી સાથે થયો. ઇન્ટરરીજનલ ડ્રગ નેટવર્ક તોડવા માટે શ્રેયસ એક ગેંગમાં સામેલ થઇ ગયો અને છ મહિના સુધી તેમના માટે કામ કરતો રહ્યો.  તેણે ગેંગની સંપૂર્ણ મોડસ ઓપરન્ડી જોઈ લીધી અને ચાર દિવસ પછી આખી ગેંગને પકડાવીને સંપૂર્ણ નેટવર્કની કમર તોડવાનો પ્લાન બનાવ્યો અને તે જ દિવસે તેના પિતાએ તે અડ્ડા પર રેડ પડી અને ગેંગના થોડા માણસો સાથે શ્રેયસ પણ પકડાઈ ગયો.

તેના પિતાજી તે વાતથી બહુ આહત થયા અને તેમણે શ્રેયસને અરેસ્ટ કરીને જેલમાં પૂર્યો. આમ જો IRIV ની નીતિ હતી કે જો કોઈ એજન્ટ પકડાઈ જાય તો પણ તેની ઓળખ છતી ન કરવી અને થોડા સમય પછી જેલમાંથી છોડાવવો, પણ આ મામલો પરિવાર વિખવાદ થાય તેવો હોવાથી સ્વયં IRIV ના ચીફે શ્રેયસના પિતાને હેડ કવાર્ટરમાં બોલાવીને શ્રેયસની અસલી ઓળખાણ તેમને આપી અને તે દિવસે શ્રેયસે તેના પિતાના ચેહરા પર જોયેલી ખુશી કદી ભુલાવી ન શક્યો. 

તેના પિતા હર્ષથી રડી પડ્યા હતા અને શ્રેયસને ગળે વળગાડ્યો હતો અને કહ્યું, “આ વાત તું મારા જેવા પોલીસ ઓફિસરથી છુપાવી શક્યો, તે દર્શાવે છે કે તું એક સારો એજન્ટ છે. જો આ વાત મને પહેલાં ખબર પડી ગઈ હોત, તો મને ખુબ દુઃખ થાત.”

તે ઘટના યાદ કરીને શ્રેયસના ચેહરા ઉપર હાસ્યની લહેરખી આવી ગઈ. ધીમે ધીમે તે ઊંઘની આગોશમાં જતો રહ્યો.

ક્રમશ: